વિષ્ણુ વાહક ગરુડદેવ Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ્ણુ વાહક ગરુડદેવ

આપણે સૌ ભગવાન વિષ્ણુ ના વાહન ગરુડ દેવ છે એ જાણીએ છે. કહેવાય છે કે ગરૂડ દેવ ત્રણે લોકો માં સૌથી શક્તિશાળી પ્રાણી છે અને એટલે જ ભગવાન વિષ્ણુ એ તેમને પોતાનું વાહન બનાવી લીધા હતા.

ગરૂડ દેવ ભગવાન વિષ્ણુ ના વાહન કેવી રીતે બન્યા તે કથા ખૂબ જ રોચક છે. ઘણા લોકો જાણતા હશે કે ગરૂડ દેવ મહર્ષિ કશ્યપ ના પુત્ર હતા. મહર્ષિ કશ્યપ ની બહુ બધી પત્ની હતી. તેમાં થી ૨ પત્ની ના નામ હતા વિનતા અને કદરૃ. આ બન્ને સગી બહેન હોવા છતાં એકબીજા ની કટ્ટર દુશ્મન હતી.

એકવાર કદરૃ એ પોતાના પતિ સમક્ષ ૧૦૦૦ નાગ પુત્રો ને જન્મ આપવાની ઈચ્છા પ્રગટ કરી. જ્યારે વિનતા ને આ જાણ થઈ ત્યારે તેને પણ એવા ૨ પુત્રો ને જન્મ આપવાની ઈચ્છા પ્રગટ કરી જે કદરૃ ના ૧૦૦૦ પુત્રો થી વધારે શક્તિશાળી અને પરાક્રમી હોય.

આ ઈચ્છા પ્રગટ કર્યા પછી બન્ને બહેનો ગર્ભવતી થઈ ગઈ. સમય આવતા કદરૃ એ ૧૦૦૦ ઈંડા ને જન્મ આપ્યો અને વિનતા એ ૨ ઈંડા ને જન્મ આપ્યો. હા, પુરાતન યુગ માં સ્ત્રીઓ ઈંડા ને જન્મ આપતી એ પણ એક અલગ કથા છે જેની ચર્ચા ફરી ક્યારેક.

એ બધા ઈંડા ને તેમણે ગરમ વાસણો માં મૂકી દીધા. ઈંડા ને ગરમાવો મળવો જરૂરી છે તે સૌ કોઈ જાણે છે. કેટલાક સમય બાદ કદરૃ ના ઈંડા ફૂટ્યા અને તેમાં થી શેષનાગ અને વાસુકિ નાગ સહિત અનેક શક્તિશાળી નાગો નો જન્મ થયો.

વિનતા ના ઈંડા હજી પણ ફૂટ્યા નહોતા. પોતાના પુત્રો નો હજી પણ જન્મ નથી થયો એ જોઈ ને અધીરી થયેલી વિનતા એ એક ઈંડું પોતાની જાતે જ ફોડી નાખ્યું.

ઈંડુ ફૂટતા તેને જોયું કે એ ઈંડા માં જે શિશુ હતું એ એક પક્ષી હતું. જેનું ઉપર નું શરીર જ વિકસ્યું હતું .તેના શરીર નો નીચે નો ભાગ હજી વિકસ્યો નહોતો.

ને બાળક નો જન્મ થતા તે ક્રોધ માં આવી ગયો અને તેને ક્રોધ માં તેને વિનતા ને શ્રાપ આપ્યો કે જે બહેન ની સરખામણી કરવા માટે તે મને અધૂરા શરીરે જન્મ અપાવ્યો તે જ બહેન ની દાસી બની ને તું તારુ આખું જીવન વ્યતીત કરીશ.

પોતાના જ બાળક થી શ્રાપ મળતા વિનતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. એ જોઈ તે બાળક પણ દુઃખી થયુ અને તેને શ્રાપ નું નિવારણ આપતા વિનતા ને કહ્યું કે અગર તમે તમારા બીજા બાળક ને પૂર્ણ શરીર સાથે જન્મ લેવા દેશો તો તે જ બાળક તમને દાસત્વ માં થી મુક્તિ અપાવશે.

આટલું કહી એ બાળક આકાશ માં ઊડી ગયું. અને ત્યાર બાદ તે ભગવાન સૂર્યદેવ ના રથ નો સારથિ બન્યો. તે બાળક નું નામ અરુણ પડ્યું. સૂર્યોદય ના સમયે આકાશ માં જે લાલિમા છવાયેલી હોય છે તે આ બાળક અરુણ ના કારણે હોય છે.

પોતાના પુત્ર અરુણ થી મળેલા શ્રાપ ના કારણે વિનતા એ તેનું બીજું ઈંડુ જાતે ફૂટે તેની રાહ જોઈ હતી. અને સમય આવ્યે જ્યારે ઈંડુ ફૂટ્યું ત્યારે તેમાં થી ગરુડ નામ નું મહા બળશાળી પક્ષી ઉતપન્ન થયું. ગરુડ ખૂબ જ બળશાળી અને પરાક્રમી હતો.

ગરુડે જ્યારે જાણ્યું કે તેની ઓરમન માં કદરૃ એ પોતાના પુત્રો સાથે મળી ને દગા થી તેની મા ને દાસી બનાવી લીધી છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો. તે બધા નાગપુત્રો પાસે પહોંચી ગયો અને તેમને પૂછ્યું કે હું તમારા માટે એવું શું કરું જેના થી તમે મારી માતા ને દાસત્વ માં થી મુક્તિ આપશો? ત્યારે બધા નાગે કહ્યું કે અગર તું અમને અમૃત લાવી આપીશ તો અમે તારી માતા બે દાસત્વ માં થી મુક્તિ આપીશું.

ગરુડ દેવે પોતાની માતા ને દાસત્વ માં થી મુક્તિ અપાવા સ્વર્ગલોક પર આક્રમણ કર્યું અને દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવો ને હરાવી સ્વર્ગ થી અમૃત નો કળશ લઈ ગયા.

જ્યારે ભગવાન વિષ્ણુ એ ગરુડ ને અમૃત નો કળશ લઈ ને જતા જોયો ત્યારે તેમને વિચાર્યું કે ગરુડ ના હાથ માં અમૃત છે તેમ છતાં તેને અમૃત પી ને અમર થવાની જરા પણ લાલચ નથી. આથી તેઓ ગરુડ પાસે ગયા અને તેને કહ્યું કે હું તારા થી ખૂબ ખુશ છું તું વરદાન માંગ. ત્યારે ગરુડે વરદાન માંગતા કહ્યું કે પ્રભુ મને તમારી ધજા માં સ્થાન આપો. બીજું વર એ આપો કે અમૃત પીધા વગર પણ હું અજર અમર થઈ જાઉં.

ગરુડ ની વાત સાંભળી ભગવાને તથાસ્તુઃ કહ્યું. અને ગરુડ અમર બની ગયા. ત્યાર બાદ ગરુડ ભગવાન વિષ્ણુ ને કહ્યું કે તમે પણ મારી પાસે એક વરદાન માંગો. હું તે જરૂર આપીશ. ત્યારે ભગવાનવિષ્ણુ એ કહ્યું કે તું મારુ વાહન બની જા. અને આ રીતે ગરુડ દેવ ભગવાન વિષ્ણુ નું વાહન બન્યા.

ગરુડ દેવ ની આકથા પુરાણો અને દંત કથાઓ પર આધારિત છે. જેને તમારા સમક્ષ લાવવા માટે પ્રયત્ન કર્યો છે. કથા માં કોઈ ત્રુટી હોય તો ક્ષમા કરશો અને જો ગમે તો પ્રતિભાવ જરૂર આપજો.

***