જય વિજય Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જય વિજય

આપણે બધા એ જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુ ના દ્વારપાલ જય અને વિજય ને સનત મુનિઓ દ્વારા શ્રાપ મળ્યો હતો. શ્રાપ મળતા જય વિજય ભગવાન વિષ્ણુ પાસે મદદ લેવા માટે ગયા. ભગવાને કહ્યું કે શ્રાપ નિવારી શકાય તેમ નથી પણ હું તમને બે વિકલ્પ આપું છું એ બે માંથી તમને જે વિકલ્પ યોગ્ય લાગે તેવી રીતે તમે શ્રાપ ને ભોગવી શકશો.

૧) તમે સાત જન્મ સુધી વિષ્ણુ ભક્ત બની પૃથ્વી પર જન્મ લો. અથવા ૨) તમે ત્રણ વખત રાક્ષસ અને મારા કટ્ટર દુશ્મન બની ને જન્મ લો. આ બન્ને સ્થિતિ માં જન્મ પુરા થતા તમે પાછા વૈકુંઠ માં કાયમ માટે મારી સાથે નિવાસ કરી શકશો.

જય વિજય સાત જન્મ સુધી ભગવાન થી દુર રહેવા નહોતા માંગતા આથી તેમણે ત્રણ જન્મ સુધી રાક્ષસ બની ને જન્મ લેવા નું પસંદ કર્યું. જેના પરિણામ સ્વરૂપ તેઓ સતયુગ માં હિરન્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. ત્રેતા યુગ માં રાવણ અને કુંભકર્ણ બન્યા. દ્વાપરયુગમાં શિશુપાલ અને દનતાવક્ર બન્યા જેનો શ્રી કૃષ્ણ એ ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ જય વિજય નો પાછો વૈકુંઠ માં વાસ થયો. પણ આ જય વિજય હતા કોણ ? કેવી રીતે તેઓ વૈકુંઠ ના દ્વારપાલ બન્યા? એની જાણકારી બહુ ઓછા લોકોને છે.

શ્રીમદ ભાગવતપુરાણ ના ૮ માં ભાગ ના ૨ અધ્યાય માં અને સ્કન્દ પુરાણ માં વૈષ્ણવ ખન્ડ ના કાર્તિક માસ માહાત્મ્ય માં આનું વર્ણન મળે છે.

પૂર્વ કાળ માં મુનિ કદમ ની પત્ની દેવહુતિ ના ગર્ભ થી બે પુત્ર નો જન્મ થયો. જેમાં થી મોટા નું નામ જય અને નાના નું નામ વિજય હતું. જય અને વિજય બન્ને આખો દિવસ ભગવાન વિષ્ણુ ની અર્ચના ઉપાસના માં તલ્લીન રહેતા હતા. એ આખો દિવસ અષ્ટા ક્ષર મંત્ર “ઓમ નમો: નારાયણા “ નું રટણ કરતા અને વૈષ્ણવ વ્રતો નું પાલન કરતા.

આ કારણ થી તેઓ ભગવાન વિષ્ણુ ના પ્રિય હતા. એક દિવસ રાજા મહુતે જય વિજય ને પોતાના ત્યાં યજ્ઞ કરવા માટે આમંત્રણ આપ્યું. તે યજ્ઞ માં જય ને બ્રાહ્મણ બનાવવા માં આવ્યો અને વિજય ને આચાર્ય બનાવવા માં આવ્યો. બન્ને ભાઈઓ એ વિધિપૂર્વક યજ્ઞ પૂર્ણ કરાવ્યો. યજ્ઞ પૂર્ણ થતાં રાજા મહુત ખૂબ જ ખુશ થયા અને બન્ને ભાઈ ઓ ને બહુ બધું ધન દાન કર્યું.

ધન મળતા બન્ને ભાઈઓ ખૂબ જ ખુશ થયા. અને ઘરે આવ્યા.પરંતુ ધન ની વહેંચણી વખતે બન્ને ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાયો. મોટાભાઈ જય ના મત મુજબ ધનને સરખા ભાગે વહેંચવું જોઈએ. પરંતુ વિજય ના મતે જેને જેટલું મળ્યું છે એટલું જ તેની પાસે રહેવું જોઈએ કારણકે તેને જય કરતા વધારે ધન મળ્યું હતું એટલે તે નહોતો ઈચ્છતો કે તેના ભાગ નું ધન તેના મોટા ભાઈ ને મળે.

વિજય ની આ વાત સાંભળીને મોટો ભાઈ જય ખૂબ જ દુઃખી થઈ ગયો. ગુસ્સા માં આવી ને તેને વિજય ને શ્રાપ આપ્યો કે તું ગ્રહણ કરે છે પછી પાછો આપતું નથી એટલે તું “ગ્રાહ”એટલે કે મગર થઈ જા.

મોટા ભાઈ ના શ્રાપ થી વિજય પણ ક્રોધિત થઈ ગયો અને તેને પણ સામે શ્રાપ આપતા કહ્યું કે તું મદ થી છકી ગયો છે આથી તું “માતંગી (હાથી)“ની યોનિ માં જન્મ લઈશ. બન્ને ભાઈઓ નો ક્રોધ શાંત થતા પોતે આપેલા શ્રાપ માટે પછતાવો થવા લાગ્યો. આથી તેઓ બન્ને શ્રાપ ના નિવારણ માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુ એ તેમને કહ્યું કે તમે બન્ને મારા પરમ ભક્ત છો એટલે તમારું કહેલું ક્યારે પણ મિથ્યા થઈ શકે નહિ. આથી તને બન્ને તમારા શ્રાપ ને ભોગવી ને વૈકુંઠ પામશો. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા.

બન્ને ભાઈઓ ત્રિકૂટ નામ ના પર્વત પાસે ગંડકી નદી ના તટ પર ગ્રાહ અને ગજ ના રૂપ માં પરિવર્તિત થઈ ગયા. ગ્રાહ એટલે કે મગર નદી માં રહેવા લાગ્યો અને ગજ ત્યાં ના જંગલો માં વિચરણ કરવા લાગ્યો.

થોડા સમય બાદ કાર્તિક માસ માં ગજરાજ સ્નાન કરવા માટે તે જ નદી પટ પર આવ્યો. જેવો એ નદી માં થોડો અંદર ગયો કે તરત જ મગરે તેનો પગ પકડી લીધો. મગર ના પગ પકડી લેવા ના કારણે થતી પીડા ના કારણે થતી પીડા થી હાથી જોર થી ચીસો પાડવા લાગ્યો. બન્ને જણા પોતા નું જોર લગાવતા રહ્યા. આ રીતે લડતા લડતા લગભગ ૧૦૦૦ વર્ષ નો સમય વીતી ગયો. અંતે મગર જળચર હોવાને કારણે તેની શક્તિ એમ ની એમ રહી અને હાથી હારવા લાગ્યો.

જ્યારે હાથી ને થયું કે તે હારવા લાગ્યો છે ત્યારે તેણે ભગવાન વિષ્ણુ નું સ્મરણ કર્યું. અને તેના થી પ્રસન્ન થઈ ને ભગવાન ગરુડ પર બિરાજમાન થઈ ને ત્યાં આવ્યા. ગજ અને ગ્રાહ ને તેમના શ્રાપ માં થી મુક્તિ આપવા પોતાનાં સુદર્શન ચક્ર થી મગર નું મોઢું ફાડી નાખ્યું. આ રીતે જય વિજય ને મોક્ષ ની પ્રાપ્તિ થઈ અને ભગવાન વિષ્ણુ તેમની આત્મા ને વૈકુંઠ લઈ ગયા. ત્યાં તેમને દ્વારપાલ ની પદવી પ્રાપ્ત થઈ. જે સ્થાન પર આ ઘટના બની તે સ્થાન હરી ક્ષેત્ર તરીકે ઓળખાયું.

ગજેન્દ્ર મોક્ષ ની કથા તમે બાળપણ માં જરૂર સાંભળી હશે. આ કથા માં બહુ મોટો બોધ છે. આ સંસાર માં મનુષ્ય જીવન અને મૃત્યુ ના ચક્ર માં ફસાયેલો રહે છે. જીવન માં આપણે ગજેન્દ્ર નો પાઠ ભજવીએ છે. મગર એ આપણા પાપ નું પ્રતીક છે અને સંસાર એ નદી નું પ્રતીક છે.જેમાં તે બન્ને ફસાયેલા હતા. અંત માં જ્યારે આપણે આ નદી રૂપી સંસાર માં થી નીકળી શકતા નથી ત્યારે આપણે ભગવાન ને યાદ કરીએ છે. તેમને મોક્ષ માટે પ્રાર્થના કરીએ છે.

આ વાર્તા ગ્રન્થ ને આધારિત છે. ઘણા વાચકો ને મારી આવી વાર્તા ઓ ને વાંચી ને ઘણી અસમજ ઉતપન્ન થાય છે. તેમના માટે જ ક્યાં ગ્રન્થ પર આધારિત છે તે લખેલું છે. માટે વિનંતી છે કે તમારા પ્રતિભાવ વિચારી ને આપશો.

ધન્યવાદ

***