યોમ કિપ્પુર વૉર Akash Kadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોમ કિપ્પુર વૉર

યોમ કિપ્પુર વૉર

આકાશ કડિયા

યુદ્ધ ની કહાનીઓ રોમાંચ જગાવે તે સામાન્ય વાત છે પણ તેમાં જો સામે પક્ષેના સૈન્યબળ કે શસ્ત્રો ની સંખ્યા કે તેમની બનાવટ માં રહેલો ભેદ કે ભૌગોલિક અવરોધો હોવા છતાં કોઈ દેશ ખુમારી થી લડ્યો હોય તેવી કહાનીઓ અલગ જ આકર્ષણ ઉભું કરે છે. વાત જ્યારે ખુમારી થી લડવાની હોય અને ઇઝરાયેલ નું નામ ના આવે એવું ભાગ્યે જ બને. અત્યાર સુંધી માં ઇઝરાયેલ દ્વારા લડવામાં આવેલા બધાજ યુદ્ધમાં ઇઝરાયેલ જ સામે વાળા પર હાવી થઈ રહ્યું છે પરંતુ એક યુદ્ધ એવું પણ લડાયું જેમાં શરૂઆતના દિવસો ઇઝરાયેલ માટે પણ લોઢાના ચણા ચાવવા સમાન હતા અને યુદ્ધ બાદ ઇઝરાયેલ એ આરબ દેશો સાથે શાંતિ માટે પહેલ પણ કરી હતી. એ યુદ્ધ એટલે ૧૯૭૩ માં ઓક્ટોબર મહિનામાં ૬ તારીખ થી ૨૫ તારીખ વચ્ચે લડાયેલું યોમ કિપ્પુર વૉર, જે રમાદાન યુદ્ધ તરીકે પણ ઓળખાય છે કારણ એ વખત ઇસ્લામ નો પવિત્ર મહિનો રમાદાન (રમઝાન) ચાલી રહ્યો હતો.

ઇઝરાયેલ એટલે યહૂદીઓ નો દેશ એ યહૂદીઓ જે પોતે ઇજિપ્ત ના રાજા (ફેરો) ની ગુલામી માંથી છૂટી ને આવેલી પ્રજા એટલે આઝાદી તો કોઈ પણ કિંમતે તે ગુમાવે નહીં એવી ખુમારી તો તેમના લોહીમાં ભળી ગયેલ છે. ઇઝરાયેલ નું ભૌગોલિક સ્થાન જોઈને જ તેની ખુમારીથી જીવવાની વાત નો અંદાજો આવી જાય કારણ કે ઇઝરાયેલ ત્રણ તરફ આરબ દેશો થી ઘેરાયેલો પ્રદેશ અને આ આરબ દેશો સાથે ઇઝરાયેલ ને બાપે માર્યા વેર જેવો સબંધ જેમાં સમાવેશ થાય છે ઇજિપ્ત, જોર્ડન, લેબેનોન અને સિરિયા જેવા અરેબિક દેશોનો તો બીજી તરફ ભૂમધ્ય સમુદ્ર અને આ ઉપરાંત સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન ના આંતર વિગ્રહો તો ખરા જ.

આ યુદ્ધ ના બીજ ૧૯૬૭ ના ઇઝરાયેલ - આરબ દેશો વચ્ચેના સિક્સ ડે વૉર ના અંત સાથે જ રોપાઈ ગયા હતા જેમાં ઇઝરાયેલ ની જીત થઈ હતી અને આરબ દેશોએ ઇજિપ્ત ના સાઈનાઇ પેનીન્સુલા , સિરિયાના ગોલન હાઇટ્સ નો અડધો પ્રદેશ, જોર્ડન નો વેસ્ટ બૅન્ક નો ઘણો ખરો હિસ્સો ગુમાવવો પડ્યો હતો. આ પ્રદેશો પર પોતાની માલિકી ફરી જમાવવા કેટલાક અરબ દેશો એ ફરી સંગઠિત થઈ ઇઝરાયેલ પર હમલો કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. બીજી તરફ ઇઝરાયેલ સિક્સ ડે વૉર પછી સાઈનાઈ અને ગોલન હાઇટ્સ ના પ્રદેશો અરબ દેશો ના પાછા આપી શાંતિ સંધી પર હસ્તાક્ષર કરવા તૈયારી બતાવી પરંતુ તેની બે શરતો હતી કે આ પ્રદેશો માં કેટલોક ભાગ ઇઝરાયેલ પોતાને હસ્તગત રાખશે અને આ સંધી કોઈ ત્રીજા દેશ ની દખલગીરી વગર સીધે સીધી આરબ દેશો સાથે જ કરવામાં આવશે. પરંતુ સામે પક્ષે ખારતુમ આરબ સમિટ માં ભેગા મળેલા આઠ દેશો ઇજિપ્ત, સીરિયા, જોર્ડન, લેબેનોન, ઇરાક, કુવૈત, સુદાન અને અલજીરિયા એ થ્રી નોસ (three No's) નો ઠરાવ પાસ કર્યો જે મુજબ ઇઝરાયેલ સાથે શાંતિ મંત્રણા, કોઈ બાબત ની માન્યતા કે કોઈ સમજૂતી નહિ કરવામાં આવે.

૧૯૭૦ માં ઇજિપ્ત ના પ્રેસિડેન્ટ ગામેલ અબ્દેલ નાસેર ના મૃત્યુ બાદ સાદત હસન ઇજિપ્ત ના નવા પ્રેસિડેન્ટ બન્યા. સાદત હસને યુ એન ના અધિકારી ગન્નાર જેરિંગ સાથે મળી ૧૯૭૧ માં ઇઝરાયેલ સાથે શાંતિ સ્થાપવાના પ્રયત્નો શરૂ કર્યા અને આ પ્રયાસો પાછળ સાદત હસન નો મૂળ હેતુ વિશ્વમાં પોતાની પોલિટિકલ ઇમેજ મજબૂત કરવાનો હતો. ફેબ્રુઆરી ૧૯૭૧ માં ઇજિપ્ત દ્વારા તેની પાર્લામેન્ટ માં જો ઇઝરાયેલ તેની સેના પોતે હસ્તગત કરેલા પ્રેદેશોમાંથી દૂર કરે તો પોતાના હસ્તગત સુએઝ કેનાલ ઇઝરાયેલ માટે ખુલ્લી કરવાની વાત રજૂ કરી. ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ માં ગન્નાર જેરિંગ દ્વારા ઇઝરાયેલ - આરબ દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસ રૂપ એક એગ્રીમેન્ટ રજૂ કરવામાં આવ્યું. જોકે ઇજિપ્ત દ્વારા તેને ગાઝા પટ્ટી અને અન્ય કેટલાક પ્રદેશો ની સરહદ ની વહેંચણી મંજુર ના હોવાનું કહી અસહમતી દર્શાવે રાખી ઉપરાંત જ્યાં સુધી ઇઝરાયેલ ૧૯૬૭ માં જીતેલા પ્રદેશો માંથી પોતાનું લશ્કર દૂર નહિ કરે ત્યાં સુંધી આ શાંતિ સમજૂતી શક્ય નથી એવું પણ કહેવામાં આવ્યું. ઇજિપ્ત ની આ દલીલ સામે ઇઝરાયેલ ના તે વખતના વડાપ્રધાન ગોલ્ડા મેર એ સમજૂતી નકારી કાઢી જોકે પાછળ થી તેમણે ૧૯૬૭ માં જીતેલા માં જીતેલા પ્રદેશો માંથી માંથી આંશિક ભાગ પાછો આપવાની તૈયારી બતાવી પરંતુ સાઈનાઈ પેનીન્સુલા માંથી પોતાનું આખું લશ્કર પાછું ખેંચવાની વાત ની ઘસી ને ના પાડી દીધી.

હાફેઝ અલ અઝદ, સીરિયાના રાજા ને શાંતિ મંત્રણા કે વાટાઘાટો દ્વારા ઇઝરાયેલ પાસે થી ગોલન હાઈટ્સ નો પ્રદેશ પાછો મેળવી શકાય તેના કરતા સશસ્ત્ર આક્રમણ વધારે યોગ્ય વિકલ્પ લાગ્યો અને તે માટે સીરિયાએ પોતાની લશ્કરી તાકાત વધારવાનું કાર્ય પણ શરુ કરી નાખ્યું. સીરિયાને વિશ્વાસ હતો કે ઇજિપ્ત ની લશ્કરી મદદ મળે તો તે ઇઝરાયેલ પર હુમલો કરી ગોલન હાઈટ્સ પાછું મેળવી આરબ દેશો માં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. સાદત હસન ના પ્રેસિડેન્ટ બન્યા બાદ નો ઇજિપ્ત નો સમય ગાળો ઇજિપ્તવાસીઓ માટે સહુથી વધારે નિરાશા જનક હતો અને સાદત હસન માટે પણ ઇઝરાયલ પર હુમલો કરવો એ પોતાની પ્રેસિડેન્ટ ની છબી સુધારવાનો સારો મોકો લાગ્યો. જોકે બીજા આરબ દેશો એ ઇઝરાયેલ પર હુમલો કરવા માં એટલો ઉત્સાહ ના દાખવ્યો. જોર્ડન ના રાજા હુસૈન આ પહેલાના યુદ્ધમાં પોતાના દેશનો ઘણો પ્રદેશ ગુમાવી ચુક્યા હતા અને તે ફરી કોઈ નુકશાન ભોગવવા ઇચ્છતા નહતા. ઇરાક અને સીરિયા વચ્ચે પણ સંબંધો તનાવ પૂર્ણ હતા આથી શરૂઆત માં ઇરાકે પણ સીરિયાના ઇઝરાયેલ પર ના હુમલાની યોજના માં જોડાવવાની ના પાડી. લેબેનોન એ પોતાના નાના સૈન્ય બળ અને દેશ ની આંતરિક અસ્થિરતા ને લીધે અસહમતી જાહેર કરી. બીજી તરફ સાદત હસને ત્યાં સુધી કહ્યું કે ઇઝરાયેલ પાસેથી પોતાન પ્રદેશો પાછા મેળવવા ઇજિપ્ત જરૂર પડે પોતાના લાખો સૈનિકો પણ કુરબાન કરી નાખશે. જોકે યુદ્ધ ની શરૂઆત ના થોડા મહિનાઓ પહેલા સાદત હસન એ યુદ્ધ તરફી આરબ દેશો ના સહકાર માટે ના પ્રયાસો શરુ કરી દીધા અને ૧૯૭૩ ના મધ્યગાળા સુંધી માં તેના કહેવા મુજબ તેની સાથે આરબ પ્રદેશો , આફ્રિકન દેશો અને કેટલાક યુરોપિયન દેશો નો પણ સહકાર હતો. ઇજિપ્ત દ્વારા સુએઝ કેનાલ ને પાર કરી ઇઝરાયેલ પર હુમલો કરવાના પ્લાન ને "ઓપરેશન બદર" નામ અપવમાં આવ્યું.

યુદ્ધ ને પરોક્ષ રીતે ઉશ્કેરનાર માં દુનિયાની બે મહાન સત્તાઓ નો પણ ફાળો હતો અને બે મહાસત્તા એટલે અમેરિકા અને રશિયા. સોવિયત યુનિયન એટલે કે રશિયા આરબ દેશો ને લશ્કરી શસ્ત્ર સામગ્રી પુરી પાડતું હતું. ઇજિપ્ત ના પૂર્વ પ્રેસિડેન્ટ નાસેર એ મૉસકો માં રશિયન લીડર સાથે ઇજિપ્ત ને યુદ્ધ માટે જરૂરી એવા ટેન્ક , એરક્રાફ્ટ મિસાઈલ, મિગ-૨૧ ફાઈટર પ્લેન જેવા શસ્ત્રો પુરા પાડવાની વાત કરી પરંતુ તે વખતે સોવિયત યુનિયન એ ઇજિપ્ત ને માત્ર એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ નું મટિરિયલ પૂરું પાડવાની તૈયારી દર્શાવી જેની સામે પ્રેસિડેન્ટ નાસેર એ જો રશિયા મદદ ના કરી શકે તો રશિયાના ના દુશ્મન એવા અમેરિકા પાસે સહાય લેવાની તૈયારી દર્શાવી અને જો તેમ થાય તો આરબ દેશો પર અમેરિકા નું વર્ચસ્વ વધી જાય જે વાત રશિયા ને મંજુર ના હતી. નોર્વે ના ઓસ્લો માં થયેલી અમેરિકા અને રશિયા ની મુલાકત દરમ્યાન બંને દેશો એ ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે હાલ જે પરિસ્થિતિ છે તે જ યથાવત રહેવી જોઈએ એ વાત ને સમર્થન આપ્યું. ઇજિપ્ત રશિયાની આ વાત ના સમર્થન ની ઉશ્કેરાઈ ગયું અને સાદત હસને જુલાઈ ૧૯૭૨ માં સોવિયત યુનિયન ના દસ હજાર જેટલા મિલિટરી સલાહકારો ને ઇજિપ્ત માંથી હાંકી કાઢયા ઉપરાંત ઇજિપ્તની ફોરેન પૉલિસિમાં અમેરિકાને ફાયદા કારક રહે તેવા બદલાવ કર્યા. જૂન ૧૯૭૩ માં અમેરિકાના પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સન સાથેની મિટીંગ માં સોવિયત લીડર એ ઇઝરાયેલ ૧૯૬૭ ના યુધ્ધમાં જીતેલા પ્રેદેશોમાંથી પોતાનું લશ્કર પાછું નહિ ખેંચે તો ઇજિપ્ત ને અમે યુદ્ધ કરતા અટકાવી નહીં શકીએ એવું નિવેદન આપ્યું જે સોવિયત યુનિયન ની ઇજિપ્ત પર પહેલા જેવો અંકુશ નથી તે વાત ને સમર્થન આપતું હતું.

બીજી તરફ ઇજિપ્ત કે સીરિયા પોતાના પર હુમલો કરે તેવી શક્યતા ઇઝરાયેલ ને બહુ ઓછી લાગી અને તેનું કારણ ઇઝરાયેલ ની ડિફેન્સ ફોર્સ જેણે એવું તારણ કાઢ્યું કે સીરિયા ઇજિપ્ત ની સહાયતા વગર આક્રમણ નહીં કરે અને ઇજિપ્ત પોતે જ્યાં સુધી સોવિયત યુનિયન પાસેથી મિગ-૨૧ ફાઈટર વિમાન નહીં મેળવે ત્યાં સુંધી કોઈ પગલું નહીં ભરે. ઇઝરાયેલ ની આ જ માન્યતા તેમના માટે સરપ્રાઈઝ એટેક બનવાની હતી. ઇઝરાયલે આરબ દેશો ના હુમલો કરવાની વાત થી વધારે નિશ્ચિન્ત હોવાનું એક કારણ હતું તેમની જાસૂસી સંસ્થા મોશાદ નો એજન્ટ અશરફ મારવાન જેને તેઓ "એંજલ" ના કોડ નામ થી ઓળખતા હતા. અશરફ મારવાન માત્ર મોશાદ નો એજન્ટ હતો એટલે નહીં પણ તે પોતે ઇજિપ્ત માં જુના પ્રેસિડેન્ટ ગમાલ અબ્દેલ નાસેર નો જમાઈ હતો અને તે ઇજિપ્તના ગવર્નમેન્ટ વિભાગ માં ઊંચા હોદ્દે કામ કરતો અધિકારી પણ હતો. ઇજિપ્ત ના બિઝનેસ મેન અશરફ મારવાને પ્રેસિડેન્ટ નાસેર ની દીકરી સાથે પ્રેમ વિવાહ કર્યા હતા આ વાત પ્રેસિડેન્ટ નાસેર ને મંજુર ના હતી અને આથી પ્રેસિડેન્ટ નાસેર અને તેમના જમાઈ વચ્ચે તણાવ પૂર્ણ સંબંધો હતા. અશરફ ઇઝરાયેલ નો જાસૂસ બની તેમની મદદ કરી રહ્યો હતો તેનું એક મુખ્ય કારણ તેના પ્રેસિડેન્ટ નાસેર સાથેના સબંધો પણ હતા.

ઇજિપ્ત અને સિરિયાનો હુમલો ઇઝરાયેલ માટે સરપ્રાઈઝ એટેક બનવાના ઘણા કારણો હતા જેમાં ઇઝરાયેલ ના લશ્કરી વડાઓ ની બેદરકારી પણ જવાબદાર હતી. ઇજિપ્ત અને સીરિયા યુદ્ધ પહેલા ઘણી વાર તેમના સૈન્ય ને સરહદ નજીકના વિસ્તારોમાં સશસ્ત્ર અભ્યાસ માટે ની તાલીમ આપતું અને આ વાત થી ઇઝરાયેલ અજાણ નહતું. ઇઝરાયેલ આની આગળના યુદ્ધમાં આરબ દેશો ને હરાવ્યા હતા અને ૧૯૬૭ પછી સરહદ પાસેના વિસ્તારોમાં ઇજિપ્ત અને સીરીયા દ્વારા નાના મોટા હમલા થયે રાખતા અને ઇઝરાયેલ પણ તેમનો સામે જવાબ આપે રાખતું આથી ઇઝરાયેલ નો વધારે પડતો આત્મ વિશ્વાસ પણ તેના માટે યોમ કિપ્પુર ના યુદ્ધમાં ભારે પડ્યો. ઇજિપ્ત ના પ્રેસિડેન્ટ સાદત હસન આ પહેલા પણ ઘણી વાર ઇઝરાયેલ પર હુમલો કરવાની ચેતવણીઓ ન્યૂઝ અને મીડિયા સમક્ષ આપી ચુક્યા હતા જે પાછળથી માત્ર વાતો જ નીકળી હતી અને આ ઉપરાંત ઇઝરાયેલ ની ડિરેક્ટરેટ ઓફ મિલિટરી ઇન્ટેલિજન્સ રિસર્ચ ડિપાર્ટમેન્ટ સંસ્થા જે અમાન ના ટૂંકા નામે ઓળખાતી તેના વડા દ્વારા ઇજિપ્ત અને સીરિયા ના હુમલો કરશે તેવી આશંકાઓ ને નકારી કાઢવામાં આવી. અશરફ મારવાન ઇજિપ્ત ના ઉચ્ચ હોદ્દાના સરકારી માણસ જે મોસાદ ના જાસૂસ તરીકે ફરજ બજાવતો તેણે ઇઝરાયેલ ને ૧૯૭૩ ના મે મહિના માં ઇજિપ્ત અને સીરિયા ના હુમલા વિશે ઇઝરાયેલ ને જાણ કરી હતી જે પાછળથી માત્ર સૈન્ય અભ્યાસ માટેની પ્રક્રિયા તરીકે બહાર આવી હતી. સોવિયત યુનિયન ના સીરિયા સાથેના વણસી રહેલા સંબંધો ને લીધે ઇઝરાયેલ અને અમેરિકાનું માનવું હતું કે ઇજિપ્ત ને જોઈએ એવા જરૂરી શસ્ત્રો નહિ મળે અથવા મળશે તો પણ ઈજિપ્ત ના સૈન્યને તાલીમ આપવામાં ઘણો સમય લાગી જશે. યુદ્ધ શરૂ થયા ના થોડા દિવસો પહેલા એટલે ઓક્ટોબર ની શરૂઆત માં અમાન ના કેટલાક ઓફિસરો દ્વારા ઇજિપ્ત ની સુએઝ કેનાલ પાસેની લશ્કરી તાલીમની પ્રક્રિયા એ સુએઝ કેનાલ ઓળંગી ઇઝરાયેલ પર હુમલો કરવાની તરકીબ છે તેવું અનુમાન કરાયું પરંતુ અમાન ના વડા એ તે વાત પર બહુ ધ્યાન ના આપ્યું. ઇઝરાયેલ ની બેદરકારી નું બીજું એક ઉદાહરણ એ કે સપ્ટેમ્બર ના અંત માં જોર્ડન ના રાજા હુસૈન કે જે આ યુદ્ધમાં જોડાવા માંગતા તે કોઈ ને જાણ ન થાય તે રીતે ઇઝરાયેલ ના પ્રાઈમ મિનિસ્ટર ગોલ્ડા મેર ને મળી સીરિયા હુમલો કરશે અને તેમાં ઇજિપ્ત તેમની સાથે હશે તેવી વાત જણાવી પરંતુ આ વાત ને પણ ગોલ્ડા મેર દ્વારા "આ કોઈ નવી માહિતી નથી" કહીને અવગણી નાખવામાં આવી. સપ્ટેમ્બરમાં મોસાદ ના ડિરેક્ટર જનરલ જવી જમીર ને તેમના ૧૧ વિશ્વાસ પાત્ર લોકો દ્વારા હુમલાની ચેતવણી આપવામાં આવી પરંતુ જવી જમીર ના મતે ઇજિપ્ત કે સીરિયા હુમલો કરે તેટલા પ્રબળ ન હતા.

ઓક્ટોબર ૬, ૧૯૭૩ નો દિવસ ઓચિંતા હુમલા માટે ઇજિપ્ત અને સિરિયાએ પસંદ કરવામાં આવ્યો જે રમઝાન નો દસમો દિવસ હતો અને ઇઝરાયેલ માટે પવિત્ર યોમ કિપ્પુર તહેવાર નો દિવસ હતો. ઇઝરાયેલ માં મોટા ભાગના સૈનિકો યોમ કિપ્પુર ના લીધે ફરજ પર હાજર નહોતા રહેવાના આ વાત ઇજિપ્ત અને સીરિયા એ ધ્યાનમાં રાખી હતી. યુદ્ધ શરૂ થયા ના એક દિવસ અગાઉ ઓક્ટોબર ૫, ૧૯૭૩ ના રોજ અશરફ મારવાન એ મોસાદ ના વડા ને કોર્ડવર્ડ માં એક એવો સંદેશ પાઠવ્યો જે મળતાની સાથે જ મોસાદ ના વડા જવી ઝમીર જાતે યુરોપમાં અશરફ મારવાન ને મળવા પહોંચી ગયા જ્યાં તેમને ૬ ઓક્ટોબર ની સાંજે હુમલો થશે તેવી માહિતી અશરફ દ્વારા આપવામાં આવી જેની પ્રતિક્રિયા માં જવી ઝમીર અશરફ નો આભાર માની આ માહિતી સવાર સુંધીમાં ઇઝરાયેલ ના પ્રાઈમ મિનિસ્ટ ને પહોંચાડવામાં આવશે તેવુ જણાવામાં આવ્યું. જોકે સતત મળી રહેલી ચેતવણી અને અશરફ ની વાત મેં ધ્યાન માં લઈ આખરે ઇઝરાયેલ એ તેમના રજા પર ઉતરેલા સૈન્યને ફરજ પર હાજર થવા જણાવાયું. યોમ કિપ્પુર ની જાહેર રજા ને લીધે ઇઝરાયેલી સૈનિકોને પોતાના ઘરે થી સરહદ પર પહોંચવાનું વધુ આસાન થઈ રહ્યું. ૬ ઓક્ટોબર ની સવાર ૮:૦૫ વાગ્યે ઇઝરાયેલ ના પ્રાઈમ મિનિસ્ટર ગોલ્ડા મેર, લશ્કરી વડા મોહશે દાયાન અને ચીફ ઓફ ઝનરલ સ્ટાફ ડેવિડ એલઝાર વચ્ચે મીટીંગ થઈ જેમાં ડેવિડ એલઝારે "લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો ફટકારવો" વાળી કરવા માંગતા હતા એટલે ઇઝરાયેલ દ્વારા પ્રથમ હુમલો કરી ઇજિપ્ત અને સીરિયા ને હુમલા કરે તે પહેલાં જ દબાણ માં લાવી દેવાનું મંતવ્ય આપ્યું પરંતુ ગોલ્ડા મેર ઇઝરાયેલ ને હુમલાખોર તરીકે રજૂ થાય તેવુ ઇચ્છતા નહતા. તેમનુ માનવું હતું જો ઇઝરાયેલ પ્રથમ હુમલો કરશે તો અન્ય કોઈ દેશ તેમના પક્ષે નહિ આવે અને ઓઇલ ની જરૂરીયાત ને લીધે બીજા સશક્ત દેશો પણ આરબ દેશોની તરફેણ માં રહેશે. અમેરિકા દ્વારા પણ ઇઝરાયેલ ને યુદ્ધ શરૂ ન કરે તે શરતે લશ્કરી મદદ પુરી કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ કારણો ને ધ્યાનમાં રાખી ડેવિડ એલઝાર ની ઇઝરાયેલ ના પ્રથમ હુમલો કરવાની વાત નામંજૂર કરવામાં આવી.

૬ ઓક્ટોબર ૧૯૭૩ ની બપોરે ૨ વાગ્યે ઇજિપ્ત દ્વારા ૨૦૦ થી વધુ ફાઇટર વિમાનો દ્વારા ઇઝરાયેલ એરબેઝ પર આક્રમક હવાઈ હુમલો કરવામાં આવ્યો જેની અસર ના પગલે રેફીડીમ, અને બર તમાદા એરબેઝ નો ઇઝરાયેલ સાથેનો સંપર્ક તૂટી ગયો. સાઈનાઈ એરિયામાં ઇજિપ્ત દ્વારા પાંચ ટુકડીઓ મોકલવામાં આવી જેમાં ૧ લાખ જેટલા સૈનિકો, ૧૩૫૦ ટેન્ક , ૨૦૦૦ જેટલી મોર્ટાર ગન્સ સામેલ હતી જેની સામે ઇઝરાયેલ ના ૪૫૦ સૈનિક અને ૨૯૦ ટેન્ક હતી. આ ઉપરાંત ઇજિપ્ત પાસે એન્ટી ટેન્ક હથિયાર, રોકેટ પ્રોપેલર ગ્રેનેડ્સ, સેગર ગાઈડેડ મિસાઈલ પણ હતા. ઓક્ટોબર ૬ થી ઓક્ટોબર ૮ ઇઝરાયેલ માત્ર બચાવ માટે જ લડતું રહ્યું જેમાં પણ ઇજિપ્ત અને સીરિયા ના સૈન્ય ઇઝરાયેલી સરહદ માં આગે કૂચ કરી રહ્યા હતા. ઉત્તર માં સીરિયા એ પણ ઇઝરાયેલ હસ્તગત ગોલન હાઇટ્સ ના પ્રદેશમાં ઘણા કિલોમીટર સુધી પોતાના સૈન્યને પહોંચાડી દીધું હતું. આ સૈન્ય પાસે આર પી જી - ૭ રોકેટ અને આર પી જી - ૪૩ ગ્રેનેડ્સ અને એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ નો ૧૨ કલાક ચાલી રહી એટલો જથ્થો હતો. ૭ ઓક્ટોબર ના રોજ ઇજિપ્ત નું સૈન્ય પોતાની ૮૫૦ ટેન્ક સાથે સુએઝ કેનાલ ક્રોસ કરી લગભગ ૪ થી ૫ કિલોમીટર ઇઝરાયેલ ના તાબા હેઠળ ના સાઈનાઈ પ્રદેશમાં પહોંચી ગયું હતું પરંતુ આ દરમ્યાન ઇઝરાયેલ ના સૈન્ય સાથેની અથડામણમાં ૨૮૦ સૈનિકો અને ૨૦ ટેન્ક ગુમાવવા પડ્યા. ઇઝરાયેલના બાર લેવ લાઇન્સ ની સુરક્ષા માં ફરજ પર હાજર મોટા ભાગના સૈનિકો ઘાયલ હતા અને ૨૦૦ થી વધુ ને ઇજિપ્ત દ્વારા કેદી બનાવવામાં આવ્યા.

ઓક્ટોબર ૭ ના રોજ ઓપરેશન ટગર હેઠળ ઇઝરાયેલ એર ફોર્સ એ ઇજિપ્ત ની એર ફોર્સ પર એટેક કરવાનું શરૂ કર્યું જેમાં ઇઝરાયેલ ના બે સ્કાયહૉક વિમાન ના નુકશાન સામે ઇજિપ્તના સાત એર બેઝ ને ઉડાવી દેવામાં આવ્યા. સિરિયાના ગોલન હાઇટ્સ પરના હુમલાના જવાબ માટે પણ ઇઝરાયેલ એર ફોર્સ ને વધુ એર ફાઇટર પ્લેન ની જરૂર હતી આથી ઇઝરાયેલ યુદ્ધ માટે અલગ અલગ પ્લાન ઘડતું રહ્યું. ઓક્ટોબર ૮ અને ૯ દરમ્યાન પણ બન્ને પક્ષે સૈન્યને ઘણું નુકશાન થયું અને એવો સમયગાળો આવ્યો જેમાં ઇજિપ્ત કે સીરિયા ઇઝરાયેલમાં આગેકૂચ કરી શકતા ન હતા અને ઇઝરાયેલ પણ માત્ર બચાવમાં કાઉન્ટર એટેક જ કરી રહ્યું હતું. ઓક્ટોબર ૮-૯ ની રાતે મોહશે દાયન ની ગોલ્ડા મેર સાથેની મિટિંગ માં તેમણે જો કોઈ નક્કર પગલાં ના લેવાય તો ઇઝરાયેલ ખતરામાં આવી શકે છે અને તેમણે કેબિનેટ મીટીંગમાં "ધીસ ઇસ એન્ડ ઓફ થર્ડ ટેમ્પલ" જણાવ્યું જેમાં ટેમ્પલ એ ન્યુક્લિયર એટેક માટે નો કોર્ડવર્ડ હતો. ગોલ્ડા મેર એ ૨૦ કિલોટન ટી એન ટી પરમાણુ સામગ્રી થી સજ્જ જેરિકો મિસાઇલ્સ સાથે સદોટ મેસા એરબેઝ અને એફ - ૪ ફેન્ટમ - ૨ એરક્રાફ્ટ સાથે ટેલનોફ એરબેઝ પર તૈયાર રહેવાની અનુમતિ આપી. ઇઝરાયેલ જો જરૂર પડે તો હાર થી બચવા પરમાણુ હથિયાર વાપરવા તૈયાર હતું પરંતુ આ કામગીરી ની પ્રક્રિયા વિશે અમેરિકાને જાણ થઇ ગઈ. અને ઓક્ટોબર ૯ ની સવારે અમેરિકા ના પ્રેસિડેન્ટ નિક્સન એ ઓપરેશન નિકલ ગ્રાસ શરૂ કરવાના ઓર્ડર આપ્યા જે મુજબ ઇઝરાયેલ ને હવાઈ અને ભૂમિ યુદ્ધ માં મદદ મળી શકે તેવા ફાઇટર પ્લેન અને ટેન્કસ અને અન્ય હથિયારો નો જથ્થો મોકલવામાં આવ્યો. એક અંદાજ મુજબ અમેરિકા દ્વારા એ યુદ્ધ દરમ્યાન અને ત્યારબાદ ઇઝરાયેલ ને ૮૦૦ મિલિયન ડોલર ના શસ્ત્રો પુરા પડવામાં આવ્યા હતા.

ઓક્ટોબર ૯ ના રોજ ઇઝરાયેલ ની ડિફેન્સ ફોર્સ દ્વારા તેમના રિઝર્વ એવા બધા જ સૈન્ય ને સરહદો પર યુદ્ધ માં ખડકી દેવામાં આવ્યા ઉપરાંત અમેરિકા ના પ્રેસિડેન્ટ નિક્સન દ્વારા પણ ઇઝરાયેલ ને શસ્ત્ર અને સૈન્ય માટે જોઈતી મદદ શરૂ કરી દેવામાં આવી જેના લીધે યુદ્ધમાં ઇઝરાયેલ નું પલડું ભારી થવા લાગ્યું. ઇઝરાયેલ એ વળતો હુમલો કરી ઇજિપ્ત અને સિરિયાના સૈન્ય ને પોતાના પ્રદેશો માંથી પાછા ખસેડવાનું શરૂ કરી દીધું. થોડાક સમય માં ઇઝરાયેલ એ ઇજિપ્ત ને સાઈનાઈ માંથી તગેડી મૂક્યું અને પોતે સુએઝ કેનાલ ઓળંગી સુએઝ કેરો વાળા રસ્તે આગેકૂચ શરૂ કરી. ઇઝરાયેલ નું સૈન્ય ઈજિપ્ત ના પાટનગર કેરો થી થોડાક જ કિલોમીટર હતું. જોકે ૨૨ ઓક્ટોબર ના રોજ યુનાઇટેડ નેશન્સ ની દખલગીરી અને અમેરિકા - સોવિયત યુનિયન ના વાટાઘાટો દ્વારા સીઝ ફાયર એટલે યુદ્ધવિરામ માટે ઇજિપ્ત અને ઇઝરાયેલ ને સહમત કરવામાં આવ્યા પરંતુ સીઝફાયર લાદવામાં આવે તેની થોડી મિનિટો પહેલા ત્રણ સ્કડ મિસાઈલ ઇઝરાયેલ પર ફેંકવામાં આવી જે ઇજિપ્ત અથવા ઇજિપ્ત માં હાજર સોવિયત યુનિયન ના સૈનિકો નું કૃત્ય હતું. ઉપરાંત ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે નો એ પ્રદેશ જ્યાં કોઈ સ્પષ્ટ સરહદ ન હોઈ ઇજિપ્ત ના કેટલાક સૈનિકો એ ઇઝરાયેલ ના કબ્જા હેઠળ ના પ્રદેશો પાછા મેળવવા આક્રમણ કર્યું જેમાં ઇઝરાયેલ ની નવ ટેન્ક ને નિશાન બનાવાઈ આથી એલઝારે આર્મી કમાન્ડર મ્હોશે દાયન પાસે વળતો હુમલો કરવાની મજૂરી માંગી. મ્હોશે દાયન એ પરવાનગી આપી આથી યુદ્ધવિરામ છતાં સરહદ પર હુમલો ચાલુ રહ્યો.

સામે પક્ષે સોવિયત યુનિયન દ્વારા ૯ ઓક્ટોબર બાદ ઇજિપ્ત અને સિરિયાને શસ્ત્ર માટે જોઈતી સહાય કરવાનું શરૂ કર્યું. સોવિયત યુનિયન દરિયાઈ અને હવાઈ માર્ગે પોતાની મદદ મોકલતું હતું. અમેરિકા ને જાસૂસી સંસ્થાઓ ને શંકા હતી કે સોવિયત દ્વારા મોકલવામાં આવેલી સ્કડ મિસાઈલ પરમાણુ હથિયાર ના ઉપયોગ માટે હોઈ શકે આથી અમેરિકાએ ડેફ્કોન ૩ લેવલ જાહેર કર્યું જે યુદ્ધમાં પરમાણુ હથિયાર ના ઉપયોગ ની ચેતવણી માટે વપરાતું. ૨૪ ઓક્ટોબર બાદ યુદ્ધવિરામ પછી પણ બન્ને દેશો ની સરહદો વચ્ચે ચાલતા હુમલાઓ રોકવા અમેરિકા ના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હેનરી કિસિંગર એ ઇજિપ્ત ,ઇઝરાયેલ અને સોવિયત વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું. સદાત હસન એ અમેરિકા અને સોવિયત ને પ્રથમ ઇઝરાયેલ દ્વારા સરહદ પર કરવામાં આવી રહેલા હુમલાઓ નું નિરીક્ષણ કરવામાં આવે તેવી અપીલ કરવા કહ્યું જે વ્હાઇટ હાઉસ માંથી નકારી કાઢવામાં આવી. સાદત હસન ને અમેરિકા તરફ થી સૂચના મોકલવામાં આવી કે તે સોવિયત યુનિયન પાસે યુદ્ધ માટેનું માર્ગદર્શન લેવાનું બંધ કરી નાખે. સોવિયત યુનિયન પોલિટિકલ પાર્ટી ના નેતા બ્રેઝનહેવ એ કિસિંગર દ્વારા પ્રેસિડેન્ટ નિક્સન ને મેસેજ મોકલવામાં આવ્યો કે "જો અમેરિકા સોવિયત યુનિયન સાથે મળી ઇઝરાયેલ દ્વારા સરહદ પારથી કરવામાં આવતા હુમલાઓનું નિરીક્ષણ કરી કોઈ પગલાં નહિ લે તો સોવિયત યુનિયન ઇજિપ્ત તરફી યુદ્ધ માં સામેલ થશે" એ મેસેજ કિસિંગર એ તરત જ વાઈટ હાઉસ મોકલવામાં આવ્યો. આ જ સમય દરમ્યાન પ્રેસિડેન્ટ નિક્સન નું નામ "વોટર ગેટ" કૌભાંડ માં સાંકળવામાં આવ્યું હતું જેથી તે ઇઝરાયેલ - ઇજિપ્ત યુદ્ધ માં પૂરતું ધ્યાન નહોતા આપતા આથી તેમના બદલે સી આઈ એ ના વડા અને અમેરિકી સંરક્ષણ પ્રધાન અને વાઈટ હાઉસ ના વડા દ્વારા ભેગા મળી પ્રેસિડેન્ટ નિક્સન ને પરેશાન કરવા કરતાં જાતે જ નિર્ણય લેવો વધુ ઉચિત લાગ્યું. સોવિયત યુનિયન દ્વારા ભુમધ્ય સમુદ્ર અને આરબ દેશો માં પોતાના સૈન્ય અને શસ્ત્રો ખડકાવાનું શરૂ કરી દીધું. જેની સામે અમેરિકા એ પણ તૈયારી રૂપ સૈન્ય વધારી દીધું. અમેરિકા દ્વારા પરમાણુ યુદ્ધ ના સિગ્નલ ડેફ્કોન ને એક લેવલ વધારવામાં આવ્યું. રશિયન જાસૂસી સંસ્થા કે જી બી ના વડા એ નિવેદન આપ્યું "અમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરવા નથી માંગતા" અને બ્રેઝનહેવ દ્વારા પણ કોઈ પગલું લેવા કરતા અમેરિકા તરફથી કોઈ પ્રત્યુત્તર મળે તેની રાહ જોવી એ નક્કી કરવામાં આવ્યું. અંત માં સાદત હસન એ સોવિયત યુનિયન નું માર્ગદર્શન લેવાનું બંધ કરી ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધતી પરિસ્થિતિ ને અટકાવી દીધી. ૨૫ ઓક્ટોબર ૧૯૭૩ ના રોજ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું પરંતુ જાન્યુઆરી ૧૮, ૧૯૭૪ સુધી બન્ને દેશો તરફથી સરહદ પર યુદ્ધવિરામ નો ભંગ થતો રહ્યો.

યુદ્ધમાં ઇઝરાયેલ ને અમેરિકા તરફ થી મદદ અને માર્ગદર્શન મળી રહ્યું હતું તો સામે પક્ષે ઇજિપ્ત અને સીરિયા પાસે સોવિયત યુનિયન ની મદદ અને માર્ગદર્શન હતું ઉપરાંત બીજા દેશો જેવા કે જોર્ડન, લિબિયા, ઇરાક, સાઉદી અરેબિયા, ટયુનિશિયા, મોરોક્કો, અલ્જીરીયા અને ક્યુબા તરફથી પણ સૈન્ય અને શસ્ત્ર માટેની મદદ મળી રહી હતી. યુદ્ધમાં થયેલા નુકશાન ની વાત કરીએ તો ઇઝરાયેલ એ ૨૫૦૦-૨૮૦૦ સૈનિકો ગુમાવવા પડ્યા, ૮૦૦૦ સૈનિકો ઘાયલ થયા અને ૨૯૩ ને બંદી બનાવાયા તથા ઘણા ફાઇટર પ્લેન અને ટેન્ક નષ્ટ પામ્યા. સામે પક્ષે ઇજિપ્ત, સીરિયા અને અન્ય સાથી દેશો ના ૮૦૦૦-૧૮૦૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા , ૧૮૦૦૦-૩૫૦૦૦ ઘાયલ થયા અને ૮૫૦૦ જેટલા ને બંદી બનાવાયા. ઇઝરાયેલ એ સુએઝ કેનાલ ના દક્ષિણ તરફનો ૧૬૦૦ કિલોમીટર નો પ્રદેશ, સીરિયા નો ગોલન હાઇટ્સ ઉપરાંત બીજો ૫૦૦ કિલોમીટર નો પ્રેદેશ જીતી લીધો. ઈજિપ્ત એ સુએઝ કેનાલ નો પૂર્વ તરફનો ઇઝરાયેલનો વિસ્તાર પોતાના કબજે કર્યો. યુદ્ધ બાદ ૧૯૭૫ માં ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે સાઈનાઈ ઇન્ટ્રીમ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા જે મુજબ સાઈનાઈ માં ઇઝરાયેલ દ્વારા સરહદ પસે નો ૨૦-૪૦ કિલોમીટર નો એરિયા ખાલી કરી આપ્યો જેની દેખરેખ ની જવાબદારી યુનાઇટેડ નેશન્સ એ ઉપાડી. ઇજિપ્ત ને ઈઝરાયેલ વચ્ચે ૧૯૭૯ માં શાંતિ સમજૂતી ના કરાર કરવામા આવ્યા. પરંતુ આ કરાર બાદ સાદત હસન ને આરબ દેશો અને ઇજિપ્ત ની પ્રજા પણ ઇઝરાયેલ સાથે સંધી કરવાની બાબતે ધૂતકારવા લાગી.

દરેક ઘટના ની પાછળ રહેલા મહત્વના પાસા જે એ ઘટનાનું પરિણામ બદલી શકે તેવા આ યુધ્ધ ના અગત્યના કેટલાક પાસા જેમ કે, અશરફ મારવાન નું પાત્ર આ યુદ્ધ માટે અગત્યનું બની રહ્યું. ઇજિપ્ત ના પ્રેસિડેન્ટ ના પરિવાર માંથી આવતો માણસ જે દુશ્મન દેશની જાસૂસી સંસ્થાનો એજન્ટ બની પોતાના જ દેશની અંગત માહિતી નો સોદો કરતો રહ્યો. અમેરિકા અને રશિયા દુનિયાની બે મહાસત્તા જે પરોક્ષ રીતે યુદ્ધનું કારણ બની અને કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ નું પણ કારણ બની શક્યા હોત. ઇઝરાયેલ આર્મી ના વડા મોહશે દાયર, વડાપ્રધાન ગોલ્ડા મેર, ઇઝરાયેલી સુરક્ષા સંસ્થા અમન ના વડા નું બેદરકારી ભર્યું વલણ, આ બધી જ ઘટનાઓ માં જો કોઈ એક કે વધારે ઘટના કે એ ઘટના પ્રત્યે તેની સાથે સંકળાયેલ જે તે વ્યક્તિ ના એ વખતના નિર્ણય માં થોડો પણ ફેર હોત તો યુદ્ધનું કાંઈક અલગ જ પરિણામ જોવા મળ્યું હોય. આ યુદ્ધ ની અગત્યતા કદાચ દુનિયામાં બધા દેશો માટે ના હોય પણ આરબ દેશો અને ઇઝરાયેલ માટે તો ઘણી છે. આ યુદ્ધ બાદ આરબ અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ સ્થપાઈ હોય તેવું નથી પણ યુદ્ધ કહી શકાય તેવી કોઈ ઘટના નથી બની, હા સરહદ પર યુદ્ધવિરામ નો ભંગ થતો રહ્યો હશે. ઇઝરાયેલ જે ૧૯૪૮ માં આરબ દેશો સામે લડી ને પોતાની ઓળખ મેળવી અને ત્યારબાદ ૧૯૬૭ ના સિક્સ ડે યુદ્ધ માં પણ આરબ દેશોને હંફાવી દીધા તે દેશ ને યોમ કિપ્પુરમાં દુશ્મન દેશોની શક્તિને ઓછી આંકવાની કિંમત ચૂકવવી પડી હતી. એક એવું યુદ્ધ જેમાં સામ સામે બન્ને દેશો એ પોતે વિજયી હતા તેવું લાગતું કારણ કે ઇજિપ્ત એ યુદ્ધની શરૂઆતના દિવસો માં જે રીતે ઇઝરાયેલ પર આક્રમણ કરી પોતાનો પ્રદેશ પાછો મેળવવા ઉપરાંત ઇઝરાયેલ નો કેટલોક પ્રદેશ જીતી લીધો. તો સામે ઇઝરાયેલ એ પોતાના પર હુમલો કરનાર દેશો ને સરહદ પાર પાછા ધકેલી પોતાની આબરૂ અને દેશ બન્ને બચાવી લીધા.

યોમ કિપ્પુર ના યુદ્ધમાં જ્યારે વાત પરમાણુ હથિયાર સુધી પહોંચી ત્યારે બન્ને પક્ષના દેશો અને તેમની માર્ગદર્શક મહાસત્તાઓ એ પણ યુદ્ધવિરામ પર ભાર મુક્યો એટલે કે જે હથિયાર સહુથી વધુ વિનાશ સર્જી શકે તે હથિયાર જ વિનાશ ને અટકાવવા કારણભૂત પણ બન્યુ. માનવ ઈતિહાસ અને અત્યાર સુંધી ના બધા જ યુદ્ધની વિગતો જોઈએ તો વિચાર આવે કે ઘણી પરિસ્થિતિમાં યુદ્ધ જ એક માત્ર વિકલ્પ નથી તો ક્યારેક યુદ્ધ સિવાય બીજો પણ કોઈ વિકલ્પ નથી અને એ વાત પર થી સવાલ પણ થાય કે માનવ ઇતિહાસ માં જો કોઈ યુદ્ધ થયું જ ન હોત તો ..? શું આપણી દુનિયા અને માનવજાત અત્યારે છે તેના કરતા સારી પરિસ્થિતિમાં હોય કે ખરાબ ?

***