Lenadevi books and stories free download online pdf in Gujarati

લેણાદેવી

લેણાદેવી

યશવંત ઠક્કર

'પપ્પા, આ ઘનશ્યામદાસનું શું કરવું છે? ગૌતમની જાનમાં લેવા છે?'

'લેવાના જ હોયને. ગમે તેમ તોય લોહીનો સગાઈ છે' જમનભાઈ બોલ્યા.

'લોહીની સગાઈ કયાં સુધી પકડી રાખવી છે?'

'એ વાત ખરી, પણ જૂનો વ્યવહાર છે. એકબીજાનાં બહુ કામ કર્યાં છે એટલે વિચારવું પડે. '

'કર્યાં હશે, પણ અત્યારની વાત કરો. ઘનશ્યામદાસ આપણને કયા કામમાં આવે છે?'

'અત્યારે તો કોઈ કામમાં નથી આવતા, પણ આવતા'તા ત્યારે બહુ કામમાં આવતા'તા. તમે નાના હતા ત્યારે નાનામોટા પ્રસંગે એની હાજરી પહેલેથી છેલ્લે સુધી રહેતી'તી. વખત આવ્યે આપણી ફેકટરીનું પણ ધ્યાન રાખતા'તા.'

'પપ્પા, સંબંધી પાસે કામ કરાવવું એના કરતાં પૈસા આપીને કામ કરાવી લેવું સારું.'

'આપણી પાસે પૈસા જ ક્યાં હતા? ને પૈસા દેતાય કામ કરનારા પણ નહોતા મળતા એટલે ઘનશ્યામદાસ જેવા પાસેથી કામ કરાવી લેતા'તા. સંબંધનો સંબંધ ને કામનું કામ.'

'એ જૂની વાતો જવા દો ને ઘનશ્યામદાસને પડતા મૂકો, નહિ તો એક આખી બસ વધારે કરવી પડશે.'

'મૂકો પડતા. બીજું શું થાય. વહેવાર તો ઓછો કરવો જ પડશે. પણ એને ત્યાં પ્રસંગ હશે ત્યારે એ પણ આપણા નામ પર ચોકડી મારશે હો.'

'મારવા દેવાની. આમેય આપણી પાસે એમના પ્રસંગમાં

જવાનો ટાઇમ પણ કયાં હોય છે.'

'સાચી વાત છે. એને ત્યાં વાસ્તુ હતું ત્યારે આપણને બધાંને કહ્યું હતું, પણ હું એકલો જ ગયો'તો એટલે એને ખોટું લાગી ગયું'તું.'

'લાગવા દેવાનું. હવે આ મનહરકાકાને ત્યાંથી કેટલાંને લેવા છે? ચારને લઈએ?'

'તું કેવી વાત કરે છે? ઘનશ્યામદાસને પડતા મૂકીને એના સગા કાકાના દીકરાને ત્યાંથી ચારને લઈશું તો ઘનશ્યામદાસને ખોટું નહિ લાગે?'

'એવું બધું નહિ વિચારવાનું. દરેકનું લેવલ હોય. તમે જ કહો કે તમે મનહરકાકાને ત્યાં જેટલી મહેમાનગતિ માણી છે એટલી ઘનશ્યામદાસને ત્યાં માણી છે?'

'નથી માણી. એતો લેણાદેવીની વાત છે. મનહરકાકાનું ઘર ભર્યું ભર્યું લાગે. ઘનશ્યામદાસનું ઉજ્જડ લાગે. ફેર તો છે જ.'

'તો પછી વહેવારમાં પણ ફેર પડે.'

'ભલે પડતો. પડવા દો.'

આ રીતે જમનભાઈ અને ઘનશ્યામદાસની વચ્ચેના વહેવારમાં ફેર પડી ગયો. ઘનશ્યામદાસનું લેવલ ટૂંકું પડ્યું. એ પડતા મુકાયા.

ઘનશ્યામદાસને અને સુમનબહેનને આઘાત લાગ્યો.

'જોયુને?તમને જમનભાઈ પર બહુ ભરોસો હતો, પણ એમણેય રંગ બદલ્યો.'

'સમય બદલાય એમ માણસના રંગ બદલાય. ચાલ્યા કરે.'

'આ જ જમનભાઈને તમે ત્રણ દી ન મળ્યા હો તો એમનો ફોન આવતો'તો કે, કેમ દેખાતા નથી. સાયકલ લઈ લઈને એમનાં કામે દોડતા'તા.'

ઘનશ્યામદાસ મજાકિયું હસ્યા ને બોલ્યા: 'સાયકલ પાછળ રહી ગઈ. મોટર આગળ નીકળી ગઈ. બધી લેણાદેવીની વાત છે.'

પતિપત્ની વચ્ચે દુનિયાદારીની થોડી વાતો થઈ ને બેલ

વાગ્યો. સુમનબહેને બારણું ખોલ્યું તો મહેન્દ્રભાઈ અને વૃંદાબહેન ઊભાં હતાં. સુમનબહેને આવકારો આપીને એમને બેસાડયાં.

પાણી પીધાં પછી વૃંદાબહેને એમની થેલીમાંથી એક કંકોત્રી કાઢીને બોલ્યાં: 'અમારા જનકનાં લગ્નની કંકોત્રી આપવા આવ્યાં છીએ.'

'અરે વાહ! અભિનંદન.' ઘનશ્યામદાસ બોલ્યા.

ઘનશ્યામદાસે અને સુમનબહેને હરખાતાં હરખાતાં કંકોત્રી વાંચી.

'વીસમી તારીખના પ્રસંગોમાં આખો દિવસ આવવાનું છે ને એકવીસમીએ જાનમાં તમારે બંનએ આવવાનું છે' મહેન્દ્રભાઈએ કહ્યું.

'જાન તો અમદાવાદ જવાની છેને?' ઘનશ્યામદાસે પૂછ્યું.

'હા.'

'તો અમારું વીસમીનું નકકી રાખો. જાનનું રહેવા દો.'

'કેમ? બીજે કશે જવાનું છે?'

'જવાનું તો નથી' પણ અમારે લીધે તમારે કોઈને પડતાં મૂકવા પડે એવું ન કરતાં.' ઘનશ્યામદાસે હસતાં હસતાં કહ્યું.

'તમે એવી ચિંતા કરતાં જ નહિ. ' વૃંદાબહેન બોલ્યા: 'અમે કોઈને પડતાં મૂકવા પડે એવો મોટો વહેવાર રાખ્યો જ નથી. અમારી જ નહિ, અમારા જનકની પણ ખાસ ઇચ્છા છે, કે તમને જાનમાં લેવા.'

'હજી તો જનક તમને આગ્રહ કરશે. જોજોને.' મહેન્દ્રભાઈ બોલ્યા.

'તમે આટલું કહ્યું એટલે બધું આવી ગયું. અમે રાજીખુશીથી તમારા જનકની આવશું. બસ?' ઘનશ્યામદાસ માની ગયા.

'હવે તમે સાચી વાત કહી.'

થોડી વાર બેસીને મહેન્દ્રભાઈ અને વૃંદાબહેને રજા માંગી. સુમનબહેને ચાનો આગ્રહ કર્યો, પણ મહેન્દ્રભાઈએ કહ્યું: ' તમારી ચા બાકી. આ પ્રસંગ પતે એટલે ખાસ ચા પીવા આવશુ.'

'ચોક્કસ આવજો. પણ અત્યારે સરબત પીધાં વગર નથી જવાનું. કેટલા દિવસે આવ્યાં છો.'

મહેન્દ્રભાઈ અને વૃંદાબહેન ગયાં એ પછી ઘનશ્યામદાસ વિચારે ચડ્યા: 'આ લોકો સાથે અમારે લોહીની સગાઈ તો છે નહિ. એક જ ટાવરમાં રહેવાની સગાઈ છે. હું એમને કશા કામમાં આવતો નથી. ઊલટાના એ લોકો અમારા માટે અવારનવાર તકલીફ ઊઠાવે છે. જનક તો આજકાલનો છોકરો. એ સામું ન જુએ તો પણ ખોટું ન લાગે. એના બદલે એ આટલું માન આપે છે! આ પણ એક જાતની લેણદેવી જ ને?'

'શુ વિચારમાં પડી ગયા છો?' સુમનબહેને પૂછ્યું.

'વિચારું છું કે એક ઠેકાણેથી પડતો મુકાયો તો બીજે ઠેકાણે ઝીલાયો. આ બધી 'લેણાદેવીની વાત છે.' ઘનશ્યામદાસ હસતા ચહેરે બોલ્યા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED