Mitho Aaghaat books and stories free download online pdf in Gujarati

મીઠો આઘાત

મીઠો આઘાત

યશવંત ઠક્કર

સુધાકરના આનંદનો પાર નહોતો. આવું બની શકે એવું એણે કદી વિચાર્યું પણ નહોતું. એક અજાણ્યો માણસ એનું ઘર શોધતાં શોધતાં આવી પહોંચ્યો હતો.

‘તમે જ સુધાકર કે?’ આવનાર માણસે પૂછ્યું હતું.

‘હા.’ સુધાકરે જવાબ આપ્યો હતો.

‘તમે વાર્તાઓ લખો છોને?’

‘હા, ક્યારેક ક્યારેક.’

‘મારું એક કામ કરશો?’

‘બોલો.’

‘હું તમને વાર્તાનો એક પ્લોટ આપું તો એના પરથી તમે એક સારી વાર્તા લખી આપશો?’

‘હું તો ભાઈ, મારા જ વિચારો પ્રમાણે મને જેવું આવડે એવું લખું છું. બીજાના વિચારોને ન્યાય આપવાનું મને ન ફાવે.’

‘પ્રયત્ન તો કરો. હું તમને પૈસા આપીશ.’

‘પૈસા તો બરાબર, પરંતુ મેં આ રીતે કદી લખ્યું નથી.’

‘મને સારું લખતાં નથી આવડતું. આવડતું હોત તો તમને તકલીફ ન આપત.’

‘પણ તમારે મારી પાસે વાર્તા લખાવીને કરવું છે શું?’

‘ફિલ્મ બનાવવી છે.’

સુધાકર એ અજાણ્યા માણસ સામે જોઈ રહ્યો હતો. માણસ દેખાવમાં તો ઠરેલ લાગતો હતો. ફિલ્મ પાછળ પાછળ ઘેલો થઈને બરબાદ થઈ જાય એવો નહોતો લાગ્યો.

‘સુધાકરભાઈ, મારે એક નિર્માતા સાથે ઓળખાણ છે. મેં એને મારી આ વાર્તાનો પ્લોટ સંભળાવ્યો તો એણે મને કહ્યું કે, આખી વાર્તા સારી રીતે લખીને લાવો તો વિચાર કરીશ.’

સુધાકરે એને ચેતવ્યો હતો કે, ‘જોજો હો, ફિલ્મના રવાડે ચડવા જેવું નથી. એ બહુ ખતરનાક દુનિયા છે. કેટલાક લોકો ફિલ્મ બનાવાવાના બહાને છેતરપીંડી કરતા હોય છે. તમે કોઈનામાં ફસાતા નહિ.’ સુધાકરે છેતરપીંડીનાં કેટલાંક ઉદાહરણ પણ આપ્યાં હતાં.

એ માણસે સહેજ પણ નિરાશ થયા વગર કહ્યું હતું કે, ‘તમે એ બધી ચિંતા છોડો. નિર્મતા એવો નથી. એવો નીકળે તો પણ જોખમ મારે લેવાનું છે. તમારે તો વાર્તા લખવાની છે અને પૈસા લઈને છૂટા થઈ જવાનું છે. બોલો, તૈયાર છો તો વાર્તાનો પ્લોટ સંભળાવું.’

સુધાકર વિચારે ચડ્યો હતો, ‘ આ માણસ જયારે જોખમ કરવા જ નીકળ્યો છે તો એને રોકનાર હું કોણ? હું ના પડીશ તો એ બીજાને પકડશે. આ તક ઝડપી લેવા જેવી છે.’

સુધાકર વાર્તાનો પ્લોટ સાંભળવા માટે તૈયાર થઈ ગયો હતો. આવનાર માણસે વાર્તાનો પ્લોટ સંભળાવ્યો હતો. સુધાકરને એમાં કશું નવું લાગ્યું ન હતું. જાણે ચારપાંચ ફિલ્મોનો મસાલો ભેગો કર્યો હોય એવું લાગ્યું હતું.

‘આ બધું તો કોઈને કોઈ ફિલ્મમાં આવી ગયેલું છે. આમાં કશું નવું નથી.’ સુધાકરે કહ્યું હતું.

‘પણ આ જ વાર્તા તમે તમારી રીતે લખશો તો ચોક્કસ નવી હશે. તમને સુધારો વધારો કરવાની છૂટ છે.’ એ માણસે વિશ્વાસથી કહ્યું.

‘ભલે, હું જેટલું બને એટલું સારું લખીશ.’ સુધાકરે કહ્યું હતું.

‘લો આ પાંચ સો રૂપિયા એડવાન્સમાં અને વાર્તા તૈયાર થઈ ગયા પછી બીજા એક હજાર રૂપિયા આપીશ.’

સુધાકરની આંખોમાં ચમકારો આવી ગયો હતો. એને નવાઈ લાગી હતી કે, ‘એક વાર્તાના પંદર સો રૂપિયા! હું કેટકેટલી મહેનત કરીને વાર્તાઓ લખું છું, સામયિકોમાં મોકલું છું, ક્યાંકથી જવાબ આવે છે તો ક્યાંકથી નથી આવતો, મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રગટ થાય છે તો પુરસ્કાર નથી મળતો, મળે છે તો છ સાત મહિને ફક્ત સો બસો રૂપિયા! જયારે આ માણસ તો પૂરા પંદર સો રૂપિયા આપવા તૈયાર હતો!’

‘પણ વાર્તાના લેખક તરીકે મારું જ નામ રહેશે.’ પેલા માણસની આ શરત સાંભળીને સુધાકારનો ખુશી નંદવાઈ ગઈ હતી.

‘કેમ એવું? વાર્તા હું લખું તો લેખક તરીકે તો મારું જ નામ હોયને?’ સુધાકરે દલીલ કરી હતી.

‘ભાઈ, પંદર સો રૂપિયા ઓછા નથી. તમે જ કહો, તમારી વાર્તા છપાયા પછી તમને કેટલો પુરસ્કાર મળે છે?’

સુધાકરે થોડી વાર વિચાર્યું હતું અને પછી એણે એ માણસની શરત સ્વીકારી લીધી હતી.

‘ભલે’ સુધાકરે કહ્યું હતું, ‘પણ તમારું નામ તો કહો. તમે નોકરી કરો છો કે ધંધો?’

‘મારું નામ રાજેન્દ્ર ડ્રેસવાલા. મારે ડ્રેસ ભાડે આપવાનો ધંધો છે. સારો ચાલે છે. મારી આ વાર્તા પરથી એક ફિલ્મ બની જશે તો મારું એક સપનું પૂરું થશે.’ રાજેન્દ્ર ડ્રેસવાલાએ પોતાનો પરિચય આપ્યો હતો અને સુધાકરને પોતાનું વિઝિટિંગકાર્ડ અને પાંચ સો રૂપિયા આપીને કહ્યું હતું, ‘લો આ એડવાન્સ. જેમ બને એમ જલ્દી કરજો.’

‘ચોક્કસ.’ સુધાકરે કહ્યું હતું.

સુધાકરના હાથમાં પાંચ સો રૂપિયા આવવાથી એના આનંદનો પાર નહોતો.

***

સુધાકર જેમ જેમ વાર્તા લખતો ગયો એમ એમ અનો ઉમંગ વધતો ગયો. વાર્તાનો પ્લોટ તો રાજેન્દ્ર રાજેન્દ્ર ડ્રેસવાલાએ આપ્યો હતો, પરંતુ એણે એ પ્લોટમાં ઘણો ફેરફાર કરી નાખ્યો. એમાં અવનવી ઘટનાઓ ઉમેરી. સંવેદનાથી ભર્યાં ભર્યાં પાત્રો ઉમેર્યાં. એ પાત્રોનાં મુખે અસરકારક સંવાદો મૂક્યા. સુધાકરને વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધિ નહોતી મળવાની, છતાંય એણે દિલચોરી કરી નહિ.

પંદર દિવસમાં તો વાર્તા લખાઈ ગઈ. સુધાકરે તો ધાર્યું પણ નહોતું કે, વાર્તા આટલી સારી લખાશે. હવે એને એવા વિચારો આવવા લાગ્યાં કે: ‘આ વાર્તા તો હું જ રાખી લઉં. આ વાર્તામાં તો મારી જ વ્યથા અને મારાં જ સંવેદનો છેને? રાજેન્દ્ર ડ્રેસવાલાને પૈસા પાછા આપી દઉં, અથવા તો એમને બીજી વાર્તા લખી દઉં.’ પરંતુ દર વખતે સુધાકરના મનમાંથી વિરોધ ઊઠ્યો કે: ‘મેં સારી વાર્તા લખવા માટે પૈસા લીધા છે. વચન એટલે વચન. મેં માત્ર મારી આવડત નથી વેચી, મારાં સંવેદનો પણ વેચ્યાં છે. મારી વ્યથા પણ વેચી છે. આ વાર્તામાં મેં મારો ઉમંગ રેડયો છે. હું બીજી વાર્તા લખું તો આમાં આ બધું ન પણ આવે. તો પછી વાર્તાનો અર્થ શો? દીવાલો, બારણાં, છત વગેરે ન હોય તો ઘરમાં બાકી શું રહે? પ્લોટ! માત્ર પ્લોટ! ના ના, આ વાર્તા પર મારો હક નથી.’

વાર્તા તૈયાર થયા પછી પંદર દિવસો પસાર થઈ ગયા. રાજેન્દ્ર ડ્રેસવાલા આવ્યા નહિ. સુધાકરને અફસોસ ન થયો. હવે એની પાસે એક સારી વાર્તા તૈયાર હતી. જેમાંથી એક નવલકથા કે ફિલ્મ તૈયાર થઈ શકે એવી વાર્તા. સારું વળતર અને પ્રસિદ્ધિ અપાવી શકે એવી વાર્તા. કદાચ, રાજેન્દ્ર ડ્રેસવાલા એ વાર્તા લેવાં ન આવે તો એ વાર્તા પર સુધાકરનો જ હક હતો.

ને એક દિવસે રાજેન્દ્ર ડ્રેસવાલા સુધાકરના આંગણે આવી પહોંચ્યા. સુધાકરને વિચાર આવ્યો કે, ‘ના પાડવા અને માફી માંગવા આવ્યા હશે. કદાચ, પાંચ સો રૂપિયા પાછા માંગે પણ ખરા.’ જો કે, સુધાકરે એ પાંચ સો રૂપિયા સાચવીને જ રાખ્યા હતા. ગમે ત્યારે પાછા પાવા પડે તો તરત આપી શકાય એ હેતુથી.

‘સુધાકરભાઈ, વાર્તા તૈયાર છેને?’ રાજેન્દ્ર ડ્રેસવાલાએ ઉત્સાહથી પૂછ્યું.

‘વાર્તા તો પંદર દિવસથી તૈયાર છે. તમે તો દેખાયા જ નહિ.’

‘સુધાકરભાઈ, હું તો ધંધો લઈને બેઠો છું. તમારી જેમ નવરો થોડો છું.’

રાજેન્દ્ર ડ્રેસવાલા જેમ જેમ વાર્તા વાંચતા ગયા એમ એમ એમના ચહેરા પરના ભાવ બદલાતા ગયા.

‘વાહ!’ વાર્તા વાંચી લીધા પછી એમણે કહ્યું, ‘આમાં તો તમે કશું બાકી રહેવા દીધું નથી. મેં તમને કહ્યું હતુંને કે, તમે લખશો એટલે નવું જ લખાશે. મને માણસની પરખ કરતાં આવડે છે હો.’

રાજેન્દ્ર ડ્રેસવાલાએ સુધાકરને હજાર રૂપિયા આપ્યા અને વાર્તા લઈને વિદાય થયા. સુધાકરના હૃદયમાં પીડા થઈ. એણે પોતાની વાર્તાને પણ વિદાય આપી હતી.

***

રાજેન્દ્ર ડ્રેસવાલા વાર્તા લઈને ગયા પછી પણ સુધાકરે તો માની જ લીધું હતું કે, ‘રાજેન્દ્ર ડ્રેસવાલા તો ધૂની માણસ લાગે છે. મારી વાર્તા પરથી એમ કાંઈ ફિલ્મ થોડી બને.’

દિવસો પસાર થતા હતા. રાજેન્દ્ર ડ્રેસવાલા દેખાતા નહોતાં. સુધાકર પાસે એમનું સરનામું હતું, પરંતુ સુધાકરને એમને મળવા જવાની હિંમત ન થઈ. એ ફરીથી પોતાની પ્રવૃત્તિમાં પડી ગયો.

લગભગ છ મહિને રાજેન્દ્ર ડ્રેસવાલા આવ્યા. સુધાકરને લાગ્યું કે, ફિલ્મ બની નથી એવા ખબર આપવા આવ્યા હશે.’

‘ચાલો, લેખકશ્રી.’ રાજેન્દ્ર ડ્રેસવાલા બોલ્યા.

‘ક્યાં?’

‘આપણી ફિલ્મ જોવા.’

‘તૈયાર થઇ ગઈ છે?’

‘લો કરો વાત! કઈ દુનિયામાં જીવો છો યાર! આજથી જ રૂપાલીમા રજૂ થાય છે. જોરદાર ફિલ્મ બની છે.’

રાજેન્દ્ર ડ્રેસવાલા સુધાકરને લઈને થીએટર પર આવ્યા. સુધાકરના ચહેરા પર ખુશી હતી. સાથે સાથે અફસોસ પણ હતો કે, ‘ફિલ્મ ગમે એટલી જોરદાર બની હોય તો પણ શું? ફિલ્મની વાર્તા મેં લખી છે એ કોણ જાણશે? હું તો પંદર સો રૂપિયા લઈને છૂટી ગયો. બધો જશ તો રાજેન્દ્ર ડ્રેસવાલાને મળવાનો. એક ફિલ્મના વાર્તાકાર તરીકે નામ હોવું એ કેટલી મોટી વાત કહેવાય. પંદર સો રૂપિયા કરતાં તો કયાંય મોટી કહેવાય. જિંદગીમાં એક તક મળી પણ ન મળ્યા બરાબર.’

રાજેન્દ્ર ડ્રેસવાલા સુધાકર સાથે વાતો કરવા પ્રયાસ કરતો હતો, પરંતુ સુધાકર ટૂંકા જવાબો આપી આપીને વિચારમાં પડી જતો હતો.

પરદા પર જાહેરાતો પૂરી થઈ અને ફિલ્મ શરૂ થઈ. ફિલ્મનું ટાઇટલ રજૂ થયું, ‘મુસાફર’. આ નામ સુધાકરે જ આપ્યું હતું.નામાવલિ આગળ ચાલી. કલાકારો, ગીતકાર, સંગીતકાર, વગેરેનાં નામો પરદા પર આવીને અદૃશ્ય થઈ ગયાં અને લેખકનું નામ આવ્યું.

લેખકનું નામ વાંચીને સુધાકરની આંખો પહોળી થઈ ગઈ. એ પોતાની બેઠક પર ટટ્ટાર થઈ ગયો. એને લાગ્યું કે, ‘નામ વાંચવામાં મારી ભૂલ થઈ ગઈ લાગે છે. લેખક તરીકે મારું નામ કેવી રીતે આવી શકે? શરત પ્રમાણે રાજેન્દ્ર ડ્રેસવાલાનું નામ આવવું જોઈએને? નિર્માતાથી કશી ભૂલ થઈ હશે?’

રાજેન્દ્ર ડ્રેસવાલા તો ફિલ્મ જોવામાં તલ્લીન હતા.

‘રાજેન્દ્રભાઈ, લેખક તરીકે મારું નામ છે?’ સુધાકરે રાજેન્દ્ર ડ્રેસવાલાને ધીરેથી પૂછ્યું.

‘બરાબર છે.’ રાજેન્દ્ર ડ્રેસવાલાએ જવાબ આપ્યો.

‘પણ તમે તો શરત રાખી હતી કે...’

‘એ બધી વાત ઇન્ટરવેલમાં. અત્યારે શાંતિથી ફિલ્મ જુઓ.’

સુધાકરે ફિલ્મ જોવામાં ધ્યાન આપ્યું. ફિલ્મ સારી બની હતી. વાર્તાને પૂરો ન્યાય મળ્યો હતો.

ઇન્ટરવેલ પડ્યો. સુધાકર અને રાજેન્દ્ર ડ્રેસવાલા બહાર નીકળ્યા. ઠંડું પીતાં પીતાં રાજેન્દ્ર ડ્રેસવાલાએ સુધાકરને પૂછ્યું, ‘કેમ મજા આવીને?’

‘મજા તો આવી, પણ લેખક તરીકે મારું નામ?’

‘વાર્તા તમે લખી, સંવાદો તમે લખ્યા તો નામ તમારું જ આવેને?’

‘પણ તમે તો શરત રાખી હતી કે...’

‘હું ગમે તે શરત રાખું, પણ તમને શું લાગે છે? મેં એક અક્ષર પણ પાડ્યો ન હોય, તોય લેખક તરીકે મારું નામ હોય એ ઠીક કહેવાય?’

‘પણ તમે તો પંદર સો રૂપિયા ચૂકવી દીધા છે.’

‘તો શું થઈ ગયું? પંદર સો રૂપિયામાં લેખકનું નામ ખરીદી લેવાનું? ને સાંભળી લો. આ ફિલ્મ જોઈને અત્યારે જ નિર્માતાને ત્યાં જવાનું છે. તમારો પચીસ હાજર રૂપિયાનો ચેક તૈયાર છે. આજે જ લઈ લેવાનો છે.’

આનંદથી છલકાતો સુધાકર રાજેન્દ્ર ડ્રેસવાલાને જોઈ જ રહ્યો. એ માણસ તો એવો ને એવો જ હતો. સાવ કહેતાં સાવ બેફિકર. સુધાકરને રાજેન્દ્ર ડ્રેસવાલા સમજવામાં અઘરો લાગ્યો.

સુધાકરને વધારે તકલીફ ન અપાવી હોય એમ રાજેન્દ્ર ડ્રેસવાલા બોલ્યા: ‘સુધાકરભાઈ, મને આવું કરવાનું ગમે છે. જે લોકો ઘૂસ મારી શકે છે એ લોકોની વાત જુદી છે, પરંતુ ખૂણેખાંચરે ભરાઈ રહેતા અને પોતાની કિંમત ન માંગી શકતા લેખકો, ગીતકારો અને કલાકારો ઓછા નથી. એવા લોકોને બહાર લાવવાની મારી આ રીત છે. તમારા જેવા લોકો ફિલ્મ જેવા માધ્યમ સાથે જોડાવાનું સાહસ કરતા નથી. એમને મોટું જોખમ લાગે છે. એ જોખમ હું મારા માથા પર લઈ લઉં છું અને સારું પરિણામ આવે તો જેને જે મળવું જોઈએ, એ અપાવી દઉં છું. ફિલ્મનો નિર્માતા રાકેશ મારો મિત્ર છે. એ મારી વાત માને છે. એનું પણ કામ થાય છે અને તમારા જેવા લોકોનું પણ કામ થાય છે. રહી વાત મારી, તો ભાઈ ભગવાનની દયાથી ધંધો સારો ચાલે છે.’ ફરી પાછું એવું જ પવિત્ર હાસ્ય!

સુધાકર કશું બોલે એ પહેલાં રાજેન્દ્ર ડ્રેસવાલાએ એનો હાથ પકડીને કહ્યું, ‘તમને લેખક તરીકેની ઈમાનદારીનું ફળ મળ્યું છે. આજે જેટલો આનંદ તમને થાય છે એટલો જ આનંદ મને થાય છે.’

સુધાકરને મીઠો આઘાત લાગવાથી એ આભારના શબ્દો પણ બોલી શક્યો નહિ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED