રેડલાઇટ બંગલો ૧૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડલાઇટ બંગલો ૧૩

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૩

વર્ષાબેન લાલજીને સારી રીતે ઓળખતા હતા. પાંચ વર્ષ પહેલાં તેની પત્ની શહેરમાં કોઇ કામથી ગઇ ત્યારે એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. અને તે મૃત્યુ પામ્યા પછી નિ:સંતાન હોવાથી લાલજી એકલો જ રહેતો હતો. પત્નીનો શોક પૂરો થયા પછી તે ખાતર લેવા આવતી સ્ત્રીઓ સાથે રંગીન વાતો કરતો હતો. કેટલીક સ્ત્રીઓ તેની સાથે મજાક મસ્તી પણ કરતી હતી. વર્ષાબેનને ખબર ન હતી કે ગામની કોઇ સ્ત્રી તેની સાથે સંબંધમાં હતી કે નહીં. પણ એટલું ધ્યાનમાં હતું કે તેના દિયર હરેશભાઇના ડરને કારણે તેણે પોતાની સાથે મગજમારી કરી ન હતી. સ્વભાવવશ ક્યારેક મજાક કરી લેતો હતો. આજે તેણે પોતાને પણ અન્ય ચાલુ સ્ત્રીઓની હરોળમાં મૂકી દીધી હતી. એટલે તેના અંગે વિચાર કરવાની જરૂર હતી. લાલજીને ખબર હતી કે હરેશભાઇનો ભાંડો ફૂટે એમ હોવાથી એ તેમને વાત કરવાની નથી. અને તે હરેશભાઇને વાત કરવા પણ માગતી ન હતી.

લાલજી બાબતે શું નિર્ણય લેવો તેની દ્વિધામાં અટવાયેલા વર્ષાબેન અર્પિતાના સવાલથી ચોંકી ગયા હતા. તેમના ચહેરા પરનો ડર અને ગભરામણ અર્પિતાથી છાના રહ્યા ન હતા. અર્પિતાને જો લાલજીની માગણી કહે તો હરેશભાઇ સાથેના સંબંધની વાત ખૂલી જાય એમ હતી.

અર્પિતાને હમણાં કંઇ ના કહેવાનું નક્કી કરી તે અભિનય કરતાં બોલ્યા:"બેટા, આ જરા તાપમાં જઇ આવી એટલે ગભરાટ જેવો થઇ ગયો. તું ચિંતા ના કર. થોડો આરામ કરીશ એટલે રાહત થઇ જશે. તારા માટે પણ હજુ તૈયારી કરવાની છે."

"મા, મારે કંઇ જ લઇ જવાનું નથી. કપડાં તો રાજીબહેને ઘણા લાવી દીધા છે. જમવાનું પણ એમને ત્યાંથી આવે છે. એટલે અનાજ લઇ જવાની જરૂર નથી. અને ઘરબેઠા કામ આપવાના હોવાથી તારે પૈસા પણ આપવાની જરૂર નથી. હું તને સામેથી મોકલાવીશ. હવે તું કામ ઓછું કરજે."

"ખરેખર! આ રાજીબહેન તો તારું જીવન બનાવી દેશે."

"મા, તને ખબર નથી એ મારું જીવન બરબાદ કરવા જઇ રહી છે.." એવું અર્પિતા બોલી શકી નહીં. પણ તેનાથી બોલાઇ ગયું:"મા, રાજીબહેને તારા પર કોઇ ભૂરકી નાખી લાગે છે. જ્યારે ને ત્યારે એમના જ વખાણ કરતી રહે છે તું."

"હું કંઇ ખોટું બોલું છું?"

અર્પિતાએ વાત બદલી:"મા, હું એક દિવસ વહેલી નીકળી જઇશ. ત્યાં કોલેજ શરૂ થાય એ પહેલાં પુસ્તકો વગેરે ખરીદવાનું કામ છે."

વર્ષાબેન પણ ઇચ્છતા હતા કે અર્પિતા હવે જલદી જાય તો સારું. ક્યાંક પોતાની વાત જાણી જાય તો અસ્વસ્થ બની જાય એમ હતી.

"બેટા, તને ઠીક લાગે એમ કર." કહી વર્ષાબેન આડા પડ્યા.

અર્પિતાએ વિનય સાથેના શારીરિક સંબંધ પછી જલદી નીકળી જવાનું નક્કી કરી લીધું હતું. તે હવે વધુ સમય બગાડવા માગતી ન હતી. તે અહીં જે હેતુ સાથે આવી હતી એ પૂરો થઇ ગયો હતો. પરિવાર સાથે પણ બે દિવસ રહી લીધું હતું. હવે તેનું લક્ષ્ય રાજીબહેનને હેરાન કરવાનું હતું. અને તે પણ એમને ખબર ના પડે એ રીતે.

અર્પિતા સવારે નીકળતા પહેલાં હરેશભાઇને મા અને ભાઇ-બહેનની સંભાળ રાખવાનું કહી આવી. હરેશભાઇએ તેને નચિંત રહેવાનું કહી અભ્યાસમાં સફળતા માટે આશીર્વાદ આપ્યા.

અર્પિતા રેડલાઇટ બંગલો પર પહોંચી ત્યારે રાજીબહેન ક્યાંક ગયા હતા. વીણાએ દરવાજો ખોલી તેના રૂમની ચાવી આપી. અને કહ્યું:"મેમ, સાંજે આવશે. કંઇ જરૂર હોય તો કહેજો."

"થોડીવાર પછી ચા મળી જાય તો સારું રહેશે."

"હું લઇ આવું છું." કહી વીણા ગઇ.

અર્પિતાએ રૂમ ખોલી બેડ પર પડતું નાખ્યું. તેણે આવતી વખતે રચનાની રૂમ પર નજર નાખી ત્યારે તાળું ન હતું. તેને થયું કે તે રૂમમાં જ છે. પછી મળીશ એમ વિચારી તે આંખો મીંચી પડી રહી.

થોડીવારમાં "ગરમાગરમ ચા..." ની બૂમ પાડતી વીણા આવી.

અર્પિતાએ ચા પીધી ત્યાં સુધી તે બેસી રહી. અને ચાનો મગ લઇને જવા ઊભી થઇ એટલે અર્પિતાએ તેને પૂછ્યું:"વીણા, કેટલા સમયથી અહીં છે?"

"શું કહું બેન? મને પણ યાદ નથી. દસ વર્ષ તો થઇ જ ગયા હશે. સોળ વર્ષની હતી ત્યારે આવી હતી. એક પછી એક બધા જ કામ મેડમે મને સોંપી દીધા છે. પગાર એવો સારો મળે છે એટલે કામ કરવાની મજા આવે છે. અને બીજે ક્યાંય જવાનું મન થતું નથી. તમને પણ એવું જ થશે."

"મને તો મારી સુંદરતા અહીં ખેંચી લાવી છે... તું કેવી રીતે આવી..?" અર્પિતાએ તેને મોઘમ પૂછી જ લીધું.

"બેન, તમારાથી હવે શું છુપાવવાનું. હું પણ મારી સુંદરતાને લીધે જ અહીં આવી હતી. પણ રસોઇ અને કામકાજમાં હોશિયાર હતી એટલે એમની સહાયક જેવી બની ગઇ." વીણાએ પણ મોઘમ જ જવાબ આપ્યો.

અર્પિતા તેની પાસે વધુ વાત કઢાવે એ પહેલાં "મારે ઘણા કામ છે. મેડમ આવી જાય એ પહેલાં પતાવી દઉં. તમે આરામ કરો..." કહી ચાલાકીથી એ ઝડપથી દાદરો ઉતરી ગઇ.

અર્પિતાએ કપડાં બદલ્યાં અને ઊંઘી ગઇ.

સાંજે રચના આવી પહોંચી.

"અરે! તું તો વહેલી આવી ગઇ. રાજીબહેનની યાદ આવી એટલે કે શું?"

"એને તો હું એની નાની યાદ કરાવવાની છું." એમ મનોમન બોલી અર્પિતાએ જવાબ આપતાં કહ્યું: "હા, કામ થઇ ગયા એટલે નીકળી આવી. તું બોલ કેવું ચાલે છે?"

"મજા છે! બે દિવસ પહેલાં એક મજાનો ગ્રાહક મળ્યો હતો. બિચારો પત્નીથી પરેશાન હતો. લાખો રૂપિયા પત્નીના શોખ પાછળ ખર્ચે છે પણ રાત્રે તેને ઉપવાસ રાખવો પડે છે."

"કેમ?"

"પત્ની એટલી ધાર્મિક છે કે છ મહિને એક-બે વખત બેડરૂમમાં પ્રવેશ આપે છે! બિચારો!"

તેની વાત સાંભળી અર્પિતા પણ હસી પડી. અને બોલી:"એટલે તારા જાપ વધુ જપતો હશે."

"ચલ જા હવે..." રચના પણ હસી પડી.

રાજીબહેનને ખબર પડી કે અર્પિતા આવી ગઇ છે એટલે તેને બોલાવી.

"અર્પિતા, કાલે સવારે બ્યુટીપાર્લરવાળી આવશે. એ બધી જ રીતે તને તૈયાર કરી દેશે. બ્લીચ, વેક્સિંગ, ફેસિયલ બધું જ કરશે એટલે આખો દિવસ નીકળી જશે. હવે બે દિવસ પછી તારા કામની શરૂઆત થશે. પહેલો ગ્રાહક બહુ મોટો છે. એને બરાબર એન્ટરટેઇન કરજે. કોઇ ફરિયાદ ના આવવી જોઇએ. કોઇ પ્રશ્ન હોય તો રચનાને પૂછી લેજે."

અર્પિતા રૂમ પર આવી અને જમીને સૂઇ ગઇ.

બીજા દિવસે બ્યુટીપાર્લરવાળી આવી ગઇ. આખો દિવસ તેણે અર્પિતાનો લીધો અને તેને ચમકતા હીરા જેવી બનાવી દીધી. અર્પિતા સાંજે નહાઇને બહાર આવી ત્યારે તેને વધુ પડતી ગોરી અને સુંદર જોઇ રચના પણ નવાઇ પામી ગઇ.

"અલી! તારો તો જવાબ જ નથી. દુલ્હનને પણ આટલી ટ્રીટમેન્ટ મળતી નથી. તું તો દુલ્હન કરતાં વધુ સુંદર દેખાય છે. પહેલા ગ્રાહક પર તો વીજળી જ પડવાની છે!"

"હા, રાજીબહેન ઉપર પણ વીજળી જ પડવાની છે. તેના સપના ચકનાચૂર થવાના છે!" મનોમન અર્પિતા બોલી રહી.

રચનાએ તેના શરીર પર સ્પર્શ કર્યો. અને બોલી:"આટલી ગોરી અને લીસ્સી ત્વચા તો સની લિયોનીની પણ નહીં હોય." પછી સની લિયોનીની એક પોર્ન ફિલ્મનો વીડિયો મોબાઇલમાં બતાવી તેને થોડું માર્ગદર્શન આપ્યું. અને બોલી :"ગ્રાહક તને જોઇને સનીને પણ ભૂલી જશે."

"રચના, તું તો મને આકાશમાં ઉડાવી રહી છે.""હું નહીં તારો પહેલો ગ્રાહક તારું આ રૂપ જોઇને આકાશમાં ઉડવાનો છે!"

"ચાલ હવે ચાંપલી બેસ. બીજી કોઇ વાત કર."

પછી રચનાએ તેની સાથે બીજી વાત કરી અને શુભેચ્છા આપી પોતાની રૂમમાં ગઇ.

આજે એ દિવસ આવી ગયો હતો. અર્પિતા પોતાના પહેલા ગ્રાહકને મળવા તૈયાર થઇ ગઇ હતી. અર્પિતાને ખબર ન હતી કે ક્યાં જવાનું છે અને કોણ તેનો પહેલો ગ્રાહક છે.

રાજીબહેને તેને પોતાના બેડરૂમમાં બોલાવી અને શુભેચ્છા આપી. સાથે સાવધાન પણ કરી કે આ ગ્રાહક આપણા માટે મહત્વનો છે. કોઇ ગરબડ થવી ના જોઇએ. તેને બરાબર ખુશ કરવાનો છે.

અર્પિતાને હતું કે કોઇ મોટી હોટલમાં જવાનું હશે. પણ જ્યારે રાજીબહેને તેને સામેના બંગલામાં જવાનું કહ્યું ત્યારે તે ચોંકી ગઇ. આ બાબત તેની ધારણા બહારની હતી. તેને રચનાએ કહ્યું હતું એ યાદ આવી ગયું કે ફક્ત બંગલાનું નામ જ રેડલાઇટ બંગલો છે. અહીં પુરુષોને મનાઇ હોવાનો ઢોંગ થાય છે. એમને સામેના બંગલામાં ગ્રીન સિગ્નલ છે. મતલબ કે પોતાના બંગલામાં કોઇ પુરુષને પ્રવેશ ન હોવાની વાત કરતી રાજીબહેન સામેનો બંગલો ખરીદી ત્યાં વેશ્યાવૃત્તિ કરાવી રહી હતી.

વીણા તેને એ બંગલામાં ખાસ સજાવેલા બેડરૂમમાં મૂકી ગઇ. એમાં બધી જ સુવિધાઓ હતી. કોઇ ફાઇવસ્ટાર હોટલના કમરાથી વધુ સુવિધાવાળો એ બેડરૂમ હતો. તે આતુરતાથી ગ્રાહકની રાહ જોવા લાગી.

આજે પોતાની સાથે રાજીબહેનની ઇજ્જત પણ દાવ પર લાગવાની હતી એ અર્પિતા જાણતી હતી.

અર્પિતાની પહેલા ગ્રાહક સાથેની મુલાકાત કેવી રહેશે? અર્પિતા કુંવારી નથી એ ગ્રાહક જાણશે પછી શું થશે? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.