મકાઇની મસ્ત મસ્ત વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મકાઇની મસ્ત મસ્ત વાનગીઓ

મકાઇની મસ્ત મસ્ત વાનગીઓ

મિતલ ઠક્કર

મકાઈનો ભુટ્ટો ખાવાની મજા તો આવે જ છે, સાથે તેમાંથી બનતી બીજી વાનગીઓ ખાવામાં પણ ટેસિયા પડતા હોય છે. સ્વાદિષ્ટ મકાઈનો સ્વાદ માણવા અમે તમારી માટે મસ્ત મસ્ત વાનગીઓ લઈને હાજર છીએ, જે ચોક્કસથી તમારા રસોડે બનાવવાનું મન થઈ જશે. તો તમારા રસોડાને મહેકાવી દો આ કોર્ન સ્પેશિયલ વાનગીઓથી. એને બનાવતા પહેલાં લાભ પણ જાણી લો. સ્વીટકોર્ન હોય કે દેશી મકાઇ, સ્વાસ્થ્ય અને સુંદરતાના ફાયદાથી ભરપૂર હોય છે. મકાઇ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે મદદગાર છે. મકાઇમાં વિટામીન સી, બોયોફ્લેવિનોઇડ્સ, કૈરોટેમનોઇડ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરીને ધમનીઓને બ્લોક થવાથી રોકે છે. હૃદયને સ્વસ્થ રાખવામાં કોર્ન મદદરૂપ છે. તેમાં રહેલા જિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આર્યન હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમજ આર્થોઇટિસની સંભાવના ઓછી કરે છે. મકાઇમાં વિટામીન 'એ' અને 'સી' વધારે પ્રમાણમાં રહેલા છે. તે એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલથી રક્ષા કરીને ચહેરા પરની કરચલીઓથી મુક્ત રાખે છે અને ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. આંખોની સમસ્યાને દૂર કરવા તેમાં રહેલા બીટા-કૈરોટીન, વિટામીન-એના ઉત્પાદનમાં સહાયક છે. મકાઇમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જે શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. તેમાં રહેલા ફાઇબર્સ કબજિયાતથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. તે સિવાય તેમા વિટામીન-બી -9 અને ફોલિક એસિડ હોય છે. જે ગર્ભાવસ્થામાં ખૂબ ફાયદાકારક છે. કોર્ન એક હેલ્ધી સ્નેક્સ છે. જે વજન કંટ્રોલ કરવાની સાથે – સાથે હેલ્ધી અને ફીટ રાખે છે. તો હવે રાહ જોયા વગર માણો મકાઇની વાનગીઓ.

મકાઇ અને વેજીટેબલની રોટી

સામગ્રી : ૧ કપ મકાઇનો લોટ, ૧/૨ કપ ખમણેલી ફૂલકોબી, ૧/૨ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ કપ બાફી , છોલી અને ખમણેલા બટાટા, ૨ ટીસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું –સ્વાદાનુસાર, મકાઇનો લોટ- વણવા માટે, તેલ-રાંધવા માટે, પીરસવા માટે તાજું દહીં, અથાણું.

રીત : મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો. આ કણિકના ૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા સૂકા મકાઇના લોટની મદદથી વણી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તાજા દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.

સ્વીટ કોર્ન ઢોકળા

સામગ્રી: બે કપ સ્વીટ કોર્ન, એક કપ સોજી, એક કપ દહીં, મીઠું સ્વાદાનુસાર, એક ઇંચ આદું-વાટેલું, એક લીંબુ, પોણી નાની ચમચી ઈનો પાઉડર, બે ટેબલસ્પૂન તેલ, એક નાની ચમચી રાઈ, દસ લીમડાના પત્તા, બે નંગ લીલા મરચાં સમારેલા, કોથમીર.

રીત: દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું, ઇનો અને આદુંની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે પાંચ મિનિટ માટે રહેવા દો. ઢોકળિયામાં અઢી કપ પાણી નાખી ગરમ કરો. હવે એક થાળીમાં તેલ લગાવી તેમાં ઢોકળાનું મિશ્રણ નાખી તૈયાર રાખો. પાણી ગરમ થાય એટલે તેમાં ઢોકળાની થાળી મૂકીને ઢાંકી દો. દસથી પંદર મિનિટ બાદ ચેક કરવું. જો ઢોકળા ચઢી ગયા હોય તો કાઢીને આવી રીતે જ બીજી થાળી મૂકવી. મનપસંદ રીતે તેને ચપ્પાથી કાપા પાડી લો અને થાળીમાંથી કાઢીને ગરમાગરમ સર્વ કરો.

મકાઇની પાનકી

સામગ્રી : ૧ કપ ખમણેલી તાજી મકાઇ, ૩/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, ૨ ટીસ્પૂન તેલ, મીઠું-સ્વાદાનુસાર, ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન રવો, ૧/૪ કપ ચણાનો લોટ, ૧૬ કેળના પાન (દરેક ૫” વ્યાસના ગોળાકારમાં કાપેલા), તેલ -ચોપડવા માટે. પીરસવા માટે લીલી ચટણી.

રીત: એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. કેળના પાનની એક બાજુ પર તેલ ચોપડીને તેને બાજુ પર રાખો. હવે એક કેળના પાનની તેલ ચોપડેલી બાજુ ઉપરની તરફ રાખી તેની પર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો. તેની પર બીજો એક તેલ ચોપડેલો કેળનો પાન ઉંધો મૂકી સારી રીતે હલકા હાથે દબાવી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ તૈયાર કરેલી પાનકી મૂકીને કેળાના પાન બન્ને બાજુએથી હલકા બ્રાઉન ધાબા થાય અને પાનકી પાનથી છુટી પડે ત્યાં સુધી શેકી લો. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

મકાઈના ભજીયા

સામગ્રી: 2 નંગ મકાઈનાં કુમળાં ડૂંડા, 1/2 ચમચી લાલ મરચાં, 1/2 ચમચો ધાણાજીરું, 1 નંગ લીલું મરચું ઝીણું સમારેલું, 3 વાટકી મકાઈનો લોટ, 1/4 ચમચી હળદર, 1 ચપટી સોડા, 1 ચમચો કોથમીર ઝીણી સમારેલી, તેલ-તળવા માટે, મીઠું- સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ મકાઈ છીણીને દાણા કાઢો. મકાઈના લોટમાં પ્રમાણસર પાણી નાખી ભજિયાં માટેનું ખીરું તૈયાર કરો. તેમાં છીણેલી મકાઈ અને બધો મસાલો નાખી બરાબર હલાવી લો. તેલ ગરમ કરવા માટે મૂકો. ગરમ કરેલા તેલમાં ભજિયાં ઉતારો. આ મકાઈનાં ભજિયાં ગરમા-ગરમ લીલી ચટણી અને સોસ સાથે ખાવાથી સ્વાદિષ્‍ટ લાગે છે.

મકાઈની કટલેટ

સામગ્રી:6 નંગ મકાઈ, 3 નંગ બાફેલા બટાકા, 2 થી 3 ટુકડા પનીર, 2 મોટી ચમચી ચણાનો લોટ, કોથમીર, લીલા મરચાં સમારેલા, મીઠું-સ્વાદાનુસાર, 1/2 ચમચી આદું-લસણની પેસ્ટ, 1 નંગ લીંબૂનો રસ, તેલ.

રીત: સૌપ્રથમ મકાઈના દાણાને અધકચરા વાટી લો. પનીર અને બાફેલા બટાકાને છીણીને તેમાં મિક્સ કરો. ચણાનો લોટ અને બાકીની બધી સામગ્રી મિક્સ કરી લો. આ મિશ્રણની કટલેટ બનાવી તળી લો. હવે તેને દહીં, આંબલી અને ધાણાની ચટણી કે સોસ સાથે સર્વ કરો.

પાલક-કોર્ન રાઇસ

સામગ્રી: બે વાટકી ચોખા, બે વાટકી મકાઈ, એક વાટકી પાલક, એક ચમચી મરચું, બે ચમચી મરી પાઉડર, તેલ-વઘાર માટે, એક નંગ લવિંગ, બેથી ત્રણ ટુકડા તજ, એક ચમચી જીરું, મીઠું- સ્વાદ મુજબ.રીત: ચોખામાં જરૂર પૂરતું પાણી રેડી ભાત તૈયાર થવા મૂકો. એક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તે બ્રાઉન રંગનું થાય એટલે તેમાં તજ, લવિંગ, બાફેલી મકાઈ, બારીક સમારેલી પાલકની ભાજી નાખી ધીમી આંચે રહેવા દો. તે પછી તેમાં મીઠું, મરચું નાંખી હલાવીને આ મિશ્રણને ભાતમાં મિક્સ કરો. હળવા હાથે હલાવીને ગરમાગરમ પાલક-કોર્ન રાઈસ સર્વ કરો.

કોર્ન પૈન પાવભાજી

સામગ્રી: 200 ગ્રામ કોર્ન(મકાઈ), 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 નંગ ડુંગળી, 7 થી 8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર-8, ટેબલ સ્પૂન બટર, 2 નંગ લીંબૂનો રસ, કોથમીર, મીઠું-સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર શેકો. ઉપરથી કોથમીર અને પનીરના ટુકડા નાખો. બધું જ બરાબર મિક્ષ થાય એટલે સર્વ કરો.

કોર્ન કટલેસ

સામગ્રી : ૧ નંગ મકાઈ (૫૦૦ ગ્રામ), ૨ ચમચી ગાજર બાફેલા, ૨ ચમચી વટાણા બાફેલા, ૨ નંગ બટાટા બાફેલા, જોઈતા પ્રમાણમાં મીઠું, ૧ લીંબુનો રસ, ૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૨ ચમચી કોથમીર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, જોઈતા પ્રમાણમાં બ્રેડ ક્રમ્સ, ૪ ચમચી કોર્ન ફ્લોર (મેંદો).

રીત : સૌ પ્રથમ મકાઈને બાફી લો. ઠંડી થયા બાદ તેના દાણા કાઢી લો. અડધા દાણાને મિક્સર જારમાં ક્રશ કરી લો. થોડા આખા દાણા રહેવા દો. હવે એક બાઉલમાં ક્રશ કરેલા મકાઈનો માવો, આખા મકાઈના દાણા, બાફેલા ગાજર-વટાણા તથા બાફેલા બટાટાનો માવો બનાવી તેમાં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, ૧ લીંબુનો રસ તથા બધા મસાલા ઉમેરો. તેમાં જોઈતા પ્રમાણમાં બ્રેડ ક્રમ્સ તથા કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ માવામાંથી કટલેસનો તમને મનગમતો આકાર આપો. તેને આકાર આપ્યા બાદ બ્રેડ ક્રમ્સમાં રગદોળી લો. હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. ગરમ ગરમ પીરસો. બ્રેડ ક્રમ્સના લીધે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. અત્યારે ભરપૂર પ્રમાણમાં મકાઈ મળતી હોવાથી મકાઈનો ઉપયોગ કરવો જોઈએ. તેનું શાક પણ બનાવી શકાય.

થાઈ કોર્ન સૂપ

સામગ્રી: ૩ કપ મકાઈના દાણા, ૧ નંગ લેમનગ્રાસ, ૧ નંગ કાંદો, ૧ નંગ લાલ મરચું, ૧ કપ વેજિટેબલ સ્ટોક, ૩-૪ નંગ બેસિલ પાન, અડધો કપ નારિયેળનું દૂધ,૧ નંગ ટમેટું, ૨ નંગ લીલા કાંદા, સ્વાદ પ્રમાણે મીઠું, ૩ કપ રેડ કરી પેસ્ટ, ૧ નંગ આદું, ૧ ટે.સ્પૂન ઑલિવ ઓઈલ.

રીત: એક નૉનસ્ટીક કડાઈમાં તેલ ગરમ કરો. કાંદાને સાંતળ્યા બાદ રેડ કરી પેસ્ટ સાંતળો. મકાઈના દાણા નાખો, આદુંની કતરણ કરીને નાખો. વેજિટેબલ સ્ટોક ભેળવીને ધીમા તાપે ગરમ કરવા મૂકો. થોડું ઠંડું થાય એટલે ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો. તેને પાછું ધીમી આંચ ઉપર ગરમ કરો. નારિયેળનું દૂધ ભેળવીને ગરમ કરો. ટમેટાં અને ઝીણી સમારેલી લીલી ડુંગળીના પાન નાંખીને બે મિનિટ ગરમ કરો. બાઉલમાં કાઢીને બેસિલ પાનથી સજાવીને ગરમા ગરમ થાઈ કોર્ન સૂપ સર્વ કરો.

મકાઈ-પનીર પકોડા

સામગ્રી: 100 ગ્રામ પનીર, 200 ગ્રામ મકાઈ, 1/2 ટી સ્પૂન જીરૂં પાઉડર, 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, 6 ટેબલ સ્પૂન ચણાનો લોટ, મીઠું-સ્વાદાનુસાર. 2 ટી સ્પૂન આદુંની પેસ્ટ, 1 ટી સ્પૂન લસણની પેસ્ટ, 2 નંગ લીલાં મરચાંની પેસ્ટ, 1 કપ દૂધ, 11/2 ટી સ્પૂન આમચૂર પાઉડર, 1 નંગ ડુંગળી સમારેલી, મીઠું-સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ મકાઈને બ્લેંડરમાં અધકચરી ક્રશ્ડ કરી લો. પનીરને છીણી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી આદું અને લસણ નાખી સાંતળો. ત્યાર બાદ તેમાં ક્રશ્ડ કોર્ન, મીઠું અને દૂધ નાખી ક્રીમી પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને ઠંડું કરી તેમાં છીણેલું પનીર, ડુંગળી, લીલાં મરચાં, જીરૂં પાઉડર, આમચૂર અને કોથમીર નાખી મિક્સ કરી લો. હવે ચણાના લોટમાં આ મિશ્રણ ઉમેરી થોડું પાણી નાખી તેનું ઘટ્ટ ખીરું બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચમચી અથવા હાથની મદદથી નાના-નાના બોલ્સ પાડી તેને ગોલ્ડન બ્રાઉન કરી લો. પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં ટામેટાં કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.

મકાઈની કચોરી

સામગ્રીઃ (પડ માટે)-મેંદો ૨ કપ, મીઠું - સ્વાદ અનુસાર, તેલ- ૫૦ ગ્રામ, (સ્ટફિંગ માટે) ૪ મકાઈના દાણા, મીઠું - સ્વાદ અનુસાર, મરચું - પા ચમચી, હળદર - પા ચમચી, વરિયાળી - ૧ ચમચી, જીરું - ૧ ચમચી, ગરમ મસાલો-૧ ચમચી, ચાટ મસાલો - ૧ ચમચી, લીંબુ – અડધું, ચણાનો શેકેલો લોટ - ૨ ચમચા, સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ, સમારેલું આદું - નાનો ટુકડો, તેલ - જરૂર પૂરતું.

રીત: મેંદામાં મીઠું અને તેલનું મોણ ભેળવીને જરૂર પૂરતું પાણી લઈ લોટ બાંધો. આ લોટને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક રહેવા દો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં વરિયાળી અને જીરું નાખો. સમારેલાં આદું-મરચાં નાખીને બે મિનિટ સાંતળો. આ પછી તેમાં મકાઇ દાણા ઉમેરીને સુગંધ આવે ત્યાં સુધી શેકો. બધા મસાલા અને ચણાનો લોટ ઉમેરો અને પા કપ પાણી રેડી ખદખદવા દો. ઠંડું થાય એટલે સ્ટફિંગને મેંદાના લોટના લૂઆમાં ભરી કચોરી બનાવો. આ કચોરીને તેલમાં બ્રાઉન રંગની તળી લો. ગરમાગરમ મકાઈની કચોરી આંબલીની ચટણી સાથે સર્વ કરો.

કોર્ન પેટીસ

સામગ્રી: 200 ગ્રામ મકાઈ, 1 કિલો બટાકા, 400 ગ્રામ પનીર, 2 ઝૂડી પાલક, 2 કપ કોર્નફલોર, 2 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, 2 કપ પાણી, 4 ચમચી આદું-લસણની પેસ્ટ, 1 વાટકી ઝીણી સેવ, 1 વાટકી ઝીણી સમારેલી કોથમીર, તેલ તળવા માટે, મીઠું-સ્વાદાનુસાર

રીત: સૌપ્રથમ બટાકાને બાફીને છુંદી લો. એમાં અડધું પનીર અને અડધા ભાગનો કોર્નફલોર ભેળવી દો. પાલક, લીંબુનો રસ, ખાંડ, આદું-લસણની પેસ્ટ અને મીઠું બધું બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લો. મકાઈને બાફી તેમાં વધેલું પનીર, આદું-લસણની પેસ્ટ, કોથમીર અને મીઠું ભેળવીને મિશ્રણ તૈયાર કરો. બટાકાના મિશ્રણમાં મકાઈનું મિશ્રણ વચ્ચેના ભાગમાં મૂકી પેટીસ તૈયાર કરો. કોર્નફલોરને પાણીમાં ભેળવીને ખીરું તૈયાર કરો. તેમાં પેટીસ બોળી સેવમાં રગદોળી ગરમ તેલમાં તળો. આ કોર્ન પેટીસને સોસ સાથે સર્વ કરો.

મકાઈનું શાક

સામગ્રી: 800 ગ્રામ મકાઈના ડોડા, 2 મોટા ચમચા દેશી ઘી, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 થી 3 સૂકાં લાલ મરચાં, 7 થી 8 લસણની કળી, 1 ચપટી હિંગ, 1/2 ચમચી જીરૂં, 2 થી 3 નંગ લવિંગનો પાવડર, 1/2 ચમચી હળદર, 3 ચમચી ધાણાજીરું, 500 ગ્રામ કોથમીર સમારેલી, મીઠું-સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.

રીત: સૌપ્રથમ મકાઈ ડોડામાંથી દાણા કાઢીને મિક્ષ્ચરમાં અધકચરા વાટી લો. હવે એક કડાઈમાં એક ચમચો ઘી ગરમ કરો. તેમાં મકાઈના દાણા ઉમેરીને તે લાઈટ બદામી રંગના થાય ત્યાં સુધી શેકો. હવે એને અલગ કાઢી લો. એ જ કડાઈમાં વધેલું ઘી નાંખીને હીંગ, જીરૂં, લવિંગ તેમજ લીલાં મરચાં ઉમેરીને સાંતળો. સહેજ ભૂરું થાય એટલે બીજા મસાલા થોડું પાણી નાખી મેળવી દો. મસાલા રંધાઈ જાય એટલે એમાં થોડું વધારે પાણી ઉમેરો. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે શેકેલા મકાઈના દાણો એમાં ઉમેરો અને ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી ચઢવા દો. નીચે ઉતારીને કોથમીરથી સજાવો.

કોર્ન ફણસી ડ્રાય સબ્જી

સામગ્રી : મકાઈના દાણા-એક કપ, ફણસી-૨૦૦ ગ્રામ, મરી પાઉડર-એક ચમચી, મીઠું-સ્વાદ મુજબ, આદુંમરચાં પેસ્ટ-બે ચમચી, દળેલી સાકર-ચપટી, ગ્રીનચીલી સોસ-એક ચમચી, વિનેગાર-અડધી ચમચી, તેલ- ચાર ચમચી, વાટેલુ લસણ-બે ચમચી, તળવા માટે તેલ.

રીત : મકાઈના દાણાને કૂકરમાં દસ મિનિટ બાફવા. ફણસીને બાફી પેપર પર એકદમ કોરી કરવી. કડાઈમાં તેલ મૂકી તેમા ફણસીને તળવી. બીજી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુંમરચાંની પેસ્ટ તથા લસણ પેસ્ટ સાંતળી તેમાં મકાઈના દાણા ઉમેરવા અને તળેલી ફણસી ઉમેરી હલાવવું. ત્યારબાદ બાકીના તમામ મસાલા ઉમેરી થોડીવાર બાદ ગેસ બંધ કરવો, અને ગરમા-ગરમ સર્વ કરવું.

***