રંગલાનું કૉપિ-પેસ્ટ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગલાનું કૉપિ-પેસ્ટ

રંગલાનું કૉપિ-પેસ્ટ

યશવંત ઠક્કર

(પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય)

રંગલો:

કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

ધંધો આ છે કેવો બેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

ફ્રોમ ઈસ્ટ ને ફ્રોમ વેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

એનર્જી કરવી શાને વેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

કોનાં એગ્ઝ ને કોના નેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

થોડી મહેનત ને ઝાઝો રેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

છપ્પનની રાખવી ચેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ

રંગલી: એ રંગલા. તને પગે લાગું. તારું આ કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ બંધ કર. જ્યારથી તેં ફેસબુક ચાલુ કર્યું છે ત્યારથી તને કૉપિ-પેસ્ટનું ભૂત વળગ્યું છે.

રંગલો:રંગલી રે રંગલી, કૉપિ-પેસ્ટને લીધે તો ફેસબુક પર મારી બોલબાલા છે. લાઇક્ના ઢગલા થાય છે. કોમેન્ટના ઢગલા થાય છે. મારી વાહવાહનો કોઈ પાર નથી. મારા આનંદનો કોઈ પાર નથી. તારાં દુઃખનો કોઈ પાર નથી.

રંગલી: મને વળી શાનું દુઃખ?

રંગલો:રંગલી, તેં અને મેં સાથે સાથે ફેસબુક જોઇન્ટ કર્યું હતું. આજે તું ક્યાં ને હું ક્યાં? ફેસબુક પર મારી જમાવટ છે અને તારો કોઈ ભાવ પૂછતું નથી.

રંગલી: હવે મૂછોને વળ દેવાનું રહેવા દે. બીજાનું લખેલું કૉપિ-પેસ્ટ કરીને તારા નામ પર ચડાવે છે. એમાં તારી મૌલિકતા કેટલી? આ ધંધો સારો નથી.

રંગલો:તારી મૌલિકતા ગઈ તેલ લેવા. લોકોને રોટલા ખાવાથી કામ છે. ટપટપથી નહિ.

રંગલી:પણ તું મને મારા એક સવાલનો જવાબ દઈશ.

રંગલો:એક નહિ. તારા હજાર સવાલોના જવાબ દેવાની મારામાં ત્રેવડ છે. હું કોણ? વીર ફેસબુક વાળો.

રંગલી:મારો સવાલ એ છે કે, હું તારા માટે રસોઈ ન બનાવું અને આપણા પાડોશી રમીલાબેનની રસોઈ લાવીને તારા ભાણામાં મૂકું એ બરાબર કહેવાય?

રંગલો:એ તો બહુ મજાનું. મારે તો ખાવા સાથે કામ. આમેય તારાં કરતાં રમીલાબેનની રસોઈ સારી હોય છે.

રંગલી:જા તારી સાથે વાત જ નથી કરવી.

રંગલો:અરે રંગલી. હું તો મજાક કરતો હતો. બાબા માફ કર દે. બોલ તારે શું કહેવું છે.

રંગલી:મરું કહેવું એમ છે કે, જો હું તને રસીલાબેને બનાવેલી રસોઈ જમાડતી હોઉં તો મારે તને કહેવું જોઈએ કે આ રસોઈ રસીલાબેને બનાવી છે.

રંગલો:કેમ? એવો કાયદો છે?

રંગલી:બધી બાબતોમાં કાયદા નથી હોતા. રંગલા, એ મારી નૈતિક ફરજ છે.

રંગલો:તો બજાવ તારી નૈતિક ફરજ. મને કોઈ ફરક નથી પડતો. ને રહી ફેસ્બુકની વાત, તો સમજી લે કે વાચકોને કોઈ ફરક નથી પડતો. એમને તો વાંચવા સાથે મતલબ છે. લખનાર સાથે નહીં.

રંગલી:અરે પણ જેણે મહેનત કરીને પોતાનું લખાણ તૈયાર કર્યું હોય એના નામનો ઉલ્લેખ તો કરવો જોઈએ કે નહિ?

રંગલો:કશી જરૂર નથી. એણે એનું લખાણ રેઢું મૂક્યું તો મેં ઉઠાવ્યુંને? એ એનું લખાણ એના મનમાં સાચવીને બેઠો હોત તો હું કૉપિ પેસ્ટ કરવાનો હતો? ચાલ જવાબ દે.

રંગલી:રંગલા, બીજાનું લખાણ આપણે જ્યાં પણ મૂકીએ ત્યાં એ લખાણ લખનારનું નામ ન મૂકીએ તો એ બેઈમાની કહેવાય.

રંગલો:[ગીત ગાય] ન ઇજ્જતકી ચિંતા ન ફિક્ર કોઈ અપમાનકી, જય બોલો બેઈમાનકી જય બોલો. જય બોલો બેઈમાનકી જય બોલો.

રંગલી:એટલે તેં લાજ શરમ સાવ નેવે મૂકી છે એમને? તો કર તારે જેમ કરવું હોય એમ. હું આ ચાલી.

રંગલો:એ.. એ... એ.. રંગલી, ઊભી રહે.. ઊભી રહે. ફેસબુક તો આજ છે ને કાલ નથી. તું તો મારું જીવતું ને જાગતું ફેસબુક છે.

રંગલી:ઊભી રહું. પણ એક શરતે. આજથી તારું કૉપિ-પેસ્ટ બંધ.

રંગલા:થોડી દયા ખા રંગલી, વરસોની આદત એમ એક ધડાકે કેમ છૂટે? ને કૉપિ-પેસ્ટ તો કેટલાય કરે છે. તું મને એકલાને જ ભાળી ગઈ છો?

રંગલી:જે લોકો એવું કરે છે એ બધાં જ તારા જેવું નથી કરતા. જે વ્યક્તિએ મહેનત કરીને લખાણ તૈયાર કર્યું હોય કરેલ હોય એ વ્યક્તિને જશ આપે છે. સમજ્યો?

રંગલો:સમજ્યો મારી મા સમજ્યો. હવેથી કૉપિ-પેસ્ટ કરીશ ત્યારે જે તે લેખક કે કવિનું નામ લખીશ. ભલે એ પણ બિચારા રાજી થાતા..

રંગલી:માત્ર નામ લખ્યે નહીં ચાલે. રંગલા, એ લખાણ મૂળ જ્યાંથી લીધું હોય એ મૂળની લિંક પણ આપવી જોઈએ. જેથી વાંચનાર એ મૂળ સુધી પહોંચી શકે.

રંગલો:આ તારી દાદાગીરી છે.રંગલી.

રંગલી:આ દાદાગીરી નથી. ઈમાનદારી છે.

રંગલો:એટલે, હું બેઠો બેઠો બીજાની ઘરાકી વધારું?

રંગલી:એમાં તારી પણ કિંમત વધશે.

રગલો:ચાલો. જેવો રંગલીનો હુકમ.

રંગલી:તો એ વાત પર થઈ જાય તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો:થાવા દે.

રંગલી:[નાચતાં નાચતાં ગાય]

કૉપિ-પેસ્ટના કરવાવાળા, કરજો એટલું કામ

કરજો એટલું કામ, કરજો એટલું કામ

જેનાં લીધાં લખાણ, લખજો એનું નામ

રંગલો: [રંગલીની સાથે નાચે અને ગાય]

લખજો એનું નામ લખજો એનું ઠામ

ઉપરથી વાલીડાં મારાં કરજો એને સલામ

તા થૈયા થૈયા ને તા થૈ.

[સમાપ્ત]