ઉનાળામાં આઇસક્રીમની મોજ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉનાળામાં આઇસક્રીમની મોજ

ઉનાળામાં આઇસક્રીમની મોજ

મિતલ ઠક્કર

ઉનાળો આવે એટલે આઇસ્ક્રીમની બોલબોલા વધી જાય. પહેલાં તો આઇસક્રીમ માત્ર ઉનાળામાં જ ખવાતી હતી. પણ હવે તો વર્ષના 365 દિવસ ખવાય છે. એટલે તેમાં વૈવિધ્ય વધી ગયું છે. હવે જાતજાતની આઇસક્રીમ મળે છે. અહીં એવી આઇસક્રીમ આપી છે કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે અગાઉ ક્યારેય માણી નહીં હોય. ઘરે બનતી આ આઇસક્રીમ એવી ઉત્તમ બને છે કે બજારમાં મળતી તૈયાર આઇસક્રીમની સરખામણીમાં સારી છે એવું તમે ચોક્કસ કહેશો. આ બધી આઇસ્ક્રીમ એવી સ્વાદિષ્ટ છે કે તમારી ડીશ ક્યારે ખાલી થઇ ગઇ તેનો તમને ખ્યાલ પણ નહીં રહે. અને એ ખાધા પછી લાંબો સમય યાદ રહેશે. તો તનમનને ઠંડક આપવા આ આઇસ્ક્રીમ બનાવી જુઓ.

બટરસ્કોચ આઇસક્રીમ

સામગ્રી: 3 કપ દૂધ, ½ કપ ઘાટ્ટુ દૂધ, ½ કપ દળેલી ખાંડ, 1 ચમચી બટર સ્કોચ એસેન્સ, ½ કપ દૂધ પાવડર.

રીતઃ સૌથી પહેલાં એક બાઉલમાં દૂધ, ખાંડ અને દૂધનો પાઉડર બરોબર મિક્સ કરી લો. તેને બરોબર મિક્સ કરો. જેથી દૂધમાં ગઠ્ઠા ન રહી જાય. મીડિયમ આંચમાં નોનસ્ટિક પેનમાં દૂધના મિશ્રણને એડ કરો. જ્યારે તે બરોબર ઉકળી જાય એટલે તેને ગેસ પર ઉતારીને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમાં બટર સ્કોચ એસેન્સ મિક્સ કરીને બરોબર મિક્સ કરી લો. વાસણને એલ્યુમિન્યમ ફોઇલથી ઢાંકી દો અને ફીઝરમાં રાખી લો. નિશ્ચિત સમય બાદ તેને ફ્રીઝમાંથી નિકાળી અને બરોબર મિક્સ કરી ક્રશ કરી લો. હવે ફરી તેને વાસણમાં કાઢી એલ્યુમિન્ય ફોઇલથી ઢાંકીને 8થી 10 કલાક ફ્રીઝમાં રાખો. નિશ્ચિત સમય બાદ બટર સ્કોચ આઇસ્ક્રિમને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લો.

જેલી આઇસક્રીમ મિક્સ

સામગ્રી : ૧ લિટર દૂધ, ૪ મોટા ચમચા રુહ-અફઝા, ૧ મોટો ચમચો કોર્નફ્લોર, ૧ પેકેટ સ્ટ્રોબેરી જેલી, ૨ મોટા ચમચા ખાંડ.

રીત : એક વાટકી દૂધમાં કોર્નફ્લોર ભેળવી બાકીના દૂધને ઉકાળો. બરોબર ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્લોરવાળું દૂધ ઉમેરો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. આ ઘટ્ટ દૂધને ઠંડુ થવા દો જેલીની સામગ્રીને ખાંડ સાથે થોડા પાણીમાં પલળવા દો. ત્યાર બાદ ૫૦૦ મિ.લી. ઉકળતું પાણી ઉમેરી ઓગળી જાય ત્યાં સુધી હલાવો. થોડું ઠંડુ થાય, એટલે ફ્રીઝમાં મૂકી દો. ઘટ્ટ દૂધમાં રૃહ-અફઝા ભેળવી અગાઉથી ઠંડી કરેલ ટ્રેમાં કાઢી ફ્રીઝમાં મૂકી દો. આઇસક્રીમ જામી જાય અને જેલી સેટ થઈ જાય એટલે બન્નેને મિક્સીમાં નાખી એકરસ કરી ફરી ફ્રીઝમાં મૂકી દો. પછી ગુલાબની ઝીણી પાંખડીઓથી સજાવટ કરી પીરસો.

દહીંનો આઇસક્રીમ

સામગ્રી: ½ કપ દહીં, ¼ કપ ખાંડ, ½ કપ ક્રીમ, 2 ટીપા વેનીલા એસેન્સ, 10 કાજુ, 4 બિસ્કિટ.રીતઃ દહીં, ખાંડને બરોબર મિક્સ કરી લો. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી સતત તેને હલાવતા રહો. ક્રીમ અને વેનીવા એસેન્સ એડ કરો. એક વખત ફરી બધી જ વસ્તુઓ મિક્સ થાય ત્યાં સુધી તેને સતત હલાવો. મિક્ચરમાં કાજુના ટૂકડા એડ કરીને બરોબર મિક્સ કરો. હવે એક એર ટાઇટ કન્ટેનરમાં બિસ્કિટના ટુકડા એડ કરો તેની પર આઇસ્ક્રીમનું મીક્ષણ પાથરો અને તેની પર ફરી બિસ્કિટના ટૂકડા ગોઠવી અને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી દો. આઇસ્ક્રીમ કન્ટેનરને ફ્રીજમાંથી નિકાળીને ઠંડી આઇસ્ક્રિમ પર મેલ્ટ ચોકલેટ એડ કરીને સર્વ કરો. આઇસ્ક્રીમમાં તમે તમારી પસંદગીના સૂક્કા મેવા પણ એડ કરી શકો છો.

બનાના સ્પિલ્ટ આઇસક્રીમ

સામગ્રી : ૪ તાજાં પાકાં કેળાં, ૧ કપ સ્ટ્રોબેરી આઇસક્રીમ, ૧/૨ કપ લાલ શરબત (સ્ટ્રોબેરી), ૧ કપ ચોકલેટ આઇસક્રીમ, ૧/૨ કપ બિસ્કિટનો ભૂકો, ૧ કપ મિન્ટ આઇસક્રીમ.

રીત : એક બનાના સ્પિલ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક કેળાની છાલ ઉતારી તેના લંબાઈમાં બે ભાગ કરી નાનકડી ટ્રેમાં મૂકો. તેના પર એક સ્કૂપ પાઈનેપલ આઇસક્રીમ, એક સ્ફપ સ્ટ્રોબેરી આઇસક્રીમ અને એક સ્કૂપ ચોકલેટ આઇસક્રીમ મૂકો. છેલ્લે એક સ્કૂપ મિન્ટ આઇસક્રીમ મૂકો. ત્યાર બાદ એક મોટો ચમચો ભરીને લાલ શરબત સ્ટ્રોબેરી આઇસક્રીમ પર રેડો. ચોકલેટ આઇસક્રીમ પર બિસ્કિટનો ભૂકો ભભરાવો અને ગ્લેઝડ ચેરીથી સજાવી ઠંડો બનાના સ્પિલ્ટ આઇસક્રીમ મહેમાનોને પીરસો.

મેંગો આઈસક્રીમ

સામગ્રી: 2-3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ, અડધી વાટકી ખાંડ, 1 વાટકી દૂધ, અડધી વાટકી ફ્રેશ મલાઇ, પા વાટકી મિલ્ક પાવડર, પા ચમચી જીએમએસ પાવડર, પા વાટકી બદામ પિસ્તાની કતરણ, થોડી કાપેલી કેરી.

રીત: સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાવડર, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રૂઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટમાં નાંથી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાની કતરણથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

ચોકલેટ નટ રિબન

સામગ્રી : ૨ કપ સ્ટ્રોબેરી જેલી, ૨ કપ ચોકલેટ આઇસક્રીમ, ૧ કપ શેકેલી બદામ, ૧ કપ ચોકલેટ સોસ, સજાવવા માટે શેકેલી બદામ તેમ જ ચેરી.

ચોકલેટ સોસ માટેની સામગ્રી : ૧ કપ પાણી, ૧/૨ કપ ખાંડ, ૨ મોટા ચમચા કોકો પાઉડર, ૧ ચમચી માખણ, ૧૦ ટીપાં વેનીલા એસેન્સ, ૧ ચમચી કોર્નફ્લોર.

રીત : પાણીમાં કોર્નફ્લોર ભેળવી તેને ગરમ કરવા મૂકો અને ઘટ્ટ થવા દો. હવે તેમાં કોકો પાઉડર, માખણ અને ખાંડ ભેળવી ફરી ગરમ થવા દો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે નીચે ઉતારી લઈ ઠંડુ થાય એટલે તેમાં વેનીલા એસેન્સ ભેળવી એક કલાક સુધી ફ્રીઝમાં રાખો. હવે ચોકલેટ રિબન માટે લાંબા ગ્લાસમાં સજાવટ કરો. સૌપ્રથમ ગ્લાસમાં ૧/૨ કપ સ્ટ્રોબેરી જેલી નાખો. તેના પર એક મોટો સ્કૂપ ચોકલેટ આઇસક્રીમ, ૨ મોટા ચમચા ચોકલેટ સોસ તથા શેકીને અધકચરી ખાંડેલી બદામ અથવા ઇચ્છા હોય તો જેલી તેમ જ ચેરીથી સજાવીને ઠંડુ જ પીરસો.

ફ્રેશ ફ્રૂટ આઇસક્રીમ

સામગ્રી: કન્ડેન્સ્ડ મિલ્ક - દોઢ ટિન, દૂધ - દોઢ કપ, ફ્રેશ ક્રીમ - દોઢ કપ, સમારેલાં ફળ - દોઢ કપ, ચોકો ચિપ્સ - એક ચમચો, વેનિલા એસેન્સ - 1 ચમચી,

રીત: એકમોટા બાઉલમાં તાજી ક્રીમ લઈ તેને બીટરથી ખૂબ ફીણ થાય ત્યાં સુધી હલાવો. કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ અને વેનિલા એસેન્સ મેળવો. આને ક્રીમમાં ભેળવી ટ્રેમાં ભરો અને ફોઇલથી ઢાંકી ફ્રીજરમાં મૂકી દો. સહેજ જામવા જેવું થાય એટલે તેને કાઢી, ખૂબ હલાવો અને સમારેલાં ફ્રૂટ્સ નાખી એરટાઇટ કન્ટેનરમાં ભરી ફરીથી જામવા મૂકો. છેલ્લે ચોકો ચિપ્સ ભભરાવી સર્વ કરો.

ડ્રાય ફ્રુટ આઇસક્રીમ

સામગ્રી : એક લિટર દૂધ, ૪-૫ ચમચા ખાંડસ બે ચમચા વાટેલી બદામ, એક ચમચી એલચીનો પાઉડર, બે ચમચા કૉનફ્લોર, ૩/૪ કપ ક્રીમ, થોડું રોજ એસન્સ, ૬ ચેરી, ૬ બદામ.

રીત : દૂધને એટલું ઉકાળો કે તે ૩/૪ લિટર જેટલું જ રહે. તેમાં ૧/૨ કપ પાણીમાં ધોળેલ કૉર્નફ્લોર નાખો અને ચમચાથી હલાવો. જેથી ગઠ્ઠા ન બાઝી જાય. હવે ખાંડ નાખો. દૂધ સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં સાકર નાખો અને ઉકળવા દો, જેથી સાકર ગળી જાય. તે પછી નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ઠંડા થયેલા મિશ્રણમાં ક્રીમને ફીણીને નાખો. તેમાં વાટેલી બદામ, એલચીનો પાઉડર અને રોઝ એસન્સ ભેળવી, ફ્રીઝમાં મૂકી આઇસ્ક્રીમ જામવા દો. ૩-૪ કલાક પચી આઇસ્ક્રીમ તૈયાર થઇ જાય, એટલે તેના પર ઇચ્છા હોય તો ચેરી અને બદામના ટુકડાથી સજાવટ કરી સ્વાદ માણો.

મેલન આઈસક્રીમ

સામગ્રી : સક્કરટેટી ૧ મોટી, ખાંડ ૧૫૦ ગ્રામ, કસ્ટર્ડ પાવડર ૩ ટેબલ સ્પુન, લીંબુ એક નંગ નાનું, ડબલ ક્રીમ અથવા દૂધની જાડી મલાઈ ૪૦૦ ગ્રામ.

રીત : સક્કરટેટીની ડાંડી બાજુથી લગભગ બે ઇંચ જગ્યા છોડીને સક્કરટેટીના બે ભાગ કરવા. ચમચા વડે અંદરથી બીજ અને સફેદ ભાગ કાઢી નાંખી અંદરનો ગર હળવેથી કાઢી લેવો. ટેટીનું છાલનું ખોખું રહેવા દેવું. એક તપેલામાં ખાંડ અને સક્કરટેટી એકરસ થાય ત્યાં સુધી ધીમી આંચે ગરમ કરવું. મિકસરમાં પીસવું. અથવા ચારણી પર ઘસીને એક સરખું લીસ્સું કરવું. બે ચમચા દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળી ખાંડ અને ટેટીના મિશ્રણમાં ભેળવી ફરીથી ગરમ કરવું. ધીમી આંચે મિશ્રણ જાડુ થાય ત્યાં સુધી ખદખદાવવું. ઢાંકીને ઠંડુ પડે ત્યાં સુધી રહેવા દેવું. મલાઈ અથવા ડબલ ક્રીમને બરફ પર વાસણ રાખી તેમાં ફીણવું. ઘટ્ટ થાય ત્યારે સક્કરટેટીના મિશ્રણમાં ઉમેરી લીંબુ અને છીણેલી થોડી છાલ ઉમેરી એલ્યુમિનિયમના ડબ્બામાં ઢાંકીને ફ્રીઝ કરવું. ફ્રીઝ સૌથી ઠંડા સેટીંગ પર રાખવું. આઇસ્ક્રીમ બરાબર જામી જાય ત્યારે બહાર કાઢી તેના નાના ટુકડા કરી તેને લીસ્સું થાય ત્યાં સુધી મિકસરમાં ફીણવું. સક્કરટેટીની છાલમાંથી જે ગર કાઢી લીધો છે તેમાં આઈસ્ક્રીમ ભરી ફરીથી જમાવવા મૂકવું. નાની નાની પ્યાલીઓમાં અથવા સક્કરટેટીની છાલમાં જ આ આઇસ્ક્રીમ પીરસવો. જો પસંદ હોય તો સહેજ લીલો રંગ ઉમેરી શકાય.

વેનિલા આઇસક્રીમ

સામગ્રી: દૂધ - 700 ગ્રામ, ક્રીમ - 300 ગ્રામ, ખાંડ - 1 કપ, વેનિલા એસેન્સ - 1 ચમચી, કસ્ટર્ડ - 80 ગ્રામ.

રીત: એકતપેલીમાં દૂધ, ખાંડ, ક્રીમ, વેનિલા એસેન્સ, કસ્ટર્ડ મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી તેને ફ્રીજરમાં મૂકો. બે કલાક પછી આઇસક્રીમ જામી જાય ત્યારે તપેલીને બહાર કાઢી આઇસક્રીમને ખૂબ હલાવો અને પછી તેને ફરીથી ફ્રીજરમાં જામવા માટે મૂકી દો. બે-ત્રણ કલાકમાં આઇસક્રીમ જામી જાય એટલે બહાર કાઢી તેના પર ડ્રાયફ્રૂટનો ભૂકો ભભરાવી મહેમાનોને સર્વ કરો.

ચોકલેટ આઇસક્રીમ

સામગ્રી:૧ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ, ૨ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ સાકર, ૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર, ૧/૨ કપ તાજું ક્રીમ, થોડા ટીપા વેનીલાનું એસન્સ.

રીત: એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર રાખો. બીજા પહોળા નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલા ૨ કપ દૂધમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડું થવા દો. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં તાજું ક્રીમ અને વેનીલા એસન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનયમના વાસણમાં રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો. તે પછી આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવી લો. હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો. સ્કુપ વડે કાઢીને પીરસો.

કેસર મિલ્ક મસાલા આઇસક્રીમ

સામગ્રી: અઢી કપ ફુલ ક્રીમ દૂધ, એક ટીસ્પૂન કસ્ટર્ડ પાઉડર, પોણો કપ ખાંડ, બે નાની ચમચી વેનિલા એસેન્સ, ચારસો ગ્રામ ક્રીમ, કેસર - એક પેકેટ, મિલ્ક મસાલા.

રીત: અડધા કપ દૂધમાં ખાંડ અને કસ્ટર્ડ મિક્સ કરો. બાકીના દૂધને મોટા વાસણમાં ગરમ થવા મૂકો. જ્યારે દૂધ ઉકળવા લાગે તો તેમાં ધીમે ધીમે કસ્ટર્ડવાળું દૂધ ઉમેરો. સાથે બાદશાહનો કેસર મિલ્ક મસાલા નાખો અને હલાવતાં જાવ. તે ઉકળવા લાગે એટલે ગેસ પરથી ઉતારી ઠંડું થવા મૂકો. સતત હલાવતા રહો, નહીં તો તેની ઉપર મલાઈ જામી જશે. તેમાં વેનિલા એસેન્સ નાખી હલાવો. મિશ્રણ મોટા વાસણમાં લઈ તેને ફ્રીઝરમાં મૂકો. જામી જાય એટલે તેને કાઢીને બ્લેન્ડરમાં નાખી બ્લેન્ડ કરો. ફરી વાર વાસણમાં કાઢી તેને ફ્રીઝરમાં મૂકો અને જામી જાય એટલે ફરીવાર બ્લેન્ડ કરો. આ પ્રક્રિયા બે વાર કર્યા પછી તેને નાના નાના એર ટાઇટ કપમાં અથવા એક મોટા એરટાઇટ વાસણમાં મૂકી ફ્રીઝરમાં જામવા મૂકી દો. આમ થોડી વારમાં આઇસક્રીમ તૈયાર થઈ જશે. પીરસતી વખતે તેની ઉપર ચેરી કે સૂકો મેવો ભભરાવો.

ચોખાનો આઇસક્રીમ

સામગ્રી: 1 કપ – બ્રાઉન રાઇસ (પલાળેલા), 1 કપ – દૂધ, 1/2 ચમચી – ઇલાયચી પાઉડર, 1/4 – બ્રાઉન શુગર, 3/4 કપ – વેનીલા ક્રીમ.

રીત: સૌ પ્રથમ બ્રાઉન ચોખાને પાણીમાં એક કલાક પલાળી રાખો. તે બાદ તેને પાણીમાંથી નીકાળીને એક નોન સ્ટીક કઢાઇમાં રાખો. હવે તેમા દૂધ ઉમેરીને 5-8 મિનિટ ચઢવા દો. હવે તેમાં અડધી ચમચી ઇલાયચી પાઉડર ઉમેરો. તે બાદ તેમા બ્રાઉન શુગર મિક્સ કરીને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી તે ગટ્ટ થઇને ખીર જેમ બનાવો. એક બાઉલમાં તેને ઠંડું કરવા મૂકો. તે બાદ તેમા વેનીલા આઇસ્ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એક સિલિકોન મોલ્ડમાં ઉમેરી ડીપ ફ્રીજરમાં 3-4 કલાક સેટ થવા દો. જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે.

ખમણનું આઇસક્રીમ

સામગ્રી : લીટર દુધ, 200 ગ્રામ મિલ્કમેડ, 3 ટે.સ્પુન મિલ્ક પાવડર, 2 ટે.સ્પુન કોર્નફ્લોર, 1/4 કપ નટ્સ.

રીત : ઠંડા દુધમાં કોર્નફ્લોર, માવા અને મિલ્ક પાવડર નાખી મિક્સ કરો.હવે એને ગરમ કરવા મુકી એમાં મિલ્ક મેડ ઉમેરો. એને હાફ બોઇલ થવા દો. હવે એમાં નટ્સ ઉમેરીને 5 મિનિટ બોઈલ કરો અને પછી ઉતારી લો.આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે ખમણના ક્રમ્સ સાથે ઝીણી સમારેલી કોથમીરને કુલ્ફીના મોલ્ડ કે આઈસ્ક્રીમ ટીનમાં ભરી ફ્રીઝરમાં 5 કલાક રાખો.ખમણનું આઈસ્ક્રીમ તૈયાર.

આઇસક્રીમ લોચો

સામગ્રી : 1 કપ ચણા દાળ, 1/4 કપ અડદ દાળ, 1/4 કપ પૌવા, 1 ટેસ્પુન આદુ પેસ્ટ, 1 ટેસ્પુન લીલા મરચાની પેસ્ટ, ચપટી સોડા બાયકાર્બ, 1/2 ટી સ્પુન હીંગ, 1 કપ મેયોનીઝ, ચીઝ.

રીત : ચણા અને અડદની દાળને ચાર કલાક પલાળ્યા પછી વાટી લો. આથો આવે એ પછી એમાં બધા મસાલા સાથે સોડા કાર્બ નાખી બરાબર હલાવી દો. મિશ્રણને પાંચ થી સાત મિનિટ ઠરવા દઇ એને બોઈલ કરો. એ મિશ્રણને ડીપ ફ્રીઝમાં ચીલ્ડ થવા માટે રાખી દો. સર્વ કરતી વખતે એના પર મેયોનીઝ અને ચીઝ નાખીને સર્વ કરો.

***