ક્યાં સુધી? Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યાં સુધી?

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : ક્યાં સુધી ?

શબ્દો : 1507

સજેસ્ટેડ શ્રેણી : social / general

ક્યાં સુધી ?

આજના યુગમાં કોઈને કોઈ માટે જાણેકે નવરાશ જ નથી, દરેક સંબંધોમાં ફોર્માલિટી વધતી જ જાય છે, દરેક વ્યક્તિ ઘણીવારલતો એમ લાગી આવે કે જાણે પોતપોતાનાં નિજી સ્વાર્થ માટે જ જીવતી હોય. અહીં પ્રસ્તુત બે વાતોમાં મારાં હૃદયમાં ઉઠેલા અત્યારનાં સમાજનાં એવાં પ્રશ્નો છે જે કદાચ તમારા હૃદયમાં પણ ઊઠતા જ હશે, તમો પણ સૌ કોઈ આવાં અનેકો પ્રશ્નોનો સામનો રોજ બરોજની જિંદગીમાંઅનુભવતા જ હશો પરંતુ મારો બસ એક જ પ્રશ્ન છે આજના સમાજની સામે કે શું આ પ્રશ્નો બધાં વણ ઉકલ્યાં જ રહેશે શું ? શું આ બધી સમસ્યાઓનો આપણાંથી જ શરૂ કરીને સૌ કોઈ સુધી કોઈ અંત શક્ય જ નથી શું ? આવું ને આવું ક્યાં સુધી ચાલ્યા કરશે ? ક્યાં સુધી ?

1.

થોડા દિવસ પહેલા એક મિત્ર ના મોં એ એક વાક્ય સાંભળવા મળ્યુ -આપણે સૌ કામથી નહીં એટલા લાગણીથી ઘસાતા હોઇએ છીએ.

અજાણતાં જ એ મિત્ર એ કેટલી સાચી વાત કહી દીધી.સામાન્ય વાતચિત માં જ એક નગ્ન સત્ય એમણે કહી દીધુ અને આ એક નગ્ન સત્ય થી મારા મનમાં ખળભળાટ વ્યાપી ગયો.

ઇશ્વરે આપણને માનવદેહ આપ્યો ને સાથોસાથ આપણામાં સ્નેહ , પ્રેમ, વિવેક જેવા અનેક ગુણો પણ મૂક્યા પણ એક મનુષ્ય તરીકે એ ગુણોને આપણે વળગી રહ્યા છીએ ખરા ? સમયની સાથે આપણામાં ના આ ગુણો ધીરે ધીરે વિલીન થતા જાય છે. આજે જ્યાં જુઓ ત્યાં વેર-ઝેર ઇર્ષ્યા અદેખાઈ, વિવેકશૂન્યતા ને ઉચ્ર્છખંલતા જોવા મળે છે. મારો કહેવાનો મતલબ એ નથી કે જગત પરના બધા જ માનવી આવા છે પણ જો કોઈ સમયની સાથોસાથ આવા બની ગયા છે તેમણે તેમના મનને ઢંઢોળવાની જરુર છે.

માણસ ધીમે ધીમે લાગણી હીન થતો જાય છે. જો કોઇના દુઃખ થી આપણું હ્રદય દ્રવે નહીં તો આપણે માણસ શા કામના ?માણસ જેવા માણસ થઈ ને જો આપણે લાગણી શૂન્ય બનીએ તો તે કેટલી હદે યોગ્ય છે ?.

કોઇપણ માણસ લાગણીશીલ ન હોય તો સાચા અર્થ માં તેને માણસ કહી જ ન શકાય.પણ ઘણાં માણસો માં લાગણીવેડા જોવા મળે છે. કોઇપણ વસ્તુ મેળવવા માટે ગાંડપણ સુધી પહોંચી જવાય તો એ લાગણીવેડા નહી તો બીજું શું છે ?

બાળકને પહેલી વાર સ્કૂલ માં મૂક્યું ને બાળકને રડતા જોઇ મા પણ રડવા લાગે તો આ માતાના લાગણીવેડા નહી તો બીજું શું છે ? માતાના આ લાગણીવેડા જોઈ બાળક પછી બધું જ ધાર્યું કરાવવા લાગે છે જે તેના ભાવિ જીવન માટે બાધારુપ બને છે.ધીમે ધીમે તેના મનમાં એક વાત ઘર કરી જાય છે કે ધાર્યું કરાવવું હોય તો આંસુ સરળ ઉપાય છે. મોટા થતાં તેની આ આદત ના પરિણામ રુપે તે જિદ્દી ને ગુસ્સા વાળા સ્વભાવના બને છે.આવું ન બનવા દેવું હોય તો સૌ પ્રથમ તો માતાએ જ પોતાના લાગણીવેડા પર કાબુ રાખતાં શીખવું પડશે.

ઘણીવાર આપણને કોઈ માટે ખૂબ લાગણી હોય તો આપણે તેના માટે ગમે તે કરવા તૈયાર થઈ જઇએ છીએ.આપણા કીમતી સમયનો ભોગ આપીને ય આપણે તેનું કામ કરવા તત્પર હોઇએ છીએ -આપણી આ ભાવના જાણ્યા પછી સામી વ્યક્તિ આપણને નાના મોટા દરેક કામ ચીંધ્યા કરે છે અને જ્યારે આપણે તેમનું કંઈક નાનું અમસ્તું પણ કામ હોય ત્યારે તે આપણને મળવાનું પણ ટાળે છે છતાં આપણે તો એના એ જ.

આવા તો કંઈ કેટલાય પ્રસંગો રોજબરોજની આપણી જિંદગી માં બનતા જ હોય છે કે જેના થકી આપણે સમજવા માગીએ તો સમજી શકીએ કે આપણે આપણી લાગણી અને આપણો સમય કેટલો બરબાદ કરતા રહીએ છીએ. સૌથી વધુ આપણે ક્યાંય ઘસાતા હોઇએ છીએ તો આ લાગણી પાછળ જ .

મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે લાગણીશીલ હોવું સારી વાત છે પણ લાગણીવેડા માં તણાવ જરુરી નથી.ખોટા તણાઈ ને મૂર્ખ કહેવડાવવું એના કરતાં તમારી લાગણી તમારા પૂરતી સિમિત રાખો તેનો અતિરેક ટાળો.. તમારી પાસે જે કંઇ છે તેને વ્યર્થ વહાવી દેવાના બદલે તમારા પૂરતું જ રહેવા દો .જ્યાં લોકોને અતિરેક લાગશે ત્યાં અને ત્યારે ત્યારે લોકો તમારી પાસેથી કામ કઢાવી તમારાથી દૂર ભાગશે અને આવું બનશે ત્યારે તમારા દુઃખ નો પાર નહી રહે. આજના સમયમાં જ્યારે માણસ ભૌતિકતા ના માપદંડે સૌને મૂલવતો થયો છે ત્યારે ઇશ્વરે તમારા હ્રદયમાં એક અમૂલ્ય કહી શકાય એવો સંવેદના નો ભંડાર ભર્યો છે તેને નાહક વેડફી દેવાના બદલે તેનો યથોચિત ઉપયોગ કરો. ક્યાં સુધી તમારી લાગણીઓ ને એવા

માણસ પાછળ વેડફશો જેને તેની કોઈ કીમત જ નથી .ક્યાં સુધી ?

2.

આજકાલ જ્યાં જુઓ ત્યાં દરેક ક્ષેત્રે સ્ત્રી પુરુષની સાથે કામ કરતી જોવા મળે છે અને જમાના પ્રમાણે એ સાહજિક અને સ્વાભાવિક છે કે સ્ત્રી પણ આજે ખભે ખભો મિલાવી કામ કરવા લાગી છે. આજની મોંઘવારી અને જરુરિયાત ની વધતી જતી ભીંસમાં સ્ત્રી પણ કમાવા માટે ઉંબર બહાર પગ મૂકે તો એમાં કંઈ ખોટું પણ નથી. પોતાનું ભણતર, પોતાની આવડત નો જો આ રીતે સદ્ઉપયોગ થઈ શકતો હોય તો કરવો જ જોઇએ. આ મોંઘવારી માં બે છેડા ભેગા કરવા જો પતિ પત્ની બંને કમાતા હોય તો કોઈ એક વ્યક્તિ ના ખભા પર વધુ ભાર ન રહે.આ રીતે વ્યવસાય અર્થે બહાર નીકળીને સ્ત્રી એ પોતાની કુનેહ પુરવાર કરી જ આપી છે.

આમ છતાંય હજુ સુધી સ્ત્રી નો ઉધ્ધાર થયેલો જણાતો નથી.સ્ત્રી ગમે તેટલી આગળ પડતી હોય, સમાજમાં તેણે પોતાના સ્વ બળે પોતાનું સ્થાન જમાવ્યું હોય , લોકો તેની વાહવાહ કરતા હોય છતાં કોઇક એવા સ્તરે સ્ત્રી ને લાગે છે કે ઘર અને બહાર બંને જગ્યાએ પોતે ખૂબ નિપુણ હોવા છતાં પોતે સ્વતંત્ર નથી.બહાર ઓફિસમાં, રેસ્ટોરન્ટ માં કે દુનિયાના કોઇ પણ ખૂણે વ્યવસાય અર્થે છૂટથી હરતી ફરતી સ્ત્રીઓને ઘરમાં પગ મૂકતાં જ તેનો એ છૂટથી હરવા ફરવાનો , હસવા બોલવાનો બુરખો ઉતારી ઘરકામમાં પરોવાઇ જવું પડે છે.

બાળકો સાથેની તેની વાતચીત માં , કુટુંબના અન્ય સદસ્યો સાથેના વ્યવહારમાં હસવા બોલવાની તેની રીતભાતમાં છૂપી અસ્વતંત્રતા ડોકાયા કરે છે.તેની કોઇ આગવી લાક્ષણિકતા કે કોઈ વિચક્ષણતાને કારણે તે માનપાનની અધિકારી હોવા છતાં તેના આ જ ગુણને અવગુણ માનવામાં આવે છે. બધા સાથે હસીને વાત કરતી કે નિખાલસ ભાવે વર્તતી સ્ત્રી એ ઘરમાં પેસતાં જ સખ્તાઇનો સામનો કરવો પડે છે. અન્ય સભ્યો તો ઠીક પરંતુ પતિ નામનો પુરુષ પણ તેના તરફ શંકાની નજરે જુએ છે. પોતાની પત્ની ને બીજા કોઇ પુરુષ સાથે છૂટથી હસતી બોલતી તેનો સાંખી શકતો નથી. પતિને પોતાની પત્ની ની પોતાના પ્રત્યેની નિષ્ઠા માટે શંકા જાગે છે અને તેનો સતત તેના તરફ શંકાની નજરે જુએ છે પરિણામે સ્ત્રી એક એવા વળાંક પર આવીને ઊભી રહી જાય છે કે જ્યાં તેને માત્ર અસ્વતંત્રતા ને હતાશા જ દેખાવા લાગે છે. અને ત્યારે ન ઇચ્છવા છતાંય સ્ત્રી ને પોતાની નજર સામે કેવળ એક એવો પુરુષ દેખાવા લાગે છે જે તેની લાગણીઓને , તેની ભાવનાઓને સમજીને તેને સાચવી શકે અને તેનું સાચું મૂલ્યાંકન આંકી શકે.

આમ પણ પુરુષ યુગો યુગો થી પોતાનું આધિપત્ય સ્થાપતો આવ્યો છે. નવા યુગ તરફ ડગલા ભરતો પુરુષ અન્ય સ્ત્રીઓ સાથે છૂટથી હળે મળે છે , તેની સાથે કૉફીશોપમાં કોફી પીવા જઇ શકે છે પરંતુ પોતાના જ ઘરની સ્ત્રી પછી તે પોતાની માતા , બહેન , ભાભી કે પત્ની ને અન્ય સાથે હળવા મળવાની છૂટ દઇ શકતો નથી.તે સતત પોતાના ઘરના સ્ત્રી પાત્રનો પહેરો ભર્યા કરે છે.તે એકલો અન્ય સ્ત્રી સાથે બહાર જઇ શકે છે પણ પોતાની પત્ની ને તે એકલી બહાર જવા દેતો નથી. જ્યારે પત્નીને કોઈ સાથે કોઇ કામ અર્થે બહાર જવાનું બને તો તેના પડછાયા માફક તે તેની સાથે જાય છે પરિણામે સ્ત્રી એક પ્રકારની અસ્વતંત્રતા નો અનુભવ કરે છે જે તેને માનસિક અસમતુલા તરફ દોરી જાય છે, પછી તેનો નથી ખુલ્લા મને હસી શકતી કે નથી રડી શકતી કે નથી ચેન થી જીવી શકતી અને છતાંય તેણે પોતે ખુશ હોવાનો દેખાવ કરવો પડે છે.

પુરુષ માને છે કે પોતે માલિક છે , પોતાની પત્ની ના તન, મન ને ધન પર પોતાનો જ અધિકાર હોવો જોઇએ, તેઓનો એ ભૂલી જાય છે કે પત્ની પણ પહેલા એક વ્યક્તિ છે પછી પત્ની. જ્યારે પણ થશે તેની સાથે જોડાઓ છો ત્યારે તમે એક સળંગ વ્યક્તિત્વ સાથે જોડાઓ છો. તમે તેના દેહના માલિક બની શકો તેના મનના નહી. કારણ દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે ભલે નાનું પણ પોતાનું એક આગવું ભાવવિશ્વ હોય જે માત્ર પોતાનું જ હોય .સ્ત્રી ભલે પોતાનું અસ્તિત્વ સોળે કળાએ ખીલવે છતાંય તેનું પોતાનું એક અંગત આંતરજગત હોઇ શકે જે તેને કોઈ પાસે પ્રગટ કરવું ન ગમે.તેના આંતરમનની તે પોતે માલિક છે. તે ઇચ્છે ત્યારે તેને પોતાના આ અંગત ભાવજગતમાં રાચવાનો પૂરેપૂરો હક્ક છે. તમે કદાચ વ્યક્તિત્વ ને છિનવી શકો વ્યક્તિ ના ભાવજગતને તેની પાસેથી છિનવી લેવાનો તમને કોઈ જ અધિકાર નથી.

જ્યારે પણ વ્યક્તિ પોતે પરતંત્રતા મહેસૂસ કરે છે ત્યારે મનમાં ને મનમાં તેનામાં એક છૂપો આક્રોશ જાગે છે, બદલાની ભાવના તેના અણુ અણુ માં ઘર કરવા લાગે છે જેનાથી તેઓનો પોતે જ અજાણ હોય છે અને પરિણામ એ આવે છે કે જેઓ તેની લાગણીઓ ને , તેની ભાવનાઓને સમજે તેના તરફ તેઓનો ધનનો અજાણતાં જ ખેંચાવા લાગે છે. અને શરુ થાય છે સ્ત્રી ના બે જીવન એક આંતર જીવન અને એક બાહ્ય જીવન. પરિણામે પતિ પત્ની વચ્ચે માત્ર એક સમજૂતી જ રહે છે પ્રેમ રહેતો નથી. આવું ન બનવા દેવું હોય તો થોડી સ્વતંત્રતા આપો . પડછાયા ની માફક સાથે જવાના બદલે તેની દુનિયામાં તેને મુક્ત મને વિહરવા ની અનુકુળતા કરી આપો. તમારા માટે ભાવતા ભોજન બનાવતી પત્ની ને ક્યારેક ક્યાંક જવાનું બને તો તેને એટલા સમય પૂરતી તેની ફરજ માંથી મુક્ત કરો.. ક્યાં સુધી તેને બાંધી રાખશો ?

શું સ્ત્રીને સ્વતંત્ર રીતે જીવવાનો હક્ક નથી ? હસવું બોલવું છૂટથી સૌ સાથે હળવું મળવું એ શું માત્ર પુરુષોનો જ અધિકાર છે ? વ્યવસાય અર્થે બહાર મોકલતો પુરુષ કોઇ મેળાવડા માં કેમ તેને એકલી જવા દેતાં અચકાય છે ?

ક્યાં સુધી ઘરના સૌ સભ્યો ના,સ્નેહીઓના,સમાજના માનસ આટલા સંકુચિત ને છીછરા રહેશે ? ક્યાં સુધી સ્ત્રીને આમ બંધાયેલી રાખશો ? ક્યાં સુધી ?

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843