Canvas books and stories free download online pdf in Gujarati

Canvas

કેનવાસ

જ્યોતિ ભટ્ટ

jyotibala411@gmail.com© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.મેનોપોઝ

૨.શ્વેતા

૩.મહોરૂં ઉતારીને આવીશ તો

૪.ગૂલાબનું ફૂલ

૫.કેનવાસ

૬.એક માછલીની વાત

૧. મેનોપોઝ

ચાલીસી વટાવ્યા પછી શી ખબર કેમ મારામાં એકાએક પરિવર્તન આવવા લાગ્યુ. કદી અરીસામાં ન જોનાર હું વારંવાર અરીસામાં જોવા લાગી. મને જાણે યુવાની ફૂટી હોય તેમ વારંવાર હું માથું ઓળ્યા કરતી અને એકાદ બે સફેદ થઈ ગયેલા વાળને પ્લકર વડે ખેંચીને ધરમૂળથી ઉખેડી નાખતી. પ્રૌઢાવસ્થા સ્વીકારવા જાણે કે હું તૈયાર જ નહોતી.

મને તો ગમતું મુક્ત બની જીવવું ને યુવાન દેખાવું. ચાલીશીનું પ્રભાત વીશીના કિરણો લઈ ઉગ્યું હોય તેમ હવે તો મોં પર તાજગી દર્શાવવી ગમવા લાગી. માંડ માંડ ઓછા થયેલ, થવા માંડેલ ને લગભગ પૂરા થવા આવેલ ગંદા કપડાં હવે ગમવા લાગ્યા. ઘણીવાર ન ગમતો બાળકોનો કલશોર હવે જાણે મધુર બની ગુંજવા લાગ્યો મારા કર્ણપટ પર.

થોડા દિવસ પહેલા જ માળણ પાસેથી વેણી લઈ મારા વાળમાં ગૂંથી હતી અને ટૂંકા થતા જતા વાળને ચોટલો નાખી ફણીધર બનાવ્યો હતો અને આસમાની સાડી પહેરી, આસમાની બિન્દી લગાવી કેટલીય વાર સુધી અરીસામાં નિરખતી રહી હતી.

બસ! કારણ વગર ગણગણવું, કારણ વગર સહજ હસી લેવું ને વગર કારણે જ આમ થી તેમ ફર્યા કરવું , લોકોની નજરે ચડાય તેમ ફરવું અને કોઈ જુએ છે તેમ ખબર પડે તો કો ’ મુગ્ધાની જેમ શરમાઈને લપાઈ જવું... પછી છાનામાના જોયા કરવું કે સામી વ્યક્તિ મને શોધે છે કે નહીં. ? આ બધું... આવું બધું કેમ, શા માટે થતું હશે?

બહાર જતાં બસમાં પણ કોઈની અડોઅડ બેસવું, કોઈ પુરૂષના પરસેવાની ગંધ લેવી, બુશશર્ટ ની આરપાર કાળાં કાળાં ગૂંચળાં નિરખવા ને મનોમન કલ્પના કરવી કે પોતે તેની છાતી પર માથું મૂકી પોતાની અંગુલિઓ એ ગૂંચળાં માં ફેરવતા ફેરવતા કેટલા ય ભવ સુધી બેસી રહી છે, પેલો પુરૂષ પોતાને જકડી લે છે તેની આગોશમાં ને ચૂમીઓથી તે નવરાવી દે છે , પછી હું શરમાઈ જાઉં છું, ને પછી...

ઘણીવાર તો એમ થતું કે આ સૂના ભાલપ્રદેશ પર કુમકુમનો લાલચટ્ટક ચાંદલો કરૂં, હાથમાં રણકતી બંગડીઓ પહેરૂં. ગળામા મંગળસૂત્ર પહેરૂં. ને નવોઢા બની નિરખ્યા જ કરૂં અરીસામાં. અને ત્યાં જ પાછળથી કોઈ ધીમા પગલે આવીને ઉંચકી લે તેની બાંહોમાં.

મન ઝંખે છે સતત કંપની, સતત સહવાસ-સાહચર્ય... હીંચકે બેસી ગણગણવા લાગું છું અને અનાયાસ જ પગનો ઠેલો વાગે છે. હીંચકો મથે છે છતને આંબવાને મન આંબવા મથે છે કોઈના સુંવાળા સાથને.

વારંવાર કો’હટ્ટાકટ્ટા યુવાનને કહેવાનું મન થાય છે કે તમે "ઈન" કરો તો વધારે સારા લાગો, અને ચંપલ ને બદલે બૂટ-મોજા તમને વધારે સ્યૂટ થશે.

અને પેલા એમ.પી.ને જોઈને તો જાણે કે દિલ ઉછળી ને બહાર આવવા લાગે છે. તેની હાજરી માં મારૂં આખેઆખુ વ્યક્તિત્વ જ બદલાઈ જતું અનુભવું છું. તેની વિશાળ આંખોમા મારૂં પ્રતિબિંબ નિહાળવાની ઘેલછા ને હું રોકી શકતી નથી. " કોઈ શું કહેશે " નો ડર હવે બિલકુલ સતાવતો જ નથી. નહીંતર સોળે શણગાર સજી તેના જ સ્કૂટર પર પિક્ચર જોવા જાત ખરી?

અને પેલા સામેવાળા ની પિન્કીને તેડી લઈ, ચુમીઓથી નવરાવી, છાતી સાથે ભીંસી દઈને ફરી એકવાર ’મા’ બનવાની ઈચ્છા જાગ્રત બને છે . પણ...પણ આ બધું હવે શક્ય છે ખરૂં ?

કિંતુ અચાનક જ આ પરિવર્તન શાનું ? હવે રહીરહીને આવું આકર્ષણ કેમ જાગતું હશે ? વ્યવસ્થિત, ધીર-ગંભીર રીતે વહી જતી જિંદગી માં અચાનક આ મોડ શા માટે ? શાંત વહી જતા જીવન માં આ તોફાન શાનું ? આજસુધી ગૌરવભેર નિભાવાતા આ બંધનમાં અચાનક આટલી છૂટછાટ શા માટે ?

શું ચાળીશ પછી નવું યૌવન ફૂટતું હશે ? આ તે કેવી મનઃસ્થિતિ ? આ તો કેવી વ્યથા ને કેવો પરિતાપ ?

શું અનિકેત સાચું કહેતો હશે કે ’ પાર્ટનર જરૂરી છે ’ કે પછી તેનું પરદેશી શિક્ષણ તેની પાસે આવું બોલાવતું હશે ?

આમ જૂઓ તો તેની વાત ખોટી યે ક્યાં છે ? સતત કંપની ઝંખવી, ખાલીપો અનુભવવો ,ને એકલા એકલા ખૂબ હસવું કે રડવું , અન્યને જોઈ આનંદિત થવું ને દુઃખી યેનકેન થવું તેના કરતાં અનિકેત ની વાત માની, તેના પપ્પા ની યાદ ભૂલી એ તસ્વીર પર બીજી તસ્વીર મઢી લેવી શું ખોટી ? મૃગજળ પાછળની દોડ ને બદનામી કરતાં એ શું ખોટું ?

લાગણીઓ જાણે જળ બની રેલાતી રહે છે. જે પરિસ્થિતિ આજપર્યંત ગૌરવભેર , સ્વમાનભેર જીવી એ જ પરિસ્થિતિ આજે પણ હોવા છતા તેનું ગૌરવ નથી. આજે તો લાગે છે આ પરિસ્થિતિ કેવળ શૂન્યાવકાશ. ......

એકલતા પહેલાં ખૂબ ગમતી. તેમની યાદ અને તેમની સાથેના સહજીવનના સોનેરી સ્મરણોમાં ચાલીસ તો પૂરા ય થયા.પણ એ સાથે જ એકલતા, ખાલીપો ને શૂન્યાવકાશ ખાવા ધાવા લાગ્યા. મન ઝંખવા લાગ્યુ સતત સહવાસ...

શું સહવાસ ની ભાવના ચાલીસ પછી જ ફૂટતી હશે ? શું દરેક સ્ત્રી ને આવું થતું હશે ? એકવાર તો પેલા કવિતા બહેને પણ કહેલું કે હવે ધર્મ-ધ્યાન માં મન પરોવો... અગ્િાયારસ, એકટાણાં ને માળા-પૂજામાં જ હવે તો મન પરોવવું જોઈએ. એક તો વૈધવ્ય ને એમાં પાછી ચાળીસી... બાપ રે બાપ...

કવિતા બહેન ને તો લીલી વાડી છે.તેમને શું ખબર હોય મારા ખાલીપાની. પણ તે કદાચ સાચું જ કહેતા હશે, માણસને જ્યારે ખરા સાથની જરૂર હોય ત્યારે જ તે ન મળે તો કોઈક જોર એવું નીવડે જેનું મન ભટક્યા વગર ના રહે. પણ એવા દુનિયામાં કેટલા ?

મને સમજાતું નથી કે આટલી સમજણ હોવા છતા આવું કેમ ? પ્રયત્ન છતાંય કેમ ઈશ્વર માં મન પરોવી શકાતું નથી ?

એક દિવસ તો ખૂબ બેચેન બની ઊંઠી અને દોડી ગઈ ડૉક્ટર પાસે ડૉક્ટરે પણ સલાહ આપી -આન્ટી એકલતા ભયંકર હોય છે , ખાલીપાની વ્યથા તો જે અનુભવે તે જ સમજે. જતા રહો અનિકેત પાસે, તેની ચિંતા દૂર થાય અને તમને નવું વાતાવરણ પણ મળે.

ડૉક્ટરે પૂછ્‌યું -આન્ટી મેન્સીસ આવે છે નિયમિત ?

અરે એ જ તો રામાયણ છે દીકરા... અનિયમિત... અને ગંદા કપડાં પણ પહેલા કરતાં સાવ ઓછા. સાવ નહિવત. જાણે ગયું જ સમજો.

આન્ટી તમારા આ મનોભાવો ની કડી મળી ગઈ. આ લાગણીઓ આ ભાવનાઓનું નામ છે -મેનોપોઝ

એમ ?

અરે ! ઘણાં તો તણાવ અનુભવે છે, ચીડીયા બની જાય છે. વાતવાતમાં ઉશ્કેરાઈ જાય છે. તમે તો ભાગ્યશાળી છો કે સૌ કરતાં ઊંલટા જ મનોભાવો અનુભવો છો. પૂરા નસીબદાર છો કે જીવન જીવવાનો ઉત્સાહ પ્રગટ્‌યો છે.

હું ભડકી, ચમકી ગઈ તેના આ કથનથી. શું મેનોપોઝ આવો હોતો હશે ? શું આ લાગણી કાયમી નથી ?શું પેલી તસ્વીર પર બીજી તસ્વીર નહીં મઢી શકાય ? ખેર ! ભવિષ્ય માં તો જે થવાનુ હશે તે થશે. અત્યારે તો ખુશ છું ને ખુશ રહેવા માગુ છું. મને તો આનંદ છે મારી લાગણીનો, મારા મનોભાવો નો ને મારા અકાળે ફૂટતા... પ્રૌઢત્વે પાંગરતા યૌવન નો...

૨. શ્વેતા

શ્વેતા ને આજે ક્યાંય ચેન નહોતું... આખી દુનિયા વચ્ચે તે પોતે એકલી અટૂલી ભીંસાતી હોય તેમ તેને સતત લાગ્યા કરતું હતું . પલંગ પર બેસતાં જ એનાથી એક મોટો નિઃસાસો નંખાઈ ગયો... પલંગ પર કરોડો વીંછી પથરાયા હોય તેમ પલંગ પણ તેને ડંખવા લાગ્યો... હમણાં વીંછીઓ આંકડો ભરાવશે, કરડશે અને પોતે લીલી કાચ જેવી બની બેહોશ થઈ ઢળી પડશે. હાથમાંના રૂમાલનો તેણે ઘા કર્યો... ડાયરી ને પેન પણ એ જ નફરતથી તેણે દૂર ફેંક્યા અને મનોમન તે બબડી... બળ્યું આ ભણવાનું.

શ્વેતા કોલેજની વિદ્યાર્થ્િાની હતી... થે ઉપરાંત તે કોઈની પત્ની હતી, માતા હતી. તેના પતિને તેને આગળ ભણાવવાની ખૂબ ઈચ્છા હતી તેથી જ શ્વેતાની નામરજી હોવા છતાં તેણે પીએચ.ડી.નું ફોર્મ ભરવું પડયું. આમ પ્રૌઢત્વે પહોંચેલી શ્વેતા વિદ્યાર્થિની બની. તે ઘણીવાર કહેતી

" શા માટે મને ભણવાનું કહો છો ? "

"કેમ ?"

" મને હવે ભણવું નથી ગમતું .હવે પહેલા જેવો જમાનો નથી રહ્યો. "

"એટલે ?"

"પ્રોફેસરો વિદ્યાર્થ્િાની ઓને ફોસલાવે ,લલચાવે -શીખવવાના બહાને "

"હું પણ પ્રોફેસર છું"

" પાંચે આંગળી સરખી ન હોય"

"હું પણ એમ જ કહું છું "

"મને મારા સ્ત્રીત્વ માં વિશ્વાસ છે પણ સમાજ પર નથી ."

" મને ખાત્રી છે કે તું અણીશુધ્ધ પાર ઉતરીશ ."

અને આમ શ્વેતાએ ભણવાનું શરૂ કર્યુ. પૂરેપૂરી સભાન રહી તે માર્ગદર્‌શન મેળવતી. પુરૂષો ની નજીક રહીને પણ તે તેમનાથી દૂર જ રહેતી .

એક દિવસ પ્રોફેસરે કહ્યુ -"તમારે જે માર્ગદર્‌શન જોઈએ છે તે માટે તમારે મારા ઘરે આવવું પડશે ."

"શા માટે ? "

" અહીં બધી બુક્સ નથી તેથી ."

"તો ક્યારે આવું ?"

" સાંજે. "

" પણ સાંજે તો અમે બહાર જવાના છીએ. "

"તો કાલે સાંજે આવો ."

"તમે ઘરે તો હશો ને ?"

" હા હા કેમ નહીં ?"

" સારૂં તો કાલે આવીશ."

શ્વેતાએ વિચાર્યું કે જો ભણવાનું જેવો છે તો થોડી બાંધછોડ તો કરવી જેવો પડશે .આમે ય માણસ શાંતિ માટે , સુખ માટે સમગ્ર જીવન દરમિયાન કેટલી બાંધછોડ કરતો આવ્યો છે ! સુખી થવા માણસને ડગલે ને પગલે પોતાના મંતવ્યો, અભિગમો ,સિધ્ધાંતો બધામાં કંઈક ને કંઈક, કોઈક ને કોઈક રીતે થોડું ઘણું જતું કરવું જ પડતું હોય છે, તો પછી પ્રોફેસરને ત્યાં માર્ગદર્‌શન લેવા જવામાં નાનમ શી ?

બીજા દિવસે શ્વેતા પ્રોફેસર ના ઘરે ગઈ. સ્હેજ અચકાતા અચકાતા તેણે બેલ મારી. થોડીવાર માં જ બારણું ખૂલ્યું. હંમેશનું એ જ સ્મિત.

શ્વેતાએ અંદર પ્રવેશ કર્યો. પ્રોફેસર તેને ડરોઈંગ રૂમમાં બેસાડી અંદર ગયા- પુસ્તકો લેવા. શ્વેતા ફર્ન્િાચર, સાજ સજાવટ જોવામાં તલ્લીન બની.વ્યવસ્થિત છતાં અવ્યવસ્થિત જોઈ શ્વેતા સમજી ચૂકી કે આ દીવાલો, આ ફર્ન્િાચર બધું... હા બધું જ સ્ત્રી ના સ્પર્શ વિનાનું છે. આ ઘર એકલા પુરૂષનું છે... કેવળ એકલા પુરૂષનું...

તે ફફડી- કબુતર ની જેમ.આવડો મોટો આધેડ પુરૂષ, આટલો મિલનસાર, આટલો હસમુખો ને આટલો લાગણીશીલ દૈખાતો પુરૂષ આવડા મોટા ઘરમાં એકલો... સાવ એકલો...

આવું વિચારતી, ભીતરથી ગભરાતી તે બેઠી હતી ત્યાં જ અંદરથી હાથમાં પુસ્તકો ની થપ્પી લઈ પ્રોફેસર બહાર આવ્યા. પુસ્તકો નીચે મૂકી, શ્વેતા નીચે અડોઅડ બેસી તેનો ખભો થપથપાવ્યો. શ્વેતા ગભરાવા લાગી, ફફડવા લાગી, તેણે ઊંભા થવાની કોશિષ કરી... માર્ગદર્‌શન ની સાથે સાથે અડપલાં કરતો હાથ, એકાંત... શ્વેતા ઊંભી થઈ પણ પ્રોફેસર ની પકડ મજબૂત બની.

મારી બીક અસ્થાને નહોતી. પુરૂષ આખર તો પુરૂષ જ.

શ્વેતા વિલપતી, કકળતી ઘરે આવી. પલંગ પર પછડાઈ. બારી બહાર તેની નજર ગઈ. આસમાની છાંટ વાળા સફેદ કબૂતર ની આંખો માં દેખાતો ભયે તેને વિહ્‌વળ બનાવી. પલંગ તેને ડંખવા લાગ્યો. - વીંછી માફક.દૂર ખૂણામાં તેણે એક ગરોળી જોઈ -જીવડા ને ભક્ષતી. અને શ્વેતાની આંખો સમક્ષ દીવાલનો રંગ ઉપસી આવ્યો... લીલો કાચ જેવો રંગ. પછી તો... બધું જ લીલું લીલું... ને શ્વેતા પણ...

૩. મહોરૂં ઉતારીને આવીશ તો

મેં તો તને કહ્યુ હતું એમ.કે. કે તને જ્યારે પણ ન ગમે -દોડયા આવવું મારી પાસે અને તને ગમે તેમ જ તારે કરવું. પણ તને ક્યાં એ મંજૂર હતું !

હું તો ઈચ્છતી હતી તારા માર્ગ માં ફૂલો પાથરવા. તારી વેદનાભરી તડકીમાં મારે શીળી છાંય બની પથરાવું હતું , તારી આંખો માં એક સપનું બની મારે અંજાવું હતું અને મારી આગોશમાં રાખી તને મનભરીને મારે હેત કરવું હતું, તારા અંધકારમય જીવનમાં મારે અજવાશ બની પથરાવું હતું ને પીવો હતો તને મારે મારી આંખની અમીરાત થી. મારા હૈયાના હેતથી હીંચોળી મારે તને પ્રેમ નો પરિચય કરાવવો હતો..

તારી પાનખરમાં મારે વસંત બની મહોરવું હતું ને કરવો હતો કલરવ મારે કોકિલ બની. મારા જીવનની વસંત તો તું જ હતો... કેવળ તું જ...

તારા હાથમાં હાથ પરોવી મારે દૂર... દૂર, ક્ષિતિજ ની ય પેલે પાર પહોંચવું હતું. મારા પ્રેમના પુષ્પો તારા ચરણોમાં અર્પી, તને દેવ માની પૂજા કરવી હતી મારે તારી.તારા અંતરની આગ પર મારે મારા સ્મિતની શીળી છાંય પાથરવી હતી. અષાઢી વાદળી બની મારે વરસવું હતું તારા પર ને મારા હૈયાના હેતથી ભીંજવવો હતો. તારી આંખો માં લહેરાતા ઘેલછા ના સાગરમાં પ્રીતની નાવ હંકારી ને હેતના હલેસાથી મારે ભાવનાનો દરિયો તરવો હતો.

મેં તો તને એમ પણ કહ્યું હતું કે ફગાવી દે તારી આ જડતા ને જે છે તેને બહાર આવવા દે. તારી ચાહતના દ્વાર ખોલી નાખ એક જ ઝાટકે ને તારા આવ પથ્થર હ્ય્દયને પોચું મીણ જેવું બનાવી તેને ઓગાળી દે મારા અસ્તિત્વ માં. તારી અંતર્ગત કોમળતાને આમ દંભનું મહોરૂં પહેરાવી ન રાખ. અંતરની વેદનાને આંખોમા ડોકાવા દઈ તારા અસ્તિત્વ ને આમ ઓશીયાળું ને બનાવ. દફનાવી દે દુઃખ બધું જ અને હસી લે, જીવી લે મનભરીને. જિંદગી ફરી ને પણ મળે.

પણ તું ક્યાં મારૂં કંઈ સાંભળે જ છે ? તું તો નિજ માં જ ખોવાયેલો રહી, વ્યગ્ર ને બેચેન બની ફર્યા કરે છે. ને ઈચ્છે છે બેચેની છુપાવવા.તારી આંખોમા છે સતત કોઈનો ઈંતેજાર ને ડોકાતી રહે છે વેદના.આખર શા માટે ? જેની યાદ દિલને હલબલાવી નાખે , ખળભળાવી મૂકે સમગ્ર અસ્તિત્વ ને એ યાદ ને શું કરવાની ? તારા માટે તો જરૂરી છે પ્રેમ અને માત્ર પ્રેમ જે તને જીવન જીવવાનું બળ આપે ને ઓગાળી નાખે તારી બધી યે વ્યથા એક જ ક્ષણમાં...

તું મને ચાહે છે એ મારી જાણ બહાર નથી. તું ઝંખે છે સતત મારા સહવાસ ને તેની પણ મને જાણ છે જ. તને આશા છે મારા સ્થૂળ મિલનની. તારી આંખો માં ડોકાય છે વિરહની વ્યથા ને ચાતક ની પ્યાસ...

આત્માની અમીરાતથી હું પણ તને ચાહું છું. પણ મારી અને તારી ચાહત માં આભ-જમીન નું અંતર છે હું તો માગું છું પ્રેમ ના બદલામાં કેવળ પ્રેમ જ.કોઈના અભાવોનું સાધન બની જીવવું મને ન જ ગમે મને તો ગમે છે તારી કોમળતા. તેં કઠોરતાનું જે આવરણ પહેર્યું છે એ બખ્તરને ફગાવી દે. તારી કઠોરતા, તારો દંભ એ બધા બખ્તર ફગાવ્યા પછી દોડયો આવજે મારી પાસે. હું મારા અણુ એ અણુ થી પાનખર પછી જેમ વૃક્ષ મહોરે તેમ મહોરી ઉઠીશ તારા જીવન માં.

તારી આંખોના આકાશની ઘનઘોર વાદળી તું ભલે મને ગણે... તારી ઝંખના નું ઊંંડું પાતાળ મારે નથી બનવું. મારે તો મારા પ્રેમની પાંખો લઈ ઉડવું છે ઉંચે ગગનમાં ને માણવી છે મહેક આપણા પ્રેમની.

કદાચ તું કહીશ કે આ લાગણી શા માટે ? પણ લાગણીના તે કદી કોઈ કારણ હોતા હશે ? એ તો જ્યાં પાણી ની ને માટીની મહેક મળી ત્યાં ઉગી નીકળવાની. અને જેમ તેને ઉવેખવા મથી તેમ તેમ તે વધતી રહેવાની. તેમ છતાં હું તો તને ઉવેખીશ જ કારણકે મને તારા પ્રત્યે લાગણી છે.

મારા ઉવેખવાથી, મારી નફરતથી જો તું સુધરતો હોય, તારૂં પાષાણ હ્ય્દય પીગળતું હોય ને તું એક મહાન માણસ બની શકતો હોય તો તને ઉવેખવાથી મને કોઈ ખેદ નહીં થાય.

હા... હવે હું તને નફરત જ કરીશ... કેવળ નફરત.મારા પ્રેમથી તો તારી જડતા દૂર ન થઈ પણ મારા તિરસ્કાર થી તારૂં પાષાણ હ્ય્દય હું હચમચાવી નાખીશ. પછી તું જરૂર પીગળશે, પોચો મીણ જેવો ને માખણ જેવો મુલાયમ બનશે - પછી ભલેને તારા અંતરમાં મારૂં કોઈ જ સ્થાન ન રહે - આમે ય તારા અંતરમાં તો મારૂં સ્થાન મેં ક્યારેય ઈચ્છયું જ નહોતું. મારે તો તારામાં કોમળતા જ પ્રગટાવી હતી અને એટલે જ તારા જીવન માં પ્રવેશ કર્યો પણ તું નહિ જ પીગળ્યો. તારી જડતા એવી ને એવી જ રહી . હવે તારાથી દૂર જી તને આખો ને આખો હચમચાવી નાખીશ - મારી લાગણીમાં એટલી તાકાત છે અને એટલે જ તારાથી દૂર જી રહી છું. મારા અંત સુધી મારૂં એક જ ધ્યેય છે અને રહેશે - તારામાં કોમળતા પ્રગટાવવાનું.

તને જ્યારે પણ ઈચ્છા થાય, તું વ્યગ્ર બને ત્યારે દોડયો આવજે મારી પાસે-મારી તારા પ્રત્યેની નફરત ઉપર છલ્લી જ હશે. અંતરની લાગણી તો એટલી જ ઉત્કટ છે હજુ આજે ય... જેટલી પહેલાં હતી. તારી વ્યગ્રતા મારાથી નહીં જોવાય. પણ એટલું યાદ રાખજે કે મને કોમળતા, નમ્રતા ગમે છે. જ્યારે પણ તારામાં મૂલાયમતા પ્રગટે, નમ્રતા આવે ત્યારે દોડયો આવજે મારી પાસે વિના સંકોચ. હું પ્રેમથી આવકારીશ તને જો તું દંભનું મહોરૂં ઉતારીને આવ્યો હોઈશ તો...

૪. ગૂલાબનું ફૂલ

સૂર્ય ના કુમળા કિરણોના સ્પર્શે અચાનક જ મારી આંખ ઉઘડી ગઈ. કેટલાય યુગો સુધી સુઈ રહ્યા બાદ આજે જ જાગતો હોઉં એવી અનુભૂતિ થઈ.

હું એકદમ જ પથારીમાં બેઠો થઈ ગયો. પડદો હટાવી બારી બહાર નજર કરી. આ મારો નિત્યક્રમ થઈ ગયો હતો .બરાબર બારીની સામે જ બહાર ફળિયામાં ઉગાડેલા ગુલાબના છોડ પર નજર નાખીને જ હું પથારીમાંથી ઉભો થતો.

હું અને આરતી લગ્ન પછી તરત જ આર ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં મંગળ પ્રવેશની સાથે જ હું દોડીને ફળિયામાં જી ઊંભો રહી ગયો હતો. મેં હાથથી જ સુંદર મજાનો ક્યારો કરી તેમાં માટી નાખી હતી. બીજા જ દિવસે નર્સરીમાંથી ગુલાબનો છોડ લાવી તેમાં રોપ્યો હતો ને મેં ને આરતીએ સાથે મળીને તેને પાણી પાયું હતું.એ સમયે મેં આરતીને કહ્યુ હતું - આરતી આ છોડને લીલોછમ રાખવો તારા હાથમાં છે. આરતીએ સંમંતિસૂચક તેની લાંબી, ગૌર સુરેખ ગરદન હલાવી હતી. અને આમ અમારા દાંપત્ય જીવનના મંગલાચરણ થયા હતા.

પછી તો રોજ સવારે આરતી સૌ પ્રથમ નહાઈ-ધોઈ આ ગુલાબના છોડને પાણી પાતી, પછી પૂજાઘરમાં જી કલાકો સુધી ઈશ્વરમય બની જતી. પણ હું ? મને તો ઈશ્વરે આરતી આપી હતી પછી બીજું જોઈએ પણ શું ?

સમય વીતવા લાગ્યો. ગુલાબના છોડે બે વસંત પણ જોઈ લીધી . અમારા પ્રેમના પરિપાક રૂપ અમી પણ જોતજોતામાં એક વર્ષની થઈ ગઈ. જીવન અંગે કોઈ ફરિયાદ ન હતી .પરંતુ આરતીનું મૌન મને અકળાવતું હતું. તેના મૌને મને વધુ પડતો વિચારશીલ બનાવી મૂક્યો હતો.

આરતીને અમી માં ઓતપ્રોત થઈ જતી હું અનુભવતો. આરતી અને અમી સાથે હું ખૂબ સુખી હતો. કાલા કાલા શબ્દો બોલતી અમી હવે તો પા પા પગલી ભરતી થઈ ગઈ હતી. ધીમે ધીમે તે ઘણા ગોટા વાળવા લાગી.

ઘણીવાર હું અચાનક ઑફિસે થી ઘરે વહેલો ટપકી પડતો ત્યારે આરતીને ચોરી-છૂપીથી ગીત ગણગણતી. સાંભળી લેતો. એ સમયે અમી પણ નાક પર આંગળી મૂકી ચૂપચાપ મારા ખોળામાં આવીને બેસી જતી. આરતીનો દર્દીલો સૂર સાંભળવો મને ખૂબ ગમતો અને ચૂપચાપ હું તેને સાંભળ્યા જ કરતો.

હા... આગ્રહ કરવા છતાંય આરતી ક્યારેય કોઈની હાજરીમાં પોતાના સૂરીલા, દર્દીલા અવાજની પહેચાન ન કરાવતી. મને તેનું દુઃખ પણ ન હતું. મારા માટે તો બસ... આરતીનું સુખ એ જ મારૂં સુખ. તેણે કદી પણ મારી કોઈ વાત ઉલ્લંઘી નથી કે નથી તે ક્યારેય કોઈ કારણસર મારી સાથે ઝઘડી. કદાચ તેથી જ મને તેને દુઃખી કરવી નથી ગમતી.

એક રાત્રે ખૂબ વાવાઝોડું ફૂંકાયું. હું ઉંઘમાંથી સફાળો બેઠો થઈ ગયો... મારૂં દિલ હચમચી ગયું. બાજુમાં નજર કરી તો પડખામાં આરતી નહોતી. અને અમી તો ભરનીંદરમાં હતી. મેં ઘડીયાળમાં નજર કરી તો સવારના સાડાપાંચ થયા હતા. આરતી અત્યારે પૂજાઘરમાં જ હશે તેની મને ખાત્રી હતી... હું પૂજાઘરમાં ગયો... અને...?

ઈશ્વર માં તન્મય બનેલી આરતી મૂર્ત્િા પાસે માથું ટેકવી સાડલાના પાલવથી આંસુ લૂછતી હતી. હું ચૂપચાપ ધીમા પગલે પાછો પથારીમાં જ ફસડાયો. આરતીના આંસુએ મને બેચેન બનાવી દીધો હતો. ઊંંઘવાનો ડોળ કરતો હું પલંગ માં એમ જ પડયો રહ્યો.

લગભગ કલાકેક પછી મારા માથે હાથ પસવારાતો મેં અનુભવ્યો. ગાઢ ઊંંઘમાંથી ઉઠવાના દંભ સાથે હું બેઠો થયો. તેને પ્રેમ થી મારા તરફ ખેંચી મારા ખોળામાં તેનું માથું મૂક્યું ને મારા વ્યથિત મનનો તેને અણસાર પણ ન આવે એટલા પ્રેમથી તેને પૂછયું -તું કદી મારી સાથે ખુલ્લા દિલથી બોલતી કેમ નથી ? તારૂં આ મૌન મને ખૂબ અકળાવે છે. તું બોલ... મારે તને બોલતી, હસતી, ચંચળ હરણી જેવી જોવી છે. આરતી ! તું બોલ, હસવું - મન મૂકીને હસ - તને આપણી અમી ના સોગંદ.

અને હ્ય્દય પર રહેલ મણમણનો બોજ હટાવતી હોય તેમ આરતી મન મૂકીને રડી. મેં તેને રડવા દીધી. હૈયુ નિચોવાઈ જાય, વ્યથા ઓગળી જાય એટલી રડવા દીધી... કદાચ વાવાઝોડા પછીનો પવન શાંત, મંદ મંદ લહેરાય !

આરતીને મેં ઘણી સમજાવી. નાના બાળકને સમજાવી એ તેમ. પણ તેણે એક જ વાત પકડી રાખી - મંથન, મારો એકાદ શબ્દ પણ આપણા સંસાર માટે કાળઝાળ બની ઉઠે માટે જ મૌન છું.

પણ અમી ના સોગંદે તેની વાણી ઘૂઘવી રહી. - ઘૂઘવતા સાગરની જેમ.

મારા મનોમસ્તિષ્કમાં પ્રલય ના પૂર ની જેમ તેની વાણી પડઘાવા લાગી.

"મા વિનાની મોટી થયેલી હું યૌવન ના ઉંબરમાં પગ મૂકતાં જ મારૂં દિલ ખોઈ બેઠી. મારા અંગેઅંગમાં વસંત કૂંપળ થઈ મહોરી ઉઠી અને દિલ દઈ બેઠી અન્ય ને. પિતાની આમન્યા ન લોપી શકવાના કારણે મૌન રહી તમારી સાથે પરણી ગઈ. મારી પૂજાના ફૂલનો અર્ઘ્‌ય મેં લગ્ન પહેલાં જ અર્પી દીધો અન્યને. તમારા આટલા પ્રેમ ને વિશ્વાસ છતાં હું એ ભૂલી શકતી નથી અને તેથી જ હું મૌન છું. મારી આ વેદના મને કોરી ખાય છે - મારી વાચા હરી લે છે.

હું આરતીને સુખી, હસતી, ગીતો ગણગણતી જોવા ઈચ્છતો હતો... કોઈપણ હિસાબે ને કોઈપણ ભોગે... પરંતુ અમી નો પ્રશ્ન વિકરાળ રૂપે ખડો હતો મારી રાહમાં.

પછી તો અમી ને અભ્યાસ અર્થે દૂરના શહેરમાં એક સારી ગર્લ્સ હોસ્ટેલમાં મૂકી દીધી... જ્યાં તે નાનપણથી જ સ્વ બળે આગળ આવતાં શીખે. અમી ની વ્યવસ્થા કર્યા બાદ નચિંતવો બની નીકળી પડયો આરતી નો પહેલો પ્રેમ શોધવા... આરતીની જાણ બહાર જ...

પડોશી સૂજલભાઈ આરતીના ગામના જ હતા. અચાનક જ એક દિવસ આરતીને મેં તેમના માટે પૃચ્છા કરી. તે હજુ કુંવારા જ હતા અને તેમનું કહી શકાય તેવું તેમના ઘરમાં કોઈ જ નહોતું.

આરતીના મુખ પરના ભાવો પલટાતા મે નિરખ્યા, તેમ દોડીને પૂજાઘરમાં ગઈ, હું પણ તેની પાછળ દોડયો. રાધાકૃષ્ણની મૂર્ત્િા પાસે માથું ટેકવી તે ચોધાર આંસુએ રડતી હતી... સહસા મારી છઠ્‌ઠી ઈન્દ્‌રિય કામે લાગી... અને...

પડોશમાંથી સુજલભાઈનો હાથ પકડી પરાણે હું મારા ઘરમાં ખેંચી લાવ્યો. પૂજાઘરમાંથી રાધાની મૂર્ત્િા લાવી તેમના હાથમાં આપીને મેં કહ્યુ -લો આ રાધાની મૂર્ત્િા. ... આ મંદિર માં તો કાનુડો એકલો જ વધુ શોભશે.

અમી દર વેકેશન માં મારી સાથે રહેવા આવે છે અને પડોશી સૂજલ અંકલ ને આરતી મમ્મીને મળવા અચૂક દોડી જાય છે. અને બારી બહાર ફળિયા ની ક્યારો માં રહેલ છોડ પરનું ગુલાબ ખિલખિલાટ હસે છે.

૫. કેનવાસ

તમે કદી ઉછળતી , નાચતી, કૂદતી નદી જોઈ છે ? મેં જોઈ છે... આજથી વર્ષો પહેલા. ખીલતી કળી જેવી એ મને જોતાંની સાથે જ ગમી ગઈ.

પતંગિયા માફક તે ઉડાઉડ કરતી. તેનામાં હતી તાજા ખીલેલા ફૂલોની સુવાસ, બાળક જેવી નિખાલસતા, ચંદ્ર જેવી સૌમ્યતા. તો કોઈ દરિયા જેવું તોફાન પણ તેનામાં ભરપૂર હતું.

મારી અગાસીમાં બેસી હું તેને નિરખ્યા કરતો. આમ જ એકવાર તેને રમતમાં મશગૂલ જોઈ હું તેને નિરખતો હતો.

તે મશગૂલ હતી તેની રમતમાં. જમણા હાથની તર્જની અને અંગૂઠા વચ્ચે રહેલી લખોટીને ડાબા હાથની તર્જની ને અંગૂઠા વચ્ચે રહેલી લખોટી સાથે અથડાવી ટક... ટક... ટક અવાજ કરી, જમણા પગને સહેજ આગળ લાવી જમણા હાથની લખોટીનો તેણે દૂર કુંડાળા માં રહેલી લખોટીઓ તરફ ઘા કર્યો.

તેની લખોટી બરાબર નિશાન પર જ વાગી ને કુંડાળા માંથી કેસરી રંગની લખોટી બહાર નીકળી. તે બહાર નીકળતાં ની સાથે જ તે મુગ્ધતાથી કુદતી, તાળીઓ પાડતી વિજેતાની અદાથી હસી ને ફરી દાવ લેવા તત્પર બની.તેનું આ રીતે કૂદવું , હસવું, દોડવું મને, મારા મનને મુગ્ધ કરી ગયા અને ત્યાં જ દૂરથી એક બાળક દોડતું આવી -મમ્મી, મમ્મી કરતું તેને વળગી પડયું. તે છોકરીએ રમત પડતી મૂકી ને બાળકને વહાલથી ઉંચકી ચુમીઓથી નવરાવી દીધું.

હું જોઈ રહ્યો. મને કુતુહલ થયું. મારા આશ્ચર્યની અવધિ ન રહી. ક્યાં નાના બાળકો સાથે લખોટી થી રમતી મુગ્ધ બાલિકા શી એ અને ક્યાં બાળકને તેડી ને પોતાના વહાલથી ભીંજવતી માતા !

હું ઊંભો થઈ તેની પાસે ગયો... કહો કે ખેંચાયો... મેં જીને પૂછ્‌યું , તારૂં નામ શું છે ? તેણે હસીને ઉત્તર આપ્યો, "માનસી..."

મેં ફરી પૂછ્‌યું-"શું આ બાળક તારૂં છે ? "

તેણે જવાબ આપ્યો -"કેમ નથી લાગતું ? "

મારાથી ફરી એકવાર પૂછાઈ ગયું -" આનું નામ શું છે ?"

તેણીએ એકદમ ટૂંકો જવાબ આપ્યો -" વિનય " અને આટલું કહેતા ની સાથે જ તે ચાલવા લાગી.

તે મારી દ્રષ્ટિ થી ઓઝલ ના થઈ ત્યાં સુધી હું તેને નિરખતો જ રહ્યો. આ ક્રમ રોજ નો થયો.કોઈ વાર ઑફિસે થી આવતાં, કોઈ વાર ક્યાંક બહાર જતાં હું તેને રમતી જોતો. , તેની ચંચળતા ને નિર્દોષતા જોતાં મારાથી અનાયાસ જ પૂછાઈ જતું -"કેમ છે ? "

અને તે એ જ તેના મોહક સ્મિત ને મુગ્ધતાથી કહેતી -"મજામાં ."

મારૂં મન હવે સતત તેને ઝંખવા લાગ્યુ. મારી એકલતા હવે મને ગમવા લાગી. દિન-રાત મને તેના જ વિચારો આવવા લાગ્યા. કદાચ મારી કલ્પનામૂર્ત્િા, પ્રેરણામૂર્ત્િા તે જ હતી. હા... તે જ...

મેં તેની સાથે પરિચય વધાર્યો અને તેમાંથી ઉગ્યો એક છોડ - મૈત્રી નો.. હું રોજ રોજ તેને મળવા લાગ્યો. તેની મૈત્રી, તેનો સાથ અને ધીમે ધીમે મારા ચિત્રો એક નવા જ રંગોથી રંગાવા લાગ્યા. મારી પીછી નો વાળ, મારા ચિત્રોના રંગ, તેમાં ધબકતી જીવંતતા અને એક નવા જ ઉન્મેષથી પ્રગટતી કલા... બધું તે જ છે... હા તે જ...

આ એ જ આભાસી હતી જેને જોતાં મારી પીછી માં સળવળાટ ઉત્પન્ન થતો. કેનવાસ ધબકવા લાગતા અને રંગો રેલાવા લાગતા. તે પણ મારી પ્રેરણામૂર્ત્િા જ હતી.એક સારા ચિત્રકાર તરીકેનું સ્થાન મને આભાસીએ જ અપાવેલું. મને સર્વોચ્ચ શિખરે બેસાડી, મને છોડીને તે ચાલી ગઈ દૂર... દૂર... જોજનો દૂર...

મારા ચિત્રો પછી તો ઉંડી ગર્તામાં ધકેલાઈ ગયા. પીંછી આક્રંદ કરતી હતી. કેનવાસ શોકમગ્ન હતા. ફક્ત એક કાળો રંગ જ હતો જે હસતો મારી સામે -ભેદભર્યું.

આ માનસી ! કે જેને જોતાં પીંછી ફરી સળવળી. કેનવાસ પર રંગો રેલાવા લાગ્યા. અને આમ મારા ચિત્રો ની ક્ષિતિજો ખૂલી - જાણે ઉષાના ખીલતા કિરણો. ..

સોળે કળાએ ખીલતા ચંદ્ર ની જેમ મારા ચિત્રો, મારી કલા, મારા સર્જન નો સૂર્ય મધ્યાહ્‌ને તપવા લાગ્યો, પણ હજુ મને ડર છે - એ કાળા રંગનો , એ કાળા વાદળો નો , એ ઘનઘોર કાલિમાનો. શું મારો સૂર્ય ઢંકાઈ તો નહીં જાય ને ? જો માનસી પણ મને છોડીને જતી રહેશે તો ? તો હશે રણ... કેવળ રણ , અને હશે મારા જેવા ઊંભા થોરની વાડો...

આભાસી તો છે જોજનો દૂર, ને માનસી પણ તેના હર્યાભર્યા બાગમાં હેતે હિલોળા લેતી હશે, તો ક્યાંક મારી પીંછી, મારા રંગો ને મારૂં કેનવાસ...

૬. એક માછલીની વાત

એક હતો દરિયો .એનાં ઉછળતાં મોજાં જાણે રવડતા હાથી .એની વચ્ચે એક માછલી -સોનેરી -લાલ રંગની કીડીઓ જેવી - તરે, ડૂબે, સરે, સરકે, જળમાં જળ થઈને.

એક હતો મગરમચ્છ, વિકરાળ - અઘોરીની ગુફા જેવો.. ઊંંઘે, રહેંસે, ભક્ષે, સાગર ડહોળે - પૂંછડીના પછડાટે.

એકવાર મગરમચ્છ માછલીને ભોળવીને સાગરમાં ઊંડે ઊંડે ફરવા લઈ ગયો... ખાઈ જવાની બીકે માછલી ફફડતી, ગભરાતી, મૂંઝાતી છાનીમાની દરિયામાં પાછી આવી ગઈ.

ઝંઝાવાતી વાવાઝોડાની જેમ વાત વાયુવેગે દરિયામાં ફેલાઈ ગઈ. માછલીના હ્ય્દયમાં સળગ્યો દાવાનળ, " શું મોજાંને પણ કાન હોય છે ખરાં ? શું દરેક મોજાં થપાટો આપવા માટે જ સર્જાયાં હશે ? હા - અફવાઓને કદાપિ હાથ-પગ હોતા નથી. "

અને તે ચોધાર આંસુએ રડી પડી અને આમ જ દરિયો છલકાઈ ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED