Margi books and stories free download online pdf in Gujarati

Margi

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
શીર્ષક : માર્ગી

શબ્દો : 830
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

માર્ગી

પેલી જઈ રહી છે એ છે માર્ગી. તેના અસ્તવ્યસ્ત વાળ ને કરચલી થી ભરપૂર કપડાં જોઈ રખે માનતા કે તેને કોઇ જાતનું ભાન નથી.તેને બધી જ ખબર છે કે તે લઘરવઘર ફરે છે.પણ તેને વ્યવસ્થિત રહેવું હવે ગમતું નથી. તેની આંખો જોઇને લાગે કે તેની આંખોમાં વેદનાના સાત સાત સાગર ઘૂઘવે છે. ઉદાસી ને બેચેની અજગર ની જેમ ગુંચળું વળીને બેઠી હોય તેમ તેનો ચહેરો સાવ ભાવહીન બની ગયો છે. તેની લાંબી કેશરાશિ ને મોટી પાણીદાર આંખો તેને પોતાના દુશ્મન જેવા લાગે છે. તેની મીઠી મીઠી વાણી અને પારેવા જેવા ભોળા હ્રદયે આજે તેને રસ્તે રઝળતી કરી મૂકી છે. જો તમે તેને પૂછો કે -કેમ માર્ગી મઝામાં ? તો તે તરત જ કહેશે

-
મને માર્ગી તરીકે ઓળખનાર તમે કોણ ?


કેમ તમારું નામ માર્ગી નથી ?


હતું કોઇ કાળે હવે નથી.


કેમ એમ ?


માર્ગી માર્ગ ભૂલી છે.


કેમ કરતાં ?


વાત બહુ લાંબી છે.


મને કહેશો ?


કહીને શું કરું ?


તમારો મદદગાર થઇશ.


પુરુષ અને મદદગાર ?


પુરુષજાત પ્રત્યે નફરત લાગે છે.


મારે ને નફરત ને હવે શું લાગે વળગે ?


કેમ ?


હું હવે માર્ગી છું જ નહીં .


તો ?


હું કોલગર્લ છું .


કોણ આ માનવા તૈયાર થાય ?


માનવું જ પડે .


કારણ.....?


પેટ પૂરતું ખાવા ને અંગ ઢાંકવા કપડાં તો જોઇએ ને ?


પણ.....તમે તો ભણેલા છો ને

...
મારી પાસે કેવળ ડીગ્રી છે ડૉનેશન નહી.


તમે પરણેલા છો નહી ?


કેમ પરણેલાએ નોકરી ન કરાય ?


એમ નહી પણ આમ તમને કોઈ અનુભવ ખરો ?


ઓફિસિયલી જરાય નહી પણ.....


એટલે ?


જ્યાં જ્યાં નોકરી માટે ગઇ લોકોની ભૂખી નજર મારા દેહ પર જ ફરતી...


તમે ધારો તો બચી શકો...


ગમે તેમ તોય સ્ત્રી ક્યાં સુધી ટક્કર લઇ શકું ?


તોય પછી નોકરી જ ન કરવી.


આ મોંઘવારી, પતિ એકલો બાંધ્યા પગારમાં ક્યાં પહોંચી વળે ?


કોઈ ઓળખાણ ? કોઈ લાગવગ ?


ઓળખાણ તો ઘણીબધી .પણ સૌ કામના બદલામાં.......


હું કંઈ ઉપયોગી થઈ શકું ?


કોઈ અર્થ નથી.


કેમ ?


હવે નોકરી જ નથી જોઇતી.


કોઈ ગૃહઉદ્યોગ શરૂ કર્યો ?


ના...ઘર જ ત્યજી દીધું.


કેમ ?


બસ એમ જ. ....


નોકરી ન મળે તો ઘર થોડું ત્યજી દેવાય ?


આબરુ ગયા પછી ઘરમાં રહીને શું કરું ?


શું પતિએ કાઢી મૂક્યા ?


ના રે .એ તોય હજુ ય બોલાવે છે પાછી પણ...

.
તો એકલા રહેતા હશો નહીં ?


હા...એક ફ્લેટ લીધો છે.


પૈસા ?


મળી રહે છે.


તો ય ..?


બાળકોને શિક્ષણ મળી રહે તેટલા.


બાળકો તમારી સાથે હશે નહી ?


ના....તેમના પિતા પાસે.


પણ...તો પછી ઘર જ ન છોડ્યું હોત તો ?


જેના પર વિશ્વાસ કર્યો તેણે જ વિશ્વાસઘાત કર્યો. મિત્રના સુખ માટે થોડી બાંધછોડ કરવા તૈયાર થઈ પણ.......


પણ શું ?


નોકરી તો નો અપાવી પણ હું શતરંજ નું પ્યાદું બની ગઈ.


તમારા પતિ કંઈ નો બોલ્યા ?


અમે પ્રેમ લગ્ન કરેલા.પતિ પત્ની કરતાં મૈત્રી ભાવ વધારે..


કોઇ પતિ આટલું જતું ન કરે.


જરુરિયાત વસ્તુ જ એવી છે.


પછી ?


મિત્રના સુખ માટે સર્વસ્વ આપવા તૈયાર થઇ - અલબત્ત પતિ ની સંમંતિ થી જ.


તો પછી ઘર કેમ ત્યજ્યું ?


બહુ આગળ નીકળી ગયા પછી ખબર પડી કે દુઃખી હોવાનો દેખાવ કરતો મિત્ર હકીકતે ખૂબ સુખી હતો.


તો પછી તેણે કંઈ મદદ ન કરી ?


હાથીના ચાવવાના ય જુદા ને દેખાડવાના ય જુદા...


તેને કંઈ વિચારે ય ને આવ્યો ?


મને કેપ્ટ તરીકે રાખવા તૈયાર હતો પણ તો પછી મારા પતિ, મારા બાળકો નું શું ?


એ તમને ઘણું આપી શકત.


હા.....આબરૂ સિવાય...


એકવાર લૂંટાયા પછી ભય શાનો ?

લાગણીના નામે શરીર સાથેના ચેડાં કોને પસંદ હોય ?


તો પછી સંબંધનો છેડો ફાડી ના નંખાય ?


જરુરિયાત માઝા મૂકે ત્યારે કંઇ ન સૂઝે .


તમારા પતિ ?


તેમને દુઃખ તો ઘણું ય થયું પણ હવે તેમને મળવાનું ય મેં બંધ કર્યુ છે. પૈસા મની ઓર્ડર થી મોકલી દઉં છું.
બાળકો ?


મા મરી ગઈ છે તેવું માને છે.


તમારું હૈયુ આક્રંદ નથી કરતું?


મારી કલંકિત છાયા તેમના પર તો ન જ પડવી જોઈએ ને ?


હવે તો કોઇના ય પર વિશ્વાસ નહી રહ્યો હોય ખરું ને ?


ક્યાંથી રહે ?પતિ જે ન કરી શક્યા તે માટે કટિબદ્ધ થઈ, પતિને પૂછી પૂછીને પગલું ભર્યુ, મિત્ર પર વિશ્વાસ કર્યો અને અંતે આ રસ્તે આવી ચડી.
હવે ?


નથી કંઈ જવાબદારી, નથી લાગણી અને ફૂલ તો ખીલેલું હશે ત્યાં સુધી કેટલાય ભમરાઓ ગૂંજ્યા કરશે.ને અસ્ત સમય સુધીમાં તો કેટલાય પૈસા રળી ચુકી હોઇશ.પાંચ પૈસા ય પાસે હશે તો કેટલાય લોકો ઘર પૂછવા આવશે.

પતિને મળવાનું મન નથી થતું ?


શરુઆત માં ખૂબ અસહ્ય હતું .હવે બંનેને કોઠે પડી ગયું છે .આખર તેમને ય આબરુ તો વહાલી જ હોય ને ...!!!
તમારા મિત્ર ?


ઘણાં મદદરૂપ થાય છે .


કઇ રીતે ?


દલાલી કરીને .


તમને તમારા બાળકો ની ચિંતા નથી થતી ?


આ ધંધામાં લાગણી નકામી.એક કલંકિત માતાનો પડછાયો તેમના પર પડવા જ નથી દેવો.મૃત માતાની છબી પાસે સ્નેહ ના બે આંસુ સારે તો જીવ્યું સાર્થક જ ગણાય.


કંઇ કામકાજ ?


તમારે હોય તો ચોક્કસ કહેજો


અને આમ કહી પીઠ ફરીને ચાલી જતી માર્ગી એ આંખના ખૂણે આવેલ આંસુને સાડીના પાલવથી લૂછી ઉતાવળે ઉતાવળે ચાલતી જોઇ મનમાં જ એક મહાકાય પ્રશ્ન -કોણ જવાબદાર - સાથે વિમાસણમાં અટવાતો ત્યાં જ જડવત થઈ ગયો.

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED