પીગળેલા મીણ નો છેહ Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પીગળેલા મીણ નો છેહ

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : પીગળેલા મીણ નો છેહ

શબ્દો : 721
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

પીગળેલા મીણ નો છેહ


અમાસનો ઘોર અંધકાર હતો .રાત્રિ નીરવ બનતી જતી હતી. ક્યાંક ક્યાંક ચીબરીનો કર્કશ અવાજ કર્ણપટ પર અથડાઇ પાછો ફરતો હતો .ક્યાંક ક્યાંક તમરાં બોલતા હતા , તો તળાવમાં રહેલા દેડકા પણ ડ્રાઉં ડ્રાઉં કરી થાકીને હવે જંપી ગયા હતા.


શહેરના પરા વિસ્તારમાંની ઝૂંપડપટ્ટી માં સૌ મીઠી નીંદર માં ઘેરાયેલા હતા તો ક્યાંક મચ્છરોના ગણગણાટ વચ્ચે કોઇ પાસાં ઘસતું હતું .થાકીને લોથ થયેલ મજુરવર્ગ ની પહેલી રાતનો પહેલો પ્રહર તો ઘસઘસાટ નીંદર માં પસાર થઈ ગયો હતો , પણ વહેલા ઉઠીને કામે ચડવા ટેવાયેલા તેઓ દૂર....દૂર પડતા ચારના ટકોરા ના ઇંતેજાર માં અર્ધ જાગ્રત અવસ્થામાં જ પડ્યા હતા.


અચાનક સાંકળ ખખડી.છોકરાં તો જંપીને સૂઇ ગયા હતા પણ પતિની રાહ માં જાગતા જ રાત વિતાવવા ટેવાયેલી સવિતા અર્ધ જાગ્રત ને અર્ધ ઊંઘની અવસ્થામાં હતી. તેનો જુગારી ને દારુડિયો પતિ હંમેશ અર્ધી રાત્રે જ આવતો .તેની રાહમાં સવિતા પુરી ઊંઘ પણ ન પામતી . બારણાની સાંકળ ખખડતાં જ સાડલાના છેડા ને ખભા પર નાખતાં તેણે બારણું ખોલ્યું .એક ઓળાએ બારણું ખૂલતા જ અંદર પ્રવેશ કર્યો. સવિતા એ કે પેલા ઓળાએ બત્તી કરવાની તસ્દી ન લીધી .અંધારુ એમને માફક આવી ગયું હોય તેમ લાગ્યુ.


આટલું મોડું થયું હોવા છતાં સ્ત્રી ના મોં પર રોષ કે નારાજગી નહોતા. પતિની દરેક કુટેવ જાણે કોઠે પડી ગઇ હોય તેમ સહજ જ તેણે પૂછ્યું --કેટલા વાગ્યા ?


કેમ ?


અમસ્તુ જ.જો ચાર થયા હોય તો ચૂલો પેટાવું .


હજુ ત્રણ જ થયા છે.


જમવાનું લાવું ?


ના .


થોડીવાર સૂઇ જાઓ .


ના .


કેમ ?


આપણે બેય.....


ગાંડા થયા છો ? છોકરાં જાગી જશે .


અંધારામાં શું ખબર પડવાની ?


તમારો અવાજ બદલાયેલો કેમ લાગે છે ?


મારું ગળું દુઃખે છે.


દવા લાવ્યા ?


મેલ ને બધી પંચાત . આવ આપણે....


પુરુષ ઓળાએ સ્ત્રી દેહ પોતાના બે હાથોમાં ઉંચકી ભાંગ્યા-તૂટ્યા ખાટલામાં સુવાડ્યો . સ્ત્રી ને ખૂબ નવાઈ લાગી. દરરોજ બળજબરી કરતો પુરુષ આજે સ્નેહથી ઉંચકીને સુવાડે ....કઠોરતા માં અચાનક આટલી કોમળતા ક્યાંથી ? નમ્રતાથી સ્ત્રી ઘેલી બની .દૂર ખૂણામાં પૂરી થવા આવેલ મીણબત્તી નું મીણ પીગળીને રેલાઇ રહ્યું .


સ્ત્રી ને આજે પતિ કંઇક જુદો લાગ્યો. પેલો પુરુષ ઊભો થયો ને પોતાના કપડાં ઠીક કરવા લાગ્યો.
તમે ઊભા કેમ થયા ?


મારે જવું છે .


પણ...હજુ હમણાં તો આવ્યા.


લે આ પૈસા...


આટલા બધા ? ક્યાંથી લાવ્યા ?


તારા માટે જ છે .રાખી લે .


પણ....તમે ચોરી તો નથી કરીને ?


હું ચોર નથી કે ચોરી કરું .


જુગારમાં જીત્યા હશો .


મારે મોડું થાય છે. મને જવા દે .


આટલી રાતે ક્યાં જશો ?


જ્યાંથી આવ્યો હતો ત્યાં જ વળી .


પેલો પુરુષ જતો રહ્યો. સવિતા વિચારવા લાગી -કેવો પતિ મળ્યો છે. ક્યારેક ઉઠાડી તો છણકો કરીને દૂર હડસેલે અને આજે ? આજે તો સુવા નું નામે ય ન લીધું કે ન તો એમ પણ પૂછ્યું કે છોકરાંઓ એ કિં કે નહી ? ક્યાં ગયા હશે હવે ? પાછું વધુ કંઈ પૂછયું તો મારે ..બળ્યો આ અવતાર....વિચારો માં ને વિચારો માં તે બારણું બંધ કરવાનું ય ભૂલી ગઈ.


થોડીવાર પછી એક ઓળો લથડતો લથડતો છેક અંદર આવી પહોંચ્યો. તેના મોંમાંથી દુર્ગંધ આવતી હતી .
એ ય સવુડી ! ચલ ખાવાનું લાવ .


તમે......તમે .....


તેં ય મારી જેમ દારુ પીધો છે કે શું ? સાલી મને જ નથી ઓળખી શકતી .


પણ... હમણા તો. ..


એ દિલીપ હતો .


દિલીપ ? કોણ દિલીપ ?


મારા શેઠનો દીકરો....


સવિતા રડવા લાગી.અરે બાપ રે ! અંધારામાં મેં શું કર્યુ આ ?. હાય ! હાય ! આ શું થઈ ગયું મારાથી ?


રડવાનું બંધ કર હવે. ચલ ખાવાનું લાવ


તમે આ શું કર્યુ ?


મજુરી કરીને થાક્યો ..શું કરુ ?


તમે નીચ છો , નાલાયક છો.....આવું તમને સૂઝ્યું જ કેમ ? શરમે ય ન આવી ?


જુગાર રમવા પૈસા નહોતા.


એટલે આવું કરવાનું ? હે ભગવાન ! શું થશે હવે મારું ?


એ ય હવે લવારી બંધ કર ને ઓલ છાનીમાની ખાટલીમાં.


નહી આવું.


નહી કેમ આવે ?


તમે ધણી થવાને લાયક જ નથી.


એ દિલીપ તો તારે રાજી રાખવો જ પડશે .શું સમજી ?


મારાથી એ નહી બને


ન કેમ બને ? . સા. ..લી ...કજાત. ..પતિની સામે બોલે છે પાછી ? મારું કહેવું નથી માનતી ? રાં. ..


ગડદાપાટુના અવાજ ને ધ્રુસકાં બહાર સુધી લંબાયા. ચારના ડંકા આ ઘોંઘાટ માં જ દબાઇ ગયા.ધબાધબ સાંભળી લોકો દોડી આવ્યા. સવિતા ને માંડ માંડ છોડાવી દલપતના હાથમાંથી, લોકોનો તુચ્છકાર જોઇ દલપતે સવિતા ને તુચ્છકાર પૂર્વક રાત મારી બહાર ફેંકી ને બબડ્યો. .. રાં....છિનાળ. .. પરાયાને. ....
ઘરના ખૂણામાં પીગળીને રેલાયેલું મીણ ત્યાં જ થીજી ગયું .

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843