Kumud Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Kumud

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
શીર્ષક : કુમુદ

શબ્દો : 1064
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા


કુમુદ

કુમુદ ! અરે ઓ કુમુદ સાંભળે છે ?.....પણ તું ક્યાંથી સાંભળી શકવાની હતી મારો અવાજ ? તારા કાન તો સમાજની આ રુઢિઓથી, આ રીતરિવાજોથી ક્યારના ય બધિર બની ગયા છે તે હું સારી રીતે જાણું છું .
જતાં જતાં ય મેં મારી આંખો તારા પર જ ઠેરવી હતી.તારા બાળ પર ચમકતી લાલ બિંદીમાં જ મારું મન પરોવાયેલું હતું અને હું એમ જ ચાલી નીકળ્યો અનંત ના માર્ગે.

નિરંતર ભગવદ્ સેવામાં પરોવાયેલા એવા મેં લાલા ને ખૂબ રમાડ્યો છે , તેની સેવા ય મેં મનભરીને કરી છે. પણ સાચું કહું કુમુદ! તારો સાથ અને સહકાર ન હોત તો એ બધું હું ક્યારેય ન જ કરી શક્યો હોત.

યમુનાષ્ટકમાં ફફડતા મારા હોઠની સાથે જ મારી આંખ સામે લાલા ની છબી નિર્દિષ્ટ થતી હતી.....કદાચ ગિરિરાજધરણને મારી અસ્ખલિત સેવાની જરૂર હતી કદાચ તેથી જ આપણા જીવનબાગમાં તેમણે એક પણ ફૂલ ઉગાડ્યું નહીં હોય તેમ માનું છું.એકાદ ફૂલ પણ જો ખીલ્યું હોત તો મને જિજિવિષા રહેત ને મારું પ્રયાણ હું આટલી સાહજિકતાથી ની હે કરી શક્યો હોત., ભગવદ્ સેવામાં હું મારું મન ન જ પરોવી શક્યો હોત. મારું પ્રયાણ સૌને ભલે આકસ્મિક ને દુઃખદ લાગે પણ મારા માટે તો એ ઇશ્વર નિર્મિત શ્રેષ્ઠ કાર્ય જ હતું.

ભગવદ્ સેવા એ જ મારો જીવનમંત્ર હતો અને તેમાં તેં મને ભરપૂર સાથ આપ્યો છે. મારી સહધર્મચારિણી તરીકે તેં બધી જ ફરજો મૌન રહી બજાવ્યા કરી છે. તું સાચા અર્થ માં મારી ધર્મપત્ની બનીને રહી એ હું કેમ ભૂલું ?

મારી મા ને તેં તારી જ મા માની તેમની ખૂબ સેવા કરી હતી. મારી સ્વર્ગસ્થ માતાને તારાથી ખૂબ સંતોષ હતો.. મારા પિતાને પણ શ્વસુર નેવે ગણતાં તારા જ પિતા હોય તેમ તેમનો પડ્યો બોલ ઉપાડ્યો છે. તેમના એક એક શબ્દ ને , એક એક વાતને તેં શિરોમાન્ય ગણી સ્વીકારી છે ને પળે પળ તેં મારો પણ એટલો જ ખ્યાલ રાખ્યો છે. સાંસારીક ફરજો ની સાથોસાથ મારા ધર્મપરાયણ માર્ગ માં પણ તેં મને સતત સાથ આપ્યો છે એકચક્રી બધું મારા ધ્યાન બહાર નથી જ .કદાચ તારું મન કહેતું હશે કે તો પછી શા માટે. .......?

હા , મારે તને એ જ કહેવું છે પણ એ પહેલાં મારે તને ઘણુંબધું કહેવું છે કુમુદ ! મેં તને હંમેશા સૌભાગ્યવતી ના લિબાશમાં જ જોઇ છે .તારી લાં....બી ગૂંથેલી કેશરાશિમાં તું અનુપમ લાગતી હતી, તારા ભાલમાં ચમકતો મોટો ગોળમટોળ ચાંદલો તારા ચહેરાને અનેરો ઓપ આપતો હતો. એ બધાથી પ્રભાવશાળી લાગતો તારો ચહેરો જોવો મને ગમતો....અનહદ ગમતો , પણ.....

પણ..મને ડર હતો કે હું સંસારમાં જેટલો વધારે રહીશ એટલી માયા , મોહ મને વધારે ને વધારે જકડી લેશે , એ બધી મોહમાયા માં હું અટવાઇ જઇશ , મારા પૂજ્ય પિતાજીની મારા પ્રત્યેની લાગણી મને સંસારમાં ખેંચી રાખશે અને તારા પ્રત્યે નો મારો મોહ મને ક્યાંય જવા નહીં દે , હું ઇચ્છત તો યે આ બધું છોડી હું ક્યાંય જઇ ન શકત, અને એ બીકના કારણે જ મેં જવામાં ઉતાવળ કરી.

કદાચ તારા મતે હું સ્વાર્થી હોઈશ.તને આમ બેસહારા મુકીને હું ચાલી નીકળ્યો એમાં જરુર તને મારા સ્વાર્થ ની બૂ આવી હશે , પણ શું કરું ? હું લાચાર હતો. મારે તો કૃષ્ણ ના ધામમાં જઇ ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલા રમવી હતી. ધરતી પર તો બાલસ્વરુપ નિજ બાળકને ન રમાડી શકયો પણ વૃંદાવન માં જઇ માધવ સાથે મારે મનભરીને રાસ રમવો હતો.તેનામાં એકાકાર થઈ જવું હતું . જે હું સંસારમાં રહીને ન કરી શક્યો હોત.તેથી જ કોઇને કંઇ પણ ખ્યાલ આવે તે પહેલા જ મેં પ્રયાણ નો પંથ પકડી લીધો.ભગવાન બુધ્ધે પણ બધું જ છોડી જ્ઞાન પ્રાપ્ત કરવા સંસાર ત્યજ્યો હતો પણ મેં તો ઇશ્વર ને પામવા આખી દુનિયા જ ત્યજી.

અરે હા કુમુદ ! મારી વાત તો મેં ઘણી કરી .પણ તારી વાત કરું તો તને મારા પર બહુ ખીજ ચડતી હશે નહીં ? જતાં જતાં ય હું તને કેવળ દુઃખ જ આપતો ગયો તેનો ખ્યાલ મને છેક હવે આવ્યો. પણ શું કરું ? તને આ દશામાં મુકીને જવાનું દુઃખ ઘણું હતું.....પણ જો તું મને મુકીને ચાલી ગઈ હોત તો હું એક પળ પણ જીવી શક્યો ન હોત.હું હારી જાત જિંદગી થી..તારા વગર હું પાંગળો, નિર્બળ ને નિરુત્સાહ બની જાત. અને આમ બેસહારા બનીને હું જીવવા નહોતો માંગતો. તારા જતાં મારી શી દશા થઇ હોત તે તું કલ્પી શકે છે ખરી ? એમ ન થાય માટે જ તારા પહેલા , તારા જીવતાં જ મેં મારો માર્ગ કરી લીધો.. મને ખાતરી હતી કે તું બધું જ જીરવી જાણીશ અને એ વિશ્વાસે જ તને અધવચ્ચે છોડી હું અનંતના માર્ગે ચાલી નીકળ્યો. ખરે જ હું નિર્દયી નીવડ્યો કે તને આમ અધવચ્ચે જ રઝળાવી, પણ કુમુદ ! હું તારા જેટલો સબળ નહોતો. મારી નિર્બળતા ઢાંકવા જ તારા પહેલા ઉપડી ગયો.

મારા મનને અહીં ખૂબ ટાઢક છે. સંસારના મોહમાયા અહીં નથી.મારા -તારા ની ખેંચતાણ કે કાયાની માયા અહીં લગીરે ય નથી.મારું મન હવે સતત વલ્લભાધીશનું રટણ કરે છે ને ચોર્યાસી લાખ ફેરામાંથી મને હવે મુક્તિ મળી છે.

મને દુઃખ કેવળ એટલું જ છે કે હું તને કોઇ જ સુખ આપી ન શક્યો. મારા જવાનું દુઃખ તો તને છે જ-હોય જ પણ કુમુદ ! અહીં રહ્યે રહ્યે હું તારું જે રુપ જોઇ રહ્યો છું એ જોતાં લાગે છે કે તારી આ દશા માટે હું જ જવાબદાર છું.તારું આ સ્વરૂપ તો મેં ક્યારેય કલ્પ્યું પણ નહોતું.
તારા કાળાં કપડાં નો ફરફરાટ હું અહીં પણ અનુભવી શકું છું. તારા કપાળમાં રહેતો લાલ લાલ ચાંદલો મારી પીઠ પાછળ મને વાગતો રહે છે. તારા ભરાવદાર હાથને શોભા આપતી બંગડીઓ નો રણકાર તો હવે મને ક્યારેય સંભળાવાનો જ નથી. તને આમ અસહાય દશામાં છોડીને ચાલી નીકળ્યો તેનો પારાવાર અફસોસ છે પણ....

પણ હવે તો તારે આ જ દશામાં જીવવું પડશે.તારી લાંબી કેશરાશિમાં મારો આત્મા ક્યારેય અટવાશે નહીં.તારા ભાલ પર ઉગતા સૂરજના તેજ સમો ચાંદલો હવે ક્યારેય આકાર નહીં પામે અને તારા હાથમાં હવે કંગનનો રણકાર હવે ક્યારેય ઉદભવશે નહીં એ જ દુઃખ છે .અને તેનું કારણ છે આઈ સમાજ.....


જે સમાજના આશ્રયે મેં તને છોડી હતી એ સમાજ તને આ જ આપી શકવાનો હતો. સમાજે તારા ચાંદલાને બાંધ્યો , તારા કેશકલાપને તારાથી અલગ કર્યો અને એ રીતે સૂક્ષ્મ રુપે ય મને રહેવા ન દીધો..મારા અસ્તિત્વ નું એ લોકોએ નામોનિશાન મિટાવી દીધું.તારા ચાંદલાની આડશે સમાજે મને જ ભૂંસી નાખ્યો. .તારે જાણ્યે અજાણ્યે પણ એ સમાજને સાથ આપવો પડશે કારણ તારે એ જા સમાજમાં હજુ ઘણાય શ્વાસ શ્વસવાના છે. એ સમાજે તને બધિર બનાવી દીધી છે અને તારા પર સતત ચોકીપહેરો રાખ્યો છે. રખે ને તું સુંદર વસ્ત્રો પરિધાન કરે તો સમાજને તારી ટીકા કરવાનો વણમાગ્યો અધિકાર મળી જ ગયો છે અને માટે જ કુમુદ ! એક વસ્તુ માગું છું કે સેવાપરાયણ એવા તારા દિલ પર કોઇનો ય ચોકીપહેરો નથી જ માટે એક દિલમાં મને સ્વાર્થી ગણીને ય સંઘરી રાખજે.તારા વિશાળ દિલમાં તો મને સાચવીશને કુમુદ !

- જ્યોતિ ભટ્ટ