Name: Pallavi Jeetendra Mistry
Email: hasyapallav@hotmail.com
શંકા.
ડોરબેલ વાગી એટલે ચોથા માળના ફ્લેટ પર રહેતી સ્મિતાએ બારણું ખોલ્યું. રમેશ નામનો છોકરો કે જે કાર અંદરથી સાફ કરી લીધા પછી એની ચાવી આપવા આવ્યો હતો. દરરોજ એ કાર બહારથી જ સાફ કરીને, નીચેથી જ જતો રહેતો, પણ અઠવાડિયામા એકવાર એ કારની ચાવી લઈ જતો અને અંદરથી કાર સાફ કરીને ચાવી આપી જતો. આજે રમેશે કારની ચાવી સ્મિતાને આપતા કહ્યું,’ બહેન, આજે ગાડીનો આગલો ડ્રાઈવર સાઈડનો દરવાજો લોક નહોતો, અને મેં જોયું તો ગાડીમાં સ્ટીરીયોની પેનલ નથી તો તમે જોઇ લ્યો કે ગાડીના સ્ટીરીયોની કન્ટ્રોલ પેનલ ઘરમા જ છે ને.’
સ્મિતા અને સુનિલ ત્રણ-ચાર દિવસ બહારગામ ટ્રેનમા ફરીને રવિવારે રાત્રે જ ઘરે પાછા ફર્યા હતા. જતા પહેલા કે આવીને એમણે કારનો દરવાજો ચેક નહોતો કર્યો. સ્મિતા હમેશા બહારથી આવીને પાર્કિંગમા કાર પાર્ક કરતી વખતે દરવાજા લોક છે કે નહી તે ચેક કરી લેતી. વળી બહારગામ જાય ત્યારે ખાસ યાદ રાખીને કાયમ સ્ટીરીયોની કંટ્રોલ પેનલ કાઢીને ઘરમા મૂકી દેતી, જેથી એમની ગેરહાજરીમા કોઇ કારમાંથી પેનલ ચોરી ના જાય. આથી આજે જ્યારે રમેશે દરવાજો અન લોક હોવાનુ કહીને પેનલ વિશે પૂછ્યું તો એણે વિશ્વાસપૂર્વક કહ્યું કે ‘પેનલ ઘરમા જ છે.’ એટલે રમેશ ચાવી આપીને જતો રહ્યો.
એના ગયા પછી સ્મિતાએ ટી. વી. કેબિનેટ પર જોયું તો પેનલ ત્યાં નહોતી. નોર્મલી તો એ પેનલ ત્યાં જ મૂકતી. એણે કેબિનેટના બધા ડ્રોઅર્સ તપાસ્યા તો પણ પેનલ ના મળી. પછી એણે કોર્નર ટેબલમા, કીચન ડ્રોઅર્સમા, બેડરુમના કબાટો અને રાઇટીંગ ટેબલના ડ્રોઅર્સ પણ તપાસ્યા પણ પેનલ ક્યાંય ના મળી. હવે એ મૂંઝાઇ. પેનલ ગાડીમા નથી, ઘરમા નથી, તો જાય ક્યાં? પોતે તો કાયમ બહારગામ જતા પેનલ કાઢી જ લેતી અને કારનો દરવાજો પણ લોક કરતી જ. તો પછી રમેશે એમ કેમ કહ્યું કે ‘દરવાજો લોક નહોતો?’ ક્યાંક રમેશ જ દરવાજો અન લોક હોવાનુ બહાનુ કરીને પેનલ ચોરી તો નહોતો ગયો ને? આઠ-દસ હજારની વસ્તુ, કોઇને અડધા ભાવે વેચી દે તો પણ પાંચ-છ હજાર તો મળે જ.
એણે સુનિલને વાત કરી તો સુનિલે કહ્યું, ‘રમેશ ચોરી કરે એવો લાગતો તો નથી. તું ફરીવાર ઘરમા બધે શાંતિથી તપાસ કર.’ સ્મિતાએ ફરીથી બધે જોયું પણ પેનલ ના મળી. એણે રમેશના મોબાઇલ પર ફોન લગાડ્યો તો કોઇ નાના છોકરાએ ફોન ઊપાડ્યો અને કહ્યું,’ અહીં કોઇ રમેશ નથી, આ તો મારા રમીલાકાકીનો નંબર છે.’ આ સાંભળતા સ્મિતાની શંકા દ્રઢ થઈ. એણે સોસાયટીના વોચમેન પાસે રમેશનો ફોન નંબર માંગ્યો તો એની પાસે રમેશનો નંબર નહોતો. ઉદાસ સ્મિતાને જોઇ સુનિલે કહ્યું, ‘હવે તું એ વાતને ભુલી જા. સાબિતી વગર કોઇના ઉપર આરોપ લગાડાય નહી. ચીજ ગઈ તો ગઈ, તારો જીવ ના બાળ. નેક્સ્ટ ટાઇમ આપણે ધ્યાન રાખીશું.’
સાંજે પડોશણે સ્મિતા પાસે પ્લમ્બરનો નંબર માંગ્યો. સ્મિતા ટી.વી.ની કેબિનેટ ની બાજુમા રાખેલા મેગેઝીન રેકમાંથી ટેલિફોનની ડાયરી લેવા ગઈ ત્યારેએમાં અંદરથી કોઇ કાળી ચીજ દેખાઇ. ધ્યાનથી જોયું તો એ સ્ટીરીયોની પેનલ હતી. પેનલ મળી એટલે એના જીવને રાહત થઈ અને અકારણ રમેશ પર શંકા કરવા બદલ પસ્તાવો થયો. એણે સુનીલને વાત કરી ત્યારે સુનિલે કહ્યું, ‘આપણે ગરીબ માણસ પર તરત શંકા કરીએ છીએ., પણ એ લોકો પણ પ્રમાણિક હોય છે.’ સ્મિતાએ કહ્યું, ’તારી વાત સાચી છે સુનિલ, શંકા કરવા બદલ હું મનોમન રમેશની અને ભગવાનની માફી માંગુ છું.’ સ્મિતાએ પ્રભુના મંદિરમા દિવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી. કોઇના પર શંકા કરવી ખુબ સહેલું કામ છે, પણ કોઇનો વિશ્વાસ કરવો અઘરું કામ છે. તમને પણ કોઇના પર શંકા થાય ત્યારે ચોકસાઈ કર્યા વગર એના પર આરોપ લગાવવાનું ટાળજો.
Name: Pallavi Jeetendra Mistry
Email: hasyapallav@hotmail.com