Shu Khav Chho? - Rubber, Chemical, Ghaas, Rang, Star books and stories free download online pdf in Gujarati

શું ખાવ છો ? -રબ્બર, કેમિકલ, ઘાસ, રંગ, સ્ટાર

સાલ ૨૦૦૧માં અમેરિકાના શિકાગોના એક હાઈવે પર પુરઝડપે જતી એક માલવાહક ટ્રક પલટી મારી ગઈ અને એમાં ભરેલો માલ રસ્તા પર ઢોળાઈ ગયો . મીનીટોમાં જ શિકાગો સ્ટેટ હાઈવે પોલીસની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ અને જાહેર કર્યું કે ઢોળાયેલ માલ સ્વાસ્થ્યને હાનીકારક કેમિકલ એઝોનીકાર્બોનામાઈડ છે જે મોટાભાગે પગરખાના સોલને વધુ લચીલું બનાવવા વપરાતું એક પ્રકારનું તરલ રબ્બર છે .ઘટનાની ગંભીરતા જોતા ઓફીસરોએ અર્ધા માઈલના વિસ્તારમાં રહેતા લોકોને દુર ચાલી જવાનુ એલાન કરી દીધું . આ દરમ્યાન ઘણા બધા લોકોને આખોમાં બળતરા અને ચામડીમાં ખંજવાળની ફરિયાદો જોવા મળી . ઓવર ટુ ૨૦૧૨ . ભારતીય મૂળ ધરાવતી અને અમેરિકાના લોકપ્રિય ફૂડ બ્લોગ ‘ ફૂડ બેબી ‘ પર હેલ્થી રેસીપીઝ પીરસતી અને બજારમાં મળતા ફૂડમાં હાનીકારક તત્વોને ઓળખી અને લોકોને સાવચેત કરતી વાણી હરી નામની ફૂડ બ્લોગરને ૨૦૧૨માં ૧૪૧ દેશોમાં લગભગ ૪૦૦૦૦ રેસ્ટોરન્ટ ધરાવતી ‘ સબ-વે ‘ની સેન્ડવીચની બ્રેડમાં આ જ હાનીકારક એઝોનીકાર્બોનામાઈડ હોવાનું જાણવા મળ્યું કે જેના વપરાશને યુરોપ ,ઓસ્ટ્રેલિયા ,સિંગાપોર સહિતના મોટાભાગના દેશોએ પ્રતિબંધિત જાહેર કરેલું છે કારણકે એનાથી અસ્થમા અને એલર્જી કે અમુક કિસ્સામાં ટ્યુમર પણ થઇ શકે છે . મતલબ લો કેલરી અને સંપૂર્ણ ફ્રેશ અને ન્યુટ્રીયશ ફૂડનો મોટા ઉપાડે દાવો કરતી આ ફાસ્ટફૂડની બ્રેડ એ બ્રેડ નહિ પણ રબ્બરનો એક ભાગ હતો . પછી તો વાણી એ બ્રેડમાંથી એઝોનીકાર્બોનામાઈડને દુર કરવાની ઝુંબેશ ચલાવી જેમાં મી.એન્ડ મીસીસ ઓબામાં જેવા લોકો પણ જોડાયા અને અંતે કંપનીએ જાહેર કરવું પડ્યું કે અમે બ્રેડમાંથી આ હાનીકારક તત્વ કાઢી નાખીએ છીએ ,

સબ વે એ ઉપર લખી એ જે ચાલાકી કરી એને ‘ ફૂડ ફ્રોડ ‘ કહે છે . ફૂડ ફ્રોડ એટલે ( ખાદ્યપદાર્થમા ) જાણી જોઈને કોઈ એવી ચીજ ઉમેરવી , કે કોઈ એવી ચીજ કે જેના વડે આરોગ્યની દ્રષ્ટીએ હાની પહોચાડવી , ખોટી રીતે માહિતી આપવી , માહિતી છુપાવીને ખાદ્યપદાર્થ નું પેકિંગ કરવું કે આર્થિક ફાયદા માટે અધૂરી કે ખોટી માહિતી સાથે વેચાણ કરવું . ઘી મા ગાયની ચરબીનું મિશ્રણ , મસાલામા લાકડાની ભૂક્કી , કેરીના રસમાં પપૈયાનો પલ્પ , શુદ્ધ સિંગતેલમા રાયડાનું મિક્સિંગ , ફળો અને શાકભાજીમા કૃત્રિમ રંગો , દૂધમા યુરિયા જેવી તરત દેખાય કે પરખાય જાય એવી ભેળસેળો તો હવે આમ બાબત થતી જાય છે . જલ્દી પૈસાદાર થવાની લાલચે અને બજારની હરીફાઈમા ટકી રહેવા ખાદ્યપદાર્થોમા ઉત્પાદકો અને વેપારીઓ પોતપોતાની રીતે વધતી ઓછી ભેળસેળ કરતા જ રહે છે અને સમયે સમયે કાયદાની ચુંગાલમા પકડાતા પણ રહે છે . પણ આ ફૂડ ફ્રોડ આ ભેળસેળિયા મહારાજોથી સહેજ અલગ પડે છે .

આપણે ત્યાં અને સમગ્ર વિશ્વમાં પેકેજ્ડ ફૂડ્સના પેકેટ પર ફૂડ લેબલ લગાડવું ફરજીયાત છે . આ ફૂડ લેબલ વેચનાર અને ખરીદનાર વચ્ચેનો એક વિશ્વાસુ કરાર છે જેમાં પદાર્થનું પ્રચલિત નામ , બનાવ્યાની અને એક્સપાયરીની તારીખ કે મહિનો / વર્ષ , જો ઈમ્પોર્ટેડ હોય તો મૂળ ઉત્પાદક અને આયાતકર્તાનું નામ અને સરનામું , અને સૌથી અગત્યનું ફૂડ અંગેની જાણકારી મતલબ કે એ વસ્તુ બનાવવામાં વપરાયેલ સામગ્રીના નામ અને પ્રમાણ તેમજ આરોગ્ય સલામતીની દ્રષ્ટીએ અગત્યનું ન્યુટ્રીશન વેલ્યુ લખવી જરૂરી નહિ પણ ફરજીયાત છે . આ ઉપરાંત ૨૦૦૧થી બનાવેલો પણ છેક ૨૦૧૧મા સમ્પૂર્ણપણે અમલમા આવેલો વેજીટેરીયન ફૂડ પેકેટ પર લીલું ટપકું અને નોન- વેજીટેરીયન ફૂડ પેકેટ પર બ્રાઉન ટપકું દર્શાવવું પણ ફરજીયાત છે . બસ ખરો ખેલ આ લેબલમા જ રમાય છે . ૨૦૧૨મા દિલ્હી સ્થિત એન.જી.ઓ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ કરેલા એક સર્વેક્ષણમા પેકેજ્ડ ફૂડ બનાવતી દેશની ટોચની જંકફૂડ કંપનીઓના લેબલોમા ગેરમાર્ગે દોરનાર અથવા તો ખોટી રીતે જાહેર કરાયેલ સામગ્રીઓ જોવા મળેલી . દેશની ટોચની ૧૬ જંક ફૂડ ક્મ્પનીઓના જેવી કે મેગી નુડલ્સ , ટોપ રમન , મેકડોનાલ્ડ્સ , કેએફસી અને હલ્દીરામ જેવાના ફૂડ પેકેટ્સ પર લખેલા ટ્રાન્સ-ફેટ , ખાંડ અને મીઠાના પ્રમાણ લેબોરેટરી ટેસ્ટ દરમ્યાન લેબલ પર લખ્યા કરતા વધુ મળ્યા હતા કે જે ખાનારને ડાયાબીટીસ અને મેદસ્વીતા જેવા ગંભીર રોગોમા સપડાવવા માટે સક્ષમ હતા . આ જ ૨૦૧૨ના મેં મહિનામાં ભારતની ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી એ કરેલા એક દેશવ્યાપી સર્વેક્ષણમાં દૂધના મોટાભાગના સેમ્પલમાં હાઈડ્રોજન પેરોકસાઈડ ,ફર્ટીલાઇઝર , ડીટરજન્ટ કે બ્લીચના અવશેષો મળ્યા હતા . સવારના પહોરમાં દુધના ગ્લાસ સાથે આ વણજોઈતા રસાયણો પણ આપણા પેટમાં પહોચી જાય છે . વર્ષોથી ટ્રીન ટ્રીન ઘંટડી કે ભોપું વગાડતો સવારના પહોરમાં દૂધ પહોંચતો દૂધવાળો થોડું ઘણું પાણી ઉમેરે જ છે એ વાત તો આપણે હવે દુધની હારે જ ગટગટાવતા શીખી ગયા છીએ .

ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથીરીટી ઓફ ઇન્ડિયાના એફએસએસ એકટની ધારા ૨૪ મુજબ કોઈ પણ પ્રોડક્ટ પોતાના પ્રચારમાં ગેરમાર્ગે દોરતી માહિતી રજુ કરી શકતી નથી પણ વક્રતા જુવો કે એમણે મળેલી ફરિયાદોને આધારે કરેલી તપાસને અંતે ૧૯ જેવી પ્રોડક્ટમા આ કાયદાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો . જેમકે ‘ કોમપ્લેન ‘ - બે ગણી વૃદ્ધિ થઇ શકવાનો દાવો એની જાહેરાતો અને પેકેટ પર કરે છે એજ રીતે બાળકો માટેના પ્રખ્યાત ન્યુટ્રીશન ફૂડ બુસ્ટ અને હોર્લિક્સ પણ રોજ ચોકલેટ ડ્રીન્કસ પીવો અને ઉંચા , બુદ્ધિશાળી અને શક્તિશાળી બનો એવી જાહેરાતોનો મારો આપણા પર ચલાવ્યે રાખે છે પણ ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથીરીટી ઓફ ઇન્ડિયાએ જયારે એમના આ દાવાઓ ને પડકાર્યો ત્યારે એક પણ કંપની કોઈ વેલીડ કારણ કે રીસર્ચ રજુ કરી શકવામાં અસફળ રહ્યું હતું . એવું એક પણ તત્વ કે પદાર્થ એમની પ્રોડક્ટમા એ બતાવી ના શક્યું કે જેનાથી એ જે જાહેરાતો કરે છે એ સાચી ઠરે .મતલબ કે એમણે લેબલ પર કે પ્રોડક્ટ માટે રજુ કરેલા દાવાઓની માયાજાળમા આપણા બાળકો એ જ સુગર કે મીઠી મીઠી ચોકલેટ પેટમાં પધરાવતા રહ્યા છે . બિલકુલ આવું જ કેલોગ્સ મુસ્લીના પેકેટ પર લખાયેલું ‘ ફળોથી ભરપુર ‘ ના કેસમાં થયેલું કે જેમાં તપાસ અને પરીક્ષણોના અંતે ફળોની માત્રા એકદમ નહીવત નીકળેલી અને ફળોને બદલે ફળોના એસન્સ અને કલરના અંશો મળેલા. આપણને તો એમ કે આપણે ફ્રેશ ફળો થી સમૃદ્ધ હેલ્ધી મુસ્લી આરોગી રહ્યા છીએ પણ ખરેખર તો એ ફૂડ કલર કે ફ્રુટ એસન્સ જ હતું . સવારના નાસ્તામા ખવાતા સીરીયલના પેકેટ પર ભલે ને લખ્યું હોય કે લો ફેટ કે પછી લો-કેલ પણ ખરેખર તો એમાં ખાંડ નું પ્રમાણ ઊંચું જ હોય છે . સરવાળે તો ના તો ફેટ લો થતી કે ના તો કેલેરી !!!!!

અસલમાં ફૂડ ફ્રોડ એટલે ફૂડમા એવી ચીજ સામેલ કરી દેવી જે ખરેખર તો ફૂડમા હોવી જ ના જોઈએ અથવા તો હોવા છતાં છુપાવેલી હોય , જેમ સબ વે ની બ્રેડમા રબ્બર છુપાયેલું હતું બસ એમ જ !!!!! કેસર જગતનું સૌથી મોંઘુ દ્રવ્ય કહી શકાય પણ એમાંય બહાર તો ભલે ને શુદ્ધ અને સ્વચ્છ જેવા લેબલો માર્યા હોય પણ અંદર ગ્લીસરીન અને ચંદનના લાકડાની ભૂકી ભરેલી હોય શકે છે . હવે જયારે કેસરની ડબ્બી ખરીદો ત્યારે જોઈ લેજો લેબલ મા આ લખ્યું છે ? કેસર તો દુરની વાત રહી પણ સવાર ના પહોરમાં કપ ભરીને પીવાઈ જતી ચા ની ભૂક્કીમા પણ બીજા છોડના પાંદડાઓનો ભુક્કો અને કલર હોય છે પણ લેબલ પર આવું કોણ છાપે ? મારા યુવાન મિત્રોમા એનર્જી ડ્રીંક રેડ બુલ પીવાનો ક્રેઝ વધતો જાય છે પણ જો એક એવી વાત કહું તો એ સાંભળી ને તમારા પેટમાં આચ્કીઓ આવવા લાગશે . એક સ્વાયત સંસ્થાએ લીધેલા રેડબુલ એનેર્ગી ડ્રીન્કસ ના નમુના ની ચકાસણી કરતા માલુમ પડ્યું કે રેડ બુલ મા ટોઉંરીન નામનું ઇન્ગ્રીડન્ટ છે . વાતની પરાકાષ્ટા એ છે કે આ ટોઉંરીન આખલાના મૂત્ર , વીર્ય અને લીવરમા ઉત્પન્ન થતો એક પ્રકારનો એસીડ છે જેને રેડ્બુલ ના ટીન પર એમીનો એસીડ તરીકે બતાવે છે . છે ને જબરદસ્ત ફ્રોડ !!!!

ગમે ત્યારે ખવાતા બિસ્કીટના લેબલ પર નજર નાખશો તો રીફાઈન્ડ ઘઉંનો લોટ ,ખાંડ , વેજીટેબલ તેલ વગેરે વગેરે લખેલુ જોવા મળશે પણ મોટાભાગના બિસ્કીટમાં એડીબલ વેજીટેબલ તેલનું પ્રમાણ લખ્યા કરતા અનેકગણું વધુ જ હોય છે જે મૂળ તો ફેટ કે ચરબી જ છે જે સરવાળે લીવરને નુકશાન કરે છે . આગળ લખ્યું એ મુસ્લીના પેકેટ પર બિન્દાસ લખેલું હોય છે કે ‘ નો એડેડ સુગર ‘ પણ ધ્યાનથી જુવો તો પેકેટના લેબલ પર બીજા ઇન્ગ્રીડનટ્સની સાથે સાથે લખેલા બીજા બધા જ સીરપમા ઓલરેડી સુગર આવી જ જાય છે . તમે ભલે ને સુગર ફ્રી ગણી ને મુસ્લી ને ખાધે જાવ . બજારમાં મળતા પેકેજ્ડ સુપ્સ ના પેકેટને ક્યારેક ધ્યાનથી જોઈ લેજો . લગભગ બધા જ પેકેટના લેબલ પર ‘ ફ્લેવર એન્હાન્સર ‘ એવું લખેલું જોવા મળશે . શું છે આ ફ્લેવર એન્હાન્સર ? ઘરે ફ્રેશ ટામેટા નો સૂપ બનાવીને થોડા દીવસ રાખી તો મુકજો . શું એનો કલર એવો ને એવો રહે છે ? નહિ ને . તો આ પેક્ડ ટમેટો સૂપ નો કેવી રીતે રહે ? સિમ્પલ ..એમાં ઉમેરવામાં આવે છે કલરિંગ એજન્ટ અથવા સાદી ભાષામાં કહો તો કૃત્રિમ કલર જેને લેબલ પર બતાવાય છે ફ્લેવર એન્હાન્સર નામે !!!! જેને લીધે કીડની અને લીવરને આ કેમિકલ્સને સાફ કરવા વધુ મહેનત કરવી પડે છે ને સરવાળે આવા સૂપનું વધુ પડતું સેવન આ બંને અવયવોને ક્ષીણ કરી મુકે છે . બિલકુલ આવું જ કઈક પેક્ડ ફ્રુટ અને વેજીટેબલ જ્યુસમા પણ છે . ભલે ને બોટલ કે કેન પર ૧૦૦% ફ્રુટ જ્યુસ લખેલું હોય પણ એમાં ઉચી માત્રા મા ફૂકટોસ કોર્ન સીરપ હોવાની પુરેપુરી શક્યતાઓ હોય છે .

૨૦૦૩ અને ૨૦૦૬મા સોફ્ટ ડ્રીન્કસ કોકા-કોલા અને પેપ્સીમા જંતુનાશક હોવાનો બનાવ તો યાદ જ હશે જો કે બંનેમાં થી એક પણ ની બોટલ કે કેન પર ના ઇન્ગ્રીડનટ્સમા આનો કોઈ ઉલ્લેખ સ્વાભાવિકપણે જોવા નહોતો જ મળેલો પણ જંતુનાશક બંને પીણામાં મળેલા એ હકીકત છે . એજ રીતે કાર્બોનેટેડ પીણામાં દર્શાવ્યા કરતા વધુ માત્રામા ખાંડ હોવાનું અનેકવાર પુરવાર થઇ જ ચૂક્યું છે . પીઝા હ્ટ , મેકડોનાલ્ડઝ , કે.એફ.સી જેવી મલ્ટીનેશનલ ફૂડ ચેઈન પોતાની પ્રોડક્ટ્સ ફેટ ફ્રી હોવાનો પ્રચાર કરતી રહે છે પણ આ પ્રોડક્ટસોમા ઉચી માત્રામાં ટ્રાન્સ-ફેટ હોવાનું જણાયું છે જ . મેગીના પેકેટ પર બીજા બધા ઇન્ગ્રીડનટ્સની સાથે સાથે ‘ એ પીંચ ઓફ સોલ્ટ ‘ લખેલું હોય છે પણ પૃથક્કરણના અંતે એક મેગીના પેકેટમાં અંદાજે ૨.૫ – ૩ ગ્રામ જેટલું મીઠું હોવાનું જાણવા મળ્યું જે આપણા શરીરની રોજીંદી મીઠાના જરૂરીયાતના લગભગ ૬૦% જેટલું છે . પેપ્સીકોની લેય્ઝની જાહેરાતમા કહેવાતું કે અમારી પ્રોડક્ટ સ્વાસ્થ્ય વર્ધક અને ફેટ રહિત છે પણ એક તપાસમા ૧૦૦ ગ્રામના એક પેકેટમા ૨.૫ ગ્રામ જેટલું ફેટ જોવા મળ્યું . ખૂબીની વાત એ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના માનાંક મુજબ એક પુખ્ત વ્યક્તિ માટે એક દિવસમાં ૨.૬ ગ્રામ ફેટ પર્યાપ્ત છે મતલબ એક જ લેય્ઝ નું પેકેટ ખાધા પછી જે ખાવ એ બધી વધારાની ચરબીને આમંત્રણ આપવાનું કામ કરે છે . જો કે પછીથી લેય્ઝની એ ગેરમાર્ગે દોરતી જાહેરાત પાછી ખેચાઈ હતી . બહુરાષ્ટ્રીય ફૂડ આઉટ લેટ મા હોશે હોશે આરોગતા ફ્રેંચ ફ્રાઈસ કે બર્ગરમા પણ પ્રોડક્ટ હેલ્થી છે કે ચરબી રહિત છે એવા દાવાઓથી વિપરીત ફેટની માત્રા ઉંચી જ હોય છે . કરુણતા એ છે કે આ ફાસ્ટ ફૂડ્ઝ યુવાનો અને નાના બાળકોમાં વધુ લોકપ્રિય છે અને આવી સંતાડેલી માહિતીઓના પાપે આ યુવાનો અને બાળકો મેદસ્વીતા અને બીજા રોગોનો શિકાર બધું ઝડપથી બને છે . મેકડોનાલ્ડઝનું હેપી મિલ મેનુ એક વાર ખાનાર બાળકના પેટમાં જે ટ્રાન્સ ફેટ જાય છે એ લગભગ એની રોજીંદી જરૂરીયાતના ૯૦% જેટલું હોય છે અને અચરજની વાત એ છે કે મેકડોનાલ્ડઝ ફેટ ફ્રી ફૂડનો ગાઈ વગાડીને પ્રચાર કર્યા કરે છે . ભ્રામક જાહેરાત કે પ્રચાર પણ એક રીતે ફૂડ ફ્રોડનો જ એક હિસ્સો છે . ભારત ની જ વાત કરીએ તો સફોલા તેલની જાહેરાતમાં કહેવાતું ‘ હ્રદય માટે સુરક્ષિત તેલ ‘ ના દાવાના બદલામાં કમ્પની કોઈ નક્કર પુરાવો પેશ નથી કરી શકી . અદ્દલ એવા જ એક બીજા બનાવમાં એક પ્રખ્યાત બ્રાન્ડના સોયાબીન તેલની જાહેરાતમાં લખેલું કે યુરોપની બેસ્ટ સાત સ્ટેપ રીફાઈનીંગ ટેક્નોલીજીથી બનાવેલ તેલ - પણ તપાસને અંતે એવું કશું જ હતું નહિ . બ્રિટાનિયાના ન્યુટ્રીચોઈસ બિસ્કીટની જાહેરાતમા સુગર ફ્રી નો દાવો થયેલો પણ એમાં તો ખાંડ નીકળેલી જ . સાત દીવસમા ચમકતી ત્વચા કે ૩ અઠવાડિયામાં ગોરો રંગ જેવી ભ્રામક જાહેરાતો તો આપણે રોજ જોઈએ જ છીએ .

ટૂંકમાં આ યાદી અને આ વાત ઘણી લાંબી થઇ શકે છે . ફૂડ ફ્રોડ એ કઈ આજકાલની માયાજાળ નથી પણ આ તો પહેલેથી ચાલ્યું આવતું છળકપટ છે અને છટકબારીઓ ઘણી બધી છે એટલે એ બહુ જલ્દીથી બંધ થઇ જશે એમ માનવું પણ ભૂલભરેલું છે પણ સ્વાયત સંસ્થાઓ અને અમુક અંશે સરકારો પણ આ બાબતે ધીરે ધીરે જાગૃત થતી જાય છે પણ ખાસ કરીને બહુ રાષ્ટ્રીય કંપનીઓ પૈસાના જોરે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ચાલુ રાખે છે .. પેકેજ્ડ ફૂડ્સની વધતી જતી માંગ અને વિશાળ બનતી જતી માર્કેટને લીધે ફૂડ બનાવનાર કે આયાત કરનારની જવાબદારી છે કે ગ્રાહકને પ્રોડક્ટ ની પૂરી અને સાચી માહિતી મળી રહે . ચપટીક મીઠું લખી ને ચપટીઓ મીઠું પ્રોડક્ટમાંથી ના નીકળે એ જોવાની જવાબદેહી પણ માલ બનાવનારની બને છે . જો કે ભારતમા મોટા ભાગની પ્રખ્યાત કંપનીઓ આવી માહિતી ગ્રાહકથી છુપાવે છે કે જે માહિતી મેળવવી ગ્રાહકનો હક્ક છે અને બનાવનારની જવાબદારી . જો કે આપણે ત્યાં હજુ ગ્રાહકોના આ એકાધિકાર બાબતે કઈ ખાસ કડક પગલા લેવાતા નથી એ દુખની વાત છે સાથે સાથે એ પણ હકીકત છે કે ફૂડમા શું છે એ જાણવાની તસ્દી લેવા જેટલા કદાચ આપણે પણ સ્માર્ટ નથી થયા એટલે આવું “ કહેવું કાઈ અને આપવું કાઈ “ જેવી લીલાઓ ફૂડ કંપનીઓ ચલાવ્યે જાય છે . ન્યુટ્રીશાન વેલ્યુ વિષે સજાગ થઈશું ત્યાં સુધીમા કદાચ ઘણું મોડું થઇ ગયું હશે પણ એટલું તો ચોક્કસ કહીશ કે હવે પછી જયારે તમે કોઈ ફૂડ સ્ટોરમાંથી હાથમાં લીધેલી ફૂડ આઇટમ પર ૧૦૦% નેચરલ , ૧૦૦ % હેલ્થી , રીયલ ફળો મા થી બનાવેલ , સુગર ફ્રી , ફેટ ફ્રી જેવા શબ્દો આંખે ઉડીને વળગે એવી રીતે લેબલ પર કે પેકેટ પર છપાયેલ જુવો તો હરખાય ના જતા .... કેમકે એ જે કહે છે એ કદાચ નથી જ અને એ જે નથી કહેતા એ જ કદાચ તમે ખરીદી રહ્યા છો કે આરોગી રહ્યા છો . !!!!

ડેન્માર્ક વિશ્વનો પહેલો દેશ છે કે જેણે ચરબીવાળા ખાદ્ય પદાર્થો પર “ ફેટ ટેક્ષ “ લગાવ્યો છે !!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED