પરફેક્ટ મેચ Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરફેક્ટ મેચ

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com

પરફેક્ટ મેચ. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

રોહિત એંજીનિયર થઈ ગયો અને એક સારી મોટી કંપનીમા ઊચ્ચ હોદ્દા પર નોકરીમા જોડાઇ ગયો એટલે એના મમ્મી-પપ્પા એ એમના આ એક ના એક દિકરા માટે કન્યાઓ ની માહિતી એકઠી કરવાનું શરુ કરી દીધું. જ્ઞાતિના કેટલાય સારા સારા ઘરોમાંથી રોહિત માટે ઈનડારેક્ટ પૂછપરછ શરુ થઈ ગઈ હતી. રોહિત હેન્ડસમ અને સ્ટાઇલીશ હતો, વળી કપડા પણ મોંઘા અને બ્રાન્ડેડ પહેરતો એટલે વધારે શોભી ઊઠતો. ઘર પણ ઊંચુ અને ખાનદાન. સ્વાભાવિક છે કે આવા મૂરતીયાની લગ્નબજારમા પણ માંગ વધુ જ હોય. એટલે પરણુ પરણુ કરી રહેલાં રોહિતને એના પરણેલા મિત્રો ચીઢવતા, ‘અલ્યા, લગ્ન એ તો લાકડાના લાડુ છે, જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય.’ પરણવા માટે તૈયાર રોહિત કહેતો, ‘ભલે, તો હું તમારા લોકોની જેમ એ લાડુ ખાઈને પસ્તાવાનું પસંદ કરીશ.’

પોતાની ‘ડ્રીમગર્લ’ એટલે કે ‘સ્વપ્નની રાણી’ વિશેના રોહિતના ખ્યાલો બહુ સ્પષ્ટ હતા. ‘એવી છોકરી જેનું સ્મિત માધુરી દિક્ષીત જેવું હોય, હાઇટ તબુ જેવી હોય, વાળ દિપીકા પદુકોણે જેવા હોય, આંખો અનુશ્કા શર્મા જેવી હોય, હોઠ બેબો એટલે કે કરીના કપુર જેવા હોય, બ્યુટી કેટરીના કૈફ જેવી હોય. જે એજ્યુકેટેડ હોય, સોફિસ્ટીકેટેડ હોય, ફેશનેબલ અને અપટુડેટ હોય...’ ઘણા સ્વપ્નીલ યુવાનો જીવનસાથી માટે રોહિત જેવા ‘ખયાલી પુલાવ’ પકાવતા હોય છે. સમયની સાથે સાથે વધતી સમજણ અને અનુભવના આધારે પછી વાસ્તવિકતા સ્વીકારીને સમાધાન કરી, જે મળી એ છોકરી સાથે પરણી જતા હોય છે.

રોહિતની પહેલી મુલાકાત ગોઠવાઇ શહેરના એક મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની પુત્રી પ્રિયા સાથે. પ્રિયાએ બી.કોમ. પછી એમ.બી.એ. કર્યું હતું. હાઇટ સારી હતી, રંગે ગોરી અને દેખાવે રુપાળી હતી. ડ્રેસિંગ સેન્સ પણ સારી હતી.વિચારે પણ પરિપકવ હતી. આધુનિક વડીલોએ મુલાકાત દરમ્યાન બન્નેને એકાંતમા વાતચીત કરવાનો મોકો પણ કરી આપ્યો.આ મુલાકાતના અંતે, ‘ફોન દ્વારા બે દિવસમા જવાબ જણાવીશું’ કહીને બન્ને પક્ષ છુટા પડ્યા. પ્રિયા તરફથી તો હા હતી પણ મમ્મી-પપ્પાએ પૂછ્યું તો રોહિતે કહ્યું, ‘પ્રિયા આમ બધી રીતે બરાબર છે, પણ એ મારા માટે પરફેક્ટ મેચ નથી.’ ’પરફેક્ટ મેચ કેમ નથી?’ એવું જ્યારે મમ્મી-પપ્પાએ આશ્ચર્યથી પુછ્યું તો રોહિતે કહ્યું, ‘એને જોઇને મારા દિલમા જે ‘ક્લીક’ થવું જોઇએ તે થતું નથી.’ ‘પહેલી મુલાકાતમા એવું ના પણ થાય, પણ મળતા રહો તો થાય પણ ખરું;’ મમ્મીએ રોહિતને સમજાવટના સૂરમાં કહ્યું પણ રોહિતનું મન ન જ માન્યું એટલે ન છૂટકે એ પ્રિયા ચેપ્ટર ક્લોઝ થયું.

થોડા દિવસ પછી રોહિતની મુલાકાત ગોઠવાઇ આરતી સાથે. આરતી ડૉક્ટર- એમ.બી.બી.એસ. હતી. આરતી ઇન્ટેલિજન્ટ અને સૌમ્ય હતી. એનું પોતાનું ક્લિનીક હતું અને પ્રેકટીસ પણ ઠીક ઠીક હતી. ગોરી તો નહીં પણ ઘંઉવર્ણી હતી. ચહેરે-મહોરે નમણી હતી. એ અત્યંત રુપાળી તો નહોતી, તો પણ પહેલી નજરે ગમી જાય એવી તો હતી જ.. રોહિત – આરતી મળ્યા, વાતો કરી અને ‘પછી જવાબ આપીશું’ કહીને છુટા પડ્યા. આ વખતે પણ રોહિતનો એના મમ્મી-પપ્પાને જવાબ હતો, ‘આરતી ઇસ ઓકે. બટ ધેર ઇઝ સમથીંગ મીસીંગ ઇન હર, વીચ આઇ વોન્ટ. શી ઇઝ નોટ માય પરફેક્ટ મેચ.’ રોહિતનાં આવા નખરાં જોઈને મમ્મી-પપ્પા મુંઝાયા, ‘રોહિતની પરફેક્ટ મેચ કેવી હશે?’

રોહિતની ત્રીજી મુલાકાત ગોઠવાઇ અનન્યા સાથે, કોઇ પણ યુવાન પહેલી મુલાકાતમા જ ’હા’ પાડી દે તેવી લાવણ્યમયી હતી અનન્યા. બ્યુટિ વીથ બ્રેઇન હતી. આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો અને ‘ઈન્ટિરીયર ડેકોરેટર’ તરીકે નામના કમાવાની મહત્વાકાંક્ષા હતી એની.એટલે રોહિતના મમ્મી-પપ્પાને આશા હતી કે અનન્યા તો રોહિતને ગમશે જ. પણ આપણા રોહિતભાઇ? અનન્યાને જોઇને પણ એનું દિલ ધક-ધક નહોતું કરતું, અનન્યામા પણ એને કશુંક ખૂટતું હતું, એ એની પરફેક્ટ મેચ નહોતી. મમ્મી-પપ્પાએ એ પછી પણ રોહિતને ૫-૬ છોકરીઓ બતાવી, પણ રોહિતને એમાંની કોઇ પોતાની ‘સ્વપ્નની રાણી’ લાગી નહીં. આ વખતે મમ્મી-પપ્પા જરા નારાજ થયા.

મમ્મી-પપ્પા હવે કંટાળ્યા પણ હતા. અરે! રોહિતનો ખાસ દોસ્ત આનંદ પણ સમજી નહોતો શકતો કે આવી સારી છોકરીઓ રોહિતને ગમતી કેમ નથી. એના પૂછવાથી રોહિતે કહ્યું,:

‘નથી ગમતી તો મને નથી ગમતી કોઇ, એનુ કારણ ના પૂછ યાર,

જ્યારે મળી જશે મારી પરફેક્ટ મેચ, હા પાડતા નહી લગાડું વાર.’

રામ જાણે ક્યારે આવશે તારી પરફેક્ટ મેચ..... બબડીને દોસ્ત આનંદ ચાલ્યો ગયો. અને અંતે એ ઘડી આવી ખરી. રોહિતના એ ખાસ દોસ્ત આનંદની બહેન અમિતા ના લગ્ન લેવાયા. લગ્ન સમારંભમા અમિતાની વડોદરા રહેતી ફ્રેંન્ડ સોનલ આવી. સોનલને જોઇને પહેલી નજરમા જ રોહિતનું દિલ ધક ધક કરવા લાગ્યું. એના બત્રીસે કોઠે દીવા ઝગમગી ઊઠ્યા. ‘બસ આ જ મારી સ્વપ્નની રાણી, આજ મારી પરફેક્ટ મેચ.’ રોહિત બોલી ઊઠ્યો. અમિતાએ કહ્યું, ‘ સ્વપ્ન ના જુવો રોહિતભાઇ, સોનલની વડોદરામા એક છોકરા સાથે વાતચીત ચાલી રહી છે. એક-બે દિવસમા જવાબ પણ આવી જશે.’

રોહિત તો આ સાંભળીને ઠંડો જ પડી ગયો. પણ પછી આનંદ અને અમિતાને કહેવા લાગ્યો, ‘પ્લીઝ, તમે લોકો કંઇ પણ કરો પણ સોનલ સાથે મારું ગોઠવી આપો. એ જ મારી સ્વપ્નમૂર્તિ છે, એના વિના હું નહી રહી શકું. એજ મારી પરફેક્ટ મેચ છે.’ ‘એ કઈ રીતે, રોહિતભાઇ, આજે તમે પહેલી વાર જ તો સોનલને મળ્યા છો?’ અમિતાએ પુછ્યું. ‘તને એ નહી સમજાય, અમિતા. યાર, આનંદ, તુ જ કંઇ મદદ કર.’

‘ઓકે, ઓકે. રોહિત. હું અને અમિતા સોનલને મનાવી જોઇએ.’ ‘થેંક્સ, યાર. અને હું મારા મમ્મી-પપ્પાને વાત કરું છું.’ રોહિતે કહ્યું.

આનંદ અને અમિતાના સતત પ્રયત્નથી છેવટે રોહિત-સોનલની મુલાકાત ગોઠવાઇ. બન્નેના મમ્મી-પપ્પા પણ મળ્યા. વિગતવાર વાતચીત થઈ. રોહિતને પોતાની ‘ડ્રિમગર્લ’ હાથવેંતમા લાગી. અંતે રોહિતની અધીરાઇનો અંત આવ્યો, સોનલના તરફથી રોહિત માટે ‘હા’ આવી. રોહિત તો આનંદથી ઊછળવા લાગ્યો. રોહિતના મમ્મી-પપ્પાએ પણ નિરાંત અનુભવી, ‘હાશ! છેવટે છોકરો એક ડાળે વળગ્યો ખરો.’ દસ દિવસમા સારો દિવસ જોઇ બન્નેની સગાઇ થઈ. રોહિત તો સાતમા આસમાનમા વિહરવા લાગ્યો. મમ્મી-પપ્પા તો જેમ બને એમ જલ્દી-રોહિતનું મન ફરી જાય એ પહેલાં લગ્ન પતાવી દેવા માંગતા હતાં. પણ લગ્નનું મુહુરત ૬ મહિના પછીનું નીકળ્યું. રોહિત-સોનલ હવે એકબીજાને વારંવાર મળવા લાગ્યા, ફોન પર વાતચીત થવા લાગી. એક-બીજાને ઓળખવા લાગ્યા.

કોણ જાણે કેમ પણ લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો, તેમ તેમ રોહિતની બેચેની વધવા લાગી. ના સમજાય એવો અજંપો એને ઘેરી વળ્યો હતો. એને આમ મુંઝાયેલો- મુંઝાયેલો જોઇને આનંદે પુછ્યું, ‘શું વાત છે,યાર? આજકાલ તું કંઇ ખોવાયેલો ખોવાયેલો લાગે છે? સોનલ સાથે કંઇ ઝઘડો તો નથી થયો ને?’

‘ના, ના. એવું કંઇ નથી, બધું બરોબર છે. છતાં મને હવે રહી રહીને એમ કેમ લાગે છે, કે સોનલમાં કંઇ ખૂટે છે, એ મારી પરફેક્ટ મેચ નથી.’ રોહિતે આખરે પોતાના જીગરી દોસ્ત સામે પોતાના દિલની વાત કહી જ દીધી. આનંદે એની પીઠ પર ધબ્બો મારતા કહ્યું, ‘બસ, આટલી જ વાત છે, ને? લગ્નનું બીજું નામ જ સમાધાન છે. જો કે આ સમાધાન બન્ને પક્ષે હોય છે.સાંભળ, આ દુનિયામા કોઇને પણ એની પરફેક્ટ મેચ મળી છે કે તને મળશે?’ આનંદ ખડખડાટ હસી પડ્યો અને રોહિત માથું ખંજવાળતો એની સામે જોઇ રહ્યો.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com