ડોબો!
સવાર પડતાં જ મેધાએ થોડા દિવસની રજા મુકી એક નજીકના ગામડા માટે બસ પકડી લીધી હતી. એનું મસ્તિષ્ક ગણતરી કરી રહ્યું હતું. એને શું કેટલું આવડતું હશે? થોડુંઘણું તો લખતા આવડાતું જ હશેને? એ કંઇક ઇન્ટરનેટની વાત કરતો’તો. એટલે એને વાંચતા-લખતા અને થોડું-ઘણું ઇંગ્લીશ પણ આવડતું હશે. ઇંગ્લિશ તો છ-આઠ મહિનામાં શીખવાડી દઇશ. પણ એ ભણ્યો હશે ક્યાં સુધી? હા એકાદ વર્ષમાં જો એને ભાષા પર પ્રભુત્વ આવી જાય તો આગળ કંઇક સારું ભણાવી શકાય. આ ઉંમરે હવે સરકારી કે અર્ધ-સરકારી નોકરી તો ના મળે. પણ ભણશે તો કંઇક તો કરશે જ ને!
“ગઇકાલે થયું એવું ફરી ના થવું જોઇએ. કંઇક તો કરવું જ પડશે.”,એ મનોમન વિચારી રહી હતી. આગલા દિવસની ઘટના એને ફરી યાદ આવી ગઇ.
ત્રીસેક વર્ષનો ધવલ બેન્ચ પર બેઠા-બેઠા વૈભવીને જોઇ રહ્યો હતો. વૈભવી એના પતિ, વૈભવની શીફા અને અપેક્ષા સાથે ઓળખાણ કરાવી રહી હતી. અપેક્ષા થોડી-થોડી વારે હર્ષ તરફ નજર કરી લેતી હતી. હર્ષ એની પત્નિથી નજર બચાવીને રાધા પાછળ ફરી રહ્યો હતો. એક ખુણામાં અડધી ટાલવાળો પપ્પુ, પટ્ઠા જેવા પરેશની સાથે એના મોબાઇલ પર પુખ્ત એમ.એમ.એસ જોઇ રહ્યો હતો.
એવું નથી કે અહીં સ્વૈરવિહારીઓનો મેળાવડો હતો. ફાંટેબાજ કુદરતનાં બિજાય ઘણાં નમુના હાજર હતાં. ચિન્મય ચશ્મિસ એના સોડા-બોટલ જેવા ચશ્મામાંથી ડોળા કાઢીને બેંચ પર ઊભો-ઊભો ફેંકી દેવા જેવા શેર-શાયરી ઠપકારી રહ્યો હતો. સ્કૂલના દિવસો અને એ પછી પણ ચૌદ વર્ષ સુધી ચિનિયાને સહન કરતા રહેલા મિત્રો એની બોલવાની ક્ષમતા જલ્દી પૂરી કરવા એને વધુને વધુ ઉશ્કેરી રહ્યા હતા.
થોડે દૂર એક અલગ જ વર્તુળ બનાવીને એક સમયના ડાહ્યા બાળકો એમની પત્નીઓ અને શિસ્તબદ્ધ ઊભેલાં ડાહપણના નવા ફાલ સાથે રીઆલિસ્ટીક વાતો કરી રહ્યાં હતાં. આ આખા વર્તુળના છોકરાઓ મોટાભાગે ૬૦ થી ૭૦ ટકા લાવીને ૧૫ થી ૨૫મા નંબરે આવતા. આ લોકોને ચર્ચિલથી લઇને ચંગેઝ-ખાન અને ચંદ્રગુપ્ત વિશેની ગોખેલી માહિતિ હતી, જેના થકી આ બધાને એક યા બિજી જગ્યાએ સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાઓમાં કારકૂની મળી ગઇ હતી. અરે હા! ચંગેઝખાન પરથી યાદ આવ્યું. કેટલાક અતિ-ડાહ્યા લોકો ચંગેઝના ડી.એન.એ વિશે ચર્ચા કરી રહ્યા હતા...
“ચંગેઝની વાત જવા દો. હીટલરના જનીન તો એ જેમને અતિશય ધિક્કારતો એવા યહુદીઓના એક ખેડૂ સાથે મળતા આવે છે!”
“દોસ્ત, એમ તો યુરોપના કોકેશિયન ખ્રિસ્તિઓ બે હજાર વર્ષ પહેલા ઇસુને અનુસરતા થયા એ પહેલાં યહૂદી જ હતા. સીધી વાત છે. એમનામાંથી કેટલાક યહુદી ધર્મ પાળતા રહ્યા, અને કેટલાક ખ્રિસ્તી બન્યા. એટલે માત્ર હીટલર જ નહિં, ઘણા-ખરા યુરોપિયન ખ્રિસ્તિઓના જનીન યહુદી સાથે મળતા આવશે!!”
“તારે ના માનવું હોય તો ના માન.....તું છે જ ડફોળ...”
“હોંશિયારી બંધ કર!!”
“તૂં (ગાળ) તારી (ગાળ) જેવી વાતોમાંથીજ ઊંચો નહીં આવ.”
“એય, હોય, હોય, હૂરરરર....”
બે ઘડી હોબાળો થઇ ગયો. અલગ ચોકો રચીને ઉભેલી પારૂલ, કેતકી, ધર્મિષ્ઠા, માનસી, પ્રિતિ અને આરાધના એ તરફ જોવા લાગ્યા. વૈભવ, વૈભવી અને એની મિત્રો આ રમુજ નિહાળી મલકી રહ્યાં. રાધા પણ આ “બેટલ ઓફ થોટ્સ” જોઇ રહી. પપ્પુ અને પરેશ એમની પુખ્તતામાં જ પરોવાયેલા હતા. થોડી ધમાલ પછી ફરી બધા પોતપોતાની વાતોમાં મશગૂલ થઇ ગયાં.
પણ મેધા જાણે કોઇ બીજા જ વિશ્વની હોય એમ એકલી અટુલી ફરી રહી હતી. વચ્ચે-વચ્ચે કોઇ મળે તો હસીને વાત કરી લેતી, પણ ફરી પાછી ગેબમાં સરી જતી. થોડી વારથી એ હોલના એન્ટ્રન્સ પાસે કોઇની રાહ જોઇ રહી હતી.
“ઓય ડોબું હજી નથી આવ્યું!!!”, ચિન્મસ ચશ્મિશને અચાનક ભૂરકી ચઢી. બધા નવેસરથી ગેલમાં આવી ગયા.
“ડોબો!!! ડોબાને એનો બાપ ચરાવવા લઇ ગયો હશે!!”
“કાનથી ઝાલીને!!!”
“અરે ના.. ના... હવે તો એ મોટો થઇ ગયો.... શીંગડા ઊગી ગયા હશે...!!”
“હા... હા... હા...!!”
“ડોબો.... હી.... હી... હી....!!”, વૈભવી અને એની મિત્રો સમુહમાં હસવા લાગી.
“ડોબાસૂર!!! ચશ્મિશની ટોળકીમાંથી વળી કોઇક ટીખળ થઇ. પારૂલ, કેતકી, ધર્મિષ્ઠાનો કન્ઝર્વેટીવ ચોકો પણ ખીખીયાટા બોલાવી રહ્યો હતો.
એનું સાચું નામ તો ડોલોર બોરચિયા. પણ બુદ્ધિનો બળદ એટલે બધા એને ડોબો કહેતા. અને ડોલર ખરેખર ડોબો જ હતો. સવારે સાત વાગ્યાની શાળાનો પહેલો પિરિયડ ઊંઘવામાં જાય. વિજ્ઞાનના બિજા પિરિયડમાં સૂર્યમાળા, ગ્રહો, કાર્બન, નાઇટ્રોજન અને જળચક્રની વાત નીકળે ત્યારે એની બુધ્ધિ ચકરાવે ચડતી. બિચારો ત્રણ વર્ષ સુધી એજ વિચારતો રહ્યો’તો કે ગણિતના સાહેબ રોજ ઊઠીને એક્સનું મૂલ્ય શોધ્યા કરે છે તો મળતું કેમ નથી! એકવાર એ ઇતિહાસ-શિક્ષકની ઝપટે ચડી ગયો.
“ડોબા, ગળું ફાડી-ફાડીને હું ઇતિહાસ ભણાવું છું. તને કંઇ શીખવા જેવું લાગતું જ નથી???”
“સાહેબ, ઇતિહાસમાંથી એજ શીખવા જેવું છે કે એમાંથી કોઇ શીખ્યું નથી.” ડોલર રોફભેર બોલી ગયેલો!
એને થતું કે કો’ક દિવસ ચકલી, તો કોઇ દિવસ પોપટ, કોઇ દિવસ ઝૂંપડૂં તો કોઇ દિવસ ઝરણું... આવું બધું જબરદસ્તી દોરાવવામાં અને લાલ-પીળા કાગળના ત્રિકોણ-ચોરસ બનાવીને ગુંદરિયા હાથે ચોંટાડાવવામાં કળા-શિક્ષકને શું આનંદ આવતો હશે. એકવાર ચિત્રકામના શિક્ષકે એને દબડાવેલો,
“તારા ચિત્રમાંનો ભિખારી રડે છે કે હસે છે એજ ખબર નથી પડતી!!”
એ ત્રણ દિવસ સુધી વિચારતો રહ્યો કે પપ્પા વાત કરતા’તા એ મોના લિસા1 દોરનારા લિયોનાર્ડો ડા’ વિન્સીને એના શિક્ષકે કેટલો ખખડાવ્યો હશે!
ગુજરાતી અને હીન્દી વિષય એને ગમતા, કારણકે એમાં વાર્તાઓ આવતી. “વૈષ્ણવજન” ભજન અને કબિરના દોહા એને ખુબજ ગમતા. મુલ્લા નસરુદ્દીન2ની પણ એક વાર્તા હતી. હીન્દીમાં માલગુડી ડેઇઝ3ના સ્વામિનાથન સાથે એને ઘરોબો થઇ ગયો હતો. પણ મુશ્કેલી એ કે કોઇપણ કવિતા, ગીત, ભજન કે વાર્તા પૂરા થાય એટલે દીવેલિયું મોઢું લઇને મુળીયા સાહેબ એકનો એક ચવાઇ ગયેલો સવાલ પૂછે,
“બોલો, આ કૃતિમાં સર્જક શું કહેવા માગે છે?”
“સાહેબ, સો વરસ પહેલા દલપતાદાદાને આ કવિતામાં શું કહેવું’તું એ આપણને કઇ રીતે ખબર પડે? અને ખબર પડે તોપણ એ અત્યારે શું કામ લાગે?!!”
ડોલરના ભોળાભાવે પૂછાયેલા પ્રશ્ન પર મુળીયા સાહેબની મૂછો મૂળ-સોતી ઊભી થઇ ગઇ. બે ધબ્બા મારી એમણે ડોલરની જીજ્ઞાસા મૂળમાંથી ઉખાડી નાખી; ને પછી બાવડું ઝાલીને ઢસડતા-ઢસડતા એને આચાર્યની ઓફીસમાં લઇ ગયા હતા. પછી શું થયું એ ખબર નથી. બીજા દિવસે અચાનક જ એના પિતા આવી, એને કાન પકડીને ખેંચી ગયા હતા. ત્યારથી ડોલર દેખાયો જ નહોતો.
મેધા નામ મુજબ પહેલેથી જ હોંશિયાર. એ ભણવામાં અવ્વલ, અને ઇતર-પ્રવૃત્તિઓમાં પણ આગળ. નાનપણથી જ એ ગીત-ગઝલ અને કવિતા લખતી. નાટક અને બિજી સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી.
આ બધા પાંચમાં ધોરણમાં હતા ત્યારે એરૂ નીકળેલો. બાકી બધાં તો ક્લાસની બહાર ભાગી ગયાં, પણ વૈભવી, મેધા અને બીજી બે-ત્રણ છોકરીઓ ભાગી ના શકી. સાપ એમની અને દરવાજાની વચ્ચે હતો. શિક્ષકો મિટિંગમાં ... પટાવાળો પણ નહિં! છોકરીઓ ખુબજ ડરી ગઇ હતી. બધાં ચીસા-ચીસ કરી રહ્યાં હતાં.
ત્યાં અચાનક જ ડોલર આવ્યો અને ઘડીના છ્ટ્ઠા ભાગમાં એક હાથ વડે સાપનું મોઢું દબાવી દીધું. બીજા હાથે એને વચ્ચેથી પકડ્યો. ડરેલો સાપે એના હાથનો ભરડો લીધો. પણ જરીયે ડર્યા વગર એ એના શરીર પર હાથ ફેરવવા લાગ્યો. એકદમ ઠંડા કલેજે સાપના શરીરને પસવારતો એ ધીમા ડગલે બારી તરફ ચાલવા લાગ્યો. બારીની બહાર ગીચ ઝાડી હતી. એણે ત્યાં જઇ સાપને હળવેકથી ફેંકી દીધો....
મેધા હવે કોઇક બોઘા જેવા યુવકને બોલાવી રહી હતી. એના વાંકડીયા વાળ આડેધડ ઓળેલાં હતાં. ઇસ્ત્રી વગરના ઘૂંટણ સુધી લંબાતા ખાદીના ઝભ્ભામાં એ હારી ગયેલા નેતા જેવો લાગતો હતો. એની બોડી-લેન્ગ્વેજ પરથી એ એક્દમ ડરપોક લાગી રહ્યો હતો.
“ડોબેશ્વર મહાદેવની જય!!”
“જય ડોબા દાદા!!”
“એક થા ડોબા!!”
“ડોબાનાં માથે ઘાસ ઉગી ગયું..... જુવો... જુવો... જુવો !!!”, ઉશ્કેરણીખોરોને એક નવી પ્રવૃત્તિ મળી ગઇ. એ ડોલરને પોતાની વચ્ચે ખેંચી લાવ્યા. હવે ચિન્મયના ચિન્મયપણા કરતા ડોબાના ડોબાપણા તરફ એમને વધુ ખેંચાણ હતું. ધવલ પણ વૈભવીને ભૂલી બધાની સાથે જઇ ઉભો. બે ઘડી માટે હર્ષ, અપેક્ષા, રાધા અને કોન્ઝર્વેટીવ ચોકો.. બધા એકજૂટ થઇ ગયાં. પપ્પુ અને પરેશ પણ પુખ્તતા ગુમાવી બેઠા. કોણ ડોબાને વધુ ઉતારી પાડે એની જાણે હોડ લાગી!
“હેં ડોબા.... ઓહ.... સોરી ..... ડોલર.......”
“વાંધો નહિં. ચાલ્યા કરે!”, ડોલર ઉદારતાથી બોલી રહ્યો.
“અરે ડોબા તું કરે છે શું? કંઇ કામ-ધામ કરે છે કે નહિં?!!”
“હાસ્તો! હમણાં એક ડૂંગર.....”
“ઓહોહો.... આજકાલ ડૂંગર પર ચરવા જાય છે!!”, ડોલરની વાત અડધેથી જ કાપતાં કોઇ બોલ્યું.
“અરે ના, એક નદી....”
“હા, ને નદીમાં પાણી પીધું....", ફરી કોઇકે ટીખળ કરી.
“અરે ના... હું ઇન્ટરનેટ ઉપર....”
“ઓહ!! હવે ઇન્ટરનેટ ઉપર ઘાસ શોધે છે!!”
“અરે ના.... એમ નહિં!! મારા પપ્પા...”
“અરે વાહ...... ડોબું ઇંગ્લિશ બોલે છે!”
“અરે ભાઇ મારી વાત તો સાંભળો! જુવો, એક બાળક તરીકે આપણે એક કે બિજા સમયે અનુભવ્યું જ હશે કે શાળામાં ભણાવવામાં આવે એ આપણને ના સમજાતું હોય....”
“એ તને નહિ સમજાતું હોય!! ડોબાસૂર! અમે બધા હોંશિયાર હતા!”
“તમારે બધાને સોમાંથી નેવું માર્ક આવતા’તા?”, ડોલર થોડા ઉશ્કેરાટમાં બોલી ગયો.
“ડોબા, તને તો એકવાર સોમાંથી નવ માર્ક આવ્યા’તા!!”
“હા... હા... હા... હો... હો... હો... હૂરરરરરર!!”
“તમારા બધાની આંખોમાં અતિ-બુદ્ધિનો અંધાપો.....“
“હૂરરરર......”
“હો... હો... હો...”
“હા... હા... હા...”
અંતે ડોલર ધીરજ ગુમાવી બેઠો. એ ચૂપચાપ ભીડ ચીરતો ઉતાવળા પગે પ્રવેશદ્વાર તરફ ચાલવા લાગ્યો. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. એનો આખો ચહેરો લાલચોળ થઇ ગયો હતો. એના ધબકારા એના હ્રદય પર ધબ-ધબ કરતું માથું પછાડી રહ્યાં હતાં. જીવનમાં આટલું અપમાન ક્યારેય નહોતું થયું.
કોઇ દૈનિકમાં એના ક્લાસના આ સ્નેહ-મિલનની જાહેરાત વાંચી ત્યારથી એ ખુબ ઉત્સુક હતો. જુના લોકોને મળવાની તીવ્ર ઇચ્છા હતી. કોણ કેટલું આગળ વધ્યું હશે... બધાને મળવું હતું.... અભિનંદન આપવા હતા. થોડું પોતાના વિશે કહેવું હતું. પણ....
“ડોબા..... ઓય ડોબા..... ડોબુ........ ક્યાં જાય છે??? અરે સાંભળ!!”, કોઇએ જોરથી એનો હાથ પકડી લીધો.
“ડોલર, સાંભળ! બધા તને જે ભાવથી કહેતા હોય; હું તો તને પ્રેમથી, લાડથી, નાનપણના મિત્ર તરીકે ડો..... વ્હોટ એવર... કહેતી’તી. સ્કુલમાં હું તને આ નામથી બોલાવું ત્યારે તૂં કેટલું મીઠડું હસતો’તો!!!! એય ’ડોલર બોલર’, જો, તારે મારી મિત્રતા રાખવાની છે.”
“નહિતર??”
“નહિંતર.......... શીંગડું ઝાલીને ખેંચી જઇશ....... ડોલરિયા બોલરિયા!!” , તેના ગુલાબી ગાલ પર ચિંટિયો ભરતા એ બોલી.
ધોધમાર વરસાદ પછી મેઘધનૂષ દેખાય એમ ડોલરનો ચહેરો ફરી ખીલી ઉઠ્યો. થોડા મનામણાં થયાં. જુની વાતો તાજી થઇ. પણ કંઇ વધુ આપ-લે થાય એ પહેલાં ડોલર જવા ઊભો થઇ ગયો. એ કોઇક નજીકનાં જ ગામડામાં રહેતો હતો. રાતના મોડું થઇ ગયું હતું એટલે વધુ રોકાવું શક્ય નહોતું. સરનામા અને મોબાઇલ નંબરની અદલા-બદલી કરી બન્ને છુટા પડ્યા. વૈભવી અને થોડા બિજા લોકોને મળી એ પણ ચાલી નીકળી. પછી આખી રાત સ્વપ્નોમાં જ ગઇ. એને ડોલરનો તાજા ફૂલ જેવો ચહેરો, ઝાકળ જેવી નિખાલસતા અને તાજા જન્મેલા ગલુડીયા જેવું ડફોળપણું જ દેખાતા રહ્યા. પણ ત્રીજા પ્રહર આસપાસ શી ખબર ક્યાંથી, શિક્ષકોના બરાડા, મુળિયા સાહેબના ધબ્બા અને આગલા દિવસે ડોલરનો બોલાવાયેલો હુરિયો એની સ્વપ્ન-નગરીને ઘમરોળવા લાગ્યાં.
એ ઝબકીને જાગી ગઇ. એનાં ધબકારા વધી ગયાં હતાં. હ્રદય આખા શરીરમાં દુખ અને ગુસ્સાની કોઇ મિશ્ર લાગણી ધકેલી રહ્યું હતું. બાજુમાં જ રાખેલી માટલીના ઠરેલા પાણીથી એણે હ્રદય-મનને શાંત કરવા પ્રયાસ કર્યો.
“આમ ના ચાલે. કંઇક કરવું પડશે.”,
બારીમાંથી પૂનમનો ચંદ્ર ડોકિયું કરી રહ્યો હતો. ડોલરના ભૂતકાળ કરતા આજે થયેલાં એના મશ્કરી અને હુરિયોથી એ ખુબજ વ્યથિત હતી. દરવાજો ખોલી એ બગીચામાં આવી. ડોલરની હળવી સુગંધ માણવા એ પ્રયત્ન કરી રહી. અચાનક એના વાળ પર એક ઝડપી થપાટ લાગી.
“વ્હૂક.... વ્હૂક.... વ્હૂક.... વ્હૂક....”, પૂરા દોઢ ફૂટનું એક ઘૂવડ એની સામે તાકી રહ્યું હતું.
“કેમ ડોબુરામ!! અહીં શહેરમાં શું ડાટ્યું છે? જાવ, તમારું અપશુકનિયાળ મોઢું લઇને જંગલમાં ઉડી જાવ.”
ગયા વર્ષે કોઇ ઢોંગી તાંત્રીકને પકડ્યો ત્યારે આ ઘૂવડને એણે બચાવ્યું હતું. તાંત્રીકે શી ખબર કેટલા સમયથી એને ભૂખ્યું રાખ્યું’તું. મેધાએ થોડો સમય એની સારવાર કરી. પણ એને આઝાદ કરવા જંગલમાં લઇ ગઇ તો એ ઉડી-ઉડીને એની પાસેજ આવતું હતું. છેવટે એ એને લઇ પરત ફરી.
ઘૂવડની એકદમ નજીક જઇ એ બેસી ગઇ.
“ગંધારા, આમ આખી રાત ગંધારું-ગંધારું શીદ ખાતો હોઇશ? હેં! નાસ્તિક! મારી જેમ શાકાહારી થઇ જા!!”.
“હા, પણ તૂં નહિં સુધરે. કાં તો તને મારી વાત સમજાશે નહિં. ને સમજાશે તો તૂં મારી વાત માનીશ નહિં. ચલ ઉપડ ઉંદરખાઉ! મારે કાલથી એક બિજા ઘૂવડને સુધારવો પડશે!”, એક નવો વિચાર એના મનમાં આકાર લઇ રહ્યો હતો.....
હળવા ઝાટકા સાથે બસ ઊભી રહી. એણે નીકળતા પહેલાં ડોલરને ફોન પર જણાવી દીધેલું. એ લેવા આવ્યો હતો.
“મેધા, ઘરે જ જવું છે કે થોડું ફરવાનો વિચાર ખરો? અહીં એક ડોબું જંગલ છે. એ જોવા જઇએ?”
“ડોબું જંગલ?? ડોલર, આ જંગલ તારા બાપાએ તારા ચરવા માટે તો નથી બનાવ્યુંને!”, બન્ને હસી પડ્યાં.
ડોલરે કીક મારી એક સીંગલ-પટ્ટીના (એક સાથે એકજ મોટું વાહન જઇ શકે એટલા સાંકડા) પાકા રસ્તા તરફ બાઇક વાળ્યું. એ પાછળ બેઠેલી મેધાને ઘણું બધું કહી રહ્યો હતો. મેધા પણ ડોલરને ઘણું કહેવા માગતી હતી, કહી રહી હતી. પણ ભારે પવનના કારણે બેમાંથી એકેયને કંઇ સંભળાતું નહોતું. પાકી સડક પરથી એક ધૂળીયા રસ્તા પર એણે બાઇક ઉતારી. અહીં બન્ને તરફ બહુ જુના નહિં, ને સાવ છોકરડા જેવા પણ નહિં, એવા પાંચ-છ વર્ષ જુના અનેક વૃક્ષોની હાર હતી. વનરાજીની ગીચતા વધતી ગઇ. કેડી પર થઇને એક આબડ-ખુબડ જગ્યાએ એણે બાઇક ઊભી રાખી.
“અહિંથી થોડે દૂર એક નદી છે, વહેતી નથી, પણ ભારે વરસાદ વખતે....”, કોઇ પૂર્વ-ભૂમિકા વગર એ ઉબડ-ખાબડ જમીન પર ચાલવા લાગ્યો.
“આ જંગલને ડોબું જંગલ કેમ કહે છે?”, મેધા પણ કુતુહલથી એની પાછળ ચાલવા લાગી.
“હા, ભારે વરસાદ વખતે અહીં પૂર આવે. પાણી ગામમાં ઘૂસી જાય.”
“તારા ઘરમાં પણ?”
“ઘૂસી આવતું’તું. હવે નથી આવતું. એક સમયે નદી એનું વહેણ બદલ્યા કરતી હતી. દર વર્ષે એ ગામ તરફ સો મીટર ફંટાતી.”, નેટ-જીઓ ચેનલના એન્કરની છટાથી એ બોલી રહ્યો હતો.
“છેલ્લા ત્રણ દાયકામાં એ ફંટાતી-ફંટાતી ત્રણ કીલોમિટર ગામ તરફ આવી ગઇ હતી. એક સમયે આખું ગામ બીજે ફેરવવું પડે એમ હતું.”
“ઓહ માય ગોડ! પછી?”
એક ઉદાર સ્મિત આપી ડોલર ચાલતો રહ્યો.
“એ ત્યાં પેલો ડુંગર!!!”
“હા એજ ડુંગર. મેધા, એ ડુંગર પહેલા બોડો ડુંગર કહેવાતો હતો.”
“એટલે? હવે શું કહેવાય છે?”, મેધાને જાણે વિસ્મય-પ્રવાસ પર નીકળી હોય એમ લાગી રહ્યું હતું. “ડોઓ...લર, કહેને! આ જંગલને ડોબું જંગલ કેમ કહેવાય છે?”
“કીપ કુલ! ભાઇ, જો તને સમજાવું... ”, એક સુકી નદીના કોરા પટ પર આવી એ ઊભો રહ્યો. ત્યાંથી નદી ધીમો ઢોળાવ લઇને ઊંડી થતી હતી.
“સામા કાંઠે પેલો બોડો ડુંગર. વરસાદ પડે ત્યારે એની માટી ધોવાય અને નદીમાં આવે. અને જો, નદી આપણે ઊભા છીએ એજ જગ્યાએ પેલી તરફ વળાંક લે છે. પરિણામે સામો કાંઠો છીછરો થતો ગયો, અને એના કારણે આ તરફના કિનારો પાણીના વહેણથી તૂટતો ગયો.”
“વોવ! ધેટ્સ રીઅલી ઇન્ટેલિજન્ટ! પણ ડોલર, તને આ બધી કઇ રીતે ખબર પડી?”, એક બિજું વિસ્મય!
“અને હવે કેમ નદીએ વહેણ બદલવાનું બંધ કર્યું?”, મેધા પ્રશ્નો પર પ્રશ્નો પૂછી રહી હતી.
ડોલરે સ્કુલ છોડ્યા પછી એ લોકો આ નાના ગામડામાં રહેવા આવી ગયા હતા. પરિણામે એ સૃષ્ટિનાં ખોળે મોટો થયો, અને એની ભાષા સમજતો થયો. ગામના વિસ્થાપનની વાતે જોર પકડ્યું ત્યારે એણે પૂછેલું,
“હેં ડેડી, આ નદી આમ મનફાવે તેમ કેમ વહેતી હશે?”
અને એના પિતાએ થોડા દિવસનો સમય માગી શહેરમાં જઇ ભૂસ્તરશાસ્ત્ર અને જળશાસ્ત્રનાં પુસ્તકો ફેંદ્યા. ડોલરના પ્રશ્નનો પૂરેપૂરો જવાબ મળી ગયા પછી એક દિવસ એ આમ જ ડોલરને અહીં ફરવા લઇ આવેલા, અને નદીના પટ પર આખો દિવસ રઝળપાટ કરાવી એના પ્રશ્નનો જવાબ મેળવવામાં મદદ કરી હતી. ગામને બચાવવા અને નદીને ફંટાતી રોકવા માટે જંગલ વિકસાવવાનો પ્રસ્તાવ ડોલર અને એના પિતાનો જ હતો. સરકાર પાસેથી મંજૂરી લઇ ગામલોકોની મદદથી એણે આ જંગલ વિકસાવેલું. ત્યાંના વાતાવરણને અનુરૂપ અને કિનારાની માટી જકડી રાખે એવા વૃક્ષોની પસંદગી માટે એણે વનસ્પતિ-શાસ્ત્રનાં કેટલાંય પુસ્તકો ફાડી કાઢ્યાં હતાં.
“બોડા ડૂંગરની માટી ધસી જતી રોકવા એની પર પણ વનીકરણ કર્યું.”
“પણ ડોલર... આ જંગલનું નામ....”
“ડોલર બોરચિયા પરથી આ જંગલનું નામ ડોબો જંગલ રાખ્યું’તું. પણ બોલવાની સુગમતા માટે હવે આને ડોબું જંગલ કહે છે!”
“અરે વાહ, ડોલર! તારા નામે તો આખું જંગલ છે!”, અભણ ડોલરની અક્કલ પર મેધા ઓવારી ગઇ.
“આખી જીંદગી ચરતો રહું તોપણ ના ખુટે!!!”
“ડોલર, જીંદગી કાઢવા માટે માત્ર આવી પ્રવૃત્તિઓ ના ચાલે. કંઇ કમાવું પણ પડે!”, એ મૂળ વાત પર આવવા પ્રયત્ન કરી રહી.
“હું કમાઉ છું ને! ઢગલાબંધ આશિર્વાદ અને....”
“ડોલર એ અલગ વાત છે. પણ... જો. સમજ... આખી જીંદગી તારા પપ્પા તો તને ના જ ખવડાવી શકે ને!”
“હા, પણ એમના હાથ-પગ ચાલે છે ત્યાર સુધી ભલેને રાંધતા! એમને પણ ગમે છે! એ થાકી જશે એટલે રસોયણ રાખી લઇશું!”
“હે ભગવાન! હું એમ કહું છું કે તારા પપ્પા નહિં હોય ત્યારે તને કોણ જમાડશે?”
“કોણ જમાડશે એટલે? હું જાતે જ જમું છું!”
“અરે ડફોળ ઘરમાં અનાજ ભરવા, લોટ દળાવવા, શાક ખરીદવા પૈસા જોઇએ કે નહિં...ડોબા!! તારા જંગલમાં પૈસા ઉગે છે? તારા નદી, ડૂંગર, જંગલ આ બધાથી પેટ ભરાશે??!!!”, મેધા પિત્તો ગુમાવી બેઠી.
“ડોલર! સમજ! તારા માટે લાગણી છે એટલે કહું છું. અહિં ગામડામાં રહીને તૂં શું કરીશ?”
“છોકરાવ ભણાવીશ!!”
“ઓકે. તારે શિક્ષક બનવું છે. તો એના માટે તારે પી.ટી.સી. કરવું પડે. કે બી.એડ. કરવું પડે. તેં આમાંથી કંઈ કર્યું છે?”
“ના, પણ મારી પાસે....”
“અરે શિક્ષક તરીકેની નોકરી માટે આ ફરજિયાત છે! અને ત્રીસ વર્ષની ઉંમરે તને નોકરીમાં કોણ રાખશે? તું જ કહે, તારી પાસે ભણવા કોણ આવે?”
“અરે જો આપણે આ ડૂંગર પાસે આવી ગયા........!!”
“હવે કહી દે કે આ ડૂંગરનું નામ પણ ડોબો ડૂંગર છે!”, મેધા ગુસ્સામાં બરાડી ઉઠી.
“અરે હા! તને કઇ રીતે ખબર કે આ ડૂંગરનું નામ ડોક્ટર બોરચિયા ડૂંગર છે?”
“ડોક્ટર બોરચિયા? એ વળી કોણ? તારા બાપા?”
“અરે હું. હુંજ ડોક્ટર બોરચિયા. હું સાઇકિયાટ્રીનો ડોક્ટર છું! અને શોખના વિષય તરીકે મેં બાળ-મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે!”
“હેં?!!!”
“હા, અને હું મારી વેબસાઇટ વડે બાળકોને અઘરા લાગતા વિષયો વૈજ્ઞાનિક ઢબથી ભણાવું છું. આ વ્યવસાયમાં આશિર્વાદ પણ મળે છે અને જબરદસ્ત વળતર પણ!”
“ઓહ! હું તો સમજી કે તૂં... ડોલર, હું તો સમજતી હતી કે સ્કુલ છોડી ત્યારથી....”
“મેધા,” અવાજમાં આખું જંગલ ભરીને ડોલર બોલી ઊઠ્યો, “મારા બાપાએ શાળા-જીવન છોડાવ્યું’તું, શિક્ષણ નહિં!”
** સમાપ્ત **
મહાન ચિત્રકાર લિયોનાર્ડો ડા’વિન્સીના આ પ્રખ્યાત ચિત્ર “મોના લિસા”ની ખાસિયત એ છે કે એમાં અનેક ભાવ એકસાથે ઉપસી આવે છે.
2 મુલ્લા નસિરુદ્દિન એ બિરબલ અને તેનાલી રામાને સમકક્ષ સુફી અરબી પાત્ર છે.
3 માલગુડી ડેઇઝ એ સ્વામિનાથન નામના બાળકના માલગુડી નામના ગામમાં ગાળેલા ખાટા-મીઠા દિવસો વિશેનો પ્રસિદ્ધ વાર્તા-સંગ્રહ છે, જેના પરથી “માલગુડી ડેઇઝ” નામની ટી.વી. શ્રેણી પણ બની છે.