Aantarstrav Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aantarstrav

આંતરસ્ત્રાવો

ઋષીકુમાર અરીસામાં દેખાતો ચહેરો જોઇ રહ્યા હતા. એક કે બે વર્ષ પછી આ કાબરચિતરા અડાબીડને સાફ કર્યું હતું. કહો કે આજે જ એનો સમય મળ્યો હતો. દાઢી કર્યા પછી એમની ઉંમર ઘણી ઓછી લાગી રહી હતી. વર્ષોથી એ.સી.ની ઠંડકમાં રહેલા ગાલ નાના બાળક જેવાંજ ગુલાબી હતા. મહીનાઓ પછી માપસર થયેલાં, તેલ નાખીને ચપોચપ ઓળેલા વાળમાં એ બાલમંદિરમાં પહેલે દિવસે જઇ રહેલા બાળમુકુંદ જેવા લાગતા હતા. અનાયાસેજ એમના હોઠ વચ્ચે એક નાનું સ્મિત રમવા લાગ્યું, અને એ પૂર્ણ હાસ્યમાં ખીલે એ પહેલાં તો એમને બાળકનો ખીલખીલાટ પણ સંભળાવા લાગ્યો.

"શું ખરેખર હું બાળક બની ગયો છું?!"

બે ઘડી આશ્ચર્યચકિત થઇ ગયેલા ઋષિકુમારને યાદ આવ્યું કે થોડાં દિવસ પહેલાં એક વિદેશી મિત્રએ મોકલાવેલી ડોરબેલનો આ અવાજ છે. આજે ડીસ્કવરી ચેનલમાંથી ઇન્ટરવ્યુ લેવા આવવાના હતા. વાત ખરેખર આંતરરાષ્ટ્રિય સ્તરની હતી. એમના ચહેરા પર રાજીપો છવાઇ ગયો. રાજી થવાનું એક બીજું પણ કારણ હતું. તે ઉતાવળા પગે બારણા તરફ ચાલવા લાગ્યા.

એક ઉષ્માવિહિન, ભાવવિહિન, જાતિવિહિન બોય-કટ વાળવાળો ચહેરો એમની સામે ઉભો હતો. પાતળી હડપચી અને લાંબી ડોક નીચે રહેલા દેહલાલિત્ય પરથી એ સમજી ગયા કે આ મિસ ચિત્રા છે. ચિત્રાની પાછળ ક્રુ મેમ્બર્સ, કેમેરા, રીફ્લેક્ટીવ સ્ક્રીન વગેરે જેવા સાધનો, અને એ બધાને ઘેરીને ઉભેલી ટાઉનશીપના બાળકોની વિસ્મયભરેલી ફોજ. કેટલાક બાળકો આ અવનવા ઉપકરણોનો સ્પર્શ કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. એક નાની બાળકી ચિત્રાની કમર પરથી લટકી રહેલા બેલ્ટના છેડા સાથે રમી રહી હતી.

"હું ચિત્રા, ડીસ્કવરી ચેનલમાંથી. કેમ છો સર?"

ટીમને બેઠકખંડ તરફ દોરી જઇ એમણે આરામદાયક એર્ગોનોમિક સોફાસેટ પર બેસાડી. બાળકોનું લશ્કર પણ પાછળ-પાછળ આવ્યું. ઋષિકુમારનો બેઠકખંડ બાળકોની કિકિયારી અને તોફાનથી ગાજી ઉઠ્યો. સોફા પર બેઠેલી ચિત્રાની ટીમ હવે બાળકોની ઝપટે ચડી ગઇ. બે-ત્રણ બાળકો ફાંદાળા કેમેરામેનના પેટ પર ચડી ગયા. કોઇકે હીપ્પી-કટ જોનીના લાંબા વાળની બાજુમાં બેઠેલી લીઝાના વાળ સાથે ગાંઠ વાળી દીધી. ચિત્રાના બેલ્ટ સાથે રમી રહેલી બાળકી હવે તેના બોયકટ વાળની પોની બનાવી રહી હતી.

"સર, શેલ વી સ્ટાર્ટ?", આ બધી જ ધમાચકડીથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરતી ચીત્રાએ યાંત્રિક પ્રશ્ન કર્યો.

"હા હા, ચોક્કસ. કેમ નહીં!"

"સર, આ બાળકો જો આ રીતેજ તોફાન કરતાં રહેશે તો ખલેલ પડ્યા કરશે એમ નથી લાગી રહ્યું?", એ મૂળ વાત પર આવતાં બોલી,

"ઓહ, માફ કરશો. હું એ વાત તો ભૂલી જ ગયો." ઋષિકુમાર માથું ખંજવાળતા બોલ્યા, " અરે બચ્ચાઓ, હવે તોફાન બંધ."

ટીમના આશ્ચર્ય વચ્ચે બધાંજ બાળકો ચુપચાપ એક તરફ ભેગા થઇને ઉભા રહી ગયા. પેલી બાળકી ચિત્રાની પોની અડધી મુકીને બધાની સાથે જઇ ઉભી. કેમેરામેનના પેટ પર ચડેલા બાળકો એના ચિમ્પાન્ઝી જેવા ચહેરાને બચી ભરીને ડાહ્ય-ડમરા થઇ બધાની સાથે ભળી ગયા. જો અને લીઝા હજુ પણ એમના વાળની ગાંઠ છોડવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.

"મિસ ચિત્રા, તમે જોઇ શકો છો કે બે ઘડી પહેલાં તોફાને ચડેલાં આ બાળકો મારા એક વખત કહેવાથી જ શાંત અને શિસ્તબદ્ધ થઇ ગયા. શું એ મારાથી ડરી ગયા?"

"ના, તે મારાથી ડરતાં નથી. તે માન આપે છે મને. રિસ્પેક્ટ કેન બી વોન, નોટ ડીમાન્ડેડ. “

“અમારી ટાઉનશીપના આ સૌથી તોફાની બાળકો છે. મેં ત્રણ વર્ષની જહેમત પછી આ બાળકોના હ્રદયમાં મારું સ્થાન બનાવ્યું છે. એમને ડરાવો તો એ ડર એ હદે ઘર કરી જાય કે એમને આગળ જતા પણ નડે. આવા બાળકોમાં ઘણી વખત આત્મવિશ્વાસની કમી જોવા મળે છે. એમને નાના-મોટા પ્રલોભન વડે પણ જીતી શકાતા નથી. તમે એક વસ્તુ આપશો, અને થોડો સમય એ એમને જકડી રાખશે. પણ સૃષ્ટિએ હજારો લાખો વર્ષ પહેલાં રખડું જીવન જીવતા આપણા પૂર્વજોમાં ગોઠવેલી અને ઉત્ક્રાંતિ છતાં અકબંધ રહેલી સર્કીટ મુજબ આ બાળકોને વળી કંઇક નવું જોઇશે. તમે થોડા સમય પહેલા આપેલી વસ્તુ હવે સાવ નકામી થઇ જશે."

મોંસૂંઝણું હોય અને પછી સૂર્યનો પ્રકાશ ફેલાવા લાગે એમ ઋષિકુમાર ઉઘડી રહ્યાં હતાં. ચિત્રા યાંત્રિક પ્રતિભાવો આપી રહી હતી. સ્ક્રીપ્ટેડ સવાલોની વચ્ચે-વચ્ચે એ અનસ્ક્રીપ્ટેડ સવાલો અને પેટા-સવાલો પૂછી રહી હતી. ચિમ્પાન્ઝી એના કેમેરામાં ઋષિકુમારના ઇન્દ્રધનુષી હાવભાવ કંડારી રહ્યો હતો. આખી ટીમ શૂટીંગમાં તન્મય હતી. ચિત્રાની કુત્રિમ જીજ્ઞાસા, કુત્રિમ આશ્ચર્ય, કુત્રિમ રાજીપો... બધું જોવામાં એમને જબરો રસ પડી રહ્યો હતો. ઋષિકુમારના સ્મ્રુતિપટ પરથી છેલ્લા બે-ત્રણ વર્ષ ડોક્યુમેન્ટરી ફીલ્મની જેમ પસાર થઇ રહ્યાં હતાં. દોઢ કલાકમાં એમણે અનેક દાવા-દલિલો અને ઐતિહાસિક, પૌરાણીક અને વૈજ્ઞાનિક પુરાવાઓની રોચક વાતો કરી. એમણે એ પણ જણાવ્યું કે આ થીયરીનો ક્રિમિનલ સાઇકોલોજી, માસ સાયકોલોજી, મેરીટલ કાઉન્સેલીંગ વગેરે જેવી અનેક વિદ્યાશાખાઓમાં ઉપયોગ થઇ શકે એમ છે.

"બાળકોમાં વધી રહેલી જાતિયતા વિશે આપનું શું માનવું છે?" વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવામાં ચિત્રાની મુસ્તાકી હતી.

"માણસ બાળક તરીકે જન્મે, ભાખોડિયાં ભરતો થાય, પ્રથમ વાર ડગ ભરી ચાલતા શીખે, કોઇક સીધું દોડતા શીખે, આ જ રીતે બાળપણ, તરુણાવસ્થા, યુવાની, વ્રુદ્ધાવસ્થા અને મ્રુત્યુ... આ બધાંજ આપણા જીવનના મહત્વના અને આવશ્યક મુકામ છે. આમાંથી એકેયને તમે નકારી ના જ શકો. તમારે એમનો સ્વીકાર કરવાનો હોય છે. આ રીતે હું સૃષ્ટિએ માનવની અંદર મુકેલા આવેગોને પણ સ્વીકારું છું. એક રસપ્રદ વાત કહું; આપણે આફ્રીકન કે કોઇપણ એબોરીજીનલ્સ એટલે કે આદિવાસી પ્રજામાં જોઇએ તો લગ્ન અથવા શરીર-સંબંધ બાંધવા માટે આખલાને હરાવવાની, સિંહનો શિકાર કરવાની, સળગતાં કોલસા પર ચાલવાની, કે એવી કોઇપણ દુર્જેય કસોટી મુકવામાં આવે છે. આ પરિક્ષા પસાર કરનાર પુરુષ જ સ્ત્રિનો દાવેદાર બની શકે છે. સુસંસ્ક્રુત પ્રજા વિશે પણ હું એજ કહીશ કે જ્યાં સુધી શારીરીક, માનસીક અને વૈચારીક પુખ્તતા ના આવે ત્યાં સુધી આ નિવારવું જોઇએ. જો બાળકોને વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થઇ શકે."

ચિત્રાને જાણે એક નીસરણી મળી ગઇ. "અનેક પશ્ચાત્ય દેશો આ બાબતે ઘણાં ઉદાર છે. ત્યાં મુખ્ય-પ્રવાહને સમાંતર પુખ્ત મનોરંજનનો એક અલગ ઉદ્યોગ છે. ત્યાંના બાળકો તથા યુવાનોને વધુ છૂટ આપવામાં આવે છે જેને કારણે ત્યાંના નાગરીક સંતૃપ્ત જીવન જીવી શકે છે. જ્યારે આપણા દેશમાં લગ્ન માટે પુરુષની એકવીસ વર્ષ અને સ્ત્રીઓની અઢાર વર્ષની ઉંમર ફરજીયાત છે. વળી લીવ-ઈન વગેરેને ..."

"માફ કરશો ચિત્રા. વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે સૌથી જાણીતા દેશના કારાગ્રુહો સૌથી વધુ કેદી ધરાવે છે. ધે હેવ ધેઇર ઔન સેટ ઓફ પ્રોબ્લેમ્સ. મુશ્કેલી ત્યાં ઉભી થાય છે કે આપણાં યુવાનો શારીરીક રીતે તો પુખ્ત અને ઉત્પત્તિ માટે સક્ષમ થઇ જાય છે, પણ બાળ-ઉછેર અને બીજી કેટલીક બાબતો વિશે એ લોકો વૈચારીક અને સંવેદનાત્મક પુખ્તતા ધરાવતા નથી હોતા. પરિણામે ડાયવોર્સના કિસ્સા અનેકગણાં વધી જાય છે. વળી વડીલોએ શોધેલા નહિં, પણ પ્રિયપાત્ર સાથે થયેલા લગ્નનો વિચ્છેદ વધુ પીડા આપે છે."

ચિત્રા મનોમન વિચારી રહી કે આ માત્ર સંશોધનનો ભાગ હશે કે ભૂતકાળમાંથી શીખેલા પાઠ! ફક્ત સંશોધનથી અને ચિંતનથી તો આટલી વિદ્વતા ના જ આવે. જરૂર કોઇ ફ્લેશબેક એમનો પીછો નથી છોડતું!

"...વિજ્ઞાન કહે છે કે આવેગો રોકવા શક્ય નથી. પણ આ વિશે પૌરાણીક હીન્દુ લીટરેચર વાંચો તો ખ્યાલ આવશે કે ખોરાક અને દિનચર્યામાં ફેરફાર કરવાથી તમે તમારા આંતરસ્ત્રાવો અને પરિણામે તમારા શરીરપ્રેરિત વિચારોમાં ફેરફાર લાવી શકો છો. મારી બાળ-ઉછેરની થીયરીમાં પણ આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા છે.”

"ઓહ, તો આપનું કહેવું છે કે આ બધું આપણા આંતરસ્ત્રાવો પર આધારીત છે. એમજ ને?"

એના વાળ પાછળ પડેલી પેલી બાળકી ઋષિકુમારના ખોળામાં આવીને બેસી ગઇ. એ એના કાનમાં કશુંક ગણગણ્યા અને એ બીજા થોડા બાળકોને લઇને રસોડા તરફ ચાલવા લાગી.

"સાવ એમ પણ નહિં. માણસ જેવા અક્કલમંદ પ્રાણીની મુશ્કેલી એ છે કે અન્ય પશુઓમાં રહેલા એનીમલ ઇન્સ્ટીન્ક્ટ ઉપરાંત આપણું એક જુદુંજ વિચારવિશ્વ, ભાવવિશ્વ અને સંવેદનતંત્ર હોય છે. આપ પ્રથમ દ્રષ્ટિનાં પ્રેમમાં માનો છો?"

ચિત્રા ભાવહીન ચહેરે ઋષિકુમાર સામે જોઇ રહી. ક્ષણાર્ધ માટે નજરથી નજર મળી. જાણે બન્ને એકબિજાને તાગવાનો પ્રયત્ન કરી રહ્યા. વાતાવરણની સંવાદિતા થીજી ગઇ. કંઇક કાચું કપાયું હોય એમ ઋષિકુમાર છોભીલા પડી ગયા. ગળું ખંખેરીને એમણે આગળ ચલાવ્યું,

"કેટલાક લોકો પ્રથમ દ્રષ્ટિના પ્રેમને બહુ મહત્વ આપે છે. કદાચ એ ના હોત તો ભારતીય ફીલ્મ ઉદ્યોગ વિકસી ના શકત. હે હે...જ્યારે કેટલાક લોકો આને માત્ર આકર્ષણ ગણે છે. બટ અગેઇન, ઇટ્સ ઓલ અ ગેઇમ ઓફ હોર્મોન્સ."

ઓફીસવેરમાં ઢંકાયેલી ચિત્રાના હ્રદયમાં કોઇ વિચિત્ર ગુંગળામણ શરુ થઇ હતી. કટાણે એને પ્રેમલગ્ન અને વિચ્છેદની યાદો પજવવા લાગી. એના ધબકારા વધી રહ્યા હતાં. મગજના મલ્ટીપ્લેક્સમાં શમ્મી કપુર અને દિલિપકુમારની ફીલ્મો જાણે એકજ પડદે શરૂ થઇ ગઇ. માથું ફાટફાટ થઇ રહ્યું હતું. એક નવા મુદ્દા તરફ એ આગળ વધી.

"આપણા શહેરમાં અનેક ચડિયાતી સ્કુલ્સ છે. તો આપના આ પ્રયોગની શરૂઆત એક ઓછી જાણીતી મધ્યમવર્ગીય શાળાથી કરવાનું કોઇ ખાસ કારણ?"

"મારૂં બાળક ત્યાં ભણે છે.", ફરીવાર એમના ચહેરા પર રાજીપો છવાઇ ગયો. ચિત્રાના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ ફુટી રહી હતી. એ સુ:ખદ હતું કે દુ:ખદ તે સમજવાની એની સ્થિતિ નહોતી રહી.

"એક પ્રકરણમાં આપ કહો છો કે શક્ય હોય તો બાળકોને ઘરમાંજ ભણાવવાં જોઇએ."

"હા, પણ એ તો એક યુટોપિયન, એક આદર્શ પરિસ્થિતિ છે. ઘણાખરાં કુટુંબોમાં આ શક્ય ના હોય એ પણ એક સત્ય છે. મારા કિસ્સામાં થોડા વ્યક્તિગત કારણો જવાબદાર છે. મારૂં બાળક મારી પત્નિ સાથે, અ... માફ કરશો, મારૂં બાળક મારી સાથે નથી રહેતું. એની કસ્ટડી મેળવવા માટે મેં કોર્ટમાં અરજી કરી છે. આ માટે મારે સાબિત કરવું પડે કે હું એની માતા કરતા વધુ સારી કાળજી લેવા સક્ષમ છું, અને મારી સાથે રહીને એની આગળ વધવાની શક્યતા વધુ રહેશે."

"આપની આ મહાન પ્રાપ્તિ બાદ તો આમ સાબિત કરવુ ખુબજ સહેલું થઇ જશે. અભિનંદન.", ચિત્રાનો ઉચાટ વધી રહ્યો હતો. ડાયવોર્સ પછી એણે ક્યારેય એની સ્પર્શેન્દ્રીયને ખુલ્લી હવા નહોતી લાગવા દીધી. એ હંમેશા એને મેક-અપની અંદર કેદ રાખી મુકતી. આજે પણ એ નક્કી કરીને આવી હતી કે એ લાગણી અને પ્રોફેશનલ લાઇફને એકબિજા સાથે ડહોળશે નહીં.

"એ અરજી હું પાછી ખેંચવા વિચારી રહ્યો છું. મારો થોડોઘણો લાભ તો એની સ્કુલ દ્વારા એને મળીજ રહ્યો છે. મારૂં સંશોધનપત્ર પુસ્તકરૂપે આવે એટલે એક શુભેચ્છા-પ્રતિ હું એને પણ મોકલાવીશ. જે રીતે લગ્નવિચ્છેદ પછી પણ હું મારી પૂર્વપત્નિને ખુબજ માન આપું છું, એમ એ પણ મને આપતી જ હશે. અને મારી થીયરીને મળેલી આ માન્યતા પછી એ પણ આ પુસ્તક વાંચશે જ!"

ચિત્રા મુલાકાત આટોપવા જઇ રહી હતી ત્યાંજ રસોડામાં ગયેલા બાળકો ફ્રુટ-જ્યુસ લઇને બહાર આવ્યા.

"આ મારા કીચન-ગાર્ડનમાં ઉગાડેલા ફળોનો રસ છે. આ બાળકોએ તૈયાર કર્યો."

"ઓહ! આમને તો ઘણું બધું આવડે છે!", ચિત્રા મનોમન ખુશ થઇ કે ઋષિકુમારની થીયરી વડે આ બાળકો આટલું બધું શીખ્યા છે. એ વિચારી રહી કે જો રોહિત પણ ઋષિકુમાર સાથે રહેતો હોત તો કેટલું સારું હતું!

"જેટલી જરૂરી એકેડેમિક સ્ટડીઝ, એટલું જ જરૂરી આ બધું! મારા ડાઇવોર્સ પછી હું સમજી શક્યો કે ઘર સાચવવું એ પણ બહુ અઘરું કામ છે. એની હાઉ, મેં એ પણ શીખી લીધું. અઘરું તો પડે, પણ કાકડી સમારતા શીખી ગયો છું!", અને એ હસી પડ્યા.

અચાનક જ ચિત્રાને એકદમ હળવુંફૂલ લાગવા માંડ્યું. હ્રદયનો ઉચાટ ઓટના દરિયાની જેમ શમી ગયો. ઝંઝાવાત પછી થાકેલી ધરતીની જેમ એ શાંત પણ ઊંડા શ્વાસ લઇ રહી હતી. બે ઘડી એ સ્થળભાન ભૂલી ગઇ. એને લાગ્યુ જાણે એ પોતાના જ ઘરમાં છે. કદાચ ઋષિકુમારના સહજ વ્યક્તિત્વ અને શરીર-રચનાને અનુરૂપ એર્ગોનોમીક સોફા-સેટની જ આ કમાલ હશે! ફ્રુટ-જ્યુસ પીવા જતા થોડો મોટો ઘૂંટડો ભરાઇ ગયો. એની પાતળી મોંફાડના બન્ને ખુણામાંથી જ્યુસ ટપકી રહ્યો. ખીસ્સામાંથી ટીશ્યુ કાઢીને એ હાંફળી-ફાંફળી મોઢું લુછવા લાગી. આમ કરતાં એને ખ્યાલ ના રહ્યો કે સાથે-સાથે એનો મેક-અપ પણ લુછાઇ રહ્યો છે. ઋષિકુમાર એના હોઠને તાકી રહ્યા ...

ચિત્રા આજે ખુબજ ખુશ હતી. ઘણી રસપ્રદ વાતો જાણવા મળી એતો ખરું જ, પણ ઋષિકુમાર સાથે વાતો કરવાની એને ખુબ મજા આવી’તી. ઘણું જાણવા મળ્યું હતું. કેટલીક ગેરસમજ પણ દૂર થઇ હતી. સમયમર્યાદા જાળવવી જરૂરી હોવાથી એનું યુનિટ પેક-અપ કરવા લાગ્યું. ઋષિકુમાર કદાચ અંદરના રૂમમાં ફ્રેશ થવા ગયાં હતાં. ચિત્રા રાહ જોતી ત્યાંજ ઉભી રહી. પહેલી નજરે તોફાની બારકસ લાગેલાં આ બાળકો હવે તેને વહાલાં લાગી રહ્યાં હતાં. આજકાલ રોહિતના વર્તનમાં પણ ઘણો સુધારો હતો. એની વધી રહેલી ગ્રહણશક્તિનું કારણ હવે તેને સમજાઇ રહ્યું હતું. થોડા સમયથી એ ટી.વી. પર નકામા પ્રોગ્રામ્સ જોવાના બદલે જ્ઞાનવર્ધક કાર્યક્રમો જોતો હતો. મોડે સુધી ફીલ્મ્સ જોવાના બદલે એ જલ્દી ઊંઘી, સવારે વહેલો ઊઠીને દોડવા જતો. આમ છતાં રોહિતને જરાપણ થાક નહોતો લાગતો. એ સ્કુલેથી આવીને ઘરમાં ચિત્રાને મદદ કરતો. છેલ્લી થોડી પરિક્ષાઓનાં પરિણામ પણ સારા આવ્યા હતા. એનાં હાઇટ-બોડી સુધર્યાં હતાં. ટીમ તૈયાર થઇ ગઇ પણ ઋષિકુમારનો પત્તો નહોતો. અંતે એમને મળ્યા વગરજ નીકળી જવા એણે પીઠ ફેરવી.

“સુચિત્રા... અ... ચિત્રા”, ઋષિકુમાર એક ગુલાબી ગુલાબ લઇ આવ્યા હતા. ઉતાવળે ફૂલ ચૂંટતા એમના હાથમાં કાંટા વાગ્યા હ્તા અને થોડું લોહી નીકળીને સુકાવાની તૈયારીમાં હતું, “ચિત્રા, એક બીજું સંશોધન શરૂ કરવા વિચારી રહ્યો છું. સ્ત્રી વિશે.”

“સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટીંગ. શું છે એમાં?”

“સ્ત્રીની આંખોનું અધ્યયન ... અને...”

“સ્ટોપ ઇટ.”, ચિત્રા તમતમી ગઇ.

“મારા પ્રયોગપાત્ર બનશો?”

“મિસ્ટર ઋષિકુમાર, પોતાને પ્રયોગપાત્ર ગણતી સ્ત્રીઓ શોધી લો, અને શરૂ કરી દો રીસર્ચ.”

“મિસ ચિત્રા... મુશ્કેલી એ છે કે ઓક્સિટોસિન કહેવાતા આંતરસ્ત્રાવોની અસરમાં વ્યક્તિ પ્રેમમાં પડીને લાગણીથી બંધાઇ જાય, પછી એ બીજી કોઇ સ્ત્રી સાથે નથી રહી શકતો.”

ચિત્રા અનિમેષ નજરે ઋષિકુમારને તાગી રહી.

“ચિત્રા, કહેવાય છે કે ચિત્રા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિ જ્ઞાની, સર્જાનાત્મક અને દુર્જેય હોય છે. તારા સંપર્કમાં આવીને જાણે મારો બીજો જન્મ થયો હતો. મારી આ સફળતા તારે જ આભારી છે. અને હવે તો મને કાકડી સમારતા પણ આવડી ગયું છે!”

ઋષિકુમારે કદાચ મજાકમાં કહેલી કાકડીવાળી વાત ચિત્રાને ભૂતકાળમાં ખેંચી ગઇ. આખા ઝગડાની શરૂઆત કાકડી સમારવામાંથી જ તો થઇ હતી.

"ક્યાંક જાણી જોઇને જ તો ઋષિએ આ વાત નહીં કાઢી હોય?", એ મનોમન વિચારી રહી.

“ઋષિ, આ આંતરસ્ત્રાવો મને પણ બહુ હેરાન કરે છે. લેટ્સ ટ્રાય. ચલો, ચિત્રામાંથી ફરી સુચિત્રા બનવા વિચારી જોઉં.”

અને એ ચાલવા લાગી....

*** સમાપ્ત ***