પ્રિઝમ Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિઝમ

પ્રિઝમ

એની બુદ્ધિ આજે કામ નહોતી કરતી. એને કંઇ જ સમજાતું નહોતું. જ્યાં જુએ ત્યાં એને દેડકા દેખાઈ રહ્યાં હતાં. લીલા કે પીળા રંગની વસ્તુઓ તો ખાસ. સાંજના ચાર આસપાસ ના તડકામાં પરસેવે રેબઝેબ બુધિયો પાણી-પુરી ની લારીને ધક્કો મારી રહ્યો હતો. આજે એને એવો તો દેડકો-ફોબિયા થઇ ગયો હતો કે ધંધામાં એનું મન જ નહોતું લાગતું. એ પાણી-પુરી માં બાકોરું પાડી મસાલો પૂરતો જાય, ને એને ઊબકા આવતા જાય. પણ ટકી રહેવા માટે આ જરૂરી હતું. એ મન મારીને પુરી વેચતો ગયો.

“ભાઇ, ખાલી સાદી પુરી જ છે કે?”

“ચટણી-પુરી છે ને... સેવ-પુરી છે. દહીં-પુરી છે દેડકા-પુરી છે.”

“હેં દેડકા-પુરી???”

એ સમજી ગયો કે એ કામ નહીં કરી શકે. આજે ખરેખર એનું ચસકી ગયું હતું. અને લારી સમેટી એ ઘર તરફ ચાલી નીકળ્યો. બુધિયો નામ મુજબ થોડો બુદ્ધિશાળી તો ખરો, પણ એનું નસીબ બે ડગલાં આગળ રહ્યું હતું. બાળપણ થી જ ભણવા માં તેજસ્વી. પહેલો નંબર તો ન આવતો, પણ સાવ છેલ્લો પણ નહીં. એ પાઠ્ય-પુસ્તક વાંચતો અને પોતાની જ ભાષા માં જવાબ લખતો. ટ્યૂશન વગર પણ એ સારા ટકા લાવતો; અને ઘણીવાર શિક્ષક પાસે ન સમજાતા દાખલા બધા એની પાસેથી શીખતાં. પણ દસમાં ધોરણની પરિક્ષામાં એની બાજુમાં બેઠેલો વગદાર બાપ નો દીકરો ચોરી કરતા પકડાયો, અને આળ એની ઉપર આવ્યું. બુધિયા ની બુદ્ધિ કરતા પૈસા નું બળ વધુ સશક્ત નીવડ્યું; અને સાબિત થયું કે બુધિયાએ ચોરી કરીને ચિટ્ઠી બાજુવાળા પર ફેંકી’તી. એનું પરિણામ રદ કરવામાં આવ્યું. એનું મન ભણવા માંથી ઊઠી ગયું; અથવા કહો તો જીવવામાં થી જ મન ઊઠી ગયું.

ક્યારેક એ લુશલુશ ખાઈ લેતો, તો ક્યારેક એક નો એક કોળિયો પંદર મિનિટ સુધી ચાવ્યા કરતો. ક્યારેક અઠવાડિયા સુધી નહાતો નહીં, તો ક્યારેક એક કલાક સુધી આખા અઠવાડિયા નું સાટું વાળતો. રાત ના મોડે સુધી એ છત તરફ તાક્યા કરતો, ને સવાર પડે ઊંઘી જતો. બપોરે બાર વાગે એની પરોઢ ચાલતી હોય! બધા એ કહ્યું પરણાવી દો; અને બુધિયા ના જીવનમાં આવી મનીષા.

એ એના કરતા એકાદ વર્ષ નાની, છતાં ઘણી સમજુ હતી. અને દેખાવડી પણ ખરી. કમનસીબી એ કે એની પર પિતાનો છાંયડો નહોતો. વિધવા મા એ એને શક્ય એટલી જલ્દી પરણાવી ને જવાબદારી પૂરી કરી દીધી. થોડા દિવસો સુધી તો બળદ જેવા બુધિયા સાથે પરણાવવા બદલ એ એના નસીબને કોસતી રહી. એને લાગતું જાણે બુદ્ધિ વગરના બુધિયા સાથે પરણાવી ને એની મા એ એને કોઇ અંધારિયા કૂવામાં ફેંકી દીધી છે. એક એવો કૂવો જ્યાં એ એકલી અને એકલવાઈ હોય, અને બહારના લોકોને લાગે કે એ સુખી છે. મહેંદી ના ઘેરા રંગને જોઇ એ નિસાસા મૂકતી રહેતી.

પણ ધીરે-ધીરે તે બુધિયા માં રહેલી સારપ ને ઓળખતી ગઇ. એ કંઇ કમાતો-ધમાતો નહિં. આખો દિવસ બેસી રહેતો. પણ એને ઘર માં એ મદદ તો કરતો જ. એકવાર મનીષા ની તબિયત ખરાબ હતી. આખું શરીર દુખતું હતું. ખુબજ અશક્ત થઇ ગઇ હતી. ઘરમાં પણ કોઇ નહિં. બુધિયા ના મા-બાપ જાત્રા એ ગયેલા.

“મનીષા, તારી તબિયત ખરાબ છે?” લગ્ન ના બે-ત્રણ મહિનામાં કદાચ આ પહેલું જ વાક્ય એ બોલ્યો હતો. એ કંઇ જ જવાબ ન આપી શકી.

“ગયા મહિને પણ આ જ દિવસોમાં તું માંદી પડી’તી ને?”

એ કંઇ બોલી નહિં; શું કહે? આ બુદ્ધિના બળદ ને શું જવાબ આપવો? એ મોઢું ફેરવી રસોડા તરફ ચાલવા લાગી. બુધિયા એ રસોડા માં જઈ એનો હાથ પકડી લીધો.

“હું તને ખુરશી લાવી આપું. તું બેસ. મને કહેતી જા, હું રાંધીશ.”

“બુધિયા, તને રાંધતા આવડે છે?”

“ના. આવડતું તો નથી. પણ મારે તો તારી મદદ કરવી જોઇએ ને! તું મારી પત્ની છો!”

“બુધિયા, પતિ તરીકેની બીજી કોઇ ફરજ તને નથી ખબર?”

બુધિયો નીચી મુંડી કરીને ખુરશી લેવા ચાલ્યો ગયો. આખું અઠવાડિયું બુધિયા એ મનીષા ની ખુબ સેવા કરી. એને થાક ના લાગે એટલા માટે એ એને પલંગ માં જ સૂવાડી રાખતો. એને જમવાની ઇચ્છા ન થાય તો ફળ લઇ આવતો. અને ફળ પણ ના ખવાય તો એ રસ કાઢી આપતો. માંદગી ક્યાં જતી રહી, ખબર જ ના પડી. એક ઢળતી સાંજે એ બુધિયા ને પૂછી બેઠી,

“બુધિયા! પાણી-પુરી ખાવી છે?!!”

એ થોડી વાર તો એની સામે તાકતો રહ્યો. પછી ડોકું ધુણાવી ના પાડી બીજી તરફ નજર કરી ગયો.

“બુધિયા, ચાલ ને ખાઈએ!”

બુધિયો જમીન તરફ નજર કરી બોલ્યો, “પૈસા નથી … ”

“અરે આપણે બનાવીએ! જો, મસ્ત મજા આવશે! ચલ રસોડા માં!”

અને એ દિવસે બંને એ ભેગા થઈ પુરીઓ તળી. અને બટેકા બાફી ને મસાલો તૈયાર કર્યો. બુધિયો પાણી-પુરી માં બાકોરું પાડીને મસાલો પૂરતો જાય, અને પછી તીખાં પાણીમાં બોળી મનીષા ને આપતો જાય. મનીષા એક પુરી પોતાના મોઢામાં મૂકે, અને બીજી બુધિયા ના!

“ઓય હોય હાય ... !!!!” મનીષા એ મરચા ની ભૂકી નાખીને એક પુરી બુધિયા ના મોઢામાં ઠાંસી દીધી’તી.

“મનકુડી! કૂતરીની !! હાય હોય ... તીખ્ખુ લાગ્યું .... હોય .... હાય!!!”

મનીષા એ એના હોઠ પર પાણીનો પ્યાલો માંડ્યો. એ એક જ શ્વાસે આખો ગ્લાસ ગટગટાવી ગયો. એ મનીષા સામે ટગર-ટગર જોતો રહ્યો.

“હજી પણ તીખું લાગ્યું છે?”

બુધિયા એ હકાર માં ડોકું ધૂણાવ્યું; અને મનીષા એ એના મઘમઘતા હોઠ બુધિયા ના મોઢા પર બિડી દીધાં ... થોડાં જ દિવસોમાં એ પતિ તરીકેની બે ફરજ બજાવતો થઈ ગયો. એક તો પાણી-પુરી ની લારી ચલાવી ને કમાવા ની, અને બીજી લારી સમેટી ને પાછા વળતી વખતે મનીષા માટે ગુલાબનું સૌથી ભરાવદાર ફૂલ લેતા આવવાની.

પણ આજે એ ગુલાબ ખરીદવા રોકાયો નહીં. કારણે કે આજે ... આજે એ ઝાઝો વકરો થાય એ પહેલાં જ પાછો વળી ગયો હતો.

“ના, આ તો હું નહીં કરી શકું!”, એક નિસાસો નાખી એ લારી ને ધક્કો મારવા લાગ્યો.

“આ નહીં તો શું?”, એના પગ રોકાઈ ગયા. એની આંખોમાં મનીષા નો કોડ ભર્યો ચહેરો તરવરી ઊઠ્યો. આ માત્ર એનો પોતાનો નહીં, બે જણ નો પ્રશ્ન હતો. એ કંઈ કેટલાંય સ્વપ્નો લઈને એના ઘરે આવી હતી. અને બુધિયા સિવાય એનું હતું પણ કોણ! એણે લારી પાછી વાળવા વિચાર્યું. કોઈ પણ નિર્ણય લેતા પહેલા મનીષા નો પણ વિચાર તો કરવો જ જોઈએ ને! આમ માત્ર પોતાની વ્યક્તિગત માન્યતા ના તરંગીપણા માં કોઈની જીંદગી સાથે તો રમત ના જ કરાય. અને એ એકલો ક્યાં આવું કરી રહ્યો હતો. બધા પુરીવાળા આમ જ કરે છે.

“ના ના, કંઈ ઘરાકો ને મૂરખ બનાવાય? ભગવાન હોય કે ના હોય, પણ માણસ થઈને આવું ખોટું કરાય?; બીજા પુરીવાળાઓ ની જેમ પાણીને વધુ તમતમતું બનાવવા માટે એમાં દેડકાં તો ના જ નખાય.” પણ ઘર ચલાવવા માટે બીજો કોઈ રસ્તો પણ નહોતો.

આ અસમંજસ માં એ ક્યારે ઘરે પહોંચી ગયો એને ખબર જ ના પડી. ઉદાસ હાથે એણે લારી આંગણ માં લીધી. થાકેલા ચહેરે હાથ-પગ ધોઈ એણે દરવાજામાં પગ મૂક્યો. એને લાગ્યું કે આજે ખરેખર એનું ચસકી ગયું હતું. સામેની સફેદ દીવાલ એને રંગીન લાગી રહી હતી; ના રંગીન નહીં, રંગબેરંગી. એણે આંખો ચોળી ને ખાતરી કરી જોઈ. હા, દીવાલ રંગબેરંગી હતી. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એણે દીવાલનો સ્પર્શ કરી જોયો. એના આશ્ચર્ય વચ્ચે દીવાલ પરનો રંગ હવે એના હાથ પર દેખાવા લાગ્યો. એ દીવાલ પર હાથ ફેરવતો ગયો અને એના હાથનો રંગ વાદળી માંથી લીલો, લીલા માંથી પીળો ... બદલાતો ગયો. એણે જોયું તો આ રંગીન પ્રકાશ બારી તરફથી આવી રહ્યો હતો. અને બારી માં કાચનો કોઈ વિચિત્ર ટુકડો પડ્યો હતો. આગળ અને પાછળ નો ભાગ લીસો સપાટ અને બાજુ માંથી ત્રિકોણ. એણે ક્યારેય આવું જાદુ જોયું નહોતું. એણે ડરતાં-ડરતાં એનો સ્પર્શ કર્યો; અને તરત જ હાથ પાછો ખેંચી લીધો. ના, કંઈ જ ના થયું. એણે એની પર હાથ ફેરવી જોયો. એનાં ધબકારા વધી રહ્યા હતા. એણે ધ્રૂજતા હાથે એ કાચ હાથમાં લીધો. આમ-તેમ ઉપર-નીચે ફેરવી જોયો. સામેની દીવાલ પરના રંગો પણ આમ-તેમ ઉપર-નીચે ફરી રહ્યા હતા. બારીમાંથી આવતો પ્રકાશ એની અચરજ ના કેન્દ્ર પર આપાત થતો હતો, અને એમાંથી પસાર થઈ બીજી તરફ અલગ-અલગ રંગના સ્વરૂપે વીખેરાતો હતો. એણે લારી તરફ એ કાચ ધર્યો; અને આખી લારી રંગીન થઈ ગઈ. એનાં ધૂળીયા થઈ ગયેલા કાળા ટાયર હવે જાંબલી લાગતાં હતા. લારીની ઉખડી ગયેલા રંગ વાળી લોઢા ની ફ્રેમ વાદળી લાગી રહી હતી, અને એની ઉપરનો લાકડા નો ભાગ લીલો! એણે એને ઉપર-નીચે ફેરવ્યો, અને લારી પર ઈન્દ્રધનુષી ભાત પડવા લાગી. પુરી માટેનું પાણી ભરી રાખેલા માટલા ઉપર પણ અલગ-અલગ રંગ દેખાઈ રહ્યા હતા. એમાં ભરેલું પાણી પણ જાણે એક નહીં, અલગ-અલગ સાત રંગનું થઈ ગયું!

એનો ઉદાસ ચહેરો પણ અચાનક સપ્ત-રંગી થઈ ગયો. એને શું કરવું એ ખબર પડી ગઈ હતી. એણે દેડકા વાળું પાણી ઢોળી નાખ્યું.

“બુધિયા! કેમ વહેલો આજે? અને મારું ગુલાબ ક્યાં?”

મનીષા ના ડિલ પર પ્રિઝમ૧ ની ઈન્દ્ર-ધનુષી ભાત કરતા એ બોલ્યો, “એક જ સુગંધ ના બદલે સાત અલગ-અલગ ફૂલ નો ગુલદસ્તો હોય તો કેવું!”

*** સમાપ્ત ***

સંદર્ભ : ઘણી જગ્યાએ હવે પાણી-પુરી સાથે એક ના બદલે ચાર-પાંચ કે વધુ અલગ-અલગ સ્વાદ નાં પાણી મળે છે.

૧ પ્રિઝમ – જેની એક તરફ સફેદ પ્રકાશ ફેંકવા માં આવે તો બીજી તરફ રંગમાળા ના સાત રંગ મળે છે.