Sandhya Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sandhya

સંધ્યા

સાક્ષરભાઇના ઘરમાં ચહેલ-પહેલ હતી. દર વર્ષની જેમ આજે પણ પુત્ર સૌરભનું ભાતિગળ મિત્ર-વર્તુળ ધૂળેટીની તૈયારીઓમાં મસ્ત હતું. શહેરના બધા સગા-સંબંધીઓ અને મિત્રોને ફોન તથા ઇ-મેઇલ દ્વારા આમંત્રણ પાઠવાઇ ગયાં હતાં. દત્તક પુત્રી, ગીત, હંમેશની જેમ પ્રસંગોચિત ગીત લખી રહી હતી, “પિચકારીની ધારે સૈંયા ભીંજવવા તૂં આવી જા....લા...લા...લા....”. સૌરભ અને ગીતના કઝીન્સ પણ એક દિવસ અગાઉ આવી જતાં. સૌ ભેગા મળીને તૈયારીઓ કરતા, અને તોફાન પણ! ઘર જાણે યુવક-મહોત્સવ બની જતું. સ્વયંશિસ્ત પાળનારા સાક્ષરભાઇને ત્યાં આવીને ભલભલા બારકસો પણ સીધા થઇ જતાં હોવાથી કોઇને કંઇ અજુગતું થવાની ચિંતા ન રહેતી. કુટુંબના વડીલો જાણી જોઇનેજ બિજા દિવસે આવતા. આખું ઘર ધમાચકડીથી ગાજી રહ્યું હતું.

“પિચકારીની ધારે સૈંયા ભીંજવવા તૂં આવી જા....”, ગીતનું મુખડું પકડીને સાક્ષરભાઇએ સફેદ કેન્વાસ પર થોડી પીંછીઓ ફેરવી. લોકો માટે વર્ષે એક દિવસ ધૂળેતી આવતી. પણ સાક્ષરભાઇ માટે “હર દિન ધૂળેટી ઓફર!” હતી. ફરી થોડે દૂર જઇ એમણે કેન્વાસ નિહાળ્યું. “સંધ્યા આજે કેટલી સરસ લાગે છે, નહિં!”. સંધ્યા આવી ત્યારથી એમણે જળ-ચિત્રો બનાવવાનો શોખ કેળવ્યો હતો. એમને સંધ્યાના અલગ-અલગ મૂડ જોવા, અનુભવવા અને કેન્વાસ ઉપર ઉપસાવવા ગમતા. એમણે બાલ્કનીના ખુણામાં આરામ-ખુરશી નાખીને બેઠેલા સંધ્યાબેન તરફ નજર કરી.

“પિચકાઆઆ...રીઇ...નીઇ, ધાઆઆ....રે સૈઇઇયાઆ..”, સાક્ષરભાઇ મિક્સિંગ પ્લેટ લઇને ફરી કોઇક નવો શેડ બનાવવા લાગ્યા. એમણે બગીચામાં બે-ત્રણ ઘટાદાર વૃક્ષો વાવ્યાં હતાં. કંઇ કેટલીય પાંખો અહિં મુકામ કરતી. સવાર-બપોર-ને સાંજ... ઘરમાં મીઠડા ટહુકા સંભળાયા કરતા. કુંવારપાઠાના ફૂલોમાં ચાંચ ભરાવીને રસ પીતા હમીંગ-બર્ડને જોઇને એ લલકારતા, “સંધ્યાબેન મેરે.... તુમ કેક્ટસ હમ હમીંગ-બર્ડ!” માળામાં પુરાયેલી માદાને ચાંચ વડે “ફીડ” કરાવતું સન-બર્ડ બતાવીને એ ઘણીવાર એમને ચિડવતા.

આરમખુરશી પર ઝીણો ટહુકો કરીને એક દેવચકલી દીવાલ પરા લટકતા રાધા-કૃષ્ણના ચિત્ર પર ગોઠવાઇ ગઇ. પણ સંધ્યાબેન આ બધાથી અલિપ્ત થઇ બેઠા હતા. ઘરની ધમાચકડી, સાક્ષરભાઇનું રંગીન કેન્વાસ, પક્ષિઓની સંધ્યા-ફેરી... આજે આવા કશામાં એમનો જીવ ચોંટતો નહોતો. પહેલાં તો કેટલો ઉમળકો રહેતો ધૂળેટીનો! છોકરાવની સાથે એપણ બાળક બની જતાં. સૌરભ અને ગીતના મિત્રો અને ભાંડરડાઓ સાથે ધમાલ-મસ્તી ચાલતી. ધૂળેટીનો આગલો દિવસ એ દીવાળીની જેમ ઉજવતા!

ચાનો ખાલી કપ એમણે ફરી હોઠે અડકાડ્યો. હા, ચા ખરેખર ખાલી થઇ ગઇ હતી. આજે એમને કંઇજ ગમતું નહોતું. પક્ષિઓનો કલરવ આજે કકળાટ લાગી રહ્યો હતો. બે-ત્રણ વખત તો સૌરભને અવાજ ના કરવા ધમકાવી નાખ્યો હતો. ગીતના ગીતોથી એમનું માથું ફરી રહ્યું હતું. પણ એને ખીજાતા જીવ નહોતો ચાલતો.

“એઇ, શું કરો છો! આઘા રહો મારાથી. મને રંગો નથી ગમતા!”

સાક્ષરભાઇ આઘાત અને આશ્ચર્યના મિશ્રભાવ સાથે જોઇ રહ્યા. ચિત્ર પુરું થાય એટલે પીંછી પર ચોંટેલો રંગ સંધ્યા પર ઉડાડવાની એમને ટેવ હતી. પણ સંધ્યા ક્યારેય આમ ચિડાઇને નહોતી બોલી. એ સંધ્યાની નજીક જઇ બેસી ગયા.

“સાક્ષર, મને હવે રંગો નથી ગમતા..”, સંધ્યાબેન ગળગળા સ્વરે બોલ્યા.

“પણ સંધ્યા...”

“હા, સાક્ષર; સંધ્યા. પણ સંધ્યા પછી શું? અંધારું?”

“શું ખબર! જાતેજ જોઇ લે!”, હમણાંજ પુરું થયેલું ચિત્ર બતાવતા એ બોલ્યા.

પીળો, કેસરી, ભગવો, લાલ, કત્થઇ અને છેલ્લે કાળો, એમ અનેક શેડ્સનું બનેલું જળ-ચિત્ર એ જોઇ રહ્યા. એકબિજાથી તદ્દન અલગ રંગો એકબિજામાં કેટલી સહજતાથી ભળી રહ્યાં હતાં! સાક્ષર રાત્રીના અંધકાર તરફ જોઇ રહ્યો. ના, ત્યાં અંધારું નહોતું, કેટલાય તારલાંથી આકાશ હર્યું-ભર્યું હતું. સંધ્યા હજીપણ સાક્ષરનું જળ-ચિત્ર જોઇ રહી હતી. સંધ્યા અંધકારમાં ભળે છે કે અંધકાર પરોઢમાં, કંઈ સમજાતું નહોતું.

ગીતને અંતરાની છેલ્લી પંક્તિ મળી ગઇ, “અંધારું છે ચારે બાજુ, ટમટમવા તૂં આવી જા..

** સમાપ્ત **