Samrat Rudradutt Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Samrat Rudradutt

સમ્રાટ ઋદ્રદત્ત

લગભગ મધ્યાહન આસપાસ ગુરુ બ્રહ્મદત્ત એમની કુટિરમાં વિશ્રામ કરી રહ્યા હતા. વાંસની કુટિર આસપાસ લીમડા, કાસિદ અને વાંસની અડાબીડ ઠંડક હતી. આશ્રમથી કુટિર તરફ આવતી કેડીની બંને બાજુઓ રંગબેરંગી ફૂલછોડથી સુશોભિત હતી. કુટિર પાસે આવતી કેડી થોડી પહોળી થઇને ગોળાઇ પકડતી હતી. અહિં બેઠકની થોડી વ્ય્વસ્થા હતી. આ જગ્યાએ ખાસ અતિથિઓ સાથે વાર્તાલાપ કરવામાં આવતો.

તેઓ ક્યાંથી આવ્યા એ તો કોઇ જાણતું ન હતું. માત્ર એટલી ખબર હતી કે ગીરીકંદરાઓમાં ભટકીને, અનેક નદીઓમાં સ્નાન કરીને, કઠોર તપશ્ચર્યા કરી, એમણે બ્રુહદ જ્ઞાન અર્જિત કર્યું હતું. મ્રુગયા પર ગયેલા સમ્રાટ એકવાર રસ્તો ભૂલી ઘોર વનમાં જઇ ચડ્યા. સેવકોથી વિખુટા પડેલાં સમ્રાટ ભૂખ અને તરસથી થાકેલા હતા. ત્યાં ગુરુ બ્રહ્મદત્ત સાથે ભેટો થયો. એમની આભાથી પ્રભાવિત સમ્રાટે એમને રાજ્ય દરબારમાં સ્થાન લેવા વિનંતિ કરી. પણ મોહ-માયાનો ત્યાગ કરી ચુકેલા બ્રહ્મદત્ત ફરીથી આ વિષચક્રમાં ફસાવા ઇચ્છતા નહોતા. સમ્રાટને શોધતા એમના સેવકો આ કુટિર સુધી પહોંચ્યા, અને થોડા વિશ્રામ પછી સમ્રાટ પ્રયાણ કરી ગયા. આ હતો સંત અને સમ્રાટનો પહેલો મેળાપ.

“ગુરૂવર, સમ્રાટ આપને મળવા આવ્યા છે.”

સમ્રાટ અવારનવાર અહિં આશ્રમ પર આવી દેવવાણીનો લાભ લેતાં. રાજ્ય-વહિવટ અને પારિવારીક વાતોમાં એ બ્રહ્મદત્તની સલાહ લેતા. સમ્રાટ માટે એ જાણે કુટુંબના જ એક સભ્ય હતા. જ્યારે ગુરુદેવ માટે તો “વસુધૈવ કુટુંબકમ” હતું! ક્યારેક માત્ર જીવન વિશે સાંભાળવા પણ એ આવી ચઢતા, તો ક્યારેક કોઇ ખાસ ચિંતા કે અકળામણના સમાધાન માટે. આમ છતાં બ્રહ્મદત્તની ઘણી વાતો સમ્રાટને મન આચરણમાં અઘરી અને તેથી અર્થહીન હતી.

મંદ સ્મિત સાથે તેઓ આવેલા શિષ્ય સામે જોઇ રહ્યા.

“ગુરૂવર, આપના સ્મિતનું તાત્પર્ય સમજવા હું અસમર્થ છું.”

“વત્સ”, બ્રહ્મદત્ત બોલ્યા, “ધન, સ્ત્રી, ભૂમી, રાજ્ય આ બધું ક્ષણિક છે, જે હિંસાથી ઝુંટવી શકાય છે. જ્ઞાન સૌથી મહત્વનું ધન છે. એ કોઇ આંચકી શકતું નથી.”

સમ્રાટ અત્યંત મહાત્વાકાંક્ષી અને યુદ્ધખોર હતાં. આ એકજ દોષ તરફ બ્રહ્મદત્ત વારંવાર નિર્દેશ કરતા. આ વાત સમ્રાટને ગમતી નહિં. પણ ગુરૂદેવની વાત સાંભળ્યેજ છુટકો. એમનો આદર કરતા સમ્રાટ કેટલીક વાતો માનવા જેવી ના લાગતી હોવા છતાં પણ સાંભળતા. ઘણી વખત જટિલ પ્રશ્નોના સમાધાન એમને બ્રહ્મદત્ત પાસેથી મળેલા. આમ છતાં સમ્રાટ એમનો સ્વભાવ ના મુકી શકતા, અને સંત એમનો!

“ શું સમ્રાટ ગુપ્તવેશે આવ્યા છે?”.

સમાચાર હતાં કે સીમાવર્તી વિસ્તારના ભ્યુત યોદ્ધાઓને અકત્રીત કરી એક મહાત્વાકાંક્ષી આક્રમણખોર આગળ વધી રહ્યો હતો. રાજ્ય-વહિવટ અને સાહસિક આક્રમણ કરવામાં વ્યસ્ત સમ્રાટ શાંતિકાળ ભોગવતી સીમાઓ વિશે વિચારતા ભૂલી ગયા હતા. સંતના અનેક નિર્દેશ છતાં સમ્રાટ એમની શક્તિના અતિ-વિશ્વાસમાં રાચતા હતા. શરૂ-શરૂમાં તો સમ્રાટે સીમાન્ત ભાગોમાં થયેલા બળવા પ્રત્યે બહુ ધ્યાન ના આપ્યું. એ બિજા યુદ્ધમાં વ્યસ્ત હતા. અને બળવાખોરો આગળ વધતાં જ ગયા. અનેક પ્રદેશો ગુમાવ્યા પછી સમ્રાટ વાસ્તવીકતા સમજી શક્યા. હવે નવા પ્રદેશો પ્રાપ્ત કરવા માટે નહિં, પણ રાજ્ય સાચવવા માટેનો સંઘર્ષ હતો.

“ગુરૂવર, સમ્રાટ સુશોભિત વસ્ત્રોનો ત્યાગ કરી અનેક પ્રહારોથી ખરડાયેલા લોહ-કવચ અને શસ્ત્રોમાં સજ્જ છે. અતિશય શ્રમના કારણે તે ખુબજ અસ્વસ્થ લાગી રહ્યા છે.”

“પુત્ર, સમ્રાટને વિશ્રામની આવશ્યકતા હતી. રાજ્ય પર થયેલા આક્રમણ પૂર્વે પણ મેં અતિયુદ્ધ ના કરવા તરફ નિર્દેશ કર્યો હતો. પણ સત્તા પર સ્થાપિત વ્યક્તિ ઘણી વખત જ્ઞાનનું મહત્વ સમજવા અસમર્થ હોય છે.”

સીમાડેથી વધતા-વધતા રાજ્યના હ્રદય-સ્થાન સુધી પહોંચી ગયેલા શત્રુ સામે યુદ્ધની નિરર્થકતા એમણે સમજાવી હતી. સમ્રાટને શત્રુ સાથે સંધિ કરી લેવા સુચવ્યું હતું. આક્રમણખોરો સ્થાનિક નાગરીકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહ્યા હતા. શત્રુના ગુપ્તચરો આખા રાજ્યમાં ઉધઇની જેમ ફેલાઇ ગયા હતા. પ્રત્યક્ષ ઊભેલા શત્રુને હણવો સહેલો છે. ગુપ્તચરો હંમેશા દુર્જય હોય છે. આ સંજોગોમાં યુદ્ધ કરતા સંધિ કરી લેવી એ વધુ યોગ્ય છે એ વાત બ્રહ્મદત્ત વારંવાર ઉચ્ચારતા રહ્યા હતા. જો રહ્યું સહ્યું રાજ્ય પણ ટકી રહે, તો પરાજયના લીધે લુપ્ત થયેલો પ્રદેશ ભવિષ્યમાં પાછો મેળવવાની શક્યતા રહે જ છે. પણ તમારું પોતાનું, કે સૈન્યનું, કે રાજ્યનું અસ્તિત્વ નામશેષ થઇ જાય તો કોઇ ઉપાય રહેતો નથી.

“સમ્રાટ હવે શું પૂછવા માગે છે? વત્સ, મારી કહેલી ઘણી વાતોનો એમણે અનાદર કર્યો છે. અને હજી પણ મારી કહેલી વાત એ નહિં જ સમજી શકે. વળી પ્રજા કલ્યાણ સિવાય મને કોઇ જ વાતમાં રુચી નથી. સમ્રાટ સાથેના મારા સંબંધ માત્ર આ એકજ ધ્યેય પર આધારિત છે. પુત્ર! રાજા કરતા રાજ્યનું મહત્વ હંમેશા વધુ જ રહેવાનું.”

સમ્રાટના કૌટુંબિક વિષયો ઉપર સમ્રાટની માનસીક સ્થિરતા, અને એની ઉપર જ રાજ્યની સ્થિરતા આધારિત હોવાથી સમ્રાટની એકોએક વાતમાં એ રસ લેતા, અને યથાયોગ્ય સુચન કરતા. આમ છતાં, આ વર્તાવનો આશય કોઇ અંગત મહેચ્છા કે આકાંક્ષા ના હોતા વ્યાપક સમાજનું હિત હતું. રાજયનું હિત રાજાના હિત સાથે સંકળાયેલું હોય છે. આમ છતાં, રાજાનું હિત હંમેશા રાજ્યના હિતમાં જ હોય એ જરૂરી તો નથી જ હોતું.

“સારું, સમ્રાટને આદરસહિત લઈ આવો.”

થાકેલા પગલે આવતા સમ્રાટ ગુરૂદેવના ચરણસ્પર્શ કરી ઉભા રહ્યા.

“આવો સમ્રાટ!”

“ગુરુદેવ, આપની વાત સત્ય હતી. સંધિ કરી લેવી એ જ સાચો માર્ગ છે. શત્રુ માત્ર થોડાજ દૂર છે. આવતી કાલનું યુદ્ધ નિર્ણાયક રહેવાનું હતું. દેવ, પણ હું હવે સંધિ કરવા વિચારું છું. હવે આ યુદ્ધ નહિં થાય.”

“આર્ય, પત્યેક નિર્ણય એના યોગ્ય સમય પર જ શોભે. પૂર્વે આપ મહાન સમ્રાટ હતા. અત્યારે આપની પાસે સંધિ કરવા માટે પૂરતા સંસાધન નથી, અને કારણ પણ નથી. પૂર્વે કરેલી સંધિનું કારણ શાંતિ-પ્રિયતા રાખી શકત. અત્યારે થયેલી સંધિ પરાજયથી ડરતા રાજ્યકર્તાએ પકડેલા છેલ્લા તણખલાથી વધુ કંઇ જ નહિં હોય. વળી, યુદ્ધે ચડેલો શત્રુ સંધિ કરી શકે છે, યુદ્ધ જીતવાની ક્ષણે પહોંચેલો કદાપિ સંધિ નહિં સ્વીકારે. સમ્રાટ, હવે માત્ર બે જ માર્ગ છે. આપ શસ્ત્ર ધારણ કરી અંતિમ સુધી યુદ્ધ કરી વીરગતી પ્રાપ્ત કરો, અથવા પલાયન થઇને અજ્ઞાતવાસમાં શસ્ત્ર અને સૈન્ય અકત્રીત કરો.”

“ગુરુદેવ, આપની વાત મને આચરણમાં અયોગ્ય અને તેથી અર્થહીન લાગી રહી છે.”

વર્ષોથી જે વાત સમ્રાટના હ્રદયમાં ગુંગળાતી હતી એ આજે ફૂંફાડા મારતી બહાર આવી ગઇ. અનેકવાર સમ્રાટને બ્રહ્મદત્તની વાતો સાથે મતભેદ રહ્યો હતો. આમ છતાં ઘણા મહત્વના ઉકેલ એમના દ્વારા જ પ્રાપ્ત થતા હોવાથી સમ્રાટ ઘણી બધી વાતો અનીચ્છાએ પણ સાંભળતા રહ્યાં હતાં. પણ આજે સમ્રાટ એમનો મતભેદ સંતાડી ના શક્યા. ના કહેવા જેવું ઘણું બધું કહી દેવા એ તત્પર થયા હતા.

“સમ્રાટ”, બ્રહ્મદત્ત એમના એજ શાંત સ્વરમાં બોલ્યા, “આપને મારી ઘણી બધી વાતો સત્ય હોવા છતાં અર્થહીન લાગી છે. માટે આપ સ્વેચ્છાએ જે કરવા ઇચ્છતા હો તે કરી શકો છો. મારું કર્તવ્ય માત્ર સુચન કરવાનું હતું, જે હું કરી ચુક્યો છું.”

અપમાન અનુભવતા સમ્રાટ તાડુકી ઉટ્ઠ્યા, “ગુરુદેવ, આપ આપની મર્યાદા ઓળંગી રહ્યા છો.”

“સમ્રાટ, કોઇ બીજો પ્રશ્નો હોય તો આપ પૂછી શકો શકો છો. આ આશ્રમમાં આપનું હંમેશા સ્વાગત રહેશે.”

છંછેડાયેલા સમ્રાટ ઉતાવળા ડગલે ચાલી નીકળ્યા. એ ગયા તે દિશા તરફ બ્રહ્મદત્ત ઘણીવાર સુધી જોતા રહ્યા. ઝરમર વરસાદ શરુ થઇ ગયો હતો. પણ બ્રહ્મદત્ત કોઇ ગહન ચીંતન કરતા હોય એમ લાગતું હતું. સમ્રાટની સેવામાં ઉપસ્થિત શિષ્ય પણ નતમસ્તકે ગુરુદેવ પાસે જ ઊભો રહ્યો. વરસાદનું જોર ધીમે ધીમે વધતું ગયું. બ્રહ્મદત્ત જાણે આ બધાથી અલીપ્ત હતા. કોઇ અકળ ચિંતા એમને કોરી ખાઇ રહી હતી. ધોધમાર વરસાદમાં એ અવિચળ ઉભા હતા.

“આચાર્ય, વર્ષાની શક્તિ વધી રહી છે. આવો આપને કુટિર તરફ દોરી જઉં.”

શિષ્ય એમનો હાથ પકડી કુટિર તરફ ચાલવા લાગ્યો, બ્રમ્હદત્ત યંત્રવત્ત એની પાછળ ખેંચાતા ગયા. વર્ષાની ઋતુ બેસતા વનરાજી પૂરબહારમાં ખીલતી ગઇ. આશ્રમ સુધી પહોંચવાના માર્ગ અનેક ઝરણાઓમાં વહેંચાઇ ગયા. આશ્રમ સુધી પહોંચવું દુર્ગમ થતું ગયું. અનેક દિવસો સુધી સમ્રાટ કે યુદ્ધના કોઇ સામાચાર નહોતા.

“વત્સ, આજથી હું સર્વ શિષ્યોને શસ્ત્રવિદ્યા અને યુદ્ધવિદ્યા પણ શીખવીશ. હીંસક પશુઓથી સ્વરક્ષણ કરવામાં એ સહાયરૂપ બનશે.”

વુક્ષની શાખાઓના પ્રયોગથી બનાવટી અસ્ત્ર અને શસ્ત્ર બનાવી બ્રહ્મદત્ત શસ્ત્રપ્રયોગ માટે જરૂરી એવી શિક્ષા આપવા લાગ્યા. વર્ષારુતુ સમાપ્ત થતા સુધીમાં આશ્રમમાં રહેતો એકોએક શિષ્ય પ્રાથમિક શસ્ત્રવિદ્યાથી પરિચિત થઇ ગયો હતો. હવે તેઓ સ્વરક્ષણ કરવા સક્ષમ થતા જતાં હતાં. વર્ષાથી લથબથ વાદળો ધીરે-ધીરે પાછા વળતા ગયાં. ઝરણાંઓનું પાણી નદીઓમાં એકત્રિત થઇ ધસમસતા જળસ્ત્રોતનું સ્વરૂપ લઇ વહેવા લાગ્યું. દુર્ગમ થઇ ગયેલા રસ્તાઓ ફરીથી ઉપયોગને પાત્ર થવા લાગ્યા હતા. વાદળ ઓસરતાં સ્વચ્છ આકાશમાં સુર્યનારાયણ આભા પ્રસરાવવા લાગ્યા. બ્રહ્મદત્તનો ચહેરો વધુને વધુ પ્રભાવી થતો જતો હતો. એકવાર સવારના કુંણા તડકાની હુંફમાં એ ધ્યાનમગ્ન બેઠા હતા.

“આચાર્ય, સમ્રાટ........”

બ્રહ્મદત્ત એક મંદ સ્મિત સાથે બોલ્યા, “વત્સ, ગુરુને પૂર્ણપણે સમર્પિત થવું એ પણ ગુરુદક્ષિણાનું જ એક સ્વરૂપ છે.”

શિષ્ય નતમસ્તકે ઉભો રહ્યો.

“વત્સ, શું સમ્રાટ કોઇ ખાસ પ્રશ્નના સમાધાન માટે પધાર્યા છે?”

“દેવ, તેઓ અતિશય શ્રમિત અને હતાશ દેખાઇ રહ્યા છે. શું તેઓ અહિં આવી શકે?”

“પુત્ર, એમને આદરસહિત લેતો આવ.”

મેલાઘેલા વસ્ત્રોમાં આવેલા સમ્રાટ બ્રહ્મદત્તના ચર્ણોમાં પડી બોલ્યા, “ગુરુદેવ, ક્ષમા કરો! દેવ!”

સમ્રાટને ઉભા કરી એમણે આસન ગ્રહણ કરવા કહ્યું.

“બોલો સમ્રાટ.”

“દેવ, હવે હું સમ્રાટ નથી. એક સામાન્ય નાગરીક છું. નિરાશ અને નિરાશ્રિત.”

“આપ ઇચ્છો ત્યાર સુધી અહિં રોકાઇ શકો છો.”

“મને ક્ષમા કરો દેવ. મારાથી ઘોર અપરાધ થઇ ગયો છે. વ્યર્થ યુદ્ધોમાં મેં આ જીવનનો વ્યય કરી નાખ્યો, અને આપની આજ્ઞાનો પણ મેં અનાદર કર્યો.”

“સમ્રાટ, ભૂલ કરવી એ માનવસહજ નબળાઇ છે.”

“ગુરુદેવ, મેં રાજ્ય ગુમાવ્યું. કિર્તિ ગુમાવી. ધન, ધાન્ય, ભૂમી....”

“સમ્રાટ, આ સર્વ વસ્તુઓ ક્ષણિક છે. જે હીંસાથી મેળવી શકાય છે, અને વધુ સશક્ત શત્રુ પાસે તેનો લોપ પણ થાય છે.”

“મારી સ્ત્રી.........”, ક્રોધ અને કારુણ્યના મિશ્ર ભાવે તે ગુરૂદેવ સામે જોઇ રહ્યો.

“સમ્રાટ, જ્ઞાનથી વિશેષ કંઇ જ નથી. સ્ત્રીનું રક્ષણ કરવું તે પુરુષ તથા શાસક તરીકે આપનો ધર્મ છે. પણ જો સ્ત્રી સ્વેચ્છાએ તમારો ત્યાગ કરે, તો એ ક્રોધ કે આઘાતને યોગ્ય નથી. પતિનો ત્યાગ કરનારી સ્ત્રીના વિરહમાં જીવન વ્યતિત કરવું અર્થહીન છે.”

“ગુરુદેવ, વાત માત્ર આટલી જ નથી. નાગરીકોનું શોષણ થઈ રહ્યું છે. રાજ્યના સંસાધન વ્યક્તિગત પ્રયોગમાં લેવાઇ રહ્યા છે. ચોતરફ ભ્રષ્ટ આચરણનો ફેલાવો છે. ગુરુદેવ, આપની વાત સત્ય હતી. જો હું પલાયન થઇ સૈન્ય અને શક્તિ એકત્રીત કરી શક્યો હોત, તો હું રાજ્ય અને પ્રજાનું અહિત રોકી શક્યો હોત. અને જો યુદ્ધમાં હું વીરગતી પામત, તો પણ સંતોષ રહેત. આપની વાત ના માનવાથી હું મારા પ્રત્યે અતિશય ધ્રુણાનો અનુભવ કરી રહ્યો છું.”

“માત્ર તમે નહિં સમ્રાટ, પ્રજા પણ તમારા પ્રત્યેક કંઇક આવોજ ભાવ ધરાવતી હશે!”

“પણ ગુરુદેવ, મારા શાસનકાળમાં અનેક પ્રજાહિતના કાર્યો પૂર્ણ થયાં છે. અનેક વિકાસ-કાર્યો પણ મેં કર્યા હતા. શું પ્રજા આ બધું ભૂલી ગઇ હશે?”

“સમ્રાટ”, મંદ સ્મિત સાથે બ્રહ્મદત્ત બોલ્યા, “પ્રજાનું હિત સાચવવું એ શાસકનું કર્તવ્ય છે. આપે જે પણ કર્યું તે આપના કર્તવ્યનો જ નિર્વાહ હતો.”

અંતિમ યુદ્ધ કરવાને બદલે સંધિનો નિર્ણય લેવાથી આખું સૈન્ય સમ્રાટ પ્રત્યે અણગામો ધરાવી રહ્યું હતું. શત્રુ દ્વારા મુકવામાં આવેલી સંધિની આવશ્યકતાઓની જાણ થતા સમ્રાટની નિકટતાનો ત્યાગ કરી સામ્રાજ્ઞી પલાયન કરી ગયા હતા. સંધિનું વચન આપી શત્રુ વિશ્વાસઘાત કરી ગયાં હતાં. સમ્રાટ મહામુશ્કેલીએ જીવ બચાવી અહિં સુધી પહોંચ્યા હતાં. શત્રુના ગુપ્તચરોએ પ્રજાની વિચારક્ષમતાને વીષપાન કરાવી દીધું હતું. નાગરીક પોતાની સ્વતંત્ર વિચારશક્તિ ગુમાવીને દમન અને શોષણનો ભોગ બની રહ્યા હતા.

“સમ્રાટ, અહિં આશ્રમમાં રહી આપ એક સામાન્ય આશ્રમવાસીનું જીવન વ્યતિત કરો. શ્રમ કરો. શ્રમથી અંતરના વિકાર અને ક્રોધની શાંતિ થશે. સાત્વિક આહારથી આપ લોપ થયેલી મુખકાંતિ ફરીથી મેળવી શકશો.”

“ગુરુદેવ, આપને કહેલા ઉપચાર માટે હું સંમત છું. દેવ, આમ છતાં, ક્ષમા કરશો, ગુરુવર, હું કોઇ શંકા નથી કરી રહ્યો. પણ....”

“સમ્રાટ, ગુરુને પૂર્ણપણે સમર્પિત થવું એ પણ ગુરુ-દક્ષિણા છે. આપ સર્વ શંકાનો ત્યાગ કરી મને સમર્પિત થાઓ. એજ એકમાત્ર ઉપાય છે. સમ્રાટ, આપ સમ્રાટ રુદ્રદત્ત વિશે જાણો છો?”

અણધાર્યા આવી પડેલા પ્રશ્નથી સમ્રાટ સાવચેત થઇ ગયો. તે અનેક વર્ષ પાછળ પહોંચી ગયો. સમ્રાટ રુદ્રદત્તનું સામ્રાજ્ય દુર્જય હતું. અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ રક્ષકો અડગ બની શત્રુને હંફાવતા હતા. સૈન્ય અનેક યુદ્ધવિદ્યાઓથી જ્ઞાત હતું, અને યોદ્ધાઓ સાહસિક. સચેત ગુપ્તચરતંત્રના કારણે સામ્રાજ્યમાં ગુપ્ત આક્રમણ કરવું શક્ય નહોતું. પ્રામાણીક સેવકો અને પ્રજાના પ્રતાપે આ સામાજ્યનો સૂર્ય મધ્યાહને તપતો હતો. પ્રજા-વત્સલ શાસક અને વિદ્વાન અમાત્યની નિષ્ઠાથી આ સામ્રાજ્ય અભેદ્ય હતું. આ સામ્રાજ્ય પર વિજય મેળવવા..

એક સમયે સફળતાનું સ્મરણ કરાવતો ભૂતકાળ હવે સમ્રાટને ભૂતાવળ લાગવા માંડ્યો. એમને એક પછી એક રુદ્રદત્ત સાથે કરેલાં કપટ યાદ આવવા લાગ્યાં. સમ્રાટ રુદ્રદત્તને પરાજિત કરવા આચરેલાં અનેક દુષ્ક્રુત્યો સમ્રાટની આંખો સામેથી પસાર થવા લાગ્યાં. લાંબા સમય સુધી ગુરુદેવના ચહેરા સામે જોતા રહી, સમ્રાટ ધ્રુજતા સ્વરે બોલ્યા,

“આપ તો..... સમ્રાટ રુદ્રદત્ત........... સમ્રાટ........ મને ક્ષમા...”

બ્રહ્મદત્ત હજી પણ એજ નિર્મળ દ્રષ્ટિ અને શાંત ચિત્તથી બોલી રહ્યા હતા, “સમ્રાટ, રાજ્યકર્તા કરતા રાજ્ય હંમેશા વધુ મહત્વ ધરાવે છે....”

સમાપ્ત