Mitho Limdo Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mitho Limdo

મીઠો લીમડો

"અરે આ મીઠો લીમડો કેમ રહેવા દીધો?” વનરાજ નો પિત્તો ફરી છટક્યો.

બહારવટિયાછાપ દાઢીનો સફાયો કરાવ્યા પછી આખા કમ્પાઉન્ડમાં આડેધડ ઊગી ગયેલા ઝાડા-પાન-વેલા-ઝાંખરાંનો વારો હતો.

ઘરની ચોતરફ ઊગેલી વનરાજી મૂળ તો જે.સી.બી.થી મૂળસોતા ઉખાડવાની ગણતરી હતી. પણ એ બધું ખોદાવવું, ફરી સમથળ કરવું, પૂરાણ કરાવી ટીપાવવું, અને જરુર લાગે તો ફરી પૂરાણ કરાવવું... આ બધા માટે હવે સમય નહોતો. થડ કપાવીને ઢગલાબંધ ઝાડનો સફાયો બોલાવી દીધો. વેલા-વેલી કઢાવીને બહાર ફેંકાવી દીધા. અને બાકી રહેલા થડ ઇલેક્ટ્રીક કટર વડે જમીનથી લગોલગ વઢાવ્યાં. ઉપર સફેદ રેગ્ઝીન પથરાવી દીધું; જમીન સમથળ લાગે અને ધૂળ-કાંકરી પણ ના ઊડે. બધું એકદમ સ્વચ્છ !

લગભગ છ વર્ષ પછી આજે દાઢી કરાવી હતી. અથવા કહો તો કરાવવી પડી’તી. બાકી તો વનરાજની ઓળખ ચહેરા પરના ગીચ જંગલ પરથી જ થતી. ગુલાબી ચહેરાને કરડો દેખાડવાનો આ પ્રયત્ન હતો. મા - બાપ વગરના બાળપણમાં ઊગેલો વનરાજ નાનકી વર્ષા પર જીવ રેડતો. નાની બહેન નહિં, જાણે દીકરી જ માની હતી. જીવનનું ધ્યેયમાત્ર વર્ષા.

"બસ કંઇક સારું ભણી, પગભર થઇ જાય ...”

અને એટલે જ તો જીવન-મુડી દાવ પર લગાવી એને "ફોરેન" ભણવા મોકલેલી. આજે અડધા દાયકા પછી વતન આવી રહી હતી. ત્યાં અમેરીકા જઇ પી.એચ.ડી કર્યા પછી એજ યુનિવર્સિટીમાં રીસર્ચર તરીકે નિમણૂક મળી ગઇ હતી. સોલિડ સ્ટેટ ડ્રાઇવ નામની કોઇ વસ્તુ પર એ રીસર્ચ કરતી હતી. વન્ય-સૃષ્ટિને વરેલાં વનરાજને આમાં કંઇ વધુ ટપ્પા તો ન પડતાં, પણ એવું કંઇક સમજાયું’તું કે કોમ્પ્યુટરમાં આવતી મેમરીને લગતી કંઇક વાત હતી. ખાસ પ્રકારના એપ્રન પહેરીને જ એ પ્રયોગશાળામાં પ્રવેશ મળતો. ખૂણો-ખૂણો ચોકસાઇથી સાફ રખાતો. સ્લાઇડીંગ બારીઓ નહિં, ઘેરા રંગના કાચ વડે એકોએક બારીઓ પેકો-પેક બંધ રહેતી ..

"ભાઇ, યુ વોન્ટ બિલીવ ... આખા બિલ્ડીંગમાં એક રજકણ ન મળે!"

કલાકમાં પાંચમી વખત હાથ-પગ ધોઇ એ બાથરુમની બહાર નીકળ્યો. ઘરની એકોએક બારીનું બંધ હોવાપણું એણે ફરીથી ચકાસ્યું.

"ઓય છગન! ના પાડી’તીને! ફરીથી મંડી પડ્યો?!!"

એક કરોળિયો ફરીથી જાળું બનાવી રહ્યો’તો. એણે હળવેકથી તેને હથેળીમાં લઇ લીધો. બીજા હાથ વડે પીંજરાની છત બનાવી એ એને બહાર રસ્તા સુધી વળાવતો આવ્યો. અચાનક આવી પડેલા તડકા અને ખુલ્લા આકાશ નીચે ડરી ગયેલો કરોળિયો આમ-તેમ દોડવા લાગ્યો. વનરાજ ઉદાસ ચહેરે જોઇ રહ્યો. આ અને આવા અનેક કરોળિયાની ફોજ એના કુદરતી મચ્છર અગરબત્તી હતા.

પણ વર્ષા પાંચ વર્ષ યુ.એસ. રહી પાછી આવી રહી હતી. ફર્શથી લઇને સીલીંગ-ફેન સુધી બધું ચોખુચટ, બધું ચકાચક કર્યું હતું. દીવાલમાં કીડીઓએ ખોદી કાઢેલા એકોએક દર એણે એમ-સીલ વડે પૂરી નાખ્યા હતા. એકો-એક જાળા બાવા એણે માથે ઊભા રહી સાફ કરાવ્યાં હતાં. બારીઓના કાચ ઠીક કરાવી, મીજાગરા બદલાવડાવી, ભેજથી ફૂલી ગયેલાં લાકડાં પર રંધો મરાવી, ઘરને જાણે હવા-ચુસ્ત કરી નાખ્યું હતું. વર્ષાનો રુમ વાતાનુકુલિત કરી નાખ્યો હતો. સાઇટ્રસ સુગંધ વાળું રૂમ-ફ્રેશનર પણ લઇ આવ્યો હતો.

“દુખ થાય છે. કશમકશ છે. આ કીડા-મકોડા-ગરોળી-કાચિંડા બધાને ઘરમાંથી બહાર કાઢ્યા પછી બહુ એકલવાયું લાગે છે. હું પોતે મૂળસોતો ઉખડી ગયો હોઉં એમ લાગે છે.”, ૭૦૦ શબ્દોના બળાપાનું છેલ્લું વાક્ય ટાઇપ કરી એણે બ્લોગ અપડેટ કર્યો.

અડધા દીવસની દોડાદોડ પછી હવે જઠરાગ્નિ દાવાનળ બનીને દઝાડી રહી હતી. કોમ્પ્યુટરના ટેબલ ઉપર છાપું પાથરી એ ટીફીન ખોલવા લાગ્યો.

“ને ભાઇ , નો ઇટીંગ એલાવ્ડ ઇન ધ પ્રિમાઇસીઝ. ઇવન કોફી પીવા માટે પણ બાજુમાં, જનરલ કાફેટેરીયામાં જ જવાનું.”

ટીફીનમાંથી આવતી ગરમાગરમ દાળની સુગંધ એના નાક અને મગજ વચ્ચે જ અટકી ગઇ. છાપા સહિત આખું ટીફીન ઉપાડી એ ડાઇનીંગ ટેબલ પર બેઠો. ટેબલ નીચે સંતાયેલા મચ્છર ઉડાઉડ કરવા લાગ્યા. ટીફીન ફરીથી પેક કરી એણે થેલીમાં મુકી દીધું. કમાન્ડો એના ટાર્ગેટ પર તુટી પડે એમ વનરાજ મચ્છરની દવા સ્પ્રે કરવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં આખી ફર્શ મરેલા મચ્છરોથી ભરાઇ ગઇ. કચરો વાળી એણે હાથ ધોયા. ફરીથી ટીફીન ખોલવા લાગ્યો. પણ દવાની ગંધ હજી પણ આવી રહી હતી. બધું એમનું એમ મુકી એ બગિચામાં આવી ઊભો. થોડી ખુલ્લી હવામાં રહે તો કંઇક મજા આવે. ઝાડ-વેલાં કપાવીને ત્યાં બંધાવેલા શામિયાણામાં હવે બફારો થઇ રહ્યો હતો. એણે એક ઊંડો શ્વાસ લીધો. પણ હવે સુકી હવા સિવાય બિજું કંઇ નહોતું. પ્રસંગની તૈયારીઓ કરાવવા માટે રાખેલા મજૂર રોટલો ખાધા પછી મીઠી નિંદરમાં હતાં. એણે પણ વર્ષાના ઓરડામાં જઇ બેડ પર લંબાવ્યું.

હવે બસ સાંજ પડે એટલે ઘર છેલ્લી વખત સાફ કરી, આખું ઘર હવાચુસ્ત બનાવી દેવાનું હતું. આજે અડધી રાતે એ લેન્ડ કરવાની હતી. કાલે બપોરથી એના મિત્રો-સખીઓનું ગેટ-ટુગેધર હતું. અને સાંજે હસવા-કુદવાનું, નાચવા-ગાવાનું .. બધો કાર્યક્રમ ગોઠવી નાખ્યો હતો. દીવસોની દોડધામ હવે એના ખભા થકાવી રહી હતી. એની આંખો ઘેરાઇ રહી હતી.

“અરે, પેલો મીઠો લીમડો ... ”, એણે બહાર જઈ જોયું તો સૂરજ ડૂબવાની તૈયારી હતી. મજૂર બધું જ કામ પતાવી ચાલ્યા ગયા હતા. ઘર બહારથી અને અંદરથી એકદમ ચોખુંચટ હતું. બધું તૈયાર હતું. એણે કાંડા ઘડિયાળમાં જોયું. બસ એક કલાકમાં તો ટેક્સી આવવાની હતી. એ ઉતાવળા પગલે ઘરમાં પ્રવેશ્યો. બારી-બારણા ચકાસી, ઘરના ખૂણે-ખૂણાની ચોખ્ખાઇ તપાસી, એણે વર્ષાના રૂમમાં વાતાનુકુલન યંત્ર સ્વીચ-ઓન કર્યું. રૂમ-ફ્રેશનર સ્પ્રે કરી એ તૈયાર થવા લાગ્યો.

પછીનો સમય ગાંડીતૂર નદીની જેમ પસાર થતો રહ્યો. એ લેન્ડ થઇ ત્યારથી સૂર્યોદય સુધી વર્ષાની અવનવી વાતો ચાલુ જ રહી. વિજ્ઞાન અને તકનીક કેટલાં આગળ વધી ગયાં હતાં.

“વિજ્ઞાન, ભાઇ, કંઇ પણ કરી શકે ... એ રક્ત બનાવી શકે, સેલ્ફ-ગ્રોઈંગ ટીશ્યુઝ બનાવી શકે, અરે થોડા સમયમાં તો..... ઓહ વોટ વોઝ ધેટ? સડકની વચોવચ ઝાડ? ધેટ્સ ડેન્જરસ .. આવા ઝાડ કપાવી નાખવા જોઇએ!”

વિજ્ઞાન અને તકનીક પરથી વાત બીજા પાટે ચડી ગઇ. એ યુનિવર્સિટી જ્યાં બની એ પહેલા ત્યાં અડાબીડ જંગલ હતું. કઇ રીતે કદાવર મશીનો વડે એ જંગલનો સફાયો કરવામાં આવ્યો, કઇ રીતે વારંવાર કનડ્યા કરતા ઝેરી કરોળિયાઓને ભૂંજી નાખવામાં આવ્યા. કઇ રીતે આખી જમીનને જંતુ-નાશકો વડે એઇર-સ્પ્રે કરીને સ્ટરાઈલ કરવામાં આવી.

સ્ટરાઈલ શબ્દ વનરાજને ગૂંગળાવવા લાગ્યો. જમીનના કેટલા મોટા હિસ્સાને વાંઝિયો બનાવી દેવાયો હતો. જંતુઓને ભૂંજનારા શું યહુદીઓને ભૂંજનારા કરતા ઓછા દયાહીન કહેવાય? આગળની બધી વાતો વનરાજના મસ્તિષ્ક સુધી પહોંચતી બંધ થઇ ગઇ...

“ભાઇ, ભાઇ, વ્હોટ ધ હેલ્લ હેવ યુ ડન! વ્હેર્સ ધ ગાર્ડન. ઝાડ-વેલા બધું ક્યાં ગયું???”

સવાર પડી ગઈ હતી. ટેક્સી કમ્પાઉન્ડના ગેઇટ પર ઊભી હતી. વર્ષા એને હચમચાવી રહી હતી. એણે રડમસ અવાજે પૂછ્યું,

“ભાઇ! મારો મીઠો લીમડો તો રાખ્યો છે ને?”

સમાપ્ત