26th January Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

26th January

૨૬મી જાન્યુઆરી

ભરચક રસ્તાને કિનારે કાંકરીયાની પાળી પાસે બાઇક પાર્ક કરીને મિત્રો ગોઠવાયા હતા.

“વાત કંઇ આગળ વધી?”

“ના.”

“તેં લેટર આપ્યો?”

“ના.”

“તો આપ!”

“ના.”

“તૂં દોસ્ત આમ જ રહી જઇશ.”

“પણ અમારી વચ્ચે માત્ર મૈત્રી છે..”

“તારા મનમાં તો કંઇક વધુ છે ને?”

“મને ડર છે કે એમ કરતા ક્યાંક એની મૈત્રી પણ ગુમાવી બેસીશ.....”

મજનૂ, રાંઝા અને ફરહાદોની મહેફીલ વચ્ચે સેન્ડવીચની ડીશો ગોઠવાતા આ મિત્રોની વાતો બિજા પાટે ચડી ગઈ. સાંજનો ઢળતો સૂરજ નદી પારના ઝળહળાટ પાછળ સંતાઈ ના જાય ત્યાં સુધી આ કિલકિલાટ ચાલુ રહેતો. લગભગ સાતેક વાગ્યા આસપાસ સૌ છુટા પડ્યા. સૌરભે એની પલ્સર સી.જી.રોડ પર આવેલા ફ્લેટ તરફ મારી મુકી. એમ.સી.એ. કરવા એ અમદાવાદ આવ્યો હતો.

રીટા , પ્રાઇમરી સ્કુલની આ ક્લાસમેટ અનાયાસે જ વિદ્યાનગરની કોલેજમાં મળી ગઇ. અને એક જ કોલેજમાં એમ.સી.એ. નું એડમિશન મળવું એ તો જાણે ચમત્કાર જ હતો. વિદ્યાનગરથી અમદાવાદ આવ્યો એટલે જુના ગ્રુપની જગ્યા નવા સર્કલે લઈ લીધી હતી. પણ આ એક મિત્રનો સાથ ટકી રહ્યો હતો.

વિદ્યાનગરમાં સાથે કાઢેલા સમયે બન્નેને ઘણા નજીક લાવી દીધા હતા. પણ ઉંમરની સાથે સમજણ વધતા બંને પોતાની જવાબદારી અને મર્યાદાઓ પણ સમજતા શીખ્યા. અને આ વિશ્વાસના આધારે જ અહીં ટુ-રૂમ-કીચનમાં ભેગા રહેવાની હીંમત દાખવી હતી. બંને રૂમ પર એક-એક જણે કબ્જો જમાવ્યો હતો, અને રસોડું એ શેર કરતા. આ ગોઠવણથી રીટાને સીક્યુરીટીનો પ્રોબ્લેમ નહોતો રહ્યો, અને સૌરભને બહારનું જમવાનો.

આમ છતાં, રીટાની ફ્રેન્ડ્સ જ્યારે પાર્ટી રાખતી ત્યારે સૌરભે ફ્લેટની બહાર રહેવું પડતું. રીટાએ ઘરે કહેલું કે તે એની બહેનપણી સાથે રહે છે. અને જ્યારે પણ મમ્મી-પપ્પા આવે, સોરભે કોઇ દોસ્તના રૂમનો સહારો લેવો પડતો.

કાંકરિયાની પાળનું બ્રિફીંગ કંઈ નવી વાત નહોતી. પણ રીટાને આવી શિખામણ લગભગ દરરોજ મળતી. ક્લાસની ઘણીખરી સ્ટુડન્ટ્સને પોતાની જર્નલ પૂરી થાય તે કરતા રીટા-સૌરભની પ્રેમકથા શરૂ થાય એમાં વધુ રસ હતો. રીટાના ફ્લેટ પર જ પાર્ટીઓ રાખવાનું પણ આ જ કારણ હતું; પણ પાર્ટીની જાણ થતાં જ સૌરભને ફ્લેટની બહાર જવાનું અલ્ટીમેટમ મળી જતું. આમ ને આમ એમ.સી.એ. ના ત્રણ સેમિસ્ટર ક્યાં પૂરા થઈ ગયા તે ખબર જ ના પડી.

ફાઇનલ સેમિસ્ટરની શરૂઆત થતાં જ સૌરભ અને રીટા પર સારા માર્ક્સ લાવવાનું, અને બાકીના સ્ટુડન્ટ્સ પર વિરહકથાનો સુખદ અંત લાવવાનું ટેન્શન ચડવા લાગ્યું. મહા-મહેનતે એક દિવસ સૌરભ તૈયાર તો થયો. કાલે છવ્વીસમી જાન્યુઆરી હતી, અને કોલેજમાં રજા હતી. વહેલી સવારે રીટા આંખ ખોલે તે સાથે જ સૌરભે તેની સામે એક લાલ ગુલાબ મુકી હ્રદયની લાગણી પાથરવાની હતી. રીટા-સૌરભના મિત્રોની જોઇન્ટ કમિટિએ એને ગુડ-લક ડીનર આપ્યું પણ વાતો વાતોમાં ક્યારે મોડી રાત થઇ ગઈ તે ખબર જ ના પડી.

મોડી રાત થઇ જવા છતાં તેને ઊંઘ નહોતી આવી રહી. એના હ્રદયમાં તોફાન મચેલું હતું. એક તરફ પ્રણયનું સ્વપ્ન, તો બીજી તરફ મૈત્રી ગુમાવવાનો ડર. અસમંજસમાં ઘેરાયેલો સૌરભ આખી રાત ઊંઘી ન શક્યો. વહેલી સવારે એની આંખો ઘેરાવા લાગી...

એ જાગ્યો ત્યારે તડકો વધી ગયો હતો. તેણે ઘડિયાળમાં જોયું તો આઠ વાગવા આવ્યા હતાં. રીટા ક્યારની ઊઠીને છેલ્લા સેમિસ્ટરના દળદાર પુસ્તકોમાં ડુબી ગઈ હતી. ત્યાં ડોરબેલ વાગી. દરવાજામાં સામે રહેતા રેખામાસી હતા.

“બેટા સૌરભ, આ રીટાનો લેટર છે. ગઇકાલે પોસ્ટમેન ફેંકી ગયેલો. આમ તો એને ટ્રેઇન કર્યો જ છે. પણ ગઇકાલે કાળુએ આખુ એન્વેલપ ફાડી કાઢ્યું... આઇ એમ સોરી , બેટા.”

કવરમાં રીટાના પપ્પાનો પત્ર હતો, અને એક યુવકનો પાસપોર્ટ સાઇઝ ફોટો. રીટા એને પસંદ કરી હા પાડે એટલે એમ.સી.એ. પુરૂ થયી બીજા જ મહિને લગ્ન લેવાના હતા. સૌરભને જાણે પગ તળેથી ધરતી સરકતી હોય એમ લાગ્યું. એને યાદ આવ્યું કે રીટાએ ક્યારે પણ પ્રણયની વાત કરી જ નહોતી. પરસ્પરની નીકટતા ફક્ત એક ગાઢ મૈત્રી હતી. એને લાગ્યું કે આ એકતરફી પ્રેમ હતો. હ્રદય પર કાબુ મેળવી એ રીટાના રૂમ તરફ ડગ માંડવા ગયો તો એ સામ જ ઊભી હતી.

“રીટા .. ..”

સૌરભને કંઇક વિચિત્ર ગુંગળામણ થઇ રહી હતી. એ કંઈ બોલી ન શક્યો. એની આંખોમાં બારે મેઘ ઊમટવાની તૈયારી હતી.

“શું થયું સૌરભ? તારી તબિયત તો સારી છે ને?”

“આ, આ પત્ર .. ..”

સૌરભને લાગ્યું જાણે એ લથડી પડશે. અચાનક એને પગ ધ્રુજતા હોય એમ લાગ્યું. એ કંઈ સમજે ત્યાં તો ધરતી ખળભળી ઊઠી, અને અમદાવાદનું વાતાવરણ ચિત્કાર, શોરબકોર અને કોલાહલથી ભરાઇ ગયું.

ભૂકંપના એક મહિના પછી જ્યારે અમદાવાદનું જન-જીવન સામાન્ય થવા લાગ્યું. પગમાં ફેક્ચર સાથે સૌરભના ટેકે આવતી રીટાને જોઇ એની સખીઓએ ફરી એક પાર્ટીનું આયોજન કરી નાખ્યું.

સમાપ્ત