Limdo Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Limdo

લીમડો

આગલો દિવસ એના સ્મૃતિપટ પર કોઇ એકાંકીની જેમ ભજવાઇ રહ્યો હતો...

“અરે દોસ્ત! ઓફલાઇન થવું પડશે. હમણાં ગલગોટા આવશે..”

“ગલગોટા??? તમારે ફુલનો વેપાર છે?”

“ના ના!! હું બાળ-મંદિર ચલાવું છું.”

“વાહ! મને બાળકો ખુબજ ગમે!”

“તો ક્યારેક સમય મળે આ તરફ આવો. મારા બાળ-મંદિરની મુલાકાત લો. તમને મારી પદ્ધતિ ખરેખર ગમશે. અને બગીચો પણ! મેં ઘણા ફુલ-છોડ વાવ્યાં છે. અને એક લીમડો છે.”

“લીમડો?”

“હાસ્તો! હું બહારગામ જઉં ત્યારે એ મારા નાના એવા બગીચાને છાંયડો આપી એનું ધ્યાન રાખે છે.”, વાત આટોપી એણે કોમ્પ્યુટર બંધ કર્યું. બાળ-મંદિર એની જીવાદોરી હતું, અને જીવનધ્યેય પણ!

પ્રાથમિક શિક્ષકનો કોર્સ કર્યા પછી થોડાંજ ટકા માટે સરકારી નોકરી મળતા રહી ગઇ. પણ એ હિંમત ના હાર્યો. ગામડું છોડીને થોડી મોટી જગ્યાએ, અહિં તાલુકા મથકમાં આવી ગયો અને શરૂ કર્યું બાળમંદિર. શરૂ-શરૂમાં તો અગવડ પડી, પણ સમય જતાં એ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો. હવે બધા સમજતાં થયાં હતાં કે બાળ-મંદિર એ છોકરા રમાડવાની જગ્યા નહિં, પણ શિક્ષણની ઇમારતનો પાયો છે.

એ બાળકોને નવી-નવી રમતો રમાડતો, અને રમતની વચ્ચે-વચ્ચે પરોક્ષ રીતે વિવિધ અક્ષરોનો સંદર્ભ લઇ આવતો. ક્યારેક એના પાળીતા કુતરાને બાળકો વચ્ચે બેસાડી કુતરાનો “ક” અને પૂંછડીનો “પ” શીખવે, તો ક્યારેક આંગણામાં ચણતા પક્ષિઓ બતાવી એ ચકલીનો “ચ” અને બુલબુલનો “બ” શીખવે. શરૂ-શરૂમાં વાલીઓની ફરિયાદ આવતી કે “તમે બાળકોને આખો દિવસ રમાડ્યા કરો છો, કંઇ ભણાવતા નથી.” યોગી તરત જ એમના બાળકની પરિક્ષા લેતો, અને બધા અચરજ પામી માફી માગતા. ધીરે-ધીરે એની અવનવી શિક્ષણ પદ્ધતિઓ અને બાળ-મંદિરની વાતો પ્રસરતી ગઇ અને આવક વધતી ચાલી. લોકોને આ ચમત્કારથી વિશેષ લાગતું, પણ યોગીને ખબર હતી કે આ બાળ-મનોવિજ્ઞાનનો સહજ પ્રયોગ હતો.

આજે ઇન્ટરનેટ ઉપર થોડું વધુ રોકાઇ જવાયું હતું. એણે ઉતાવળે-ઉતાવળે ઓટલો વાળ્યો, ફળિયું વાળ્યું અને બાળકો માટે પાથરણાં લેવા ઘર તરફ વળ્યો.

“તુલસી છે તમારે ત્યાં?”

બાળ-મંદિર હોવાથી બાળકોને મુકવા આવતી સ્ત્રીઓની અવર-જવર રહેતીજ. પણ આ અવાજ એને જરા અજાણ્યો લાગ્યો. અચરજ સાથે એ પાછો વળ્યો.

“હું વસુંધરા, અહિં બાજુમાંજ રહુ છું.”, માથે ઓઢેલા સાડલામાંથી ડોકિયું કરતા એ બોલી.

યોગી એને જોયે તો ઓળખતોજ હતો. પણ કદી વાત કરવાનું કે સામ-સામે મળવાનું નહોતું બન્યું. માથાથી એડી સુધી રાતા સાડલામાં લપેટાયેલી વસુંધરાને એ જોઇ રહ્યો.

“હા, હોય જ ને! આવડો બગીચો છે તો તુલસી ના હોય!”, એ લીલાછમ પાન તોડવા લાગ્યો.

“તમારે પણ થોડીઘણી જગ્યા તો હશે જ ને! કંઇ વાવ્યું છે?”

“બાવળ ઉગાડવા કરતા ધરતી વાંઝણી રહે એ સારું...”, તુલસીના પાન લઇ એ ઉતાવળે દોડી ગઇ.

યોગીને કંઇ સમજાણું નહિં. એણે ઓટલા પર બે -ત્રણ મોટા-મોટા પાથરણા લાવીને મુક્યા. બાળકો આવે એટલે બધા ભેગા થઇને આ પાથરણાં પાથરતા. એક તરફ પાથરવાનું કામ થઇ જતું, અને બાળકોને પણ આમા મજા આવતી! રોજની જેમ એક પછી એક બાળકો આવતા ગયા અને લીમડાની ઘેઘૂર ઘટા નીચે કિલકિલાટ વધતો ગયો. આજનો વિષય સ્થાનિક વૃક્ષોનો હતો. વહેલી સવારે થોડું રખડીને એ વડ-પીપળા ને લીમડા જેવા સુલભ અને આંબો, પીપર, બીલી અને ગરમાળા જેવા થોડું રખડવાથી મળી રહેતા વૃક્ષોના પાન ભેગા કરી લાવ્યો હતો. એનું માનવું હતું કે પ્રાયોગીક પ્રવૃત્તિઓ કે પ્રમેય વડે સિદ્ધ કરેલા નિયમો ગોખવા નથી પડતા.

બધાં બાળકોને એ એક-એક પાંદડું આપતો ગયો. આ પાંદડાનું શું કરવાનું એ તો કોઇને ખબર નહોતી. પણ તાજા તોડેલાં પાનની લીલીછમ સુગંધથી બધાના હ્રદય-મન પ્રફુલ્લિત થઇ ગયા. કેટલાક બાળકો આજુ-બાજુવાળા સાથે પોતાનું પાન સરખાવવા લાગ્યા. થોડીવાર માટે તે એક તરફ બેસી બાળકોની પ્રવૃત્તિનું નિરિક્ષણ કરતો રહ્યો.

“આનું શું કરવાનું છે?”, અંતે એક-બે બાળકોની ઉત્કંઠા ઉભરાવા લાગી.

એણે હેતથી પાસે બોલાવી બાકીના પાંદડા સાથે એમનું પાંદડું સરખાવવા કહ્યું. એક પછી એક બાળકો કાલી-ઘેલી ભાષામાં એમની સમજ મુજબ અલગ-અલગ પાંદડાઓ વચ્ચેનો ફેર શોધીને કહેવા લાગ્યા. એણે બધાને સમજાવ્યું કે જેમ જુદા-જુદા લોકોના ચહેરા જુદા હોય, એમ જુદા-જુદા ઝાડનાં પાંદડા પણ જુદા હોય. એણે કયું પાન કયા વૃક્ષનું છે એપણ સમજાવ્યું. ઝાડ-વેલાનાં નામ એણે થોડાંજ દિવસ પહેલા જોડકણા વડે શીખવાડ્યા હતા. પાથરણાના એક છેડે વચ્ચોવચ રાખેલા બ્લેક-બોર્ડ પર એણે વડનું પાન દોર્યુ અને જેમની પાસે એવું પાન હોય એ બધાને ઉભા થવા કહ્યું. આ રીતે એક પછી એક દરેક પાનનું ચિત્ર દોરીને એ બાળકોના પ્રારંભિક વનસ્પતિશાસ્ત્રીય જ્ઞાન પર કાંઠલું ચડાવતો ગયો.

“લીમડો !!!!!!!”, ઉત્સાહિત બાળકો લીમડાની ઘેઘૂર ઘટા તરફ ઇશારો કરતા ખિલખિલાટ હસવા લાગ્યા.

બ્લેક-બોર્ડ પર છેલ્લે દોરેલા પાંદડા સાથે સૌને ઘરોબો હતો. પ્રેમાળ દાદાજીની જેમ એ સૌને છાંયો આપતો. તોફાની મિત્રની જેમ ક્યારેક એ એમની પર લીંબોળી પણ ફેંકતો. કેટલાક લોકો એને ડોક્ટર કહેતા! સૌને ખબર હતી કે સવારના પહોરમાં એમના જોડકણામાં સૂર પુરાવતા પક્ષિઓ ત્યાં ઉપર, લીમડા પર જ રહેતા હતા. ગળામાં કાળો પટ્ટો લગાવીને રોફથી ફરતા હોલાભાઇ બપોર પડે ત્યાંજ કશેક સંતાઇને “ઊંઘું છું-ઊંઘું છું” બોલતા.

બાળકોને લેવા આવતા લોકો તડકો હોય કે ના હોય, લીમડા નીચે ઊભા રહેતા. વાતાવરણ થોડું વરસાદી લાગતું હોવાથી બધાને વહેલા છોડી એ બાળ-મંદિરની સામગ્રી ભેગી કરવા લાગ્યો.

“તુલસી આપોને...”,

યોગી ફરીથી તુલસીનાં સારા-સારા પાન તોડવા લાગ્યો. ભેગાભેગ ફુદીનો અને લીલી ચાના થોડા પાન આપતા એ અનાયાસેજ પૂછી બેઠો,

“કોઇની તબિયત ખરાબ છે?”

“જીવતર જ ખરાબ છે”, એ ધીમા ડગલે ચાલવા લાગી.

આમ તો વસુંધરાની કઠણાઇથી કોઇ અજાણ્યું નહોતું. એક સમયે કસ્તુર શેઠનું મોટું નામ હતું. કાલા-કપાસનો ધીકતો વેપાર હતો. કસ્તુર શેઠની હવેલીથી આજુબાજુની પાંચ શેરીઓ ઓળખાતી. એ ધાર્મીક પણ એટલા. સાધુ-સંતોની ખુબ સેવા કરતા, અને સત્સંગ પણ. કહેવાય છે કે કોઇ સિદ્ધપુરુષનું વરદાન એમની સાથે હતું. કસ્તુરનાં ધન-સમ્પત્તિ અને સમૃદ્ધિ બાળવાર્તાની રાજકુમારીની જેમ વધતા હતા. પૂત્રવધૂ તરીકે વસુંધરાનું મળવું એપણ કદાચ એક ઇશ્વરીય કૃપા જ હતી. હા, ખરેખર ઇશ્વરીય કૃપા. બાકી એકના એક પૂત્ર ઇચ્છારામને કોઇ સાચવે એમ નહોતું.

ઇચ્છારામ નામ મુજબ જ ઇચ્છાચારી હતો. એ જુગારની લતે ચડ્યો ત્યારથી કસ્તુર શેઠની સુવાસ ઘટતી ચાલી. જેમ-જેમ શેઠ વૃદ્ધ થતાં ગયાં એમ એને છુટો દોર મળતો ગયો. એ ક્રિકેટ પર સટ્ટો રમતો થયો. હારે ત્યારે દુ:ખમાં, અને જીતે ત્યારે ઉજવણી કરવા શરાબ પીવા લાગ્યો. મેચ ચાલુ હોય ત્યારે તણાવ દૂર કરવા સીગારેટ પીવાતી. બસ આમ જ પછી ગાંજા અને ચરસની લત લાગી. અંતે એક દિવસ કસ્તુર શેઠનો છુટકારો થયો. જે ઓટલા પર સાધુ સત્સંગની સુવાસ ફેલાતી ત્યાં હવે ગાંજા-ચરસની ગંધ ફેલાવા લાગી. કસ્તુર શેઠે આખું જીવન ભેગી કરેલાં સંપત્તિ અને માન-સન્માન તડકામાં કપૂર ઉડે એમ વરાળ થવા લાગ્યાં. હવેલીમાંથી મકાનમાં, અને મકાનમાંથી પછી છાપરાવાળા ઘરમાં...

“આ તમારો લીમડો એકદમ ઘેઘૂર છે!”, ફરી સાંજ આસપાસ વસુંધરા આવી હતી.

“હા, છોકરાવને બહુ ગમે છે. અને એના ઘણાં ફાયદા પણ છે...”, એ સ્મિત કરતા બોલ્યો. લીમડો એનો પ્રિય વિષય હતો. એ લંબાણપૂર્વક એના ગુણધર્મો વિશે સમજાવવા લાગ્યો...

“આ ઉપરાંત, કોઇ વૃદ્ધ કે થાકેલા વટેમાર્ગુને પણ એ કેટલી ટાઢક આપે છે!", એણે બહાર તરફ ફેલાતા છાંયડા નીચે બે-ત્રણ બાંકડા મુકાવીને એક માટલું અને પ્યાલો રાખ્યા હતા. લીમડાની ઘેઘૂર ઘટા અને માટલાના ઠંડા પાણીથી જીવ ઠારીને બધા એને આશિર્વચન આપતાં.

“પણ અચાનક, ક્યારેક વંટોળીયામાં આ લીમડો પડી જશે ત્યારે???”, એક પ્રશ્નાર્થ સાથે એ યોગીને તાગી રહી.

વસુંધરાના પ્રશ્નથી એ ગમગીન થઇ ગયો. કંઇજ બોલી ના શક્યો. પીઠ ફેરવી અંદર આવતો રહ્યો. રસોડામાં જઇ એણે ખાંડનો બુકડો ભર્યો. ઉપર લોટો ભરીને પાણી પીધું. ક્યારેક મુંઝારો થાય તો તે આમ જ કરતો. અંધારું ઘેરાઇ રહ્યું હતું. ઓસરીની બત્તી ચાલુ કરી એ જાળી પાસે બેઠો. ગોરંભાયેલા આકાશ નીચે લીમડો સ્તબ્ધ બનીને ઊભો હતો. ઢળતી સાંજને કલરવથી સભર કરી મુકતા પંખીઓ આજે શી ખબર ક્યાં છૂપાઇ ગયા હતા. વાતાવરણથી ચેતીને આજે બાળકો પણ નહોતા આવ્યા; બાકી તો સાંજ પડે ને આજુ-બાજુના છોકરા લીમડા પર ઉતર-ચઢ કરવા, કુદા-કુદ ને તોફાન કરવા આવી ચઢતા. વસુંધરા ડેલી દીધા વગર જ જતી રહી હતી. રસ્તાની પાંખી અવર-જવર એ જોઇ રહ્યો.

“લીમડો પડી જશે તો?”, વસુંધરાનો સવાલ ફરી-ફરીને હ્રદયમાં ઘૂમરાયા કરતો હતો.

કોઇ વિચિત્ર ગુંગળામણ થઇ રહી હતી. આજે અચાનક જ એને એકલું લાગી રહ્યું હતું. રાત પડવા આવી હતી. કંઇ ખાવાની ઇચ્છા નહોતી. આદુવાળું દૂધ ગટગટાવી એ પથારીમાં પડ્યો. ખુલ્લી બારીમાંથી દેખાતા લીમડાના ધૂંધળા આકાર સામે એ તાકી રહ્યો. ઠંડક વધી રહી હતી. એ ડામચિયા પરથી ગરમ ધાબળું લેતો આવ્યો. થોડાંજ દિવસો પહેલા ખરીદેલા એક પુસ્તકમાં એણે મન પરોવવા પ્રયત્ન કર્યો.

હવે વાદળ પણ ગર્જી રહ્યાં હતાં. કઇ ક્ષણે આભ તુટી પડે કહેવાય નહિં! વસુંધરાના શબ્દો એને અસ્વસ્થ બનાવી રહ્યાં હતાં. ચોપડી બંધ કરી છેલ્લા ઉપાય તરીકે એણે ઇન્ટરનેટ ચાલુ કર્યું. આજે ચેટ ઉપર કોઇ નહોતું. અચાનક ભયંકર ગર્જના થઇ. વીજળીના એક જબરદસ્ત કડાકા સાથે લાઇટ જતી રહી અને અંધારાનું વિશાળ સામ્રાજ્ય છવાઇ ગયું. ચારેકોર ઘેરીને ઊભેલી શૂન્યતા સામે એ નિ:સહાયતાથી જોઇ રહ્યો. જોરદાર પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. વસુંધરાના વિચારોની જેમ તોફાની પવન એના ઘરમાં તરખાટ મચાવી રહ્યો હતો. એ બારી બંધ કરવા ઊભો થયો.

સોળ વરસની પ્રેયસી એના યૌવનનું કામણ પાથરે એમ વીજળી અંગભંગીઓ કરી રહી હતી. લીમડો કોઇ અવધૂતની જેમ ધૂણી રહ્યો હતો. બારી ખુલ્લી જ રહેવા દઇ એ પાછો ફર્યો. લીમડો દેખાયા કરે એમ આરામ-ખુરશી ગોઠવી એ ધાબળો ઓઢીને બેઠો. બારીમાંથી થોડા-થોડા વાછંટ આવી રહ્યાં હતાં, પણ ધાબળામાં બફારો હતો. હળવેથી પગ બહાર કાઢી એણે આંગળીઓ પર થોડા છાંટા પડવા દીધા. જરા ટાઢક થઇ અને સારું પણ લાગ્યું. એણે આંખો બંધ કરી ઊંઘ લાવવા પ્રયત્ન કર્યો.

“આ લીમડો પડી જશે ત્યારે???”, આજ કેમે કરીને ચેન નહોતો પડતો. પણ કાલ સવારે બાલ-મંદિર હોવાથી ઊંઘવું પણ જરૂરી હતું. એક જબરી ગડમથલમાં એ ફસાયો હતો. લીમડો માત્ર એનો પ્રિય હતો એવું નહોતું. બધા બાળકોને એ ગમતો. વૃદ્ધો એને આશિર્વાદ આપતાં. ગામની સ્ત્રીઓને પણ આ ઘેઘૂર લીમડાના છાંયડામાં રહેવું ગમતું. એ પોતે એક આખા ગામ જેટલો સભર હતો. પણ બિચારો કેટલો અટુલો! આજુબાજુ બિજું કોઇ ઝાડ નહિં. ગામ આખું તો લીમડાના છાંયામાં ટાઢક અનુભવે, પણ એને પોતાને શું? સતત, નિરંતર, યોગીની જેમ તાપ સહન કરવાનો???

લીમડાનો સ્પર્શ કરીને વહેતા પવનનો સરસરાટ એને સંભળાઇ રહ્યો હતો. પણ અંધારું હતું. ઘરની બહાર, અને અંદર, બંને જગ્યાએ. એક ભયંકર કડાકાએ એની વિચાર-શ્રૂંખલાના ભૂકા બોલાવી દીધા. એ હાંફળો-ફાંફળો બહાર જોવા લાગ્યો. ત્યાં ઘોર અંધારૂં અને ધોધમાર વરસાદ હતા. આ કડાકો શેનો હતો? લીમડો તો બરાબર હશે ને? કે એને જ કંઇક થઈ ગયું? લીમડો પડી તો નહીં ગયો હોય! કંઇજ દેખાતું નહોતું. એ રસોડા તરફ દોડ્યો. સવારે ફાનસ અને બાકસ સહેલાઇથી જડે એમ બાજુ-બાજુમાં જ મુક્યાં હતાં. ઉતાવળે બે-ત્રણ દીવાસળી બાકસ પર ઘસતાં-ફેંકતાં છેવટે ફાનસ સળગાવી એણે દરવાજા તરફ દોટ મુકી; પણ.....

ઉંબરાની ઠોકર લાગતા એ બહાર માટીમાં પટકાણો. એની એકમાત્ર આશ, ફાનસ ફળિયાના અંધકારમાં ગાયબ થઇ ગયું. પગમાં જબરો મચકોડ આવ્યો હતો. ઊભાં થવાનું જોમ નહોતું રહ્યું. ધોધમાર વરસાદમાં એનું શરીર ભીંજાઇ રહ્યું હતું. ચારે તરફ અંધકાર, નિ:સહાયતા, એકલતા. મૂશળધાર વરસાદની સાથે એની આંખોનાં ચોધાર પણ ભળવા લાગ્યા. એનું શરીર ઠરતું ચાલ્યું. એની આંખો ધીરે-ધીરે બિડાવા લાગી.

“શું વિચારો છો?”, વસુંધરા એક પ્રશ્નાર્થભરી નજરે જોઇ રહી હતી. “તમે ચિંતા ન કરો, હું એને જીવથી વધુ સાચવીશ.”

યોગીને કંઇ સમજાઇ નહોતું રહ્યું. બહાર ફળિયામાંથી એ અંદર કઇ રીતે આવ્યો. એના કીચડીયા વસ્ત્રોની જગ્યાએ ચોખ્ખા સફેદ ઝબ્બો-લેંઘો ક્યાંથી આવ્યા. એના મચકોડ પર હળદરનો લેપ ક્યાંથી આવ્યો. અને સૌથી વધુ એ કે રાત્રીના છેલ્લા પ્રહરમાં વસુંધરા ક્યાંથી આવી.

એ પૂછી રહી હતી, “મારા આંગણામાં એક લીમડો વાવશો?”