હારેલો યોદ્ધો
અશ્વિન મજીઠિયા
શનિવારે બપોરે જગલાનો ફોન આવ્યો- "શું ભીડુ? કાલે આવો છો કે સવારે, વૃદ્ધાશ્રમની મુલાકાતે?".પાનવાળાની જે દુકાને હું ઉભો'તો, ત્યાં તેની પાછળની બેઠી-ચાલમાં જ આ જગલો રહે છે, એટલે આવતાજતાં છાશવારે અહીં ભેગો થઈ જાય, ને આમ સમય જતાં તેની સાથેની સામાન્ય ઓળખાણ એવી પાકી થઈ ગઈ છે, કે ઉંમરનો તફાવત અમારી વાતચીતમાં આડે નથી આવતો, અને તે 'જગદીશ' મારા માટે ધીમે ધીમે 'જગલો' બની ગયો છે.."અલ્યા, કાલે તો ફ્રેન્ડશીપ ડે છે. દોસ્તારો સાથે કઈંક પ્લાન્સ હશે ને તારા તો..?" -મેં વિસ્મયતાથી તેનાં આ સાવ અલગ જ પ્રકારના પ્રોગ્રામને કન્ફર્મ કરવા પૂછ્યું.."અરે નહીં રે.. એ બધી મોજમસ્તી તો સાંજે. આપણે સવારે જઈ આવીએ." -તેનો જવાબ હાજર હતો.."ઓ કે..જઈ આવીએ ચલ..!" -હું ય તૈયાર જ હતો. અમસ્તુયે તે જે કહેતો હતો, તે વૃદ્ધાશ્રમ જોવાની ઈચ્છા મને કેટલાય દિવસોથી હતી જ. તો આ, જે મોકો મળતો હતો, તે મેં ઝડપી લીધો..બીજે દિવસે રવિવારે સવારે છવ્વીસ સત્તાવીસ વર્ષનો મારો આ યુવાન દોસ્ત જગલો, પાનવાળાની દુકાને મારી રાહ જોતો ઉભો જ હતો. ઝૂંપડપટ્ટી કરતાં થોડી સારી કહેવાય તેવી ચાલીમાં, સાંકડી એવી એક ઓરડી તેનું ઘર ગણાય છે. ઘરે જ બનાવેલ ચેવડો, ચકરી, સેવ અને મોહનથાળની થેલીઓ તેનાં હાથમાં જોઈને, મેં પણ અમુક બિસ્કિટના પેકેટ્સ પાનવાળાની દુકાનેથી ખરીદી લીધા. રસ્તા આખામાં તેનો કલબલાટ ચાલુ જ રહ્યો, એટલે..વયસ્કો સાથે ગંભીર, અને યુવાનો સાથે હળવી વાતો કરી લેવાની..મારી આવડત પર હું પોતે જ પોરસાતો રહ્યો, ને તે દરમ્યાન જ રીક્ષા વૃદ્ધાશ્રમના ગેટ પર આવીને ઉભી રહી ગઈ..પંચાવન વર્ષ જેવી મારી વધતી વયને કારણે કદાચ હું થોડો વધુ જ સુસ્ત હોઈશ, કારણ હું ખિસ્સામાંથી પૈસા કાઢું તે પહેલાં તો રિક્ષાના પૈસા જગલાએ ચૂકવી ય દીધા..અંદર પેસતાં જ, જગલાને જોઈને ત્યાંની જમાત ખુશ થઈ ગઈ એવું મને લાગ્યું, કારણ.."હાય હીરો..!", "ક્યા રે ચીકને..!" જેવી હાકલોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ત્યાં હાજર બધા જ દાદા-દાદીઓ પોતાની જૈફ ઉંમરને ભૂલી જઈને તેની ટીખળ કરવા લાગ્યા, અને જગલો પણ હસી હસીને બધાનું અભિવાદન નટખટ શૈલીમાં જ કરતો રહ્યો, ને સાથે સાથે મને ય અહેસાસ કરાવતો રહ્યો, કે અમારા બન્ને વચ્ચે હળવી શૈલીમાં વાતો કરવાનો જે સંબંધ છે..તે કોને આભારી છે..!.હાથમાંની બધી જ થેલીઓ ત્યાં ઓફિસમાં જમા કરાવીને, હાથમાં ફક્ત મોહનથાળનું બોક્સ લઈને તે ખૂણામાંની એક ઓરડીમાં પેસ્યો..તે રૂમમાં વ્હીલચેર પર એક ડોસીમા બેઠા હતાં. પંચોતેર થી એંશી વરસની વચ્ચેની જ ઉંમર હશે તેમની, પણ ચહેરા પર બુધ્ધિમત્તાનું તેજ ઝગમગતું હતું, ને આંખોમાં ય કોઈક અનેરી જ ચમક હતી.."ઓય બુઢ્ઢી, કૈસી હો..?" -માજીને જોતાં જ જગલાએ તેની ફરતે હાથ ફેલાવી દીધા.."સાલા નાલાયક..! ક્યાં? છો ક્યાં આજકાલ? તારી આ ફ્રેન્ડને ભૂલી ગયો લાગે છે..!" -ડોસીમાએ પણ જગલાને રોકડું પરખાવ્યું, ને પોતાના હાથ તેની સામે ફેલાવ્યા, તો હસતા હસતા જગલાએ તે માજીને પોતાની ભીંસમાં લઈ લીધા.પછી મારી ઓળખાણ કરાવી, તો મેં વિનયપૂર્વક તેમને નમસ્તે કરવા હાથ જોડ્યા. હું તેમના ચરણસ્પર્શ કરવા નીચે નમ્યો તો, 'ના ના' કરતા તેણે પોતાની વ્હીલચેર પાછળ ખેંચી લીધી.."આ મારી ફ્રેન્ડ છે, થોડી બુઢ્ઢી દેખાય છે, પણ છે એકદમ ટકાટક. એકમેકને ગાળો દીધા સિવાય અમારો દિવસ પસાર ન થાય..ખાવાનું જ ના હજમ થાય, યાર..! મર્યા પછી તેની બધી જ પ્રોપર્ટી મારા નામે કરી જવાની છે, એટલે જ સહન કરું છું હું આને..!" -બોલતા બોલતા જગલો મસ્તીભર્યું હસ્યો.."કઈં જ નથી મળવાનું તને. મારા મરવાની વાટ જ જુએ છે ને તું..? મને ડાયાબીટીસ છે તોય, કાયમ મીઠી મીઠી મીઠાઈઓ લઈ આવે છે..! મારી પ્રોપર્ટી તારા નામે નહીં, તારા દીકરાના દીકરાને નામે કરી જઈશ..પછી તું ય વાટ જોતો બેઠો રહેજે ઘડપણ સુધી, નપાવટ..!" -માજીએ પણ એટલા જ જુસ્સામાં જવાબ આપ્યો.આટલો મુક્ત વાણી-વિલાસ..? હું અચંબિત થઈ ગયો, ને મને આશ્ચર્યચકિત થયેલો જોઈ તેઓ બન્ને હસવા લાગ્યા..
"હું જયમાલા..!" -ડોસીમાએ પોતાની ઓળખાણ આગળ વધારતા મને કહ્યું- "વ્યવસાયે ટીચર. વિદ્યાર્થીઓમાંથી જવાબદાર નાગરિકો ઘડવાની જવાબદારી મારી. એક હિન્દી મીડીયમ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થઈ હતી, તે પછી ઘરમાં હું ને મારો હઝબન્ડ..અમે બંન્ને જ રહ્યા હતા. દીકરો ભણવામાં હોશિયાર હતો, તો ફોરેન ગયો આગળનું ભણવા, ને નોકરી કરવા..ને પછી ત્યાં જ ગમી ગયું તો રહી પડ્યો ત્યાં જ. આજે પોતાનો પરિવાર વસાવી ત્યાં સુખેથી રહે છે. દીકરી લગ્ન કરી સારા ઘરે સાસરે ગઈ. વીસેક વરસ સંસાર ભોગવ્યો હશે તેણે, પણ મારા જેટલી આવરદા નહીં હોય, તે પાંચ વરસ પહેલાં જ એક નાની એવી બીમારીમાં મોટું ગામતરું કરી ગઈ. મારો વર તે આઘાત ન ઝીરવી શક્યો, તો વરસ દિવસના ખાટલા બાદ તેનું ય જીવન સંકેલાઈ ગયું. એ વાતને ય સાડા ત્રણ વરસ થઈ ગયા. દીકરાએ ચોવીસ કલાક માટે આયાની જોગવાઇ કરી આપી. ફોરેનથી પૈસા મોકલતો, પણ આ ઘૂંટણની બીમારી થઈ, ને મેં ધ્યાન ન આપ્યું..એટલે આ વ્હીલચેરમાં પટકાઈ ગઈ. ને પછી આવી અવસ્થામાં કોણ આયા કે નોકરાણી ટકવાની? દીકરી ગઈ એટલે જમાઈએ પણ છેડો ફાડી નાખ્યો. દીકરાને પાછા ફરવાની ઈચ્છા નહોતી. ખૂબ નિરાશ થઈ ગઈ હતી હું, તો દીકરાએ છેવટે વૃદ્ધાશ્રમનો વિકલ્પ સુચવ્યો, ને મેં ય તે આનંદપૂર્વક સ્વીકારી લીધો. અહીં આવ્યા બાદ આજુબાજુ વસ્તી તો લાગતી, પણ એકલતાની લાગણી પીછો ન છોડતી. એટલામાં તમારા આ જગલા સાથે ભેટો થઈ ગયો. આ અને એનાં અમુક દોસ્તો, નિરાધાર અને અનાથ લોકોના, પોતાના જ સગા સંબંધી સમજીને અંતિમ-સંસ્કાર કરે છે. ભગવાન..! આવા ય લોકો હોય છે આ જગતમાં. ને પછી તો, આ લોકો મને પોતીકા જેવા જ લાગવા માંડયા. આ જગલો..હીરો જેવો જ દેખાય છે, કારણ હમેશ હસતો જ ચહેરો હોય છે તેનો. આને કોઈ દિવસ કોઈ દુઃખ હશે જ નહીં..એવું જ મને તો લાગે છે. કોઈના ય અંતિમ-સંસ્કાર કરતી વખતે તેનું મોઢું તો ગંભીર હોય, પણ આંખોમાં દુઃખ ન દેખાય. પહેલી વાર મને મળ્યો ત્યારે બુંદીનો લાડવો આપ્યો મારા હાથમાં. મેં કહ્યું કે મને ડાયાબીટીસ છે. તો કહે, આમને આમ હજી કેટલા વરસ જીવવું છે માજી? તબિયતની ફિકર કરતાં કરતાં, જીવન તો હવે પૂરું થઈ ગયું, સમજ્યા..! 'જલ્દી મોત આવે...જલ્દી ભગવાન બોલાવી લે', એવું તો કાયમ બોલો છો, ને પાછા તબિયતની ફિકરેય એટલી જ કરો છો..? ગપાગપ ખાઓ, તો એટલું આયુષ્ય પણ ઓછું થશે. મન મારીને વધુ જીવીને કામ શું છે? ને પછી હું જ આવીશ તમને પરલોક પહોંચાડવા..!આ તોફાનીનું એવું બેધડક પ્રવચન સાંભળીને આખો દિવસ હું હસતી જ રહી. ને બસ, તે જ દિવસથી મારુ જીવન બદલાઈ ગયું. હવે તો બસ પ્રફુલ્લિત રહેવાનું, ને જાત પર હસવાનું...આ જ મને આવડે છે.".ડોસીમાનું આ બધું બોલવું સાંભળી અમે બેઉ હસવા લાગ્યા, ને સાથે ડોસીમા ય એમાં જોડાયા. "હા રે..! મેં ય કોઈ દિવસ આને સિરિયસ જોયો જ નથી." -હું ય બોલી પડ્યો, ને એક નિખાલસ કબુલાત અજાણતા જ થઈ ગઈ.પણ તરત જ ડોસીમા બોલ્યા- "તે હેં જગલા, આજે ‘ફ્રેન્ડશીપ-ડે’ના દિવસે તારી આ ફ્રેન્ડને એક ગિફ્ટ આપીશ કે તું..?".આ સાંભળીને જગલો ય તોફાને ચડ્યો- "એની મા ને.. આ ઉંમરે ય તારી ઈચ્છાઓ હજી બાકી છે? શું જોઈએ છે તને માવડી? તારા અંતિમસંસ્કાર તો હું જ કરવાનો છું, તો શું હવે તારું બારમું તેરમું ય હું જ કરું કે..?"."ના.. બારમું તેરમું ના કરતો. બસ..થોડું રડીશ કે તું મારા માટે? આપણા મર્યા બાદ આપણી પાછળ રડવાવાળું ય કોઈ નહીં હોય એ કલ્પના જ સાવ કેવી લાગે છે રે..! તને હું મારો ફ્રેન્ડ સમજુ છું, પણ તું ય રડવાનો નથી મારી પાછળ, એની ખાતરી છે મને. અને એટલે જ નછૂટકે તારી પાસે તારા આંસુ માગું છું. આપીશ કે તું?".આવી સાવ જ અણધારી માગણી સાંભળતા જ જગલો ભાંગી પડ્યો. એક ક્ષણ માટે તેનો ખુબસુરત ચહેરો દુઃખ અને શોકથી વિકૃત થઈ ગયો, ને હું ય અસ્વસ્થ થઈ ગયો. ."એની મા ને..! ડોસલી..કઈં પણ માગી લે છો..!" -કહેતા કહેતા તેણે ડોસીમાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. થોડીક પળો સુધી તેની આંખોમાં આંખ પરોવી તેને નિરખતો રહ્યો, ને પછી હારેલા યોદ્ધાની જેમ તે ઓરડીમાંથી બહાર નીકળી ગયો. .હું થાંભલા સમાન સ્તબ્ધ બની ત્યાં જ ખોડાઈ ગયો, ને તેની પીઠ નિહાળતો રહ્યો..કેટલી ય વાર સુધી..! વર્ષોથી અનાથાશ્રમની મુલાકાતે આવતા અને જીવનની કડવી વાસ્તવિકતાઓને ખુબ સમીપથી નિહાળતા જગલા જેવા જિંદાદિલ યુવાનને કદાચ, આજે પહેલીવાર તેની સામે હારવું પડ્યો હતું..!
[સમાપ્ત]