વિવિધ કચોરી Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવિધ કચોરી

વિવિધ કચોરી

મિતલ ઠક્કર

અડદ દાળની કચોરી

સામગ્રી: પડ માટે -બે કપ મેંદો, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.

પૂરણ માટે : પોણો કપ અડદની દાળ, એક ચપટી હળદર, અડધી ચમચી જીરું, એક ચમચી ધાણા પાઉડર, એક ચમચી વરિયાળી પાઉડર, પા ચમચી ગરમ મસાલો, પા લાલ મરચું પાઉડર, બે લીલા મરચાં સમારેલા, એક ઈંચ આદુંનો ટુકડો, બે ચમચા કોથમીર સમારેલી, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.

રીત: સૌપ્રથમ દાળને સાફ કરીને બે કલાક માટે પલાળી રાખો. ત્યાં સુધીમાં મેંદામાં તેલ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીને પાણી લઈને પરોઠા જેવી કણક બાંધી લો. તૈયાર કરેલી કણકને વીસ મિનિટથી અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખો. હવે પલાળેલી દાળમાંથી પાણી નીતારીને અધકચરી વાટી લો. ત્યારબાદ એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, ધાણા પાઉડર, વરિયાળી પાઉડર, લીલું મરચું અને આદું નાખીને મસાલાને થોડો શેકી લો. ત્યાર બાદ તેમાં અધકચરી દાળ નાખીને શેકો. જ્યારે દાળ લાઈટ બ્રાઉન રંગની થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં કોથમીર અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી સાંતળો. બસ સ્ટફિંગ તૈયાર છે. હવે તૈયાર કરેલ કણકમાંથી નાના લુઆ બનાવી લો. તેમાંથી નાની પૂરી વળી લો. ત્યારબાદ તેમાં એક ચમચી દાળ ભરીને ચારે બાજુથી બંધ કરીને ગોળ બોલ બનાવી લો. ત્યારબાદ ધીમા હાથે ફરીથી તેમાંથી નાની પૂરી વળી લો. પૂરી ફાટવી ના જોઈએ. કચોરી તૈયાર કરો એ દરમિયાન કચોરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી કચોરીને લાઈટ બ્રાઉન રંગની તળી લો. તૈયાર કરેલી ગરમાગરમ કચોરીને મીઠી તીખી ચટણી સાથે સર્વ કરો.

અળવીની કચોરી

પૂરણ માટેની સામગ્રી: ૨ ૧/૨ કપ અળવી છાલ ઉતારીને છીણેલી, ચપટી હિંગ, ૨ નાના ચમચા વરિયાળી અને આખા ધાણા, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી આમચૂર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી ધાણાપાઉડર, મીઠું સ્વાદ મુજબ, ૨ ચમચા રિફાઈન્ડ તેલ.કચોરીની સામગ્રી: ૧ ૧/૨ મેંદો, ૧/૪ ચમચી મીઠું, ૨-૩ ચમચા ગરમ તેલ મોણ માટે, તળવા માટે તેલ.

પૂરણ બનાવવાની રીત: તેલ ગરમ કરી તેમાં હીંગ અને અળવી નાખી બ્રાઉન રંગીન થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો. પછી બધા મસાલા નાખી થોડીવાર સાંતળો. તેમાંથી તેલ છૂટું પડે પછી મિશ્રણ ઠંડુ કરવા મૂકી દો.

કચોરી બનાવવાની રીત: મેદામાં મીઠું નાખી ચાળી લો. પછી તેમાં મોણ નાખી મેંદો આંગળીથી મસળો. પછી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને ભીના કપડાથી ૫-૧૦ મિનિટ ઢાંકીને રાખી મૂકો. પછી લોટને પાટલી પર મસળી તેના નાના નાના લૂઆ બનાવો. એક લૂઓ લઈ, તેની નાની પૂરી વણી, વચ્ચે અળવીનું મિશ્રણ ભરી હળવા હાથે પૂરી બંધ કરો. આ રીતે બધી કચોરી બનાવી લો. તેલ ગરમ કરી તેમાં બધી કચોરી તળો પછી ચા અથવા કોફી સાથે ગરમાગરમ કચોરી ખાવ.

સત્તુની કચોરી

સામગ્રી : ૧ કપ મેંદો, ૧ ચમચો સોજી, ૧ ચમચો તેલ મોણ માટે, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ.

ભરવા માટેની સામગ્રી : ૧ મધ્યમ કદની ડુંગળી, ૨ લીલાં મરચાં, ૧/૨ ચમચી ક્લોંજી, ૧ ચમચી દળેલી વરિયાળી, ૩/૪ કપ શેકેલા ચણાનું સત્તું, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચો તેલ.

રીત : મેંદામાં સોજી, મીઠું અને મોણ નાખી લોટ બાંધો. પછી તેને ઢાંકી રાખો. ડુંગળી અને લીલાં મરચાં ઝીણા સમારો. પેનમાં તેલ ગરમ કરો. તેમાં ક્લોંજી શેકો. ડુંગળી અને લીલાં મરચાં સાંતળો. પછી વરિયાળી અને સત્તુ નાખી એક મિનિટ સુધી હલાવો. તેમાં થોડું પાણી છાંટો જેથી બધી સામગ્રી મિક્સ થઈ જાય. હવે ભરવા માટેની સામગ્રી તૈયાર છે. મિશ્રણ ઠંડું થવા રાખી મૂકો. મેંદાના નાના નાના લૂઆ બનાવો. એમાં વચ્ચે પૂરણનું મિશ્રણ ભરો. પછી બંધ કરી હળવા હાથે વણી લો. ગરમ તેલમાં મધ્યમ ગેસ પર સોનેરી રંગની કચોરી તળી લો. ગરમ તેલમાં મધ્યમ ગેસ પર સોનેરી રંગની કચોરી તળી લો. સૂંઠની ગળી ચટણી સાથે ખાઓ.

લીલા વટાણાની કચોરી

સામગ્રી : ૨૫૦ ગ્રામ લીલવા અથવા લીલા ફોલેલા વટાણા, ૧૫૦ ગ્રામ લીલા વઢવાણી મરચાં, એક ટેબલ સ્પૂન લીલું ખમણેલું કોપરું, બે ટેબલ સ્પૂન લીલા સુધારેલા ઝીણાં ધાણાભાજી, એક ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટી સ્પૂન તલ, સ્વાદ પ્રમાણે મીઠું, અર્ધા લીંબુનો રસ, ૧ ટી સ્પૂન ખાંડ, ૧ નાની વાટકી મેંદો અથવા ઘઉંનો લોટ, તળવા તથા મોણ માટે તેલ.

રીતઃ સૌપ્રથમ લીલવાને અથવા વટાણાને મિક્સીમાં વાટો. પેણીમાં એક નાનો ચમચો તેલ મૂકી માવાને વઘારવું. ચપટી સોડા નાખો. મીઠું નાખી લીલવાનાં માવાને ચઢવા દેવું. બરાબર ચઢી જાય પછી ઠંડુ પડે એટલે લીંબુ, ખાંડ, આદું-મરચાં, તલ, કોપરું, ધાણા નાખી હલાવવું. લીલાં મરચાંને ધોઇ કોરાં કરવા. ચપ્પુથી કાપો પાડી બી કાઢી નાખવા. પછી લીલવાનો માવો મરચાંમાં ભરવો. મેંદામાં અથવા ઘઉંના લોટમાં તેલનું મોણ અને ચપટી મીઠું નાખી લોટ બાંધવો. લોટને બરાબર કેળવવો. નાના લૂઆ કરી પાતળી પૂરી વણવી. એકદમ પાતળી ન વણવી. મરચાંને ફરતે પૂરી વીટાળવી અને ઉપર નીચેથી લોટ કાઢી નાખવો. આ રીતે બધી જ મરચાંની કચોરી કરવી અને ગરમ તેલમાં તળવી. લીલા ધાણાની ચટણી સાથે પીરસવી.

નોંધ : આ જ રીતે લોટની જગ્યાએ બટેટાનો માવો વાપરી શકાય. ૨૫૦ ગ્રામ બટેટાને બાફી-છોલી એકદમ કોરા કરવા. તેમાં એક ટેબલ સ્પૂન આરાલોટ અથવા ચોખાનો લોટ અને ચપટી મીઠું નાખી પેટિસ જેવો લોટ કરવો. હથેળી તેલવાળી કરી બટેટાનો લૂઓ થાપવો. મરચાંને વચ્ચે મૂકી બરાબર બટેટાના માવાને મરચાંની આજુબાજુ લગાડવો. ઉપર નીચેથી માવો કાઢી નાખવો. આ રીતે મરચાંની પેટિસ પણ થઇ શકે છે. પછી ગરમ તેલમાં તળવી. આ વાનગીમાં તજ-લવિંગની ભૂકી કે ગરમ મસાલો વાપરવાનો નથી.

ચાઈનીઝ કચોરી

સામગ્રી: ૨ કપ મેંદો, ૨ ટે.સ્પૂન તેલનું મોણ, ૧ કપ નૂડલ્સ, ૧ નંગ ઝીણો સમારેલો કાંદો, ૧ ટે. સ્પૂન પાતળી કાપેલી કોબી, ૨ ટે.સ્પૂન જાડું ખમણેલું ગાજર, ૨ ટે.સ્પૂન પાતળું કાપેલું સીમલા મરચું, અડધી ટી.સ્પૂન વિનેગર, ૨ ટી.સ્પૂન ટોમેટો સૉસ, ૧ ટી.સ્પૂન ચીલી સૉસ અથવા સોયા સૉસ સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ.

પૂરણ બનાવાવની રીત: એક કડાઈમાં જરૂર મુજબ પાણી લો. તેમાં નૂડલ્સ નાખીને ઉકાળી લો. નરમ થાય એટલે તેને એક ચારણીમાં કાઢી લો. ઠંડા પાણીથી ધોઈ લો. એક કડાઈમાં થોડું તેલ લો. કાંદાને સૌપ્રથમ સાંતળી લો. ત્યારબાદ તેમાં કાપેલાં શાકને સાંતળી લો. બાફેલાં નૂડલ્સ, ટોમેટો સૉસ, ચીલી સૉસ, સોયા સૉસ નાખીને સાંતળો. વિનેગર તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર ભેળવી લો. પૂરણને ઠંડું કરો.

પડ માટે: મેંદામાં મીઠું તથા તેલનું મોણ નાંખીને પાણીથી પૂરી જેવો લોટ બાંધો. તૈયાર કરેલા લોટને ૧૦ મિનિટ મલમલના કપડાંથી ઢાંકીને રાખો. મોટો લુવો વણીને તેમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી કચોરી તૈયાર કરો. ગરમ તેલમાં ધીમી આંચ ઉપર સોનેરી થાય ત્યાં સુધી તળી લો.

ડ્રાય કચોરી

સામગ્રી: 50 ગ્રામ સૂકું ટોપરું, 50 ગ્રામ સિંગદાણા, 250 ગ્રામ ગાંઠિયા, 1 ટીસ્પૂન દળેલી ખાંડ, 1 ટીસ્પૂન આમચૂર પાઉડર, 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ ઘઉંનો લોટ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 2 ટેબલસ્પૂન ઘી મોણ માટે, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે

સૂકો મસાલો: 5 નંગ સૂકાં લાલ મરચાં, 6 નંગ લવિંગ, 4 કટકા તજ, 10 નંગ કાળા મરી, 4 નંગ ઈલાયચી, 1 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન શાહજીરું, 5 નંગ તમાલપત્ર.

રીત: સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં શાહજીરું સિવાયના બધાં જ સૂકાં મસાલાને તળી લેવા. ત્યાર બાદ મિક્સર ગ્રાઈન્ડરમાં બધી જ સામગ્રીને ગ્રાઈન્ડ કરી લેવી. ચાળીને ગરમ મસાલો તૈયાર કરો. હવે સૂકાં કોપરાને છીણી લેવું. ટોપરાને પણ એક ચમચી જેટલા તેલમાં શેકી લેવું. ઠંડુ પડે એટલે હાથેથી મસળી લેવું. ત્યાર બાદ સિંગદાળાને શેકીને તેને પણ અધકચરા વાટી લેવા. હવે સિંગદાણા અને ટોપરાના ભૂકાને મિક્સ કરી લો. હવે તેમાં ગાંઠિયાને ભૂકો કરીને મિક્સ કરો. પછી તેમાં તલ શેકીને મિક્સ કરી લો. આ મિશ્રણમાં તૈયાર કરેલો ગરમ મસાલો, મીઠું, દળેલી ખાંડ અને આમચૂર પાઉડર નાખીને બરાબર મિક્સ કરીને પૂરણ માટેનો મસાલો તૈયાર કરો. કચોરીના પડ માટે લોટ તૈયાર કરો. તેના માટે મેંદાના લોટમાં મીઠું, ઘઉંનો લોટ, કોર્નફ્લોર અને ઘીનું મોણ નાખીને કઠણ કણક બાંધો. આ કણકને બે કલાક માટે ઢાંકીને મૂકી રાખો. હવે તેમાંથી નાના-નાના લુઆ લઈને પૂરી વળી લો. ત્યારબાદ પૂરીમાં તૈયાર કરેલો મસાલો એક ચમચી જેટલો ભરીને કચોરી તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. બધી જ કચોરી તળાઈ જાય એટલે તેને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

મકાઇ કચોરી

સામગ્રી: 1 વાડકી છીણેલા મકાઈના દાણા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 25 ગ્રામ ઝીણા સમારેલા ધાણા, 1 ચપટી હિંગ, 1.2 ચમચી લાલ મરચું, 1.2 ચમચી ધાણાજીરુ, 1/2 ટી સ્પૂન ધાણા પાવડર, 1/2 ટી સ્પૂન હળદર, 1 ટી સ્પૂન મોટી વરિયાળી, 1/2 ટી સ્પૂન લીંબૂનો રસ અને ખાંડ, મીઠુ સ્વાદમુજબ. 1 વાડકી મેદો અને તળવા માટે તેલ.

રીત: સૌ પ્રથમ બધા મસાલા એકત્ર કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં વરિયાળી, હીંગ, લીલા મરચાં, મકાઈનુ છીણ, ડુંગળી નાખો અને સાધારણ સોનેરી થવા દો. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખો. ગેસ બંધ કરીને લીલા ધાણા, લીંબૂ, ખાંડ નાખો. થોડા તેલને સાધારણ ગરમ કરીને મેંદામા મોણ નાખો અને પાણીથી લોટ બાંધી લો.તૈયાર મસાલાના ગોળ લૂઆં બનાવી લો. મેંદાની લોઈ બનાવી હાથથી થોડી ચપટી કરી તેમા મસાલો દબાવી ચારે બાજુથી પેક કરો. અંગૂઠાની મદદથી વચ્ચેથી થોડુ દબાવો. આ રીતે બધી કચોરી બનાવી લો. એક કઢાઈમાં તેલ તપાવી બધી કચોરી તળી લો. લીલી ચટણી સાથે ગરમા-ગરમ મકાઈની કચોરી સર્વ કરો.

ખસ્તા કચોરી

મેંદામાં તેલ અને મીઠું નાખીને પાણીથી લોટ બાંધો. એને થોડો મસળીને અડધો કલાક રહેવા દો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં જીરું નાખીને સાંતળો. હવે એમાં હિંગ ઉમેરી ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકો.

સામગ્રી: લોટ બાંધવા- એક કપ મેંદો, ત્રણ ચમચા તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ

ભરવા: પોણો કપ ચણાનો લોટ, ચાર ચમચા તેલ, એક ચમચી આમચૂર પાઉડર, એક ચમચી લાલ મરચું, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી વાટેલા આખા ધાણા, અડધી ચમચી સૂંઠનો પાઉડર, અડધી ચમચી જીરું, થોડી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે

રીત : મેંદામાં તેલ અને મીઠું નાખીને પાણીથી લોટ બાંધો. એને થોડો મસળીને અડધો કલાક રહેવા દો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં જીરું નાખીને સાંતળો. હવે એમાં હિંગ ઉમેરી ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકો. શેકાઈ ગયા બાદ એમાં થોડું પાણી ઉમેરી ચડવા દો. સૂકું થાય એટલે એમાં બાકીનો બધો મસાલો નાખીને ગૅસ બંધ કરો. બરાબર મિક્સ કરી એના ગોળા બનાવી અલગ રાખો. મેંદાના લોટની નાની પૂરી વણી એમાં ચણાના લોટના બાઉલ ભરીને કચોરી તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી કચોરીઓને ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળો.

પાલક-પનીર કચોરી

સામગ્રી: 250 ગ્રામ મેંદો, 150 ગ્રામ પાલક, 100 ગ્રામ પનીર, 1 ચમચી આદુ-લીલા મરચાંની પેસ્ટ, 1/4 ચમચી જીરુ, 1/4 ચમચી ગરમ મસાલાનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, મીઠુ સ્વાદ મુજબ, મોણ અને તળવા માટે તેલ

રીત: મેંદામાં 1 ચમચી મીઠુ અને લોટની મુઠ્ઠી બંધાય તેટલુ મોણ નાખો અને કુણા પાણીથી સખત લોટ બાંધી અડધો કલાક સુધી ઢાંકીને રાખો. પાલકને ધોઈને ઝીણી સમારી લો. ચમચી ગરમ તેલમાં જીરુ અને વરિયાળી નાખીને આદુ, લીલા મરચાંનુ પેસ્ટ નાખો. 1 મિનિટ સેકીને સમારેલી પાલક, મીઠુ અને અન્ય મસાલા નાખો. ઢાંક્યા વગર 5 મિનિટ સુધી થવા ચડવા દો.પનીરને છીણીને પાલકમાં મિક્સ કરો અને મિશ્રણને પાણી સુકાતા સુધી સેકીને ગેસ પરથી ઉતારી લો. મેદાની નાની-નાની લોઈ બનાવીને હાથ પર ફેલાવો અને વચ્ચે એક ચમચી ભરાવન મુકીને ચારે બાજુ પાણી લગાવીને મોઢાને સારી રીતે બંધ કરી દો. આ રીતે બધી કચોરીઓ બનાવી ધીમા તાપ પર સોનેરી થતા સુધી તળી લો. ગરમા ગરમ કચોરી સોસ કે ચટણી સાથે સર્વ કરો.

કોપરાની કચોરી

સામગ્રી: કોપરાનું છીણ - ૧ કપ, લીલાં મરચાં - ૪ નંગ, ખાંડ - ૧/૨ ટીસ્પૂન, અજમો - ૧/૨ ટીસ્પૂન, ધાણા પાઉડર - ૧ ટીસ્પૂન, ગરમ મસાલા પાઉડર - ૧ ટીસ્પૂન, લોટ - ૩ કપ, જીરા પાઉડર - ૧ ટીસ્પૂન, પાણી - ૧ કપ, ઘી - ૧ ટીસ્પૂન, તેલ જરૂરિયાત મુજબ, નમક સ્વાદનુસાર.

રીત: કોપરાને છીણી લો અને લીલાં મરચાંને ઝીણાં ઝીણાં સમારી લો.કડાઈમાં એક ટીસ્પૂન તેલ ગરમ કરો, તેમાં અજમાને સાંતળી લો. તેમાં લીલાં મરચાં અને નારિયેળનું છીણ ઉમેરો અને બે મિનિટ ધીમા તાપે સાંતળી લો.ત્યારબાદ તેમાં ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, નમક, ખાંડ મિક્સ કરીને સારી રીતે હલાવી લો.હવે ગેસ પરથી તૈયાર થયેલ મિશ્રણને ઉતારી ઠંડું પડવા દો.આ દરમિયાન લોટમાં ઘી, તેલ, ચપટી નમક ઉમેરીને પાણીમાં નરમ લોટ બાંધી લો અને લોટને ૩૦ મિનિટ સુધી ભીના કપડામાં લપેટીને રાખી મૂકો.૩૦ મિનિટ બાદ બાંધેલા લોટના બોલ્સ બનાવી વણી લો, બોલ્સની અંદર કાણું પાડીને પૂરણને ભરી લો અને પછી બોલ્સને સીલ કરી દો. પછી હળવેથી ગોળાકારે વણી લો.એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં કચોરીને તળી લો. કચોરી પૂરીની જેમ ફૂલે ત્યાં સુધી તળો.

***