પાલક પનીર અને બીજી વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાલક પનીર અને બીજી વાનગીઓ

પાલક પનીર અને બીજી વાનગીઓ

- મિતલ ઠક્કર

આ પુસ્તકમાં પાલકની જાણીતી અને નવી વાનગીઓ ઉપરાંત તેના વિશેની માહિતી અને ટિપ્સનો એકસાથે સમાવેશ કર્યો છે. જે આપને રસોઇમાં ખૂબ ઉપયોગી બની રહેશે. તો ચાલો પાવરફુલ પાલકની ભાજી વિશે જાણી લઇએ.

શરીરને સ્ફૂર્તિલું બનાવવા માટે પાલક શ્રેષ્ઠ ગણાય છે. શરીરને શક્તિવર્ધક બનાવવાની સાથે લોહીની વૃદ્ધિ કરનાર, ખનિજ અને આયર્નની માત્રા તેનામાં સારા પ્રમાણમાં જોવા મળે છે. શરીરને નિરોગી રાખવાની સાથે ત્વચાના વિવિધ વિકારોમાં પણ પાલકનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. ત્વચા નિરોગી અને ચમકદાર બનાવવા માટે પાલકનો આહારમાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. વળી પાલક સમારવી પણ પ્રમાણમાં સરળ છે અને દરેક પદાર્થ સાથે તેનું જોડાણ સરસ હોવાથી ઘણા પદાર્થો સાથે તેની વાનગી બનાવી શકાય છે. પછી તે મકાઇ હોય કે મગની દાળ. પાલકમાં પોષક તત્ત્વો ભરપૂર છે. તેનું વિટામિન 'એ' આંખ માટે વરદાનરૂપ છે, ગર્ભવતી મહિલા તેનું નિયમિત સેવન કરે તો બાળકનું જ્ઞાનતંત્ર સારી રીતે વિકસે છે. તેનું ફેફસું મજબૂત બને છે.

* પાલક અને રીંગણનું શાક આપણા ઘરોમાં બનતું જ હોય છે. તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તમે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકો છો. પાલક રીંગણના શાકને વઘારતી વખતે તેલ ગરમ કરો. ત્યાર બાદ થોડી રાઈ અને હિંગ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાર બાદ શાક તમારી રીતે બનાવો. પરંતુ ડુંગળી ઉમેરવાથી શાકનો આખો સ્વાદ જ બદલાઈ જશે.

* પાલકના સૂપમાં ટામેટાં, આદું, લસણ વગેરે મિક્સ કરીને તમે સૂપને વધારે ટેસ્ટી બનાવી શકો છો.

* પાલક બાફતી વખતે તેમાં એક ટી સ્પૂન સાકર નાખવી તેમજ રાંધતી વખતે એક ટેબલસ્પૂન લીંબુનો રસ નાખવાથી પાલકનો રંગ લીલોછમ રહેશે.
* ત્વચા નિસ્તેજ બની ગઈ હોય તો બપોરના ભોજન દરમિયાન ભોલર મરચાં અને પાલકનો રસ લગભગ બે અઠવાડિયા સુધી લેવાથી ત્વચા કાંતિવાન બને છે.

* પાચનક્રિયા સરળ બનાવવા માટે પાલક અને દ્રાક્ષનું જ્યુસ ખપ લાગે છે.

* પાલકને વગર ધોયે અખબારમાં લપેટી પછી જ પ્લાસ્ટિકની થેલીમાં રેફ્રિજરેટરમાં રાખવી. બનાવતા પહેલા સમારી હુંફાળા પાણીથી ધોવી.

પાલક પનીર

સામગ્રી : ૨ ઝૂડી પાલકની ભાજી, ૧ કાંદો, ૦।। ટી. સ્પૂન વાટેલા આદુ-મરચાં, ૧૫૦ ગ્રામ પનીર, ઘી, મીઠું, મરી હળદર, ૧ ટી. સ્પૂન ધાણા ૦।। સ્પૂન જીરું, ૧ નંગ આખું મરચું, ૨ લવીંગ, ટુકડો તજ, ૨ કળી લસણ.

રીત : ધાણા, જીરું, મરચું, તજ, લવીંગ, મરીને શેકવા. ઠંડા પડે એટલે ખાંડી પાવડર તૈયાર કરી બાજુ ઉપર મૂકવો. પાલકનાં પાંદડા ચૂંટી સાફ કરી, ધોઈ, તેને સમારવા. કાંદાને છોલી ઝીણો સમારવો. થોડું ઘી મૂકી તેમાં કાંદો સાતળી તેમાં લસણને ફોલી, કટકા કરી નાખી દેવું. ગુલાબી થાય એટલે તેમાં સમારેલી ભાજી નાખી પાણી નાખી ચડવા દેવું. ચડી જાય એટલે ઠંડુ પાડી મિક્સરમાં હલાવી એકરસ કરી લેવું. પનીરને થાળીમાં થેપી તેના ચોરસ ટુકડા કરવા. પછી તેને ધીમા તળી લેવા. પાલકની ગ્રેવીને ગરમ મૂકી તેમાં મીઠું તૈયાર કરેલો ગરમ મસાલો તથા આદુ-મરચાં નાખવા. ઉકળે એટલે તળેલા પનીરના ટુકડા નાખી નીચે ઉતારી લેવું.

પાલક રોલ્સ

સામગ્રી : ૨૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦ ગ્રામ બેસન, ૨૫૦ ગ્રામ પાલક (સાફ કરીને) ૫૦ ગ્રામ ફૂદીનો, ૫૦ ગ્રામ કોથમીર, ૧ ચમચી અજમો, જરા હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે તળવા માટે ઘી.

રીત : દાળને ૪ થી ૫ કલાક પલાળી થોડી મોટી મોટી પીસી લો. તેમાં બેસન નાંખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબાલાંબા મધ્યમ આકારના રોલ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ વરાળથી સીજશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ બાદ ખોલીને જુઓ ચડી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગના તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

પાલક મોગર વિથ ગ્રીન ગાર્લિક

સામગ્રી : પાલખ-૫૦૦ ગ્રામ, મોગરદાળ-એક વાટકી, લીલું લસણ પાન સાથે સમારેલું-દોઢ કપ, સમારેલું ટમેટું-એક નંગ.

મસાલા : હળદર-એક ચમચી, આદુંમરચાંની પેસ્ટ-બે ચમચી, લાલમરચું પાઉડર-બે ચમચી, મીઠું-સ્વાદ મુજબ ટમેટાંની ગ્રેવી-૧/૨ કપ, લસણની પેસ્ટ-એક ચમચી, ગરમમસાલો-એક ચમચી, તેલ-ચારથી પાંચ ચમચી, રાઈ-એક ચમચી, જીરૂ-એક ચમચી

રીત : મોગરદાળને અડધો કલાક પલાળવી. તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ વઘારવું, ત્યારબાદ તેમા દાળ વઘારવી, લીલું લસણ ઉમેરવું. પાલક ધોઈ, ઝીણી સમારવી. તેને પણ દાળ જોડે વઘારવી. થોડુ પાણી, હળદ૨ મીઠું નાખી ધીમે તાપે ચઢવા દેવી. દાળ-પાલક ચડી ગયા બાદ ટમેટાં નાખવા તથા બાકીના મસાલા ઉમેરવા થોડીવાર સુધી હલાવવું. ત્યારબાદ ગરમાગરમ સર્વ કરવું.

પાલક મખાણા ભાજી

સામગ્રી: ૩૦૦ ગ્રામ પાલક, ૨ નંગ ટમેટાં, ૧ કપ મખાણા,૧ નાની ચમચી જીરું, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર, ૧ નાનો ટુકડો તજ, ૨ મોટા ચમચા દૂધ, ૧ મોટી ચમચી ચોખ્ખું ઘી, સ્વાદાનુસાર મીઠું.

રીત: પાલકને બરાબર ધોઈ લેવી. પાલકને પ્રેશર કૂકરમાં હળદર, લીલું મરચું જીરું નાખીને બે સિટી વગાડી લો. પાલક ઠંડી થાય એટલે તેને ગ્રાઈન્ડરમાં ક્રશ કરી પ્યુરી બનાવી લેવી. એક કડાઈમાં ઘીને ધીમી આંચ ઉપર ગરમ કરો. મખાણાને બરાબર ક્રિસ્પી થાય તેવા સાંતળી લેવા. તે જ કડાઈમાં થોડું તેલ લો. જીરું સાંતળો, ત્યારબાદ તેમાં ટમેટાં સાંતળો. ટમેટાં બરાબર નરમ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર તથા મીઠું ભેળવીને સાંતળી લો. જરૂર જણાય તો થોડું પાણી ભેળવો. તૈયાર કરેલી પાલક પ્યુરી, દૂધ ભેળવીને ૨-૩ મિનિટ માટે બરાબર પકાવી લેવું. એક બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લો. સર્વ કરતાં પહેલાં તેમાં સાંતળીને ક્રિસ્પી કરેલાં મખાણા પાલક સાથે ભેળવીને પાલક-મખાણાની ભાજી ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો.

આલુપાલક કટલેસ

સામગ્રી :- ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા, ૧૦૦ ગ્રામ પાલક, ૨૦૦ ગ્રામ પનીર, સ્વાદ મુજબ સિંધાલુણ, અડધી ચમચી લાલ પીસેલું મરચું. અડધી ચમચી ગરમ મસાલો, બે મોટી ચમચી ચોખાનો લોટ, જોઈતા પ્રમાણમાં તળવા માટે તેલ...
રીત: બાફેલા બટાકાને છોલીને મસળી નાખો. એમાં બારીક કાપેલી પાલક, મસળી નાખેલું પનીર, મીઠું, લાલ પીસેલું મરચું, ગરમ મસાલો અને લોટ મેળવીને ગૂંદી લો. આ મિશ્રણને કટલેસના આકારમાં બનાવી લો અને તેલમાં લાલ થાય ત્યાં સુધી તળી લો.
કોર્ન પાલક ડોસા

સામગ્રી: ૪ ટેબલ સ્પૂન ચોખા, ૨ ટેબલ સ્પૂન ચણાની દાળ, ૨ ટેબલ સ્પૂન અડદની દાળ, ૧ ટેબલ સ્પૂન મગની દાળ, ૧ ટેબલ સ્પૂન તુવેર દાળ, ૧૦-૧૫ લીમડાના પાન, ૩-૪ સૂકા લાલ મરચાં, ૧/૨ ટી-સ્પૂન જીરું, ચપટી હિંગ

સ્ટફિંગ માટેઃ- એક ઝૂડી પાલક ધોઈને ઝીણી સમારેલી, ૨૦૦ ગ્રામ પનીર, ૧૦૦ ગ્રામ ચીઝ, ૧ અમેરિકન મકાઈના બાફેલા દાણા, ૨-૩ ટેબલ સ્પૂન બટર

રીત: બધી જ દાળ અને ચોખા ખાઈને તેમાં મરચાં, જીરું, લીમડો, હિંગ નાખી દાળ-ચોખા ડૂબે તેનાથી થોડુંક વધારે પાણી નાખી ૩-૪ કલાક પલાળી રાખો ત્યારબાદ ઝીણું વાટી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બાજુ પર રાખો. ડોસા ઉતારવા માટે આ બેટર તૈયાર છે. નોન સ્ટીક પેન ગેસ પર મૂકીને બેટર ફેલાવી સહેજ ચડી જાય એટલે ઉપર બટર લગાવીને બારીક સમારેલી પાલક પાથરો આ પાલક માખણમાં સરસ ચડી જશે. હવે બાફેલા મકાઈના દાણા નાખીને ઉપર ખમણેલું ચીઝ અને પનીર ભભરાવીને ડોસાના પડને બંને બાજુથી વાળીને રોલ બનાવી લો. અંદર પાલક-મકાઈ સાથે ઓગળેલું ચીઝ એક મસ્ત સ્વાદ આપશે. આ રોલને પ્લેટમાં મૂકી ચાર કે પાંચ પીસમાં કાપીને ગરમ ગરમ સર્વ કરો.

ડોસા સાથે પિરસવાની ચટણી માટે: ૨ ટામેટાં, ૨ ડુંગળી, ૪-૫ સૂકા મરચાં, ૧૫-૧૭ કાજુ, મીઠું સ્વાદ પ્રમાણે એક વાસણમાં તેલ મૂકી તેમાં સૂકા મરચાં સાંતળો, કાંદાના મોટા ટુકડા નાંખો અને સાંતળો સહેજ ટ્રાન્સપરન્ટ થાય એટલે ટામેટાં નાખો. એ સહેજ ગળે પછી તેમાં કાજુ ઉમેરો. દસેક મિનિટ આ મિશ્રણને ઢાંકીને શેકાવા દો. હવે ગેસ પરથી ઉતારી મીઠું ઉમેરો, હવે બધું ક્રશ કરી લો. એક વાસણમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ ફૂટે એટલે અડદની દાળ ઉમેરો તે ગુલાબી શેકાય પછી મીઠા લીમડાના પાન, સૂકા મરચાં નાખીને આ વઘાર ઠંડો પડે એટલે ક્રશ કરીને રાખેલા મિશ્રણમાં નાંખી દો. ડોસા માટેની ચટણી થઈ ગઈ તૈયાર.
પાલક મગની દાળનું શાક

સામગ્રી: ત્રણ કપ પાલક ઝીણી સમારેલી, પોણો કપ મોગરદાળ, ચાર ચમચી તેલ, એક ચમચી જીરૂં, એક ચપટી હિંગ, એક ચમચી હળદર, અડધો કપ ટમેટાં સમારેલા, ત્રણ ચમચી વાટેલું લસણ, બે ચમચી આદુંમરચાંની પેસ્ટ, એક ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લીંબુનો રસ, બે ચમચી લાલ મરચું પાઉડર, મીઠુ સ્વાદાનુસાર

રીત: સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરૂં સાંતળી સમારેલી પાલક નાખો. અડધો કલાક પલાળેલી મોગરદાળ પાલક જોડે ઉમેરવી. હળદર, મીઠુ નાખીને બરાબર મિક્સ કરી લેવું. ડૂબાડૂબ પાણી ઉમેરી ધીમા તાપે પાલક તથા દાળને ચઢવા દો. દાળ ચડી ગયા બાદ સમારેલ ટમેટાં તથા કાંદા, લસણ અને બાકીના મસાલા ઉમેરવા અને પાંચથી સાત મિનિટ ધીમા તાપે રાખવું. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરવું.

પાલક અને રીંગણનું શાક

સામગ્રી: 250 ગ્રામ- સમારેલી પાલક, 2- સમારેલા રીંગણ, 2- ઝીણી સમારેલી ડુંગળી, 1- સમારેલું ટામેટું, 4-5 લસણની કળી, 1 – સમારેલું બટાકુ, અડધી ચમચી-હળદર પાઉડર, 1 ચમચી -ધાણા પાઉડર, 2 – લીલા મરચા સમારેલા, 2 ચમચી –તેલ, ચપટી હિંગ, મીઠું સ્વાદનુસાર

રીત : સૌ પ્રથમ એક કઢાઇ લો અને મધ્યમ આંચ પર કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકી દો. તેલ ગરમ થાય તે બાદ તેમાં લસણ ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. તે બાદ તેમા હિંગ ઉમેરો અને ડુંગળી મિક્સ કરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમા ટામેટાં,લીલા મરચા ઉમેરી 3 મિનિટ સુધી ચઢવા દો અને તે બાદ તેમા રીંગણ તેમજ બટાકા મિક્સ કરો. 5 મિનિટ બાદ તેમા પાલકની સાથે હળદર, ધાણા પાઉડર અને મીઠું ઉમેરો અને શાકને ઢાંકી દો. શાક બરાબર ચઢી જાય તે બાદ આંચ બંધ કરી દો. તૈયાર છે પાલક અને રીંગણની શાક. આ શાકને તમે રોટલી તેમજ પરોઠા સાથે ગરમા ગરમ સર્વ કરો.

પાલક-મકાઇનું શાક

સામગ્રી: 1/2 કપ પાલક, 1 કપ બાફેલા મકાઇના દાણા, 3/4 કપ ટામેટા, 3/4 કપ ડુંગળી, 3-4 ટૂકડા લસણ, 2 ચમચી તેલ, 1 નાની ચમચી જીરૂ, 1/2 ચમચી હળદર પાઉડર, 1/2 નાની ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદઅનુસાર મીઠું.

રીત: સૌ પ્રથમ પાલકના પાનને બરાબર ધોઇ લો. હવે તેને એક મોટા વાસણમાં ઉકાળો. પાલકના પાનને 2 થી 3 મિનિટ પાણીમાં ઉકાળો. પાલકના પાનને ઉકાળ્યા બાદ તેને ઠંડા પાણીમાં ધોઇ લો. તે બાદ મકાઇના દાણાને પણ ઉકાળી લો. તે બાદ પાલકની સાથે ટામેટા અને ડુંગરીને ક્રશ કરી લો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરી જીરૂ ઉમેરો. તે બાદ તેમા ક્રશ કરેલી ડુંગળી ઉમેરો, તેને 4 મિનિટ સુધી બરાબર સાંતળો. તે બાદ તેમા ક્રશ કરેલા ટામેટા ઉમેરો. ત્યાર બાદ તેમા લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠુ ઉમેરો. હવે તેને ઉકળવા દો. 5 મીનિટ બાદ હવે તેમા પાલક મિક્સ કરો. તેને 3 થી 4 મિનિટ રાખો. હવે તેમા બાફેલા મકાઇના દાણા ઉમેરો. 3 થી 4 મિનિટ બરાબર ઉકળવા દો. બાદમાં ગેસની આંચ બંધ કરી દો. આ શાકને ગરમા ગરમ રોટલી, નાન, પરોઠા કે કુલચા સાથે સર્વ કરી શકો છો.