સરસ સૂપ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ સૂપ

સરસ સૂપ

મીતલ ઠક્કર

સૂપ તમારી એર્નજીને વધારે છે અને સાથે જ તમને અનેક રોગોની સામે લડવાની શક્તિ પણ આપે છે. વિવિધ પ્રકારના ટેસ્ટી સૂપ તમારી ભૂખને પણ ઉઘાડવામાં તમારી મદદ કરે છે. શરીરને માટે એક બૂસ્ટઅપનું કામ કરે છે. જોકે, ઘરે બનાવેલા જ સૂપ જ આરોગ્ય માટે લાભદાયક છે. માર્કેટમાં વેચાતા ઇન્સ્ટન્ટ સૂપ આરોગ્ય માટે હાનિકારક હોવાનું તારણ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર - CERCના અભ્યાસમાં સામે આવ્યું છે. માર્કેટમાં સસ્તા ભાવે તૈયાર પેકેટમાં વેચાતા સૂપ હેલ્થ કોન્શિયસ લોકોમાં પણ લોકપ્રિય બન્યા છે. કેમ કે સૂપ હેલ્ધી હોવાની સર્વસામાન્ય ધારણા છે. ત્યારે CERCના અભ્યાસના ચોંકાવનારા તારણો પ્રમાણે સૂપમાં મીઠા અને ખાંડનું પ્રમાણ વધારે હોવાથી તે સ્વાસ્થ્યપ્રદ નથી. આવા સૂપનું નિયમીત સેવન બ્લડપ્રેશર, હૃદયરોગ, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવા જટીલ રોગોને આમંત્રણ આપે છે....! 'ખાઘ માર્ગદર્શન નિયમન મુજબ પ્રતિ દિન ૨૪૦૦ મીલીગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઇએ. એક જાણીતી કંપનીના મિકસ વેજ સૂપમાં દર સર્વિંગ બાઉલે મીઠાની માત્ર ૬૫૯ મી.ગ્રા. હતી. જે રોજની જરૂરિયાતના એક તૃતિયાંશ જેટલી છે. યુકેની ખાઘ પ્રમાણિત એજન્સી જ્લ્ખ્ દ્વારા સૂપ ઉત્પાદકો માટે દર સર્વિંગ બાઉલે સરેરાશ ૬૦૦ મી.ગ્રા.નો લક્ષ્યાંક નક્કી કરાયો છે. નવમાંથી ચાર જાણીતી કંપનીઓ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી જણાઇ છે. એવી જ રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નવા માપદંડ મુજબ ખાંડ માટે દરરોજની સુચિત મર્યાદા ૨૫ ગ્રામ છે. પરંતુ જાણીતી કંપનીના ટોમેટો સૂપમાં દર બાઉલે ખાંડનું પ્રમાણ ૨૫%થી વધુ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર અભ્યાસનું મૂલ્યાંકન કરતા CERCના ચીફ જનરલ મેનેજર પ્રીતિ શાહે જણાવ્યું હતું કે, 'રેડિમેડ સૂપમાં વધારે માત્રામાં મીઠું હોવાથી એ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી ઉચ્ચ રકતચાપ (હાઇ બ્લડપ્રેશર) થઇ શકે છે. હૃદયની બિમારીઓ અને ચક્કર આવવાની શકયતાઓ ત્રણ ગણી વધે છે. ખાંડના લીધે મેદસ્વિતા અને ટાઇપ-ટૂ ડાયાબિટીસનું જોખમ વધે છે. હૃદયને લગતી બિમારી અને કેન્સરના જોખમમાં પણ વધારો કરે છે. તેથી સૂપની નિર્માતા કંપનીઓને પોષક તત્વોના લાભોને વધારવા માટે ક્રમશઃ ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઇએ. એટલે ઘરે જ બનાવીને ઉપયોગમાં લઇ લાભ મેળવી શકાય એ માટે અમે શિયાળામાં આપના માટે ઇન્ટરનેટના મહાસાગરમાંથી કેટલાક જાણીતા અને મજા આવી જાય એવા સરસ અવનવા ૧૧ સૂપ લઇને આવ્યા છે.

૧. ટામેટા-વરિયાળી સૂપ

સામગ્રીઃ ટામેટાં - છ નંગ, વરિયાળી - સો ગ્રામ, ઓલિવ ઓઈલ - બેથી ત્રણ ટેબલસ્પૂન, ડુંગળી–એક નંગ, લસણ-સાતથી આઠ કળી, અધકચરાં મરી - સ્વાદ પ્રમાણે, સમારેલી કોથમીર- એક કપ, મીઠું-સ્વાદ પ્રમાણે.

રીત: એક નોનસ્ટિક કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને સાંતળી લો. ત્યારબાદ તેમાં અધકચરાં મરી અને ટામેટાંને સમારીને નાખો. હવે વરિયાળીને એક પાતળા કપડામાં બાંધી પોટલી બનાવી પેનમાં નાખી થોડી વાર પકવો. ત્યારપછી કોથમીરની પણ પોટલી બનાવી નાખો. પેનમાં મીઠું અને ૨ કપ પાણી નાખી પકવો. થોડી વાર બાદ વરિયાળી અને કોથમીરની પોટલી કાઢી તેમાં સમારેલી કોથમીર અને થોડું ઓલિવ ઓઈલ મિક્સ કરો. સૂપને મિક્સરમાં બ્લેંડ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

૨. ફ્લાવર-ચીઝ સૂપ

સામગ્રીઃ ફ્લાવર– અઢી સો ગ્રામ, દૂધ- સવા કપ, ડુંગળી– એક નંગ, બટર- એક ટીસ્પૂન, મરી પાઉડર- સ્વાદ પ્રમાણે, ગ્રેટેડ ચીઝ- સર્વિગ માટે.

રીત: ફ્લાવરને ધૂઓ ને તેના મોટા-મોટા કટકા કરી લો., હવે ફ્લાવર, દૂધ અને ૩ કપ પાણી મિક્સ કરી બોઇલ કરી લો. બધી સામગ્રી બોઇલ થઈ જાય એટલે તેને બ્લેંડરમાં બ્લેંડ કરી લો. એક કડાઈમાં બટર ગરમ કરી ડુંગળી સાંતળી લો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં ફ્લાવરનું મિશ્રણ મિક્સ કરી મીઠું અને મરી પાઉડર મિક્સ કરી લો., સૂપ ઘટ થઈ જાય એટલે તેને ગ્રેટેડ ચીઝથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. ગ્રીન પી એન્ડ કોર્ન સૂપ

સામગ્રીઃ વટાણા– બે કપ, મકાઈના દાણા– એક કપ, ડુંગળી સમારેલી– અડધો કપ, લસણ- બે કળી, તેલ- એક ટીસ્પૂન, મીઠું- સ્વાદ પ્રમાણે, દૂધ- પા કપ, સમારેલી કોથમીર– એક ટીસ્પૂન, સમારેલો ફુદીનો– એક ટીસ્પૂન.

રીતઃ એક બાઉલમાં વટાણા, મકાઈ, ડુંગળી, લસણ, મીઠું અને ૪ કપ પાણી નાખી બાફી લો. વેજિટેબલ્સ બોઈલ થઈ જાય એટલે તેની પ્યુરી બનાવી લો. સર્વ કરતી વખતે તેમાં દૂધ, કોથમીર અને ફુદીનો નાખી ૨ મિનિટ ઉકાળી ગરમ ગરમ સર્વ કરો.

૩. મકાઇનો સૂપ

સામગ્રીઃ મકાઈના દાણા– બે કપ, ખાંડ– એક ટીસ્પૂન, દૂધ– અડધો કપ, કોર્નફલોર– બે ટીસ્પૂન, સોયા સોસ– બે ટેબલસ્પૂન, બટર– એક ટેબલસ્પૂન, તમાલપત્ર– એક નંગ મીઠું, તજ- મરીનો ભૂકો સ્વાદ- મુજબ.

રીત : અડધો કપ દાણા સાઈડમાં કાઢી, બાકીના દાણામાં પાણી નાંખી, બાફી લેવા. બાફેલા દાણામાં થોડું પાણી નાંખી, સ્મુધ, પાતળી પેસ્ટ બનાવી, ગરણીથી ગાળી પ્યુરી બનાવી લેવી. હવે એક તપેલીમાં બટર ગરમ કરી, તમાલપત્ર નાંખી, તેમાં મકાઈની પ્યુરી, થોડું પાણી અને ૧/૨ કપ મકાઈના દાણા નાંખી ઉકાળવું. ( સૂપ જેટલો પાતળો બનાવવો હોય તે પ્રમાણે તેમાં પાણી નાંખવું ) પ્યુરી ઉકળે એટલે તેમાં કોર્નફલોરને દુધમાં ઓગળી અંદર નાંખવું. સૂપ થોડો ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ, તજ-મરીનો ભૂકો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ બંધ કરવો. એક બાઉલમાં સૂપ કાઢી, તેમાં સોયા સોસ અને લીલા ધાણા નાંખી, ગરમ-ગરમ સૂપ પીરસવો.

૪. હોટ એન્ડ સૉર સૂપ

સામગ્રીઃ તેલ – એક ટેબલસ્પૂન, આદુ-લસણ - એક ટેબલસ્પૂન, લીલાં મરચાં – બે નંગ, ફ્લાવર – બે ટેબલસ્પૂન, ગાજર - બે ટેબલસ્પૂન, કેપ્સિકમ - બે ટેબલસ્પૂન, કોર્નફ્લોર - બે ટેબલસ્પૂન, ચીલી સૉસ – એક ટીસ્પૂન, ડાર્ક સોયા સૉસ – બે ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર – પા ટીસ્પૂન, વિનેગર(ઓપ્શનલ) – પા ટીસ્પૂન, લીલી ડુંગળી - એક ટેબલસ્પૂન.

રીત: કોબીજ, ગાજર, કેપ્સીકમ, આદુ, લસણ, લીલાં મરચાં બધું જીણું સમારી અલગ રાખો. એક કપ પાણી માં કોર્ન ફ્લાર,સૉસ, સોયા સૉસ મિક્સ કરી લો. સૉસ પેન માં તેલ ગરમ કરી આદુ-લસણ સાંતળી, આજી નો મોટો, ફ્લાવર, ગાજર, કેપ્સીકમ બધું વારા ફરતી ઉમેરી સાંતળો. કોર્ન ફ્લાર નું પાણી ઉમેરી ઉકળવા દો. બીજો ૧ કપ પાણી (જરૂર મૂજબ) રેડો. મીઠું, મરી પાવડર ઉમેરો. એક-બે ઉભરા આવે એટલે ગૅસ બંઘ કરી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

સામગ્રી: ૧/૨ કપ ગાજર (ઝીણાં કાપેલાં), ૧/૨ કપ કોબી (ઝીણી સમારેલી), ૧/૨ કપ મશરૂમ (ઝીણાં કાપેલાં), ૧/૨ કપ કેપ્સિકમ (ઝીણાં કાપેલાં), ૧/૨ કપ લીલા કાંદા (ઝીણા સમારેલા), ૨ ટેબલસ્પૂન લસણ કાપેલું, ૧ ટેબલસ્પૂન આદું કાપેલું, ૧ ટીસ્પૂન સેલરી કાપેલી, ૧ ટીસ્પૂન લીલાં મરચાં કાપેલાં, ૧ ટેબલસ્પૂન ડાર્ક સોયા સૉસ, વેજિટેબલ સ્ટોક વોટર ૪ કપ, ૨ ટેબલસ્પૂન તલનું તેલ, ૨ ટેબલસ્પૂન લીલા કાંદાનાં પાન કાપેલાં, ૧ ટેબલસ્પૂન વિનેગર, ૧ ટેબલસ્પૂન ચિલી સોસ, ૪ ટીસ્પૂન કૉર્નફલોર

રીત: એક પેનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં આદું, મરચાં, લસણ, સેલેરી નાખીને સાંતળવું. પછી એમાં બધાં લીલાં કાપેલાં શાકભાજી નાખીને સાંતળવું. એમાં મીઠું, સોયા સૉસ, ચિલી સૉસ નાખીને સરખું મિક્સ કરવું. એમાં ચાર કપ વેજિટેબલ સ્ટૉક વૉટર નાખીને ઉકાળવું. સરખું ઊકળે એટલે એમાં ૧/૨ કપ પાણીમાં ચાર ટીસ્પૂન કૉર્નફલોર ઓગાળી લેવો. એને ઊકળતા સૂપમાં મિક્સ કરી લેવો. એમાં છેલ્લે વિનેગર નાખીને આ સૂપ ગરમ-ગરમ સર્વ કરવો.

૫. બદામ-બટાકા સૂપ

સામગ્રી: 100 ગ્રામ બદામ, 100 ગ્રામ બટાકા, 100 ગ્રામ ક્રીમ, 2 કપ દૂધ, 1 કપ શાકનો સ્ટોક, 1 ટેબલસ્પૂન માખણ, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 1 ટીસ્પૂન ખાંડ, 1/4 ટીસ્પૂન એલચીનો ભૂકો
મીઠું, સફેદ મરીનો ભૂકો

રીત: બદામને ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી તેની છાલ કાઢવી. પાંચજ બદામ બાજુએ રાખી, બીજી બદામ મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી. બટાકાને બાફી, છીણવા. એક વાસણમાં ગરમ કરી, બટાકાની છીણ નાંખવી, તેમાં વ્હાઈટ સ્ટોક નાખવો. ઉકળે એટલે કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાખવો. બાકી રહેલા દૂધમાં બદામની પેસ્ટ મિક્સ કરી નાખવું. દૂધ ઉકળે એટલે ખાંડ અને એલચીનો ભૂકો નાખી ઉતારી મીઠું ને મરીનો ભૂકો નાખવો. આપતી વખતે સૂપમાં ક્રીમ નાખી, સાધારણ ગરમ કરી, છોલેલી બદામની કતરી નાખવી

  • ૬. ભાજી-વેજી સૂપ
  • સામગ્રી: 50 ગ્રામ પાલકની ભાજી, 50 ગ્રામ તાંદળજાની ભાજી, 50 ગ્રામ કોબીજ, 50 ગ્રામ કોબીફ્લાવરનાં ફૂલ, 2 બટાકા, 2 ડુંગળી, 50 ગ્રામ ફણસી, 100 ગ્રામ લીલા વટાણા, 1 ટેબલસ્પૂન માખણ, 1 ટીસ્પૂન મેંદો, 1 કપ દૂધ, 1 કપ ક્રીમ, 1 નાની ઝૂડી લીલા ધાણા મીઠું, મરીનો ભૂકો – પ્રમાણસર

    રીત: પાલકની ભાજી અને તાંદળજાની ભાજીને બારીક સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. કોબીજ, ફ્લાવરનાં ફૂલ, બટાકા, ડુંગળી, ફણસીના રેસા કાઢી, બારીક સમારો. લીલા વટાણા આખા રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે શાક અંદર નાંખવું. બફાય એટલે થોડા વટાણા, ફણસીના કટકા અને ફ્લાવરનાં ફૂલ અલગ કાઢી, બીજું બધું શાક ઠંડું પડે એટલે લિક્વિડાઈઝરમાં નાંખી, એકસર કરી, ગાળી લેવું. એક વાસણમાં માખણ નાંખી, ગરમ થાય એટલે તેમાં મેંદો નાંખી શેકવો. પછી તેમાં દૂધ નાંખવું. ધીમે ધીમે શાકનું પાણી નાંખવું. ઉકળે અને ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, મરીનો ભૂકો, અલગ રાખેલા લીલા વટાણા, ફણસીના કટકા અને ફ્લાવરનાં ફૂલ નાંખી, ઉતારી લેવું. ગરમ સૂપમાં 1 ચમચી ક્રીમ નાંખી સૂપ પીરસવો.

  • ૭. ટામેટાનો સૂપ
  • સામગ્રી: 1 ટેબલસ્પૂન માખણ, 1 ડુંગળી, 1 બટાકો, 1 ગાજર, 500 ગ્રામ પાકાં ટામેટાં, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 1/2 કપ દૂધ, 1 કપ ક્રીમ, મીઠું, ખાંડ, મરીનો ભૂકો, બ્રેડના તળેલા કટકા

    રીત: એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. આછા બદામી રંગ થાય એટલે તેમાં મીઠું, છોલેલા બટાકાના કટકા, ગાજરને છોલી, ધોઈ, તેને સફેદ ભાગ કાઢી, તેના કટકા અને પાણી નાખવું. શાક બફાઈ જાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે સૂપના સંચાથી ગાળી, તેમાં ખાંડ અને કોર્નફ્લોર દૂધમાં મિક્સ કરી નાંખવો. ધીમા તાપે થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવો. ગરમ સૂપમાં મરીનો ભૂકો 1 ચમચી ક્રીમને તળેલા બ્રેડના કટકા નાંખી સૂપ આપવો.

  • ૮. પાલક-બટાકા સૂપ
  • સામગ્રી : 500 ગ્રામ પાલકની ભાજી, 2 બટાકા, 2 ડુંગળી, 1/2 કપ વ્હાઈટ સોસ, મીઠું, મરીનો ભૂકો, ક્રીમ, બ્રેડના તળેલા કટકા.

    રીત : પાલકની ભાજીને ઝીણી સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. એક વાસણમાં 4 કપ પાણી મૂકી, ઉકળે એટલે પાલકની ભાજી, બટાકાના કટકા અને ડુંગળીના કટકા નાંખવા. બફાય એટલે ઉતારી ઠંડુ થાય એટલે લિક્વિડાઈઝ કરી કિચન માસ્ટરમાં ગાળી લેવું. ફરી ગરમ મૂકી, ઉકળે એટલે વ્હાઈટ સોસ, મીઠું અને મરીનો ભૂકો નાંખી, બરાબર હલાવી ઉતારી લેવો. 1 ચમચી ક્રીમ અને બ્રેડના તળેલા કટકા નાંખી ગરમ સૂપ આપવો.

  • ૯. સબ્જી- મેક્રોની સૂપ
  • સામગ્રી: , 5 ગ્રામ મેક્રોની, 50 ગ્રામ લીલા વટાણા, 25 ગ્રામ ફણસી, 2 ડુંગળી, 2 ગાજર, 2 સળી સેલરી, 2 ટેબલસ્પૂન માખણ, 1 કપ બ્રાઉન સ્ટોક, 2 ટીસ્પૂન કોર્નફ્લોર, 4 ટેબલસ્પૂન ટોમેટો કેચપ, 1 કપ ચીઝ (ખમણેલું), મીઠું, મરીનો ભૂકો,તજનો પાઉડર, ચપટી સોડા

    રીત: મેક્રોનીને પાણીમાં મીઠું અને 1 ચમચી તેલ નાંખી બાફી, ઠંડા પાણીમાં રાખવી. વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા જેથી રંગ લીલો રહે. ફણસીના રેસા કાઢી, બારીક સમારવી. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, નાના કટકા કરવા. ડુંગળી અને સેલરીની સળીના કટકા કરવા. એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં બધાં શાક સાંતળવા, પછી બ્રાઉન સ્ટોક નાંખવો. પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી, તે પાણી અંદર નાંખવું. બધાં શાક બફાય એટલે વટાણા, ટોમેટો કચપ, મીઠું, મરીનો ભૂકો અને તજનો પાઉડર નાંખી, થોડી વાર ઉકાળી ઉતારી લેવું. ખમણેલું ચીઝ અને મેક્રોની નાંખી, ગરમ સૂપ આપવો.

  • ૧૦. હરિયાળો ચીઝ સૂપ
  • સામગ્રી: 250 ગ્રામ લીલા વટાણા, 2 બટાકા, 1 ડુંગળી, 50 ગ્રામ લીલા ધાણા (સમારીને), 1 કપ ચીઝ (ખમણેલું), 1/2 કપ દૂધ, 2 ટેબલસ્પૂન માખણ, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો, 1/2 ટીસ્પૂન તજનો ભૂકો, મીઠું, ક્રીમ, ફ્રુટોન્સ પ્રમાણસર.

    રીત: એક વાસણમાં એક ટેબલસ્પૂન માખણ મૂકી, ગરમ થાય એટલે તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે બટાકાના કટકા, લીલા વટાણા અને લીલા ધાણાં નાંખી થોડીવાર સાંતળી તેમાં પાણી નાંખવું. બરાબર બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી સૂપ ગાળી લેવો. એક તપેલીમાં 1 ટેબલસ્પૂન માખણ મૂકી, ગાળેલો સૂપ નાંખવો. તેમાં મીઠું, મરીનો ભૂકો, તજનો ભૂકો અને દૂધમાં કોર્નફ્લોર ઓગળી નાંખવું. પછી તેમાં થોડું ખમણેલું ચીઝ નાંખી, બરાબર ઉકળે એટલે ઉતારી સૂપમાં 1 ટીસ્પૂન ક્રીમ, ખમણેલું ચીઝ અને ફ્રુટોન્સ નાંખી સૂપ સર્વ કરવો

  • ૧૧. દૂધી-ગાજરનો સૂપ
  • સામગ્રી: 500 ગ્રામ દૂધી, 2 ગાજર, 50 ગ્રામ ફણસી, 2 દાંડી સેલરી, 2 બટાકા2
    ડુંગળી, 100 ગ્રામ લીલા વટાણા, 1 ટેબલસ્પૂન માખણ, 1 કપ દૂધ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો, 1/2 ટીસ્પૂન તજનો ભૂકો, 1 કપ તાજું ક્રીમ, મીઠું – પ્રમાણસર.

    રીત: દૂધીને છોલી કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા. ફણસી, સેલરી અને ડુંગળી સમારવી. બધું ભેગું કરી તેમાં વટાણા અને 5 કપ પાણી નાંખી, પ્રેશર કૂકરમાં બાફવું. બફાઈ જાય એટલે લિક્વિડાઈઝર કરી, કિચન માસ્ટરમાં ગાળી લેવું. એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં શાકનું મિશ્રણ નાંખી ઉકાળવું. પછી તેમાં દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. બરાબર ઉકળે એટલે તાપ ધીમો કરી મીઠું, મરીનો ભૂકો, તજનો પાઉડર અને ક્રીમ નાંખી, હલાવી, ગરમ સૂપ આપવો.

    ***