સર્જનહાર Akash Kadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સર્જનહાર

"સર્જનહાર..? એટલે કે શ્રુષ્ટિ ના રચયિતા...! આ થોડું વધારે પડતું લાગે છે. પણ જોકે આમાં ખોટું શું છે મેં જ તો તે બધાંનું સર્જન કર્યું છે તેમની દુનિયા તો મેં જ રચી અને કોણ શુ પાત્ર ભજવશે એ પણ હુંજ તો લખું છું, તો હું જ થયો ને તેમનો સર્જનહાર" અક્ષય જાણે કોઈ ને જોડે દલીલ કરતો હોય તેમ બોલી પડ્યો.

"અક્ષય ભાઈ, એક ની એક જેવી જિંદગી થી તો કંટાળી જવાય કઈંક એડવેન્ચર, સરપ્રાઇઝિંગ, કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન વાળી જિંદગી હોવી જોઈએ તો મજા આવે અને તમે તો મારા સર્જનહાર છો તો હવે... વધુ ક્યાં કહું સમજી જાવ ને શુ કહેવા માગું છું..!" પંકજ બોલ્યો.

"જો ભાઈ સારી જિંદગી આપી છે તો જીવ ને શુ ખોટ છે ? અમારી જેમ તો નહીં ને કે ક્યારેક ચડતી તો ક્યારેક પડતી , તમારે તો સદા એક સરખી સરસ મજાની જિંદગી ચાલે રાખે તેનું ધ્યાન રાખું જ છું ગીતા જેવી સુંદર પત્ની આપી છે જે તને કેટલો પ્રેમ કરે છે ક્યારેક તો હું પણ ઈચ્છું છુ કે મારે ગીતા જેવી પત્ની હોય, નસીબ વાળા છો કે તમારું જીવન મારા હાથ માં છે બાકી મારી જિંદગી જો, કાલે શુ થશે મને ખબર નથી."

"તમારી પત્ની તરીકે ગીતા જેવી બીજી કોઈ ઠીક છે પણ ગીતા ને તો મારી જ રહેવા દેજો પણ જિંદગી ની વાત કરું તો બસ ત્યાંજ તકલીફ છે અક્ષય ભાઈ, સદા એક સરખી અને બધું પહેલે થી ફિક્સ કંટાળા જનક લાગે, આ કાલે પેલા મુવી માં જોયું હિરો કઈ રીતે વિલન ની બધીચાલ નક્કામી કરી હિરોઇન ને બચાવી લે છે એવું કંઈક હોય તો મજા આવી જાય, કાંઈક વિચાર્યું ના હોય તેવું લખો ને અમારી જિંદગી થોડી ચટપટી બનાવો"

પંકજ અને અક્ષય ની વાતચીત ચાલતી હતી ત્યાંજ ગીતા રૂમમાં પ્રવેશી અને બોલી "અરે આ શું વાતો કરો છો ? અને આ જિંદગી ચટપટી બનાવો એવું અક્ષય ભાઈ ને શુ કરવા કહો છો એ કાંઇ ભગવાન થોડી છે જે આપણા જીવનના લેખાજોખા નક્કી કરવાના હતા..!"

"તું નહિ સમજે ગીતા.." પંકજે કહ્યું.

"તો તારે હવે સસ્પેન્સ મૂવીના પાત્રો ભજવવા છે, ચાલ ઠીક છે જોઉં કાંઈક કરીશ પણ હવે તમારો રોલ પતિ ગયો છે નાટક પૂરું થાય છે તો વિદાય લઈએ પછી મળીશું" અક્ષય ડાયરી ને બંધ કરવા હાથ લંબાવતા બોલ્યો.

"આ શું વાતો કરો છો નાટક અને..." ગીતાએ વાક્ય પણ પૂરું કર્યું નહોતું ત્યાં જ અક્ષયે ડાયરી બંધ કરી અને જેવી પેન ડાયરી પર મૂકી પંકજ, ગીતા પંકજ ના મમ્મી, ઘરનો નોકર બધા ગાયબ થઈ ગયા અને પાછો આખા બંગલામાં સન્નાટો છવાઈ ગયો જાણે શાળા છૂટ્યા બાદ માત્ર શિક્ષક વર્ગ માં એકલો રહી જાય તેમ હવે માત્ર અક્ષય જ હતો. આ પ્રક્રિયા દર રવિવારે ની હતી રોજ રાત પડે અક્ષય ડાયરી માં જૂની રાજાશાહી ટાઈપ ની ફાઉન્ટન પેન વડે આવતા રવિવાર માટેનું નાટક લખે તેમાં કયા પાત્ર હશે અને કોણ શુ કરશે, તેની દિનચર્યા કેવી હશે એટલું લખે બસ ખાલી સમાપ્ત લખવાનું બાકી રાખે. શનિવાર રાત સુધી માં આ નાટક લખવાનું કામ પૂરું કરે રવિવાર સવારે નાહીધોઈ તૈયાર થયા બાદ અજય ડાયરી ખોલે અને શનિવાર રાત સુધી માં લખેલા નાટક ની નીચે "સમાપ્ત" લખે ને પછી શરૂ થાય "લાઈવ નાટક". સામાન્ય રીતે આપણે જે નાટક જોઈએ તેમાં નાટક બાદ પાત્રો તેમનું પાત્ર છોડી અસલી દુનિયામાં પાછા આવે જયારે અહીં નાટક પતે એટલે પાત્રો ગાયબ, પાછા પોતાની એ નાટક ની સ્ક્રિપ્ટ માં ભળી જાય.

અક્ષય તે ફાઉન્ટન પેન પકડીને તેને નિહાળી રહ્યો હતો અને વિચારતો હતો આ પેન તેને જ મળવાનું શુ કારણ હોઈ શકે.

થોડા વર્ષો અગાઉ...

"પેન માટે આભાર પણ હું એ ના લઇ શકું અને આપ મને તમે ની જગ્યાએ તું કહી શકો છો હું તમારાથી ઘણો નાનો છું" અક્ષય ને જોતાજ તે પેન ગમી ગઈ પણ વિવેક દાખવતા પ્રથમ વાર મળી રહેલા પોતાના વાંચકમિત્ર ની ભેટ લેવાની ના પાડી. સ્ટીલ ની એ બ્લેક કલર ની ફાઉન્ટન પેન જેના ઉપરણ ભાગે થોડું નક્શીકામ કર્યું હોય તેવું લાગતું હતું જુના જમાનાની કોઈ ઐતિહાસિક અમૂલ્ય વસ્તુ જેવી તે લાગતી.

"અક્ષય તેજ મને તું કહેવાની પરવાનગી આપી છે તો એક વડીલપણા ના હક થી કહું છું એ ભેટ સ્વીકારી લે અને અને આ મારી ઈચ્છા નથી પેનની ઈચ્છા છે, આ પેન પોતાના માલિકની પસંદગી જાતેજ કરે છે અને જો એ પેન એ તને પસંદ કર્યો છે તો જરૂર તારામાં એ લાયકાત હશે આથી તું આ ભેટ સ્વીકારી લે" એકદમ કડક ઈસ્ત્રી કરેલું સફારી પહેરીને આવેલા ૫૦-૫૫ ની ઉંમરના એક વડીલે અક્ષય ને બસ એટલું કહી ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયા.

અમદાવાદ ના હેલમેટ સર્કલ પાછળ ના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પુસ્તક મેળા માં લેખક ના મનની વાત પ્રોગ્રામમાં લેખક તરીકે અક્ષયે એક નાની સ્પીચ આપ્યા બાદ સ્ટેજ પાસે તેની અને તેના વાંચકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. અક્ષય છેલ્લા કેટલાક વર્ષ થી એક અખબાર ની સાથે રજૂ થતી અઠવાડિક પૂર્તિ માં મનની અટારીએ નામના શીર્ષક હેઠળ ટૂંકી વાર્તાઓ અને જોડે જોડે નાટક પણ લખતો હતો. પૈસે ટકે સુખી પરિવાર માં જન્મેલો અક્ષય એક આલીશાન બંગલામાં એકલો રહેતો. અકસ્માત માં માતા પિતા ના મૃત્યુ બાદ એકલતા દૂર કરવા નાટકોની સ્ક્રિપ્ટ લખતો અને તેમાં પોતે પણ ભજવી શકે તેવું પણ એક પાત્ર રાખતો.

હાલમાં...

અક્ષય ના દરેક નાટક માં મોટા ભાગે એ જુના જ પાત્રો રાખતો કદાચ તેનું કોઈ સગું ના હોઈ આ પાત્રો માં જ તે તેના સગા ને શોધતો હોય એવું પણ બને. આ બધા માં પંકજ એ તેના દર રવિવાર માટે લખેલા નાટક માં શરૂઆત થી જ હતો અને હવે તો પંકજ ને પણ જાણ હતી કે તે કોઈ સત્ય નથી તે તો આ દુનિયા માં એક લેખક ની માત્ર કલ્પના છે અને તેનું આ જીવન આ નાટક પૂરતું અને પૂરેપૂરું અક્ષય ના હાથ માં છે.

પણ આજે જે થયું એ વાતે અક્ષય નું ધ્યાન ખેંચ્યું, દર વખતે અક્ષય અને પંકજ વચ્ચે વાતો થતી તેમાં પંકજ માત્ર દર્શક બની તેને સાંભળે રાખતો તેને "તારો શુ વિચાર છે આ બાબતે " એવું પૂછો તો તેનો અભિપ્રાય પણ અક્ષય ના જ વિચારો ને મળતો હોય એટલે હા માં હા પાડે રાખવા જેવું પણ આજે તેણે જાતે તેના ખુદ ના માટે કંઈક માંગણી કરી જે તેના પાત્ર માટે લખાયું ન હતું ઉપરાંત અક્ષયના મોઢે ગીતા ના વખાણ અને ગીતા જેવીજ પત્ની મેળવવાની વાત સાંભળી પંકજે થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી તેનો અર્થ તો એ થયો કે અક્ષયે સર્જેલા પાત્રો ને પોતાના અસ્તિત્વ નો અહેસાસ થવા લાગ્યો હતો, સામાન્ય માણસ ની જેમ તે પણ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવા લાગ્યા હતા તો શુ તેણે સર્જેલા પાત્રો અને ભગવાને સર્જેલા માણસ વચ્ચે કોઈ ભેદ નહિ રહે, પણ જો આ પાત્રો સામાન્ય માણસ જેવું વર્તે તો તેમનું વર્તન પણ અણધાર્યું હોઈ શકે. જોકે અક્ષયે આ બાબતે વધુ વિચારવા કરતા તેની સાપ્તાહિક પૂર્તિ માં છપાતી વાર્તા ની ડેડલાઈન નજદીક આવતી હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અક્ષય નાટકની સાથે લખેલ શોર્ટ સ્ટોરી લોકલ ન્યૂઝપેપર માં બુધવારની પૂર્તિ માં છપાતી. આ વખત ની વાર્તા બે ભાઈબંધોની હતી જે બંન્ને એક ત્રીજી ઈર્ષાળુ વ્યક્તિ ની વાત માં આવી લડી પડે છે. વાર્તા લખતા જ તેના મનમાં વિચાર ઝબકયો. "કેવું રહેશે જો આ વખતે તેના રવિવાર ના નાટક માં એક નેગેટિવ વ્યક્તિ પણ મુકવામાં આવે !!"

હજુ સુધી ના દરેક નાટક હસી મજાક વાળુ જ હોય, પાત્રો વચ્ચે દલીલો થતી પણ કોઈ ચાલાકી કે લુચ્ચાઈ કરે એવું નહોતું. અક્ષય ને યાદ આવ્યું કે પંકજ ને પણ ના ધાર્યું હોય એવું કાંઈક જોઈતું હતું. સોમવાર રાતે તેણે નવા નાટક ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. તેને મનમાં થયું "માત્ર પંકજ શુ કામ હું પોતે પણ સરપ્રાઈઝ થવું એવું કંઈક લખું જોઈએ તો ખરી આ પેન વડે સર્જન પામેલા પાત્રો શુ ભગવાને સર્જેલા માણસો ની સરખામણી કરી શકે છે ?" તેણે દરેક પાત્રો માટેનો રોલ લખવાનું ચાલુ કર્યું પણ દરેક પાત્રના સ્વભાવ માટે એક શબ્દ વધારે લખ્યો "અન પ્રિડીકટબલ" - "અણધાર્યો સ્વભાવ". નાટક ની સ્ક્રિપ્ટ લખાતી ગઈ અને શનિવાર સુધી માં તો આખું નાટક તૈયાર હતું.

રવિવારે અક્ષય ના મકાન માંથી જોર જોર થી અવાજ આવી રહ્યો હતો.

"આજે હું એ નાલાયક ને જીવતો નહિ છોડું, દોસ્ત બની ને દગો કર્યો છે એણે" એ પંકજ નો અવાજ હતો અને તે ગુસ્સામાં હતો.

"અરે પંકજ મારી વાત તો સાંભળ તું વિચારે એવું કંઈ નથી અક્ષય તો મને મદદ કરવા માટે આવ્યો હતો, તું મારી વાત સાંભળ..." ગીતા તેને સમજવાનો પ્રયાસ કરી રહી હતી

"તું ચૂપ રહે ગીતા તું ભોળી છે તને નહિ સમજાય અક્ષય બહુ હોશિયાર છે નાટક નાટક કહી તેના મનની ઈચ્છાઓ પૂરી કરતો મને કિશોરે સવારે જ આ બાબતે ચેતવ્યો હતો પણ હું માનવા તૈયાર નહતો આ તો સારું થયું કે મેં મારી નજરે જ જોઈ લીધું હવે હું તેની કોઈ ચાલમાં નથી ફસાવાનો, આજે તો બધી ગોળીઓ તેનામાં ધરબી દઈશ"

અક્ષયે પોતાના રક્ષણ માટે રાખેલી પિસ્તોલ પંકજ હાથમાં લઈ ને બંગલામાં ફરી રહ્યો હતો તેના માથે લોહી સવાર હતું તે એક એક રૂમની તલાશી લઇ રહ્યો હતો પાછળ બીમાર ગીતા લાથ્થડિયા ખાતી તેને રોકવાનો પ્રયાશ કરી રહી હતી.

ત્યાં તેમના નોકર કિશોરે બમ મારી "પંકજ ભાઈ એ નાલાયક અક્ષય અહીં સ્ટોરરૂમ માં અંદર થી દરવાજો બંધ કરી ને બેઠો છે.."

પંકજ સ્ટોરરૂમ પાસે પહોંચી દરવાજા પર જોર થી લાતો મારવા લાગ્યો. સ્ટોરરૂમ ની અંદર થી અક્ષય નો અવાજ આવ્યો "પંકજ મારી પર વિશ્વાસ કર, ગીતા ને ચક્કર આવ્યા અને તે બેભાન થવા જેવી થઈ ગઈ એટલે હું તેને ઊંચકી ને બેડરૂમ માં લઇ ગયો, અને તે જ વખતે તું ત્યાં આવી ગયો અને ખોટું સમજી બેઠો, હું તો.."

"બસ આ દરવાજો તૂટે એટલી જ વાર પછી તને જણાવું હું શું સમજ્યો છું, સર્જનહાર કહ્યું હતું તેનો અર્થ એ નહિ તું જે ઈચ્છે એ કરી શકે" પંકજ દરવાજા ને લાતો મારતા બબડયો.

અક્ષયે આખરે કોઈ રસ્તો ના સુજતા પોતાના મોબાઈલ માંથી પોલીસને ફોન લગાવ્યો "હલ્લો, પોલીસ કંટ્રોલ રૂમ પ્લીઝ મને બચાવો, મને મારાજ ઘરમાં કોઈ મારવા માંગે છે"

"હા સર, તમે ક્યાં રહો છો અને કોણ તમને મારવા માંગે છે..?"

"જે મને મારવા માંગે છે તેનું સર્જન મારા હાથે જ થયેલું છે એટલે મારી પાસે એક એવી ફાઉન્ટન પેન છે જેનાથી હું મારી પાસે ની કાળા રંગની ડાયરી માં કોઈ નાટક લખું તો તેમાં રહેલા પાત્રો ડાયરી માંથી બહાર આવી જાય છે તેમાંનું જ એક પાત્ર પંકજ તેના નોકર કિશોર સાથે મળી ને મને મારવા માંગે છે તેની પાસે મારી પિસ્તોલ પણ છે"

"સર પંકજ અને કિશોર નામની બે વ્યક્તિ તમને મારવા માંગે છે પણ આ નાટક અને ડાયરી અને પેન વિશે તમે શું કહ્યું.."

"વ્યક્તિ નહિ નાટક ના પાત્રો પંકજ, તેનો નોકર કિશોર અને તેની પત્ની ગીતા પણ હતી હવે તે છે કે નહીં ખબર નહિ કદાચ પંકજે તેને પણ મારી નાખી હશે, હું અડ્રેસ આપું તમેં પોલીસને અહીં મોકલો હું પછી બધું સમજાવીશ" પંકજે ધ્રુજતા ધ્રુજતા કહ્યું.

આખરે જોરથી લાત વાગતા સ્ટોરરૂમ ના દરવાજા ની સ્ટોપર તૂટી ગઈ અને અવાજ આવ્યો ધડામ..

"સાઉથ બોપલ માં દિવ્યકુંજ બંગલામાં ફાયરિંગ ના ન્યૂઝ મળ્યા છે નજીકના પેટ્રોલિંગ પોલીસવાન રિપોર્ટ કરે" કંટ્રોલ રૂમ માંથી વાયરલેસ પર મેસેજ આવ્યો.

મંગળવાર ની સવાર...

જે લોકલ ન્યૂઝ પેપરની પૂર્તિ માં અક્ષય ની વાર્તાઓ છપાતી તેજ ન્યૂઝપેપર ના ક્રાઈમ રિપોર્ટર સાઉથ બોપલ ના પોલીસ સ્ટેશન માં કોન્સ્ટેબલ જોડે બેસીને અક્ષય ના મર્ડર કેસ ની વિગતો મેળવી રહ્યો હતો.

કોન્સ્ટેબલે બોલવાની શરૂઆત કરી

"મર્ડર નહિ સ્યુસાઇડ અને એ પણ માનસિક બીમારી ને લીધે. પોલીસ બંગલામાં પહોંચી જોયું તો અક્ષયની લાશ સ્ટોરૂમાં પડી હતી હાથ માં પિસ્તોલ હતી, આખા બંગલામાં કોઈ બીજું વ્યક્તિ હજાર નહોતું એજ વખતે બીજી એક પેટ્રોલિંગ પોલીસ વાન પણ આવી પોહચી તેમને કહ્યું કે પંકજ અને કિશોર નામના બે વ્યક્તિ કોઈને મારવા માંગે છે એવા ન્યૂઝ મળ્યા છે જોકે આખા બંગલામાં અક્ષય ની લાશ સિવાય બીજું કોઈ નહોતું અને પિસ્તોલ પણ લાશ ના જ હાથ માં હતી અને અક્ષયે જે ફાઉન્ટન પેન અને કાળી ડાયરી ની વાત કરી તેવી કોઈ વસ્તુઓ પણ બંગલામાં નહતી. ત્યારે જ કૃષ્ણન પિલ્લાઈ જે છેલ્લા કેટલાય વર્ષો થી અક્ષય ના પાડોશી છે તે આવી પોંહચ્યા તેમને જણાવ્યું અક્ષય છેલ્લા કેટલાક વખત થી સ્કીન્ઝોફ્રેનિયા નામની બીમારી થી પીડાતો જેમાં વ્યક્તિ અસલી અને આભાસી પાત્રો વચ્ચે નો ભેદ નથી પારખી શકતો તે પોતાની કલ્પનાઓ ને જ સત્ય માની બેસે છે અને અક્ષય સાથે પણ એવું જ થયું તે પોતાના જ લખેલા નાટક ના પાત્ર તેને મારવા માંગે છે તેવું તેને લાગવા લાગ્યું હતું અને જાતે જ પોતાને ગોળી મારી દીધી પણ ગોળી મારતા પહેલા પોલીસ માં ફોન કરી કોઈ પંકજ, કિશોર અને કોઈ ગીતા આ ત્રણ પાત્રો ના નામ લીધા હતા. કદાચ નાટકો, વાર્તાઓ લખતા લખતા પોતે એ જ વાર્તાઓની દુનિયા અને સાચી દુનિયા નો ભેદ ભૂલી ગયો હશે."

ક્રાઈમ રિપોર્ટર અક્ષય ની હાલત પર તરસ ખાતો બહાર નીકળ્યો તેને થયું તેના બંગલે એક વાર જતા આવું જોઈએ કદાચ આસપાડોશ માંથી કોઈ વધુ માહિતી મળે. રિપોર્ટર અક્ષય ના બંગલા બહાર ઉભો હતો તેની આજુબાજુ ના બન્ને બંગલા બંધ હતા પણ તેનાથી ત્રીજા નંબર ના બંગલાના ગાર્ડન માં એક કપલ ને બેઠેલું જોયું તે તેમને મળવા પોંહચી ગયો.

"માફ કરજો હું ન્યૂઝ રિપોર્ટર છું, થોડીક માહિતી જોઈતી હતી. શુ હું અંદર આવી શકું ?"

"હા પ્લીઝ બેસો ને, બોલો શેના વિશે માહિતી જોઈતી હતી ?"

"અક્ષય વિશે આપ કાંઈક જણાવી શકો છો ?"

"હમમ... અક્ષય સ્વભાવે ઓછાબોલો હોઈ બહુ વાત નહોતી થતી, હા કયારેક આવતા જતા વાત થઈ જાય આમ પણ તે એકલો જ રહેતો ખાલી રવિવારે તેનો કાકાનો દીકરો પંકજ અને તેની વાઈફ ગીતા તેના ઘરે આવતા અમે એક વાર અમારી મેરેજ એનેવર્સરી ની પાર્ટી નું આમંત્રણ આપવા તેના ઘરે ગયા હતા ત્યારે અક્ષય તેમની ઓળખાણ કરાવી હતી. સાંભળ્યું કે સ્યુસાઇડ કર્યું છે તેણે ?"

ક્રાઈમ રિપોર્ટર અવાક થઈ તેમને સાંભળી રહ્યો હતો તેને યાદ આવ્યું કે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે પણ પંકજ અને ગીતા ના નામ દીધા હતા. તે બોલ્યો "આપ ને અક્ષય ની સ્કીન્ઝોફ્રેનિયા બીમારી વિશે ખબર છે તેના પડોશી કૃષ્ણન પિલ્લાઈ એ જણાવ્યું કે તે છેલ્લા કેટલાય વખતથી આનાથી પીડાતો હતો"

"બીમારી ની તો જાણ નહિ પણ અક્ષય ના પડોશમાં તો કોઈ રહેતું નથી અને આ કૃષ્ણન પિલ્લાઈ કોણ છે આ સોસાયટી માં આ નામનું કોઈ રહેતું જ નથી." ક્રાઈમ રિપોર્ટર નું મગજ પોલીસ સ્ટેશન માં અને અહીં સાંભળેલી વાતો થી ચકકરે ચડી ગયું તે સમજી નહોતો શકતો કે અક્ષય સાથે શું થયું હશે.

અક્ષય ને મનમાં આવેલો વિચાર "શુ તેણે સર્જેલા પાત્રો ભગવાને સર્જેલા માણસો ની સરખામણી કરી શકે ?" તેનો જવાબ મળી ગયો હતો. માણસ ની જેમ જ અક્ષયે સર્જેલા પાત્રો ચાલાકી, શંકા, ગુસ્સો, અણધાર્યું વર્તન કરવા લાગ્યા હતા. કૃષ્ણન પિલ્લાઈ આ પાત્ર ના તો અક્ષયે રચ્યું હતું ના તો તેના પડોશમાં રહેતો જીવિત વ્યક્તિ હતો. તો શું કૃષ્ણન પિલ્લાઈ એ પંકજ ના મગજ અને ફાઉન્ટન પેન ની ઉપજ હતી ..?

સર્જનહાર ની ઉપમા મેળવનાર અક્ષય તો હવે દુનિયામાં નથી પણ અક્ષયે સર્જેલા પાત્રો કદાચ ફાઉન્ટન પેન અને એ ડાયરીની મદદથી ખુદ ના જ સર્જનહાર બની ગયા હશે.