Kichan quienna kamaalna nuskha - 3 books and stories free download online pdf in Gujarati

કિચન ક્વીનના કમાલના નુસ્ખા ૩

કિચન ક્વીનના કમાલના નુસ્ખા

મીતલ ઠક્કર

ભાગ-૩

* કાપેલા સફરજન પર લીંબુનો રસ લગાવવાથી તે કાળા પડતા નથી.

* પાલકને વગર ધોયે અખબારમાં લપેટી પછી જ પ્લાસ્ટિકની થેલીમાં રેફ્રિજરેટરમાં રાખવી.

બનાવતા પહેલા સમારી હુંફાળા પાણીથી ધોવી.

* મગની દાળના ભજિયા માટે દાળ થોડી કરકરી રાખવાથી ભજિયા ક્રિસ્પી બને છે.

* અડદની દાળ પચવામાં ભારી લાગતી હોય તો તેમાં ચપટી ચણાની અને મગ દાળની ભેળવવી.

* સમોસા બનાવતી વખતે બટાકાને વઘારીને નાખવાથી સમોસા જલદી બગડતા નથી.

* રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે.

* મહેમાન આવવાના હોય તો અગાઉથી રવાને ઘીમાં શેકી રાખી દેવો જેથી શીરો બનતા વાર નહીં લાગે.

* શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો તેલના છાંટા ઓછા ઉડશે.

* કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભુક્કો તેમાં મિક્સ કરી દો. તેનાથી શાક ઘટ્ટ તો થશે જ. સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

* દહીં ફ્રિઝરમાં રાખવાથી તેના ન્યુટ્રિશિયન ઓછા થઇ જાય છે.

* વધેલી બ્રેડના ભૂકાને પૂરીનો લોટ બાંધતી વખતે અંદર ભેળવી દો. પૂરી ક્રિસ્પી બનશે.

* ઢોસાને તેલ કરતા ઘીમાં શેકવાથી વધુ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ લાગશે.ઘીની બદલે બટર પર વાપરી શકાય.

* બટાકાના રસાવાળા શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો ચણાનો લોટ ભેળવવો અથવા તો ઘઉંનો લોટ ભેળળી દેવો. બાફેલા બટાકાનો છુંદો પણ ઉમેરવાથી રસો ઘટ્ટ થઇ જશે.

* લોટ અને મેંદાની કણક બાંધતી વખતે વધુ સમય ગૂંદતા પોષણ-ગુણવત્તા વધે છે.

* વધેલા બ્રેડમાં બાફેલા બટાકા, મનભાવતો મસાલો કરી રોલ બનાવી તળવા.તેને ટિકીનો આકાર આપીને સેમીફ્રાઇ પણ કરી શકાય.

* કોથમીરની ચટણી બનાવતી વખતે મીઠો લીમડો નાખવાથી સ્વાદ અને સોડમ બન્ને વધે છે.

* સામાન્ય રીતે આપણા ગુજરાતી ઘરોમાં બારેમાસનું સીધુ સામગ્રી ભરવાની પરંપરા છે. એમાંય ક્યારેક જો કાળજી રાખવામાં ન આવે તો આખા વર્ષની વસ્તુ, પૈસા અને મહેનત બધું જ બરબાદ થઈ જાય છે. એવામાં લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો. જેથી તેમાં નાની-નાની જીવાત પડશે નહીં.

* નુડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડુ પાણી નાખવામાં આવે તો નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં. નુડલ્સને બાફતી વખતે તેમાં 2 ચમચી તેલ ઉમેરવાથી નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં.

* પનીરને બ્લોટીંગ પેપરમાં વીંટાળીને ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય તાજા રહેશે.

* મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠુ નાંખી થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઈ જશે.

* એક ચમચી ખાંડને કથ્થાઈ કલરની થાય ત્યાં સુધી પેનમાં ગરમ કરી અને પછી કેકના મિશ્રણમાં ભેળવવાથી કેકનો રંગ સારો આવશે.

* બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસુરી મેથી નાંખવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે.

* જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

* ઘણી ખરી સ્વીટ ડિશ અને બીજી કેટલીક ડિશમાં આપણે ડ્રાયફ્રુટ્સનો છૂટથી ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી વખત તો તેની પાતળી કતરણ કરવાનું રેસિપીમાં જણાવ્યું હોય છે. આવા સમયે ગાર્નિશીંગનું મહત્વ વધી જાય છે. ડ્રાયફ્રુટ્સને એકદમ ઝડપથી પાતળા કટ કરવા ખુબ જ મુશ્કેલ છે. પણ જો ડ્રાયફ્રુટ્સને કટ કરતી વખતે ચાકુને ગરમ કરીને કટ કરો તો ઝડપથી અને શાર્પ રીતે કટ થશે.

* દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે.

* કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે.

* છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે.

* મોસંબી અને લીંબુનો રસ કાઢતાં પહેલાં એને ગરમ પાણીમાં અથવા ગરમ ઓવનમાં થોડીવાર રાખી પછી રસ કાઢવાથી રસ વધુ નીકળશે. કારણ કે આમ કરવાથી તેની છાલ થોડી ઢીલી થઈ જાય છે. અને એમાંથી રસ છૂટો પડીને વધારે નીકળે છે.

* મોંઘા કપ પર લાગેલા જીદ્દી ડાગાને કાઢવા માટે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. કોફીના મગથી લઈને સિરામિક કપ અને પોટને પણ તમે વિનેગરનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો.

* રોટલીના ફૂલકા બનાવતી વખતે 1 કપ ઘઉંના લોટમાં 1 ચમચી ચોખાનો લોટ ભેળવવાથી ફૂલકા પોચા થશે.

* જો શાક કે સૂપમાં મીઠુ વધુ થઈ જાય તો ચોથા ભાગનું બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ વધુ મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સાથે કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠું ઓછું કરવાનું કામ કરે છે.

* ઘણી વખત ઘરમાં આપણે ઉપવાસ સમયે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ. કેટલીક વખત સાબુદાણા વધારે પલળી જાય છે. હવે શું કરવું ? સાબુદાણાની ખીચડી બધાને ભાવતી હોતી નથી. ત્યારે આવા પલાળેલા સાબુદાણાને મેશ કરી શિંગોડાના લોટમાં ભેળવી તેના ભજીયા બનાવો. તેમાં મરચાં-આદુંની પેસ્ટ વગેરે સ્વાદ મુજબ ભેળવવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

* ઓવનનો ઉપયોગ ન કરતાં હોઈએ ત્યારે તેમાં થોડા લવિંગ તથા હળદર ભભરાવી રાખવાથી ઓવનમાં જીવાત નહીં થાય.

* ભાત ઢીલો હોય તો ઉપર બ્રેડની સ્લાઈસ મૂકવી, પાણી ચૂસાઈ જશે. ચોખા જૂના હોય અને મીઠાશ જતી રહી હોય તો ચોખા બફાય પછી 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઘી નાંખી સીજવા મૂકવા. આથી મીઠાશ આવી જશે.

* સીંગદાણા શેકતા પહેલાં પાણીનો હાથ લગાડી પછી શેકવાથી કડક શેકાશે.

* દાળ થોડી ઓછી હોય તો તેમાં થોડો ચણાનો લોટ પાણીમાં મેળવી, દાળ બફાય એટલે નાંખી, દાળ ઉકાળવી. થોડાં ગોળ-આંબલી પણ વધારે નાખવાં. આથી દાળ ઓછી પડશે નહિ અને સ્વાદિષ્ટ બનશે. દાળમાં જલદી ચઢી જાય તેવાં શાક જેવા કે રીંગણાં, કોળું, બટાકા, શક્કરિયાં, ટામેટાં, ડુંગળી, શિંગદાણા અને સાંભારનો મસાલો નાખી, સંભાર જેવું બનાવી નવીનતા લાવી શકાય. આથી દાળ ઓછી નહીં પડે અને નવીનતા રહેશે.

* આદુની છાલને ધોઈને સૂકવી નાખવી અને ચાની પત્તીના ડબ્બામાં ભેળવી દેવી. ચા સ્વાદિષ્ટ બનશે.

* મીઠાઈની ચાસણી બનાવતી વખતે એમાં થોડું માખણ ભેળવવાથી ચાસણી સારી થશે.

* રાતના એઠા વાસણ સિન્કમાં રાખવા નહીં. એના પર ચોટેલો ખોરાક ખાવા માટે વાંદા તેમજ કીડીઓ આવે છે. તેને ધાવાનો સમય ન હોય તો સાબુના પાણીમાં વાસણ પલાળી રાખવા અને ઢાંકી દેવું.

* ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી.

* કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે.

* તૂરિયાનાં શાકમાં મરી અને લીંબુ નાખવામાં આવે તો તેનો વાતલ ગુણ થોડો ઓછો થાય છે. તૂરિયાના શાકમાં લસણ પણ નાખવું જોઈએ.

* ગુવારફળીમાં લસણ અને અજમો મૂકી શાક બનાવવાથી તેનો સ્વાદ અને ગુણ બંને વધી જાય છે.

* બટાકાને જલદી બાફવા માટે પાણીમાં એક ચમચી તેલ નાખવું.

* ખાદ્ય પદાર્થ બળવા લાગે કે દૂધ તપેલામાં નીચે ચોંટવા લાગતું જણાય તો તરત જ વાસણને સિન્કમાં ઠંડા પાણીમાં રાખવું જેથી દાઝ્યાની ગંધ ખાદ્ય પદાર્થમાંથી ઊડી જશે.

* સમોસા બનાવવાનો લોટ પાણીથી બાંધવાને બદલે ભાતથી બાંધવાથી સમોસાનું પડ ક્રીસ્પી થશે.

* રગડા પેટીસની પેટીસને તવા પર શેકતા પહેલા તવા પર તેલ લગાડવું તેમજ પેટીસ તેલમાં બોળીને તવા પર મૂકવી અને શેકતી વખતે જરૃર પડતું તેલ નાખવાથી પેટીસ ક્રિસ્પી થાય છે. ઠંડી પણ સારી લાગે છે.બટાકામાં માવામાં આરાલોટ નાખવો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED