ગુજરાતીપંતી Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતીપંતી

“ગ્રેના! આમના ઘરે તો હાઉસ નંબર પણ નથી લખેલો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ હેપન થાય તો આપણે કન્ફયુઝ ના થઇ જઈએ?”,દસ વર્ષના ધ્વેતે પોતાના દાદા શ્રીમાન અંબાલાલ શાહને ઉદ્દેશીને એમના નાનપણના મિત્ર ભીખાભાઈ પટેલના વતન એવા ગામડે રહેલા ઘરમાં પ્રવેશતાની સાથે કહ્યું. એ લાડથી અંબાલાલભાઈને ‘ગ્રેના’ કહેતો અથવા ઘરના સભ્યો એને એમ કહેવડાવતા.

“બેટા અહી ગામમાં એવું પોસીબલ નથી. અહી બધા એકબીજાનું હાઉસ જાણતા હોય અને સીટીની સોસાયટી ના હોય ડીયર”, અંબાલાલ શાહ જાણીજોઇને જેમ બને તેમ અંગ્રેજી ભાષાનો પ્રયોગ વધુ થાય એનું ધ્યાન રાખી રહ્યા હતા.

“પધારો પધારો મિત્ર”, ભીખાભાઈએ બંનેને આવકારો આપ્યો.

પૌત્રની ગામડું જોવાની જીદના લીધે પાંસઠ વટાવી ગયેલા અંબાલાલભાઈ જાતે એને લઈને પોતાના વતન આવ્યા હતા અને વતન આવે તો ભીખાને તો મળવું જ પડે! બંને નાનપણથી જ પાક્કા મિત્રો. શાળાએ સાથે જવાનું, રમવાનું પણ સાથે જ. બંનેની પસંદીદા રમત પણ એક જ અને તે ગીલ્લી દંડો. ભીખો ગુજરાતીમાં ખુબ પાવરધો અને માતૃભાષાને લઈને એટલો જ સંવેદનશીલ. જ્યારે પોતે વાણિયાનો પુત્ર હોઈ અંબાલાલ અંગ્રેજીને વધુ મહત્વ આપતા હતા. કદાચ ભવિષ્યમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધવાનું છે એ આશંકાએ અંબાલાલના પિતા નયનસુખ શાહ, જે નાણા ધીરતા તેઓ પણ અંબાલાલની અંગ્રેજી પ્રત્યેની રૂચી વધે એનું ખાસ ધ્યાન રાખ્યા કરતા.

“ગ્રેના? પધારો મીન્સ?”, ધ્વેતે કદાચ આટલું શુદ્ધ ગુજરાતી પહેલી વાર સાંભળ્યું હશે.

“બેટા પધારો મીન્સ ‘વેલ કમ’. ગુજરાતીમાં ગ્રીટિંગ કરવા ‘પધારો’ વર્ડ યુઝ થાય”, અંબાલાલભાઈએ ચોખવટ કરી.

“કેટલા હેવી હેવી વર્ડ્સ યુઝ થાય છે ગુજરાતીમાં નહિ ગ્રેના? એના કરતા ઈંગ્લીશ કેટલું ઇઝી છે!”, ધ્વેતે કહ્યું.

“ગુજરાતી માતૃભાષા છે બેટા અને માતા બધાથી ચડિયાતી જ હોય”, ભીખાભાઈએ કહ્યું, “અને બેટા શહેરમાં કાયમ માટે માણસ ગૂંચવાયેલો જ હોય એટલે ઘર એટલે કે હાઉસને નંબર તો આપવો જ પડે ને?”, એમણે હસતાં હસતાં ઉમેર્યું.

ધ્વેતે એમની સામું જોયું અને એમણે કહ્યું એમાં માત્ર અમુક જ શબ્દોમાં ખબર પડી એટલે એક નિર્દોષ સ્મિત આપ્યું.

“આવ આવ અંબાલાલ! કેટલા વર્ષે આવ્યો!”, ભીખાભાઈએ કહ્યું.

પોતાના દાદાને પહેલી વાર કોઈ એકવચનમાં બોલાવી રહ્યું હતું એ જોઇને ધ્વેતને નવાઈ લાગી.

“અરે ટાઈમ જ નથી રહેતો ભીખા! સવારે ગાર્ડનમાં જાઉ, પછી ઘરે આવી બ્રેકફાસ્ટ કરું. પછી ફ્રેશ થઈને લાયબ્રેરીમાં જાઉં, ત્યાં પુસ્તકો વાંચું. પછી ઘરે આવીને જમીને આરામ કરું બેએક કલાક. સાંજે ધ્વેતને એની ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં લેવા જાઉં. પછી એને લઈને લેસન કરાવું અને જમીને સુઈ જાઉં”, અંબાલાલ ભાઈએ આખી દિનચર્યા આલેખી અને સાબિત કર્યું કે એમની પાસે સમયની ઘટ રહેતી હશે. એમણે ‘ઈંગ્લીશ મીડીયમ સ્કુલ’ પર ભાર મુક્યો.

“વાર તહેવારે અવાયને પણ એટલે કે ફેસ્ટીવલમાં”, ભીખાભાઈએ ધ્વેતને સમજાય એમ દલીલ કરી.

“અરે ના ના ભીખુ અંકલ”, ધ્વેતે દાદાના મિત્રનું નામ આ રીતે લીધું અને કહ્યું, “ફેસ્ટીવલમાં તો અમે આઉટીંગ કરીએ અને મોમ, ડેડ, ગ્રેની, ગ્રેના અને મી, અમે બધા ફરવા જઈએ”

“ઓહો! એમ વાત છે”, ભીખાભાઈ ‘ભીખુ અંકલ’ સાંભળીને મનોમન હરખ્યા.

એટલામાં બહાર પોતાની ઉંમરના છોકરાઓ સાથે રમતો ધ્વેતના જેટલી જ ઉમરનો ભીખાભાઈનો પૌત્ર મિતેશ ઘરમાં પ્રવેશ્યો. આવતાની સાથે અંબાલાલભાઈને ન ઓળખતો હોવા છતાં પગે લાગ્યો અને ‘આવો’ કહીને આવકાર આપ્યો. અંબાલાલભાઈએ આ નોંધ લીધી પણ શહેરના માણસો જો ગામડાના માણસોના સંસ્કારના વખાણ કરે તો એમનો જમીનથી અધ્ધર ચાલતો રથ ધરતી પર આવી જાય એટલી હદે મન વિચલિત થઇ જાય! એટલે અંબાલાલભાઈએ કહ્યું,

“અરે બેટા! પગે લાગવાની શું જરૂર છે?”

“દાદાએ શીખવાડ્યું છે કે વડીલોને માન આપવું જોઈએ”, એનો જવાબ સાંભળી અંબાલાલભાઈથી રહેવાયું નહિ.

“સરસ સરસ બેટા”, એમણે કહ્યું, “જો ધ્વેત. લર્ન કરો મિતેશ પાસેથી” ધ્વેતને કહ્યું.

ધ્વેત અને મિતેશ સાથે એના રમકડાથી રમવા લાગ્યો.

“બાકી બોલ ભીખા, શું ચાલે છે લાઈફમાં? બધું ઠરીઠામ ને? ખેતીમાં અને ગામમાં કશું નવાજૂની?”

“કઈ ખાસ નહિ અંબાલાલ. બધું તું છોડીને ગયો હતો એમનું એમ છે. આ મારો દીકરો તલાટી બન્યો છે એ પછી ગામમાં રોડ અને શેરીલાઈટ કરાવડાવ્યા એ જ નવાઈ”, ભીખાભાઈએ કહ્યું.

“ઓહો! સરસ! તે મિતેશ ક્યાં ભણે છે? એવું હોય તો અમારે ત્યાં શહેરમાં મૂકી દે એને ભણવા. ધ્વેત ને બંને સાથે જશે ઈંગ્લીશ મીડીયમની સ્કુલમાં”, એમણે પ્રસ્તાવ મુક્યો અને કહ્યું, “અમારે ધ્વેતને ક્લાસ વન ઓફિસર બનાવવાનો છે. એટલે અત્યારથી પાયો કાચો ના રહે એનું ખાસ ધ્યાન રાખવું પડે ને?”

“હા તે તમારે ‘બનાવવો’ હોય તો રાખવું જ પડે ને ધ્યાન! મિતેશ તો અમારે શિક્ષક ‘બનવું’ છે. ઘરમાં પહેલેથી ગુજરાતી માધ્યમ જ અગ્રેસર રહ્યું છે એટલે એને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને કશું ફાયદો જ નથી. ઉલટાનો બિચારો ગૂંચવાઈ જશે”, ભીખાભાઈએ ‘બનાવવો’ અને ‘બનવું’ બંને શબ્દો પર વધુ ધ્યાન જાય તેમ કહ્યું.

“શિક્ષક બનવું છે?”, અંબાલાલભાઈ ચોંક્યા, “શિક્ષક બનીને શું કરશે? અત્યારે જમાનો હરીફાઈનો છે ભીખા. શિક્ષકમાં તો હવે શું રાખ્યું છે તું જ વિચાર ભીખા”

“પણ એને બનવું છે એટલે એ બનીને કશુક તો કરશે જ ને! છોકરાઓને એમનું ભવિષ્ય જાતે નક્કી કરવા દેવાય અંબાલાલ. મેં મારા દીકરાને કોઈ દબાણ નહતું કર્યું કે તું બી.એસ.સી. કરીને તલાટી બનજે એમ. છતાં એ બન્યો કારણ કે એને બનવું હતું અને ગામ માટે જે બને એ કરવું હતું એમાં શું ખોટું છે! પૈસેટકે કોઈ વાંધો આવે એમ નથી. બાકી હરી ઈચ્છા બળવાન”, ભીખાભાઈએ સહજતાથી મનમાં રહેલું સત્ય કહ્યું.

“ઠીક છે ભીખા. આ તો મેં એક પ્રસ્તાવ મુક્યો, બાકી તને જે યોગ્ય લાગે એ ખરું”, એમણે કહ્યું, “અને બાકી? અમારી જમીનમાં શું કર્યું આ વખતે?”, અંબાલાલભાઈ ખેતી માટે વતન આવી શકે તેમ ન હોઈ પોતાની જમીન ત્રીજા ભાગે ભીખાભાઈ પાસે ખેડાવતા.

“આ વખતે કપાસ કર્યા છે”

“બરાબર. બિયારણ ખાતર માટે પૈસા જોઈએ તો કેહેજે મોકલાવી આપું”

“ના ના! હમણાં કોઈ જરૂર નથી. બકુલના તલાટી બન્યા પછી નીમલેપિત યુરીયા અને બીજા ખાતર સહેલાઇથી મળી જાય છે એટલે સારું છે”

“બકુલનું કામ સારું હો ભીખા”, અંબાલાલભાઈએ નછૂટકે વખાણ કર્યા.

“સારું ત્યારે જરૂર પડે ટેલીફોન જોડજે. ફરી આવું ત્યારે મળીએ”, અંબાલાલભાઈએ રજા લીધી.

“રોકાઈ ગયો હોત તો સારું. જમીને જાત ને?”

“ના ના ફરી ક્યારેક ભીખા. અને તું ય આવ કોઈક દિવસ અમારે ત્યાં સહપરિવાર”

“ચોક્કસ”

બે જુના દોસ્તોનો મેળાપ પૂરો થયો. અંબાલાલ ધ્વેતને લઈને શહેર જવા નીકળ્યા. જતા જતા મિતેશને જોઇને એ શિક્ષક બનવાનો હોઈ અને ઉપરથી ગુજરાતી માધ્યમમાં હોવાના લીધે એના પર નિસાસાની નજરે જોતા જોતા ગાડીમાં બેઠા. બેસતા બેસતા એમના મોઢામાંથી “શું થશે બિચારા મિતેશનું ?!” એવો ઉદગાર નીકળી ગયો.

સમયનું વહાણ એની ગતિમાં હતું. પંદર પંદર વર્ષ ના આણા થયા. અંબાલાલભાઈનું અને એમના દીકરા સ્વપ્નીલનું ધ્વેતને ક્લાસ વન ઓફિસર બનાવવાનું સપનું બબ્બે પ્રયાસ છતાં હાથવેંતમાં છેટું રહી જતું. અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપતો હોઈ અંગ્રેજીના બધા વિભાગોમાં તો એનાથી આરામથી પાસ થઇ જવાતું હતું પણ ગુજરાતી વ્યાકરણનો જે પચાસ માર્કનો કમ્પલસરી વિભાગ આવતો જેમાં ઓછામાં ઓછા ત્રીસ ગુણ મેળવવા પડતા. છંદ, અલંકાર, જોડણી, રૂઢીપ્રયોગ એ બધામાં ધ્વેતને સદી ભાષામાં કહીએ તો ટપ્પો પડતો જ નહતો. પહેલેથી જ એ બી સી ડી અને એક્સ વાય ઝેડમાં જ ઉછરેલા ધ્વેત માટે આ સ્વાભાવિક હતું. અંબાલાલભાઈએ શહેરના કહેવાતા ગુજરાતીના ખાંટુ અધ્યાપકનું ખાસ પર્સનલ ટ્યુશન રખાવડાવ્યું. એમને પણ એક મહિનાના અંતે હાથ અધ્ધર કરી દીધા. ધ્વેત અક્ષરો અને યતિની સાથે માત્રા અને યમાતારાજભાનસલગામાં જાતે એટલો બધો કન્ફયુઝ થતો કે એના સવાલો એના કરતા વધુ કન્ફયુઝન ઉભું કરતા હતા.

અંબાલાલભાઈ અને સ્વપ્નીલ આમ હાર માને એવા નહતા.દીકરાને ક્લાસ વન ઓફિસર બનાવવાની વાત એમને બધા સંબંધીઓને કરી હતી. એટલે જો ધ્વેતની ઉંમરમર્યાદા આવી પહોચે તો પરીક્ષામાં બેસવાની લાયકાત હોવા છતાં એ ન બેસી શકે તો એમની સામે અંબાલાલભાઈનું નીચાજોણું થાય.

એંશી વરસની ઉંમરે પણ અંબાલાલભાઈ સ્વપ્નીલ સાથે આસપાસના શહેરોમાં ફરી વળ્યા. અંતે છેક બોટાદ પાસે આવેલા કનીયાદ ગામમાં એક ગુજરાતીના સ્નાતક રહેતા હોવાની અને કોલેજમાં પ્રોફેસર હોવાની વાત મળી. આશાના અંતિમ કિરણનો પ્રકાશ પામવા એ લોકો પોતાના શહેર વડોદરાથી છેક કનીયાદ સુધી લાંબા થયા અને એ પ્રોફેસરની કોલેજમાં જ જઈને મળવાની તાલાવેલી દાખવી.

પ્રોફેસર પોતે લેકચરમાં હોઈ એમને કલાકની રાહ જોવાની થઇ. અડધો કલાક થયો હશે ત્યાં સાદા કપડામાં, મુછ અને બાકીની ક્લીનશેવવાળો જુવાનીયો સ્ટાફ રૂમમાં દાખલ થયો. અંબાલાલભાઈએ ચશ્માં પહેરીને જરાતરા યાદ કરવાની કોશિશ કરી તો ખ્યાલ આવ્યો કે એ ભીખાનો પૌત્ર મિતેશ હતો.

“અલા મિતેશ? તું અહી ક્યાંથી?”, અંબાલાલભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

“કેમ છો અંબાલાલ દાદા?કેમ છો સ્વપ્નીલ કાકા?”, કહીને એ એમને પગે લાગ્યો. હજી એ પોતાના સંસ્કાર જાળવી રહ્યો હતો.

“મજામાં છીએ. તું અહી કોલેજમાં ભણે છે?”, હજી અંબાલાલભાઈ ગૂંચવાયેલા જ હતા.

“ના ના. ભણવાનું તો પૂરું થઇ ગયું”

“તો? ડીગ્રી લેવા આવ્યો હોઈશ, નહિ?”

“ના ના! હું અહી પ્રોફેસર છું દાદા!”

“શું? આટલી નાની ઉંમરે પ્રોફેસર?”

“હા. મેં અનુસ્નાતક અને પીએચડી બંને સાથે પુરા કર્યા એટલે ઓછા સમયમાં પૂરું થયું”

“કયા વિષય પર?”

“ગુજરાતી પર”

“એટલે જે પ્રોફેસરની અમે વાત સાંભળી એ....”, સ્વપ્નીલ બોલવા જઈ રહ્યો હતો.

“હા એ હું જ કાકા”, મિતેશે એનું વાક્ય પૂરું કર્યું.

“ઓહ આઈ સી”, સ્વપ્નીલે કહ્યું.

“ભીખો તારા વિષે જે કહેતો હતો એ તે કરી દેખાડ્યું હો મિતેશ”, અંબાલાલભાઈએ પહેલી વાર અંતરથી મિતેશના વખાણ કર્યા.

“બોલો ને દાદા શું કામ હતું?”, સાદગી મિતેશના વર્તનમાં સાફ ઝલકતી હતી.

અંબાલાલ ભાઈએ પોતાની તકલીફ વર્ણવી. અને આગામી બે મહિનામાં ધ્વેતની મુખ્ય પરીક્ષા હતી તેમ પણ જણાવ્યું એટલે જેમ બને એમ જલ્દી ધ્વેતને ગુજરાતી વ્યાકરણ એના ઈંગ્લીશ ગ્રામર જેવું કરાવવાનું હતું.

મિતેશે તરત પંદર દિવસની રજાની અરજી મૂકી. પણ એક શરત પણ મૂકી કે પોતે ધ્વેતને એમના ગામડે જ ભણાવશે અને ફીનો એક રૂપિયો નહિ લે.

પંદર દીવસમાં અવનવી પદ્ધતિઓથી અને વિષયના ઊંડાણપૂર્વક પાયાના જ્ઞાન સાથે ધ્વેતને ગુજરાતી વ્યાકરણમાં સમજ પડવા લાગી. અરે! પડવા શું લાગી, પરીક્ષામાં સો ટકા પાસ થઇ જ જવાની ગેરંટી આ વખતે એણે અંબાલાલભાઈને આપી.

પેપર પૂરું થયા પછી ફરીથી જીદ કરીને ધ્વેત અંબાલાલભાઈ સાથે આખા પરિવારને ગામડે લઇ ગયો. ભીખાભાઈના ઘરે પ્રવેશતા સાથે એમને પગે લાગ્યો.

“કેમ બેટા! મજામાં?”

“હા, ભીખુ અંકલ. એકદમ મજામાં”

“હવે ગુજરાતી હેવી નથી લાગતી ને?”, એમણે મજાકમાં પૂછ્યું અને એ દિવસ યાદ કર્યો જયારે તે પહેલી વાર ત્યાં આવ્યો હતો.

“ગુજરાતી તો માતા છે અંકલ. બધાથી ચડિયાતી. ભારે તો હોવાની જ”, એણે એ દિવસે ભીખાભાઈએ આપેલો એ જ જવાબ આપ્યો અને એમની સામું જોઇને સ્મિત આપ્યું.