પ્રેમનાં અસ્થિ Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનાં અસ્થિ

પ્રેમનાં અસ્થિ

"યું રાત તન્હા સી ગુજરી, આસમાં સે તુફાન બરસતા રહા, જીંદગીકી મુશ્કિલોસે યે દિલભી સંભલતા રહા. . . . . . . . . "

ગીત પૂરું થયું ને સામેનાં ટેબલ પરથી ઉઠીને કવન પાસે પહોચી ગયો અને સિંગર માધુર્યાનેફૂલ આપતા. . .

"બહોત સુરીલી આવાઝ હે આપકી ".

તાળીઓનો ગડગડાટ ચાલુ હતો. માધુર્યા સામે બેઠેલા શ્રોતાઓને નમસ્તે કરી અભિવાદન કરી રહી હતી. કવન પાછો બેસીને માધુર્યા એકલી પડે એની રાહ જોઈ બેસી રહ્યો. બહાર નીકળતા ફરી માધુર્યાને. . . . .

"હેલો, કઈ તરફ જાવ છો. તમને મુકતો જાવું એટલી વાર તમારો સાથ મળે તો મને ભાગ્યશાળી સમજીશ. તમે ગુજરાતી છો એ ખબર છે. "

"અરે, મારા વિષે માહિતી સારી રાખો છો "કહી માધુર્યાએ સ્માઈલ આપ્યું. "

"તમારો ફેન છું તમારા બે -ત્રણ પ્રોગ્રામ જોયા છે તમારા fb પેઇજ માં પણ છું. મારું નામ કવન સાવલા, અમે પણ ગુજરાતી જ છીએ. "

"ઓહ, નાઈસ ટુ મીટ યુ "

"વેલ, તમે તમારા અવાજમાં સોંગની કોઈ સી. ડી. કેમ લોન્ચ નથી કરતા ?"

"હું તો હજી નવી આર્ટીસ્ટ કહેવાવું. "

"તમારે કોઈ સ્પોન્સર વગેરે જરૂર હોય તો મને કહેજો. "

"થેન્ક્સ "

ટેક્ષી માટે વોચમેનને કહ્યું ને કવન ફરી બોલ્યો,

"મારી કારમાં આવવામાં કોઈ પ્રોબ્લેમ છે ?

"ના એવું નથી. . . . . "

"તો ?હું બે મીનીટમાં કાર લઇ આવ્યો "

અને ડ્રાઈવ કરતા કવન માધુર્યાને પૂછતો ગયો અને પોતાનાં વિષે પણ જણાવતા વચ્ચે એક જગ્યા એ જ્યુસ પીવા ગાડી ઉભી રાખી

". આજે તો મોડું થઇ ગયું છે પણ મારી સાથે લંચ કે ડીનર માટે ઇન્વાઇટ કરીશ. "

અને માધુર્યા સામે જોઈ રહ્યો. પર્પલ કલરનો પ્લેઈન ચૂડીદાર ડ્સ અને નેટની વ્હાઈટ ઓઢણીમાં એકદમ સુંદર દેખાતી હતી.

"હાથમાં જે રીતે સુંદર ફૂલોનો બુકે લઈને બેઠા છો એ દ્રશ્ય મારા મોબાઈલમાં સ્ટોર કરી લેવાનું મન થાય છે. "

કેમેરો ઓન કરી "સ્માઈલ પ્લીઝ " ને માધુર્યાનો એક શરમાતો સુંદર ફોટો મોબાઈલમાં કેદ કરી લીધો.

"મારું આપેલું ફૂલ તો ચોક્કસ જ ટેબલ પર રહી ગયું હશે. "

"ઓહ, આઈ એમ સોરી પણ. . . "

"ઇટ્સ ઓકે, એક સેલ્ફી લઇ લઉં " અને બંને હસી પડ્યા.

"હું કોઈ માથાફરેલ ફેન નથી. બહુ લાઈટ મૂડનો માણસ છું "

"આઈ ફિલ લકી, તમે જે રીતે મને સુપીરીઅર ફિલ કરવો છો " એટલામાં માધુર્યાનું એપાર્ટમેંટ આવી ગયું.

" થેન્ક્સ, હું અહી સેકંડ ફ્લોર પર રહું છું. પપ્પા સ્કૂલમાં શિક્ષક છે અને મમ્મી દવા બનાવતી કંપનીમાં વર્ક કરે છે. નાનો ભાઈ લાસ્ટ યર કોલેજમાં છે, મેં સંગીતનું શિક્ષણ લીધું અને એક સર્ટીફીકેટ કોર્સ કરી કોમ્પુટર જોબ પણ કરું છું. બાય"

" બાય, "કવનને તો ઘરનો પોતાનો બીઝનેસ, મોટાભાઈ સાથે ઓફીસમાં બેસે અને ગીત -સંગીતનો ખુબ શોખ. એને જાણેકે માધુર્યાનો સૂરમય સાથ મળી ગયો એટલે ખૂબ ખુશી અનુભવતો ઘરે પહોચ્યો. મોટાભાઈ અને ભાભી આગલા રૂમમાં બેસી ટી. વી જોતા હતા.

"વાહ, કંઇ સીટી વગાડતાં સુંદર ગીત વગાડી રહ્યો છે ને, અમે તો તારી શરણાઈ વગડાવવાનો પ્રોગ્રામ ઘડીએ છે, મારા બેંગ્લોરવાળા માસીની દીકરી આ વેકેશનમાં થોડા દિવસ આવવાની છે, ઓળખાણ કરીને જે વિચાર હોય તે કહેજો. "

"અરે ભાભી મેં પણ બધે જોવા માંડ્યું છે. તમારા કરતાં પણ રૂપાળી તમારી દેરાણી શોધી કાઢીશ " અને ભાભી હસવા માંડ્યા,

"અરે, મારી નિશિકા જેવી રૂપાળી ને ભણેલી છોકરી આખા મુંબઈમાં મળવાની નથી"

રાત્રે સપના સજાવતો કવન ઊંઘવાના પ્રયત્ન કરવા માંડ્યો પણ માધુર્યાનો અવાજ અને આજની એની મુલાકાત, નાજુક વ્યક્તિત્વ અને આંખોમાં અંજાયેલી એના નામ જેવી મધુરતા યાદ આવ્યા કરતી હતી. માધુર્યાને 'ગૂડ નાઇટ' નો મેસેજ કર્યો અને લગભગ હાફ અવર પછી એનો પણ મેસેજ આવ્યો. સવારે ઉઠી ફોન કરી ગુડ મોર્નિંગ અને વાતો શરુ કરી. આજે તો એની કોમ્પુટર સર્વિસ ચાલુ હતી એટલે થોડી વારમાં ઓફીસ જવાનું છે કહી ફોન કટ કર્યો. કવન એકદમ અધીરો થયો હતો પણ ઓવરરીએકટ કરતા ક્યાંક ખરાબ ઇમ્પ્રેસન નહિ પડે, એ વિચારે ૨-૩ દિવસ જેમતેમ રાહ જોઈ એક દિવસ ફોન જોડ્યો.

"આજે એક લોંગ ડ્રાઈવનો વિચાર છે, તારી સાથે વાતો કરતાં એક બે ગીત પણ સાંભળું, શનિવાર છે તો જો અનુકુળ હોઈ તો જઈએ. "

"ઓહ, સોરી કવન આજે જરા ગેસ્ટ આવવાના છે. એના કરતા તમે સન્ડેને દિવસે મારા ઘરે આવો "

"યા, તો એમ કરીએ સ્યોર મળીયે. " રવિવારનાં દિવસે બપોરથી માધુર્યાનાં ઘરે બેસી ખૂબ વાતો કરી. એના પપ્પા -મમ્મી પણ મળીને ખુશ થયા.

"તમે માધુર્યાને પ્રોત્સાહિત કરો છો એ બદલ આભાર "

કવનનાં સજેશનથી વધુ પ્રોગ્રામ મળવા માંડ્યા ને વધુ જાણીતી થઇ ગઈ. પોતે ગાયેલા હિન્દી ફિલ્મી ગીતો અને શાયરોની ગઝલો એના સ્વરમાં તૈયાર કરી સી. ડી પણ લોન્ચ કરી. કવન એના બધા પ્રોગ્રામ અટેન્ડ કરતો. આજનો પ્રોગ્રામ પત્યો એટલે માધુર્યાનો બર્થડે અને સી. ડી. લોન્ચિંગ સેલીબ્રેટ કરવા સરપ્રાઈઝ માટે ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર પર લઇ ગયો અને ત્યાં એણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો . માધુર્યાએ પણ એને લાઈક કરતો પ્રતિભાવ આપ્યો.

" આજે લોંગડ્રાઈવ પર જઈએ તો કેમ ?" અને બંને દૂર સુધી ફરવા ઉપડી ગયા. કવન તો જાણે હવામાં ઉડતો હતો અને માધુર્યા હસીને એને ગીતો સંભળાવતી રહી. એકબીજાના સંગે બંને લાગણીથી તરબતર થઇ ગયા.

"ગુડ નાઇટ" કહેતા ઘર પાસે ઉભા રહી માધુર્યાની આંખોમાં જોઈ રહ્યો.

"તારી આ અદ્ભુત બોલકી આંખો મને કહી રહી છે કે અહીંથી દૂર નહિ જાઉં "

અને માધુર્યા "ગુડ નાઇટ" કહી હસતા હસતા દાદર ચઢી ગઈ. બીજે દિવસે નવા ગીતોનાં રિહૅસલ વગેરે હોવાથી માધુર્યા પાછી બીઝી થઇ ગઈ. આ વખતે એની સાથે મેઈલ ગાયક સૌજન્ય પણ જોડાયો. બંને મળીને નવા આલ્બમની તૈયારી કરવા માંડ્યા. કવન પણ ઓફીસંના કામ સાથે હવે વધુ સેટ થવા પ્રયત્ન કરવા માંડ્યો. એનાં પપ્પા -મમ્મી મોટીબેનને ત્યાં યુ. એસ. એ. ગયા હતા ૬ મંથપછી આવે એટલે વાત કરીશ એવું વિચારી કવન કોઈ ને વાત કરવા માંગતો નહોતો.

થોડા દિવસમાં ઘણાં નજીક આવી ગયાં. ઓફિસેથી માધુર્યાને ફોન જોડ્યો, એનાં મમ્મીએ ફોન લીધો.

"માધુર્યાને તબિયત સારી નથી લાગતી એટલે સુતી છે. ગઈકાલ રાતથી ખૂબ તાવ રહે છે "

અને કવન તરત એના ઘરે પહોચ્યો. એકદમ વિક હાલતમાં માધુર્યાને જોઈ કવન ક્યાંય સુધી પાસે બેસી રહ્યો.

એકાદ વિક પછી માધુર્યાની તબિયત થોડી સુધારા પર હતી જાતજાતનાં ટેસ્ટ કરાવી રહ્યા હતા ડોક્ટર. કવને પૂછ્યું તો માધુર્યા કહે કઈ નથી રીપોર્ટ માં, જનરલ વાઈરલ છે. પાછી થોડું ઓફીસ જતી અને ગીતના આલ્બમની તૈયારી સૌજન્ય સાથે કરવા માંડી. એના ફોન વગેરે પણ આવતા ઓછા થઇ ગયા હતા. અને બહાર જવાનું હોઈ તો પણ અવોઇડ કરવા માંડી હતી. કવને એના ભાઈ અને મમ્મી પપ્પા ને પૂછતો ,

"કામમાં છે એટલે થોડી થાકેલી રહે છે તો ખાસ બહાર નથી નીકળતી ".

એનો મોટાભાગનો સમય સૌજન્ય સાથે બેસી કામમાં જતો અને કવનનાં મનમાં શંકાનાં વાદળો ઘેરાવા માંડ્યા. જયારે પણ વાત કરે કે મળે ત્યારે એકદમ નર્વસ પ્રતિભાવ મળતો.

આજે કેટલાએ સમયથી ગુસ્સાને દબાવી રાખેલો પણ ફોન જોડી માધુર્યાને,

"શું છે મારે માટે સમય નથી તને?. તારી કેરીઅર ની જ વધારે પડી છે ?સૌજન્ય સાથેનાં ડ્યુએટ ગીતોની શું જરૂર હતી ?"

"ઓહ, કવન મારો એકલીનોજ અવાજ હોય તો પબ્લીક પછી બોર થઇ જાય, થોડું વૈવિધ્ય રહે એટલે અને અમે તો સાથેજ કોલેજ સમયથી પ્રેક્ટીસ કરતાં એટલે સારું ટ્યુનીંગ છે. "

"આવી રીતે હોય તો કેવી રીતે ચાલે ?તને મારી તો કંઈ પડી જ નથી "

કહી ગુસ્સામાં ફોન મૂકી દીધો. માધુર્યાએ ફરી ફોન કર્યો પણ કવને ફોન નહીં ઊંચક્યો. સાંજે ઘરે ગયો તો ભાભી કહે,

"આવતીકાલે બેંગલોરથી નીશીકા આવવાની છે, અમે એરપોર્ટ લેવા જવાના છીએ. સાંજે બધા સાથે ડીનર લેવા જઈશું. " આખીરાત કવન અસ્વસ્થ રહ્યો. બીજે દિવસે નીશીકા આવી અને

"હાઈ, કેમ છો ?" અત્યંત સુંદર નીશીકાએ ઓળખાણ આપતા કવન સાથે વાતો કરવા લાગી પણ કવન" હાઈ હલો" કરી રૂમમાં જતો રહ્યો. ડીનર સમયે પણ ગુમસુમ રહ્યો. રાત્રે બારી પાસે ઉભો હતો ત્યાં નીશીકા આવી.

"કેમ કઈ ઉદાસ લાગો છો ?

"ના ના , એવું કઈ નથી. "

"તો આમ ચુપચુપ કેમ છો ?દીદી તો વાત કરતા હતા કે મારા દિયર તો એટલા લાઈવ છે કે તને બધે મુંબઈમાં ફરવાની મઝા પડી જશે. "

"ઓહ તમારું વેકેશન નહીં બગાડું. શ્યોર ફરવા લઇ જઈશ". અને સાથે ટી. વી ચાલુ કરી જોવા બેઠા.

"તમને લેડીઝોને તો સીરીઅલો જોવાનું બહુ ગમે નહિ ?"

"ના ના હું તો પિક્ચર જોવું અને ગીતો સાંભળું "

"અરે વાહ, તમને ગીતોનો પણ શોખ છે ?"અને કઈ યાદ આવી ગયું હોય એમ આંખો થોડી ઉદાસ થઇ ગઈ. બીજે દિવસે સવારે માધુર્યાને ત્યાં ફોન જોડ્યો.

"મમ્મીએ કહ્યું "એતો સૌજન્ય સાથે સ્ટુડીઓ ગઈ છે અને રાત્રે મોડેથી આવશે "

અને કવન નિશિકાને લઇ બહાર નીકળ્યો. રસ્તે જનરલ વાતો કરતા ચોપાટી તરફનાં રસ્તે જતાં વળાંક પાસે ટેક્ષીમાં માધુર્યા અને સૌજન્યને જોયાં. એકદમ બ્રેક મારી પણ ટેક્ષી બાજુનાં રસ્તે વળી ગઈ. નીશીકા બોલી,

"શું થયું ?"

"અરે જરા એક કામ યાદ આવ્યું, હું આગળ નીકળી ગયો કે પાછળ એ ખ્યાલ આવતો નથી. "

"શું છે કવન બહુ ખોવાયેલા રહો છો ?મારી કંપની તો ગમી કે નહિ ?વાતો કરી બોર નથી કરતીને ?"

"નાં એવું કઈ નથી જરાં કામનું ટેન્સન રહે એટલે "નીશીકા સાથે બેંગ્લોરની અને સ્ટડી વગેરે વાતો કરતા ઘણાં દૂર સુધી ફરી આવ્યા. શોપિંગ સેન્ટર વગેરે ફરતા નીશીકા બોલી,

"બેંગ્લોર કરતા પણ બોમ્બે તો બોમ્બે જ છે "

"તમારા બેન પણ છે એટલે તમને તો અહીં ફરવાની મઝા આવશે "

"તમે પણ છો ને અહીં?"

બોલી નીશીકાએ કવન સામે જોઈ સ્માઈલ આપ્યું નીશીકાની તડકામાં વધુ પાણીદાર લાગતી આંખ કવનને જોઈ રહી, કવને નજર ફેરવી લીધી, અને સાઈડ પર ફરી એક શોરૂમનું બોર્ડ જોવા માંડ્યો. સાંજે સરસ રેસ્ટોરેન્ટમાં જમતી વખતે નીશિકા કવનનાં ભાવ પારખવાનાં પ્રયત્ન કરતી રહી પણ કવન એકદમ નોર્મલ જ પ્રતિભાવ આપતો રહ્યો. રાત્રે પાછો માધુર્યાને ફોન જોડ્યો, "આવીને થાકીને સુઈ ગઈ છે " અને એ સાંભળતા કવનનો પારો સાતમાં આસમાને પહોચી ગયો. "મેડમને તો જરા પણ સમય નથી ખરેખર મોટી સ્ટાર થઇ ગઈ છે "અને મમ્મી કઈ કહે એ પહેલા ફોન મૂકી દીધો. દિવસો વિતતા ગયા. ત્યાં માધુર્યાનો ફોન આવ્યો.

"ગીતનાં આલ્બમનાં કવર ડીઝાઈનમાં થોડા પ્રતિભાવ એડ કરવા છે તે લખીને સેન્ડ કરજે ને " અને કવન એકદમ અવળી વાણીમાં. . . .

"કેમ અમારા જેવાના પ્રતિભાવની શું જરૂર ?તારા આટલા આશીકોની F. b પેજ પર ભરમાર છે ને ?"

"ઓહ, કવન કેમ આમ વાત કરે છે ?મને ગુજરાતી ફિલ્મમાં ગીતની ઓફર આવી છે. પણ મારી તબિયત ઠીક નથી રહેતી એટલે લગભગ ઘરે જ સૌજન્ય. . . . "

"ઓહો. . . . તો હવે તમને મારી શું જરૂર ફિલ્મ સ્ટાર થઇ જવાનાં એટલે નખરા વધી ગયા પણ મેડમ અમે કઈ કમ નથી. "

"શું કવન હવે તમને કેમ સમજાવું મારી પરિસ્થિતિ. . . . "અને માધુર્યાથી રડાઈ ગયું. કવને ગુસ્સામાં ફોન મૂકી દીધો. એને એકદમ ગુસ્સો આવ્યો, મારી પરમીશન લેવી પણ જરૂરી નહિ સમજી ? દિવસો વિતતાં ગયાં તેમ તેમ કવન નીશીકાની સાથે વધુ સમય વિતાવવા માંડ્યો. બીજા દિવસે સવારનું બેંગ્લોરનું ફલાઈટ હતું રૂમમાં બેસી બૂક વાંચી રહ્યો હતો અને નીશીકા રૂમમાં આવી, બેડનાં કોર્નર પર બેસી. . .

"થેન્ક્સ ફોર એવરીથીંગ યુ સ્પેન્ડ ઓન મી, યોર ટાઈમ એન્ડ. . . "કવન એને વચ્ચેથી રોકતા

"મને પણ તારી કંપનીમાં એટલી જ મઝા આવી. "

"ધીસ ગીફ્ટ ફોર યુ "કહી નિશિકાએ સિલ્વર ફ્રેન્ડશીપ બેલ્ટ કવનનાં હાથમાં પહેરાવ્યો.

"હજુ પણ તારી આંખો બહુ ઉદાસ રહે છે. શું દર્દ છુપાવે છે ?મને નહિ કહે ?" અને કવને નીશીકાને જોરથી જકડી લઇ એના ખભા પર માથું છુપાવી દીધું, "દોસ્તોની બેવફાઈ સહન નથી થતી "

નીશીકા એનાં વાળમાં આંગળીઓ ફેરવતા બોલી,

"મારો સહારો બધું ભૂલાવવા માટે ગમશે ?"

અને. . . કવને એકદમ લાલ, આંસુ ભરેલી આંખે ઉંચે નીશીકા સામે જોયું. નીશીકાએ એની આંગળીઓ કવનની આંખો પર મૂકી દીધી. ગરમ વહેતા આંસુએ ક્યાય સુધી નીશીકાને વળગીને બેસી રહ્યો. નીશીકા ચુપચાપ એના પર વહાલ વરસાવી રહી. થોડી વાર પછી સ્વસ્થ થતા,

"હું મારા રૂમમાં જાઉં ? બહુ મોડું થઇ ગઈ છે, સવારે જલ્દી જવાનું છે "

"પાછી ક્યારે આવીશ ?"

"બસ તું લેવા આવે એટલે તારી સાથે આવી જઈશ "

"મારી. . . એટલે કે ફક્ત મારી બનીને ?"

"હા ફક્ત તારી બનીને "

અને કવન એનાં રૂમ સુધી જઈ "ગુડ નાઇટ"કહીપાછો આવી અજબ શાંતિ અનુભવતો ઊંઘી ગયો,. નક્કી કરી નાખ્યું કે માધુર્યાને મારી જીંદગીથી દૂર કરી દેવી છે. "છતાં એક રવિવારે એનાં ઘરે પહોંચ્યો. બાજુવાળા ભાઈએ કહ્યું. એ લોકો તો બધા કોઈ બાધા રાખી છે એટલે એમનાં ગામ ગયા છે ૧૫ -૨૦ દિવસે આવશે. લગભગ મહિનો સુધી દિલમાં બેચેની સાથે ફર્યા કર્યું. ને ફરી માધુર્યાનાં ઘરે ફોન કર્યો.

"દીદી તો દુબઈ અને બીજા સીટીનાં પ્રોગ્રામ મળ્યાં એટલે ગઈ છે "

બસ, આ છેલ્લો ફોન અને કવને ઘરે ભાઈને પોતાનો નિશિકા સાથેનો લગ્નનો નિર્યણ' હા' જણાવી દીધો. ભાભીતો ખુશીથી વળગી પડ્યા. પપ્પા મમ્મી પણ આવી ગયા અને લગ્ન કરી નીશીકા ઘરે આવી ગયી. કવનનાં દિલની સખત દીવાલ પર નીશીકાનાં પ્રેમની કોમળ વેલ વિકસતી ગઈ.

છએક મહિના પછી અચાનક કવનનાં પપ્પાનું મૃત્યુ થયું. . . .

અને. . . આજે પપ્પાની અસ્થિઓની રાખ લઇ નજીકનાં એક શહેરની પવિત્ર નદીમાં વહેવડાવવા આવ્યો છે સાથે કબાટમાંથી મળેલી માધુર્યાની ગીતોની સી. ડી અને યાદોનું કવર પણ સાથે લઈ આવ્યો છે. બધી વિધિ પતાવી યાદોને પણ વહાવીને પગથીયા ચઢતો હતો ત્યાં સામેથી સૌજન્ય અને માધુર્યાનાં પપ્પા મમ્મી અને ભાઈ આવતા દેખાયા. નફરત ભરેલી નજરે જોઈ રહ્યો ત્યાં તો સૌજન્ય બોલ્યો,

"મરનારની ઈચ્છા તો જણાવવાની નહીં હતી છતાં આજે માધુર્યાની અસ્થીઓ એકલા હાથે વહેતી મુકવાની મારી હામ નથી, મારી પરમ મિત્ર માધુર્યાએ પોતાના કેન્સર વિષે તને નહીં જણાવવાનું વચન મારી પાસે લીધું પણ આ કુંભ તને અર્પણ કરી હું એમાંથી મુક્ત થાવું છું. "

અને કવન. . . . . હાથમાં અસ્થી-કળશ લઇ શૂન્યમસ્ક થઇ પાણીમાં વહાવી દીધેલી યાદોને અવિરત આંસુઓ સાથે વહેતી જોઈ રહ્યો.

-મનિષા જોબન દેસાઇ