સવાર થતા પહેલા
“મમ્મી ,ચાલવામાં જરા ઊતાવળ રાખ નહીતર ટ્રેન ચુકી જઈશું. ” અભિનવે તેના મમ્મી સુધાબેનને કહ્યું.
“અભિનવ,ચિંતા ન કરીશ. આપણે ટ્રેન પાસે તો આવી ગયા છીએ એટલે ટ્રેન આપણને છોડવા ઈચ્છે તો પણ આપણે તો ટ્રેનને નહિ જ છોડીએ. ” સુધાબેને ઝડપથી ચાલવા છતાં એ સ્વસ્થ શ્વાસે અભિનવને કહ્યું.
સુધાબહેને ક્રીમ કલરની સાડી પહેરી હતી. માથાના વાળ વ્યવસ્થિત રીતે એક પુખ્ત વયની સ્ત્રીને શોભે એ રીતે અંબોળામાં ભરાવેલા હતા. ચેહરા પરની ત્વચા હજુય અડતાલીસ વર્ષની ઉમરે પણ ચળકતી હતી. આંખોની કીકી એમના વીતેલા વર્ષોનો આંકડો સ્પષ્ટ રીતે બતાવી દેતી હતી.
મહેસાણા રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર સુધાબેન એમના વીસ વર્ષના પુત્ર અભિનવ સાથે ટ્રેનનો કોચ નંબર શોધતા ત્વરાથી આગળ વધતા હતા. અભિનવની ચિંતા વધતી જતી હતી અને સુધાબેન તો હજુય એટલા જ સ્વસ્થ હતા. પ્લેટફોર્મ પરની ઘડિયાળમાં બપોરના ૫.૩૦ વાગ્યા હતા. ટ્રેનને વ્હીસલ વાગી. સિગ્નલ લાઈટ લીલા કલરની થઇ. અભિનવે ફરીથી વધુ ચિંતાપૂર્વક એની મમ્મી સામે જોયું. કોચ એકદમ નજીક જ હતો. અભિનવે ત્વરાથી સુધાબેનનો હાથ પકડીને કોચમાં ચડાવી દીધા. અભિનવે દોડતા દોડતા જ સામાન કોચના દરવાજામાં સરકાવી દીધો. ટ્રેનની ગતિ ઝડપભેર વધતી ગઈ.
“અભિનવ. . . . તારું ધ્યાન રાખજે. . . ” સુધાબેનને બૂમ પડતા કહ્યું. સ્ટેશન પરના લોકોનું પણ બૂમ સાંભળીને એ કોચ તરફ ધ્યાન ગયું. અભિનવે માત્ર ડોક હલાવીને હા કહી. સુધાબેનને પણ હજુ ઘણા સલાહ સુચન આપવાના હતા પણ એ બધું રહી ગયું. ટ્રેનના પાટા આગળ જતા ડાબી તરફ વળતા હતા. અભિનવ છેક છેલ્લો ડબ્બો દેખાતો બંધ થયો ત્યાં સુધી ઊભો ઊભો જોઈ રહ્યો. સુધાબેન પણ પ્લેટફોર્મ દેખાતું બંધ થયું ત્યાં સુધી દરવાજામાં ઊભા રહ્યા.
સુધાબેને ખભે લટકતા હેન્ડબેગમાંથી ટીકીટ કાઢીને હાથમાં લીધી. બીજા હાથે ટ્રોલી બેગ સરકાવતા એ ટ્રેનમાં દાખલ થયા. સીટ નંબર જોતા જોતા એ આગળ વધતા હતા. અચાનક એમની ટીકીટમાં દર્શાવેલો નંબર નજરે પડતા ઊભા રહ્યા. આજુબાજુ બેઠેલા મુસાફરો પર નજર નાખ્યા વગર જ સીટ નીચે એમની ટ્રોલી બેગ ગોઠવવા લાગ્યા. ટ્રોલી બેગ ગોઠવીને જેવી ઉપર નજર કરી કે એ સ્તબ્ધ બનીને ત્યાં જ એ સ્થિતિમાં પળભર માટે સ્થિર થઇ ગયા. બારી પાસે બેઠેલી એ વ્યક્તિને જોઇને એમનું મોઢું ખુલ્લું રહી ગયું અને એ ઘડીભર પહેલા ચકળવકળ થતી કીકી પણ સ્થિર થઇ ગઈ. હજુય એ બારી પાસે બેઠેલી વ્યક્તિનું ધ્યાન સુધાબેન તરફ ગયું નહોતું. આધેડ વયની એ વ્યક્તિની ઉંમર સુધાબેન જેટલી જ લાગતું હતી. માથાના લગભગ બધા જ વાંકળિયા વાળ ધોળા થઇ ચુક્યા હતા. પણ હજુય એ વાળ એક ૨૨ વર્ષના છોકરાને હોય એવા ઘૂંઘરાળા અને ઘાટા હતા. એ વ્યક્તિનું ધ્યાન હજુ બારી બહારના દ્રશ્યો જોવામાં જ હતું. કોઈ ગીત ગણગણવતા હોય એમ એ હાથની આંગળીઓ લયબદ્ધ રીતે બારીના સળિયા પર મારતા હતા. અચાનક એ વ્યક્તિનું ધ્યાન સુધાબેન તરફ ગયું. હાથની આંગળીઓ અધૂરા તાલે જ ત્યાં સ્થિર થઇ ગઈ. હોઠ ખુલ્લા રહી ગયા અને ગીતના બાકીના શબ્દો ગળામાં જ ભરાય રહ્યા.
બંને આંખો મળી. સપના જેવું લાગ્યું. આજુબાજુનો કોલાહલ અને ટ્રેનની બહારના દ્રશ્યો જાણે સ્થિર થઇ ગયા હોય અને સમય-સ્થાનનું કોઈ પરિમાણ જ ન હોય એવો શૂન્ય અવકાશ બંને વચ્ચે છવાઈ ગયો. બંનેમાંથી કોઈને કઈ સુઝ્યું નહોતું કે શરૂઆત ક્યાંથી કરવી. અને શરૂઆત પણ કેવી રીતે કરવી?વર્ષો પહેલા જે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી ગયું હતું ત્યાંથી શરૂઆત પણ કેમ થાય?
“નયન. . . . તું?” સુધાએ હિંમત કરીને આશ્ચર્યપૂર્વક કહ્યું અને એ વ્યક્તિની સામેની પોતાની સીટ પર બેઠા.
“સુધા. . તું અહી?” નામ બોલતા જ નયનના ચહેરા પર એક ચમક આવી ગઈ. પોતાની પ્રેમિકાને જોઇને બાવીસ વર્ષના કોઈ છોકરામાં આવે એવી ચમક નયનની આંખોમાં હતી.
બંને સહેજ હસ્યા. કશું ખબર નહોતી પડતી કે ક્યાંથી ચાલુ કરવું? બારીમાંથી દેખાતો સુરજ આથમી રહ્યો હતો. દોડતી ટ્રેન સાથે એ પણ જાણે દોડતો હોય એમ ઘડીકમાં ટેકરી પાછળ સંતાઈ જતો તો ક્યારેક ખુલ્લા મેદાનમાં આવીને સામે ઊભો રહી જતો.
સુધા અને નયન વચ્ચે અત્યારે મૌન પથરાયેલું હતું. બંનેની નજર ડૂબતા સુરજ ઉપર હતી.
“કેવું કહેવાય નહી ? આ સુરજ ટેકરી પાછળ સંતાઈ જાય છે ત્યારે પણ આ કેસરિયા રંગની આભમાં પથરાયેલી એની આભા સુરજની હાજરીનો પુરાવો આપે છે. ”
“હા. . એ તો હમણાં અંધારું થશે ત્યારે પણ સુરજ તો હોવાનો જ ને. . . અંધારું પણ એ વાતનો પુરાવો આપશે કે સુરજ હજુ પણ છે . . અત્યારે એ દુનિયાના કોઈક બીજા છેડાને પ્રકાશ આપી રહ્યો છે. . ” નયન કોઈ સવાલનો જવાબ આપતો હોય એમ કહ્યું.
આટલા સંવાદ પછી વળી પાછું મૌન પથરાઈ ગયું. સંધ્યા રાત તરફ આગળ વધતી જતી હતી. હવાની ઠંડી લહેરખી ટ્રેનની બારીમાંથી અંદર પ્રવેશી રહી હતી. બારી બહારના દ્રશ્યો ધીરે ધીરે ઝાંખા પડતા જતા હતા.
“નયન,” સુધાએ ગળામાં કંઇક અટવાઈ ગયું હોય એમ ગળા નીચે થુંક ઉતારતા નયનનું નામ લીધું.
“ક્યાં હતો આટલા વર્ષો ?. કોઈ ફોન નહિ. . કોઈ સમાચાર નહિ. . . ” હિંમત કરીને સુધાએ નયનની આંખોમાં જોયું.
“આ સવાલ તો હું પણ તને પૂછી શકું ,સુધા. . ” એટલી જ તીવ્રતાથી નયને સુધાની આંખોમાં જોયું.
જાણે કોઈ ગુનો થઇ ગયો હોય એમ સુધા નજર ફેરવીને બારી બહારના ઝાંખા દ્રશ્યોને કારણ વગર જોવા લાગી . નયને પણ એ દિશામાં નજર કરી.
“નયન,અલગ થવાનો નિર્ણય આપણા બંનેનો હતો. . . . મારા એકલાનો એ નિર્ણય ન હતો. ”
“પણ એ નિર્ણય લેવા માટે મજબૂર કરનાર સંજોગો જે ઊભા થયા હતા એના માટે કોણ જવાબદાર હતું?” ફરી એ જ કટાક્ષ નજરે નયને સુધાની આંખોમાં જોયું.
“નયન,એ સંજોગો હતા. નિયતિ હતી. લાખ કોશિશ પછી પણ એ બદલી શકાય એમ નહોતું. ”
“સુધા,તે ધાર્યું હોત તો બધું જ શક્ય હતું. ”
“તું સારી રીતે જાણે છે મારા માતા પિતાને મનાવવામાં મેં કશું જ બાકી નહોતું રાખ્યું. ”
“એ માનવાના નહોતા એ તો પહેલાથી જ ખબર હતી. . . આપણે ભાગીને લગ્ન કરી શક્યા હોત પણ તું તૈયાર નહોતી. ”
“નયન તને બધું જ ખબર છે પછી શું કામ જુના જખ્મોને ઉઝરડે છે. ?”
“તને ડર હતો સુધા કે તારા પપ્પાને કંઇક થઈ જશે તો?. . . એમને હૃદયની બીમારી હતી. . . એવું જ કહેવું છે ને તારે?”
“હા . . એ મારા માટે બહુ મોટું ધર્મસંકટ હતું. ત્યારે હજુ આપણી કોલેજ પૂરી જ થઇ હતી અને તું હજુય નોકરીની શોધમાં હતો. હું કઈ રીતે મારા માતા પિતાને વિશ્વાસમાં લઇ શકી હોત? તું જ કહે. . . . ”
“અને મારી એ પરિસ્થિતિને તે અને તારા ઘરના સભ્યોએ ગરીબીનું નામ આપી દીધું. સુધા,ખરેખર ગરીબીનો એ જ અર્થ થાય કે કોઈ આપણાથી નીચલા સ્તરનું જીવન જીવતું હોય તો એ ગરીબ જ કહેવાય. આપણે અમીર હોઈએ તો એમાં એ નીચલા સ્તરના લોકોનું શું વાંક. . . ?”
“નયન,હું તને કશું જ સમજાવી શકું એ સ્થિતિમાં નથી. . . ત્યારે પણ નહોતી જયારે આપણા રસ્તા અલગ થયા હતા. પણ એક વાત જરૂર કહીશ કે તું ખરબચડી કાંટા ભરેલી યાદોની ઝાળીમાં ક્યાંક ગુલાબના ફૂલની સુગંધની જેમ હંમેશા પ્રસરીને રહ્યો છે. રોજ. . . . દરરોજ. . . . ક્યાંકને ક્યાંકથી તું મનમાં એ સુંગધ બનીને આવી જતો અને પાછો ચાલ્યો પણ જતો. ”
નયનના ચહેરા પર હજુ પણ રોષ ભરાયેલો હતો. સુધા એની બાજુમાં આવીને બેઠા.
“તો સુધા આપણે માત્ર સુગંધ બનીને કેમ જીવવું પડ્યું. . . . ?આખી જિંદગી બે ગુલાબ બનીને પણ જીવી શક્યા હોત ને?”
નયનના ચહેરા પરનો રોષ હવે શાંત પડતો જતો હતો.
“નયન,એ સંજોગો હતા. જેને સ્વીકારીને જ તું અને હું બંને શાંત રહી શકશું. એ સંજોગો આપણા હાથમાં નહોતા. આપણા હાથમાં માત્ર પ્રેમ કરવાનું લખેલું હતું અને આપણે એવો ચિક્કાર પ્રેમ કરી શકયા એ પણ આપણું સારું નસીબ જ હતું. એ પ્રેમ આપણે જીવી બતાવ્યો હતો. . . માત્ર એ સમય ટૂંકો હતો . . ”
નયનની આંખો ભીની થઇ ગઈ હતી. સુરજ હવે આથમી ચુક્યો હતો અને બારીની બહાર અંધકાર છવાઈ ગયો હતો. બહારથી માદક ઠંડી હવા ટ્રેનના કોચની અંદર દાખલ થઇ રહી હતી.
“પણ સુધા મારે તારી સાથે જીવવું હતું. . દરરોજ સુતા પહેલા અને ઉઠતાવેંત તારો ચહેરો જોવો હતો. તારા હાથની રસોઈ જમવી હતી. તારૂ માથું મારા ખોળામાં મુકીને તારા વાળમાં આંગળીઓ નાખીને પસવારવું હતું. તને મારા હાથે જમાડવી હતી. ઠંડીના દિવસોમાં રાત્રે ઉઠીને ગરમ ધાબળો ઓઢાડવો હતો. તને ચીડવીને બહુ હેરાન કરવી હતી. તારી સાથે ઝઘડવું હતું. . . ઘણું બધું . . અને પછી તને મનાવવી હતી. ઊનાળામાં તારી સાથે ખુલ્લા આકાશ નીચે સુઈને સ્મિત કરતા તારલાઓ જોવા હતા. વરસાદમાં ભીંજાવું હતું તારી સાથે ખુલ્લી સડક પર. . . . અને ઠંડીની રાતોમાં તારી સોડમાં આવીને પડ્યા રહેવું હતું. . . આવી જીંદગી જીવવી હતી મારે અને છેલ્લે તારા ખોળામાં જ માથું રાખીને હંમેશા માટે આંખો બંધ કરી દેવી હતી. . તને ખબર છે સુધા હું આવું બધું જ વિચારતો આપણી જિંદગી વિશે જયારે આપણે સાથે હતા. . તારા વગરની જિંદગી જીવવાનું વિચારવું એ જ એક મૃત્યુ હતું. ”
જાણે શ્વાસ ખૂટી ગયા હોય એમ નયન આટલું બોલીને ચુપ થઇ ગયો અને ભીની નજરે બહારના અંધકારમાં તાકીને જોઈ રહ્યો. સુધા પાસે પણ કશું કહેવા માટે શબ્દો ન હતા. બંને પાસે માત્ર આંખોથી વ્યકત થતી લાચારી જ હતી.
સુધાએ કશું જ વિચાર્યા વગર નયનનો હાથ પોતાના હાથમાં લઈને ઝકડીને પકડી રાખ્યો. બંને ઘણા સમય સુધી એમ જ બેઠા રહ્યા.
“નયન હવે ગુસ્સો અને પસ્તાવાની લાગણી મુકીને મારી સામે જો. આપણી નિયતિ અને સંજોગને દોષ આપવા સિવાય આપણા હાથમાં કશું જ ન હોતું એ સત્ય સ્વીકારી લે નહીતર બાકીની જિંદગી પણ અફ્સોસમાં જ વીતશે. આપણે બંને પ્રેમમાં પડ્યા એ પણ એક સંજોગ જ હતો અને એના પછીની આખી ઘટના અને યાદો હજુય એટલી જ સુંદર છે. ”
નયને પણ જાણે બધું સમજીને હકારમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતો હોય એમ સુધા સામે જોયું. નયને હિંમત કરીને સુધાના ખભે હાથ મુક્યો.
“નયન,ભૂખ લાગી છે તને?”,જમીશ મારી સાથે?. . . હું ઘરેથી ટીફીન લઈને આવી છું. ”
“તારા હાથનું જમવા મળે તો ભૂખ ન લાગી હોય તો પણ જાગી જ જાય. ”નયનના ચહેરા સ્મિત આછું આવ્યું.
સુધાએ બેગમાંથી ટીફીન કાઢીને બે સીટ વચ્ચેના ટેબલ પર મુક્યું. ટીફીન ખુલતાની સાથે જ શાકની સુગંધ પ્રસરી ગઈ.
“સુધા,તને ખબર હતી કે હું આવી રીતે ટ્રેનમાં મળીશ તને?”
“ના,કેમ એવું પૂછ્યું?”
“બસ એમ જ. . . . તું આ ભીંડાનું શાક લઈને આવી એટલે. . . ”
સુધા ખડખડાટ હસી પડી.
“તો હજુય તને ભીંડાનું શાક એટલું જ ભાવે છે. . ?”
“હા વળી. . . . . તને તો ખબર છે મને ભીંડાનું શાક કેટલું વહાલું છે?. . એ સ્વાદ તો મૃત્યુ સાથે મારી આત્મા સાથે જવાનો. . . . ”
“હજુ તો ઘણું જીવવાનું છે તારે. . . અત્યારે તો ભીંડાનું શાક તારી રાહ જોઈ રહ્યું છે. . . ”
નયને પણ પોતાની સાથે લાવેલો સુકો નાસ્તો કાઢ્યો અને ટેબલ પર મુક્યો.
ટ્રેનના ડબ્બાની સફેદ લાઈટ લબુક ઝબુક થતી હતી.
“સુધા. . . . ” નયન હાથમાં કોળિયો ભરીને સુધા સામે સ્થિર નજરે જોતો રહ્યો. સુધા પણ જાણે બધું સમજી ગઈ હોય એમ મોઢું ખોલ્યું. નયને કોળિયો સુધાના મોઢામાં મુક્યો. એ ક્ષણ નયન માટે અદ્રિતીય હતી. એ અનુભૂતિ માં જાણે એની આખી જિંદગી આવી ગઈ.
સુધાએ પણ રોટલીના એક ટુકડામાં ભીંડાનું શાક લીધું અને નયનના મોઢામાં મુક્યું ત્યારે નયનની આંખોમાં ઝળહળિયા આવી ગયા. સુધાને પણ જાણે અહેસાસ થયો કે નયન થોડી વાર પહેલા જે રીતેની જિંદગી જીવવાની વાત કરતો હતો એ આજ. . . . .
બંને સાથે પેટ ભરીને જમ્યા અને એકબીજાની સામેની સીટ પર ગોઠવાયા. ટ્રેન મુંબઈ તરફ ભાગી રહી હતી અને રાત સવાર તરફ. . . .
નયને પોતાના બેગમાંથી દવા કાઢી અને પાણીના એક ઘૂંટડા સાથે બધી દવા પી ગયો. સુધા અપલક નજરે તેને જોઈ રહી.
“નયન. . ડાયાબીટીશ?”
“ના. . ”
“બ્લડ પ્રેસર?”
“ના. . ”
“તો. . . ?
“કેન્સર. . ”
સુધા સ્તબ્ધ બનીને નયન સામે જોઈ રહી. નયન સુધાની સામે જોઈ રહ્યો પછી ખડખડાટ હસી પડ્યો. . .
“અરે. . . . આટલી સીરીયસ કેમ થઇ ગઈ?. . . કશું નથી થયું મને. . . મજાક કરું છું . . આ તો એસીડીટીની દવા છે. ”
સુધા ગુસ્સાપૂર્વક નયનની સામે જોઈ રહી.
“સોરી. . . ” નયનને પરિસ્થિતિ સમજાતા કહ્યું.
બીજી જ ક્ષણે જાણે સુધા સ્વસ્થ બની ગઈ.
“તને દવાથી બીક નથી લગતી. . . ?” સુધાએ પૂછ્યું.
નયનને હસવું આવી ગયું.
“બધા તારા જેવા થોડા હોય. . . મને ખબર છે તને બહુ ડર લાગે છે દવાથી. . . અને મને એ પણ ખબર છે કે તું નાની હતી ત્યારે બીમાર પડતી ત્યારે સૌથી મોટો ડર તને બીમારીનો નહોતો લાગતો પણ દવાનો લાગતો હતો. . . અને તું બધાની જાણ બહાર દવા ઘરની બહાર ફેંકી દેતી અને ઘરમાં જુઠ્ઠું કહી દેતી કે તે દવા લઇ લીધી છે. ”
આટલું બોલીને નયન ખડખડાટ હસી પડ્યો એ સુધા જાણે પોતાનો કોઈક ગુનો પકડાઈ ગયો તેમ આરોપીની જેમ નયનની સામે જોઈ રહી.
વડોદરા સ્ટેશન પર ગાડી ઊભી રહી. ડબ્બામાં કોલાહલ વધી ગયો. અમુક મુસાફરો ઊતરી ગયા અને બીજા નવા મુસાફરો ડબ્બામાં દાખલ થયા. ડબ્બામાં ચહેલ પહેલ વધી ગઈ. મુસાફરો પોતાની સીટ પર ગોઠવતા ગયા અને ટ્રેન ધીમી ગતિએ આગળની તરફ સરકવા લાગી. ગતિ વધતી ગઈ એમ શહેર પાછળ છૂટતું ગયું. વળી પાછો અંધકાર. . . વળી પાછું ખુલ્લું આકાશ. . . તારાથી ભરેલું. . .
“સુધા. . . તારા પરિવારમાં કોણ કોણ છે?” સ્વેટરનું છેલ્લું બટન બંધ કરતા નયને પૂછ્યું.
“હું અને નિમેશ અને અમારો એક પુત્ર અભિનવ. . . ”
“અભિનવ. . . . . ? એ શું કરે છે. . . ”
“મેડીકલમાં અભ્યાસ કરે છે. . . આવતા વર્ષે એમ. બી. બી. એસ. પૂરું થશે. . ”
“અને. . . . . ” નયન સહેજ ખચકાયો. . . ”નિમેશ?”
“નિમેશનો બીઝનેસ છે. . ગારમેન્ટસ નો. . . ”
“તું ખુશ રહી આટલી જિંદગી જે જીવી એમાં?”
“હા. . . પ્રત્યનો કરી કરીને ખુશ રહી. . . જ્યાં જે મળ્યું એમાં સંતોષ માનીને ખુશ રહેતા શીખી ગઈ. . જીવનમાંથી જયારે રસ ઉડતો જતો હતો ત્યારે અભિનવ આવી ગયો જીવનમાં. . . પછી જીવન વધુ સુંદર લાગવા લાગ્યું. ”
નયન ધ્યાનપૂર્વક બધું સાંભળતો રહ્યો.
“નયન. . તારા વિષે તો કંઇક કહે મને. . . ”
“મારા વિશે?. . શું કહું?. . . તુ જે દિવસે મુકીને ચાલી ગઈ એ દિવસે જે જીવન જીવ્યો હતો એવું જ જીવન આજ સુધી જીવતો આવ્યો છું. ”
“તારો પરિવાર. . . ?”
“મારો પરિવાર તો બહુ વિશાળ છે. . . . ”
“નયન. . . પ્લીઝ કંઇક સમજાય એવું બોલને. . . . . . . તારી પત્ની વિશે . . . તારા બાળકો વિશે . . . . ”
“મેં હજુ લગ્ન નથી કર્યા . . ”
સુધા અવાક બનીને નયનની સામે જોઈ રહી. સીટમાંથી ઊભી થઈને ફરીથી નયનની બાજુમાં આવીને બેસી ગઈ.
“નયન. . તો તારો પરિવાર. . . આટલો વિશાળ . . કઈ જ સમજાતું નથી. . ”
“હું એક અનાથ આશ્રમ સંભાળું છું. ત્યાં જ રહું છું. બાળકોની સારસંભાળ લઉં છું અને એમને ખુબ પ્રેમ કરું છું અને એ લોકો એનાથી પણ વધુ પ્રેમ મને કરે છે. . . તો થયો ને મારો પરિવાર. . ”
સુધા બધું જ સાંભળતી રહી અને આંખોમાંથી નીકળતા આંસુ એના ગાલ અને ડોકને ભીંજવતા રહ્યા. થોડી વાર પછી બધું જ શાંત થઇ ગયું. સુધા ત્યાં બેઠા બેઠા જ સુઈ ગઈ. નયન બારી બહારના અંધકારને તાકી રહ્યો. સુધા સામે નજર કરી તો આંખો બંધ હતી. ડબ્બામાં ઠંડી વધતી જતી હતી. સુધાનું માથું સીટ પર ટેકવીને નયન ઊભો થયો અને સુધાને સીટ પર સરખી રીતે સુવડાવી દીધી. સામેથી ધાબળો લઈને એના શરીર પર ઢાંકી દીધો. નયનને હજુય ઊંઘ નહોતી આવતી એટલે એ બારી બહાર જોતો જોતો જ કોઈક વિચારે ચડી ગયો. રાત વધુને વધુ ઊંડી ઉતરતી જતી હતી. નયનને પણ ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન રહી.
ડબ્બાની લગભગ બધી જ લાઈટ બંધ હતી અને ટ્રેનમાં ઠંડી પણ વધતી જતી હતી. ટ્રેનની ગતિ પણ રાતના સમયે વધુ હોય એવો અહેસાસ થતો હતો.
મોડી રાત્રે નયનને ભયંકર ઉધરસ ચડી. આખા ડબ્બામાં માત્ર ઉધરસનો જ અવાજ સંભળાતો હતો. સુધા ઝબકીને જાગી ગઈ. નયન સામે જોયું તો એ ઉધરસના લીધે લગભગ અડધો વાંકો વળી ગયો હતો. સુધાએ ઊભા થઈને બેગમાંથી પાણીની બોટલ કાઢી અને નયનને પીવડાવ્યું. એ ધીરે ધીરે એની પીઠ પર હાથ પસવારતી રહી.
સુધાને અચાનક જ વિચાર આવ્યો કે થોડી વાર પહેલા નયન જે જિંદગી જીવવાની વાત કરતો હતો એ આ જ ? અને વરાળની જેમ ફરી એ વિચાર ઊડી ગયો.
ઉધરસ શાંત થઇ પછી બંને સામસામેની સીટ પર બેઠા. હવે ઊંઘ આવવાની નહોતી અને બનેને પણ આગળ કોઈ વાત કરવું યોગ્ય ન લાગ્યું એટલે ચુપચાપ બારી બહાર જોઇને બેઠા રહ્યા. કયાંક છુટા છવાયા ગામડાઓમાં કોઈક કોઈક ખેતરોમાં કોઈક લાઈટ પ્રકાશિત દેખાતી હતી. આકાશના તારાઓ પ્રકાશિત રહેવાનો ઘણો પ્રયત્ન કરતા પણ એમની વચ્ચેનો અંધકાર દુર કરી શકતા નહોતા અને જીવનના અંતે બસ ખરી પડતા. અંધકર દુર કરવાના પ્રયત્નોમાં એ ખુદ નષ્ટ થઇ જતા.
સુરજ ઊગવાની તૈયારી હતી. બહાર આછું અજવાળું પથરાઈ રહ્યું હતું. ધુમ્મસ ભરેલી હવામાં કઈ જ સ્પષ્ટ દેખાતું નહોતું. મુંબઈ પહોચવાની હવે થોડી જ ક્ષણોની વાર હતી. ફરી પાછા છુટા પડવાનું હતું. એ જ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પરથી છુટા પડવાનું હતું જ્યાંથી વર્ષો પહેલા છુટા પડ્યા હતા.
સુધા નયનના ગળે વળગી પડી. એની આંસુની ધારથી નયનની ડોક ભીંજાતી રહી. મુંબઈ સેન્ટ્રલ વધુને વધુ નજીક આવતું જતું હતું.
સુધા જાણે બેભાન અવસ્થામાંથી બહાર આવતી હોય એમ આંખો ઉઘાડી અને નયન સામે જોયું.
“નયન,હવે આપણે પાછા ક્યારે મળશું?”
“ખબર નહિ. . . નિયતિના હાથની વસ્તુ છે આપણને પાછા મળાવવા કે નહિ?”
“મને સંભળાવે છે?”
“ના,સાચું કહું છું. ”
“હા તો બોલ , તું મુંબઈમાં કેટલા દિવસ રોકવાનો છે. ?”
“મન કરે ત્યાં સુધી. . . ”
“મતલબ?”
“હું તો હવાફેર કરવા આવ્યો છું. . મન ભરાય જશે એટલે પાછો ચાલ્યો જઈશ. . અને તું?”
“હું મારી મોટી બહેનના ઘરે રોકવાની છું. . . પંદરેક દિવસ રોકાવાનો વિચાર છે. . ”
સ્ટેશન એકદમ નજીક આવી ગયું હતું એટલે ટ્રેનની ગતિ ધીમી થતી જતી હતી. મુસાફરો દરવાજામાં સામાન લઈને ભેગા થતા જતા હતા. એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરીને બંને દરવાજા પાસે આવીને ઊભા રહ્યા.
ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ. સ્ટેશન પર સવારનું આછું અજવાળું પથરાયેલું હતું. ફેરિયાઓ ચા લઈને દોડી રહ્યા હતા. ટ્રેનના દરવાજા પાસે કુલીઓની ભીડ લાગી હતી. સ્ટેશન પરના સ્પીકરમાંથી જુદી જુદી ટ્રેનની ખબર અપાતી હતી.
બંને સમાન લઈને નીચે ઉતર્યા. સુધાની નજર દુર ઊભેલી તેની મોટી બહેન પર પડી. બંનેની નજર મળી. એ પણ સુધા તરફ ચાલીને આવતા હતા. સુધાએ નયન સામે જોયું. બંનેની આંખોને હજુય ઘણું બોલવું હતું પણ શબ્દો ન હતા. સુધા કઈ જ બોલ્યા વગર એની બહેન તરફ ચાલવા લાગી. નયન હજુ ત્યાં જ ઊભો હતો. સુધાને શું સુઝ્યું કે પાછી ફરીને નયન સામે આવીને ઊભી રહી.
“નયન,આપણે ફરી મળીશું ને. . . ?”
નયને માત્ર માથું હલાવીને હકારમાં જવાબ આપ્યો. સુધાને પણ જવાબ મળી ગયો હોય એમ ત્વરાથી પાછી ફરીને તેની બહેન તરફ ચાલવા લાગી. નયન અન્યમનસ્કપણે સુધાને જતી જોઈ રહ્યો. એવી જ રીતે જાણે વર્ષો પહેલા જતા જોઈ રહ્યો હતો. નયન વિચારતો રહ્યો. એને ઘણું કહેવું હતું પણ કહી ન શકાયું.
નયનને રાડો પાડી પાડીને કહેવું હતું કે “સુધા,હવે આપણે ફરી ક્યારેય નહી મળી શકીએ. આ ફેફસાનું કેન્સર મને એકાદ મહિનામાં જ પૂરે પૂરો ગળી જશે અને મૃત્યુની ઊંડી ખીણમાં ધકેલી દેશે જ્યાંથી હું ક્યારેય નયન બનીને પાછો નહિ ફરી શકું. ”
નયનને સ્ટેશન પર જ મોટે મોટેથી રાડો પાડીને એ નિર્દય નિયતિ અને સંજોગો સામે ફરિયાદ કરવી હતી. આંખો લાલ કરીને કકળતા હૃદયે એને સવાલ પૂછવો હતો કે “મારા જીવનનો સુરજ સવાર થતા પહેલા જ કેમ ડૂબી ગયો. ?”