તમારા વિના - 34 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 34

૩૪

કાન્તાબેને એે દિવસે શ્વેતાને રોકવાની બહુ કોશિશ કરી, પણ શ્વેતા જીદે ચડી હતી. શ્વેતા આ રીતે ઘરેથી જાય એવું કાન્તાબેન ક્યારેય ઇચ્છતાં નહોતાં, પણ એ વાત તેઓ અનેક પ્રયત્નો છતાં શ્વેતા સુધી ન પહોંચાડી શક્યાં.

‘આટલા દિવસ થયા, હવે બે દિવસ વધારે રોકાઈશ તો શું ફેર પડવાનો છે?’કાન્તાબેને શ્વેતાને સમજાવવાના આશયથી કહ્યું.

‘એટલે આટલા દિવસથી હું તને ભારે જ પડતી હતીને? હવે મારે એક મિનિટ પણ તારા પર બોજો નથી બનવું.’ કાન્તાબેનની વાતનો શ્વેતાએ ઊંધો જ અર્થ કર્યો.

‘ દીકરી કોઈ દિવસ માના માથે બોજ ન હોય. તું મારી પાસે આવીને રહે એે મને ગમે, પણ આ રીતે તું અને નીતિનકુમાર...’

‘ ઓહ, તો તારો બધો વાંધો નીતિનકુમાર સામે જ છેને! મને ખબર છે કે તારા મનમાં શું છે. હું નીતિનને છૂટાછેડા આપી દઉં એવી તારી ઇચ્છા હતી અને છે. તું કેવી મા છે? તારી દીકરી પ્રેગન્ટ છે ત્યારે તને આવા વિચાર આવે છે?’ શ્વેતા ગુસ્સામાં બોલી રહી હતી.

કાન્તાબેનથી કપાળ પર હાથ મુકાઈ ગયો. તો આનો અર્થ એ હતો કે શ્વેતાએ નીતિનકુમારને બધું જ કહી દીધું છે, કાન્તાબેને વિચાર્યું. તેમને થયું કે શ્વેતામાં ચંદ્રનો સ્વભાવ જ ઊતર્યો છે. તેઓ પણ આટલા જ ભોળા હતા. નવીનચંદ્ર પુરુષ હતા અને તેમના સદ્ભાગ્યે તેમની આસપાસ ખાસ એવા માણસો નહોતા જે તેમનો ગેરફાયદો લે, પરંતુ શ્વેતાનો પતિ અને તેનાં સાસરિયાં તેના ભોળપણ અને સરળ સ્વભાવનો લાભ લઈ અનેક વાર તેને ભોળવી ચૂક્યાં હતાં.

કાન્તાબેને શ્વેતાને છૂટાછેડા લેવાનું સૂચનકર્યું હતું અને ગમે એ પરિસ્થિતિમાં તેની બાજુમાં મક્કમ ઊભાં રહેવાની તૈયારી પણ બતાવી હતી. અલબત્ત, એે સંજાગો જુદા હતા. એ વખતે શ્વેતાને તેમણે જે સલાહ આપી હતી એ શ્વેતા જઈને પોતાના પતિને કહી દેશે એવી કાન્તાબેનને કલ્પના નહોતી.

લગ્નના થોડાક મહિનાઓમાં જ શ્વેતા એક મોડી સાંજે અચાનક આવી ચડી હતી. તેને આમ કસમયે આવી ચડેલી જાઈને અને તેના ચહેરા પરથી જ કાન્તાબેનને ખ્યાલ આવી ગયો હતો કે શ્વેતા અમસ્તા તો નથી જ આવી, પણ ચોક્કસપણે ઘરમાં ઝઘડો થયો છે.

‘તો તારે પૂછવું હતુંને કે શું થયું છે?’ કાન્તાબેને એ રાત્રે નવીનચંદ્રને પોતાનું અનુમાન જણાવ્યું ત્યારે નવીનચંદ્રે તરત કહ્યું હતું.

‘એમ તરત પૂછું તો તેના મનને દુઃખ થાય. બે દિવસ રહેશે એટલે તે પોતે જ ધીમે-ધીમે ખૂલશે. તમેય કંઈ પૂછવાની ઉતાવળ ન કરતા, નહીં તો તેને લાગશે કે તે આપણે ત્યાં આવી છે એે આપણને ગમ્યું નથી.’ કાન્તાબેને નવીનચંદ્રને ધીરજપૂર્વક કામ લેવા માટે સાવધાન કર્યા હતા.

‘કાન્તા, તારી વાત મને ઘણી વાર સમજાતી નથી. નીતિનકુમાર સાથે લગ્ન કર્યા એેનો તને વાંધો હતો અને હવે તું સાચી પડી રહી છે ત્યારે તું જ કહે છે કે શાંતિ રાખો.’

‘છોકરાઓ ભૂલ કરે ત્યારે મા-બાપ પાસે જ આશા રાખેને? અને એેમાંય દીકરી તો માવતર પાસે જ જાયને?’

‘બધી મુશ્કેલીઓમાંથી તેં જ રસ્તો કાઢ્યો છે. હવે આમાંથી પણ તું જ ઉકેલ શોધી કાઢજે.’ શ્વેતા તેમની લાડકી હતી અને તેના દુઃખથી નવીનચંદ્ર વ્યથિત હતા, પણ તેમણે હથિયાર હેઠાં મૂકી દીધાં અને અહીં પણ સેનાપતિપદ કાન્તાબેનને સોંપી દીધું.

ત્રણેક દિવસ તો શ્વેતા કંઈ બોલી નહોતી. એક બપોરે બાલ્કનીમાં ઊભી હતી ત્યારે કાન્તાબેન તેની બાજુમાં આવીને ઊભાં રહ્યાં અને તેને હળવેકથી પૂછ્યું, ‘શું થયું છે બેટા?’

શ્વેતાએ ભીડી રાખેલાં તેના મનનાં કમાડ કાન્તાબેનના મૃદુ સ્પર્શ અને કાળજીભર્યા સવાલથી ખૂલી ગયાં. કાન્તાબેનના ખભે માથું મૂકીને શ્વેતા ખૂબ રડી. તેનું મન હળવું થાય ત્યાં સુધી કાન્તાબેને તેને રડી લેવા દીધી. ત્યાર પછી શ્વેતાએ તેમને જે કહ્યું એે સાંભળી કાન્તાબેને ગુસ્સો અને સહાનુભૂતિ બન્ને લાગણીઓ એકસામટી અનુભવી.

કાન્તાબેને શ્વેતાનાં લગ્નમાં જે દાગીના આપ્યા હતા એ અને તેની સાસુએ પણ શ્વેતાને જે સોનાનો સેટ તેમ જ તેમની બંગડી ઓ આપી હતી એ નીતિન તેની પાસેથી લઈ ગયો હતો. નીતિને તેને એવું કહ્યું હતું કે તેના એક મિત્રે તેને ટિપ આપી છે કે એક કંપનીના શૅરના ભાવ બહુ ઊંચકાવાના છે અને એટલે એે શૅર તે ખરીદવા માગે છે. નીતિનકુમારે શ્વેતાને કહ્યું હતું કે થોડા જ દિવસોનો સવાલ છે. એકાદ મહિનામાં તો એેના ડબલ થઈ જશે અને પછી નીતિન ગિરવી મૂકેલા દાગીના છોડાવી આવશે અને તેને નવા દાગીના પણ લઈ આપશે.

નીતિન દાગીના લઈ ગયો એ વાતને ચાર મહિના વીતી ગયા હતા. કુટુંબમાં કોઈ પ્રસંગ હતો અને નીતિનનાં બાએ શ્વેતાને દાગીના પહેરવા કહ્યું ત્યારે શ્વેતાએ નાછૂટકે હકીકતની જાણ કરવી પડી. નીતિને એે વખતે ફેરવી તોળ્યું કે તે શ્વેતા પાસેથી દાગીના લઈ જ ગયો નથી. તેણે બધું આળ શ્વેતા પર જ નાખ્યું કે હકીકતમાં શ્વેતાએ દાગીનાનો ડબ્બો જ ખોઈ નાખ્યો છે. આને કારણે શ્વેતાનાં સાસુ તેને ગમે તેમ બોલ્યાં હતાં.

‘ બા, તું જ કહે; હું કોઈ દિવસ ખોટું બોલું? તારા સમ. નીતિન મારી પાસેથી દાગીના લઈ ગયો છે, પણ હવે તે બધાની સામે સ્વીકારવાની ના પાડે છે.’ શ્વેતા રડી પડી.

એે સમયે તો કાન્તાબેન કંઈ બોલ્યાં નહીં, પણ તેમણે મનોમન નક્કી કરી લીધું કે તેના જમાઈમાં ખરેખર જ કોઈ ભલીવાર નથી. પોતે જે કંઈ કર્યું છે એ સ્વીકારવાની કે જવાબદારી લેવાની તો તૈયારી નથી. ઊલટું બધો દોષનો ટોપલો પત્નીના માથે નાખી દે તે માણસ બાયલો જ કહેવાય!

એ દિવસે કાન્તાબેને શ્વેતાને ખૂબ સમજાવી હતી કે લગ્ન થઈ ગયાં એટલે જિંદગી તેની સાથે જ વિતાવવી જરૂરી નથી. તેમણે શ્વેતાને સલાહ આપી કે તું પાછી આવી જા અને તારા પગભર થા. લગ્ન તૂટી જવાથી કંઈ જીવનનો અંત નથી આવતો, જિંદગી પૂરી નથી થઈ જતી. હજી તારી ઉંમર નાની છે. તું ભણી શકે છે, તારું પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે છે અને ભવિષ્યમાં કોઈ યોગ્ય પાત્ર મળી પણ જાય કોને ખબર?

કંઈક અંશે શ્વેતા તેમની સાથે સહમત પણ થઈ ગઈ હતી, પણ અઠવાડિયા પછી નીતિનકુમાર આવ્યા અને પોતાની મીઠી-મીઠી વાતો અને સપ્તરંગી સપનાંઓ બતાવીને શ્વેતાને પાછી લઈ ગયા.

તેના ત્રણેક મહિનામાં જ કાન્તાબેનને શ્વેતાએ સમાચાર આપ્યા કે તે મા બનવાની છે! પોતાની દીકરી મા બનવાની છે એે સમાચારથી કાન્તાબેનને આનંદ નહોતો થયો, કારણ કે તેમને સમજાતું હતું કે શ્વેતા પોતાને છોડીને ક્યારેય ન જાય એે માટે નીતિનકુમારે તેના પગમાં અદૃશ્ય બેડી નાખી દીધી હતી.

વિધિ-નિધિના જન્મ પછી પણ બે-ત્રણ વખત શ્વેતા ઘર છોડીને આવી હતી, કારણ કે નીતિનકુમાર પોતે એક રૂપિયો પણ કમાતો ન હોવાથી શ્વેતાએ કાયમ તેનાં સાસુ-સસરા પર નિર્ભર રહેવું પડતું હતું જોકે દરેક વખતે નીતિનકુમાર તેને સમજાવી-પટાવીને પાછી લઈ જતા હતા.

જ્યારે-જ્યારે શ્વેતા તેના પતિ સાથે ઝઘડીને પાછી આવી હતી ત્યારે-ત્યારે કાન્તાબેને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આવા માણસ સાથે તે પોતાની જિંદગી બરબાદ કરી રહી છે, નીતિનકુમાર ક્યારેય પોતાના જીવનમાં સ્થાયી થવાના નથી. કાન્તાબેનને બરાબર સમજાતું હતું કે પૈસા કમાવા માટે, પોતાની કારકિર્દી બનાવવા માટે, સફળ થવા માટે જે પરિશ્રમ કરવો પડે એે કરવાની નીતિનકુમારની તૈયારી નહોતી. ફક્ત મોટી-મોટી વાતો કરવામાં, ઘરમાં બેઠાં-બેઠાં દીવાસ્વપ્નો જોવામાં અને બડાશો મારવામાં મહેનત કરવી પડતી નહોતી. નીતિનકુમારને મહેનત વિના ખાવાની ટેવ પડી ગઈ હતી.

પતિ સાથે ઝઘડો થયો હોય ત્યારે શ્વેતા કાન્તાબેનની વાત સાથે સમંત થઈ જતી; પરંતુ છેવટે જીત તો નીતિનની જ થતી, કારણ કે શ્વેતાને છેતરવાની કળા નીતિનકુમારે હસ્તગત કરી લીધી હતી.

એક વખત તો તેમની વચ્ચેના ઝઘડાએ બહુ ગંભીર રૂપ ધારણ કર્યું હતું, ત્યારે શ્વેતાએ પતિથી છૂટા થવાનો દૃઢ નિર્ણય કરી લીધો હતો. એ વખતે નીતિનકુમારે શ્વેતાને મનાવવા માટેના અનેક પ્રયાસો કર્યા હતા. તે કાન્તાબેનના ઘરે આવીને શ્વેતા પાસે રીતસર રડ્યો હતો, તેની માફી માગી હતી. પોતે હવે સુધરી ગયો છે એવું સાબિત કરવા તેણે એક પરિચિતની દુકાનમાં મૅનેજર તરીકે નોકરી પણ શરૂ કરી દીધી હતી.

તેના આ પગલાથી શ્વેતાનું મન પીગળવા માડ્યું હતું.

‘શ્વેતા કહેતી હતી કે નીતિનકુમારે નોકરી લઈ લીધી છે.’ શ્વેતાની ગેરહાજરીમાં નવીનચંદ્રે અમસ્તા જ વાત કરતા હોય એમ કહ્યું હતું. તેમ છતાં કાન્તાબેનને ખ્યાલ આવી ગયો હતો કે શ્વેતાનું મન બદલાયું છે અને તે પોતે સીધી વાત નથી કરી શકતી એટલે નવીનચંદ્ર પાસે વાત કરી છે. નવીનચંદ્ર શ્વેતાની વકીલાત કરી રહ્યા છે એ કાન્તાબેનને સમજાયું, છતાં તેઓ કંઈ ન બોલ્યા.

‘તેમના એક મિત્રની બાંદરામાં દુકાન છે ત્યાં મૅનેજર તરીકે નોકરી લીધી છે. બાર હજારનો પગાર છે મહિને.’

‘એમ? પણ આ બધું તમે મને શું કામ કહો છો?’

‘ના, આ તો અમસ્તા જ વાત કરતો હતો. મને એમ કે...’

‘તમને આ બધું કોણે કહ્યું? શ્વેતાએ જને? અને શ્વેતાને? નીતિનકુમારે. બરાબરને?’ કાન્તાબેન પોતે જ સવાલ પૂછતાં હતાં અને પોતે જ જવાબ આપતાં હતાં, કારણ કે તેમને ખાતરી હતી કે તેમના જવાબ સાચા જ હોવાના હતા.

‘હા... પણ...’

‘એટલે એનો સીધો અર્થ એ કે શ્વેતા હજી નીતિનકુમારને મળે છે, એમ જને?’

‘ ના-ના, આ તો નીતિનકુમાર તેને ફોન કરે છે એમાં તે બિચારી શું કરે?’ નવીનચંદ્રે શ્વેતાની તરફેણ કરતા હોય એમ કહ્યું.

‘ શું કરે એટલે? ફોન મૂકી દે.’ કાન્તાબેને ગુસ્સામાં કહ્યું, પણ પછી પોતાની જાત પર જ કાબૂ મેળવતા બોલ્યા, ‘હું શ્વેતા સાથે વાત કરીશ.’

‘જો કાન્તા, તે છોકરી પર ગુસ્સો ન કરતી. અને આમ પણ, ગમે તેમ તો નીતિનકુમાર તેનો ધણી છે. તેમને બે દીકરીઓ છે. શ્વેતાને લાગે છે કે...’

‘મારી દીકરી કે તેની દીકરીઓ મને તો ભારે નથી પડતી અને શ્વેતા જ તેના વરથી કંટાળીને આવી હતી... પણ એ બધું જવા દો, હું શ્વેતા સાથે વાત કરી લઈશ.’

જાણે પોતે શ્વેતાને તેના પતિથી દૂર રાખતાં હોય અને તેને છૂટાછેડા આપવા માટે ઉશ્કેરતાં હોય એવો નવીનચંદ્રનો અભિગમ જોઈને કાન્તાબેનને માઠું લાગ્યું હતું, પણ તે ઓ ચૂપ રહ્યાં. તેઓ જાણતાં હતાં કે નીતિનકુમારે એક જબરદસ્ત દાવ નાખ્યો હતો. નવીનચંદ્ર અને શ્વેતા એેમાં આવી ગયાં હતાં.

તેમણે શ્વેતા સાથે વાત કરી હતી. શ્વેતાનું મન પલળી ગયું હતું.

‘ બા, નીતિન હવે સુધરી ગયો છે. રોજ સવારે નવ વાગ્યે ઘરેથી નીકળી જાય છે અને નિયમિત દુકાને જાય છે.’ શ્વેતા પતિનો કેસ રજૂ કરતી હોય એમ બોલી હતી.

‘કેટલા દિવસથી જાય છે?’

‘ વીસેક દિવસ થયા હશે, પણ તેણે કહ્યું કે તેનો દોસ્તાર તેના કામથી બહુ ખુશ છે. નીતિને મને કહ્યું કે થોડા વખતમાં તે નવી દુકાન ખોલવાનો છે અને ત્યારે નીતિન તેની સાથે ભાગીદારી કરશે.’ શ્વેતા સાવ નિર્દોષતાથી બોલી.

જે માણસને નોકરીએ લાગ્યાને વીસ દિવસ માંડ થયા હતા તે દુકાનના માલિકના ભાગીદાર થવાની વાતો કરવા લાગ્યો હતો. આ વાત જ કાન્તાબેનને ખાતરી કરાવવા માટે પૂરતી હતી કે જમાઈમાં પૈસાભાર પણ ફેર નથી પડ્યો. જોકે આ બધું શ્વેતાને કહેવાનો અર્થ નહોતો એ પણ કાન્તાબેન સારી રીતે જાણતાં હતાં

‘છ મહિના રાહ જોઈએ. જો તે આ જ રીતે કામ કરે અને કમાય તો ત્યારે વિચારીશું. આમ પણ છૂટાછેડા લેવા માટે તમારે બન્નેએ એટલો સમય તો અલગ રહેવું જ પડશે.’ કાન્તાબેને નીતિનકુમાર વિશેની પોતાની માન્યતા કે અનુમાનની વાત કરવાને બદલે શ્વેતાને આટલું જ કહ્યું હતું.

પરંતુ આ વખતે પણ શ્વેતા કાન્તાબેનનું ન માની. તે નીતિનને એક મોકો આપવા માગતી હતી. તેને ભરોસો બેસી ગયો હતો કે હવે નીતિનને ઠોકર વાગી છે અને તે સુધરી ગયો છે.

કાન્તાબેન હૃદયપૂર્વક ઇચ્છતાં હતાં કે આ વખતે શ્વેતા સાચી પુરવાર થાય અને પોતે ખોટાં. જોકે તેઓ જાણતાં હતાં કે ઇચ્છા અને વાસ્તવિકતા વચ્ચે ઘણા ગાઉનું અંતર હોય છે.

શ્વેતા પાછી ગઈ હતી અને કાન્તાબેનની ગણતરી સાચી પડી હતી. સાડાત્રણ મહિનામાં જ નીતિનકુમારનો તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો અને એક બપોરે તે નોકરી છોડી પાછા આવી ગયા હતા.

આ ઘટનાના થોડા જ દિવસોમાં નવીનચંદ્રનું મૃત્યુ થયું હતું અને નીતિનકુમારે સપરિવાર તેમના ઘરે ધામા નાખ્યા હતા એટલું જ નહીં, તેમના પોતાના પરિવારમાં પણ એક બાળકનો વધારો કરી રહ્યા હતા.

નીતિન હવે બદલાઈ ગયો છે, વધુ જવાબદાર થઈ ગયો છે એવું માની શ્વેતા પાછી ગઈ હતી ત્યારે કાન્તાબેને સ્વીકારી લીધું હતું કે શ્વેતાની જિંદગી હવે આમ જ પૂરી થવાની હતી. તે ક્યારેય તેના પતિની પકડમાંથી મુક્ત થઈ શકવાની નહોતી. શ્વેતા ફરી વાર ગર્ભવતી છે એેની જાણ થઈ ત્યારે તેમને આ વાતની ખાતરી થઈ ગઈ હતી.

કાન્તાબેને એમ કહીને મનને મનાવ્યું હતું કે તેમની દીકરી હોવા છતાં છેવટે તો શ્વેતા એક વ્યક્તિ છે. તેની જિંદગી તેણે જીવવાની છે અને નિર્ણયો પણ તેણે જ લેવાના છે. જરૂર પડ્યે તે ઓ શ્વેતાના પડખે ઊભા રહેવા તૈયાર હતાં, પણ નીતિનકુમારને જીવનભર નિભાવવાની તેમની કોઈ તૈયારી નહોતી.

કાન્તાબેને આ જ કારણસર તેમને ઘરમાંથી રવાના કરવાનો પ્રયાસ કર્યો હતો અને ડીસીપી પાંડે પાસે જઈને વાત કરી હતી.

હવે કાન્તાબેનને સમજાયું હતું કે ડીસીપી પાંડેએ સામેથી ચા બનાવી આપવાનું શા માટે કહ્યું હતું. પોતે જ્યારે ચા બનાવવા રસોડામાં ગયાં એે દરમિયાન તેમણે નીતિનકુમાર સાથે કંઈક એવી વાત કરી હતી જેને કારણે તેમના ચહેરા પરનો રંગ ઊડી ગયો હતો. જ્યારે શ્વેતાએ તેમને ગુસ્સામાં આ વાત કહી ત્યારે તેમને ગડ બેઠી હતી કે ડીસીપી પાંડેએ નીતિનકુમારને ધમકી આપી હોવી જોઈએ. સીધેસીધા ઘર ભેગા નહીં થાઓ તો તમારા સસરાના કેસમાં તમને આરોપી બનાવી અંદર કરી દઈશ એવી ધમકીની નીતિનકુમાર પર અસર થઈ હતી. કાન્તાબેનને ડીસીપી પાંડેનું ઘરે આવવાનું કારણ સમજાઈ ચૂક્યું હતું.

શ્વેતાના ગયા પછી ઘર સૂનું-સૂનું થઈ ગયું હતું. વિધિ અને નિધિનાં તોફાનોથી ઘર ગાજતું હતું એને બદલે હવે સંપૂર્ણ શાંતિ હતી. શ્વેતા તેના ઘરે પાછી ગઈ પછી તેણે એક વાર પણ કાન્તાબેનને ફોન નહોતો કર્યો. એટલું જ નહીં, કાન્તાબેને તેની સાથે વાત કરવા ફોન કર્યો ત્યારે તેણે માત્ર વાત કરવા ખાતર કરતી હોય એમ બે-ત્રણ મિનિટમાં જ ફોન મૂકી દીધો હતો.

ફોનની રિંગ સાંભળી હૉલ તરફ આવતાં કાન્તાબેનને વિચાર આવ્યો કે શ્વેતાનો ફોન હોય તો કેવું સારું... કારણ કે તેમણે સવારે ફોન કર્યો ત્યારે શ્વેતા ડૉક્ટર પાસે ગઈ હતી. તેની સાસુએ કાન્તાબેન સાથે બરાબર વાત નહોતી કરી. તેની તબિયત તો સારી હશેને? આખી બપોર કાન્તાબેન ચિંતા કરતાં રહ્યાં હતાં.

‘અલાવ...’ કાન્તાબેને ફોનનું રિસીવર ઊંચક્યું.