Chatpati chatnio books and stories free download online pdf in Gujarati

ચટપટી ચટણીઓ

ચટપટી ચટણીઓ

મિતલ ઠક્કર

ઘણી એવી વાનગીઓ છે જેની સાથે ચટણી ખાવાથી ચટાકો વધી જાય છે. મરચા-લસણની ચટણી અનેક વાનગીઓમાં વપરાય છે. વળી તેને બ્રેડ, રોટલી, ભાખરી કે પરોઠા સાથે શાકના બદલે પણ પસંદ કરાતી હોય છે. તો કોઈ ખીચડી કે ભાત સાથે ચોળીને તેની મજા પણ માણે છે. ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી ગણાય છે. ચટણી તમને તાજગી આપનારી છે. તે ઢોકળા કે થેપલા જેવી નાસ્તાની વાનગી સાથે કે કોઇ બીજી નાસ્તાની વાનગી સાથે માણી શકાય એવી મજેદાર છે. કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. મૈસુર ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે. આ વખતે આપના માટે ચટપટી ચટણીઓનું સંકલન કર્યું છે. આશા છે કે ચટણીઓનો ચટાકો યાદગાર રહેશે.

મરચા-લસણની ચટણી

સામગ્રી: 15 સુકા લાલ મરચા, 15 લસણની કળી, મીઠુ સ્વાદ મુજબ, 2 ચમચા તેલ, 2 ચમચી ધાણાજીરૂ, 2 ચમચી લીંબુનો રસ, 2 ચમચા પાણી.

રીત: મરચાને તોડીને તેમાંથી બી કાઢી લો. હવે સુકા મરચાને અડધો કલાક પાણીમાં પલાળી દો. તેને પાણીમાંથી કાઢી લો. હવે મિક્સરમાં પલાળેલા મરચા, લસણ, ધાણાજીરૂ, મીઠુ મિક્સ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો. એક પેનમાં 2 ચમચા તેલ ગરમ કરો. પછી તેમાં મરચા લસણની પેસ્ટ ઉમેરીને થોડીવાર ધીમા તાપે પકાવો. તેલ ઉપર આવી જાય એટલે તેને ઉતારી લો અને તેને ઠંડી કરી લો. તેને ઈચ્છો તો એમ જ ઉપયોગમાં લઈ શકો છો અને ઈચ્છો તો ચટણી ઠંડી થાય પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને ઉપયોગ કરો. નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય.

નાળિયેરની ચટણી

સામગ્રી : ૧ કપ ખમણેલું નાળિયેર, ૨ નાના લીલા મરચાં, સમારેલા, ૧ ટીસ્પૂન ખમણેલું આદૂ, ૧ ટેબલસ્પૂન દાળિયા, મીઠું , સ્વાદાનુસાર. વઘાર માટે- ૧/૨ ટીસ્પૂન રાઇ, ૧ લાલ મરચો, ટુકડા કરેલા ૨ થી ૩ કડી પત્તા, ૧ ટીસ્પૂન તેલ.

રીત : એક મિક્સરમાં ખમણેલું નાળિયેર, લીલા મરચાં, આદૂ, દાળીયા અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો. હવે વઘાર માટે, તેલ ગરમ કરી તેમાં રાઇ, લાલ મરચાં અને કડી પત્તા મેળવી સતત હલાવતા રહો જ્યાં સુધી દાણા તતડવા માંડે. આમ તૈયાર થયેલા આ વઘારને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો. તેને રેફ્રિજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેના ઉપયોગ કરો. આ ચટણીમાં તમે તમને ગમતા સ્વાદ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો, અને તેમાં થોડું ખટ્ટાશપણું લાવવા માટે બી કાઢેલી આમલી અથવા ૧ ટીસ્પૂન આમલીના પલ્પનો ઉપયોગ કરી શકો છો.

દક્ષિણ ભારતીય નાળિયેરની ચટણી

સામગ્રી: ૧ કપ ખમણેલું નાળિયેર, ૧/૪ કપ સમારેલી કોથમીર, ૩ ટેબલસ્પૂન શેકેલી ચણાની દાળ (દાળીયા), ૨ લીલા મરચાં, સમારેલા, ૮ કડી પત્તાં, મીઠું સ્વાદાનુસાર, ૧ ટેબલસ્પૂન તેલ, ૧/૨ ટીસ્પૂન રાઇ, ૧/૨ ટીસ્પૂન અડદની દાળ, ચપટીભર હીંગ, ૧ આખો સૂકો કાશ્મીરી લાલા મરચો , ટુકડા કરેલો,

રીત : ખમણેલું નાળિયેર, કોથમીર, શેકેલી ચણાની દાળ, લીલા મરચાં, ૪ કડી પત્તાં, મીઠું અને થોડું પાણી ભેગું કરી મિક્સરમાં ફેરવી સુંવાળી ચટણી તૈયાર કરો. આ ચટણીને એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, બાકી રહેલા કડી પત્તાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો. આ તૈયાર થયેલા વઘારને નાળિયેરની ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો. આ ચટણીને રેફ્રીજરેટરમાં રાખી મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો

કોથમીર- નાળિયેરની લીલી ચટણી

સામગ્રી: ૧ ૧/૨ કપ સમારેલી કોથમીર, ૪ લીલા મરચાં, સમારેલા, ૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ, ૧ ટેબલસ્પૂન સાકર, ૪ ટેબલસ્પૂન તાજુ ખમણેલું નાળિયેર, મીઠું સ્વાદાનુસાર

રીત: મિક્સરમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી ચટણી તૈયાર કરો. આ ચટણીને હવાબંધ પાત્રમાં કાઢીને રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. આ મીઠી ચટણી કોઇપણ પ્રકારનાં ચાટમાં અનિવાર્ય ગણાય એવી છે. કોઇપણ નાસ્તો પીરસવો હોય ત્યારે પણ આ ચટણી નાસ્તાને સંપૂર્ણ બનાવવા માટે પીરસવી જરૂરી બની રહે છે, કારણકે આ ચટણી દરેક નાસ્તા સાથે મળી જાય એવી છે.

આમળા ચટણી

સામગ્રી : ૧ કપ કોથમીર સમારેલી, બે નંગ આમળાં કાપેલાં, બે ટેબલ-સ્પૂન શેકેલા શિંગદાણા-દાળિયા, ૫-૬ નંગ લીલાં મરચાં, બે ટી-સ્પૂન સાકર, ૧ ટી-સ્પૂન લીંબુનો રસ, મીઠું, ૧ ટી-સ્પૂન આદુંરીત : એક મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી ચટણી બનાવવી.

કોઠાની ચટણી

સામગ્રી : ૨ મીડિયમ નંગ પાકાં કોઠાં, અડધો કપ કોથમીર, ૨ નંગ લીલાં મરચાં-અથવા લાલ મરચાંનો પાઉડર, ૭-૮ લસણની કળી, મીઠું, ૨ ટેબલ-સ્પૂન સાકર અથવા ગોળ.

રીત: સૌપ્રથમ બે નંગ પાકાં કોઠાં લઈ એની ઉપરનું કડક કવચ કાઢી લેવું. ચમચીની મદદથી અંદરનો ગર કાઢી લેવો. એના ગરને સ્મૅશ કરી (અથવા જો ગર કડક હોય તો ખાંડણીમાં દસ્તાથી એને સૉફ્ટ કરવો). મિક્સરના જારમાં કોઠાના ગર પીસી લેવો. પછી એમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની ચટણી બનાવવી. કોઠું ખૂબ જ કડક હોય છે. એને ફોડાવી લેવું અથવા દસ્તાથી ઉપરનો કડક ભાગ તોડવો.

લાલ લસણની ચટણી

સામગ્રી: સૂકા લાલ મરચા -15 થી 20 નંગ, ટામેટું -190 ગ્રામ, લસણ -35 ગ્રામ, મીઠું- 1 નાની ચમચી, તેલ – 1 નાની ચમચી, પાણી -2 મોટા ચમચા

રીત: બ્લેન્ડરમાં 15-20 લાલ મરચા, 190 ગ્રામ ટામેટું, 35 ગ્રામ લસણ, 1 નાની ચમચી મીઠું, 1 નાની ચમચી તેલ, 2 મોટી ચમચા પાણી મિક્સ કરીને બરાબર બ્લેન્ડ કરી લો. તમારી લાલ લસણની ચટણી તૈયાર છે.

રાજકોટની ચટણી

સામગ્રી: અડધો કપ શિંગદાણા (ભીંજવેલા), ૧૦-૧૨ નંગ ગ્રીન મરચાં, ૧ ટી-સ્પૂન હળદર, મીઠુંરીત : એક મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી પીસવું. શિંગદાણાને ગરમ પાણીમાં ભીંજવી છાલ કાઢી કોરા કરવા. સ્ટોર કરવી હોય તો લીંબુનાં ફૂલ વાપરવાં. કોથમીર અડધો કપ વાપરી શકાય.

તલની ચટણી

સામગ્રી: તેલ – 2 મોટા ચમચા, ડુંગળી – 100 ગ્રામ, તલના બીજ -30 ગ્રામ, લસણ – 20 ગ્રામ, ટામેટુ–120 ગ્રામ, સૂકુ લાલ મરચું - 5-7 નંગ, મીઠું –1 ચમચી, હળદર -1/4 નાની ચમચી, લાઇમ જ્યુસ – 1/2 નાની ચમચી, પાણી – 2 મોટા ચમચા, રાઇ.

રીત: એક પેનમાં 2 મોટા ચમચા તેલ ઉમેરી મધ્યમ આંચ પર ગરમ કરો. જેમા 100 ગ્રામ ડુંગળીને સાંતળો.તે બાદ તેમા 30 ગ્રામ તલ અને બીજ 2-3 મિનિટ સાંતળો.તેમા 20 ગ્રામ લસણ, 1/4 નાની ચમચી, હળદર મિક્સ કરો.હવે તેમા 120 ગ્રામ ટામેટું, 5-7 સૂકુ મરચું, 1 નાની ચમચી મીઠું મિક્સ કરી 5થી 7 મિનિટ ચડવા દો.બ્લેન્ડરમાં મિશ્રણ મિક્સ કરીને 1/2 નાની ચમચી, લાઇમ જ્યૂસ, 2 મોટી ચમચી પાણી મિક્સ કરીને બ્લેન્ડ કરો. તે બાદ રાઇ અને લાલ મરચાનો વગાર કરીને ચટણી પર નાંખો. તલની ચટણી તૈયાર છે. હવે તેને સર્વ કરો.

રાજસ્થાની લસણની ચટણી

સામગ્રી: લાલ મરચું પાઉડર – 2 મોટી ચમચી. લસણ -35 ગ્રામ. દહી -75 ગ્રામ, લાલ મરચું– 5-7 નંગ, પાણી – 4 મોટી ચમચી, મીઠું – 1/2 નાની ચમચી, તેલ – 50 મિલીલીટર

રીત: બ્લેન્ડરમાં 2 મોટી ચમચી લાલ મરચુ પાઉડર, 35 ગ્રામ લસણ, 75 ગ્રામ દહીં, 5-7 સૂકુ લાલ મરચું, 2 મોટા ચમચા પાણી, 1/2 નાની ચમચી મીઠું મિક્સ કરી બ્લેન્ડ કરો. મધ્યમ આંચ પર એક પેનમાં 50 મિલીલીટર તેલ મિક્સ કરીને ગરમ કરો. જેમા બ્લેન્ડ કરેલું મિશ્રણ, 2 મોટા ચમચા પાણી મિક્સ કરીને 3 થી 5 મિનિટ સુધી ચડવા દો. તમારી રાજસ્થાની લસણની તૈયાર છે.

ખજૂર આમલીની ચટણી

સામગ્રી: ગોળ 1/4 કપ, આમલી 50 ગ્રામ, ખજુર 8-10, લાલ મરચું પાવડર ૧/૨ ચમચી, સેકેલું જીરું/ જીરા પાવડર 1/4 ચમચી, સુકવેલ આદુનો પાવડર 1/4 ચમચી, મીઠું જરૂર મુજબ

રીત: સૌ પ્રથમ આમલીને થોડા એવા ગરમ પાણીમાં 20 મિનીટ સુધી પલાળી રાખો. પછી ગોળને પાણીમાં ઓગાળો તેમજ તેને ગાળી લો. હવે ખજુરમાંથી ઠળિયા કાઢી નાખો. એક પેનમાં ગોળ, આમલી તેમજ ખજુરને પુરતું પાણી લઇ ઉકાળો. તેમાં મીઠું, લાલ મરચું પાવડર, જીરા પાવડર તેમજ સુકવેલ આદુ પાવડર નાખો અને તેને ધીમા તાપે ઉકાળવા દેવું જ્યાં સુધી ઘટ્ટ થાય. હવે તેને સરખી રીતે મેશ કરી દેવું અને ઠંડુ થવા દો. હવે તેને ગરણી વડે ગાળી લેવું, ગાળતી વખતે તેને મેશ કરતા રહેવું અને બને તેટલો પલ્પ કાઢી લેવો. તો તૈયાર છે ખજૂર આમલીની ચટણી. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દેવી. આ ચટણી 15થી 20 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકાય છે. આ ચટણી ભજીયા, સેન્ડવીચ કે પછી કોઈ પણ ચાટ કે ભેળ બનવવા માં ઉપયોગમાં લઇ શકાય છે.

આમચૂર ચટણી

સામગ્રી : 200 ગ્રામ ગોળ, 30 ગ્રામ આમચૂર પાઉડર, 7-8 ખજૂર, 1/2 ચમચી લાલ મરચુ, 1 ચમચી સૂંઠ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી સિંધાલૂણ.

રીત: એક વાસણમાં આમચૂર પાઉડર, પાણી અને ગોળનો ભુક્કો નાખી ધીમા તાપે પકાવો. ખજુરની લાંબી પાતળી સ્લાઈસ કાપી લો. ગોળ પાણીમાં સારી રીતે ઓગળી જાય એટલે તેમાં સિંધાલૂણ, ગરમ મસાલો, સૂંઠ, લાલ મરચુ મિક્સ કરી દો. મસાલો ઉમેર્યા પછી ચટણીને 5 મિનીટ માટે ગેસ પર ફરી પકાવો. ત્યારબાદ તેમાં ખજુરની સ્લાઈસ ઉમેરો અને ધીમા તાપે ફરી 5 મિનીટ પાકવા દો. ચટણી તૈયાર છે. તેને બાઉલમાં કાઢી લો. ઈચ્છો તો તમે તેને એરટાઈટ કંટેનરમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો.આ ચટણીમાં ગોળને બદલે ઈચ્છો તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો.

નાગર ચટણી

સામગ્રી:૧ વાટકી ચણાની મસાલાવાળી તૈયાર દાળ, ૧ વાટકી નાળિયેરનું ખમણ, અડધી વાટકી તલ, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું તથા હિંગ. અડધી ચમચી તેલ. રીત: સૌપ્રથમ એક નૉન સ્ટિક કડાઈમાં અડધી ચમચી તેલ ગરમ કરો. તેમાં તલ અને સૂકા નાળિયેરનું ખમણ સાંતળી લો. સોનેરી રંગનું થાય એટલે આંચ ઉપરથી ઉતારી લો. ઠંડું પડે એટલે તેમાં તૈયાર મસાલાવાળી ચણાની દાળ ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું તથા હિંગ ભેળવીને ચટણી તૈયાર કરો. આ સ્વાદિષ્ટ ચટણી લાંબા સમય સુધી રાખી શકાય છે.

સિંગદાણાની સૂકી ચટણી

સામગ્રી: ૧ કપ સિંગદાણા, ૪ નંગ આખા કાશ્મીરી મરચાં, ૨ નાની ચમચી ઝીણું સમારેલું લસણ, ૨ ચમચી જીરું, ૧ ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ.

રીત: એક નૉન સ્ટિક કડાઈમાં સિંગદાણાને ૧૦થી ૧૨ મિનિટ માટે શેકી લો. તેને એક મોટી થાળીમાં ઠંડા કરવા મૂકો. સિંગદાણાના ફોતરા કાઢી લો. સિંગદાણાને મિક્સરમાં નાંખો. કાશ્મીરી મરચાં, જીરું, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું અને ચપટી હિંગ ભેળવીને તેને અધકચરું વાટી લો. આ ચટણી બનાવતી વખતે પાણીનો ઉપયોગ કરવો નહીં. ભાખરી, થેપલા કે પરોઠાં સાથે આ ચટણી સ્વાદિષ્ટ લાગે છે.

ફૂદીનાની ચટણી

સામગ્રી : ૧-૧/૨ કપ ફૂદીનો થોડી કોથમીર 5-6 નંગ લીલા મરચાં 1/2નાની ચમચી સેકેલું જીરૂ 1 નાની ચમચી લીંબુનો રસ મીઠું સ્વાદાનુસાર રીત: -મરચાં ફૂદીનો કોથમીર બધુ જ ચોખ્ખા પાણીથી ધોઈ તેને મિક્સરમાં ક્રશ કરી લો -તેમાં શેકેલા જીરુનો પાવડર, મીઠું લીંબુ અને ખાંડ ઉમેરો -બસ તૈયાર છે આપની સ્વાદિષ્ટ ફુદિના-કોથમીરની ચટણી

મૈસુર ચટણી

સામગ્રી: ૧/૨ કપ ચણાની દાળ, ૧ ટેબલસ્પૂન અડદની દાળ, ૨ ટેબલસ્પૂન તેલ, ૫ આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા, ૧ ટેબલસ્પૂન સમારેલો ગોળ, ૩ લસણની કળી, ૧/૨ ટેબલસ્પૂન આમલીનો પલ્પ, ૪ કાળા મરી, ૩/૪ કપ ખમણેલું નાળિયેર, ૧ ટીસ્પૂન મરચાં પાવડર, મીઠું , સ્વાદાનુસાર

રીત : એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ચણાની દાળ અને અડદની દાળ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો. તે પછી તેમાં લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં ગોળ, લસણ, આમલીનો પલ્પ અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો. તે પછી તેમાં નાળિયેર, મરચાં પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. તેને થોડું ઠંડું પાડ્યા બાદ ૧ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો. તરત જ પીરસો અથવા હવાબંધ પાત્રમાં મૂકી રેફ્રીજરેટરમાં મૂકો અને ૨ દિવસની અંદર તેનો ઉપયોગ કરી લો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED