દરિયાની માછલી Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયાની માછલી

એકાંકી

દરિયાની માછલી

નાટક

-ઃ લેખક :-

યશવંત ઠક્કર


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વાચક મિત્રો,

‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા ફરીથી એક ઈ-પુસ્તક રજૂ કરી રહ્યો છું. અગાઉ મેં રજૂ કરેલાં ઈ-પુસ્તકને આપ સહુ તરફથી ઉમળકો વધારે એવા પ્રતિભાવો મળ્યા છે. આ ઈ-પુસ્તક પણ બધા વાચક મિત્રોને ગમશે એવી મને આશા છે.

મને લાગે છે કે ઈ-પુસ્તકો વાંચનારો અને એની કદર કરનારો વાચક વર્ગ તૈયાર થઈ ચૂક્યો છે.

કેટલાક વાચકોએ મારા લખાણ માટે મોકળા માંથી પ્રતિભાવ આપ્યા છે એમાંથી કેટલાક વાચકોને અહીં યાદ કરવાનું મન થાય છે. આ રહ્યા એ વાચકો...

સતીશ રાદડિયા, સુબોધભાઈ મુદિયાવાલા, પ્રિયંકા હીરપરા, અંકુર હીરપરા, રેનિશ ડોડિયા, અજય રાઠોડ, નીલ પરમાર, કિરણ રામાવત, નિલેશ બંભાણિયા, ભરત ચોસલા, નીતિન હરખાણી, ધર્મિન મોરખિયા, સિદ્ધાર્થ કુંભાણી, ડૉ. હિતેશ ચૌહાણ, શિલ્પા પટેલ, ગૌરવ ગદારા, દર્શન ભાનુશાલી, પિયૂષ ઝિંઝુવાડિયા, દિનેશ કટારિયા, પ્રવીણસિંહ વિહોલ, કૃણાલ જાદવ, પાયાલબા રાજપૂત, વિજય રાણા... મિત્રો, યાદી લાંબી છે. હું ફરીથી આવીશ ત્યારે બાકીની યાદી લઈને આવીશ.

- યશવંત ઠક્કરના જય ગુજરાત અને જય ભારત.

‘દરિયાની માછલી’

પાત્રો

•ભારતી : નાટકની કલાકાર

•શરદ : ભારતીનો પતિ

•ગૌતમ : નાટકનો દિગ્દર્શક

કથા

ભારતી નાટકની કલાકાર છે. શરદ એનો પતિ છે. ભારતી સદાય નાટકમાં ઓતપ્રોત રહેતી હોવાથી શરદ નારાજ થાય છે. એ ભારતીને ઘર કે નાટક બેમાંથી એકની પસંદગી કરવાનું કહે છે. ભારતી નાટક પસંદ કરે છે અને શરદનો સાથ છોડે છે.

ગૌતમ એક દિગ્દર્શક છે. એ ભારતીમાં રહેલી અભિનય શક્તિને પારખે છે અને અનેક નાટકોમાં ભારતી પાસે અભિનય કરાવે છે.

આગળ શું થાય છે એ જાણવા માટે આ નાટક વાંચવું જ રહ્યું.

પ્રસ્તુત નાટકમાં એક કલાકારની વેદના અને મનોમંથનને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- યશવંત ઠક્કર.

દૃશ્યઃ પહેલું

કોઈ નાટકનું રિહર્સલ થઈ રહ્યું હોય એવું દૃશ્ય છે. મંચ પર બે પાત્રો નજરે પડે છે. ૧ દિગ્દર્શક ગૌતમ ૨ કલાકાર ભારતી. દિગ્દર્શક ગૌતમ નાટકનું રિહર્સલ કરાવે છે. તેઓ જે નાટકનું રિહર્સલ કરી રહ્યાં છે એ નાટકમાં ભારતી વર્ષારાણીનું પાત્ર ભજવે છે. ભરતી સંવાદ બોલે છે...

ભારતી :

તું ફૂલ છે તો હું ફોરમ છું

તું સાગર છે તો હું સરિતા છું

તું સૂરજ છે તો હું કિરણ છું

તું ચાંદ છે તો હું ચાંદની છું

ગૌતમ : સ્ટોપ! સ્ટોપ ઈટ! વન મિનિટ પ્લીઝ. આપણે રિહર્સલ પછી કરીશું. મેડમ, પહેલાં એ કહો કે તમારૂં નામ શું છે?

ભારતી : મારૂં નામ?

ગૌતમ : હા, તમારૂં નામ.

ભારતી : હસીને મારૂં નામ તો ભારતી છે.

ગૌતમ : તદ્દન ખોટી વાત છે મેડમ. તમારૂં નામ ભારતી નથી. વર્ષારાણી છે. વર્ષારાણી.

ભારતી : ઓહ! તમે તો આ નાટકના પાત્રની વાત કરો છો.

ગૌતમ : સ્ટેજ પર પગ મૂક્યા પછી ગૌતમના મોઢેં નાટક સિવાયની કોઈ વાત હોતી નથી.

ભારતી : મારી કશી ભૂલ થઈ છે સર?

ગૌતમ : મેડમ, અહીં આવ્યા પછી ભૂલી જાઓ કે તમે ભારતી છો. ભૂલી જાઓ કે તમારૂં કોઈ ઘર છે કે કોઈ સંસાર છે. અત્યારે તમે વર્ષારાણી છો. વર્ષારાણીનો સંસાર એ તમારો સંસાર છે.

ભારતી : યસ સર.

ગૌતમ : તમારી સામે ઊંભો હશે એ કોઈ અજાણ્‌યો માણસ નહીં હોય. એ તમારા પતિનું પાત્ર ભજવતો કોઈ કલાકાર નહીં હોય. એ તમારો પતિ જ હશે. બરાબર?

ભારતી : હા બરાબર.

ગૌતમ, ભારતીને દૃશ્ય કેવી રીતે ભજવવાનું છે એ શીખવાડે છે.

ગૌતમ : વર્ષારાણી, તમારે તમારા પતિનો હાથ આ રીતે પકડવાનો છે. બરાબર પકડવાનો છે. આ રીતે એની એકદમ નજીક આવવાનું છે. એની આંખોમાં આંખો આ રીતે પરોવવાની છે. પછી આ સંવાદ બોલવાનો છે. આ બધુજ સ્વાભાવિક લાગવું જોઈએ. ઓકે?

ભારતી : ઓકે સર.

ગૌતમ : ચાલો શરૂ કરો.

ભારતી :

તું ફૂલ છે તો હું ફોરમ છું

તું સાગર છે તો હું સરિતા છું

તું સૂરજ છે તો હું કિરણ છું

તું ચાંદ છે તો હું ચાંદની છું

હું જનમોજનમ તારી જ છું. માત્ર તારી જ. શરદ, મારી આંખોમાં જો.

ગૌતમ : ઓ તારી! આ કમબખ્ત શરદ વચ્ચે ક્યાંથી આવ્યો? વર્ષારાણી તમારા પતિનું નામ હેમંત છે. હેમંત. ન યાદ રહેતું હોય તો ગોખી નાખો.

ભારતી : મારી ભૂલ થઈ ગઈ સર. વાત એમ છે કે મારા રિઅલ પતિનું નામ શરદ છે એટલે મારાથી શરદ બોલાઈ ગયું.

ગૌતમ : મેડમ, મેં તમને કેટલી વખત કહ્યું છે કે અહીં આવ્યા પછી અહીં જે હોય ને જ રિઅલ માનવાનું. અત્યારે તમે તમારા જનમજનમના સાથી હેમંત સાથે વાત કરી રહ્યા છો. યાદ રહેશે?

ભારતી : હાજી.

ગૌતમ : આ ગૌતમ મહેતાની એક વાત યાદ રાખો. તમારે જો સફળ થવું હોય તો નાટકને ક્યારેય નાટક નહીં માનતાં. કશું જ ખોટું નથી માનવાનું. બધું જ સાચું છે. સાવ સાચું છે એમ માનવાનું છે.

ભારતી : યસ સર.

ગૌતમ : ઓકે. શરૂ કરો.

ભારતી :

તું ફૂલ છે તો હું ફોરમ છું

તું સાગર છે તો હું સરિતા છું

તું સૂરજ છે તો હું કિરણ છું

તું ચાંદ છે તો હું ચાંદની છું

હું જનમોજનમ તારી જ છું. માત્ર તારી જ. હેમંત, મારી આંખોમાં જો. એમાં માત્ર તારૂં જ પ્રતિબિંબ છે. માત્ર તારૂં જ.

ગૌતમ : તાળીઓ પાડીને વાહ! એકદમ સ્વાભાવિક. કહેવું પડે. મારી વાત તમારા ગળે ઉતરતી જાય છે.

ભારતી : ગળે જ નહીં. દિલમાં પણ ઉતરતી જાય છે.

બંને હસે અને એ સાથે દૃશ્ય પૂરૂં થાય.

દૃશ્ય : બીજું

ભારતીના ઘરના દીવાનખંડનું દૃશ્ય. ભારતીનો પતિ શરદ સોફા પર બેઠો બેઠો ભરતીની રાહ જુએ છે. ભારતી પ્રવેશ કરે છે.

ભારતી : ખુરશી પર બેસીને હાશ! આજે તો રિહર્સલ કરી કરીને મારો દમ નીકળી ગયો. તું ક્યારે આવ્યો શરદ?

શરદ : હું તો ક્યારનો આવી ગયો છું. બે કલાક તો થઈ ગયા હશે.

ભારતી : તારે ચા પીવી છેને?

શરદ : કેમ? તારે નથી પીવી.

ભારતી : ના. આજે ઓ ત્રણ વખત ચા થઈ ગઈ. અમારા નાટકના દિગ્દર્શકને ચા બહુ જોઈએ. કલાકે કલાકે ચા મંગાવે.

શરદ : તારે ચા ન પીવી હોય તો ન બનાવતી. મારે ચાલશે.

ભારતી : એવું ચલાવી લેવાની વાત નહીં કરવાની હેમંત. સૉરી! શરદ.

શરદ : તું શું બોલી હમણાં?

ભારતી : હસીને શું બોલી?

શરદ : હમણાં તું કોનું નામ બોલી?

ભારતી : તારૂં નામ બોલી. કેમ?

શરદ : મારૂં નામ બોલતાં પહેલાં તારાથી કોનું નામ બોલાઈ ગયું?

ભારતી : અરે ભગવાન! હેમંતનું નામ બોલાઈ ગયું હશે.

શરદ : કોણ છે હેમંત?

ભારતી ઃ નાટકનું પાત્ર છે. નાટકમાં એ મારો પતિ છે.

શરદ : નાટકના પતિનું નામ ઘરમાં લેવાની શી જરૂર છે?

ભારતી : લેવાઈ ગયું. ભૂલ થઈ ગઈ.

શરદ : એવી ભૂલ થાય જ કેવી રીતે?

ભારતી : આખો દિવસ રિહર્સલમાં હેમંત હેમંત કર્યું એટલે એ નામ હોઠ પર આવી ગયું.

શરદ : નાટકના પતિનું નામ હોઠ પર આવી જાય છે ને હું તારો સાચો પતિ તોય મારૂં નામ ભુલાઈ જાય છે?

ભારતી : અરે યાર. ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય.

શરદ : તું એક વાત યાદ રાખજે ભારતી. તું એક કલાકાર છે એ વાત સાચી. પણ એ પહેલાં તું મારી પત્ની છે. તું ઘરમાં પગ મૂકે એ સાથે જ તારે નાટકની બધી વાતો ભૂલી જવી જોઈએ.

ભારતી : મારી ભૂલ થઈ ગઈ શરદ. આઈ એમ રિઅલી વેરી સૉરી. હું મારા પાત્રમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હતી એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ હતી કે મને એમ જ લાગતું હતું કે હું વર્ષારાણી છું અને મારા પતિનું નામ હેમંત છે.

શરદ : જો ભારતી, હું સાંકડા મનનો હોત તો તને નાટકમાં કામ કરવાની રજા જ ન આપત. પણ એક વાત તો તારે યાદ રાખવી જ પડશે કે આ ઘરમાં તું મારી પત્ની ભારતી તરીકે પગ મૂકે છે. અને, આ ઘર, આ સંસાર અને આ તારો પતિ શરદ એ હકીકત છે હકીકત. નાટક નથી.

ભારતી : એક નાનકડી વાતથી આટલું બધું ખોટું લાગી ગયું?

શરદ : આ નાનકડી વાત નથી. ભારતી, કોઈ પતિ એની પત્નીના હોઠથી બીજા માણસનું નામ આ રીતે સાંભળીને ખોટું લગાડયા વગર રહે જ નહીં.

ભારતી : શરદ, હું એક કલાકાર છું. આખો દિવસ મેં નાટકનું રિહર્સલ કર્યું છે. આ નાટકની સફળતાનો આધાર મારા પર પણ છે. મારાથી...

શરદ : ભારતી, ઘરમાં પગ મૂક્યા પછી તું કલાકાર નથી. મારી પત્ની છે. ઘરે આવ્યા પછી નાટકની કોઈ મગજમારી મારે ન જોઈએ.

ભારતી : ભલે.

શરદ : તારે એક સફળ પત્ની થવું હોય તો આ શરદ સેજપાલની એક સલાહ યાદ રાખજે. નાટક, કળા અને તારા શોખની જાળવણી કરજે પણ એનાથી આધારે જાળવણી આપણા સંસારની કરજે.

ભારતી : તારી સલાહ યાદ રાખીશ. બસ?

શરદ : તને આ સલાહ અગાઉ પણ ઘણી વખત આપી ચૂક્યો છું.

ભારતી : તું પણ મારી એક વાત યાદ રાખજે કે શરદનો હાથ પકડીને

તું ફૂલ છે તો હું ફોરમ છું

તું સાગર છે તો હું સરિતા છું

તું સૂરજ છે તો હું કિરણ છું

તું ચાંદ છે તો હું ચાંદની છું

હું જનમોજનમ તારી જ છું. માત્ર તારી જ. શરદ, મારી આંખોમાં જો.

શરદ : બંધ કર આ બકવાસ. ને છોડ મારો હાથ. મારી સામે આંખો ફાડી ફાડીને જોવાની આ રીત છે?

ભારતી : પ્રેમની અભિવ્યક્તિ કરવાની રીત તો આવી જ હોયને?

શરદ : આજે એકાએક પ્રેમ ક્યાંથી ફૂટી નીકળ્યો? તેં આટલા જોરથી મારો હાથ તો લગ્નની પહેલી રાત્રે પણ નહોતો પકડયો. હાથ દુખાડી દીધો.

ભારતી : પણ મને ત્યારે પ્રેમ વ્યક્ત કરવાની આ રીત આવડતી જ નહોતી.

શરદ : તો આજે ક્યાંથી શીખી લાવી? બોલ.

ભારતી જવાબ આપતી નથી.

શરદ : મને ખબર છે. આ બધું નાટક છે નાટક. હમણાં જ નાક વાઢ્‌યું તોય ફરી પાછું નાટક! મારાં ઘરમાં નાટક ન જોઈએ ન જોઈએ ને ન જોઈએ.

ભારતી : ઓકે બાબા ઓકે. મારૂં તો માથું ભમી ગયું. હવે તો ચા પીવી જ પડશે. તું પણ પીશને?

શરદ : તું પીવડાવીશ તો પીશ.

ભારતી : નહીં કેમ પીવડાવું? એવી સરસ ચા પીવડાવીશ કે તારો બધો જ ગુસ્સો ઊંતરી જશે અને તું બની જીશ મારો સરસ મજાનો પતિ.

ભારતી ખડખડાટ હશે પણ શરદ માથે હાથ દઈને કંટાળો વ્યક્ત કરે એ સાથે દૃશ્ય બીજું પૂરૂં થાય.

દૃશ્ય ત્રીજું

સ્થળ ભારતીનું ઘર.

ઘરના દીવાનખંડનું દૃશ્ય. ભારતી અને શરદ બંને બેઠાં છે. ભારતી પોતાના નાટકની સ્ક્રિપ્ટ મનમાં વાંચી રહી છે. શરદ કશા વિચારમાં ચૂપચાપ બેઠો છે.

શરદ : ભારતી, આજે હું તને એક અગત્યની વાત કહેવા માંગુ છું.

ભારતી : ટૂંકી વાત હોય તો હમણાં કહી દે. લાંબી વાત હોય તો પછી કહેજે. આજે હું ખૂબ ઉતાવળમાં છું. નવા નાટક ‘સળગતો સંસાર’નો પહેલો શો છે. તું જોવા આવીશને?

શરદ : મારી અગત્યની વાત લાંબી નથી. તું સાંભળીશ?

ભારતી : સાંભળીશ. ચાલ કહી દે.

શરદ : હવે તારે નાટકમાં કામ કરવાનું બંધ કરવું જોઈએ.

ભારતી : શા માટે?

શરદ : ભારતી, તારૂં મન રાતદિવસ નાટકમાં અને નાટકનાં પાત્રોમાં ભટક્યા કરે છે.

ભારતી : તો એમાં ખોટું શું છે? ગમે તેમ તોય હું કળાને સમર્પિત થયેલી છું. તારે એ વાત સમજવી જોઈએ કે

શરદ : ભારતી, તું કળાને સમર્પિત થયેલી છે એનો અર્થ એ નથી કે તું આપણા સંસારની જાળવણી કરવામાં બેદરકાર રહે.

ભારતી : સંસાર સંસાર સંસાર! સંસારની જાળવણી માટે મેં શું શું નથી કર્યર્ું. તને સમયસર ચા નથી પીવડાવી? તને ક્યારેય ભૂખ્યો રાખો છે? તારાં કપડાં ધોઈને ઈસ્ત્રી કરાવીને તૈયાર ન રાખ્યાં હોય એવું બન્યું છે ક્યારેય? ઘરમાં કરોળિયાનું એકાદ જાળું પણ ક્યારેય થવા દીધું છે?

શરદ : આ બધાં કામ તો ઘરની નોકરાણી પણ કરી શકે. તું મારી પત્ની છે પત્ની.

ભારતી : તો મેં શું ગુનો કર્યો છે એ કહીશ?

શરદ : તેં કાલે આખી રાત વસંતનું રટણ કર્યું છે. કોણ છે વસંત?

ભારતી : હસીને અમારા નાટકનું મુખ્ય પાત્ર છે. નાટકમાં હું એને ચાહું છું. મારાં શરીરનું રોમ રોમ એને ચાહે છે. બેસતાં, ઊંઠતાં, હરતાં, ફરતાં, સૂતાં, જાગતાં મારાં મનમાં એનું જ રટણ ચાલતું હોય છે. શરદ, મારા પાત્રને ન્યાય આપવાની મારી લગનને કારણે...

શરદ : તારાથી એનું નામ લેવાની ભૂલ થાય જ કેવી રીતે? મેં તને આ પહેલાં પણ કહ્યું હતું કે ઘરમાં પગ મૂક્યા પછી નાટકની કોઈ વાત ન જોઈએ.

ભારતી : શરદ, ત્યાર પછી હું પણ ધ્યાન રાખું છું કે મારાથી ઘરમાં નાટકની વાત ન થાય.

શરદ : તો પછી કાલે રાતે વસંતના નામનું રટણ કેમ કરતી હતી?

ભારતી : એ તો ઊંંઘમાં ને?

શરદ : દિવસે જે નામ મનમાં રમતું હોય એ નામ રાતે ઊંંઘમાં આવે.

ભારતી : ઊંંઘમાં પણ મારા હોઠ પર નાટકના પાત્રનું નામ આવતું હોય તો એ મારા વ્યવસાય તરફની મારી ઈમાનદારી છે. મારી પાસે બીજો કોઈ બચાવ નથી.

શરદ : વાહ! વ્યવસાય તરફની ઈમાનદારી! એ પણ પતિ તરફની ઈમાનદારીના ભોગે! વાહ નાટક! વાહ અભિનય! વાહ! વાહ!

ભારતી : હું ક્યારેય તારા તરફ બેઈમાન થી છું? એકાદ દાખલો તો આપ.

શરદ : આપણા જ ઘરમાં, આપણા જ શયનખંડમાં તારા હોઠ પર બીજાનું નામ લાવ્યા પછી તું મારી પાસે તારી બેઈમાનીનો દાખલો માંગે છે?

ભારતી : શરદ! તું આજે કેવી વાત કરે છે?

શરદ : હું જે કહું છું એ સત્ય છે. કડવું સત્ય છે. ભારતી, તું તારી આંખો બંધ કરીને તારી જાતને પૂછીશ તો તને પણ સત્ય જાણવા મળશે. તું શું હતી ને શું થઈ ગઈ! આટલો બધો ફેરફાર?

ભારતી : તું મને છે એવો કોઈ ફેરફાર મારામાં થયો નથી. હું એક કલાકાર તરીકે વધારે પકવ થઈ હોઈશ. બાકી તો હું જે હતી એ જ છું. શરદ, હું તારી છું અને તારી જ રહીશ.

શરદ : ફરી પાછા નાટકના સંવાદો?

ભારતી : તને આ શું થઈ ગયું છે? હું જયારે જ્યારે મારી લાગણી વ્યક્ત કરૂં છું ત્યારે ત્યારે તું એને નાટકમાં ખપાવે છે? મને સમજ નથી પડતી કે હું શું કરૂં.

શરદ : મારી વાત માં અને નાટકનો મોહ છોડી દે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.

ભારતી : હું નાટક ન છોડી શકું. હું નાટક છોડવાની કલ્પના પણ ન કરી શકું. નાટક મારી તપસ્યા છે. પૂજા છે. મોહ નથી.

શરદ : આ બધા સંવાદો રહેવા દે. સો વાતની એક વાત. હવે આપણે આ ઘરમાં સાથે નહીં રહી શકીએ.

ભારતી : શરદ, આ તું બોલી રહ્યો છે?

શરદ : મેં ખૂબ વિચાર કર્યો છે. તું નાટક ન છોડવા માંગતી હોય તો મને છોડી દે. તારે જો જો આ ઘરમાં રહેવું હોય તો તારે મારી વાત માનવી જ પડશે. તારે ન્યાયની સાંકળ ખખડાવવી હોય તો ખખડાવ જા.

ભારતી : મારે ન્યાયની સાંકળ નથી ખખડાવવી. હું આ ઘર છોડી દઈશ. ઘર છોડતાં પહેલાં મારો તને એક સવાલ છે. સવાલ એ છે કે, હું નાટકમાં કામ કરતી હતી છતાં પણ તેં મારી સાથે લગ્ન કેમ કર્યાં?

શરદ : મને એમ હતું કે...

ભારતી : તને એમ હતું ને કે હું નાટક છોડી દઈશ. દરિયાની માછલી એક એક્વેઅરિઅમને દરિયો માની લેશે. બરાબરને?

શરદ : તું શાના જોરે એટલું બધું કૂદે છે? તારા રૂપના જોરે કે પછી તારી જવાનીના?

ભારતી : ખામોશ! શરદ, આજની ક્ષણ સુધી મને તારા પ્રત્યે માન છે. એક પણ શબ્દ આડોઅવળો બોલીને તારૂં માન ન ગુમાવીશ. હું અત્યારે જ આ પહેર્યે કપડે જ આ ઘર છોડી ને જાઉં છું.

ભારતી ઘર છોડીને જતી હોય ..

શરદ : ઘર છોડીને જાય છે પણ યાદ રાખજે કે આ દુનિયા...

ભારતી : આ દુનિયા બહુ ખરાબ છે એમને? પણ શરદ, આ દુનિયા સાથે મારે કેમ કામ પાડવું એ સમસ્યા મારી છે. હું જાઉં છું.

શરદ : ડિવોર્સ પેપરમાં સહી કરાવવા ક્યારે આવીશ?

ભારતી : મને બીજાં લગ્ન કરવાની જરૂર નથી લાગતી. તને જરૂર પડે ત્યારે આવી જજે. હું સહેજ પણ વાર લગાડયા વગર સહી કરી આપીશ.

શરદ : સરનામું તો આપતી જા.

ભારતી : મારૂં સરનામું છે રંગભૂમિ.

‘મારૂં સરનામું છે રંગભૂમિ.’ એ સંવાદના પુનરાવર્તન સાથે આ દૃશ્ય પૂરૂં થાય.

દૃશ્યઃ ચોથું

ભારતી અને ગૌતમ નાટકનો ખેલ પૂરો થયા પછી ખાલી મંચ પર ચર્ચા કરતાં હોય.

ગૌતમ : શાબાશ મેડમ શાબાશ. આ જે તો રંગ રહી ગયો. ‘સળગતો સંસાર’ નાટકનો આજનો પહેલો શો એક ઈતિહાસ બની જશે. પતિ અનિરૂદ્ધને છોડતી વખતનો તમારો અભિનય! અદ્‌ભુત મેડમ અદ્‌ભુત! પણ તમે ચુપ કેમ છો? તબિયત તો બરાબર છેને?’

ભારતી : ગળગળા અવાજે સર!

ગૌતમ : તમારી આંખોમાં આંસુ ?

ભારતી : સર, હું આજે મારા રિઅલ પતિનું ઘર કાયમ માટે છોડીને આજનો શો કરવા આવી હતી.

ગૌતમ : પણ એવું શા માટે કરવું પડયું?

ભારતી : કારણ કે મારે એ ઘર અથવા રંગભૂમિ એ બેમાંથી એકની પસંદગી કરવાની હતી. મેં રંગભૂમિ પસંદ કરી છે.

ગૌતમ : મેડમ, તમે ખોટું કર્યું છે. હજુ મોડું નથી થયું. તમે પાછાં ઘરે જાવ.

ભારતી : સર, હું નાટક વગર જીવી શકું એમ નથી.

ગૌતમ : મેડમ, હું તો નાટકનો દિગ્દર્શક છું. તમારી જિંદગી બાબત કશી સલાહ આપવાનું મારૂં કામ નથી. છતાં કહું છું કે તમારે નાટકને લીધે ઘર ન છોડવું જોઈએ.

ભારતી : તમે એમ કહેવા માંગો છો કે હું નાટક, મંચ, અભિનય આ બધું જ છોડી દઉં. માત્ર મારા પતિની જિદને કારણે?

ગૌતમ : આ માત્ર તમારી જ સમસ્યા નથી. રંગભૂમિ સાથે જોડાયેલાં કેટલાંય કલાકારોની છે. મારી જ વાત કરૂં તો હું પણ આ સમસ્યાનો શિકાર થઈ ચૂક્યો છું.

ભારતી : સર, તમે?

ગૌતમ : હા. એ વાતને વર્ષો થઈ ગયાં. તમારી જેમ મારે પણ ઘર અથવા રંગભૂમિ બેમાંથી એકની પસંદગી કરવાની હતી. મેં રંગભૂમિ પસંદ કરી. ઘર છોડયું. પત્ની છોડી. બાદમાં ઘણો પસ્તાવો થયો. હું ઘરે પાછો ફર્યો પણ મારી પત્ની મને મળી નહીં. બધે તપાસ કરી પણ ક્યાંય પત્તો ન મળ્યો. આજે પણ આ દુનિયાની ભીડમાં મારી આંખો એને શોધે છે.

ભારતી : સર, તમે ભલે ઘરનું સુખ ગુમાવ્યું. પણ તમે કેટલું બધું મેળવ્યું છે! શું તમને તમારી જિંદગીથી સંતોષ નથી?

ગૌતમ : છે. સંતોષ છે. પણ હૃદયમાં એક ખટકો પણ છે.

ભારતી : તમે મને નિરાશ કરી રહ્યા છો.

ગૌતમ : મેડમ, આ ઉમર કાયમ રહેવાની નથી. લોકોની વાહવાહ અને તાળીઓ પણ કાયમ રહેવાની નથી. તમને જયારે પસ્તાવો થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે.

ભારતી : તમે કેવી વાત કરો છો? કાયમ તો રાજાના રાજપાટ પણ રહ્યાં નથી. ઋષિઓનાં તપ પણ રહ્યાં નથી. વિશ્વભરની સુંદરીઓની જવાની પણ કાયમ રહી નથી. તો શું કોઈએ કશી મહત્ત્વકાંક્ષા રાખવી જ નહીં.

ગૌતમ : મહત્ત્વકાંક્ષાને ખાતર સંસારનો માળો વીંખી ન નખાય.

ભારતી : મેં માળો છોડયો છે. વીંખ્યો નથી. સર, મને તમારા તરફથી આવી સલાહની આશા નહોતી.

ગૌતમ : તમારી જિંદગીનો આ ખતરનાક વળાંક છે. તમને પાછાં ફરવા સિવાય બીજી કઈ સલાહ આપું?

ભારતી : હું પાછી ફરવાની નથી. ગમે તે થાય. હમણાં થોડો સમય હોટલમાં રહીશ. પછી પોતાના ઘરની વ્યવસ્થા કરીશ. તમે મને આશીર્વાદ આપો.

ગૌતમ : તમે હજી વિચાર કરો. આટલી ઉતાવળ ન કરો.

ભારતી : ગૌતમને પ્રણામ કરીને સર, મને આશીર્વાદ આપો. હું દરિયાની માછલી છું. મને દરિયો મળે એવા આશીર્વાદ આપો.

ગૌતમ : ભારતીના માથા પર હાથ મૂકીને સફળ થાવ. તમારાં તમામ સપનાં પૂરાં થાવ. દરિયાની માછલીને દરિયો મળે એવા મારા આશીર્વાદ છે.

આ સાથે દૃશ્ય પૂરૂં થાય.

દૃશ્યઃ પાંચમું

ગૌતમ ખાલી મંચ પર ભરતીની રાહ જોતો હોય. ભારતી પ્રવેશ કરે. બંનેની ઉમરમાં વીસ વર્ષ જેટલો વધારો થયો હોય.

ગૌતમ : આવો મેડમ. તમારી જ રાહ જોવાતી હતી.

ભારતી : સર, આજે તો હું ખૂબ જ થાકેલી છું. તબિયત પણ બરાબર નથી. પણ તમારો ફોન આવ્યો એટલે આવી છું.

ગૌતમ : સારૂં કર્યું મેડમ. આમ તો આજ સુધીમાં કોઈ પણ નાટકમાં રોલ આપવા માટે તમારી સાથે કદી ચર્ચા કરવી નથી પડી. પણ આ નાટકની વાત અલગ છે.

ભારતી : એવી તે કઈ વાત છે?

ગૌતમ : મેડમ, આમ તો આ નાટકમાં તમારૂં પાત્ર જ મુખ્ય છે પરંતુ...

ભારતી : પરંતુ મારે માનું પાત્ર ભજવવાનું છે. બરાબર?

ગૌતમ : હસીને તમને કોણે કહ્યું મેડમ?

ભારતી : તમરા ખચકાતા હોઠ જોઈને હું સમજી ગઈ.

ગૌતમ : આજસુધી અનેક નાટકોમાં પ્રેમિકા અને પત્નીનાં પત્રો ભજવનાર કલાકારને માનું પાત્ર આપતી વખતે હોઠ તો ખચકાય.

ભારતી : સાચું કહેજો સર, હું ખરેખર ઘરડી થઈ ગઈ છું.

ગૌતમ : ના. સાવ એવું તો નથી. પરંતુ, ‘તમે વીસ વર્ષો પહેલાં હતાં એવા જ યુવાન આજે પણ લાગો છો’ એવું કહીને તમને ભ્રમમાં પણ નથી રાખવા માંગતો. મેડમ, આપણે સમયને માન આપવું જ પડે.

ભારતી : સમય ઘણો બદલાઈ ગયો છે એની ના નથી. નવી નવી ઘણી છોકરીઓ નાટકની દુનિયામાં આવતી થઈ છે એ હકીકત પણ હું જાણું છું. પણ સર, માનું પાત્ર ભજવતાં પહેલાં મારે વિચાર કરવો પડશે.

ગૌતમ : તમારી કારકિર્દીની ચિંતા જેટલી તમને છે એટલી જ મને છે. પરંતુ, મને વિશ્વાસ છે કે આ નાટકથી તમારી કારકિર્દીને એક નવો વળાંક મળશે.

ભારતી : મને મારી કારકીર્દીની ચિંતા નથી. મારે ચિંતા બીજી છે. મને લાગે છે કે હું માના પાત્રને ન્યાય નહીં આપી શકું.

ગૌતમ : અભિનયના સિંહાસન પર બિરાજેલી રાણીના મોઢેં આવી વાત શોભતી નથી.

ભારતી : સર, તમે તો જાણો જ છો કે જિંદગીમાં મને મા બનાવાનો અનુભવ ક્યારેય પ્રાપ્ત થયો નથી.

ગૌતમ : શું કલાકારને દરેક પ્રકારનો અનુભવ હોવો જરૂરી છે? તે પોતાની કલ્પના અને કળાને કામે ન લગાડી શકે?

ભારતી : બહુ જ અઘરૂં પડશે.

ગૌતમ : વીસ વર્ષોમાં મેં ક્યારેય તમને સહેલું કામ સોંપ્યું નથી.

ભારતી : સર, આજે હું જે કાંઈ છું તે તમારા પ્રતાપે છું. સૌ પ્રથમ તમે જ મારી શક્તિને પારખી હતી. મને તમારામાં વિશ્વાસ છે.

ગૌતમ : તો આજે પણ મારામાં વિશ્વાસ રાખો.

ભારતી : તમે કહો છો તો હું રાજી છું.

ગૌતમ : થૅક યૂ મેડમ. કાલથી જ રિહર્સલ શરૂ. ઓકે?

ભારતી : મુઠ્‌ઠી વાળીને ઓકે સર.

દૃશ્ય પૂરૂં થાય.

દૃશ્ય છઠ્‌ઠું

મંચ પર ગૌતમ અને ભારતીને નવા નાટકનું રિહર્સલ કરી રહ્યાં હોય હોય એવું દૃશ્ય.

ગૌતમ : મેડમ, ભૂલી જાવ કે તમે એક કલાકાર છો ને નાટકમાં અભિનય કરી રહ્યા છો. માત્ર એટલું યાદ રાખો કે તમે એક મા છો. તમારી સામે ઊંભો છે એ તમારો દીકરો છે. એ દીકરાને તમે નવ નવ મહિના સુધી તમારા ગર્ભમાં રાખ્યો છે. એને તમારૂં ધાવણ ધવડાવ્યું છે. તમે એને હાલરડાં ગાઈને પોઢાડયો છે અને પ્રભાતિયાં ગાઈને ઉઠાડયો છે. તમે દુઃખની પછેડી ઓઢીને એને મમતાના વાઘા પહેરાવ્યા છે. ને, એ રીતે ઉછેરેલો દીકરો એક વખત તમને પૂછે છે કે ‘મા, મા, મારા સવાલનો જવાબ દે. તેં મારા પપ્પાને કેમ છોડી દીધા હતા?’ ત્યારે તમારા ચહેરા પર દુઃખના, આક્રોશના, કરૂણાના, સ્વમાનના, કેટકેટલી લાગણીના ભાવ એક સામટા ધસમસી આવે છે ને તમે તમારા દીકરાને જવાબ આપો છો કે...

ભારતી : દીકરા, તારે તારા સવાલનો જવાબ જોઈએ છીએ ને? હું આપીશ. મારે એ જવાબ આપવો પડશે કારણ કે હું એક સ્ત્રી છું. સ્ત્રી દુનિયાભરના સવાલોના જવાબ આપવા બંધાયેલી છે. ક્યારેક એના પિતા કે ભાઈ સવાલો કરે છે કે -‘તું અત્યાર સુધી ક્યા ગઈ હતી? કેમ મોડી આવી?’ ક્યારેક એનો પતિ સવાલો કરે છે કે-‘તારો ભૂતકાળ કેવો હતો? લગ્ન પહેલાં તારી જિંદગીમાં શું શું બન્યું હતું?’ તો ક્યારેક એનો દીકરો સવાલ કરે છે કે- ‘મા, મારા પપ્પાએ તને ઘરમાંથી કેમ કાઢી મૂકી હતી?’ આજે તું પણ જાણવા માંગે છે ને કે, મેં તારા પપ્પાને કેમ છોડી દીધા હતા. તો સાંભળ દીકરા, મારો અપરાધ એ હતો કે હું દરિયાની માછલી હતી અને તારા પપ્પા મને એના એક્વેઅરીઅમમાં કેદ રાખવા માંગતા હતા. મને એ કેદ મંજૂર નહોતી એટલે મેં એમને છોડી દીધા. બોલ, હવે છે બીજા કોઈ સવાલ?

ગૌતમ : તાળીઓ પાડીને વાહ! મેડમ વાહ! આ ‘મા, મમતા અને મજબૂરી’ નાટક પછી તમે તખ્તાની દુનિયામાં છવાઈ જશો એમાં શંકાને કોઈ સ્થાન નથી. આજથી હું તમને મેડમ નહીં કહું. તમને તમારા નામથી બોલાવીશ.

ભારતી : સર!

ગૌતમ : આજથી હું તમને ભારતીદેવી કહીશ. આ નાટક રજૂ થયા પછી દુનિયા પણ તમને ભારતીદેવી તરીકે ઓળખશે. આ નાટકમાં મા તરીકેનો તમારો અભિનય તમારી કળાનો ઉત્તમ નમૂનો બની રહેશે. આ હું નથી બોલતો. મારો આજસુધીનો અનુભવ બોલે છે.

દૃશ્ય પૂરૂં

દૃશ્ય સાતમું

ભારતીદેવીનું ઘર. ભારતીદેવી ઘરનો દીવાનખંડ. ભારતીદેવી વિચારમાં ડૂબેલાં હોય એવું દૃશ્ય.

ભારતી : સ્વગત પ્રેક્ષકો અને પ્રશંસકોથી છૂટી થઈને હું મારા ઘરમાં આવું છું તો પણ પાત્રો મારો પીછો નથી મૂકતાં! મારા મનમાં વારંવાર એક જ સવાલ ઊંઠતો રહે છે કે - ખરેખર હું ભારતી કે ભારતીદેવી છું? હું કેટકેટલાં પાત્રોમાં જીવી છું. ક્યારેક વર્ષારાણી, ક્યારેક સુધા, ક્યારેક મંદા તો ક્યારેક દ્રૌપદી, સીતા કે શકુંતલા! ક્યારેક સીધીસાદી તો ક્યારેક અટપટી. ક્યારેક શીતળ ચાંદની જેવી તો ક્યારેક ભભૂકતી આગ જેવી! મારૂં પોતાનું આ ઘર પુરસ્કારો, માનપત્રો, ભેટ સોગાદોથી છલકાઈ ગયું છે. આજે કેટલાય કલાકારો મને એમનો આદર્શ માને છે. પરંતુ, મેં મારી જાતને કેટકેટલાં પાત્રોમાં ઓગાળી નાખી છે એનો હિસાબ કોણ માંડે છે? કેટકેટલાં પાત્રોની પ્રસન્નતા, વેદના, સંવેદના, આક્રોશ મેં મારામાંથી પ્રગટ કર્યાં છે ત્યારે હું ભારતીમાથી ભારતીદેવી બની છું. પરંતુ, વિવિધ પત્રોમાં પ્રવેશેલી હું પોતે મારી જિંદગીમાં ભારતી કે ભારતીદેવી તરીકે જીવી છું ખરી?

ડોરબેલ વાગે.

કોણ હશે? સર હશે? ના, સર તો ફોન જ કરે. કોઈ બીજું હશે.

ભારતી ઘરનો દરવાજો ખોલે અને આઘાત અને આશ્ચર્યથી..

ભારતીઃ કોણ? શરદ કે?

શરદ પ્રવેશ કરે. એના હાથમાં હોય.

શરદ : હા, હું શરદ.

ભારતી : આવો બેસો. એકદમ? અચાનક?

શરદ : હા, અચાનક. પણ પહેલાં તો મારા તરફથી આ ફૂલોનો સ્વીકાર કરો.

ભારતી : ફૂલો લેતાં અરે! આની શી જરૂર છે?

શરદ : ભારતીદેવી, તમને ફૂલોની નવાઈ નહીં હોય. પણ મને એ આપવા જરૂરી લાગ્યાં છે.

ભારતી : તમે મને ભારતીદેવી શા માટે કહો છો?

શરદ : દુનિયા તમને ભારતીદેવી કહીને માન આપે છે તો હું કેમ ન આપું?

ભારતી : તમે તો અપવાદ છો. તમે તો મને ભારતી કહીને બોલાવી શકો છો. ગમે તેમ તોય તમે મારા પતિ છો. વ્યંગમાં હસીને હજુ તો આપણે ડિવોર્સ પેપરમાં સહી પણ નથી કરી! કાનૂન પણ તમને અધિકાર આપે છે.

શરદ : હું અહીં કાનૂનની વાત કરવા નથી આવ્યો ભારતીદેવી, હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું.

ભારતી : ક્યા પાપનું?

શરદ : તમને આપણું ઘર છોડવા માટે મજબૂર કરવા માટેનું પાપ.

ભારતી : ઓહ! તો તમને તમરા પાપની ખબર આટલા વર્ષો પછી પડી?

શરદ : તમે નહીં માનો. તમે જે દિવસે ઘર છોડીને ગયાં એ જ દિવસે હું તમરી માફી માંગવા થિયેટર પર આવ્યો હતો. પણ ત્યારે એ ‘સળગતો સંસાર’ નાટક શરૂ થઈ ગયું હતું. એ નાટકમાં તમારૂં રૌદ્ર રૂપ જોયા પછી મારામાં તમને મળવાની શક્તિ જ ન રહી. પછી તો તમે કીર્ત્િાનાં શિખરો એક પછી એક સર કરતા ગયા અને હું તમારા એકેએક નાટકમાં પ્રેક્ષક તરીકે આવતો રહ્યો. તમારે પ્રગતિથી રાજી થતો રહ્યો અને મન મનાવતો રહ્યો કે, દરિયાની માછલીને દરિયો મળ્યો છે તો ભલે મળ્યો. હવે એ મારા ખાબોચિયામાં નહીં સમાય.

ભારતી : તમે બીજાં લગ્ન...?

શરદ : તમને જેમ બીજાં લગ્નની જરૂર ન લાગી એમ મને પણ ન લાગી.

ભારતી : મને તો મારો દરિયો મળી ગયો હતો પણ તમે શા માટે?

શરદ : તમારા દરિયાની છાલકો હું મારી ખાબોચિયા જેવી જિંદગીમાં ઝીલતો રહ્યો છું.

ભારતી : હું ચા મૂકું છું.

શરદ : હું ચા પીવા નથી આવ્યો. હાથ જોડીને હું માફી માંગવા આવ્યો છું. ભારતીદેવી, મને માફ કરો. મને પ્રાયશ્ચિત કરવાની તક આપો. હું તમને લેવા આવ્યો છું.

ભારતી : ક્યા લઈ જશો મને?

શરદ : આપણી ઘેર. જેને હું ‘ મારૂં ઘર મારૂં ઘર’ કરતો હતો એ ઘર તમારૂં પણ હતું.

ભારતી : એ ઘર છોડવાની પીડા આજસુધી મારા હૃદયમાં સચવાઈને રહી હતી. પરંતુ આજે મને એવું લાગે છે કે જાણે એ પીડા હતી જ નહીં.

શરદ : તો તમે મને માફ કરી દીધો? તમે મારી સાથે અવશોને?

ભારતી : શરદ, તમારી લાગણીની હું કદર કરૂં છું. પણ હું તમારી સાથે નહીં આવી શકું.

શરદ : કેમ નહીં આવી શકો? ભરોસો રાખો. હું ફરીથી ભૂલ નહીં કરૂં.

ભારતી : વાત એમ છે કે વર્ષો સુધી હું આ ઘરમાં એકલી જ રહું છું. માત્ર મારાં પાત્રોના સહારે. મને આ એકલતા સદી ગઈ છે. આ એકલતામા મેં એટલી તો સુરક્ષા અનુભવી છે કે હવે તો કોઈની સાથે રહેવાની કલ્પના માત્રથી હું ધ્રૂજી ઊંઠું છું.

શરદ : તો શું મારે ખાલી હાથે જ પાછા જવું પડશે?

ભારતી : તમે બીજું ગમે તે માંગો. હું આપીશ. પરંતુ, હું તમારે સાથે નહીં આવી શકું. હવે એ શક્ય નથી.

શરદ : તમરી વાત સાચી છે. ભારતીદેવી, તમે તો દરિયાની માછલી છો. ને હું એક લંબચોરસ ખાબોચિયાનો માલિક! એ એક અકસ્માત હતો કે તમે મારા ખાબોચિયામાં આવી ને પડયાં હતાં. ખેર હું જઉં છું. તમે મને માફી આપી એ પણ ઓછું નથી.

ભારતી : શરદ, ખુશ રહેજો.

શરદ : તમારી ખુશી જોઈને ખુશ રહેતો હતો, હવે વધારે ખુશ રહીશ. તમે મને માફ કર્યો. આજે મારા મન પરથી એક મોટો બોજો ઉતરી ગયો છે.

શરદ વિદાય લે.

ભારતી : સાત ખોટાનું મારૂં સપનું ફળ્યું

દરિયાની માછલીને દરિયો મળ્યો.

થોડો નહીં ને અઢળક મળ્યો

દરિયાની માછલીને દરિયો મળ્યો. ... દરિયાની માછલીને દરિયો મળ્યો... દરિયાની માછલીને દરિયો મળ્યો.

ભારતી રડી પડે ને એ દૃશ્ય સાથે નાટક પૂરૂં થાય.

‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા પ્રકાશિત યશવંત ઠક્કરનાં ઈ-પુસ્તકોની યાદી

૧.આ આવકારો છે

૨.રોકડિયા ચૂકવે ઋણ

૩.આવ મંગળ અમને નડ

૪.જાન ભાડે મળશે

૫.પરમાનંદની ડાયરી

૬.જમાનો કેમ બદલાયો?

૭.વાસ્તવિકતાની ધરતી પર

૮.મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી

૯.ટમટમનાં પડીકાં

૧૦.ચપટી ભરીને વાર્તા

૧૧.‘મિર્ચી ક્યારો’ના ત્રણ ભાગ

આ તમામ ઈ-પુસ્તકો ‘માતૃભારતી’ પર પણ વાંચી શકાશે.

‘આ આવકારો છે’ વાર્તાસંગ્રહ માટે એક વાચક શ્રી રાદડિયાનો પ્રતિભાવ : ટૂંકી વાર્તાઓમાં આધુનિક શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ છે.