પ્રેમ યુગલ - ગ્રીક પ્રેમકથાઓ Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ યુગલ - ગ્રીક પ્રેમકથાઓ

પ્રેમ યુગલ

ગ્રીક પ્રેમકથાઓ

- લેખક -

કુંજલ પ્રદીપ છાયા

READ MORE BOOKS ON


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

1 - ક્યુપિડ અને સાઈકી

2 - ઓર્ફિયસ અને યુરિડિસ

3 - ઈકો અને નાર્સિયસ

4 - બૌઝિસ અને ફિલેમોન

(1) ક્યુપિડ અને સાઈકી

પ્રાચીન સમયમાં ગ્રીક સંસ્કૃતિની સુંદર પેમકથાઓ ખૂબ જ પ્રચલિત હતી એમાંની સૌથી ઉત્કૃષ્ઠ એવી વાર્તા ક્યુપિડ અને સાઈકીનાં પ્રેમ પ્રકરણની છે. આ દંતકથા પ્રેમ દેવીત્વ કથા સમાન ઘણાંય છે. સોનેરી તીર સાથે કામદેવ સ્વરૂપ ક્યુપિડની તસ્વીર આપણે અનેકવાર જોઈ છે. વેલેનટાઈન્સ ડે નિમિત્તે અપાતી ગીફટમાં પણ એનું મહત્વ ખાસું છે.

અક્ષ્મ્ય વેદનાઓ અને કપરી યાતનાઓ વેઠીને પોતાના પ્રેમને અમરત્વ આપનાર આ પ્રેમી યુગલની વાર્તા સદીઓ પુરાણી છે. ક્યુપિડ અને સાઈકીનું યુગલ વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને કઠણ પરિક્ષાઓમાંથી પાર ઉતરીને પ્રેમની પરાકાષ્ઠાની સફળ અનુભૂતી કરાવે છે. આ વાર્તા ભલે રોમાંચિત કરી દેનારી પૌરાણીક કથા ભલેને યુરોપિયન પૃષ્ઠભૂમિની હોય છતાંય આપણી માતૃભાષામાં વાંચતી વખતે અનેરી ઉત્સુકતા આવશે એવી ખાતરી છે.

***

સદીઓ પહેલાં ગ્રીક સંસ્કૃતિનાં પૂર્વજોનાં કૂળનાં એક રાજાને ત્રણ દિકરીઓ હતી. એમાંની એક દીકરી સાઈકી અતિશય સ્વરૂપવાન સ્ત્રી હતી. એનું ઓજસ ખૂબ જ પ્રભાવશાળી હતું. પૃથ્વીલોકમાં જો સૌથી શ્રેષ્ઠ સૌંદર્યમયી સ્ત્રીઓની પ્રતિયોગિતા યોજાય તો વિજેતા આ રાજાની સૌથી નાની દીકરી સાઈકી બેશક તાજ પ્રાપ્ત કરે! જાણે કે રૂપ - રૂપનો અંબાર હોવું એતો સાઈકીને કોઈ દૈવી વરદાન સમું હતું!

રાજાની અન્ય બે દીકરીઓ સાઈકીની હંમેશાં અદેખાઈ કરતી. સ્વાભાવિક રીતે એઓ સાઈકીની હિતેચ્છુઓ નહોતી છતાં પણ એનું સુખ ઈચ્છતી હોય એમ એનાં લગ્નવિષયક અવારનવાર અનેક અટકળો કરીને અડચણો ઊભા કરવામાં કોઈ જ કચાશ ન મૂકતી.

સાઈકી નમણી અને નમ્ર હતી. એ ક્યારેય તેનાં રાજા પિતાનો આદેશ ઉથાપશે નહીં એવી એની બાકીની બહેનોને ખ્યાલ હતો જ. તેથી અદેખાઈ અને બેચેન અવસ્થામાં મનમાં દ્વેશ અને આવેશ ભાવ સાથે એઓએ એક કાવતરૂ ઘડ્યું.

સૌંદર્યમૂર્તિ એવી દેવી વીનસને એમણે વિનંતી કરી કે અમારી આ બહેનને તમે કોઈપણ રીતે સજા કરો નહીં તો એ પોતાની આભા થકી લોકોને મોહી લેશે અને પછી લોકો તમને પૂજવાનું ભૂલી જશે. પ્રેમ અને સુંદરતાની દેવીને થયું કે વાત તો સાચી છે. પાતાળલોકથી લઈને પૃથ્વીલોક સુધી જો આ છોકરીની સુંદરતાનું ઔચિત્ય પંકાઈ જશે તો એમનું સ્થાન હણાંશે.

એમણે ગ્રીક સંસ્કૃતિનાં સૂર્યદેવ એપોલો પાસે નકલી વાર્તા ઘડી અને એમનાં દેવસ્થાન ઓરેકલમાં એ રાજાને બોલાવીને કહ્યું; “તમારી સૌથી નાની પુત્રી શાપિત છે. એનાં લગ્ન તમારે ખૂબ જ ક્રુર સર્પ સાથે કરવવા જોઈએ.” દેવસ્થાન ઓરેકલમાં થયેલ વાતને રાજા નકારી શકે એમ નહોતો. પરંતુ રાજકુમારીનું જીવન પણ હોમી દેવા તૈયાર નહોતો. દેવતા એપોલો એ જણાંવ્યું કે આમ કરવાથી એમનાં રાષ્ટ્રનું હિત છે. નહિ તો આગળ જતાં પુત્રીનાં કર્મદોષને લીધે એમનાં રાજ્યમાં ભયંકર મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

રાજાઃ હે દેવતા! હું શું કરૂં હવે? તમે મને દુવિધામાં સંડોવી મૂક્યો! મને મારી દીકરી ખૂબ જ વહાલી છે અને એક રાજા તરીકે હું મારી પ્રજાને પણ મુશ્કેલીમાં ન મૂકી શકું.

રાજા પોતાનાં રાજ્ય અને પુત્રી બંનેનાં હિત વિશે વિચારી રહ્યા હતા એવામાં સાઈકીએ આવીને એમને ચિંતા મુક્ત કર્યા.

સાઈકીઃ પિતાજી, આપણાં દેશનાં હિત માટે જો મારા જીવની કુરબાની આપવી પડે તો હું તૈયાર છું. એક રાજકુમારી તરીકે મારી એ ફરજ છે. આપ મારા ભવિષ્યની ચિંતા ન કરો.

એ સમયગાળા દરમિયાન બીજી તરફ સૌંદર્યમયી દેવી વિનસ થકી પોતાના પુત્ર ક્યુપિડને એક આદેશ કરાયો. ક્યુપિડ માતા વિનસ અને પિતા જ્યુપિટરનો સુપુત્ર અતિ આજ્ઞાંકિત હતો. જેમનાં શરીરે સુવર્ણ પંખ લાગેલ હોય એવા એ કામદેવનાં વરદાન સમાં સુવર્ણ તીરકામઠાં ધારણ કરતો. એક માન્યતા હતી કે તેની પાસેનાં સુવર્ણ તીર જેની પર લાગે એની સામે પ્રથમ જે વ્યક્તિ મળે એનાંથી એમને પ્રેમની લાગણી અનુભવાય. એવી બીજી પણ માન્યતા જતી કે જો કોઈ દુષ્ટ કે ક્રુર હોય તો એમને સજા કરવા હેતુ દૈવી શક્તિ ધરાવનાર ક્યુપિડનું રૂપેરી તીર વાગે!

યુરોપિયન ગ્રીક સંસ્કૃતિનાં આરાધ્ય સમાં આ દેવી વિનસ અને દેવતા જ્યુપિટરે પોતાનાં સંતાનને હૂકમ કર્યો કે દેવસ્થાન ઓરેકલમાં પોતાની ત્રણ પુત્રીઓ પૈકી સૌથી નાની પુત્રીનાં સૌંદર્યથી ચિંતિત રાજાની મુશ્કેલી દૂર કર. એમણે સાઈકીને પોતાનાં સુવર્ણ તીરનાં વરદાન હેઠળ દુનિયાનાં સૌથી કદરૂપા પુરુષ સાથે પ્રેમ થાય એ રીતે સાઈકીને મુશ્કેલીમાં મુકવાની યુક્તિ કરાઈ.

સાઈકી સુંદરત્તમ હોવાની સાથે નસીબ વાળી પણ હશે કે પ્રેમનાં દૈવી વરદાન સમા ક્યુપિડને એને જોતાં એ એનાં સ્વરૂપથી અંજાઈ ગયા અને એજ ક્ષણે એમનું સુવર્ણ તીર પોતાને જ ભૂલથી લાગી ગયું. ક્યુપિડ હવે સાઈકીનાં પ્રેમમાં મહાલવા લાગ્યા.

પોતાનાં પ્રારબ્ધને સ્વીકારીને સાઈકીને એનું રાજ પરિવાર એક વિરાન ટેકરી પર મૂકી ગયું. એહીં એને કહેવામાં આવ્યું હતું કે તારા વેવિશાળ એક સર્પ સાથે થશે. સાઈકીની અન્ય બહેનોએ વિચાર્યું કે હવે એમની સામે સુંદરતા સામે કોઈની હોડ નથી. એવો નિશ્ચિંત થઈ ગઈ. એમણે વિચાર્યું હતું કે એ ભયંકર એકાંતવાળા પહાડી વિસ્તારમાં સાઈકીને મહાક્રુર સર્પનો દંશ થશે અને એનું પ્રાણપંખેરું ઉડી જશે.

મનમનાવીને સાઈકી પરિવારજનો અને રાજકીય પ્રજાની સુખાકારી ઇચ્છતી એકલી એ જંગલ વિસ્તારમાં એકલી રહેવા લાગી. અચાનક એક રાત્રે એક સર્પસ્વરૂપ નર એની પાસે આવ્યો અને કહ્યું કે હું જ તારો પતિ છું. રાત્રીનાં અંધકારમાં પોતાની ઓળખ છુપાવીને એ હંમેશાં સાઈકી સાથે સહવાસ કરવા લાગ્યો. ધીમેધીમે સાઈકીને પણ આ રીતે પણ સંસાર બંધાયો હોવાનો આનંદ મળ્યો જેથી. એ સંતુષ્ટ હતી.

સાઈકીના પતિએ એને કહ્યું હતું કે “તે આ પ્રમાણે રોજ રાતે આવશે અને દિવસનાં પહેલાં પ્રહર પહેલાં જ ત્યાંથી રવાના થઈ જશે. એ કોણ છે? શું કરે છે? ક્યાંનો છે? વગેરે પૂછવું નહીં. પોતાનાં પ્રેમી પર વિશ્વાસ રાખજે. હું તને ખૂબ જ ચાહું છું.” સમગ્ર સંસારનું સુખ એને એ ક્ષણમાં મળી જતું જે સમયે એનો પતિ એની પાસે હોય. પરંતુ સાઈકીએ ક્યારેય એનાં પતિનો ચહેરો જોયો નહોતો.

હવે એનું જીવન પરિપૂર્ણ થયું છે. ખુશ છે; સુખી છે. એવો સંદેશો એણે પોતાનાં રાજ્યને મોકલાવ્યો. પોતાની બહેનોને મળવાની ઈચ્છા એણે પતિને કહી.

નર સર્પઃ તું તારી બહેનોને ચોક્કસથી અહીં આવીને રોકાવાનું આમંત્રણ આપ. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે. તું ભોળી છો. તારા મનમાં કોઈ જ જાતનું કપટ નથી તેથી તું એ લોકોની વાતોમાં આવી જઈને મારા વિશેની તપાસ કરીશ એવો મને ડર છે.

સાઈકીઃ પતિદેવ! મને તમારા પર અને આપણાં પ્રેમ ઉપર સંપુર્ણ વિશ્વાસ છે. તમે નિશ્ચિંત રહો.

સાઈકીનું પ્રેમભર્યું વચન સાંભળીને તેનાં પતિને ધરપત થઈ. બંને બહેનોને અહીં મળવા આવવાની અનુમતિ આપી. પુત્રીનાં કુશળમંગળનાં સમાચાર જાણીને રાજા ખુશ થયા. બીજી બહેનોને પણ ખુશખબર આપ્યા અને એમને ત્યાં જવાની વાત પણ કરી. એમની યુક્તિ અવળી પડી એવું અનુભવતી બંને મોટી બહેનો વધુ ઈર્ષ્યા અને દ્વેશથી છલકતી હતી. સાઈકીને મળીને આગળ કંઈ નવું કરીશું એવું નક્કી કરી એઓ જંગલ તરફ ગઈ. એક સમયે સાવ રૂક્ષ લાગતી ટેકરી રમણીય હરિયાળો પહાડી વિસ્તાર થઈ ગયો હતો. સાઈકીએ જહેમતથી આ ખંડેરને સજાવીને આલિશાન રહેવાસ બનાવી મૂક્યો હતો. સાઈકીનું આ સ્વરૂપ જોઈને બંને મોટી બહેનો વધુ અદેખાઈ કરવા લાગી. ઉમળકા ભેર મળ્યાં તો ખરાં ત્રણેય બહેનો પરંતુ મનમાં સાઈકીને નુકસાન પહોંચાડવાનું કાવતરૂં ઘડતી હતી.

દરરોજ સવારે અલોપ થઈ જતો સાઈકીનો પતિ એ હકીકતની જાણ થતાં જ તેની મોટી બહેનોએ સાઈકીનાં કાનમાં વહેમની હવા ફૂંકી. “જરા એક રાતે તપાસ તો કરી જો એ કોણ છે?” “અરે! એ આપણાં રાજ્યનો કોઈ દુશ્મન તો નહીં હોય ને?” આવી શંકાશીલ બાબતોનો સતત એની સામે મારો થતો રહ્યો. ગભરૂ સ્વભાવની સાઈકી એમની વાતોમાં આવીને એક રાતે પોતે ચોક્કસ એનાં પતિનો ચહેરો જોઈને જ રહેશે એવું વિચારી લીધું.

એક શીતળ રાત્રીએ સાઈકી અને એનો પતિ પોતાનાં શયનખંડમાં આરામ કરી રહ્યાં હતાં. સાઈકીની ઊંઘ ઊડી ગઈ. એને બહેનોનાં વચનો યાદ આવ્યા. પાસે સુતેલ પતિનો ચહેરો જોવાની ઈચ્છા તિવ્ર થઈ. ઓરડામાં મૂકેલ આછા દીવાનાં અજવાસે એ ચહેરાને સ્પસ્ટ જોઈ શકતી નહોતી. તેણે દીવો હાથમાં લીધો. ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. તે વધુ નજીક ગઈ અને પહેલી જ વખત એનાં પતિનાં દર્શન કર્યા!

આહ! તે સાચે જ પ્રેમનાં દેવતા સમાં તેજસ્વી પુરુષ દીસતા હતા. એ આદર્શ પુરુષત્વને જોઈને સાઈકી ધન્યતા અનુભવા લાગી. એ વધુને વધુ નજીકથી એને જોવા આગળ વધી. તેને સ્પર્શ કરવો હતો એનાં સ્વપ્ન રાજકુમારને. તેનાં હાથ ધ્રુજવા લાગ્યા. ક્ષણાંર્ધમાં દીવામાંનું તેલનું એક ટીપું ક્યુપિડનાં બદન પર પડ્યું અને તે જાગી ગયા.

ક્યુપિડને સમજાયું જ નહીં કે તે શું કરે! ગુસ્સો કેમ કરે એની વહાલસોયી પત્ની ઉપર? છતાંય એણે ત્યાંથી પલાયન થવાનું યોગ્ય સમજ્યું. જતી વખતે તેમણે સાઈકીને કહ્યું, “પ્રમાણીકતા અને વિશ્વસનીયતા વિના પ્રેમ જીવંત રહી શકતો નથી.” સાઈકીએ ઘણી આજીજી કરી તેને રોકવા માટે પરંતુ અહીં સઘળું વ્યર્થ હતું. એની બહેનોએ પોતે વિજય મેળવ્યો હોય એમ ત્યાંથી સાથ છોડાવીને ચાલી ગઈ. સાઈકી એની એ જાતે સર્જેલી સૃષ્ટિમાં ફરી એકલી થઈ ગઈ.

સાઈકીએ પતિની શોધખોળ કરવાનો નિર્ણય લીધો. આમ જ દિવસો, હપ્તાઓ, મહિનાઓ અને વર્ષો વિતતા ગયા. પોતાનાં પ્રેમાળ પતિની એ ભાળ મેળવવામાં અસમર્થ રહી. એણે દરેક ગ્રીક દેવતા ઓલંપીયા અને દરેક અન્ય દેવી દેવતાઓ પાસેથી મદદની અરજ કરી. એ અનેક ઓરેકલ દેવસ્થાનમાં ભટકી એને કોઈએ સહારો કે આશ્વાસન ન આપ્યું. સૌ કોઈ સૌંદર્યદેવી વિનસ અને તેજોમય દેવતા જ્યુપિટર સામે દુશ્મનાવટ વહોરવા ઈચ્છતાં નહોતાં. અંતે થાકીને સાઈકી માતા વિનસ પાસે આવીને પતિ અને પ્રિયતમ ક્યુપિડ સાથે મિલન કરાવવાની અરજ કરી.

અન્ય બાજુએ, ક્યુપિડ થકી એ સુવર્ણ તીર એને પોતાને જ વિંધાયું છે અને એજ સાઈકીનો પતિ થઈને સાથે સંસાર માડીને રહે છે એવી માતા વિનસ અને પિતા જ્યુપિટરને સમાચાર મળે છે. સાઈકી પાસેથી ઊડી ગયા પછી તેનાં માતાપિતાએ પુત્રએ એમની આજ્ઞાનું ઉલ્લંગન કર્યું એની સજા આપવા હેતુ બંધી બનાવ્યો. કેદની સજા દ્વારા તે તેની પ્રેમીકાને ભૂલી જશે અને ભવિષ્યમાં ફરી એમનો આજ્ઞાકારી પુત્ર પ્રેમનાં પ્રતિક સમાં સુવર્ણ તીરનો યોગ્ય ઉપયોગ કરશે એવું વિચાર્યું હતું.

સહાય માંગવા આવેલ સ્ત્રી એનાં જ પુત્રની પ્રેમીકા છે એ જાણ થતાં જ માતા વિનસ વધુ વ્યાકૂળ થયાં. તેમણે સાઈકીની કઠળ પરિક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે સોંપેલ કડક લક્ષમાંથી તે કોઈ હિસાબે પાર પડી શકે એમ નહોતી. એ ક્યાં તો મૃત્યુ પામશે યા તો એની પરિક્ષામાંથી બહાર આવતે વૃદ્ધ થઈ જશે એવું દેવી વિનસે વિચાર્યું હતું. તેમણે ત્રણ જૂદજૂદા કાર્યો સોંપ્યાં કે જેને પૂરું કરવામાં મહામહેનનું કામ હોય.

પ્રથમ અઘરો પડકાર હતો, એક પાત્રમાંથી એકએક અનાજનો દાણો જુદો કરવાનો. બીજું કાર્ય હતું ઘેટાંનું સુવર્ણ ઊન એકત્ર કરવું. ત્રીજું અને અંતિમ કામ હતું સ્ટાઈક્સ નદીનું પાણી ભરી લાવવું. આ નદી પૃથ્વીનાં ભૂતળેથી પાતાળ લોક વચ્ચેનાં માર્ગમાંથી થઈને વહેતી હતી. ત્યાં સુધી પહોંચવું અઘરૂં હતું. મહામહેનતે સાઈકીને વહારે એક કીડી, એક નાનું વૃક્ષ અને ગરૂડ આવ્યો. સાઈકી એ ત્રણેય પડકારોને સફળતા પૂર્વક પાર પાડી શકી. સાઈકીએ એમનો ખૂબ આભાર માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. અનાજ, સોનેરી ઊન અને સ્ટાઈક્સ નદીનું પાણી લઈને એ વિનસ દેવી પાસે ફરીથી હાજર થઈ. આ વખતે માતા વિનસ એમની યુક્તિ ફરીથી અસફળ રહી એ જાણીને વધુ ક્રોધે ભરાયા અને સૌંદર્યની દેવી વિનસે સૌથી ભયંકર એવી ચકાસણી કરી જોવાનું વિચાર્યું. સાઈકીએ પોતાનાં પતિ ક્યુપિડને મળવાની ઈચ્છા વ્યક્ત કરતી આજીજી કરી. એનાં બદલામાં દેવી વિનસ એક વટહૂકમ કર્યો.

પાતાળલોકની રાણી ‘પ્રોસેરપીના’ પાસેથી એક પેટીમાં સુંદરતાનો નાનો અંશ લઈ આવવા કહ્યું. આ એક ખૂબ કપરી કસોટી હતી. કેમ કે ભૂગર્ભમાંથઈ મૃત્યુલોકમાં તે પરત ફરે એ લગભગ અશક્ય હતું. સાઈકીએ એનાં પતિનાં મિલનની શરત કબૂક કરી. અને ગમે તે ભોગે તે પાતાળલોક સુધી પહોંચીને રાણી ‘પ્રોસેરપીના’ની શોધ માટે નીકળી પડી.

એ સમય દરમિયાન વર્ષો વિતતા ગયા. બીજી તરફ માતાપિતાની સજા હેઠળ બંધી બનેલ ક્યુપિડને પોતાનાં એ બંધિયાર ઓરડામાંથી મુક્ત થવાનો રસ્તો મળી ગયો. વર્ષો સુધી સજા ભોગવીને સ્યુપિડને પોતાની પ્રિય પત્નીની ખૂબ જ યાદ આવતી હતી. જૂનું જે પણ બન્યું હતું એ બધું જ ભૂલી જઈ નવેસરથી જીવન શરૂ કરવા ઈચ્છતો હતો. ક્યુપિડ પોતાનાં સોનેરી પંખની મદદથી ઉડીને પ્રેયસી સાઈકીની શોધમાં નીકળી પડ્યો.

અંતે, આકરી તપસ્યા કરી હોય એમ સાઈકીને ભૂલોકની રાણી સાથે ભેટો થયો. તેણે પોતાની સઘળી આપવીતી કહી. અને સુંદરતાનો ટૂકડાની માંગણી કરી. રાણી ‘પ્રોસેરપીના’ને સાઈકીની વાતો સાંભળીને તેની પર દયા આવી. એમનાં હ્રદયમાં ઉત્કૃષ્ઠ પ્રેમ પ્રત્યે કરૂણાં જાગી અને સાઈકીને મદદ કરવાની હામી ભરી. એક સોનેરી ડબ્બામાં એમણે એમનાં સૌંદર્યનો નાનો હિસ્સો કાઢી આપ્યો અને સાવચેતીથી અંદર મૂકી દીધો. પરંતુ સાઈકીનાં હાથમાં આપતી વખતે એમણે શરત મૂકી કે તું આ પેટીને ત્યાં સુધી ન ખોલતી જ્યાં સુધી તું આ પાતાળલોકને પસાર કરીને તારા લોક સુધી પહોંચી ન જાય. એમની વાતને આદર પૂર્વક માન આપીને વાતને સ્વીકારી. સાઈકીએ પોતાનાં ધામ તરફ જવાની રજા લીધી.

પોતે માતા વિનસની શરતને આધિન થઈને પાતાળલોકની રાણી ‘પ્રોસેરપીના’ પાસેથી સૌંદર્યનો ટૂકડો લઈ આવવામાં સફળ થઈ છે હવે તે એનાં પતિને મળી શકશે એ વિચારે સાઈકી હરખમાં આવી ગઈ. પોતાનાં જ વિચારોમાં એ એટલી મગ્ન હતી કે એ ‘પ્રોસેરપીના’ની શરતચૂક કરીને પોતાનાં પતિને મળે ત્યારે ખૂબ જ સ્વરૂપવાન દેખાવા ઈચ્છશે એમ સમજીને એ પેટી ખોલી સૌંદર્યનો નાનો હિસ્સો પોતાનાં જ ચહેરા પર મૂકી દીધો. હજુ એણે પાતાળલોક અને પૃથ્વીની સીમારેખા ઓળંગી નહોતી. શરત અનુસાર સાઈકી મૂર્છીત અવસ્થામાં ત્યાંજ પડી રહી. દરમિયાન ક્યુપિડ એની પ્રિયતમાની શોધમાં આમતેમ ઉડ્ડયન કરતો જ હતો એણે વર્ષોબાદ પણ પત્ની સાઈકીને ઓળખી લીધી. એ બેશુદ્ધ પડી હતી અને પાસે એક સોનેરી પેટી પણ પડી હતી. ક્યુપિડે એનો ચહેરો પ્રેમથી પસવાર્યો અને એને આલિંગન કર્યું. સ્પર્શ માત્રથી સાઈકી સભાન થઈ અને એણે તરત જ એનાં પતિને ઓળખી લીધો. સમયની ઘટમાળમાં જે કંઈપણ બન્યું એ બંનેએ એકબીજાંને અતથી ઈતિ વાત કરી.

હવે આગળ શું કરવું? તેઓ વિચારવા લાગ્યાં. પરિવારની રજામંદી વિનાનો સંબંધ અધૂરો ઘણાંય એમની પાસે જઈને માફી માંગવાનું નક્કી કર્યું. સૌપ્રથમ ક્યુપિડે તે સૌંદર્યનો હિસ્સો ફરીથી પેટીમાં બંધ કરીને સાઈકીને આપ્યો. તે માતા વિનસ પાસે પહોંચી. ક્યુપિડ તેનાં પિતા જ્યુપિટર પાસે ગયો. સૌંદર્યમયી દેવીને જાણ થઈ કે સાઈકી એણે આપેલ કસોટીમાંથી ખરી ઉતરી છે ત્યારે એમને એની પર ગર્વ થયો. તેજોમત દેવતા જ્યુપિટરે પણ ક્યુપિડ સાથે સાઈકીને પણ દૈવગણમાં સામેલ થવાનો આદેશ આપીને બંનેનો પ્રેમ સ્વીકૃત કર્યો.

પછી શું થયું? અરે જેમ સદૈવ બને છે, એમ જઃ તેઓ સુખ સંપન્ન થઈ સાથે રહેવા લાગ્યાં.

***

(2) ઓર્ફિયસ અને યુરિડિસ

પુરાતનકાળમાં ગ્રીક સંસ્કૃતિમાં પ્રેમી યુગલોની કેટલીક અપ્રતિમ દંતકથાઓ ખૂબ પ્રચલિત હતી. એ યુગનાં ભૌગોલિક પાત્રો અને પારંપરિક દેવી - દેવતાઓની પુરાણકથાઓ પૈકી કેટલીક પ્રેમલ જોડાંઓની વાયકાઓ પણ સદીઓથી લોક પ્રચાર પામેલ છે. એમાંની કોઈ વિરહરસને તરફેણ કરે છે તો કોઈ અસીમ સુખાકારીને પામે છે.

પશ્ચિમિ સંસ્કૃતિનાં અમર આ ઓર્ફિયસ અને યુરિડિસ એક કપોલકલ્પિત જોડું કે જેની સેંકડો વર્ષોથી પ્રેમગાથા હજુએ પ્રવર્તમાન છે. અહિં, સૂરોની સાધનામાં લીન એવો ઓર્ફિયસ એની વાગ્દત્તા સમી પત્ની યુરિડિસનાં મૃત્યુ બાદ એને ફરી પામવા શું ને શું કરે છે! અજોડ પ્રેમલ લાગણીને પામીને પ્રિય પાત્રનો વિરહ સાંપડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે અને પ્રિયજનને ફરી મળી શકાય છે કે નહિં એ વાંચવું રોચક રહેશે.

***

પુરાતનકાળનો એક સમય હતો કે જ્યાં સંગીતની કળા દૈવીતત્વની કળા તરીકે પુજાતી. જેમનું સંગીત અજોડ સુરાવલી સર્જતું એવા સંગીતકારોની ગણના દેવગણમાં થતી. એવા અરસામાં એપોલો, એથેના અને હેર્મસ નામે સંગીત તજજ્ઞ સમા દેવતાઓનું વર્ચસ્વ પ્રવર્તમાન હતું. એમનાં વાજિંત્રો થકી રેલાવાતી સૂરાવલી એ યુગનાં વાતાવરણને મંત્રમુગ્ધ કરી દેનારી હતી. સ્વર્ગીય પર્વતમાળા ઓલંપિયસનાં પ્રાંગણમાં હંમેશ યોજાતી સાંગીતિક મહેફિલોમાં એમની સુમધુર ધૂન જાણે કે સર્વસ્વ ભૂલાવી દેનાર હતી. આ સંગીતમય કળા સૌ કોઈને જાણે અજાણે અદેખાઈ કરાવી જતી.

પૃથ્વીલોક ઉપરથી આવેલ કેટલાક આવાજ સંગીતનાં જાણનારા અવતર્યા કે જેઓ અહીંનાં સૂર શાસ્ત્રીઓને સમકક્ષ જ હતા. એઓ તેમની કળામાં પારંગત હતા. કુદરતી બક્ષીસ જેમને સાંપડેલી હતી એવા ઓર્ફિયસ નામે એક સંગીતકાર હતા. તેઓ ગ્રીક કળા અને વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નવ દેવીઓ પૈકીને એક એવાં માતા કેલિઓપ અને દક્ષિણી ગ્રીક પ્રદેશનાં યોદ્ધા એવા ઓએગ્રીયુસ નામનાં રાજાનાં સુપુત હતા. રાજા ઓએગ્રીયુસ પોતે પણ સંગીતનાં ખૂબ શોખીન અને જાણકાર હતા. જ્યારે ઓર્ફિયસ નાનો હતો ત્યારથી જ એનાં હાથમાં સંગીતનું વાધ્ય ‘લીઅર’ કે જે એક પ્રકારની પ્રાચીન કાળની પશ્ચિમી વીણા કે સારંગી જેવું એક પ્રાચીન તંતુવાદ્ય વગાડવાનું નાનપણથી જ ફાવી ગયું હતું. એની સાધનાથી પ્રસન્ન થઈને સર્વ સંગીત દૈવી આરાધ્યોએ એમને શ્રેષ્ઠ તાલીમ આપવાનું નિશ્ચિત કર્યું. એમાં ઓપેલો મોખરે હતા.

ઓર્ફિયસનું સંગીત ઝકડી તેને દેતું. લોકો, પશુ, પક્ષી, વૃક્ષ, પાન વેલીઓ જેવાં સજીવ હોય કે નિર્જીવ પ્રાક્રુતિક ચીઝો એનાં સંગીતની સુરાવલીમાં એવો તો જાદુ હતો કે તે સહુ કોઈને સંમોહિત કરી દેનારૂં હતું. ક્યારેક તો એવું બનતું કે વિરાટકાય પર્વતમાળા અને ઘટાદાર વૃક્ષો તાનમાં આવીને પોતાનાં સ્થાનેથી હટી જઈને ડોલવા લાગે કે પછી સંગીતમય ધ્વની તરફ ગતિ કરવા લાગે!

ઓર્ફિયસની ઈજિપ્ત તરફની યાત્રા બાદ તે ગ્રીક નામાંકિત શૂરવીર જસોનનાં ‘એગ્રો’ નામક જહાજમાં સવાર થઈને ગુજરાન ચલાવવા લાગ્યો હતો. એનું સંગીત એમનાં વ્યવસાયમાં અત્યંત કામે લાગતું. સોનેરી ઊંનવાળાં ઘેટાંની શોધ કરવી અને એ ઘેટાંઓને સંગીતની ધૂનથી કાબૂમાં રાખવા એનું અગત્યનું કામ હતું. વળી, ક્યારે જહાજ પરનાં કામદારો કંટાળી જતા કે પછી હતાશ થઈ જતા ત્યારે એમને ઓર્ફિયસનું સંગીત મનોરંજન સાથે જુસ્સા ભેર કામ કરવાનું જોમ આપતું. અરે! ક્યારેક તો એવું પણ બનતું કે દરિયાઈ યુદ્ધ વખતે કોઈ સૈનિક મૃત્યુ પામવાની ક્ષણે એનું સંગીત સાંભળે તો એનો મોક્ષ થતો અથવા તે સાજો થઈ જતો!

ઓર્ફિયસનાં લગ્નવિષયક ચોકકસ માહિતી ઐતિહાસિક દસ્તાવેજીમાં તો કંડારાયેલ નથી પરંતુ કહેવાય છે કે તે તેની પત્નીને અનહદ પ્રેમ કરતો હતો. બની શકે કે દરિયાઈ ખેડાણ પ્રવાસ દરમિયાન એક કવિ કે સંગીતકારનાં સ્વભાવને રોચે એવી આ સુકોમળ કન્યા તેને ગમી ગઈ હોય. જેનું નામ યુરિડિસ હતું. લગ્ન બાદ તેમણે દક્ષિણી થ્રેસનાં હરિયાળા વિસ્તાર સેન્સસમાં સ્થાઈ થઈને ઘર પરિવાર રચવાનું નક્કી કર્યું.

લગ્નજીવનનાં સોનેરી સ્વપ્ન સેવતી એ તેની સખીઓ જોડે સુંદર બાગમાં ફરતી હતી. તેનાં પગની સુંવાળી પાનીઓ હરિયાળી ઘાસનાં કૂંપણો પર ચાલતી હતી એવામાં જ યુરિડિસને પગમાં ઝેરીલો સાપ ડંખ મારીને ત્વરાએ સરકી ગયો. શું કરવું અને શું ન કરવું એવી અવઢવમાં યુરિડિસની સહેલીઓએ ઓર્ફિયસને બોલાવ્યો. ત્યાં સુધીમાં તો આખા શરીરે સર્પદંશનું ઝેર ફેલાઈ ગયું અને જોતજોતાંમાં યુરિડિસનું પ્રાણપંખેરું મૃત્યુની ઊંડી ખીણમાં ગરકાઈ ગયું હતું. આ એવું સ્થળ હતું કે જ્યાં જીવંત વ્યક્તિ ક્યારેય જઈ ન શકે અને મરણ પામેલ વ્યક્તિ કોઈ દિવસ પાછી ફરી ન શકે!

ઓર્ફિયસ એની પ્રિયતમા પત્ની ગુમાવી દેવાનો આઘાત જીરવી શકાય એવો નહોતો. એનું સંગીત ભલભલા મુર્છિતને પણ ચેતનવંતું કરી દેતું હતું પરંતુ એ તેની વાગ્દત્તાને જીવંત કરવમાં અસમર્થ નિવડ્યો હતો. તેણે દર્દીલા સૂરો છેડ્યા અને સમગ્ર વાતાવરણને ગમગીન કર્યું. અને એક સમય તો એવો આવી ગયો કે આ સૂરોની આરાધના કરતા આ ઓર્ફિયસ સંગીત વગાડવાનું જ જાણે ભૂલી ગયા! તેમનું જીવન ઊંડા શોકમાં પરિવર્તિત થઈ ગયું. સંગીતની મીઠાશ જેમનાં જીવનનો હિસ્સો હતો એજ એમને કડવું લાગવા માંડ્યું. ન તો એમને ભોજનમાં સ્વાદ રહ્યો કે ન ભજનમાં રસ રહ્યો. એમની આસપાસનાં સૌ લોકોને એમની ચિંતા થવા લાગી હતી. ત્યારે એમણે લોકોને કહ્યું, “હું હવે એ કરીશ કે જે આજ સુધી કોઈએ ન કર્યું હોય. એવી જગ્યા એ જઈશ જ્યાં જવાથી સૌ કોઈ ડરતાં હોય! હા, હું મૃત્યુની નગરી તરફ જઈશ અને મારી પ્રિય યુરિડિસને હું ગમે તે ભોગે પાછો લઈ જ આવીશ.”

તેણે મૃત્યુલોકની ખીણ તરફ પ્રણાય કર્યું. સમય વિતતો ગયો પણ એને મંજિલ વેલી ઓફ એચ્યુર્સિયા સુધીનો પ્રવાસ આદર્યો.

વન્ય પશુપક્ષીઓ, ઘટાદાર જંગલો અને કોતરો, કેટલીય ખીણો અને પહાડોને તેણે પ્રેતલોક તરફનો રસ્તો અને એ તરફ જવાનો નક્શો પૂછ્યો. ત્યાંસુધી જવાની સૌએ મનાઈ ફરમાવી. પરંતુ તેનાં સંગીતમય વીણાંનાં સૂર થકી સૌ મંત્રમુગ્ધ થતાં અને એની પ્રેમગાથા સાંભળીને મદદ કરવા તૈયાર થતાં રહેતાં.

કેટલીય તપસ્યાને અંતે તેણે એ મૃત્યુલોકનાં વિશાળ અને વિકરાળ લાગતા દરવાજાનાં દર્શન કર્યાં. એણે અંદર પ્રવેશવા ઉતાવળ કરી પરંતુ એ પ્રાણઘાતક પ્રદેશનાં શાસકોનાં રખેવાળ દ્વારપાલ પ્રથમવાર એક જીવંત મનુષ્યને અહીં સુધી પહોંચી આવેલો જોઈને ચોંકી ગયાં. એમને માટે આ એક મહાભયંકર ઘટના હતી. આજ સુધી અહિં કોઈજ જીવીત અવસ્થામાં પહોંચ્યું જ નહોતું. તેથી તેની વિશાળકાય દરવાજામાં જ અટકાયત કરી અને મહારાજા અને મહારાણીને આ બાબતની જાણ કરાઈ.

સંગીતનાં સાધક એવા આ ઓર્ફિયસ એ એ ત્રણ માથાવાળા કુતરાનાં શરીર સમાં સિર્બેરસ સાથે સંદેશ મોકલે છે કે તે કોઈ નુક્સાન કર્તા અગ્રદૂત નથી. તેનું નામ ઓર્ફિયસ છે, તેનાં હાથમાં લિઅર નામનું સંગીત વાદ્ય છે અને તેની મૃત પ્રેયસીને મળવાનાં હેતુ થકી અહિં સુધી પહોંચી આવ્યો છે!

પ્રેતલોકનો ત્રણ માથાંવાળો દ્વ્રારપાળ કૂતરાઓ એને ઘેરી વળ્યા અને ઓર્ફિયસે પોતાનું સંગીત વાદ્ય વગાડવાનું શરૂ કર્યું. દ્વારપાળોમાંથી કોઈ રાજા એન્ડ્રોનિયસ અને પાતાળલોકની રાણી પ્રોસેરપીના સુધી સંદેશો મોકલી આવ્યા. પ્રેતલોકનાં શાસનકર્તા પ્રથમ વખત કોઈ જીવતા વ્યક્તિને સાંભળી રહ્યા હતા. ઓર્ફિયસનાં સંગીતમય ગીતોમાં કરૂણરસ વહેવા લાગ્યો. તેનાં ગીતોનાં શબ્દોમાં તેની એકલતા અને વિરહનો ભરપૂર વિષાદ ઝંકૃત થતો હતો. તેની ગાયકીમાં જ એણે એની વ્યથાને વ્યક્ત કરી અને જણાંવ્યું કે તેણે એની પ્રિય પત્નીને ફરી મળવું છે, એને જોવી છે અને ફરી એને પૃથ્વીલોક પર પરત લઈ જઈને ખુશહાલ જીવન જીવવું છે. પ્રેમ અને શૃંગારરસથી ભરેલ ગીતોનાં શબ્દો મૃત પ્રેતલોકનાં રાજા અને રાણીને સ્પર્શી ગયા.

ઓર્ફિયસે કહ્યું, “આ કાળમીંઢ પથ્થર સમાં જીવનમાં મારા રૂપાળા નસીબને સ્વરૂપવાન પત્ની હોવાનું ભાગ્યમાં હતું નહોતું થઈ ગયું. એકલતા સાથે જીવવાને બદલે દરેક પ્રકારનાં ભયને અવરોધીને અહિં સુધી આવી ગયો છું. અહિંથી નિરાશ થઈને જવાનો નથી. આપ મારી પ્રિયતમાને મારા સમક્ષ હાજર કરો. મને તેને મળવું છે. મારે તેને સાથે મારી સૃષ્ટિમાં લઈ જવી છે.”

આ દરમિયાન યુરિડિસ એનાં પતિ ઓર્ફિયસનું કર્ણપ્રિય સંગીત પિછાણી ગઈ અને તે પણ તેને મળવા આતુર થઈ. તેનાં વિશે બાતમી મેળવવા પ્રેતલોકનાં દ્વારપાળ એવા ત્રણ માથાવાળા કુતરાનાં શરીર સમાં સિર્બેરસને આક્રંદ સાથે આજીજી કરવા લાગી. તેણે કહ્યું કે કપરી પરિસ્થિતિને અવરોધીને મારો પ્રિયતમ મને મળવા આવ્યો છે મને જવા દ્યો. યુરિડિસ પ્રેતલોકમાં આમેય રોચતું નહોતું. એનો જીવ હંમેશાં એનાં પતિને પામવા તરફ જવા મથતો હતો તેથી તેને તાબે રાખવા કેદ કરવામાં આવી હતી.

પ્રેમનું નામ પડતાં જ સૌંદર્યમયી પ્રેતલોકની રાણી પ્રોસેરપીનાનું હ્રદય દ્રવી ઊઠ્યું. તેને નસીબની બલિહારી પર ક્રોધ ચડ્યો અને સાથોસાથ એક પ્રેમી યુગલનાં પ્રારબ્ધ પર દયા પણ આવી. તેણે પોતાનું નાજુક મસ્તક જુકાવીને તેનાં પ્રેમની સહાહના કરી. પોતાની માતાનાં મૃત્યુનાં દુખદ સમાચાર બાદ એ જે રીતે વિષાદ પામીને રડી હતી તે યાદ કરી બેઠી. તેને પોતાનાં કોમળ ગાલ પર ઉષ્ણ શ્રુઓની ધાર અનુભવી. સાથે રજા અને ખમતીધર શાસક એવા એન્ડ્રોનિયસ પણ નતમસ્તક થયા. એમણે અનુભવ્યું કે એમની પ્રિય પત્ની જો આ રીતે અચાનક એનાં સાથથી વિખૂટી પડી જાય તો એ કઈ રીતે જીવી શકશે? ભાવાવેશ એઓ પણ આ પરિસ્થિતિને જોઈને પિગળી ગયા.

ઓર્ફિયસનું કરુણવિપ્રલંભ સંગીત ત્યાં ઉપસ્થિત એવા તાળું મારીને મૂકેલા દારૂના બાટલાવાળો ઘોડો - ટૅન્ટલસને અભિભૂત કરી ગયું. તે તેને બંધી બનાવેલ સ્થાન પાસે મૂકેલ પાણીનાં પહોળાં વાસણમાંથી પાણી પીવા જઈ રહ્યો હતો પરંતુ તે ત્યાં જ થોભીને સંગીત સાથે સંમોહિત થઈ ગયો. સિસફિયર્સ ટેકરી પરથી પથ્થર ગબડાવવાની અવિરત સજાને આધિન હતો. તે પણ ઓર્ફિયસની ધૂન થકી રાહત પામીને થોડીવાર એજ પથ્થર પર અરામ કરવા બેસી ગયો. આમ ત્યાંનાં વાતાવરણમાં ચોમેર ગંભિર ધ્વનિ પ્રસરી ગઈ હતી.

એવામાં વિશાળ પ્રેતલોકનાં પ્રાંગણમાં એક તરફ જેલમાં તાજી મૃત્યુ પામેલ પ્રેતોનાં ટોળાં વચ્ચે બંદી બનાવેલ યુરિડિસને ઓર્ફિયસે જોઈ. તેણીએ પણ એનાં પતિને જોયો અને તેનાં તરફ દોડી જવા પ્રયાસ કર્યો. પરંતુ તે અશક્ત અને અસર્મથ હતી. આ જોઈને એન્ડ્રોનિયસ રાજા એ હૂકમ કરીને તેને સભામાં ઓર્ફિયસ સમક્ષ હાજર કરી.

આજ સુધી આવું સૌભાગ્ય કોઈને જ સાંપડ્યું નહોતું કે કોઈ જીવંત વ્યક્તિને મરણ પામેલ વ્યક્તિ સાથે મિલન થાય. એવું પ્રેતલોકનાં શાસક રાજા એન્ડ્રોનિયસ એ જણાંવ્યું. ઓર્ફિયસ તેની પ્રેયસીની નજીક ગયો અને વાંકો વળીને હાથ પકડીને ચૂમીને ખાત્રી કરી જોઈ કે હા, યુરિડિસ હયાત છે પોતાની સમક્ષ!

પાતાળલોકનાં રાજારાણીએ એમને બંનેને એકસાથે પરત ફરવાની અનુમતિ આપી. પરંતુ એ પરવાનગી સાથે એક શતર પણ મૂકી. શરત મુજબ ઓર્ફિયસ પાછું વળીને જુએ નહિં કે યુરિડિસ એને અનુસરીને એની સંગાથે ચાલે છે કે નહિં. રાજીખુશીથી તેમણે આ કરાર સ્વીકાર્યો. ત્રણમુખવાળા રખેવાળ કુતરા એમને મૃત્યુનાં મુખ્ય દરવાજા સુધી દોરી ગયા અને પાતાળલોકનાં રાજશી પરિસરમાં હાજર સૌ કોઈની સંમતિપૂર્વક ત્યાંથી વિદાય થયાં.

એચ્યુરિયા – મૃત્યુલોકની ઊંડી ખીણથી આગળ વધવા લાગ્યાં બંને. આ એવો સમય હતો જ્યાં ક્ષણેક્ષણ ઓર્ફિયસ અને યુરિડિસનો ઉત્સાહ વધતો હતો. એવો લાંબા વિરહ બાદ એક થવાનાં હતા. અસંભવ એવી પરિસ્થિતિમાંથી ઉઘરીને મૃત પત્નીને ફરી સજીવન કરવાની તક તેને સાંપડી હતી. જે સૌભાગ્ય હજુ સુધી કોઈને પણ નહોતું પ્રાપ્ત થયું.

યુરિડિસ વિના એણે એ ગમગીન દિવસો કઈ રીતે કાઢ્યા અને મૃત્યુની ખીણ સુધી એ કેમ પહોંચી શક્યો એ બધું જ એને કહેવું હતું. એ ચાલતો ચાલતો બોલતો હતો. જાણતો હતો કે પાછળ એની પ્રિયતમા સાંભળી રહી છે. “તારા ગયા પછી પક્ષીઓનો કલરવ મને કડવો લાગતો હતો અને ચંદ્રની ચાંદની જાણે દઝાવતી હતી.” સૂરીલા કંઠે એ ગણગણતો રહ્યો અને આગળ ધપતો રહ્યો.

એણે ઉતાવળા ઉચાળા ભર્યા. “અરે! જોતો યુરિડિસ, આ સામે દેખાય એ આપણી દુનિયા કે જે મેં તારી માટે જીતી લીધી છે! હવે આપણાં મિલનને કોણ રોકી શકશે?” આટલું બોલતાં ઉત્સાહમાં આવીને ઓર્ફિયસે પાછળ ફરીને જોયું. એ બધી શરતો જાણે વિસરી ગયો. મૃત્યુની ખીણનો આરો અને પૃથ્વીનાં છેડા વચ્ચે જાજું અંતર રાહ્યું નહોતું. આ સ્થળ એચ્યુઅરિયાની હદસીમા વટાવા જઈ રહેલ પ્રેમી યુગલ એક સાથે ફરી શોકાતુર થઈ ગયાં.

ઓર્ફિયસની નજર સમક્ષ એની કાળાં ઘટાદાર કેશને ફેલાવીને નિશ્તેજ ચહેરાવાળી તેની પ્રેયસી યુરિડિસ દેખાઈ. એ દૂર જતી જણાઈ. ઓર્ફિયસ એને રોકવા એની પાછળ દોડ્યો. ત્રણ માથાવાળા કુતરાનાં શરીર સમાં સિર્બેરસ દ્રારપાળ દેખાયા. યુરિડિસ એ વિશાળ દરવાજાની પેલે પાર જતી રહી અને દરવાજો બંધ થઈ ગયો.

ઓર્ફિયસ એનાં સંગીત વાદ્ય સાથે એની જમીની દુનિયામાં એકલો જ પરત ફર્યો. એનું કર્ણપ્રિય સંગીત પ્રકૃતિને સંભળાવા લાગ્યો અને રાહ જોવા લાગ્યો એની નિયતી એને ક્યારે મરણપથારીએ બોલાવે.

***

(3) ઈકો અને નાર્સિયસ

ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે. ગ્રીક સંસ્કૃતિની પૌરાણીક વાર્તાઓમાં કેટલાંક નૈસર્ગીક પાત્રો છે જેમાંની આ વાર્તા ઈકો અને નાર્સિસ્સની વાર્તા સામેલ છે.

સામાન્ય રીતે આપણે એક બોલાયેલા શબ્દનાં અનેક પ્રતિઘોષ આવર્તનને પડઘો ‘ઈકો’ કહેતાં હોઈએ છીએ. આ એક શબ્દ બોલાયા બાદ તે બે કે ત્રણ વખત ફરી ફરીને સંભળાવાનો નિયમ એક બોલકણી વનકન્યાને કઈ રીતે સજા રૂપે અભિશાપ મળે છે, તે આ વાર્તાનાં હાર્દમાં છે.

અહીં ઈકો એક સુંદર પર્વતગીરીની વનકન્યા છે. જેને એક સ્વાભાવિક શ્રાપ મળેલ હોય છે. નાર્સિયસ એ નદીઓનાં દેવાધિદેવ કેફિસિયર્સ અને ગ્રીક લોકોની નિલવર્ણી વનદેવીનો અતિ સોહામણો દેખાતો, શિકારી અને અભિમાની પુત્ર હતો. કે જે હંમેશાં પ્રેમ અને પ્રેમીઓને નકારતો હતો. તેઓનો પ્રેમ કઈ રીતે પાંગર્યો અને ઈકોનો શ્રાપ એને કેમ નડ્યો અને એમનું મિલન થયું કે પછી અમરત્વ પ્રાપ્ત કરીને માટીમાં મળી ગયા એ દંતકથા વાંચવી રસપ્રદ છે.

***

પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં ઓલંપિયાની પવિત્ર રાજગાદી પર રાજ્ય કરતો ઝિયસ નામે રાજા અતિ વિલાસી અને શોખિનવૃત્તિનો હતો. તે તેમનાં અનેક પ્રેમ પ્રકરણો અને મોજશોખનાં સ્વભાવથી ઘણો કુખ્યાત હતો. એમની અત્યંત સુંદર પત્ની હેરા જ્યારે તેની આસપાસ ન હોય એ દરમિયાન એ વધુ વિલાસજીવી બની જતો અને અનેક વન્ય અપ્સરા સમી રૂપસુંદરીઓ સાથે શૃંગારચેષ્ટા માણવાનો પ્રયત્ન કરતો રહેતો.

તેની પત્ની રાણી ‘હેરા’ તેની આ ભ્રમર વૃત્તિથી અજાણ તો નહોતી જ પરંતુ તે પોતાના પતિ પર શંકા – કુશંકાઓ કરવાને બદલે તેની સાથી સ્ત્રીઓનો જ વાંક સમજતી હતી. તેને લાગતું કે તેનો પતિ રાજા છે, પ્રખ્યાત અને શક્તિશાળી છે જેથી અન્ય સ્ત્રીઓ એમના મોભાનો દુરુપયોગ કરીને વિલાસીતા ભોગવતી હશે. પોતે રાજા ઝિયસની પત્ની હોવાથી એમનાં ફક્ત પોતાનો જ એકાધિકાર છે. એવું માનીને તે પોતાની સત્તા મુજબ અન્ય સ્ત્રીઓને તેમને મન પડે તેવી સજા પણ ફટકારી દેતી.

એ સમયે ‘ઈકો’ નામે અતિશય વાચાળ અને ચંચળ પર્વતમાળાની યુવાન વનકન્યા ત્યાં રાચતી હતી. તે ખૂબ જ સ્વરૂપવાન અને ચપળ હતી. અત્યંત બોલકી હતી. જેથી તે તેનાં વાક્ચાતુર્યથી સહુ કોઈનું મન જીતી શકતી. તે એક ખુશમિજાજી છોકરી હતી. તેને તેનાં અવાજ પ્રત્યે ખૂબ લગાવ હતો. પોતાનાં જ સ્વરનાં આનંદ સાથે તે વનચર કન્યા આનંદિત થઈને સર્વત્ર વિહરતી. જાણે કે તેને એનાં સાદ સિવાય બીજું કશું ન ગમતું હોય એવું તેનું વલણ રહેતું. તેની આજ ખૂબીને લીધે એ રાજા ઝિયસ અને રાણી હેરાની માનીતી હતી.

એક વખત, ઈકો ઓલંપિયાની રાણી હેરાને તેની વાચાળ છટાથી મનોરંજન પૂરું પાડતી હતી તે સમયે રાણીનું ધ્યાન રાજા ઝિયસ પરત્વે હટ્યું છે એ જોઈને તેની અન્ય અપ્સરા સખીઓ સાથે તે આનંદપ્રમોદ કરવામાં મશગૂલ થયો. તેને મોહક હિલચાલ થકી અન્ય સ્ત્રીઓને રિઝવીને સુખભોગ કરવું તેમનો શોખ હતો. રાણી હેરાને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તે તેનાં પતિની બેવફાઈથી ખિન્ન થઈ.

તે નિસ્તેજ ચહેરે ઉદાસીન અવસ્થામાં બેસી રહી. તેને સૂઝ્યું જ નહિ કે રાજાની આવી વર્તણુંક બદલ શું કરવું? રાજાને કોણ સજા કરે? ખુદ રાણી પણ એવી સત્તા ધરાવતી નહોતી. તે રાજદ્રોહ કરી શકે એમ નહોતી અને સંબંધમાં વફાદારીનો અભાવ આવી ગયો છે તે બખૂબ જાણી ગઈ હતી. હવે શું કરવું જેથી એનો આક્રોશ શાંત થાય એની પળોજણમાં રાણીએ ઈકોને બોલાવવાનો આદેશ મોકલ્યો.

ઈકો રાણી પાસે હાજર થઈ. તેની સાથે અગાઉ બનેલ ઘટનાઓની તપાસ કરાવાઈ. જ્યારે રાજા ઝિયસ અન્ય અપ્સરાઓ સાથે વિલાસવિહારમાં રાચતા હતા ત્યારે રાણી હેરા પાસે ઈકો મનોરંજક કાર્યક્રમમાં વ્યસ્ત હતી એ વાતની પુષ્ટિ થતાં જ રાણી હેરાનાં ક્રોધનો પાર ન રહ્યો. નિર્દોષ ઈકો પાસે પોતાની તરફેણમાં કહેવા કોઈ જ દલીલ નહોતી. રાણીએ તેની પર આક્ષેપ મૂકતાં કહ્યું, “તે મારું રાજા પરત્વે ધ્યાન હટાવ્યું હતું જેથી તું સજાને હકદાર છો.” નિરપરાધી હોવા છતાંય રાણી હેરાએ તેનાં બોલકાંપણાંને દોષીત માની લીધું. સજા મુજબ હવેથી તે જે કંઈ પણ બોલશે એનો પડઘો પડશે. એકથી વધુ વખત સંભળાશે. સતત બોલવાને આદી એવી ઈકોને આ પ્રકારી સજા ખૂબ જ આકરી લાગી. તેણે લગભગ મૌન ધારણ કરી લીધું. અતિશય અકળામણ અનુભવતી રહીને લઘુતાગ્રંથીથી તે પીડાવા લાગી. તેને તેનાં રૂપસૌંદર્ય સાથે વાચાળ સ્વભાવનું પણ ગૌરવ હતું કે જે હવે હાંસીનું પાત્ર બનવા લાગ્યું હતું.

રાણી હેરાએ બિચારી ઈકોને સંપૂર્ણપણે મૂર્ખ સાબિત થાય એવી પરિસ્થિતિમાં મૂકી દીધી હતી. એ જે કંઈ પણ બોલે લોકો એનાં અવાજનાં ચાળા પાડતાં અને સહુ તેના આ અટકચાળા ઉપર હસવા લાગતાં.

આ દરમિયાન, પૌરાણીક ગિરિપર્વતની તળેટી વિસ્તારમાં થેસ્પિઆ નગરીમાં વસતી નિલવર્ણી ગ્રીક લોકોની વનદેવી સ્થાયી હતી કે જેનું નામ લેરીઓપ હતું. આ સુંદર વન્યદેવી નદીઓનાં દેવ એવા કેફિસુસ થકી આકર્ષાઈ અને એમનાં પ્રેમલ સંભોગની નિશાની તરીકે સુંદર બાળસ્વરૂપ નાર્સિયસ નામે નાજુક વન્ય પર્વત ટેકરીનો જન્મ થયો. સૌંદર્યમય બાળકનાં જન્મ બાદ એની સુખાકારી હેતુ તેની માતાને તેનાં ભવિષ્યની ચિંતા થઈ. તેણે ગ્રીક સંસ્કૃતિનાં પ્રખ્યાત ધાર્મિક સંસ્થાન ઓરેકલમાં પ્રાર્થાના કરી અને એનાં પુત્રનાં ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી. ઈશ્વરનાં અપાર આશિર્વાદ સાથે જવાબ આવ્યો કે તમારો પુત્ર ખૂબ જ તેજસ્વી થશે અને એ પોતાને જ્યાં સુધી સદેહે ઓળખશે નહિ ત્યાં સુધી ચિરંજીવ રહેશે. આ આકાશવાણી બાદ એમણે ક્યારેય નાર્સિયસને એનાં પ્રતિબિંબ તો શું પડછાયાથી પણ દૂર રાખ્યો. પરંતુ તેમ છતાં તે જેમ જેમ યુવાન થતો ગયો તેમ તેનું તેજ વધુ લોકપ્રિય થતું ગયું.

સહુ કોઈ સ્ત્રીઓ અને પુરુષો એની સુંદરતાનાં ગુણગાન ગાતા અને અથાગ વખાણ કરતાં. તેનાં દેહસ્વરૂપથી અંજાઈને અનેક પ્રસ્તાવ મળતા થયા. આથી, ધીમેધીમે તેને પ્રેમ અને લાગણીનાં આવેશો નિર્થક લાગવા માંડ્યા. અને એક પછી એક આવતા આવા પ્રસ્તાવોને તે નકારતો ગયો. નિર્માલ્ય વિચારસરણી ધરાવતો આ બાળક યુવાન અવસ્થા સુધી પહોંચતાં મિથ્યાભિમાની થતો ગયો.

નાર્સિયસ સોળ વર્ષનો યુવાન થયો ત્યાં સુધીમાં તો એનાંથી અનેક હ્રદયભંગ થયા અને પ્રેમ પ્રસ્તાવનાં અસ્વીકારનાં અનેક પ્રસંગો બન્યાં. નક્કી પોતાનામાં કંઈક અનોખું દૈવ્ય રહસ્ય છે જેથી લોકો તેનાંથી આકર્ષાય છે એવો એને વહેમ બંધાતો ગયો. જેને લીધે તેનો ન સમજી શકાય એ રીતે અહમ પોષાતો રહ્યો.

યોગાનુયોગ, મહારાણી હેરાનાં પ્રકોપનો શિકાર થયેલ ઈકો થેસ્પિઆ નગરીની વનરાજીમાં વિહાર કરતી હતી. તેનો સ્વર સતત બેવડાતો જતો હતો જેથી તે લજ્જિત થઈને લગભગ મૌન ધારણ કરીને હરતી ફરતી રહેતી. આવા સમયે, તેણીની યુવાન અને તેજસ્વી એવા નાર્સિયસ પર નજર પડી. પ્રેમાકર્ષણ સાથે તે તેની તરફ સંમોહિત થઈ.

આ ક્રુર નવયુવાન શિંગવાળા હરણ જેવા પશુઓનાં શિકારનો શોખિન હતો. તે જંગલમાં શિકાર માટે નીકળ્યો હતો. પોતાનાં સાથીદારોથી વિખૂટો પડીને તે એકલો જ જંગલમાં ભટકતો હતો એ દરમિયાન. તેની પાછળ ઈકો પણ ધીમા પગલે કલાકો સુધી ચાલી. તેનો પીછો કરતી રહી. ઈકોનાં શ્રાપ મુજબ તે પ્રથમ શબ્દ બોલી શકે એમ જ નહોતી. તેનાં પ્રારબ્ધમાં ફકત સામેથી સંભળાયેલ અવાજનો પ્રતિઘોષ કરેલ છેલ્લો શબ્દ બોલવાનું લખાયું હતું. પોતાનાં નસીબને તે નિરાશ મને ધીકારતી રહી કે તે એનાં મનપસંદ વ્યક્તિને સામેથી બોલાવી શકે એમ નથી.

ચોરીચૂપકીથી તેનો પીછો કરતી રહી. એકાદ વખત નાર્સિયસને થયું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તે થોભ્યો. આમતેમ જોયું. તેને કોઈ જ નજરે ન પડ્યું અને ફરીથી ચાલવાનું શરૂ કર્યું. ઘટાદાર જંગલની ઝાડીઓમાં સૂકાં ખરી ગયેલાં પર્ણ પગ તળે ક્ચરાતાં જતાં હતાં જેનો એક લયબદ્ધ અવાજ નાર્સિયસનાં કર્ણને સતેજ કરતો હતો. તે ફરીથી કોઈ અજાણ્યાં પગરવને પારખતાં અચાનકથી અટક્યો. અને ઝાડીઓની પાછળ સંતાયેલ ઈકોની તરફ આગળ ધસતાં બોલ્યો. “કોણ છે ત્યાં?” પ્રત્યુત્તરમાં એક કોમળ સ્ત્રી સ્વર સંભળાયો, “કોણ છે ત્યાં?”

નાર્સિયસને યોગ્ય જવાબ ન મળતાં તે વધુ ખિન્નાયો અને ઈકોને ઝાડીની બહાર ખેંચી. તેણે ફરી પૂછ્યું. “તું કોણ છે?” જવાબમાં એજ ધ્વનિ પડઘાયો. આ શું બની રહ્યું છે એ નાર્સિયસ સમજે એ પહેલાં જ પોતાના પ્રેમનો ઉત્સાહ ઈકો સમાવી ન શકી અને નાર્સિયસને વળગી પડી. નાર્સિયસે તેને ધક્કો મારીને હડસેલી દીધી. તેણે ત્યાંથી નીકળી જવા ઉચાળા ભર્યા. પરંતુ ઈકોએ એની બાહુપાશને મજબૂતાઈથી ઝકડી.

તેણે એ હદે ઈકોને જાકારો આપ્યો કે ઈકો હતપ્રભ થઈ સ્તબ્ધ આંખે નાર્સિયસને જોઈ રહી. તે આવેશવેગે નાર્સિયસને નાહોર ભરાવીને આલિંગન કરતી રહી અને તેનાં સુકોમળ હોઠોને ચૂમવાની ચેષ્ઠા કરી. એક પ્રચંડ જુસ્સાભેર નાર્સિયસે તેની આ વર્તણુકને ઝંઝોડી નાખી અને છેક ઘટાદાર ઝાડીઓની પાછળ ઈકો પછડાઈ પડી. જમીન પર પટકાયેલ ઈકો કશું જ બોલી ન શકી અને એનાં પ્રિયપાત્રને ત્યાંથી પીછેહઠ કરતો જોઈ રહી.

ઈકો હવે નાર્સિયસથી ઘણી જ દૂર રહી ગઈ હતી. હવે, નાર્સિયસને પ્રશ્ન થવા લાગ્યો કે આ સ્ત્રી કોણ હશે? અને એ કેમ આ રીતે અતિ અધિરી થઈને આવેશ ભેર તેને આલિંગનમાં લઈ રહી હતી? હોઠોને કેમ ચૂમવાની કોશિશ કરી રહી હતી. એની લાગણીનો પ્રકાર નાર્સિયસ સમજી ન શક્યો અને કેટલાંય જોજનો દૂર તે વિચારો કરતે ચાલી નીકળ્યો.

નાર્સિયસ માટે તો ફક્ત વધુ એક હ્રદયભંગનો પ્રસંગ હતો. પરંતુ ઈકોએ એનાં જીવનનાં છેલ્લા શ્વાસ સુધી નાર્સિયસ માટેનાં પ્રેમની અનુભૂતિ પાછળ વેરાન જીવન વિતાવ્યું. તેણીએ તેનું જીવન એવા પ્રેમની પાછળ ઉજ્જડ કરી મૂક્યું કે જેનાં દર્દનું એને તો શું કોઈને જ અંદાજો નહોતો.

નાર્સિયસ એની આ કઠોરવૃત્તિથી બહાર આવ્યો નહોતો. તેનું પોતાનો અલાયદો સંગ હતો અને સાથી સાગ્રીદો પણ હતા. એનો એક ઉદાર અને સહિષ્ણુ પ્રસંશક હતો જેનું નામ અમેર્શિયસ હતું. તેણે નાર્સિયસનો કટુતા ભર્યા સ્વભાવથી નારાજ થયેલ અમેર્શિયસ તેનું ધ્યાનભંગ કરીને નાર્સિયસનાં સાનિધ્યથી અળગા થવાનું નક્કી કર્યું. જેથી નાર્સિયસને દગો થયાની પ્રતીતિ થઈ. તેણે પ્રેમ અને લાગણીની ભાવનાને તરછોડીને આ ભોળા સાથીદારને ત્યાગી દીધો. પોતાની લાગણી આવેશને આધિન તેણે પોતાનાં હ્રદયની બરોબર મધ્યમાં જ કટાર ભોંકી દીધી. પ્રેમની અંજલિ સાબિત કરવા તેને આત્મહત્યા સિવાય બીજો રસ્તો નહોતો સૂઝ્યો. તેણે પોતાનાં અંતિમ શ્વાસ સુધી દેવીય શક્તિને આજીજી કરવા લાગ્યો કે આ નિષ્ઠુર અને નિર્દયી નાર્સિયસને પણ આ હ્રદયદ્રાવક લાગણીની અનુભૂતિ થાય એવી કોઈ સજા કરાય.

બીજી તરફ, પોતાનાં જ ઉન્માદમાં રાચતા નાર્સિયસને આમેશિયસનાં મૃત્યુથી પણ ગ્લાની નહોતી થઈ. એ તેની મસ્તીમાં જ વનવિહાર કરવામાં મગ્ન રહેતો. એવામાં એકવાર દેવતાઓનાં વૃંદમાંનાં એક દેવી આર્ટીમીસે જાણે આ મૃત્યુ પામેલ કરૂણામયી અમેર્શિયસની પ્રાર્થનાં સાંભળી હોય એવો પ્રસંગ બન્યો. જેમાં નાર્સિયસને સંપૂર્ણપણે પોતાનાં જ પ્રેમનાં મોહપાસમાં સપડાઈને તડપવાનો વારો આવ્યો.

ખુશનુમાં વાસંતિક વાતાવરણમાં મહાલતો હતો. સખત ગરમી અને ભ્રમણ બાદ તેને ખૂબ જ તરસ લાગી. ત્યાં એક રૂપેરી ચમરદાર પાણીનો હોજ નજરે પડ્યો. નિર્મળ કાચ જેવા પાણીમાં તેણે પોતાનું લગભગ અડધું શરીર વાંકું વાળીને પાણી પીવાની તૈયારી કરી. તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું.

“આ શું? આ કોણ છે?” તેણે પોતાને જ પ્રશ્ન કર્યો. સામેથી હોજમાંથી પડઘો પડ્યો. “અહીં આવ.” ઊંડાણથી “આવ.” એવું સંભળાયું. શાંત પાણીમાં પોતાનાં હાથે જ છબછબિયાં કર્યાં, એ પ્રતિબિંબમાંની આકૃતિને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. પાણી સુધી પોતાનો ચહેરો લાવીને એણે હોઠોથી ચૂંબન કરવા ગયો પણ પાણીમાં વલયો થતાં એ છબિ અસ્પષ્ટ થઈ ગઈ. તે મૂંઝાયો. શું થવા જઈ રહ્યું છે એ ન સમજી શક્યો.

તે જાણે પોતાનાં જ સ્વરૂપવાન વ્યક્તિત્વથી અભિભૂત થયો. જાતને જ પ્રાપ્ત કરવા ઝંખવા લાગ્યો. એ સમજી જ ન શક્યો કે તે શું અનુભવી રહ્યો છે. હવે જાણે તેનાં બાળપણમાં તેની માતાએ સાંભળી હતી તે આકાશવાણી સાચી પડતી દેખાઈ. નર્સિયસને ભાસ થયો કે આ તેનું જ પ્રતિબિંબ છે અને તે અતિસ્વરૂપવાન છે જેથી લોકો તેનાંથી આકર્ષાય છે. તેને ચાહવાની ચેષ્ટા કરે છે અને આજ સુધી તે ઈકો સહિત અનેકનાં મનનએ દુભાવતો આવ્યો છે. તેનાં અંતરમાં વેદનાનાં શૂળ ભોંકાયા. અમેર્શિયસની પ્રાર્થનાં સ્વીકારાઈ એમ તે પોતાનાં જ પ્રેમને પરિપૂર્ણ ન કરી શકવાની પીડા ભોગવવા લાગ્યો.

અંતે તે ખળખળ વહેતા રૂપેરી ઝરણાંનાં હોજ પાસે જ ઈકો અને તેને ચાહનાર દરેકને યાદ કરીને હ્રદયની મધ્યમાં જ ખંજર ખોંસી મૂક્યું. અમેર્શિયસની જેમ જ તે પણ અંત સમયે કોઈને જ મળીને મનની વાત ન કરી શક્યો. તેનું રક્ત જમીનની માટીમાં છેક ઊંડાણ સુધી પ્રસરી ગયું અને પાણીનું વહેણ તેનાં માથા પાસેથી વહેતું રહ્યું. જેની પર સફેદ પુષ્પોથી લચેલી વેલ પ્રેમનાં પ્રતિક સમી ઊગી નીકળી.

***

(4) બૌઝિસ અને ફિલેમોન

પ્રેમ એ પ્રાકૃતિક રીતે પાંગરતી લાગણી છે. પ્રિત પરાણે થતી નથી અને પ્રેમાળ સ્વભાવ પણ કુદરતી દેન હોય જેમને એમને જ પ્રાપ્ત થાય છે. એક એવી વાર્તા કે જેમાં કુદરતે સાવ જ જુદાં બે ઝાડને એક જ મૂળિયાંમાંથી પ્રગટ થવાનો અચંબિત કરી દેતો દાખલો ગ્રીસ સંસ્કૃતિની પૌરાંણીક કથામાં સામેલ છે, જે વાર્તાનું દસ્તાવેજીકરણ ક્યાંય સત્તાવાર રીતે થયું નથી. પરંતુ જ્યારે નિસ્વાર્થ પ્રેમ અને આતિથ્ય ભાવનાનો પરચો આપવો હોય ત્યારે બૌઝિસ અને ફિલેમોન જેવાં યુગ્મની વાત ચોક્કસથી યાદ કરાય છે.

દેવીય અભિશાપ આશીર્વાદમાં પરિવર્તિત થઈ ગયો. એવું તે શું બન્યું એક વ્રુદ્ધ દંપતી સાથે કે તેમની પ્રતિકૃતિરૂપે ઘટાદાર વડ અને સુંદર લિન્ડેનનું ઝાડ એકમેકમાં ગુંથાઈને ખડું થયું. પ્રેમ અને સંસ્કારની સાથે આતિથિ સત્કારની ઉત્તમ દ્રષ્ટાંત સાથે બે વૃક્ષનું એક મૂળનું રહસ્ય રોચક છે.

ગ્રીસ એ યુરોપનાં મહાદ્વીપ પર આવેલ દેશ છે. જે તેની પૌરાણીક સંસ્કૃતિ અને પુરાણકથાઓ તથા દૈવીય પાત્રોની વાયકાઓને લીધે પ્રખ્યાત છે. અહીં ફ્રિજીયા નામે પર્વતીય પ્રદેશ છે. જ્યાં બે વૃક્ષને જોતાં જ આપણી નજરોને વિશ્વાસ ન બેસે એવું દ્રશ્ય ખડું થાય છે.

આ વૃક્ષ બે જુદાંજુદાં પ્રકારનાં હોવા છતાંય એક જ મૂળમાંથી ઊગ્યાં હોય એવું જણાંય છે. એક છે વડવાઈઓથી ઘેરાયેલ વડ અને બીજું લિંબોઈ પ્રકારનું સુશોભિત વૃક્ષ લિન્ડેન છે. આવું કઈ રીતે બન્યું એ અંગેની લોકવણમાં પ્રચલિત એવી વાત વાંચવી રોચક છે.

***

ઓલંપિયન દેવતાઓનાં રાજા ઝિયસ, મોજશોખ અને આનંદવિલાસ માટે જાણીતા હતા. ક્યારેક તેઓ ઓલંપિયાની ગિરિમાળામાં વિહાર કરીને કંટાળતા તો પૃથ્વી તરફ પ્રયાણ કરતા. અહીં એમને ખાતરી હતી કે ભૂલોકમાં એમને પ્રમોદ ઉપજાવેદ તેવું કંઈક ચોક્કસ મળી જ રહેશે.

ક્યારેક પ્રાણઘાતક અને ભયંકર રાજશી બનીને એમને પ્રવાસ કરવો ગમતો. પોતાનાં ભવ્ય સામ્રાજ્યમાં કોણ કેટલું વફાદાર અને સાહસી છે એવું શોધવા છૂપાવેશે તેઓ પોતાનાં મહેલમાંથી એકલા જ નીકળી પડતા. આવા હોંશિયાર, મનોરંજક, સાહસિક અને વફાદાર સહયોગીઓ શોધીને એમને ઈશ્વરનાં દૂત તરીકે સંદેશવાહક તરીકે નીમતા.

એજ પ્રણાલી મુજબ એકવાર રાજા ઝિયસ અને એમની રાણી મૈયાનો પુત્ર હાર્મસ કે જેનું ચિત્રણ અણીયાળી ટોપી અને પાંખવાળા બૂટ અને મોટા પંખાવાળા સળીયા સાથે સજ્જ હોય એવા ઈશ્વરનાં સંદેશાવાહક કે વ્યાપારીઓનાં દેવતા તરીકે થયું છે, તે લગભગ મુસાફરી કરતા જ જણાતા હોય છે. બંને રાજા અને પુત્ર છેક પૃથ્વીલોક સુધી ઉડ્ડયન કર્યું અને ફ્રિજીયા વિસ્તારનાં એક ગામમાં રોકાયા.

છુપાવેશે ગરીબ મુસાફરનાં પાત્રમાં ગરીબ હોય કે તવંગર, નાનો હોય કે મોટો દરેકનાં દરવાજે દસ્તક આપી. દરેક ઘરેથી ધૃણાં મિશ્રિત પ્રતિભાવો સાંપડ્યાં. “અહીંથી જાવ..” “આગળ જાવ..” જેવા શબ્દો સાથે કોઈએ ગાળો આપીને કાઢ્યા તો કોઈએ અનાદર કરીને દરવાજો બંધ કરી દીધો. ગરીબ અને ભૂખ્યા મુસાફરોની આવી અવહેલનાં થતી જોઈને પિતા-પુત્રને ખૂબ જ દુઃખ થયું છતાંય સાંજ ઢળે નહિ ત્યાં સુધી જેટલા દરવાજા દેખાય એને ટકોરા કરીને ચકાસવાનું નહિ ચૂકીએ એવું નક્કી કર્યું.

કેટલીક જગ્યાએ પૂઠે લાત ખાવી પડી અને જાકારનાં અપમાન સહન કરવા પડ્યા. સાંજ પડવા આવી હતી સૂરજ પશ્ચીમ તરફ નમતો જણાંયો હવે રાજા ઝિયસને ગુસ્સો આવવા લાગ્યો. તેઓને થયું કે મારા રાજ્યકાળમાં ઘરે આવનારની આવી દશા કરે છે લોકો? શું દુનિયામાંથી પરોણાગતની પ્રથા જ બંધ થઈ ગઈ છે? શું એક પણ ઘર એવું નહિ મળે જ્યાં નિરાશ્રિતને આવકર મળે?

આવા પ્રશ્નો થકી એમનું મન શોકાતૂર થઈ ગયું. એક ઊંડો શ્વાસ લઈને એમને નિઃસાસો નાખ્યો. ઈશ્વરનાં દૂતનાં મોઢે દરવાજો બંધ કરી દેવાનો ફ્રિજીયાની પ્રજાએ ગુનો કર્યો છે એ વાતનો એમને પરચો મળવો જ જોઈએ એવું એમને લાગ્યું. એક ઉચ્છવાસ સાથે શબ્દો સરી પડ્યા, “આવું સ્વાર્થી અને નિષ્ઠુર રાજ્ય હોય એનાં કરતાં અહિંની પ્રજા પૂરમાં તણાઈ મરે એ સારું.”

હજુ સૂર્ય અસ્ત થયો નહોતો. હજારો દરવાજે જાકાર સાંભળી ચૂકેલા રાજા ઝિયસને એમનાં પુત્ર હાર્મસને એક ઝૂંપડી દેખાઈ કે જે ટેકરીની તળેટીથી અને ગિચવસ્તીથી દૂર ખેતરનાં વિસ્તારમાં વાંસ અને ઘાસનાં પૂળામાંથી બનાવેલ હતી.

વાંસનાં બાંબૂમાંથી બનાવેલો નાનો દરવાજો ખખડાવ્યો અને કંઈક અપશબ્દ જ બહાર આવશે એવી માનસીક તૈયારી સાથે રાજા ઝિયસ એ પાછળ પગલાં માંડ્યાં. ત્યાં તો એમનાં આશ્વર્યનો પાર ન રહ્યો અને આખો દરવાજો ઉગડ્યો, બંને પિતાપુત્રને અંદર આવકારાયા.

એમણે એમની યાત્રાનો અંત આણવાનું લગભગ નક્કી જ કરી દીધેલું અને પોતાનાં વતનનાં લોકોનું ઉદ્ધત વર્તન બદલ શિક્ષા કરવાનો નિર્ણય લઈ જ લીધો હતો એવાંમાં પ્રેમાળ અવાજે એમને અંદર આવવા કહ્યું. સાવ સાંકડા દરવાજાની બારસાખમાંથી દાખલ થવા એમણે વાંકું વળવું પડ્યું હતું. એમને સાવચેતીથી આવવા માટે કહેવાયું અને સાવ નનકડા છતાં સ્વચ્છ અને સુઘડ ઓરડામાં એવો પ્રવેશ્યા. અહીં આવવા પહેલાં જ એમણે ક્રુર માનસિકતાવાળી પ્રજાને પાઠ ભણાવવાનાં વચન ઉચ્ચર્યા હતા એ જરાવાર માટે સાવ જ વિસરી જવાયું અને યજમાનની મહેમાનગતિ માણવા પ્રેરાયા.

સંધ્યાનાં આછા પ્રકાશમાં બે માયાળુ ચહેરા દેખાયા. એક વૃદ્ધ પુરુષ અને એક એટલી વૃદ્ધ મહિલા નજરે પડી. એવો એમનાં ઓરડામાં પ્રવેશતા મહેમાનને બેસવા માટે આસન તરફ દોર્યા. વૃદ્ધ સ્ત્રીએ બાંકડા પર મુલાયમ ગાલિચો પાથર્યો અને આગંતૂકને થાક ઉતારવા બેસવા કહ્યું. વૃદ્ધ પુરુષે લાકડાંનો ભારો એકઠ્ઠો કરીને અગ્ની પેટાવ્યો જેથી એમનાં ઠંડીથી થીજેલાં શરીરને હૂંફ મળે.

આ વૃદ્ધ દંપતિએ નામથી ઓળખાણ આપી રાજા ઝિયસને, સ્ત્રીનું નામ હતું બૌઝિસ અને પુરુષનું ફિલેમોન. તેમણે જણાવ્યું કે એમનાં લગ્ન જીવનનાં શરૂઆતનાં સમયથી જ આ નનકડી કુટીર જ એમનો આવાસ રહી છે. ગરીબીની અવસ્થા હોવા છતાંય એમને ક્યારેય દારિદ્રતાનો ક્ષોભ થયો નથી. તેઓ એમની આ ઓછી સુખાકારી સભર દુનિયામાં પણ એકબીજાનાં પ્રેમની હૂંફમાં ખુશ છે. એમનાં આવા પ્રેમભર્યા વલણને જોઈને જિઝસ રાજાને રાજીપો થયો અને સાથોસાથ એમને આ સાધારણ પરિસ્થિતિમાં જીવતા દંપતિની અદેખાઈ પણ આવી.

યુગલે આગળ વાત માંડી. અમારી પાસે તમારો સત્કાર કરવા માટે જાજું કંઈ નથી પરંતુ તમારો આદર રાખીને ભોજન અમે ચોક્કસ કરાવી શકીએ એમ છીએ. આપ આરામથી અહીં બેસો અમે આપને માટે કંઈક જમવાનું બનાવી લાવીએ.”

રાજા ઝિયસ અને હાર્મસ એકબીજાની સામું વિસ્મય સહ જોઈ રહ્યા અને મનમાં વિચાર્યું કે પૃથ્વીલોક પર લોકો મહેમાનોનો આદર સત્કાર સાવ જ ભૂલી ગયાં છે એવું નથી. બની શકે કે આ ફ્રિજીયાનાં અમુક લોકોની માનસિકતામાં કટૂતા અને ઉદ્ધતા આવી ગઈ હોય.

પોતાનાં અલ્પ પૂર્વઠામાંથી એમણે કેટલાંક ઓલિવ, ઈંડા અને મૂળા વગેરે શાકભાજી એકઠા કર્યાં. પાછળનાં વરંડામાંથી તાજી કોબી તોડીને સૂપ બનાવવાની તૈયારી કરી. એમનાં નાનકડાં ખૂબા જેવડાં નળિયાંવાળી ઝૂંપડીની છત પર એક છેલ્લો ટૂકડો ભઠ્ઠામાં ભૂંજેલો પોર્ક એટલે કે ડુક્કરનાં માસનો શેકેલ ટૂકડો હતો જે રાંધીને બૌઝિસે જમવાનાં મેઝ પર ગોઠવ્યો. એ જે તરફ બેઠી હતી એ મેઝનો પાયો હલબલેલો હતો. જેને એક તૂટેલી થાળીનાં ટેકે સરખો કરીને મહેમાનોને જમવા બેસવા માટે આવકાર્યા. આ દરમિયાન ફિલેમોને કોઈ ખાસ મિજબાની વખતે પીવાશે એવા હેતુથી સાચવી રાખેલી થોડી રેડવાઈન પણ પીરસવાની તૈયારી કરી. જમણવારની સંપૂર્ણ તૈયારી પૂરી થયા બાદ મહેમાનોએ ભોજન શરૂ કર્યું અને સાથે આ દંપતીએ પણ એમને સાથ આપવા એમની સાથે બેઠાં. મોડી રાત્રે આવેલ મહેમાનોને નિરાંતે જમતાં નિહાળીને બંને આનંદવિભોર થતાં હતાં.

ઝિયસ અને હાર્મસ બંને બધું જ જોઈને પ્રસન્ન થતા હતા હતા અને આ લાગણીશીલ વ્રુદ્ધ દંપતીને મનોમન આશીર્વાદ આપી રહ્યા હતા. થયું એવું કે ફિલેમોન એમનાં પીણાંનાં પ્યાલા પર ધ્યાન રાખ્યું હતું. જેવો એ પ્યાલો ખાલી થતો તે ફરીથી ભરી દેતો હતો. આવું લગભગ ત્રણ-ચાર વખત થયું. છતાંય પીણું ભરેલ બાટલી ભરેલી જ લાગતી હતી. બંને દંપતી હવે સમજી ગયાં કે આ કોઈ સામાન્ય ઘટના નથી અહિ ચોક્કસથી ચમત્કાર સર્જાઈ રહ્યો છે. ભયત્રસ્ત નજરે આ વ્રુદ્ધ યુગ્મ એકબીજાની સામું જોઈ રહ્યું.

બીકનાં માર્યા બૌઝિસ અને ફિલોમેન મનોમન ઓલંપિયન દેવતાઓને પ્રાર્થના કરવા લાગ્યાં. અને ધ્રુજતા સ્વરે એમનાંથી આવેલ આગંતૂક તરફ ગોઠણભેર બેસીને આજીજી કરી. “અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે અમારી ક્ષમતા મુજબ આપની આગતાસ્વાગતા કરવામાં કોઈ જ કચાશ છોડી નથી.” બૌઝિસ હજુ વાક્ય પૂરું કરે એ પહેલાં ફિલોમેન બીજા ઓરડામાં ઝડપથી ગયો. જેનો દરવાજો સાંકડો હતો જેથી વાંકા વળીને જવું પડતું. ત્યાંથી એક ગૂસને હાથમાં ઉંચકી લાવ્યો.

“હે દેવ, આપના સમક્ષ અમે આ ગૂસ પણ અર્પણ કરીએ છીએ જે અમે અમારા સવારનાં ભોજન હેતુ સાચવીને રાખ્યો હતો.” એમણે ઝિયસનાં પગ પાસે એક જાનવર મૂકી દીધું. એમણે કહ્યું કે આપ કહો તો આ પણ આપને રાંધીને જમાડીએ. મૂંઝાયેલું આ જાનવર આમતેમ એમનાં ભોજનનાં આસનની આસપાસ આંટા મારવા લાગ્યું અને અચાનકથી ઝિયસનાં ખોળામાં કૂદકો મારીને બેસી ગયું. બૌઝિસ અને ફિલેમોન આ ગૂસને પકડવા માટે દોડાદોડ કરી મૂકી.

ઝિયસ રાજા આ બધું જોઈને ખૂબ જ વિસ્મય પામ્યા અને રાજી પણ થયા. એમને આ દંપતીની સાચું કહેવાની રીત ખૂબ જ ગમી. હવે સત્ય કહેવાનો વારો આ દેવદૂતોનો હતો. આ જ યોગ્ય સમય છે વાતને છતી કરવાનો એવું નક્કી કરીને ઝિયસ રાજાએ ઉચ્ચાર્યું.

“અમે તમારી પરોણાગત થકી ખૂબ સંતૂષ્ટ થયાં છીએ. તમારા ભોજન સત્કારે અમારી ભૂખને નિશ્ચિતરૂપે સંતોષી છે. અમે આ ભૂલોકનાં લોકોની માનસિકતા ચકાસવાનાં હેતુથી આ રીતે વેશપલટો કરીને નીકળ્યા હતા પરંતુ અફસોસ છે કે અહીંનાં લોકો લાગણી વિહિન અને ઉદ્ધત થતા જાય છે.” તેમણે બૌઝિસ અને ફિલેમોની મહેમાનગતિનો આભાર માન્યો અને જણાંવ્યું કે બાકીનાં પૃથ્વીવાસીઓને ચોક્કસથી સજા થશે જ. તમે આ સૌજન્યહીન પ્રજા જેવાં નિર્દયી નથી. દયાળુ અને પરોપકારી નિવડ્યાં છો. આપ અમે કહીએ એમ કરો. આપ સજાથી મુક્ત છો.

એમને એમની કુટિરમાંથી તરત જ બહાર નીકળીને એમની ઝૂંપડીની આસપાસ નજર કરવાનો આદેશ આપ્યો. હેરત પમાડે એવું દ્રશ્ય એમને જોવા મળ્યું એક આખી નદીનાં ધસમસતાં પૂરમાં એમનું આખું ગામ ફસડાયું હતું. ફક્ત એમની જ નાનકડી છાપરીવાળી કુટિર સહીસલામત હતી. જ્યાં ફળદ્રુપ વિશાળ જમીન હતી, ઉંચી ઈમારતો ખડી હતી એ સમગ્ર સાંસારિક સૃષ્ટિ નષ્ટ પામી હતી. ફક્ત એમની જ ઝૂંપડી અડીખમ હતી.

આવું દુખદ અચરજ પમાડે એવું ભયંકર દ્રશ્ય જોઈને બૌઝિસ અને ફિલેમોન વધારે ગભરાયા અને ધ્રુજતા અવાજે આંસુ સારવા લાગ્યાં. એમનાં આંસુઓ જેમજેમ જમીન પર પડવા લાગ્યાં એમએમ એમની સાદી ઝૂંપડી આરસનાં મંદિરમાં ફેરવાઈ ગયું. એ મંદિરનાં થાંભલા સોનાનાં અને છત પણ સોનાની બની ગઈ. અતિ સુખદ અને અદભૂત આશ્ચર્યજનક ઘટનાઓ એકેક ક્ષણે બનતી જતી હતી.

જોતજોતાંમાં ઝૂંપડી ભવ્યાતિભવ્ય મંદિરમાં ફેરવાઈ ગયું. ઝિયસ રાજાએ એ વ્રુદ્ધ યુગલને કહ્યું, “હવે આ મહેલ જેવું મંદિર તમારું છે અને એમાં તમારે સુખસગવડ ભર્યું જીવન વિતાવવાનું છે. તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો પણ અમને કહો તમારી એ મનોકામના પૂર્ણ થશે.” પતિપત્નીએ એકબીજાને નજીક જઈને ધીમા સાદે એકબીજાનાં કાનમાં ગણગણીને ચર્ચા કરી. એકજ સૂરમાં એઓ ઓલંપિયન દેવતાને નતમસ્તક થયાં અને કહેવા લાગ્યાં. “આ તમારી કૃપાને લીધે મંદિર થયું છે. અમે અહીં ચોક્કસ રહેશું પરંતુ પુજા તમારી થશે અને અમે એમાં સેવાચાકરી કરીને જીવન વિતાવશું. ભૂલા પડેલ રાહદારીઓને આશરો અને ભોજન આપશું. અને અમારી બીજી ઈચ્છા છે કે અમે આ મૃત્યલોકમાં એકલાં જીવવા નથી ઈચ્છતાં. આપ એવું વરદાન આપો કે અમારું સમય આવે એક સાથે મૃત્યુ નિપજે.” ફક્ત પ્રજાની પરોણાંગત નિષ્ઠા ચકાસવા નીકળેલ દેવદૂતોને આ દંપતીની પ્રેમભાવના સ્પર્શી ગઈ અને એમને યથાયોગ્ય થાઓ એવા આશીર્વાદ આપ્યા.

તેમનાં મહાન પ્રેમનાં સમ્માન સાથે એમની દરેક ઈચ્છાઓની પૂરતીનું વરદાન આપ્યું અને ઝિયસ ત્યાંથી ઓઝલ થયા. બંને વર્ષો સુધી આ ભવ્ય મહેલ સમાં મંદિરમાં રહ્યાં અને અનેક રાહદારીઓએ અહીં સંતૃપ્તી મેળવી. એઓ વધુ વૃદ્ધ થયા ત્યારે એમનાં મંદિરનાં પ્રાંગણમાં સમય વિતાવવા લાગ્યા. એવોને એવી અનુભૂતિ થઈ કે જ્યારે એમની પાસે અલ્પ સાધનસામગ્રી હતી ત્યારે વધારે સુખી અને સમૃદ્ધ હતા. આજે અતિ ધનસંપત્તિથી ઘેરાઈને પણ એમને જવાબદારી જેવું લાગે છે. વર્ષો સુધી બૌઝિસ મંદિરનાં પ્રાંગણમાં બેસી રહેતી એની અચાનક ફિલેમોને અનુભવ્યું કે એનાં શરીરે પર્ણો અને કુપણો ફૂટી રહી છે. કોઈ પણ સમયે એ વનસ્પતિની છાલ એનાં શરીરે લપેટાઈને ઘેરી વળશે એવું અનુભવાયું. જાણે એમનાં પ્રેમની એક મોક્ષની ક્ષણ બાકી હોય એમ ફિલેમોન એને વળગી રહ્યો. એકબીજાંનાં બાહુપાશમાં એમનાં આત્માએ ચિર વિદાય લીધી. આલિંગન સાથે ચૂંબનની એક ક્ષણ બાદ બંને શરીરને જાણે મુક્તિ મળી.

લિન્ડેન એક સુંદર ઝીણાં ફુલો વાળું ઝાડ થઈ રહી હતી બૌઝિસ. જેને વળાગીને ફિલેમોન પણ વડની ડાળ સમો જડ થતો ગયો. એક અરસા બાદ એવું પ્રતીત થવા લાગ્યું કે જાણે આ બંને સુંદર પુષ્પવાળું ઝાડ લિન્ડેન અને ઘટાદાર વડનું વૃક્ષ એક ડાળખીમાંથી ઉત્પન્ન થયું હોય.

ઓલંપિયન દેવતાઓનું આ મંદિર વિસ્મયકારક પ્રેમી યુગલને સલામી આપતું રહ્યું.

યાદ રાખવા જેવું છે કે જ્યારે કોઈ ગરીબ અને જરૂરિયાતવાળાંને મદદ મળતી રહેશે ત્યારે કુદરતી બક્ષીસરૂપે આશીર્વાદની સરવાણી ફૂટતી રહેશે.

***