દે તાલી Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દે તાલી

દે તાલી

(હાસ્ય ની રેલમછેલ)

- લેખક -

ભીષ્મક પંડિત

(વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદી)

READ MORE BOOKS ON


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

હું વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી, જાતેપોતે!

આ લેખ નું ટાઈટલ બહુ વિચાર્યું પછી લાગ્યું કે સાલું વિચારી ને લખવું તો લઘરી વાતો ક્યાંથી કેહવાય એ તો અઘરી વાતો થઇ જાય. આમાંથી ઘણા વાચકો મને સાચા નામ થી ઓળખે છે ઘણા નથી પણ ઓળખતા તો સભ્યતા પૂર્વક મારો પરિચય આપી દઉં? મારું સાચું નામ છે ભીષ્મક પંડિત, ઉ.વ. ૩૦, ધર્મ :હિંદુ, વ્યવસાય : વકીલાત. આ શું રોજ લોકો નાં સોગંદનામા લખવાની આદત પડી ગઈ એટલે ઉમર અને ધર્મ લેખક તરીકે ની કોઈ જરૂરિયાત નાં હોય તોય લખી દેવાય છે. આમ તો રમુજી સ્વભાવ મને વારસાઈ માં મળ્યો છે સ્ટેજ નાટકો વગેરે વગેરે કોલેજ કાળ માં કરતા કરતા થોડી ઘણી લખાણ માં પણ ફાવટ આવી ગઈ. પછી આવ્યું સોશિયલ મીડિયા જેમાં ઓરકુટ કરીને એક સોશિયલ સાઈટ હતી, જેમાં મેં એકાઉન્ટ ખોલી લઘર વઘર અમદાવાદી નાં તખલ્લુસ નો ઉપયોગ કરી લખવાનું શરુ કર્યું. પછી ધીમે ધીમે લખાણ માં ફાવટ આવી ગઈ અને લોકો ને લખાણ ગમવા પણ લાગ્યું. જો કે એવું મને લાગતું કે મિત્રો ને મારું લખાણ ગમે છે, પછી ધીમે ધીમે ઓરકૂટ નો ઉભરો શમતો ગયો અને મારો લખવાનો ઉભરો પણ શમતો ગયો કેમકે હવે હું પરણી ગયો હતો હવે ઓરકુટ પર ધમાલ મસ્તી ભર્યા લખાણ નો સમય બહુ ઓછો મળતો હતો.

ફરી વાર ફેસબુક પર લખવાનું શરુ કર્યું હવે પરણી ને સાવ લઘર વઘર અમદાવાદી માંથી થોડો વ્યવસ્થિત થઈ ગયો હતો એટલે નામ માં પત્ની દ્રારા આપવામાં આવેલી વ્યવસ્થિતતાને આગળ લગાવી દીધી અને તખલ્લુસ થઇ ગયું વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી. ફેસબુક પરથી તંત્રી શ્રી સિદ્ધાર્થ છાયા અને મહેન્દ્ર શર્મા નાં સંપર્ક માં આવ્યો તેમણે મારા લખાણો ને યોગય એવી કોલમ મને હું ગુજરાતી મોબાઈલ મેગેઝીનમાં ઓફર કરી અને ત્યારથી હું ગુજરાતી માં લઘરી વાતો લખતો થયો. લઘરી વાતો આ નામ નાં શોધક પણ સિદ્ધાર્થ ભાઈ અને મહેન્દ્ર ભાઈ જ છે. પહેલા તો પોતાના પર વિશ્વાસ નહતો કે હું આ લેખો લખી શકીશ અને લખીશ તો કોણ વાંચશે? પણ હું ગુજરાતી માં લખાણ માં એકદમ સ્વતંત્રતા આપવામાં આવી અને ઘણો સપોર્ટ કરવામાં આવ્યો અને હસતા હસતા લખતા લખતા આજે અંક – ૨૦ માં પોતાના વિષે જ લખવાનો મોકો મળી ગયો. મારો લેખક તરીકે નો પ્રયત્ન લોકો ની જીદગી માં મુખ પર એક નાનકડું સ્મિત લાવવાનો છે એનાથી વધુ કશો જ પ્રયત્ન નથી, જેમાં આપનો વાચકો નો પણ ઘણો સહયોગ મળ્યો છે. તો આ વખતે બહુ લાબું લખાણ નાં લખતા અહી જ વિરમું છું, નહિતો તમે પાછા એમ કેહશો કે જોયું? પોતાના વિષે લખવાનું હતું તો કેટલું લાબું લખ્યું અને ટુકું લખું તો કેહ્શો કે લખવા માટે કઈ નહિ હોય. એટલે મધ્મયમ લખાણ પર આ વખત નો મારો પરિચય આપતો લેખ પૂરો નવા લેખો શાતે મળતા રહીશું સાથે હસતા રહીશું.

***

અનુક્રમણિકા

1 - બાળક હોવાની જાહોજલાલી

2 - સત્કાર સમારંભ નું આંમત્રણ સાકાર ક્યારે થાય ??

3 - પતંગ ચગવવાં નાં તમારા અનુભવ પર નિબંધ લખો ગુણ – ૧૦

4 - કામવાળા બહેન / રામલાનું માહાત્મ્ય

5 - ઓસામા બીન લાદેન મરણ નાં સમાચાર જાણ્યા ?

6 - વિશ્વ પુરૂષ દિન પણ હોવો જોઈએ.

7 - ફાંદ અપાવે સમાજમાં શાન.

8 - ઉનાળાની બપોર

9 - એક માનવ સર્જિત ભૂવા (ખાંડા) ની આત્મકથા

10 - સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ

11 - રસોઇ શો કેવીરીતે બનાવશો

12 - બોસ આપડે ફૂટબોલ કેમ નથી રમતા

13 - વરસાદ કેમ નથી આવતો ??

14 - અગલે જન્મ મોહે કુતરા હી કીજો.

15 - વાચકો અને લેખકો વચ્ચે તફાવત

16 - ગુજરાતી મુવી કેવીરીતે બનાઉં ?

17 - દિવાળી એટલે સ્વચ્છ ઘર અભિયાન

18 - ગુજરાતી ચલચિત્ર કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો

19 - સ્ત્રી-પુરૂષ અને લગ્નો

***

1 - બાળક હોવાની જાહોજલાલી

બાળક હોવું એક પ્રકારની જાહોજલાલી છે એમાં પણ ત્રણ વર્ષ થી નાના બાળક હોવું લોકો જાહેર હિત ની અરજી કરીને આપડા માટે લોકો લડે કે ત્રણ વર્ષ થી નીચેના બાળક ને સ્કુલે ભણવા નહિ મુકવાનું, અને કોર્ટ પણ આપણી ચિંતા સમજી ને આપણ ને ભણવાના ભારણ માંથી મુક્તિ અપાવે અને વગર લડે આપણી જીત થાય, કઈ પણ વસ્તુ જોઈતી હોય, કોઈ પણ ધાર્યું કામ કરાવવું હોય, તો ૨૪ કલાકમાં ધાર્યું કામ કરી આપનાર જ્યોતિષી કરતા પણ બાળક વધારે એટલેકે ૧૫૧ % ગેરેન્ટી આપી શકે દા.ત જમવું હોય, બાબા જવું હોય, ટી.વી જોવું હોય, દરેક જગ્યાએ આપણે બાળક તરીકે પોતાનું બ્રહ્માસ્ત્ર વાપરી શકીએ એટલે કે ભેકડો તાણી ને રડવાનું શરૂ કરી શકીએ દરેક સમાજ આપણે બાળક તરીકે નાં આ બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ નાં કરીએ એ બાબત ની ચિંતા કરીને આપડા રુદન રૂપી હથિયાર થી ડરી ડરીને જીવે આપણને ક્યાય પણ જવા નો ગબડી પડવાનો, ધૂળમાં રમવાનો હક્ક હોય, પરિવાર નો દરેક સદસ્ય આપણી સેવામાં હોય, એમાં પણ આપણ ને હજુ ચાલતા નાં આવડતું હોય અને લથડિયા ખાતા ચાલતા હોઈએ સામે આવેલી ભીત પણ નાં દેખાય તોય કોઈ કઈ બોલી નાં શકે એમાં પણ આપણે જો ગબડી પડીએ તો લોકો આપણ ને ચુપ કરાવા નવા નવા ગતકડાં લાવે ચુપ કરાવાના જુદા જુદા નુસખા અને બાળ માનસ ની પ્રતિક્રિયા નીચે મુજબ હોઈ શકે

> અલે માલો દીકલો ભમ થૈઇ ગયો ??

બાળક : પડી ગયો છુ તોય પુછો છો કે પડી ગયો ?

અને યાર ચોખ્ખુ બોલતા શીખો ને મને કાલુ કાલુ સાભળવુ પસંદ નથી.

> અલે માલુ દિક્લું કૈઇ થયું નથી, જો કૈઇ નથી થયુ

બાળક: રડતા રડતા સાલુ આટલુ વાગ્યુ તોય કે છે કે કૈઇ નથી થયુ પોઝેટીવ થીંકીગ ની પણ હદ હોય.

> અલે અલે જો રડીશ નહિ જો કીડી મરી ગૈઇ

બાળક: હુ પડી ગયો એમા બચારી કીડી ને શુ કામ મારી નાખી હવે કીડીના શોક મા પણ રોવુ પડશે.

> જો જો ટી.વી મા શુ આયુ હીમેશ રેશમીયા, અને હનીસિઘ નુ ગીત આયુ

બાળક : હે ભગવાન પડ્યો અને વાગ્યુ એટલુ ઓછુ હતુ તે મારે હજુ હિમેશ અંકલ અને હની સિઘ નાં ગીત સાભળવાનાં હવે તો કોઈ હિસાબે ચુપ નાં થવાય રડવાનુ ચાલુ રાખવુ પડશે.

> ચલો આપણે એકલેર્સ ચોકલેટ લેવા જૈઇએ

બાળક : સાલુ આટલુ રડુ છુ તોય એકલેર્સ માં પતાવાનુ આ રડવાના અવાજ પ્રમાણે અને લાંબા સમય સુધી ડૂસકા ભરવાનાં પારિતોષિક રૂપે ડેરીમિલ્ક તો મળવી જ જોઇએ.

> જો ચુપ થઇ જા રડીશ નહિ નહિતો બાવો ઉપાડી જશે

બાળક: યાર છાપા વાંચવાનું રાખો રોજ બાવાઓને પોલીસ ઉપાડી જાય છે અને તમે મને હજુ પણ બાવા થી ડરાવો છો.

> જો તું ચુપ થઇ જઈશ તો તને સાંજે બાબા લઇ જઈશું

બાળક : યાર ઓફર તો સારી લાવો એ બાબા તો તમે મને એમ ને એમ પણ લઇ જવાનો છો, ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ ખોલી આપીશું એવી કોઈ ડીજીટલ ઓફર આપો તો હું તરત ચુપ થઇ જવાનું પણ વિચારું.

તો બાળક ચુપ કરાવું એ કઈ બાળક નાં ખેલ નથી એના માટે ઘણા નુસખા જોઈએ બાળક ની આવી જાહો જલાલી ને કારણે જ એને બાળરાજા કેહવાતું હશે કેમકે આપણે રાજા નાં આદેશોનું પાલન કરવાનું અને બાળરાજાનાં સલાહકાર તરીકે આપણે સલાહ આપ્યા સિવાય કઈ કરી શકીએ નહિ, આવી જાહોજલાલી નાં કારણે જ આખા જીવન નો એવો સમય કે જે આપણ ને જીંદગી ભર યાદ રહે છે અને લોકો મોટા થયા પછી પણ યાદ કરાવ્યા કરે છે જો તું નાનો હતો ને ત્યારે આવું કરતો હતો આ બધું આપણી બાળક તરીકે ની જાહોજલાલી ને કારણે હોય છે. તો પોતાના બાળપણ માં પાછા જઈને એક મિનિટ માટે વિચારો કે તમે કેટલી જાહોજલાલી ભોગવી છે.. કેમકે ફરી વાર બાળક બનાતું નથી એટેલ તમારા બાળક ને પણ આવી જાહોજલાલી ભોગવવા દો.

***

2 - સત્કાર સમારંભ નું આંમત્રણ સાકાર ક્યારે થાય ??

લગ્ન ની કંકોત્રી કે રિસેપ્શન/ સત્કાર સમારંભ નું ઇન્વિટેશન કાર્ડ મળે એટેલે પેહલો પ્રશ્ન મગજમાં ઉદભવે કે ક્યાં હોલમાં છે ? અને જમવાનો ટાઈમીગ શું છે ? કેમકે આખા ઇનવીટેશન કાર્ડ માં ગમે તેટલા દર્શના અભિલાષી લખેલા હોય કે, ગમે તેટલા ટહુકા લખેલા હોય, ગમે તેટલી વાસણ પ્રથા બંધ લખેલી હોય, કવિતાઓ શેરો શાયરી લખેલા હોય પણ, જેમ અર્જુન ને ખાલી માછલી ની આંખ દેખાતી હતી એમ મારા એટલે કે લેખક જેવા પેટુંઓનું ધ્યાન ફક્ત જમણવાર નો સમય શું છે એના પર જ જાય છે કેમકે એજ મહત્વ નો મુદો હોય છે, ઘણીવાર લગ્ન સીઝન માં આપડે એટલી જગ્યાએ જમી આયા હોઈએ છીએ કે ખાલી જમવાની ડીશ જોઇને એનો પર ડીશ શું ભાવે પેડયો હશે એ પણ કહી શકીએ છીએ. અને લગ્ન નો ચાંલ્લો પણ ડીશ નાં ભાવ અને એમણે આપડા પ્રસંગ માં શું વ્યવહાર કર્યો હતો એનું ટેકનિકલ એનાલીસીસ કરી ને લખાવિએ છીએ, લગ્ન માં તો હજુ પણ બહુ વાંધો નાં આવે કેમકે હસ્તમેળાપ નો સમય મૂહર્ત જોઇને નક્કી થયો હોય છે એટેલે જમવાનું સમયસર મળી જાય છે, પણ ખરી મુશ્કેલી તો રીસેપ્શનમાં ઉદભવે છે જયા આંમત્રણ માં સમય લખ્યો હોય છે સાંજે ૬ થી ૯ પણ આપડે વિચારિજ લઈએ છે કે ૬ થી ૯ છે તો આપડે ૭ વાગ્યા પછી જ જવું કેમકે ત્યાં સુધી તો છોકરા છોકરી સ્ટેજ પર પણ નહિ આવ્યા હોય જેમ મુવી માં હીરો ની એન્ટ્રી લેટ થાય તો ઓડિયન્સ ની ઉત્સુકતા વધે છે એમ રિસેપ્શન નાં સ્ટેજ પર નવ વિવાહિત કપલ બને એટલું લેટ એન્ટ્રી મારવાનું પસંદ કરે છે. અને પછી લાઈનો લાગે છે હાથ મળાવવા અને ફોટો પડાવવા કેમકે તો જ આપણી પ્રસંગ માં હાજરી હતી એવી હાજરીપત્રક માં નોધ પડે, ઘણા સાબુઓની જેમ તુમ્હારા ફોટોગ્રાફર સ્લો હૈ ક્યા એવા સ્લો ફોટોગ્રાફર નાં કારણે એક તો ૮ વાગે શરુ થયેલ ફંકશન માં લાઈનો વધતી જાય છે અને દરેક ને મુખ્ય કામ એટલે પેટ પૂજા કરી ઘરે જવાની ઉતાવળ હોય છે, હવે અહી તમારી ખરી પરીક્ષા શરુ થાય છે, તમે કબુતર ને કેટલા દાણા નાખ્યા, ગાય ને કેટલી રોટલી ખવડાઈ, કુતરાને કેટલા બિસ્કિટ નાખ્યા, કેટલા કિડીયારા પૂર્યા આ બધા પુણ્ય કાર્ય નું ફળ તમને અહી મળે છે જો તમે આ બધા પુણ્ય કાર્ય કર્યા હશે તો રીસેપ્શન નાં સ્ટેજ ની લાઈન માં તમારો આગળ નંબર આવશે અને ઝડપથી ફોટો પડાઈ ને જમવા તરફ તમે પ્રયાણ કરી શકશો પણ જો આવા કોઈ પુણ્ય કાર્ય નહિ કર્યા હોય તો ૬ થી ૯ નાં સત્કાર સમારંભ માં તમે ૧૦ વાગે જમવા ભેગા થશો. હવે જમવામાં તમારે એક વાત નું ખાસ ધ્યાન રાખવું મોટા પાર્ટી પ્લોટ માં જમતી વખતે એક વાર આખા ગ્રાઉન્ડ નું ચક્કર મારી આવવું કેમકે ઘણા લોકો એટલે દુર દુર જમવાના કાઉન્ટર ગોઠવાતા હોય છે કે રીક્ષા કરીને જવું પડે, એકવાર ચક્કર લગાવી આવવાથી દરેક જમવાની માહિતી તમને મળી રહશે અને ચક્કર મારી આવશો એટલે તબિયત થી જમી પણ શકાશે, હવે જો સૂપ નાં કાઉન્ટર પર ભીડ વધારે હોય તો મેઈન કોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી દેવું કેમકે જે ભીડ સૂપ માટે છે એજ ભીડ થોડી વાર રહીને મેઈનકોર્સ નાં કાઉન્ટર પર હશે ફટાફટ જેટલું ભરાય એટલું ડીશ માં ભરી લેવું કેમકે, જમવાની લાઈન માં લાઈફ તમને ઘણીવાર એક જ ચાન્સ આપે છે એજ ચાન્સ પર બધું ડીશ માં ભરી લેવું, ડીશ ફૂલ થઇ જાય પછી એક એવો ખૂણો અથવા તો ખુરશી શોધીને બેસી જવું જયા, કોઈ નાં અથડાવાના, તમારા પર કશું ઢોળાવાનાં, બીજા મેહમાનો આપણ ને જમતી વખતે ખલેલ પહોચાડવાનાં ચાન્સ ઓછા હોય, ઘણીવાર તો તમને સત્કાર સમારંભ માં થી બધું જમીને, ચાંલ્લો લખાઈને, ફોટો પડાઈને પાછા આવ્યા નો આનંદ કોઈ રણભૂમિ માં થી યુદ્ધ જીતીને આવ્યા હો તેટલો હોય છે.

“તો હે અર્જુન ઉઠાવ આમંત્રણ કાર્ડ

હવે તો પેટ પૂજા એજ કલ્યાણ”

***

3 - પતંગ ચગવવાં નાં તમારા અનુભવ પર નિબંધ લખો ગુણ – ૧૦

મોટા ભાગે મોસ્ટ આઈ.એમ.પી તરીકે પૂછાતો નિબંધ છે, કે ઉતરાયણ પર નિબંધ લખો પણ ઘણી વાર પ્રશ્ન બદલીને પૂછાતો હોય છે કે પતંગ ચગાવવા પર નિબંધ લખો. નાના હતા અને જ્યારે પતંગ ચગાવતા નહતુ આવડતુ ત્યારે ઘરે થી પતંગ લઇ ને ધાબા પર અથવા તો સોસાયટીમાં દોડ દોડ કરતા. એમા એકાદ- બે મિનિટ માટે એ પતંગ ઉડે પણ ખરો એ જોઇને અનહદ આનંદ થતો કે જોયુ મને પતંગ ચગાવતા આવડી ગયુ. થોડા મોટા થયા હવે જો સ્ટેપ વાઇઝ મોટો થઇશ તો બહુ વાર લાગશે એટલે ડાયરેકટ મોટુ થઇ જવાનુ અને પતંગ ચગાવતા આવડીગયો પણ મારા સદનસીબે એવી કોઇ દોરી જ બની નથી જેનાથી હુ પતંગ કાપી શકુ.

ઘણા લોકો મારી પતંગ ચગાવવાંની આવડત વિષે એવું અનુમાન કરતા કે આને સુરતી દોરી લાવી આપો તો પણ કરિયાણા ની પડીકા બાંધવા ની દોરી જેવો પતંગ ચગાવે. પપ્પુ ઉસ્તાદ, રમણ ઉસ્તાદ, સિકંદર ઉસ્તાદ,ચાઇના ઉસ્તાદ (ચાઇના દોરી, ચીંગ પોંગ ચુંગ એ પોતે રંગેલી) બધા ટ્રાય કરી લીધા પણ આપણી સ્કીલ જ એવી કે કોઈ દિવસ બીજા નો પતંગ કાપી નાં શકીએ કદાચ આની પાછળ લેખક ની ગાંધીવાદી માનસિકતા પણ કામ કરતી હોય જેમાં હિંસા નો વિરોધ કેટલાય ઉસ્તાદો જોડે દોરી રંગાવી પણ પેચ લઇ પતંગ કાપે એ બીજા આપડે તો બલિદાન મા માનીએ. દિવસ ના મારા ૨ – ૩ કોડી પતંગ દર ઉતરાયણ પર કપાય તો જ બીજા લોકો ને ઉતરાયણ માં મઝા આવે.

પણ એક વાત નું ખાસ ધ્યાન રાખવાનું કે સ્વિકારવા નુ નહિ કે આપણો પતંગ કપાઇ ગયો કોક વાર લોકો નુ ધ્યાન હટાવી કપાયેલા પતંગની બાજુમાં આપડો પતંગ લઇ જઇને બુમો પડવાની જો મે કાપ્યો પોતે જાતે અરે હા મે કાપ્યો આવી રીતે દસેક પતંગ કાપી નાખવા ના પછી સાચા પેચ માં ભલે આપડો પતંગ કપાય, ઢીલ, ખેચ બધુ ટ્રાય કરી જોયુ પણ કોઇ નો પતંગ કપાતો જ નથી ખબર નહીં આ ઉસ્તાદો ને દોરી રંગતા આવડતી હશે કે નહિ. મારુ પતંગ ચગાવવાંનુ ટેલેન્ટ આવા ઉસ્તાદો ને કારણે વેસ્ટ જાય છે.

કોઇ આપણ ને લપેટ કહી જાય એવુ ચલાવાનુ નહીં. લપેટ કે એટલે કહી દેવાનુ જા નથી લપેટવુ થાય એ કરી લે મારી દોરી છે મારે લપેટવી હોય તો લપેટુ તુ મને કેહનારો કોણ દોરી લપેટવા મા મારે કાયમ ગુચ્ચમ નો સામનો કરવો પડે છે ખબર નહિ પણ કેમ આ ઉસ્તાદો સરખી દોરી પણ નથી બનાવતા કે ગુચ્ચમ જ ના થાય ૨૦૦૦ વાર દોરી માંથી ૧૦૦૦ વાર દોરી ગુચ્ચમ માં જાય છે.

જેને પતંગ ચગાવતા નાં આવડતું હોય એને કુદરત પતંગ પકડવાની આવડત ગીફ્ટ કરતી હોય છે અમારે ત્યા પતંગ પકડવા માટે વાસડા, ઝાડુ, લંગસિયા બધા પર પ્રતિબંધ છે અમે પોતે જ એટલા ટેલેન્તેડ છીએ કે આવા વિવિધ ઉપકરણો ની જરૂર જ નથી પડતી. આજુ બાજુ ના ધાબા પરથી પતંગ જાય તો પણ પકડી લાવીએ.

મારી કિન્ના બાધેલો પતંગ કાયમ ગોળ ગોળ ફરે છે અને આજુ બાજુ ના ચગતા પતંગ મા ભરાઇ ભરાઇ અને એમના પતંગ ઉતારી દેવડાવે છે એ બાબતે પતંગ બનાવવા વાળા ની ખામી આંખે ચઢી ને આવે છે કેમ જાણે આવા પતંગ શુ કામ બનાવતા હશે ? બીજું એક ન બનવા જેવી બાબત છે, ઉતરાયણ વખતે વેચાતા 5 રુપિયા ના પીપુડા ને ધ્વનિ પ્રદુષણ ધારા હેઠળ બેન કરી દેવા જોઇએ એવુ મારુ દ્રઢ પણે માનવુ છે એક તો પતંગ કપાતો ના હોય અને કોઇ તમારા કાન આગળ આવુ પીપુડુ વગાડે જે અસહ્ય છે. બીજું એક આ તલ ના લાડુ માં અપાતા રૂપિયા નો રીવાજ તો સાવ જ બંધ કરી દેવો જોઇએ કેમકે બે રૂપિયા થી વધારે કોઇ દિવસ આવા લાડુમાં થી નિકળ્યા નથી અને આ બે રુપિયા માટે આખો તાલ નો લાડું ખાવો પડે એ ક્યા નો ન્યાય છે ??

ઉતરાયણ નાં આગલા દિવસે એટલેક ૧૩મી તારીખે રાતે નવા પતંગ ખરીદવા ગીરદી માં જઇએ અને ત્યા મનુષ્ય અથડામણ સાથે ગાયો પણ ફરતી હોય અને ભરચક ભીડમાં ગાય દોડે અને પતંગો ફાટે એવા આહલાદક વાતાવરણ મા પતંગ ખરીદવાની મજા જ કઇક ઔર છે.પણ જેમ જેમ આવા નવા પતંગો મોઘા થતા ગયા અને કિન્ના બાંધવા નો કંટાળો આવતો ગયો એમ અમે નવા બિઝનેસ તરફ વળ્યા આ આઉટસોર્સિગ બિઝનેસ છે. તમારે પતંગ પકડવા એક પ્રોફેશનલ નિમવાનો જે તમને પતંગ પકડી આપે એની જોડે ભાવ નક્કી કરીને કોન્ટ્રાક્ટ સાઇન કરી લેવાનો કે જા આટલા પતંગ પકડી લાય આટલા રૂપિયા આપીશ કેટલીક વાર તો આ પ્રોફેશનલ તમારા જ ધાબા નીચે ઉભો રહીને તમારા જ કપાયેલા પતંગ તમને વેચે છે અને તોય ખરીદવા પડે છે દુનિયાદારી માં આવુ ચાલ્યા કરે બહુ મગજ પર નહિ લેવાનુ ઘણી વાર આવું કોર્સ બહાર નું પુછાય તો ગુણ ૧૦ માં થી ૫ આવે એવું પણ બને.

બોધ : કન્યા અને કિન્ના બન્ને જીવનનો પતંગ ચગ્યા પછી જ ખબર પડે.

***

4 - કામવાળા બહેન / રામલાનું માહાત્મ્ય

સમસ્ત બ્રહ્માંડ માં તમે માનો કે નાં માનો દરેક ઘરમાં જેટલું કામવાળા કે રામલાનું મહત્વ હોય છે તેવું મહત્વ બીજા કોઈ વ્યક્તિ નું નથી હોતું, ખરેખર તો કેટલાય મુવી મેકર એ ટ્રાયેન્ગલ મુવી બનાવતી વખતે પતિ પત્ની ઔર વો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પણ વાસ્તવિક પરિસ્થિતિ માં પતિ પત્ની અને રામલો હોય છે આપના રૂટિન નાં કેટલાય સમય આપણી મનસુફી પર નહિ પરંતુ રામલા નાં આવવા જવાના સમય અને કામ કરવાના સમય પર નિર્ભર હોય છે. રામલો/કામવાળા બહેન ઘરમાં પ્રવેશે ત્યારે તમે માનો કે નાં માનો દરેક ગુહીણી નાં મુખ પર એક અલગ જ પ્રકાર નું સ્મિત રેલાતું જોવા મળે છે જે તેમના પતિ પ્રવેશે ત્યારે પણ નથી જોવાતું.

બીજી બાજુ રામલા નાં મોઢા પર તુમાખી ભર્યું વર્તન આટલા બધા ફોન નહિ કરવાના ખબર જ છે ને કે ટાઈમ થશે એટલે આવીજ જઈશ? ખબરજ નાં પડે કે આપડે રામલા ને નોકરી પર રાખ્યો છે કે એણે આપણને કઈ ખબર જ નાં પડે! સમગ્ર ઘર એની આગતા સ્વાગતા માં લાગી જાય અને ઘરના પુરૂષ સભ્યો પર જાણે કે કર્ફ્યું લાગી જાય, ફટાફટ નહિ લેજો, પછી ફલાણા ભાઈ ને બીજા ઘરે કામ પર જવું છે, ફટાફટ જમી લેજો કેમકે આપણા રામલાભાઈને હજુ બીજા ઘણાકામ છે..

ઘણી વાર સમજણ નાં પડે કે આપણે કામવાળા ને આપણી સગવડતા સાચવવાં રાખ્યો છે કે કામવાળા ને કોઈ તકલીફ નાં પડે અને એની સગવડતા સચવાય એને દરમહિને યોગ્ય પગાર મળી રહે એના માટે રાખ્યો છે, કોઈ પણ એક્સ્ટ્રા કામ બતાવતા પહેલા આપણ ને મનમાં ને મનમાં ખચકાટ નો અનુભવ થાય કે નાં તો નહી પાડે ને? દિવાળી દરમ્યાન માળીયા સાફ કરાવતા કે ઉતરાયણ પહેલા ધાબુ ધોવડાવવાં માટે અગાઉ થી એપોઇન્ટમેન્ટ લેવી પડે કે સાહેબ તમે જરાક સમય કાઢી ને અમને આ કામ કરી આપશો ??

મોટા ભાગ નાં કામવાળા મલ્ટીટાસ્કીગ માં માનનાર હોય છે તેઓ એક સાથે ઘણા પ્રોજેક્ટ લઈને બેઠા હોય છે એટલે કે સોસાયટી નાં ઘણા ઘરના કામ લઈને બેઠા હોય છે દરેક ને યોગ્ય ટાઈમીગ ફાળવેલો હોય છે એ પ્રમાણે દરેક પ્રોજેક્ટ ક્લાયન્ટ એ કામવાળા નાં સમય પ્રમાણે એડજેસ્ટ થવાનું હોય છે. ક્લાયન્ટ કમ્પ્લેઇન કે ફીડબેક પણ કામવાળા તરફથી લેવામાં આવતા નથી. રજાઓ નું પણ એવું કે જ્યારે ઈચ્છે ત્યારે તમારો પ્રોજેક્ટ બંધ કરીને રજા રાખી શકે અને પ્રોજેક્ટ વિલંબ અંગે પણ કામ પર રાખનાર માલિક જ જવાબદાર ગણાય.

કામવાળું રાખવું એ એકાઉન્ટ ની ભાષા માં કહીએ તો નુકશાની નો સોદો છે ચા, નાસ્તો, જમવાનું, પગાર, બોનસ, રજાઓ, બીજા અનેક કારણોસર અપાતા રૂપિયા પછી પણ તમે એવી અપેક્ષા નાં રાખી શકો કે તે દરરોજ બે ટાઈમ સરખી રીતે કામ પર આવશે, તમારે મોટા ભાગે સ્વચ્છ ભારત અભિયાન માં જોડાવું જ પડે, કપડા ધોવા આવેલા કામવાળા ને કપડા બોળી ને રાખજો, આ પાવડર વાપરશો તોજ હું કામ કરીશ મને પેલો પાવડર માફક નથી આવતો.

હોળી નો તહેવારનું કામવાળા સમાજ માં ઘણું મહાત્મ્ય હોય છે ખબર નહીં પણ એ દેશ ક્યા આયો કે દુનિયા ભરના રામલાઓ અમે હોળી માટે દેશમાં જઈએ છીએ એમ કરીને ભૂગર્ભ માં ઉતરી જાય છે ગુગલ પર સર્ચ કરવાથી પણ આ દેશ મળતો નથી આવા સમયે આપણને કામવાળાનું સાચું મહાત્મ્ય સમજાય છે એક પણ થાળી કે ચમચી એક્સ્ટ્રા બગાડી શકતા નથી કપડા પણ વિચારી વિચારીને ધોવા નાખીએ છીએ મન ઉચાટ વાળું રહે છે ગુહિણીની વાતે વાતે કામવાળા ભાઈ હોળી દરમ્યાન નથી આવવાના એટલે સમજી વિચારીને કામ કરજો. એવી પરિવાર ને વોર્નિગ મળી જાય છે.

આ કામવાળાની કથાનું મહાત્મ્ય એ છે કે આને વાંચી આની પત્રિકા બનાવી વહેંચવાથી કોઈ દિવસ તમારું કામવાળું નકામી રજા પર નહિ જાય રોજબરોજ નાં કામવાળા નાં પ્રસંગો થી લેખકે એક કવિતા પણ બનાવી છે જે નીચે પ્રમાણે છે.

કામવાળા બહેન એક કવિ ની દ્રષ્ટિએ.

આ તમારી ક્રિકેટ તો પછી પણ જોવાય છે,

ઝડપથી જમી લો કામ વાળા બહેન પછી જાય છે,

પ્રેમ ની વાત તો તમારી પછી પણ થાય છે,

કામ વાળા બહેન આવી ગયા છે અને હવે જાય છે

નોર્થ કોરીયા ના આક્રમણ જેવી દશા ઘરની થાય છે

જ્યારે કામવાળા બહેન જાહેર કરે કે કાલથી રજા પર જાય છે

આર્થીક મંદીમા પણ કામવાળા બહેનજ એકલા કમાય છે,

કામવાળા બહેન વગર ઉનાળે, ઉનાળાના પવન ની જેમ વાય છે,

એમના વગર કામ જ ક્યા થાય છે.

ઝડપથી જમી લો કામ વાળા બહેન પછી જાય છે,

અંતે

''આમ અને લવની નથી હોતી કોઇ સિઝન

કામવાળા આવીને જતા રહે લાઇક અ પિજન''
***

5 - ઓસામા બીન લાદેન મરણનાં સમાચાર જાણ્યા ?

તમને લાગ્યુ હશે આવુ ટાઇટલ આપ્યુ તો અંદર કઇ ભારે ભરખમ ઐતિહાસીક વાત હશે પણ મને મારા વજનથી ભારે શબ્દો મળતા નથી. કેમ કે શબ્દો એ મારી જેમ જીમમાં જવાનુ ચાલુ કર્યુ નથી, આવા ભારે નામના પ્રયોગથી લેખ ગમે તેવો ભંગાર હોય તો પણ રીડર્સ મળી જ રહે છે.

સવારે કેટલા વાગ્યા હતા યાદ નથી પણ મારા ધર્મપત્ની દોડતા દોડતા આવ્યા ચેહરા પરના હાવભાવથી ઘણા ગમગીન દેખાતા હતા. સમાચાર જ કઇક એવા હતા એમણે આવીને કીધુ ઓબામા ને અમેરીકા એ મારી નાખ્યો મે કીધુ ના હોય હજુ હમણા તો પ્રેસિડેન્ટ બનાવ્યો હતો અને પતાવી પણ દીધો ત્યારે એમણે કીધુ અરે હવે એ ઓબામા નહી પેલો દાઢી વાળો આંતકવાદી ઓબામાં મે કીધુ એનુ નામ ઓસામા બીન લાદેન છે. હવે એ બધુ એક જ, તમે સવાલ બહુ પુછો છો સમાચાર સાંભળોને મારી નાખ્યો એ મહત્વનુ છે, કોણે ને ક્યારે ને આવુ બધુ શુ પુછો છો. અહી સમાચાર ફેલાવા મહત્વના છે, સમાચાર મહત્વના નથી એક ગુજરાતી સ્ત્રી તરીકે ની તેની લાક્ષણીકતા છતી થઇ.

પછી મે પણ મારો કોઇ નજીકનો સગો ગુજરી ગયો હોય તેમ એસ.એમ.એસ, વોટ્સએપ ફેસબુક, ટવીટર કરી આ સમાચાર ફેલાવ્યા અને પંચાત શરુ કરી દીધી અને પોતે પણ ન્યુઝ ચેનલ આગળ ગોઠવાઇ ગયો. આ માત્ર યોગાનુયોગ છે કે પોતાના કારનામા માટે કુખ્યાત અલકાયદાનો પ્રમુખ ઓસામા બિન લાદેન અને જર્મનીના નાઝી તાનાશાહ એડોલ્ફ હિટલરના મોતની જાહેરાત એક સરખી તારીખે એટલે કે એક મેના રોજ થઈ. અને ગુજરાત નો જન્મદીવસ પણ એ જ દીવસે હતો.દરેક ચેનલ પોતાની રીતે ઓસામાના ન્યુઝ બતાવી રહ્યા હતા. એક જગ્યાએ તો રાશિભવિષ્ય ના પ્રોગ્રામમાં ઓસામા બીન લાદેન ને જ્યોતિષમાં ચાર ગ્રહોથી બનવાવાળા આ ચતુર્થી યોગને અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં બુધ, શુક્ર, મંગળ અને ગુરૂ એકસાથે છે આ જોઇને મને લાગ્યુ અમેરીકા ખોટુ કહી રહ્યુ છે ખરેખર તો આ ગ્રહોએ ઓસામાને માર્યો અને અમેરીકા ખાલી ખોટી બઢાઇ મારી રહ્યુ છે.બીજી એક ચેનલ ઓસામા એ મરતા પેહલા શુ ખાધુ એ ક્યા આગળ બટાકા ઉગાડતો હતો એ બધુ બતાવતી હતી એને એ બટેકા ખાવાથી ગેસ થતો હશે કે ખાલી મને જ રોજ બટેકા ખાઇ ને ગેસ થાય છે એવો એક બ્રહ્મ પ્રશ્ન ત્વરીત રીતે મારી અંતરઆત્મામાં સ્ફૂર્યો. એક ચેનલ બતાવતી હતી કે ઓસામા ને ચાર પત્ની હતી એની બીજી જ ચેનલ પર ન્યુઝ હતા કે ઓસામા દુબળો પડી ગયો હતો મને તરતજ ઓસામા ના દુબળા પડી જવાનુ કારણ ઘરકંકાસ અને ઘરસંસાર માં ચાર પત્ની તો પછી તો એ બચારા ને દાઢી કરવાનો પણ સમય નહિ મળતો હોય એ વાત મનમાં તરતજ નક્કી થઇ ગઇ હશે તેવો ખ્યાલ આવી ગયો.

આખો દીવસ ઓસામાને મરતો લાઇવ જોનાર ઓબામા બીજાને પણ એ વિડિયો બતાવશે એવી લાલચ સાથે હુ ટીવી જોડે ચોટી રહ્યો પણ કઇ જોવા ના મળ્યુ છેવટે એનીમેટેડ ન્યુઝ ચેનલ ના વિડિયોથી મે સંતોષ માણ્યો અને કંટાળી ને છેવટે હુ પાન ના ગલ્લે પહોચ્યો ત્યા મને જરાક ડાઢક વળી. એક ભાઇ પાનની પિચકારી મારતા મારતા કહી રહ્યા હતા મને તો ખબર જ હતી કે આવુ જ કૈઇક થશે ને ઓસામાને પતાવી નાખશે, પાકિસ્તાનનેય જે વાતની ખબર ન હતી એ વાત ની ખબર એ ભાઇ ને હતી બીજા ભાઇ ને એની પ્રોપર્ટીમાં રસ હતો કે અત્યારે પ્રોપર્ટીના ભાવ કેટલા છે લાદેન ના બંગલાની કિંમત આશરે બે થી ત્રણ કરોડ તો ખરી જ. અરે એક એકાઉન્ટન્ટ ભાઇ લાદેન પાછળ ના ખર્ચામાં જ અમેરીકામાં મંદી આવી એવુ રીઝન લઇને આવી ગયા હતા. અને એના આધારે શેરબજાર નાં ભાવો કેવીરીતે નક્કી થશે તેનું ટેકનિકલ એનાલીસીસ કરતા હતા.

એક ભાઇ તો આજે લેટેસ્ટ સમાચાર લાયા હતા મે નહોતુ કીધુ કે ઓસામા મરી જશે એટલે પેટ્રોલના ભાવ વધશે જોયુ પાંછ રૂપિયા વધ્યાને ઓસામા હતો ત્યા સુધી અમેરીકા ભાવ નહતુ વધારી શકતુ હવે જુઓ કેવા ભાવ વધે છે ખરેખર તો ઓસામા મર્યો એમા આપણને જ નુકશાન છે ખરેખર આવા લોજીક હશે કે ત્રણ રૂપિયા વાળો પાનમસાલો ખાવાથી માણસ માં આવા પ્રકારનુ લોજીક જન્મતુ હશે હવે તમે આ લેખવાચતા એમ ના વિચારતા કે મે ગુટખા ખાઇને લખ્યો છે.ગુટખા પ્રતિબંધીત છે. અને ધુમપાન નાં અમે સખત વિરોધી છીએ જેનાથી કર્ક રોગ થાય છે અને દરેક મુવી ની શરૂઆત માં મુકેશ નામનો શખ્સ મરી જાય છે આમ ઓબામા ની ભારતયાત્રા પેહલા ઓસામાબીન લાદેન નાં મરણ નાં સમાચાર આ રીતે ચર્ચાતા હતા. જય હીદ જય ભારત.

***

6 - વિશ્વ પુરૂષ દિન પણ હોવો જોઈએ.

મહિલાઓ માટે નો દિવસ હોય એવીરીતે પુરૂષો નો પણ કોઈ દિવસ હોવો જોઈએ હંમેશા પુરૂષ પ્રધાન સમાજ હોવા છતાં પુરૂષો જોડે અન્યાય થતો આયો છે. એમનો બચારા ગરીબોનો કોઈ સ્પેશ્યલ દિવસ જ નાં હોય, એમણે તો બસ બધાને ગીફ્ટ જ વહેચવાની. જ્યાં જાઓ ત્યાં લેડીઝ ફસ્ટ નાં પાટિયા વાગેલા હોય. કોઈ નાની મોટી મુવી ની ટિકિટ થી માંડીને રેલ્વે રીઝર્વેશન ની લાઈન હોય, ત્યાં બધે લેડીઝ ની લાઈન ઓછી હોય અને એમનો નંબર જલ્દી આવે જ્યારે પુરૂષ ની લાંબી લાઈનો માં ઉભા રહીને કષ્ટ વેઠવું પડે અને સ્ત્રીઓ નાં પ્રશ્નો તો સહન કરવા જ પડે કે અત્યાર સુધી ક્યા હતા કેમ આટલી વાર લાગી. ખરેખર વાર શબ્દ પર થી યાદ આવ્યું કે સ્ત્રીઓ ને કાર્ય કરતા કે તૈયાર થતા જેટલી વાર લાગે એની પાછળ તેમનાં સર્જન પાછળ ભગવાને પણ વધુ પડતો સમય આપેલો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે અને પુરૂષ ને બનાવતા ભગવાન ને પણ ટાઇમ નહતો બગડ્યો.

પુરૂષ હમેશા સ્ત્રી કરતા વધારે ખુશ રહી શકે છે થોડો આળસુ હોય છે પણ ખુશ હોય છે જે અંગે ના થોડા કારણો જોઇએ :

(૧.) પુરૂષ પાછળ લાગતુ એક બીજા પુરૂષ નુ નામ કોઇ દીવસ બદલાતુ નથી ભગવાને દાઢી મૂછો બધું પુરૂષ ને એટલે આપ્યું છે કે એમને ખબર છે કે આ આળસુ છે એ બહાને અઠવાડિયા માં કઇક કામ કરશે.

(૨.) કોઇ નો પણ ફોન આવે તો પુરૂષ ની વાત કરવાની સમયમર્યાદા નિશ્ચીત હોય છે અહી જો પ્રેમમા પડેલો પુરૂષ હોય તો તેને થોડા સમય માટે અપવાદ ગણવો. પુરૂષ હંમેશા ચલો બસ પછી મળીએ ત્યારે વાત કરીએ એવું કહીને ફોન મુકવામાં વિશ્વાસ રાખે છે જ્યારે સ્ત્રી બે કલાક વાત કર્યા પછી હમણા તો વાત જ નથી થતી યાર ક્યાંક મળીને શાંતિથી ગપ્પા મારીએ એવા સંવાદો સાથે ફોન સમાપ્ત કરતી જોવા મળે છે.

(૩.) પુરૂષ ને તૈયાર થતા જરાય સમય લાગતો નથી અને પાંચ દીવસ ના વેકેશન મા જવા માટે પણ બેગ પેકીગ મા એક જ જીન્સ ચાલે છે. જ્યારે સ્ત્રીને બે ચાર કલાક માટે પણ જવાનું હોય તો અમેરિકા જતા હોય એટલી તૈયારી અને બેગો લઇ જવાની સ્વાભાવિક ટેવ હોય છે.

(૪.) પુરૂષ ને વાતે વાતે ખોટુ લાગતુ નથી કોઇ બચારુ ઇનવાઇટ ના કરે તોય પુરૂષ માટે એ મિત્ર કે સબંધી જ રહે છે એને સાચુ ખોટુ ની ફીલીગ હોતી નથી જયા સુધી એનામા એવી ફીલીગ કોઈ સ્ત્રી દ્રારા ઇનસર્ટ કરવામા ના આવે.

(૫.) પુરૂષ ને હેરસ્ટાઇલ નો બહુ ઓછો ખર્ચો હોય છે મોટા ભાગે એક હેરસ્ટાઇલ આખી જીદગી પણ ચાલતી હોય છે અને દાઢી ના કરવા અંગે પુરૂષ શ્રાવણ મહીનાનો સહારો લે છે ખરેખર દાઢી કરીને જીવન માં કોનું ભલું થયું છે એવો એક મુક્ત વિચાર દરેક પુરૂષ નાં જીવનમાં ફરતો હોય છે પણ સમાજ એના વિચારો ને દબાવી એને સાફ સુથરો ક્લીન શેવ રેહવા પર મજબુર કરતો હોય છે.

(૬.) પુરૂષ ખરીદી કરવામા વધારે ભાવતાલ અને ૫૦ દુકાનો ફરતો નથી જ્યા જે ગમ્યુ ત્યાથી ઉપાડી લે છે થોડીક બીનજરૂરી ચીજવસ્તુઓ ખરીદી લે છે પણ એ તો ચાલે, એકંદરે ૨૫ વસ્તુ લેતા એને ૩૦ મીનીટ થી વધારે લાગતી નથી. જેટલી મિનિટ માં તે ખરીદી કરે છે એટલી મિનિટ કોઈ સ્ત્રીને વસ્તુ સિલેક્ટ કરતા લાગે છે.

(૭.) પુરૂષ મા ઇર્ષા હોતી નથી ભુલથી પણ પોતાના જેવા કે પોતાના થી સારા કપડા પેહેરેલા પુરૂષ ને જુવે તો રીએકશન મા ઇર્ષા ના આવે પણ આ તો મારો ભાઇ જેવો લાગે છે એવા જ શબ્દો નીકળે.

(૮.) પુરૂષ વસ્તુ પણ બદલ બદલ કરવામા માનતો નથી એનો એજ ટુથ બ્રશ અને ઘુઘરા જેવો અવાજ આવે ત્યા સુધી શેવીગ બ્રશ નો ઉપયોગ કરવો. સાબુ પણ જે માફક આવી ગયો એ વર્ષો સુધી ચલાવે રાખે છે. ખોટી જાહેરાતો માં ભરમાતો નથી ભાઈબંધ કે બહેનપણી નાં કેહવાથી પોતના પ્રોડક્ટ ઝડપથી બદલી નાખતો નથી.

પુરૂષ ની આટલી બધી ખૂબીઓ હોવાછતાં કોઈ દિવસ પુરૂષ દિવસ ની ઉજવણી કરવામાં આવતી નથી આ ગ્લોબલ લેવલ પર પુરૂષો ને થતો અન્યાય છે. સ્ત્રી પુરૂષ સરખાપણા ની વાતો માં બચારા પુરૂષ ને સરખો કરી નાખવામાં આવે છે, આશા રાખીએ કે ૮ માર્ચ વિશ્વ મહિલા દિન છે એવો કોઈ તારીખ વિશ્વ પુરૂષ દિન માટે પણ નક્કી થશે. કઈ નહિ તો ૨૯ ફેબ્રુઆરી તો એલોટ કરો દર ચાર વર્ષે ઉજવીશું પણ વિશ્વ પુરૂષ દિન હોવો જોઈએ.

***

7 - ફાંદ અપાવે સમાજમાં શાન.

આજકાલ વજન ઉતારવાનો અને પાતળા દેખાવાનો કે ઝીરો ફિગર દેખાવનું ચલણ સમાજમાં વધતું જાય છે પરંતુ આતો સમાજ છે, ટ્રેન્ડ બદલાય પણ ખરો. અત્યારે જાહેરાતો આવે છે કે ઘેરબેઠા વજન ઘટાડો, કસરત વગર વજન ઘટાડો, ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડો, પણ ધીમે ધીમે માનસિકતા બદલાય અને આપણે પાતળા થવાની આ હોડમાં થી બહાર આવી વજન વધારવા પર પણ જઈએ.

વર્ષો પેહલા મોબાઈલ ફોન ઘણા મોટા હતા પછી ધીમે ધીમે નાના મોબાઈલ નો ક્રેઝ વધતો ગયો કે નાના અને ઝીણા અને સલીમ મોબાઈલ ની બજાર માં જબરદસ્ત માંગ હોય પણ ધીમે ધીમે ઈતિહાસ નું પુનરાવર્તન થયું લોકો પાછા મોટા મોબાઈલ તરફ વળ્યા અત્યારે એટલા મોટા મોબાઈલ અને ટેબ્લેટ આવે છે કે તમે કોઈ જમણવાર માં ડીશ નાં મળે તો એના પર જમવાનું મૂકી ને જમી શકો છો. એવું જ કાઈક થવાનો સંભવ સમાજમાં વજન વધારા ઘટાડા ક્ષેત્રે પણ રહેલો છે. હાલમાં વજન ઘટાડવાનો ટ્રેન્ડ છે જે બદલાઈ ને વજનવધારવા પર ફાંદ બનવા પર પણ જઈ શકે છે..

સમાજ બદલાશે જેની જેટલી મોટી ફાંદ એની સમાજમાં એટલી મોટી શાન એવા દિવસો પણ આવશે. ફાંદ વધારવી એ કાંઇ બચ્ચાના ખેલ નથી એના માટે નીચેની ગુણ હોવા આવશ્યક છે.

દ્રઢ મનોબળ જોઇએ = ગમે તેવી કામ કરવાની ઇચ્છા થાય તોય આળસ મરડીને પાછા બેસી જવાનુ એના માટે મનોબળ આવશ્ય્ક છે. તમે એટલા આળસુ દેખાવા જોઈએ કે કોઈ ની ગમે તેટલી ઈચ્છા હોય તોય તમને કામ નાં સોપી શકે. કોઈ પણ મહત્વ નું કામ હોય તમારે ફાંદ વધારવી જ છે એવો સતત વિચાર મનમાં ચાલ્યા કરતો હોવો જોઈએ.

ઘણી જ મહેનત = મહેનત કરતા પોતાને રોકવુ એ પણ ઘણુ મેહનત નુ કામ છે. કઈ પણ મેહનત કર્યા વગર બેસી રેહવું અને સમાજ માં એવું બતાવું કે આ દિવસ રાત કામ કરે છે તોય એની ફાંદ ઉતરતી નાથે ખરેખર કમાઈ ગયેલી વ્યક્તિ લાગે છે આ દેખાડો કરવો એ ઘણું જ મહેનત માગી લે તેવું કામ છે.

નિશ્ચય : લેપટોપ ખોળામાં રાખીને બેઠા બેઠા ટાઇપ કરતા કરતા પણ વચ્ચે વચ્ચે પોતાની ફાદ પર હાથ ફેરવી પોતાના નિશ્ચય નો એને પરીચય કરાવતા રેહવુ પડે છે.

ડાયેટ પર ધ્યાન આપવુ પડે : તળેલુ, ઘી વાળુ, ચીઝ, પનીર, આઇસ્ક્રીમ, ચોકલેટ, કોલડીનક્સ આ બધુ આપણ ને રોજ-બરોજના ખાવાના માંથી મળતુ નથી જેના કારણે ફાંદ વધતી અટકે છે. આ બધા ડાયેટ ચાર્ટ ફોલો કરતુ રેહવુ પડે.

મેડિટેશન: ફાંદ વધારવા મેડિટેશન ઘણુ જ આવશ્યક છે જમીને મુખવાસ ખાઇને એસી ચાલુ કરીને શવાસન મુદ્રામાં સીધા સુઇ જવુ અને એક હાથ પોતાની ફાંદ પર ફેરવતા રેહવુ જેથી ફાંદ ને આકાર મળે આ ઘણુ જ કઠીન છે પણ રેગ્યુલર કરવાથી ફાવટ આવી જાય છે.

આટલી મેહનત કર્યા પછી જે ફાંદ આપણને મળે છે એના ઘણા ફાયદા પણ થાય છે જે નીચે મુજબ છે.

  • બુફે માં પણ તમારે ટેકો શોધવા જવુ પડતુ નથી તમે તમારી જ ફાંદ પર પ્લેટ પાર્ક કરીને આરામથી જમી શકો છો.
  • ફાંદ વાળા લોકોને લોકો તવંગર સમજે છે એટલે બેંક બેલેન્સ ન પણ હોય તોય લોકો આની જોડે બહુ રૂપિયો હશે એની ફાંદ તો જો એવુ કહેશે જે તમને શાન અપાવશે.
  • ભલે બધાને લોકો પ્લાસ્ટીક ની ખુરશીમાં બેસાડે પણ તમને આવતા જોઇ લોકો પોતાની ખુરશી તુટતી બચાવવા સોફા પર બેસાડશે.
  • ભલે એક જ દરવાજો ખુલ્લો રાખેલો હોય પણ તમારા સ્વાગત માટે લોકો ઉભા થઇને પોતાના દરવાજા ને તુટતા અટકાવવા બેય દરવાજા ખોલીઆપશે.
  • તમે એક ટીકીટ લઇને બે માણસ તરીકે સફર કરી શકશો તમારા માટે જગત જગ્યા કરશે તમારી જેટલી વધારે ત્રીજ્યા એટલી વધારે જગ્યા.
  • આમ એક દિવસ આવશે જ્યાંરે સમાજની વિચારધારા બદલાશે અને ફાંદ બેલ્ટ માં છુપાવાની જગ્યાએ સમાજમાં શાન અપાવતી અને જાહોજલાલી ની નિશાની બની જશે અને આવો દિવસ નાં આવે ત્યાં સુધી નાસ્તા નો ડબ્બો સાથે લઇ ને વાંચતા રહો અઘરી નહિ પણ લઘરી વાતો

    ***

    8 - ઉનાળાની બપોર

    ઉનાળો એટલે ધકધકતો તાપ જેમાં ગરમી નો પારો ૪૫ ડીગ્રી સુધી પહોચી જાય છે ઘણીવાર એવું બને કે આપણે ઉનાળા વિશે નિબંધ તૈયાર કરીને ગયા હોઈએ અને પરીક્ષામાં શિયાળા પર નિબંધ પૂછે તો પણ તમે ઉનાળા પર લખી શકો કારણકે અહી આપણે ત્યાં ઠંડી ની અનુભૂતિ બહુ ઓછી થાય છે બારેમાસ જાણે ઉનાળો જ હોય છે, કદાચ તમને યાદ હોય તો આપણે ભણતા ત્યારે ભદ્રમ ભદ્ર નો પાઠ આવતો હતો એમા આવતુ કે સુગ અને સૌદર્ય એ વસ્તુગત નથી પણ ભાવનાગત છે. ઉદાહરણ પણ આપેલુ કે પોદડો એ સુગ ચઢે એવી વસ્તુ છે પણ ઉનાળામા જ્યારે ચંપ્પલ વગર બહાર જવાનુ થાય છે ત્યારે રસ્તા પર પડેલા લીલો પોદડો તમને સુગ નથી ચઢાવતો એના પર પગ મુકી ને તમને એક સુખની અનુભુતી થાય છે અથવા તો ગરમીની પીડામાથી મુક્તી આપે છે અને કહ્યું હતું કે સુખ અને સોદર્ય એ વસ્તુ ગત નથી પરંતુ ભાવનાગત છે.

    ઉનાળામાં આપણ ને ગરમી ની જેટલી બીક નથી લાગતી કે પરસેવો નથી થતો એટલી ગરમી કેરી નાં ભાવ સાંભળી ને થાય છે અને એનાથી વધારે પરસેવો જ્યારે AC ચાલુ રાખ્યું હોય અને બિલ આવે ત્યારે રૂપિયા ભરતા ભરતા પરસેવો છૂટી જાય છે. ઉનાળા ની ગરમી લોકો ને મુજવણ માં મૂકી દે છે પોતાના છોકરા ને બહાર રમવાનાં જઈશ ત્યાં બહુ ગરમી છે અને જ્યારે એનો એજ છોકરો ઘરમાં ધમાલ કરે ત્યારે કેહવાતું હોય છે કે બહાર રમવાજા ઘરમાં તોડફોડ નાં કરીશ આ બધું ગરમી માથે ચઢી જવાને કારણે થાય છે.

    ઉનાળા માં પરસેવો સખત થાય એમાં પણ વિજ્ઞાનીઓ એ નથી શોધી શક્યા કે આ પરસેવા નું પાણીનું ટપકું કાનની પાછળ થી કેમ ઉધભવતુ હશે અને શરીર પર ફરી અને ગુરુત્વાકર્ષણ નાં નિયમો અનુસરી છેક પગ સુધી પ્રસરતું રહે છે. આ પરસેવો દુર્ગધ સ્વરૂપ માં પરિવર્તિત થાય છે અને બીજી સીજનમાં જે ખર્ચો આપણને માખી મચ્છર ભગાડવાની દવાઓ પર થાય છે એજ ખર્ચો નાહવાના સાબુ અને પરફ્યુમ પર થાય છે, પણ આ બધી વૈજ્ઞાનિક ઘટનાઓ પાછળ સાહિત્ય એવું કહે છે કે તમારા પરણવા નાં ચાન્સ ઉનાળામાં વધી જાય છે એ અંગે કેહવત પણ છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય ક્યાંય પાણીથી નાહવાની કેહવત આપડા વડવાઓએ બનાવી નથી કદાચ એમને પણ આપણી જેમ કોર્પોરેશનનું પાણી જ આવતું હશે.

    ઉનાળો એ તો રસ ની ઋતુ છે એવું ઘણા લેખકો કહેતા. મને લાગે છે એવું એટલે કહેતા હશે કે દરેક ચાર રસ્તે લીબુના શરબત ની લારી, શેરડીનો રસ, તરબૂચ નો રસ, કેરીનો રસ, લેખકો ને ગમતો હશે એટલે એ લોકો એ આ ઋતુ ને રસની ઋતુ કહી હશે. ગરમી બહુ પડે છે એમ કહી કહીને ઘણા લોકો આ બધા રસ નું સેવન કરે રાખતા હોય છે અને રાત પડે એટલે યાર ગરમી સહન નથી થતી એમાં કહી બરફ નાં ગોળા અને આઈસ્ક્રીમ થી સતત રીતે મોઘવારી ને ગાળો દેતા દેતા ગરમી નો સામનો કરે રાખતા હોય છે. આ લોકો એજ હોય છે જે ઘરે ત્રીસ હજાર રૂપિયા ખર્ચી ને AC લાયા હોય છે અને રાત્રે ધાબે સુતા હોય છે જેથી AC નાં વાપરવું પડે.

    ઉનાળાની ગરમીમાં શોપીગ મોલમાં ઘણી ભીડ જોવા મળે છે એટલે નહિ કે વેકેશન છે અને લોકો ખરીદી કરવા નીકળ્યા હોય છે આ તો ક્યા ગરમી માં બહાર ફરવું એના કરતા કોઈ શોપીગમોલ વાળા નું AC મફત નું વાપરી ખાવાનું, ઉનાળાની ગરમી સ્ત્રીઓ ને લાજ કાઢતી કરી દે છે દરેક એકટીવા સ્કુટી ધારક સ્ત્રી બુકાની ધારક આંટી માં પરિવર્તિત થઇ જાય છે. અને હવે તો પુરૂષ પ્રજાતિ માટે પણ નવું મધમાખી જેવું માસ્ક આવી ગયું છે જેમ ચીનમાં દરેક જણા આપણ ને સરખા લાગે એમાં ઉનાળામાં દરેક સ્ત્રી પુરૂષો નાં મોઢા સરખા માસ્ક વાળા થઇ ગયા હોય છે. એક તો પગ દજાય એવી ગરમી અને મોઢે માસ્ક આંટીઓ મોટા ભાગે પગ ઘસડીને સ્કુટી કે એકટીવા ની બ્રેક મારતી હોય છે ગરમી માં પગ દજાતા બ્રેક ઓછી વાગવાને કારણે અને મોઢે બુકાની ને કારણે ઓછું દેખાતું હોવાથી ઉનાળામાં અકસ્માત ની સંખ્યા પણ વધી જાય છે.

    દરેક ઋતુ નાં પ્લસ માઈનસ હોય છે એમ ઉનાળો પણ ઉજવો તો એક સારી ઋતુ છે આ લેખ નું શીર્ષક ઉનાળાની બપોર એટલે રાખવામાં આવ્યું કે આ લેખ બપોરે લખ્યો હતો બાકી આ શીર્ષક ની યાથાર્તતા લેખમાં ચર્ચાઈ નથી, હું ગુજરાતી વાંચતા રેહજો કેમકે મોબાઈલ પર અવેલેબલ છે ઘરની બહાર નહિ નીકળવું પડે અને લુ પણ નહિ લાગે.

    ***

    9 - એક માનવ સર્જિત ભૂવા (ખાંડા) ની આત્મકથા

    દોસ્તો હું એક માનવ સર્જિત ભૂવો છું મોટા ભાગે ભૂવો શબ્દ આવે એટલે લોકો ને લાગે કે નેપાળ નાં તરાઈ નાં જંગલમાંથી તંત્ર વિધા પ્રાપ્ત કરીને આવેલ કોઈ વ્યક્તિ હશે પણ હું એ નથી, મારો જન્મ પણ તંત્ર નાં કારણે જ થાય છે. જ્યારે જ્યારે હું સમાચાર રૂપે છાપે ચઢું છું ત્યારે વર્તમાનપત્રો લખે છે કે તંત્ર ખાડે ગયું તંત્ર ઉઘતું ઝડપાયું તંત્ર ની ઘોર નિષ્ફળતા આમ તંત્ર એ મારો જન્મદાતા છે મને ખબર નથી કે આ તંત્ર કોણ છે કેમકે હું નાનો ખાડો હતો ત્યારે જ મને મારા માતા –પિતા એવા તંત્ર એ મને રસ્તા પર રજળતો મૂકી દીધો હતો.

    મારું નાનપણ બહુ જ સારું રહ્યું હતું હું એક નાનકડા ખાડા તરીકે ઓળખાતો, નાના બાળકો મને એક ખાબોચિયા તરીકે ઓળખતા વરસાદ આવે ત્યારે હું પોતાનામાં પાણી ભરી લેતો કોઈ મારા ઉપર પડે નહિ એની પણ આજુબાજુ ની સોસાયટી વાળા ખાસ કાળજી રાખતા તેઓ મારા ઉપર એક લાકડી અને એના ઉપર એક મસ્ત લાલ કલરનું કપડું ભરાઈ જતા, જેથી અવર જવર કરનાર નું ધ્યાન રહે અને હું પોતાને સુશોભિત મેહસૂસ કરતો ઘણા દેડકા મારા ઉપર તરવા આવતા, થોડા માખી મચ્છર પણ મારા ઉપર બેસતા, નાના બાળકો મારા પર નાની કાગળ ની બોટ બનાવીને તરવા પણ મુકતા. લોકો મારી આસપાસ પોતાના વિહિકલ પાર્ક કરી જતા, ઘણી વાર જાણે કે હું કોઈ નદી કે સમુદ્ર હોઉં, તેમ મારી આસપાસ ચોપાટી જેવું માર્કટ ભરાવા લાગ્યું પાણીપુરી થી માંડીને વિવિધ વાનગીઓ શાકની લારીઓ પણ મારી આસપાસ ઉભી રેહવા લાગી, લોકો પોતાની ગંદકી મુજ નાનકડા ખાબોચિયામાં નાખતા પણ આસપાસ નું રમણીય માનવ મેહરામણ જોઈ મને ખુબ જ મઝા આવતી.

    ત્યાર બાદ સમય વિતતો ગયો હું યુવાન અને મોટું ખાબોચિયું થઇ ગયો. લોકો મને ખરાબ નજર થી જોવા લાગ્યા સોસાયટી નાં ચેરમેન એ સતાવાળાઓ ને મારા વિરુદ્ધ ફરિયાદ કરી કે અહી તમારી બેદરકારી નાં કારણે પાણી ભરાયેલું રહે છે જે સોસાયટી અને સમાજ નાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જુવાન વયમાં મારી સામે આવી ફરિયાદ નું સાંભળી મને થયું કે હું સમાજમાં કોઈને મોં પણ નહિ દેખાડી શકું અને હું ઊંડો ને ઊંડો ઉતરતો ગયો. પણ પછી તંત્ર નાં બેહરા કાને આવી કોઈ ફરિયાદ ની અસર જ નાં થઇ હું પ્રસરતો ગયો હવે દર ચોમાસે મારામાં પાણી ભરાતું પણ એક દિવસ મેં સાભળ્યું કે ચુંટણી નજીક આવે છે અને વોટ માંગવા આવનાર કોરપોરેટર એ આસપાસ ની સોસાયટી ને વાયદો કર્યો છે કે હું અહી પાણી ભરાયેલું નહિ રેહવા દઉં. હું હવે એક ચુંટણી અને સતા નો મુદો બની ચુક્યો હતો.

    એક દિવસ અચાનક જ મોટી મોટી ક્રેન અને ખટારા આવવા લાગ્યા અને મજુરો નું એક મોટું ટોળું પણ મારા ત્યાં આવી ચઢ્યું એ લોકો એ અચાનક જ મારા પર હુમલા કરવાના શરુ કરી દીધા અને મારા પર નું બધું પાણી સાફ કરી થોડું ઘણું પુરાણ કરી એના પર ગરમા ગરમ ડામર પાથરી દીધું મારી તો જાણે છાંતી બળી ગઈ અને એટલું ય જાણે અધૂરું હોય એમ મારા ઉપર રોલર ફેરવામાં આવ્યું મને કચડી નાખવામાં આવ્યો, એક દિવસ મારું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું એક નેતા ને મેં કેહતા સાંભળ્યો કે જોયું અમે નહતું કીધું કે અમને વોટ આપશો તો અહી ગંદકી અને ખાડા ની જગ્યાએ રોડ થઇ જશે. અમે આમારો વાયદો પૂરો કર્યો આજથી આ રોડ નું લોકાર્પણ કરવામાં આવે છે.

    ત્યારપછી મારા પણ વિહિકલ ની દોડધામ મચી ગઈ પણ અંદરો અંદર તો હું જીવિત હતો બસ ફરી શ્વાસ લેવાની જાણે રાહ જોતો હતો અચાનક જ ફરી વરસાદ આવ્યો અને એક બસનું ટાયર મારી અંદર ખુંપીગયું અને હું ફરી જીવિત થઇ ગયો મારા જીવિત થયા નાં સમાચાર સ્થળ અને ફોટા સાથે વર્તમાનપત્રો માં પણ નોધાયા. થોડું ઘણું મારા પર સમારકામ થયું પણ પાંછી પરીસ્થિતી એની એજ એક વાર તો મને જાણે હડપ્પા અને મોહીજોદડો ની સંસ્કુતિ મારી નીચેથી નીકળવા ની હોય એ હદે ખોદી નાખવામાં આયો પણ કઈ નાં થયું પાછું ઝડપભેર પુરાણ કરી મારા પર રોડ બનાવી દેવાયો અને પાછું ચોમાસું આવે એટલે પાછો હું જીવિત થાઉં, મને લાગ્યું કે સતાવાળાઓ મને મારી કેમ નહિ નાખતા હોય તો કોઈ માનવી ને મેં કેહતા સાંભળ્યો કે આ ભૂવો તો તંત્ર ની જ ઉપજ છે આની પાછળ તો રાજનીતિ અને વોટબેંક છે આને જીવાડવામાં બધા ને રસ છે. ત્યારે મને સમજાયું કે મારા માં-બાપ જ તંત્ર છે તો કોઈ માં-બાપ પોતાના બાળક ને થોડું મારી શકે તો દર ચોમાસે મળતા રહીશું બસ મારે એટલું જ કેહવું છે કે હું અમર છું હે માનવ મારા થી બચીને ચાલજે નહિતો હાથપગ ભાંગવાનો કે મુત્યુ નો યોગ સર્જાઈ શકે છે.

    ***

    10 - સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ

    સ્ત્રીઓ ને સમજવી ઘણી મુશ્કેલ હોય છે ભલ ભલા લોકો સમજી નથી શકતા તમારી કેવી વર્તણુંક પર સ્ત્રી કેવો પ્રત્યાઘાત આપશે? એ સમજવું જોઈએ કેમકે સ્ત્રી ને કોઈ દિવસ તમે સમજી નથી શકતા. તો અમે એક ગાઈડ ટ્યુટોરીયલ તૈયાર કર્યું છે જેના આધારે તમે (પુરૂષ ) એક સ્ત્રી ને સરળતા થી સમજી શકવાનો પ્રત્યન કરી શકશો. સ્ત્રીઓ તમારી વર્તણુક નું આંકલન કયા પ્રકારે કરશે એ જાણવું ખુબ જરૂરી છે અને તો જ તમે એક સ્ત્રી ને સાચી રીતે સમજી શકશો. તો નીચેના મુદ્દાઓ ને ધ્યાન પૂર્વક વાંચી અને આપણે યાદ પણ રાખીશું. ભલે પરીક્ષામાં નાં પુછાય પણ આપણી સમજણ શક્તિમાં વધારો જરૂર કરશે.
    (
    ૧.) પુરૂષે જો સામે જોયેજ રાખ્યુ તો લાઇન માર્યા સીવાય કોઇ ધંધો જ નથી?

    (૨.) પુરૂષે સામુ ના જોયુ તો બહુ એટેટ્યુટ છે સાલામાં!

    (૩.) પુરૂષ જો ભુલથી સારા કપડા પેહરીને એની સામે ગયા મને ઇમપ્રેસ કરવાનો એક ચાન્સ નથી છોડતો એ

    (૪.) લઘર વઘર હાલત મા ગયા તો કોઇ ડ્રેસીગ સેન્સ જેવુ જ નથી

    (૫.) જો તમે દલીલો માં સામે જવાબ આપ્યો તો બહુ ઝીદ્દી છે એ તો પોતાનુ ધાર્યુ જ કરાવે.

    (૬.) જો તમે દલીલો માં સામે જવાબ જ ના આપ્યો તો ડફોળ છે મને જવાબ આપવાનીયે ત્રેવડ નથી.

    (૭.) જો તમે મગજ વાપરી ને કોઇ સ્માર્ટ વાત કીધી તો પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે.

    (૮.) જો સ્ત્રી મગજ વાપરીને કોઇ સ્માર્ટ વાત કરે તો એ તો અમે કરીએજ ને આમે અમેતો પુરૂષો કરતા સ્માર્ટ જ હોઇએ.

    (૯.) જો સ્ત્રીના પ્રેમ એકરાર મા તમે ના પાડવાની હિમત કરી તો એને આના પહેલા પણ બે થી ત્રણ છોકરીઓ જોડે આવુ કર્યુ તુ સારુ થયુ એણે હા ના પાડી હુ ખોટી ફસાઇ જાત.

    (૧૦.) જો ભુલથી તમે પ્રપોઝ કર્યુ તો આ યાર આખો દીવસ લટ્ટુ ની જેમ પાછળ ફર્યા કરે છે.

    (૧૧.) જો ભુલથી તમે કોઇ પ્રોબ્લેમ વાળી વાત ના કરી તો તમે સબંધો પ્રત્યે પ્રમાણીક નથી બધુ મને કેહતા નથી.

    (૧૨.) જો તમે તમારી પ્રોબ્લેમ વાળી વાત કરી તો બધા પ્રોબ્લેમ તમને જ હોય છે અમારે તો કોઇ પ્રોબ્લેમ હોતા જ નથી જાણે!

    (૧૩.) જો ભુલથી તમે કોઇ સ્ત્રી ને સલાહ આપી તો આટલી સલાહ તો મારા પપ્પાએ પણ મને નથી આપી મને કોઇ સલાહ આપે એ ગમતુ નથી.

    (૧૪.) જો સ્ત્રી તમને સલાહ આપે તો મારે તો તમને સલાહ આપવી જ પડે હુ તમારી કેટલી કેર કરુ છુ અને તમે સાભળતા નથી.

    (૧૫.) જો તમે ભુલથી વચન ના પાળ્યુ તો હવે તમારી વાત પર બીજી વાર વિશ્વાસ જ નહી કરુ તમને વચન ની એહમીયત જ નથી.

    (૧૬.) જો ભુલથી સ્ત્રીએ વચન ના પાળ્યુ તો તમે તો સમજી શકો છો સ્ત્રી તરીકે ની મારી મજબુરી હતી.

    ટુકમાં તમે ઉપરોક્ત ઉદાહરણ વાંચ્યા કે જેમાં સ્ત્રી લાક્ષણિક રીતે કેવી પ્રતિક્રિયા આપે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. મને ખ્યાલ છે કે ઉપરોક્ત ૧૬ ઉદાહરણ ની પ્રતિક્રિયાઓ વાંચી તમે સ્ત્રી ને સમજવામાં વધારે મુજવણ માં મુકાઈ ચુક્યા છો. દરેક પુરૂષ સ્ત્રી ને સમજવાનો પ્રત્યન કરતો હોય છે અને છેવટે સમજી ના શકતા લેખક અથવા તો કવિ બની જતો હોય છે. ટૂંકમાં સ્ત્રી ને કોઈ સમજી શકતું નથી એવું દરેક સ્ત્રી કેહતી હોય છે કે તમે મને નહિ સમજી શકો. આ વાક્ય એકદમ સાચું છે તો આવા બધા ઉદાહરણ વાંચી ને સ્ત્રીને સમજવાનો પ્રત્યન કરવા નો મૂકી દઈને સ્ત્રી ને પ્રેમ કરો, કેમકે પ્રેમ શબ્દ માં સમજણ ની જરૂર નથી અને તમારું ગાડું હરી પાર લગાવી દેશે.

    ***

    11 - રસોઇ શો કેવીરીતે બનાવશો

    આજ કાલ જે પણ ચેનલ જુવો એના પર એકાદ રસોઈ શો આવતો જ હોય છે. એક વાત નક્કી છે કે આપણેત્યાં જેટલી રસોઇ બનતી નથી એના કરતા વધારે રોજ રસોઇ શો વાળા આપણને બનાવતા હોય એવુ લાગે છે. એક જ વાનગી નું જુદુ જુદું નામ આપી આપણ ને ટી.વી સામે થી ખસવા નથી દેતા દા.ત – ગ્રિલ્ડ રોટી વિથ ઓનિયન અને કર્ડ. આપણ ને લાગે કઈક ગજબ ની વાનગી હશે પછી આખો શો જોવો ત્યારે ખબર પડે કે આ તો વઘારેલી રોટલી અને દહી છે અને એ અડધો કલાક તમારા મગજ નું દહી થાય એ પાછું અલગ.

    એમા રસોઇ શો ની એંકર મસ્ત ચીપી ચીપી ને બોલે એટલે આપણને ગમે તેવી રસોઈ પણ પચી જાય. ખરેખર આ લોકો રસોઈ ની સુંદરતા કરતા વધારે ધ્યાન રસોઈ શો ની એન્કર ની સુંદરતા પર આપે છે, જેથી રસોઈ શો જોતી મહિલાઓ ને ચર્ચા નો મુદો પણ મળી રહે કે જોયું ગયા એપિસોડ કરતા હેર સ્ટાઈલ બદલી છે અને ગઈ વખતે ૫૦૦૦ રૂ વાળો સાદો ડ્રેસ પેહર્યો હતો આ વખતે રૂ.૪૫,૦૦૦/- નું ભારે સેલુ પેહર્યું છે.

    તો આજે આપણે શીખીશુ વેજીટેબલ ખીચડી વીથ મનચુરીયન (સીધી સાદી વસ્તુ ને આડા અવળા નામ આપી દો અને બે અલગ અલગ ખાવાના ને ભેગા કરી દો ). રેસિપીના જેટલા ભેદી ભેદી કોમ્બીનેશન લાવશો એટલા લોકો વધુ તમારો શો જોશે યાદ રાખો તમે શું બનાવો છો એ બહુ મહત્વ નું નથી પણ તમે કેટલું અઘરું નામ રાખો છો અને કેવી ભેદી ભેદી સામગ્રી મિક્સ કરો છો એ દર્શકો માટે વધારે મહત્વ નું હોય છે.

    વેજીટેબલ ખીચડી વીથ મનચુરીયન રસોઇ ની સામગ્રી

  • તો સૌ પ્રથમ આપણે એક કુકર લૈશુ જેમા ખીચડી મુકીશુ
  • અને મનચુરીયન સરખા બનતા ના હોય તો કોઇ પણ ચાઇનીઝ લારી પરથી તૈયાર લાઇશુ કેમકે ઘણા લોકો રબ્બર જેવા મનચુરીયન બનાવતા હોય છે અને ઘણા તો પેપરવેટ તરીકે ચાલે એવા કડક લાકડા જેવા.
  • મીઠુ સ્વાદ બગડે નહી એ અનુસાર.
  • મરચુ લાલ થાય નહી એ અનુસાર. (અહીં જીભ ની વાત થાય છે.)
  • હળદર ખીચડી ની જગ્યાએ તમે પીળા ના પડી જાઓ એ અનુસાર.
  • ઘી તમારુ તેલ ના નીકળી જાય એટલુ.
  • અને વેજીટેબલ ઘરમા પડયા હોય એ બધાજ. (નોંધ: વેજીટેબલ મેગી ને ખીચડી મા ભેળવવી નહી એ જીવન માટે હાનિકારક થઇ શકે છે. )
  • બાકી બધા અઘરા નામ વાળા અને કોઈના પણ ઘરમાં અવેલેબલ નાં હોય એ બધા મસાલા.
  • હવે અમે અને રસોઇ શો ની એન્કર પાચ મીનીટ આડી અવળી વાતો કરીશુ જેથી તમારું ધ્યાન રસોઈ પરથી હટી જાય અને તમને ખ્યાલ નાં આવે કે ખરેખર અમે શું બનાવા માંગતા હતા. અમે ચકલી લાઈ દાળ નો દાણો અને ચકો લાયો ચોખા નો દાણો બન્ને એ ભેગા થઈને ખીચડી બનાઈ એવી વાતો પણ કરી શકીએ છીએ.

    રસોઈ ની પ્રક્રિયા શરૂ કરીશું.

  • સૌ પ્રથમ આપને ગેસ ચાલુ કરીશુ ૧૦ મીનીટ ની ખીચડી માં એક કલાક પ્રોગ્રામ ચલાવાનો હોવાથી ગેસ થોડો ધીમો રાખીશુ.
  • કુકર ને બંધ કરીને ગેસ પર મુકીશું અને ચાર સીટી વગાડીશું અને પછી કુકર ખોલી ને જોઈશું અને જો તો પણ ખીચડી ના બફાય તો પાચમી સીટી આપડે મોઢાથી પણ વગાડી શકીએ છીએ જેથી ખીચડી પચવામાં સેહલાઈ થઈ જાય.
  • હવે ખીચડી તૈયાર છે હવે તૈયાર રાખેલા મનચુરીયન ને ખીચડી પર ગોઠવી દઈશું અને સર્વ કરીશુ.
  • વાહ શુ સ્વાદ છે!? મનચુરીયન ખીચડી થોડી વધારે બફાઇ ગૈઇ છે એક રકાબી માં પી લેવી પડશે.
  • અહી એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું રસોઈ શો માં એવી એવી વાનગીઓ બતાવી કે જેથી ઘરે કોઈ જાતે બનાવાનો પ્રત્યન નાં કરે, ગમે તેટલા રસોઈ શો જોઈ લો અને પછી તમે ઘરે જઈને પૂછો કે જમવામાં શું બનાયું છે તો ભાખરી શાક અને ખીચડી શાક સિવાય બીજો કોઈ ઓપ્શન નહિ મળે. જ્યારે WWF જોતા હતા ત્યારે ચેતવણી આવતી કે આવી મારામારી ઘરે કે સ્કુલ માં કરવી નહિ એવી જ વોર્નિગ રસોઈ- શો માટે પણ હોવી જોઈએ એવું લેખક નું અંગત પણે માનવું છે.

    ***

    12 - બોસ આપડે ફૂટબોલ કેમ નથી રમતા

    આપડે લોકો નાના હતા ત્યારે લખોટી, ફોટા, છાપો, ગીલ્લી દંડા, દોડ-પકડ, ખો-ખો, સંગીત ખુરશી વગેરે વગેરે ગેમો રમતા આયા છીએ સેહજ મોટા થયા એટલે ક્રિકેટ રમવાની શરુ કરી દીધી બસ પછી ક્રિકેટ જ રમે રાખી છે ક્યારેય વિચાયું છે કે આપડા ત્યાં વિશ્વની સૌથી વધારે રમાતી રમત ફૂટબોલ કેમ નથી રમાતી ?? અમારી પાસે આ ગેમ ગુજરાતમાં નહિ રમાવાના ઘણા જ લોજીક વગર નાં કારણો છે.

    વર્ષો પહેલા આપડા ત્યાં ફૂટબોલ રમાવાની શરુ થઈ હતી પણ માવા પાન મસાલા ગુટખા મોઢામાં ભરી રાખીને ગમે તે ગેમ રમવાની આદત આપણને ભારે પડી મોઢામાં માવો દબાવી ને દોડતા કેટલાય ખેલાડીઓ ને યલો કાર્ડ અપાતા એક ખેલાડી તો મોઢામાં માવો ભરી દોડતો હતો ત્યાં અચાનક જ એક વાર પાન ની પિચકારી રેફરી ને વાગી ગઈ એની સફેદ ટી-શર્ટ લાલ થઇ ગઈ અને એણે આપડા પ્લેયર ને રેડ કાર્ડ આપી દીધું. અને આપણ ને ફૂટબોલ કેમ નાં રમવો જોઈએ એ વિશે ડીટેઈલ રિપોર્ટ ફીફા ને મોકલવામાં આવ્યો હતો આ રહ્યો એ રિપોર્ટ.

    રેફરી નો ફીફા ને રિપોર્ટ કરતો પત્ર

    જય ભારત સાથે જણાવાનું કે

    બાબત : બોસ આ લોકો ને ફૂટબોલ રમવા નાં દેવાય

    ફીફા આ પત્ર માં ભાષા થોડી ટપોરી ટાઈપ ની થઇ ગઈ છે એ દરગુજર કરશો કેમકે આ લોકો જોડે રહી રહીને હું પણ આવોજ થતો જાઉં છું. આ લોકોને કોઈ દિવસ ફૂટબોલ નાં રમવા દેવાય એ અંગે આ રિપોર્ટ પત્ર દ્રારા તમને સબમિટ કરું છું.

    એક તો મોઢામાં માવો ભરીને રમે છે જ્યાં ત્યાં થુંકે રાખે છે, અને બીજું એક કારણ એવું છે કે આ લોકો પાકા ધંધાદારી લોકો છે અને આળસુ પણ. એક તો આ લોકો મને રેફરી ને એવું કહે છે કે છેક સામે ગોલ પોસ્ટ સુધી દોડી ને ગોલ કરવા કોણ જાય? આ તો બહુ દોડા-દોડી વાળો ધંધો છે અને એ પણ એ બોલ પાછળ દોડવાનું અને ગોલ કરવાનો? જે બોલ પેહલેથી જ ગોળ છે એવા ધોરણ – ૩ નાં જોક મારે છે. ઘણા તો સવારે ફૂટબોલ રાખીએ તો બ્રેક દરમિયાન ફાફડા ગાઠિયા ખાવા જતા રહે તો પાછા જ નથી આવતા.

    મેં એક ભાઈ ને પગ વાગવાથી પડી ગયા અને કોર્નર કિક આપી તો એ ભાઈ એ કોર્નર માં જઈને પાણી પૂરી ની લારી મૂકી દીધી કે દરેક કોર્નર પર પાણીપૂરી નાં લારી માં જેટલી કમાણી છે એટલી ફૂટબોલ ની દોડા-દોડમાં નથી. હજુ એ ભાઈ નું કોર્નર પર નું દબાણ ખસેડીએ એ પેહલા ત્યાં આજુબાજુ પાથરણા પાથરી ને લોકો એ રેકડી નાખી દીધી ફૂટબોલ જોતા જોતા ધંધો થશે એવું જણાવા લાગ્યા, પછી મેં કંટાળી ને કોર્નર કિક ની જગ્યાએ ફ્રી કિક આપવાનું શરુ કર્યું તો આ લોકો કહેવા લાગ્યા ફ્રી જ છે તો એક કિક શું કામ બે- ત્રણ આપોને તમારા બાપ નું શું લુટાઈ જવાનું છે?

    કોઈ પેનલ્ટી એરિયા માં પડી જાય અને પેનલ્ટી કિક આપું તો પેનલ્ટી કિક ની જગ્યાએ સામે વાળી ટીમ ને રૂપિયા માં પેનલ્ટી કરો તો કઈક મળે એવું હશે, તો રૂપિયામાં તમારો પણ ભાગ રાખીશું એવી ઓફરો આપતા હતા. એક ભાઈ ને મેં ગુસ્સામાં આવી ને યલો કાર્ડ આપ્યું તો એમણે મને સામે એમનું વેઝિટીગ કાર્ડ આપીને કીધું કે જમીન- મકાન ને લાયક કઈ પણ કામકાજ હોય તો કહેજો. આ ફૂટબોલ ગ્રાઉન્ડ વેચવું હોય તોય કહેજો તમારુંય કમીશન રાખીશું.

    સ્પોર્ટ્સ શુઝ તો પહેરવાની જ નાં પાડે છે કે ચપ્પલ જ સસ્તા પડે. પ્લયેર બદલવાનો કહું તો પોતાની જગ્યાએ બીજા પ્લેયર ને રમવાનું બીજા પ્લેયર જોડે થી ભાડું માગે. મેં પૂછ્યું કેમ તો કહે કે સર દરેક જગ્યા હોય એ ભાડે તો ચઢાવી જ પડે તો જ આવક થાય એવો અમારે ત્યાં નિયમ છે. મેચ માં ગોલ સરખા હોય અને એક્સ્ટ્રાટાઈમ રમવાનું કહું તો કહે કે એના એક્સ્ટ્રા રૂપિયા થશે !!

    ઉપરોક્ત ઉદાહરણ વાંચી તમે સમજી ગયા હશો કે આ લોકો નો મુખ્ય રસ ફૂટબોલ માં નહિ પણ રૂપિયા કમાવા અને ધંધામાં છે તો મારા પત્ર મળે થી મને પણ પાછો ફીફા બોલાઈ લેજો આભાર.

    આપનો વિશ્વાસુ
    રેફરી.

    બસ આ રેફરી એ આપડા વિષે આવો પત્ર લખી ફીફા ને મોકલ્યો ત્યારથી આપડે ફૂટબોલ માં રમી શકતા નથી.

    ***

    13 - વરસાદ કેમ નથી આવતો ??

    વરસાદ આવી આવી ને જતો રહે છે અને ગરમી અને બાફ માં વધારો કરતો જાય છે એની પાછળ આપણી પોતાની માનવીય ભૂલો કારણભૂત છે શું ભૂલો કરીએ છે આપણે કે વરસાદ તરત જ બંધ થઇ જાય છે અથવા લાંબા સમય સુધી વરસતો નથી ??

    બોસ વરસાદ નાં ચાર છાંટા પડ્યા અને દેડકા કરતા વધારે ફેસબુક પર નાં કવિઓ ફૂટી નીકળ્યા. પણ વરસાદ પણ ટ્વીટર જેવો સ્માર્ટ થઇ ગયો છે, આવી કવિતાઓ થી ત્રસ્ત થઇ તરતજ બંધ થઇ જાય છે. એક લોજીક તો એવું કહે છે કે આ વખતે અધિક માસ છે એટલે વરસાદ એક મહિનો વધુ ખેચાયો છે. પણ ખરેખર તો હવે સમાજને અને વરસાદને બન્ને ને ટાઈટલ ક્લીયર કવિઓ ની જરૂર છે ટાઇટલ ક્લીયર કવિ એટલે કેવા કવિ ??

    જેનું કવિતા નાં ૭ અને ૧૨ નાં ફોર્મ માં માલિક તરીકે નામ ચાલતું હોય એટલે કે જેનો પ્રાસ ફક્ત તુક્ક્કા નહિ પણ ખરેખર કવિતા હોય જે કવિઓ એ છાપામાં પોતાના કવિતા નાં માલિકી પણા અંગે છાપામાં જાહેરાત છપાવી હોય કે મારી કવિતા ઓ ઉપર જો કોઇ નો પણ લાગ, ભાગ, હક્ક, હીત હિસ્સો પોષાતો હોય અથવાતો મારા કવિ હોવા સામે કોઇ પણ જત નો વાધો વિરોધ કે તકરાર હોય તો દિન -૭ મા લેખીત જાણ કરવી જો કોઇ વાંધો વિરોધ કે તકરાર નહી આવે તો અને જો આવશે તો પણ મને ટાઇટલ ક્લીયર કવિ માની લેવામા આવશે જેની ગંભીર નોધ લેવી. અને જો કોઈ વાંધો વિરોધ કે તકરાર નાં આવે તો જ આ કવિ ટાઇટલ ક્લીયર કવિ છે એવું માની એને વરસાદ પર કવિતા લખવાનો હક્ક અપાશે જેથી વરસાદ ને જરાય ખરાબ નાં લાગે તો કદાચ વરસાદ સરખો આવી શકે.

    બીજી એક વસ્તુ નું ખરાબ વરસાદ ને લાગે છે કે જેવો એ દસ ઈચ થી વધારે પડે એટલે મીડિયા વરસાદ પર નું પોતાનું ફોકસ છોડી અને ફક્ત તંત્ર ભુવા અને ઝાડ પડ્યા અને અંડરબ્રિજ પર ફોકસ કરે છે જેથી વરસાદ ને તરત ખોટું લાગી જાય છે અને બીજા જ દિવસ થી વરસાદ આવાનો બંધ થઈ જાય છે. વળી મીડિયા જેવો વરસાદ આવે એવું તરતજ હવામાન ખાતા જોડે પહોચી જાય છે અને હવામાન ખાતું પણ જોશ માં આવીને તરતજ રિપોર્ટ આપી દે છે કે આગામી ૪૮ કલાકમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી બસ આ આગાહી જેવી વરસાદ નાં કાને પડે એવો તરતજ વરસાદ બંધ થઇ જાય છે.

    બીજા આ રેડિયો વાળા તરત જ વરસાદ ની પાછળ પડી જાય છે. ટ્રાફિક નાં હેશટેગ બનાવા મચી પડે છે વરસાદ નાં કાને વાગે એવા વરસાદ નાં ગીતો વગાડવાનું શરૂ કરી દે છે જેથી વરસાદ બચારો હજુ તો જન્મ્યો હોય છે અને હેબતાઈ જાય છે અને તરતજ બંધ થઇ જાય છે..

    દાળવડા, મેથીના ગોટા વગેરે ફોટા નાનકડા વરસાદ માં ફેસબુક પર મારો ચલાવી દેવાય છે. વરસાદ એ પણ એક સોશિયલ પ્રાણી છે અને એ પણ હેલ્થ પ્રત્યે જાગૃત હોવાથી આવી તળેલી વાનગીઓ નાં ફોટા જોઈ તરતજ વરસવાનું બંધ કરી દે છે. અને ઘણા નાં મેથીના ગોટા નાં ફોટો પણ ગોફણ જેવા હોય છે.

    બીજું વરસાદને ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ થી સખત નફરત હોય છે જેવો વરસવાનો શરૂ થાય લોકો વરસાદ નાં ફોટા અપલોડ કરે છે જે વરસાદને જરા પણ ગમતું નથી. આમાંનાં ઘણા તો સેલ્ફી વિથ વરસાદ પણ પાડે છે! વરસાદને પણ કઈક સેલ્ફ રીસ્પેક્ટ જેવું હોય કે નહીં? એ આવા ફોટા થી ગભરાઈને મોટા ભાગે પડતી વખતે વાદળ અને અંધારું જ રાખે છે જેથી તમારા સેલ્ફી સારા નાં આવે. તો પણ લોકો ફ્લેશ વાળા કેમેરા લઈને ફોટા પાડેછે જેથી વરસાદ કંટાળીને વરસવાનું બંધ કરી દે છે.

    ટુકમાં વરસાદ ઘણો કન્ઝરવેટીવ માઈન્ડ નો છે એને ખોટો શો – ઓફ, ખોટું મીડિયા એટેનશન વગેરે ક્યારેય પસંદ નથી. વરસાદ ને બ્રેકિગ ન્યુઝ માં રહેવું, પોતાના પર કવિતાઓ થવી વગેરે પણ જરાય પસંદ નથી. વરસાદને ફેસબુક ટ્વીટર જેવું સોશિયલ લાઈમલાઈટ પણ પસંદ નથી. જ્યાં સુધી આપણે આ બધી વસ્તુ માં સુધારો નહિ કરીએ ત્યાં સુધી આપણે વરસાદ પેહલાનો બાફ જ સહન કરવાનો છે.

    ***


    14 - અગલે જન્મ મોહે કુતરા હી કીજો.

    કુતરું હોવું એ આજકાલ સ્ટેટ્સ ગણાય છે કુતરા નાં બે પ્રકાર હોય છે એક રખડતું કુતરું અને બીજું પાળેલું કુતરું. રખડતું કુતરું એ કુતરા સમાજમાં પછાત કુતરા તરીકે સ્થાન પામે છે, પણ એ કુતરા જોડે કુતરા તરીકે ની સ્વતંત્રતા હોય છે. જ્યાં ઈચ્છા થાય ત્યાં ફરવાનું અને કોઈ સામાજીક રોક-ટોક નહીં. કોઈ દિવસ કોઈ પ્રશ્નો નાં પૂછે ક્યા ગયા’તા ? કેમ એટલી વાર લાગી ? આજે જમવામાં શું બનાવું ? આપડે બહાર ક્યારે જવાનું છે ? તમે સાવ બદલાઈ ગયા છો ? આવી કોઈ માથાકૂટ રખડતા કુતરા ને નાં હોય એ હંમેશા સ્વતંત્ર જીવની જેમ ફર્યા કરતુ હોય. સોસાયટીમાં કોઈપણ પ્રવેશે બિન્દાસ્ત એના પર ભસી શકે ભલે પછી બહારથી આવનાર કોઈના સાસુ-સસરા જ કેમ નાં હોય. પેટ્રોલ નાં ભાવ વધે કે ઘટે, રખડતા કુતરાને કોઈ ફરકજ ના પડે એ તો પેહલા પણ બાઈક પાછળ દોડતું હોય અને ભાવ વધારા ઘડાડા પછી પણ બાઈક અને કાર પાછળ એનું દોડવાનું ચાલુ જ હોય. ઘરની પણ કોઈ ચિતા નહિ કોઈ દિવસ એકટીવા ની આગળ નાં ભાગમાં સુઈ જવાનું તો કોઈ દિવસ કોઈની મોઘી કારનાં છાપરે સુઈ જવાનું. વળી સુવાના ટાઈમિગ માં પણ કોઈ માથાકૂટ નહીં. કોઈ એવું ના કહે કે રાત્રે મોડે સુધી નહિ જાગવાનું સવારે વહેલા ઉઠવાનું. હા, થોડી ઘણી તકલીફો રહે, જેમકે અંદર અંદર હદ બાબત નાં ઝઘડા અથવાતો કોઈ મુર્ખ માનવ કોઈ દિવસ ગુસ્સામાં આવી લાકડી કે પથ્થર મારી જાય, પણ આ તો સંસાર છે ચાલ્યા કરે એ ભાવના થી રખડતું કુતરું હંમેશા કુતરા સમાજમાં અલગ સ્થાનધરાવે છે

    કૂતરાઓનો બીજો પ્રકાર એટલે પાળેલું કુતરું અહી આ કુતરું એ કુતરા સમાજની ઉચ્ચ જ્ઞાતિમાં આવે. એની અલગ અલગ જાતિઓ હોય. એ ફક્ત કલર પરથી ના ઓળખાય જેમકે લાલિયો કે પીળિયો. પણ એતો પોમેરિયન, લેબ્રાડોર, ડોબરમેન, આલશેશિયન વગેરે વગેરે નામે ઓળખાય. આ કુતરા ઘણા મોંઘા પણ હોય છે. જેમના ગાળામાં પટ્ટા હોય એ કુતરા એ.સી ગાડીઓ માં ફરવા ઘણી વાર એકટીવામાં આગળ બેસવા ટેવાયેલા હોય છે. એમના ખાવાના માટે તેમનો માલિક ટી.વી જાહેરાતો જોઈ પ્રોડક્ટ ખરીદ કરીને લાવતો હોય છે. આવા પાળેલા કુતરા ના નામ પણ ઘણીવાર રાશિ પ્રમાણે રાખવામાં આવતા હોય છે. ઘણા લોકો તેને પરિવાર નું સદસ્ય જ ગણાતા હોય છે. એ ખોવાય તો છાપમાં જાહેરાત પણ આવતી હોય છે કે પ્રિય મોતી તું જ્યાં હોય ત્યાંથી પાછો આવીજા હવે અમે તને કઈ નહિ કહીએ – લી મોતી નો માલિક. એ ગુજરી જય તો પણ છાપામાં જાહેરાતો આવતી હોય છે કે દુ:ખદ અવસાન બેસણું. અને એક વાત ચોક્સ્સ હોય છે અમીર નાં કુતરા નાં બેસણામાં જેટલા લોકો ની હાજરી હોય એટલી હાજરી તો ખુદ અમીર માલિક નાં બેસણામાં પણ નથી હોતી. ધીમે ધીમે આ કૂતરાઓનો બોલીવુડ મુવીમાં પણ વિકાસ થતો ગયો છે. પહેલા જમાનામાં કુતરાઓ જીતેન્દ્ર નાં મુવી માં કામ કરી ગુજરાન ચલાવતા. બાળક ની માં મરી ગઇ હોઈ તો કુતરું બાળક નું પણ ધ્યાન રાખતું, વિલન નાં અડ્ડા સુધી હીરોને દોરી જતું, લોકો આવા કુતરા ને ‘તેરી મેહરબાનીયા’ કહેતા. પછી સમય બદલાયો બોલ રાધા બોલ આવ્યું જેમાં કુતરા નાં પણ હમશકલ આવ્યા, હમશકલસ મુવી માં માણસ કુતરું બને છે એ બાબત પાછી અલગ છે. ત્યાર પછી આવ્યું પોમેરિયન જે હમ આપકે હૈ કોન મુવીમાં એમ્પાયર તરીકે નું પણ કામ કરતુ અને હીરો હિરોઈન ને મેળવી પણ આપતું હતું. પણ આ સમગ્ર કાર્યકાળ દરમિયાન કુતરા ને સાઈડ એક્ટર તરીકે નાં જ રોલ મળતા હતા.પણ પછી આવ્યું એન્ટરટેન્મેટ મુવી જેમાં કુતરુ ૩૦૦૦ કરોડ નું માલિક હોય, લીડ રોલ હોય, કુતરા ની પોતાની હિરોઈન પણ હોય, એના માટે ડાન્સ હોય એક્શન હોય, રોમાન્સ હોય બધું જ હોય. વળી આ કુતરું વાંચી શકતું હોય એના માટે હોસ્પિટલ હોય વગેરે વગેરે હોય. આ રીતે ઉત્તરો ઉત્તર કુતરા સમાજ નું ધર્મેન્દ્ર નાં જમાના માં થતું શોષણ અટક્યું અને વિકાસ થયો. આમ પાળેલું કુતરું કુતરા સમાજમાં તવંગર વર્ગ માં આવે છે. પણ કુતરું રખડતું હોય અથવા તો પાળેલું, કુતરું થવામાં ઘણા ફાયદા રહ્યા છે એ નક્કી છે. બસ હવે કુતરા પરની સીરીયલ બનવાની બાકી છે જેમાં ટાઈટલ આજ હશે અગલે જન્મ મોહે કુતરા હી કીજો ’

    ***

    15 - વાચકો અને લેખકો વચ્ચે તફાવત

    વાચકો અને લેખકો વચ્ચે તફાવત મોટે ભાગે આ પ્રશ્ન અઘરો હોઇ પરીક્ષામાં પુછાતો નથી. પણ શુ કરીએ કોક વાર પુછાઇ જાય તો એથી અગાઉની તૈયારી ના ભાગ રૂપે જાતે પ્રશ્ન ઉદભવિત કરી અને જાતે જ જવાબ આપી પોતાના જ લખાણ ની વાહવાહ કરાવવાની લેખક તરીકે મને ટેવ છે એટલે લખુ છું. જે વાત આપણે એકાદ વાક્ય કે એકાદ શબ્દ માં કહી શકીએ એ જ વાત છસ્સો થી સાતસો શબ્દો માં કેહવી એટલે લેખક હોવું. ઘણા લેખકો ને એક આખું બોક્સ છાપાં વાળાં આપી દેતા હોય છે અને જેમ વાંચકો શુન-ચોકડી ભરે એ રીતે લેખકો એ બોક્સ ને ભરી દઈ ને ધારદાર લેખ તૈયાર કરતા હોય છે

    વાચક : - વાચક ને કોઇ ગામ વિશે લખવાનુ કહ્યુ હોય તો એ સીધે સીધુ લખી દે કે ફલાણી જગ્યાએ ફલાણા નામનુ ગામ હતુ. વધારે કોઈ સારો વાચક હોય તો એ ગામ કયા રાજ્ય માં પડે એ લખે અને તેનો પીનકોડ નંબર લખે પણ જો આ જ વસ્તુ કોઈ લેખક ને લખવા આપી હોય તો ?

    લેખક : - લેખક ને કોઇ ગામ નુ વર્ણન કરવાનુ કહ્યુ હોય તો અંતરીક્ષ ની સીમા ઓ પણ જયા અંત આવી જાય છે, જે ગામ ની સ્ત્રીઓ મેનકા અને પરીઓ જેવા કક્ષા નુ રૂપસોર્દર્ય ધરાવતી હોય છે, જે ગામના સીમાડે રોજ સાજે ગાયો ના ગળા માં પેહરેલી નાનકડિ કંઠિ જાણે મોરલી ના મધુર સંગીત જેવો આનંદ આપે છે, જ્યાં કુષ્ણ ની ભક્તિ છે અને અલ્લાહ ની ઈબાદત છે એવુ આ રમણીય ગામ ( ટુંકમા આવુ ગામ ક્યા આયુ તમને ક્યારેય ખબર જ ના પડે. )

    વાચક :- વાચક કોઇ ને પાણી પીતા બતાવવા ખાલી એવુ લખે કે, ખુણા મા પડેલા માટલા માથી એણે પાણી પીધુ, અથવા તો એને ખુબ તરસ લાગી હતી એટલે એણે ખૂણામાં પડેલા માટલાંમાંથી ગ્લાસ માં પાણી પીધું.

    લેખક : - તેણે રૂમ નો દરવાજો ખોલ્યો મિજાગરા ઘસાઇ જવાના કારણે હજુ પણ ક ચી ચી ચી એવો ધ્વની ઉતપન્ન થતો હતો, આ રૂમ કેટ્લાય દિવસ થી સાફ ન થવાના કારણે કરોળીયા ના જાળા લાગેલા હતા તરસ માનવીને માટલુ શોધતા શીખવાડી દે છે? તેનુ ધ્યાન તરત જ ખુણા માં પડેલા માટલા પર ગયુ, એણે બાજુ માં પડેલા ડોયા વડે પાણી લીધુ, ડોયો સાફ ન થવાના કારણે તેના પર થોડી ધુળ હતી. તેણે ડોયો વિછળયો રસોડા માં જઇ ગ્લાસ લઇ આવ્યો અને ખુણામાં પડેલા માટલા માથી એક ગ્લાસ પાણી ભરી પોતાના મો ને અડાડ્યો. જાણે વર્ષો ની સુકાયેલી નળીઓ મારફતે પેટ માં પાણી જતુ હોય તેમ પાણી સીધુ મુખવાટે પેટમાં ઉતરી ગયું અને જાણે એ પાણી નહિ પણ અમુત પીતો હોય એવો ભાસ તેના ચેહરા પર સપષ્ટ દેખાતો હતો. (ટૂંકમા તેણે પાણી પીધું)

    વાચક : - બચારા ને લખવાનો ચાન્સ ના મલતો હોય એટલે કોક વાર ચાન્સ મળે તો પણ એક જ લેખ એક જ આવુતી માં પતાવી દે ક્રમશ રાખી શકે નહિ.

    લેખક : લખવા તો આને પણ બહુ ના મલતુ હોય તો પણ જ્યારે મળે ત્યારે ભાવ ખાય ચાર – પાંચ અંક સુધી તો ખાલી નવલકથા ના પાત્રોની ઓળખાણ કરાવે. એક બેઝ તૈયાર કરે પાત્રો તમારા મગજમાં એક ઈમેજ ક્રિએટ નાં થાય ત્યાં સુધી એ પાત્ર ને મુકે જ નહીં.

    ***

    16 - ગુજરાતી મુવી કેવીરીતે બનાઉં ?

    આજકાલ ગુજરાતી મુવી નો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. જે જોવો એ ગુજરાતી મુવી બનાંવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ‘કેવી રીતે જઈશ?’, ‘બે યાર’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ વગેરે મુવી લોકો ને થીયેટર સુધી ખેચી રહી છે અને લોકો ગુજરાતી મુવી ને હોશે હોશે માણી રહ્યા છે અને વધાવી રહ્યા છે. પરંતુ ગુજરાતી મુવીનો ઈતિહાસ આટલો સારો કોઈ દિવસ નહતો તમને ખબર છે અમે તો જુના ગુજરાતી મુવી ની રેસેપી પણ નક્કી કરી દીધેલી છે કે એક જ રીતે ગુજરાતી મુવી બનતા હતા.

    જુના ગુજરાતી મુવી બનાવતી વખતે એક વાત નું એ લોકો ખાસ ધ્યાન રાખતા મુવી માં સ્ટોરી હોય કે નાં હોય પણ મુવી નું નામ ૧૩ (તેર) અક્ષરો નું ચોક્કસ રાખવું. ખરેખર તો ૧૩ નંબર ને અપશુકનિયાળ ગણવામાં આવે છે પણ ગુજરાતી મુવી બનાવતા લોકો આને શુકન ગણતા અને આ ૧૩(તેર) અક્ષર નાં નામવાળું મુવી ઓડિયન્સ માટે અપશુકન થઇ જતું હતું. અને હું તો એવા કોઈ તેર લોકો ને પણ નથી ઓળખતો કે જેમણે આ મુવી જોવા ગયા હોય.

    જુના ગુજરાતી મુવી બનાવતા હીરો ની ફાંદ નું ખાસ ધ્યાન રાખવામાં આવતું, જેમકે વધારે ફાંદ વાળો હીરો હોય તો મુવી નું વજન વધારે પડે અને લોકો વજનદાર મુવી માણી શકે એ હેતુ હોઈ શકે. બીજું કે દરેક ફાંદ વાળા હીરો એ પોતાની કમર પર દુપટો બાંધવો ફરજિયાત હતો, અને હીરો સાદા કપડા જેવા કે ટ્રાઉઝર, પેન્ટ શર્ટ વગેરે નાં પહેરી શકે એ ઘરમાં પણ કેડિયું પેહરીને જ ફરતો હોય. આપણા જેવા નોર્મલ માણસો ને તો આ કેડિયું પેહરી ને ચાલવામાં અને ગરબા રમવામાં પણ તકલીફ પડતી હોય પણ હીરો એ હીરો હોય છે એ કેડિયું પેહરીને મારા મારી નાં સીન પણ કરી શકે. ભલે પગ ઉચો પણ ના થતો હોય તોય બચારો સામે વાળો ગુંડો પડી જ જાય. હીરો હાથ પગ ની મુવમેન્ટ કરતા ડાયલોગ પર વધારે ધ્યાન આપે એટલે ગુંડા ને મારવાની જગ્યાએ લલકારવા પર અને એની સાથે વાતો કરવા પર બહુ ધ્યાન આપે. એક ફેમસ ડાયલોગ છે જેની માં એ સવા શેર સુંઠ ખાધી હોય એ બહાર આવે ! સુંઠ નાં ગાંગડે ગાંધી નાં થવાય પણ ગુજરાતી મુવી માં હીરો થઇ શકાતું હતું. ઘણી વાર હીરો ગીતો ગાતી વખતે ગળામાં ઢોલ પેહરેલું હોય એ ઢોલ ને ટેકો એની ફાંદ મારફતે આપતો હોય, આમ ફાંદ વાળા હીરો લેવાનું મહત્વ ગીત આવે ત્યારે સમજાતું હતું.

    જુના ગુજરાતી મુવીમાં ગીતો નાં નામે ગરબા હોય માતાજી ની મૂર્તિ મુકેલી હોય એના પર કેમેરો ઝૂમ ઇન, ઝૂમ આઉટ કરી પાછળ બેકગ્રાઉન્ડમાં ગરબો વગાડી હીરો પર કેમેરો ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવાનો અને પછી હિરોઈન ને થોડી વાર ગરબા રમતી બતાવાની એટલે ગુજરાતી મુવી નું ટોપ નું ગીત બની જતું. ઘણા હીરો તો એટલા મલ્ટીટેલેન્ટેડ હતા કે ગીતો પણ જાતે ગાતા અને ગીત નાં અંત વખતે માતાજી ની મૂતિ પરથી ફૂલ અથવા તો હાર પડતો બતાવાનો એટલે લોકો ભાવવિભોર બની જતા.

    જુના ગુજરાતી મુવીમાં મારા મારી નાં સીન ની સમગ્ર જવાબદારી ગુંડા ની હતી કાળો ભદો ગુંડો હોય તો લોકો ને એના તરફ ખીજ આવે. એવા લોકો ને સિલેક્ટ કરાતા બાથમ બાથી માટીમાં ગોળ ગોળ આળોટવું, જાતે જ કુદીને પડવું, ગોળ ગુલાટ ખાઈ જવી એ એક સારા ગુંડાનાં લક્ષણો હતા. હીરો ની માં ને કિડનેપ કરી લેવી, હિરોઈન ની છેડતી કરવી વગેરે આવડવું ફરજીયાત હતું હીરો ગમે ત્યાં મારે પણ બેગડા કે માટલા તોડી ને જ પડવું એ તો ગુંડા ની એક્ટીગ માં ચાર ચાંદ લગાવી દેતો. આમ ગુંડો જેટલો ખતરનાક એટલું મુવી હીટ.

    જુના ગુજરાતી મુવી માં કોમેડિયન માં આપડી જોડે બહુ સ્કોપ નહતા એકજ કોમેડીયન દરેક મુવી માં કોમન હોય અને એ ખાલી ઓ હો હો હો કહે એટલે જ ઓડિયન્સ હસી પડતું હતું.

    આમ જુના ગુજરાતી મુવી બનાવા ઘણા સહેલા હતા આટલા બધા ટેકનીકલ નહતા. તો પણ હવે તમારે લોકો ને નવા ગુજરાતી મુવી થી ચલાવી લેવું પડશે શું થાય હવે જે છે એ નવું જ છે ચલાવી લેજો

    ***

    17 - દિવાળી એટલે સ્વચ્છ ઘર અભિયાન

    દિવાળી આવવાને હજુ વાર હોય ત્યારે ખબર નહિ કેમ આખું ગુજરાત સ્વચ્છ ઘર અભિયાન માં લાગી જતું હોય છે? તમે વર્ષો થી જે ગાદલા પર ઉઘતા આવ્યા હો, અચાનક તમારા ઉપર આદેશ કરવામાં આવે કે. જાઓ આ ગાદલા ઉપાડીને ધાબે તપાવા મૂકી આવો!, અને તમે ધાબે જાઓ ત્યારે તમારી જાણમાં આવે કે ગાદલું મુકવા પહેલા તો ધાબુ સાફ કરવું પડશે!! આમ ફક્ત ઉતરાયણ નાં આગલા દિવસે સાફ થતું ધાબુ દિવાળીમાં પણ સાફ કરવાનું આવે આવે છે. ખબર નહીં દિવાળી કે બેસતા વર્ષ પર આપણા ઘરે આવનાર વ્યક્તિઓ કોઈ દિવસ એવું જોવા જતા નથી કે ભાઈ તમે ધાબુ બરોબર સાફ કર્યું છે કે નહીં? તો પણ આપણે હોશે હોશે સાફ કરીએ છીએ કાયમ તડકો આપણ ને હેરાન કરતો હોય પણ જે દિવસે તમે ધાબે ગાદલા તપાવા મુકો એ દિવસે અચાનક ક્યાંથી વાદળ છાયું વાતાવરણ સર્જાઈ જાય છે અને વાદળો ને કારણે તમારે એક દિવસ નાં ગાદલા બે દિવસે તપે છે અને જ્યાં સુધી ગાદલા નાં તપે ત્યાં સુધી ઘર નાં બધા જ લોકો નાં મગજ ગાદલા વગર તપેલા રહે છે.

    ઘર ની એવી જગ્યાઓ જ્યાં આપડે મોટા ભાગે જતા નથી અથવા તો બહુ ઓછો ઉપયોગ કરતા હોઈએ છે એવી જગ્યાઓ માં આપણે જાણે વાસ્કોદી ગામા હોઈએ અને કોઈ ખંડ શોધવા જવાનો હોય એ રીતે શોધખોળ અને સફાઈ પ્રવુતિ આરંભાય છે. સ્ટોરરૂમ, માળિયા એવી જગ્યાઓ છે જ્યાં આખું વર્ષ આપણે બધી નકામી વસ્તુઓ એ ગણતરી એ ભરી હોય છે કે અચાનક જરૂર પડે ત્યારે કામ લાગશે અને સંઘરેલો સાપ પણ કામનો અને આખું વર્ષ જ્યારે એ વસ્તુ ની જરૂર પડે ત્યારે માળિયા પર થી ઉતારવાની જગ્યાએ નવી ખરીદીને વાપરીએ છીએ. માળિયું દરેક ઘરમાં નાનું આપવામાં આવે છે અને એના પર ચઢી ને સાફ કરવાની જવાબદારી મોટા ભાગે પુરૂષો ને સોપવામાં આવે છે કેમકે જગ્યા ઓછી હોય છે. ખરેખર તો વૈકુંઠ નાનું અને ભક્તો ઝાઝા ની જગ્યાએ એવી કેહવત હોવી જોઈએ માળિયું નાનું અને વસ્તુ ઝાઝી !

    તમે જેમ તેમ કરી પોતાની જાતને માળિયા માં ફિટ કરીને સાફ કરવાનું શરુ કરો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આમાંની ઘણી વસ્તુ તો કશાજ કામની નથી પણ જૂની વસ્તુ કાઢવી એ ઝઘડા નું કારણ બની શકે છે. ખરેખર ચંપલ ઉધું પડ્યું હોય તો ઝઘડો થવાના ચાન્સ કરતા માળિયું સાફ કરવામાં ઝઘડા થવાના ચાન્સ વધારે હોય છે. પતિ જે વસ્તુ ને નકામી ગણતો હોય એ જ વસ્તુ ને પત્ની કામની ગણતી હોય છે આમ ધીમે ધીમે ભારે રકઝક બાદ માળિયા માં મુકાયેલી એક પણ વસ્તુ કચરા તરીકે અથવા તો ભંગાર તરીકે ઘર ની બહાર જતી નથી પણ એ માળિયામાં વસ્તુ નો ઉમેરો થતો જાય છે. તમે આખું માળિયું સાફ કરીને ખુશી ખુશી નીચે ઉતરો ત્યારે કીડીઓ નો ચોક કરવાનો રહી ગયો, અથવા તો ડામર ની ગોળીઓ મુકવાની રહી ગઈ એમ કહીને તમને પાછા માળિયા પર ચઢાંવામાં આવે છે. ખરેખર તો સપ્તપદી નાં સાત વચનો માં એવું વચન પણ હોવું જોઈએ કે હું પતિ તરીકે કોઈ પણ રકઝક કર્યા વગર દિવાળી સમયે માળિયું સાફ કરી આપીશ. ખરેખર તો માણસે પોતાનું મન માળિયા જેવું ઉદાર રાખવું જોઈએ કે જે પણ વસ્તુ ભરો હું સંઘરીરાખીશ અને મન હોય તો માળિયે જવાય એ કેહવત તો સાવ ખોટી છે તમારું મન હોય કે ક-મન હોય દિવાળી હોય એટલે માળીએ જવાય એવું કઈક જ હોવું જોઈએ.

    બાકીના મહિના ઘોડો એટલે એક પ્રાણી અથવા તો મુવી માં ઘોડો એટલે ગન થતી હોય છે પણ દિવાળી વખતે ઘોડો એટલે ઉચી સીડી જે ચઢીને તમે સાફસફાઈ કરી શકો દિવાળી વખતે આ ઘોડા ની ડીમાંડ ઘણી જ હોય છે. આજુબાજુવાળા તમારા ત્યાં ઘોડો માગવા આવે પછી તમારે જરૂર હોય ત્યારે પાછો ઘોડો કોના ત્યાં પડ્યો છે તે યાદ કરીને માંગવા જવું પડે છે. આમ આ ઘોડા ની મેરેથોન ચાલતી હોય છે. આ ઘોડા નો મુખ્ય ઉપયોગ, માળિયે ચઢવા અને પંખા સાફ કરવા માં થતો હોય છે, પંખા નાં પાખીયા તમે કપડા થી સાફ કરી નાખો તો કોઈને સંતોષ થતો નથી. તમારી અંદર રહેલો ઈલેક્ટ્રીશિયન ને તમારે જગાડવો પડે છે અને નટ બોલ્ટ ખોલીને પાખેયા ને સાબુ નાં પાણીમાં ધોવા પડે છે.

    આટલું બધું કષ્ટ કર્યા પછી પણ તમે જ્યારે તમારા જ ઘરમાં થી ફોન પર વાત કરતા સાંભળો કે દિવાળી નું કામકાજ કેટલે પહોચ્યું? ના જવાબ માં જુવો ને હજુ તો આ બધું બાકી જ છે એમ કહી બાકી કામકાજ નું લાબું લીસ્ટ સંભળાવામાં આવે ત્યારે તમને લાગે કે ખરેખર સ્વચ્છતા અભિયાન માટે દિવાળી નો તહેવાર જ પસંદ કરવા જેવો હતો.

    તો તમેને બધા ને હેપી દિવાળી અને હેપી ન્યુયર અને દેવાળું નાં ફુકાઇ જાય એટલો જ ખર્ચો કરી દિવાળી ઉજવશો એવી શુભકામનાઓ.

    ***

    18 - ગુજરાતી ચલચિત્ર કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો

    હમણા આવેલા મુવી મુવી માં કિસિગ આટલો લાંબો કેમ છે એ અંગે સેન્સર બોર્ડ ને વાધો પડ્યો અને તેમણે કિસિગ સીન ની લંબાઈ બે બલાન છોટી કરદો અથવા તો ડીલીટ કરી દો નાં આદેશ આપી મુવી ભારતમાં રીલીઝ કરવા દીધું. પણ દરેક મુવી ની શરુઆત માં આવતો બીડી સિગરેટ નો ધુમાડો દરેક વખતે મુવી જોવા જતા લોકો ને કર્ક રોગ નહિ થતો હોય એ અંગે સેન્સર બોર્ડે એ ક્યારેય પગલા નથી લીધા એ બાબત નું મને હંમેશા દુખ રહેવાનું. મુકેશ ને ખાસતો જોઈ ઘણા ને એ.સી માં બેઠા બેઠા ખાસી આવી જાય છે એ બાબતે ક્યારેય કોઈ પગલા લેવાતા નથી.

    હવે વિચારો આ આખું જેમ્સ બોન્ડ નું મુવી ગુજરાતમાં બન્યું હોય અથવા તો જેમ્સ બોન્ડ પોતે ગુજરાતી બતાયો હોય તો કેવી પરિસ્થિતિ ઉતપન્ન થાય? પહેલા તો આખા મુવી નું બજેટ ઓછું થઇ જાય અને જેમ્સ બોન્ડ ઓમેગા ની ઘડિયાળ ની જગ્યાએ મેક્સિમા ની રૂ. ૩૨૦ ની જેની જોડે એક સેલ ફ્રી વાળી વોટર પૃફ કાંડા ઘડિયાળ પેહરીને ફરતો થઇ જાય. જેમ્સ બોન્ડ મોટા ભાગે સુટ બુટ માં જ જોવા મળે પણ હવે ગુજરાતી મુવી હોવાથી સુટ બુટ પેહરે તો ગુજરાતી મુવી જેવું લાગે જ નહિ એટલે કેડિયું અને કમરે દુપટો બાંધીને ફરવું પડે. આટલુંજ નહીં પણ મોટા ભાગના ગેજેટ કમરે બાંધેલા દુપટામાજ છુપાવા પડે. જેમ્સ બોન્ડ ખાતા પિતા ઘરનો અને સુખી બતાવો પડે એટલે કાર પણ નાનકડી નાં ચાલે નહિતો જેમ્સ બોન્ડ કારની અંદર ઘુસતા જ ફસાઈ જાય.

    જેમ્સ બોન્ડ મુવી નાં ટાઈટલ ટ્રેક પણ ચેન્જ કરવા પડે ટેકનેક ટેક્નેક ના ચાલે સાથે કોઈ ગરબા સાથે મુવી શરુ થવું જોઈએ જેથી નવરાત્રી દરમિયાન ગરબા વગાડી મુવી ની કમાણી વધારી શકાય. કદાચ મુવી ની કમાણી કરતા ગરબા નાં રાઈટ્સ વેચી ને વધારે કમાણી થઇ જાય. જેવું અઘરા નામ વાળું મુવી પણ નાં ચાલે, થોડો પ્રેમ થોડું વેર નાખવું પડે જેમકે કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો જેવું કઈક નામ રાખવું પડે. My Name is Bond James Bond આ ડાયલોગ પણ થોડો લાંબો કરવો પડે તો જ ગુજરાતી મુવીમાં ઉઠાવ આપે. હું કોણ? વટનો કટકો! મારું નામ ગામના પાદરે જઈ ને કોઈને પણ પૂછી જો દરેક જણ કેહ્શે કે આખા ગામમાં એક જ છે એ નામ છે જેમ્સ બોન્ડ!!.

    જેમ્સ બોન્ડ ના એક્શન સીન પણ ચેન્જ થઇ જાય એક્શન ઓછી અને ડાયલોગ બાજી વધારે થઈ જશે. ગુંડા નાં અડ્ડા પર પહોચી જેમ્સ બોન્ડ એને ખુફિયા હથિયારો થી નહિ પણ ડાયલોગ થી લલકારશે કે જેની માએ સવા શેર સુંઠ ખાધી હોય એ બહાર આવે. એક્શન સીનમાં પણ લકઝુરિયસ કાર અને ચેઝ ની જગ્યાએ બેઘડા અને ગોડાઉન નું લોકેશન જયા સસ્તા ગુંડા તોડાફોડ કરીને ખોટી ગુંલાટો ખાઈ ને પડી શકે. કોઈક વખત જેમ્સ બોન્ડ પાણી માં પડી જાય તો પણ કેમેરો એની કાંડા ઘડિયાળ પર ફોકસ થાય કે ઘડિયાળ ને કઈ નથી થયું મેક્સીમાં વોચ વોટરપ્રૂફ જેથી અમુક ફંડ મેક્સીમાં ઘડિયાળ વાળા જોડે થી પણ ઉઘારાવી શકાય.

    બોન્ડ મુવી ની હિરોઈન સેક્સી ઓછા કપડા વાળી અને સ્ટાઈલીસ્ટ હોય છે એક્સપોઝ કરતા જરાય શરમ નાં આવે એવી હોય છે અહી થોડુક અલગ કરવું પડે નહિ તો સેન્સર બોર્ડ આપડું મુવી પાસ નાં કરે. હિરોઈન ને એકાદ સીનમાં સ્કર્ટ અને ટોપ પેહરેલી બતાવાની અને કેહવડાવાનું મને તો શરમ આવે છે એમ કહી આખી મુવી માં સાડીમાં અને ડ્રેસ માં જ ફેરવાની. કિસિંગ સીન વખતે હોઠ એક બીજાને નજીક લઇ જવાના અને પછી ફૂલો એકબીજાને અડતા હોય એવો સીન મૂકી દેવાનો જેથી પબ્લિક સમજી પણ જાય કે શું થયું હશે અને કોઈ સેન્સર વિવાદ પણ નહીં. બિકીની સીન પણ મુવી માં મૂકી શકાય સમુદ્ર કિનારે હિરોઈન સાડીમાં નાહીને પાછી આવી હોય અને વાળ સુકવતી હોય એવું બતાવાનું અને એની બિકીની બહાર તાર પર લટકતી હોય એવું બતાવાનું જેથી બિકીની મુવીમાં બતાઈ પણ કેહવાય અને સેન્સર બોર્ડ નાં કોઈ લોચા પણ નાં પડે.

    તો આવી રીતે સેન્સર બોર્ડ ની કોઈ માથાકૂટ વગર માંડ માંડ બે ખેતર વેચી તૈયાર થયેલું સંપૂર્ણ પારિવારિક ગુજરાતી રંગીન ચલચિત્ર કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો બની જશે.

    ***

    19 - સ્ત્રી-પુરૂષ અને લગ્નો

    હમણાજ લગ્ન ની સિઝન પૂરી થઇ અને હાલ ઉતરાયણ સુધી કમુર્તા ચાલી રહ્યા છે. કમુર્તા પણ એન.આર.આઈ લોકો માટે લગ્ન મૂહર્ત નું કામ કરતા હોય છે આમ મૂહર્ત હોય કે ક-મૂહર્ત પણ આપણા ત્યાં લગ્નો ચાલુ જ રહે છે.

    લગ્ન માં મોટાભાગે જેના લગ્ન હોય એના સિવાય કોઈને પણ એ લગ્ન માં રસ હોતો નથી. બધા મોટા ભાગે હાજરી પુરાવા અને આપણે તો જવું જ પડે નહિતો ફલાણા ને ખરાબ લાગે એ આશય થી લગ્ન પ્રસંગ પર હાજર રહેતા હોય છે. જે સ્ત્રી-પુરૂષ નાં લગ્ન થઇ ચુક્યા હોય છે તેમને હવે લગ્ન ની વિધિ જોવામાં કોઈ રસ નાં હોય એ સ્વાભાવિક છે પણ અપરણિત છોકરા-છોકરીઓ ઉત્સાહ ભેર લગ્નવિધિ માં સંકળાયેલા રહેતા હોય છે તો લગ્નમાં કોણ કેવીરીતે સંકળાયેલું રહે છે તેવું જાણીએ.

    અપરણિત છોકરા-છોકરીઓ લગ્નમાં ભારે ઉત્સાહી જોવા મળે છે, ઘણા છોકરાઓને તો કામ નાં સોપો તો પણ કામ કરતા જોવા મળે છે. ઘણા તો ભલે ઘરે કોઈ કામ નાં કરતા હોય પણ લગ્ન પ્રસંગે જબરદસ્ત કામ કરતા જોવા મળે છે એની પાછળ નું કારણ એવું હોય છે કે કોઈ છોકરી નાં માં-બાપ નું ધ્યાન એમના પર પડે અને એમના મગજમાં એવી છાપ ઉભી થાય કે છોકરો જવાબદાર અને કામગરો છે. બીજીબાજુ અપરણિત છોકરીઓ વધારે પડતું જ તૈયાર થઇ ને પ્રસંગ માં બધા ને પગે લાગતી અને હસી હસી ને વાત કરતી ફર્યા કરતી જોવા મળે છે એની પાછળ નું કારણ એવું હોય છે કે છોકરી હસમુખી છે અને સંસ્કારી છે એવું સાબિત કરવું આવા પ્લેટફોર્મ પર જરૂરી હોય છે.

    જે લોકો પરણી ગયા છે તેવા સ્ત્રી-પુરૂષ લગ્ન માં કેવીરીતે મહાલતા જોવા મળે છે તે જાણીએ. ફલાણા નાં ઢીકણા નાં દુર નાં સગા નાં લગ્ન હોય તોય જો એ પિયર પક્ષમાં હોય તો પરણિત સ્ત્રીઓ ને કાયમ એ નજીક નું લાગતું હોય છે અને બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના જેવા સ્થિતી હોય છે. અને તેના લગ્ન ની તૈયારી જેના લગ્ન છે એ ભલેએ બે મહિના પહેલા કરે પણ આવી સ્ત્રીઓ છ મહિના થી આવા લગ્નમાં મહાલવાની તૈયારીઓ શરૂ કરતી હોય છે અને બજેટ કરતા વધારે ખર્ચો કરી નાખતી હોય છે લગ્નમાં ગયા પછી આ સ્ત્રીઓ નું એક જ કામ હોય છે તૈયાર થઇ ને બેસવું. આવી સ્ત્રીઓ પોતાના બાળકો પણ પતિ ને સાચવા આપી દેતી હોય છે જેથી તેમની સાડી અને મેકઅપ ખરાબ નાં થઇ જાય. આવી સ્ત્રીઓનું મુખ્ય કામ પંચાત કરવાનું હોય છે. એક બાજુ ખુરશી નાખી બેસી કઈ સ્ત્રી એ કઈ સાડી પેહરી છે એ સાડી ની સાચી માર્કટવેલ્યુ શું હશે. સોનાનો હાર કીધો છે પણ ખરેખર ચાંદી પર ઢોળ ચઢાંયેલો છે બધા નું આંકલન કરવાની લગ્ન પ્રસંગે સંપૂર્ણ જવાબદારી આવી સ્ત્રીઓ ની હોય છે. કોણ કેવા કપડામાં જાડું લાગે છે કે પાતળું લાગે છે બધા નું આંકલન પણ આવી સ્ત્રીઓ કરતી હોય છે. ઘરે ભલે ઓછું બોલતી સ્ત્રીઓ પણ લગ્ન પ્રસંગે અચાનક જ અંગેજી અને હિન્દીમાં વાતો કરતી થઇ જાય છે વાતે વાતે અચ્છા, યા, નાઈસ છે વગેરે વગેરે શબ્દો નાં પ્રયોગ કરવો અનિવાર્ય બને છે. પોતાના થી વધારે મોઘું સેલુ પેહરીને ફરતી સ્ત્રી નાં પતિને તો બે નંબર ની આવક છે અને પોતાના થી સસ્તા કપડા પહેરીને ફરતી સ્ત્રી ને તો પ્રસંગ અનુરૂપ કપડા જ પેહરતા નથી આવડતા એવું બોલવું ફરજીયાત હોય છે. મોટા ભાગની આવી સ્ત્રીઓ સેલ્ફી લેતી જોવા મળે છે.

    લગ્નમાં પરૂષ ફકત બચારો એટલે ગયો હોય છે કે એની પત્ની એના પર ગુસ્સો નાં કરે અને ખોટો ઝઘડો નાં થાય મોટા ભાગે પુરુષ કાંતો તૈયાર થઇ ને લગ્નમાં ચાંદલા ના કાઉન્ટર પર હિસાબ કરતો, ચાંદલો લખાવતો અથવા તો છોકરા સાચવતો, કોઈ સ્ત્રી ફોન પકડાઈ ને જાય તો ફોટા પાડતો, મુખવાસ ખાતો, છોકરાઓ માટે પ્લેટો ઉચકીને લાવતો, કોઈની થાળીમાં કઈ ખૂટે તો વાડકીમાં ભરીને લાવતો જોવા મળે એ બધા પરણિત પુરૂષો હોય છે.

    ***