પિન કોડ - 101 - 88 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 88

પિન કોડ - 101

પ્રકરણ-88

આશુ પટેલ

મોબાઈલ ફોન પર ઈશ્તિયાકની ધમકીથી હતપ્રભ બની ગયેલો સાહિલ કંઈ જવાબ આપે એ પહેલા ઈશ્તિયાકે તેને કહ્યું: ‘તારી મહેબૂબા અમારી પાસે છે એની ખાતરી ના હોય તો તેની સાથે વાત કરાવી દઉં!’
સાહિલ કંઈ બોલે એ પહેલા તો તેના કાને નતાશાનો અવાજ અથડાયો: સાહિલ.’
‘નતાશા, નતાશા!’ સાહિલ બીજું કંઈ ના બોલી શક્યો.
‘સાહિલ, આ લોકો ભલે મને મારી નાખે તું અહીં પાછો ન આવતો!’ નતાશાએ સાહિલને કહ્યું.
તું સલામત તો છે ને, નતાશા?’ સાહિલે પોતાના અવાજને શક્ય એટલો સહજ કરવાની નિષ્ફળ કોશિશ સાથે પૂછ્યું.
‘હા, હું હજી સુધી તો સલામત છું. પણ તારા જીવના ભોગે મારે નથી જીવવું.’ નતાશાનો અવાજ રૂંધાઈ ગયો. બે-ત્રણ સેક્ધડના વિરામ પછી તેણે કાંપતા અવાજે કહ્યું: ‘બસ મારે તારો અવાજ સાંભળવો હતો. મારે તારી સાથે છેલ્લી વાર વાત કરી લેવી હતી...’
‘અને મારો જીવ બચાવવા માટે હું તને મરવા નહીં દઉં, નતાશા! હું આમ પણ હવે તારા વિના જીવી નહીં શકુ.’ સાહિલે કહ્યું.
‘ના સાહિલ, તું પાછો ન આવતો. આ લોકો તને પણ મારી નાખશે.’ નતાશાએ તેને સમજાવવાની કોશિશ કરતા કહ્યું: ‘અને આપણે મળવાના જ હોઈશું તો આવતા જન્મે પણ મળીને જ રહીશું. દરેક માણસના જીવનની એકેએક ક્ષણ નિર્ધારિત હોય છે. અત્યારે મારા મૃત્યુની ક્ષણ પણ નિર્ધારિત થયેલી હશે તો...’
નતાશા બોલી રહી હતી ત્યાં જ ઈશ્તિયાકે તેના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો. તેણે સાહિલને કહ્યું, ‘બાકીની બધી વાતો તમે સામસામે બેસીને કરી લેજો. હમણાં તો તું પેલી ઔરતને લઈ ને તરત જ અહીં પાછો આવી જા, નહીં તો તારી મહેબૂબાને મારા માણસો ચૂંથી નાખશે. આવી ઔરતને મારી નાખવા કરતાં તેન રૂપાળા દેહને માણવા મારા સાથીદારોને છૂટ આપી દઈશ. એ લોકો પણ ખુશ થશે! ભરોસો ન હોય તો હમણાં મારા કોઈ હટ્ટાકટ્ટા આદમીને તારી મહેબૂબા પર છોડી મૂકું અને ફોન પર જ તને તારી માશૂકાની ચીસો સંભળાવું!’
સાહિલને ભયંકર ગુસ્સો આવી ગયો. તેનો ચહેરો રોષથી રાતોચોળ થઈ ગયો, પણ તેને યાદ આવ્યું કે અત્યારે નતાશા તે હરામખોરના કબજામાં છે અને પોતાના ગુસ્સાને કારણે નતાશાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેણે પોતાના ગુસ્સા અને આક્રોશ પર કાબૂ રાખતા ઉતાવળે કહ્યું: ‘તેને કંઈ ન કરતા, પ્લીઝ. હું હમણાં જ પાછો આવી જાઉં છું.’
‘તારી પાસે એ એક જ રસ્તો છે. અને હા પેલી ઔરતને પણ સાથે લઈ આવજે.’ ઈશ્તિયાકે આદેશ આપ્યો અને કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
સાહિલે મોહિની મેનન સામે જોયું. તેણે નતાશા સાથે ગુજરાતીમાં વાત કરી હતી એ તો મોહિનીને નહોતી સમજાઈ પણ તેણે ઈશ્તિયાક સાથે હિન્દી અને અંગ્રેજીમાં વાત કરી હતી એટલે મોહિનીને સમજાઈ ગયુ હતું કે શું થયું છે. તે થરથર ધ્રૂજી રહી હતી. પોતાનો છુટકારો થઈ ગયો એની ખુશી તે માણી શકે એ પહેલાં તો તેને ફરી બંદીવાન બનવાનો વારો આવ્યો હતો.
મોહિનીને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે તે બૂમો પાડીને બધાને ભેગા કરે અને પોતાને પોલીસને હવાલે કરવા વિનંતી કરે. પણ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે આ માણસ કઈ રીતે પોતાના જીવના જોખમે પોતાને છોડાવીને બહાર લઈ આવ્યો હતો. ભલે તે તેને તેની પ્રેમિકા સમજીને છોડાવી લાવ્યો હોય. જોકે તેની પ્રેમિકા પણ એ જ કારણે આ લોકોની જાળમાં ફસાઈ હતી કે પોતાની હમશકલ હતી. મોહિનીને અચાનક યાદ આવ્યું કે તેના માતા-પિતા હજી ઈશ્તિયાકના માણસોના કબજામાં હતા! તે પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. અત્યાર સુધી ઘટનાઓ એટલી ઝડપે બની હતી કે તેને પોતાના માતાપિતા વિશે વિચારવાની તક જ મળી નહોતી.
***
‘મોડેલ નતાશા નાણાવટી અને ઓટોમોબાઈલ એન્જિનિયર સાહિલ સગપરિયાની જેમ હજી એક વ્યક્તિ પણ આઇપીએસ ઓ.પી.શ્રીવાસ્તવની નજરમાંથી રહી ગઇ છે. બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાએ મીડિયાને એવું કહ્યું હતું કે ઓટોમોબાઇલ એન્જિનિયર સાહિલ સગપરિયા આવી કારની પ્રપોઝલ લઇને મારી પાસે આવ્યો હતો.’ પોલીસ કમિશનર ઈલ્યાસ શેખ ડીસીપી સાવંતને કહી રહ્યા હતા.
* * *
ઈશ્તિયાક અને કાણિયા પેલા રૂમમા બેઠા હતા, જ્યાંથી સાહિલે ઈશ્તિયાકને પોતાના કબજામાં લઈ લીધો હતો. ઈશ્તિયાકે એ રૂમનો દરવાજો ખોલ્યો એ વખતે એ રૂમમાં પુરાયેલા તેના બે સાથીદારોનો છુટકારો થયો હતો. ઈશ્તિયાકને તે બન્ને ગુંડાઓ પર ભયંકર ગુસ્સો આવ્યો હતો. તેમણે સાહિલને બહારથી અંદર આવતા જોયો એ જ વખતે ગોળી મારી દીધી હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ના થઈ હોત. જોકે તેણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો હતો. આમ પણ તેણે ઘણા માણસો ગુમાવ્યા હતા અને ઇમ્તિયાઝે જે રીતે વિદ્રોહ કર્યો એથી તે થોડો ચિંતિત પણ બન્યો હતો, પરંતુ તેણે પોતાના સાથીદારો સામે તો એવું જ બતાવવું પડે એમ હતું કે સાહિલને કારણે અંધાધૂંધી સર્જાઈ અને માત્ર ત્રણ-ચાર મિનિટમાં અનેક લાશો પડી ગઈ હોવા છતાં પણ તેના પેટનું પાણી પણ હલ્યું નથી.
ઇશ્તિયાક અને કાણિયા ઇશ્તિયાકના એ રૂમમાં ગયાં ત્યાં સુધીમાં બીજા ગુંડાઓ પણ ત્યાં ધસી આવ્યા હતા. કાણિયા અને ઈશ્તિયાકે ગુંડાઓને ધડાધડ આદેશો આપ્યા હતા. ઈશ્તિયાકે તેના એક સાથીદારને આદેશ આપ્યો કે બેકરીમાં અને બહાર રસ્તા પર પડેલા લોહીને સાફ કરી નાખો. તેણે એ વિશાળ અડ્ડાના એક રૂમમાં છુપાયેલા એક વૈજ્ઞાનિક અને તેના સહાયકોને મૌલવીજીના ઘરવાળા ગુપ્ત રસ્તે એક જગ્યાએ લઈ જવા માટે બીજા એક સાથીદારને સૂચના આપી. તેને ખાતરી હતી કે પોલીસ આ જગ્યા સુધી નહીં પહોંચે, પરંતુ કોઈ પણ સંજોગોમાં આગળનું ‘મિશન’ અટકી ના પડે એ માટે પેલા વૈજ્ઞાનિક અને તેના સહાયકોનું સલામત રહેવું જરૂરી હતું.
તે વૈજ્ઞાનિક બહાર જાય એ પહેલા ઇશ્તિયાકે તેને આદેશ આપ્યો: પેલો છોકરો અને મોહિની મેનન અત્યારે ક્યા છે એ જુઓ. અને તે બન્ને ક્યાં જાય છે એનું સતત મોનિટરિંગ ચાલુ રાખો.’
પેલા વૈજ્ઞાનિકે પોતાના મોબાઈલ ફોનમાં જોઈને કહ્યું કે તે બન્ને અત્યારે વરસોવા પોલીસ સ્ટેશનથી થોડા મીટર દૂર છે. તેમની કોઈ મૂવમેન્ટ જણાતી નથી.’
ઈશ્તિયાકે કહ્યું: તે બન્ને પાછા વળવાને બદલે બીજે ક્યાંય પણ જવાની કોશિશ કરે તો તમારે શું કરવાનુ છે એ તમને ખબર છે.’
‘જી ભાઈજાન.’ પેલા વૈજ્ઞાનિકે જવાબ આપ્યો.
એ દરમિયાન કાણિયાએ એક ગુંડાને આદેશ આપ્યો હતો કે તાબડતોબ આપણા વિશ્ર્વાસુ ડૉક્ટરોને બોલાવ. કાણિયાના પગમાં અને ઈશ્તિયાકના હાથમાં ગોળી વાગી હતી એના કારણે લોહી વહી રહ્યું હતુ અને તે બન્નેને અસહ્ય વેદના થઈ રહી હતી. પણ અત્યારે એ શારીરિક દર્દ કરતાં એક સામાન્ય છોકરો તેમને માત કરી ગયો એ હકીકતથી તે બન્નેને માનસિક રીતે વધુ તકલીફ થઈ રહી હતી.
***
વૈજ્ઞાનિક મોહિની મેનનની સહાયક જયા વાસુદેવને પોતાના ઘરમાં સીલિંગ ફેન સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો. મુંબઈ પરના આતંકવાદી હુમલાઓમાં વપરાયેલી ફ્લાઈંગ કાર મોહિની મેનને બનાવી આપી હોવાની પોલીસને શંકા છે. અને એ ફ્લાઈંગ કારના સંશોધનમા જયા પણ સામેલ હતી. દર્શકોને યાદ અપાવી દઈએ કે મોહિની મેનનના સહાયક વૈજ્ઞાનિકો જયા અને બાલક્રિષ્ન પિલ્લાઈએ જ ચેન્નાઈ પોલીસને માહિતી આપી હતી કે તેમના મોહિની મેડમ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે...’
એક ટીવી ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા. એ જોઈને જયાના નકલી પ્રેમીના ચહેરા પર ઘાતકી સ્મિત આવી ગયું. ‘બેવકૂફ છોકરી!’ તે સ્વગત બોલ્યો. તેના માટે તો ટાઢા પાણીએ ખસ ગઈ હતી. પોલીસ પોતાના સુધી કોઈ કાળે નહીં પહોંચે એની તેણે તકેદારી લીધી હતી. જયાની બોસ મોહિની તેને અને તેના વૈજ્ઞાનિક પિતાને ઓળખતી હતી, પણ તે પોલીસને કશું કહેવા માટે જીવતી રહેવાની નહોતી.
જયાના દગાખોર પ્રેમીને કલ્પના પણ નહોતી કે મોહિનીએ તેના દેશદ્રોહી વૈજ્ઞાનિક પિતાને જોઈ લીધો હતો અને તે આઈએસના સકંજામાથી બહાર પણ નીકળી ગઈ હતી!
(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Hemanshu Shah

Hemanshu Shah 9 માસ પહેલા

Mv Joshi

Mv Joshi 1 વર્ષ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

Shetal  Shah

Shetal Shah 2 વર્ષ પહેલા