પિન કોડ - 101 - 89 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 89

પિન કોડ - 101

પ્રકરણ-89

આશુ પટેલ

‘તમે મીડિયાને કહ્યું હતું કે ફ્લાઇંગ કારથી મુંબઈ પર આતંકવાદી હુમલાઓ થયા એ અગાઉ ફ્લાઇંગ કારની ડિઝાઇન લઇને ઑટોમોબાઇલ એન્જિનિયર સાહિલ સગપરિયા તમારી પાસે આવ્યો હતો.’ ડેપ્યુટી કમિશનર સાવંત બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાની પૂછપરછ કરી રહ્યા હતા.
‘હા, તે છોકરો મારી પાસે આવ્યો હતો, પણ ત્યાં સુધી તેણે ફ્લાઇંગ કાર બનાવી નહોતી. તેણે મને કહ્યું હતું કે તેણે એક મોટરસાઈકલ પર પ્રયોગ ર્ક્યો હતો, પણ તે સફળતાપૂર્વક કાર બનાવી શક્યો નહોતો. તેની વાતમાં મને વિશ્ર્વાસ બેઠો હતો એટલે મેં તેની સાથે ફ્લાઇંગ કાર બનાવવા માટે કોન્ટ્રાક્ટ ર્ક્યો હતો,’ રાજ મલ્હોત્રાએ કહ્યું.
‘એટલે તે છોકરો ફ્લાઈંગ કાર બનાવી શકશે એવી તમને ખાતરી થઈ ગઈ હતી?’ સાવંતે પૂછ્યું.
રાજ મલ્હોત્રાને સાવંતના શબ્દોનો ટોન સમજાયો. તેમણે કહ્યું: ‘તે છોકરો ફ્લાઈંગ કાર બનાવી શકશે એવો મને ભરોસો બેઠો હતો, પણ તે બે-ત્રણ દિવસમાં ફ્લાઈંગ કાર બનાવી શકે એ અશક્ય હતું. તેણે મારી પાસે પણ અમુક મહિનાઓનો સમય માગ્યો હતો. એટલે મારા મત પ્રમાણે વધુ શક્યતા એ છે કે વૈજ્ઞાનિક મોહિની મેનને કોઇ કારણથી આતંકવાદીઓને ફ્લાઇંગ કાર બનાવી આપી હોય.’
‘પરંતુ એવું પણ બન્યું હોઈ શકે ને કે તે તમારી પાસે આવ્યો એ રીતે બીજા કોઈ પાસે પણ ગયો હોય?’ સાવંતે પૂછ્યું.
‘એવું બન્યું જ હતું. મારી સાથે તેની મુલાકાત થઈ એ પહેલા તેણે અનેક કંપનીઝનો સંપર્ક કર્યો હતો. જો કે, તેને કોઈ તરફથી હકારાત્મક પ્રતિભાવ નહોતો મળ્યો એવું તેણે મને કહ્યું હતું.’
‘એવું તેણે કહ્યું હતું ને. શક્ય છે કે તે ખોટું પણ બોલ્યો હોય!’
‘શક્ય છે, મે જ્યાં સુધી મોહિની મેનન વિષે બ્રેકિંગ ન્યૂઝ નહોતા જોયા ત્યાં સુધી મને પણ એ છોકરા પર જ શંકા હતી, પણ મોહિની મેનનના સહાયક વૈજ્ઞાનિકોએ જાહેર ર્ક્યું કે, મોહિનીએ પ્રાયોગિક ધોરણે એવી કાર બનાવી હતી એ પછી મે તે છોકરા સાથેની મુલાકાત મારા મનમાં તાજી કરી. મને સમજાયું હતું કે તે છોકરો મહત્ત્વાકાંક્ષી છે, પણ એની સાથે તેની આંખો પરથી વાંચી શકાતું હતું કે તે બહું ગભરું અને પ્રમાણિક માણસ છે. અને તેણે કદાચ બીજા કોઇને એ કાર બનાવી આપવાનું નક્કી ર્ક્યું હોય તો તે મારી પાસે શા માટે આવે એ સવાલ પણ મારા મનમાં ઊઠે છે.’ મલ્હોત્રાએ કહ્યું.
એ જ વખતે મલ્હોત્રાના મોબાઈલ ફોનની રિંગ વાગી. ‘એક્સ્ક્યુઝ મી.’ તેમણે સાવંત સામે જોઈને કહ્યું અને કોલ રિસિવ કરતા ફોન કાને માંડ્યો.
‘વોટ?’ સામેની વ્યક્તિએ કહેલા શબ્દોથી મલ્હોત્રાને જાણે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો.
‘ઓહ નો!’ તેઓ બોલી ઊઠ્યા.
એ જ વખતે સાવંતના મોબાઈલ ફોન પર પોલીસ કમિશનર શેખનો કોલ આવ્યો. શેખે તેમને ઉતાવળે કોઈ સૂચના આપવા માંડી.
એ દરમિયાન મલ્હોત્રા તેમને કોલ કરનારી વ્યક્તિને કહી રહ્યા હતા, ‘પરંતુ ફ્લાઈંગ કાર ચલાવી રહેલી છોકરી બીજી કોઈ પણ હોઈ શકે. મે તો થોડી સેક્ધડ માટે એ છોકરીને જોઈ હતી એના આધારે તેનું વર્ણન કર્યુ હતું. અને પોલીસને તો એવી માહિતી પણ મળી છે કે તે કદાચ મોહિની મેનન નામની વૈજ્ઞાનિક હતી! અને તેણે જ એ કાર બનાવી આપી હતી એવી પોલીસને શંકા છે.’
કોલ પૂરો થયો એ સાથે તેમણે સાવંત સામે જોઈને કહ્યું: ‘સોરી. મારે મુખ્ય પ્રધાનને હમણા જ એક કોલ કરવો પડશે. મને તમારી મદદની પણ જરૂર પડશે.’
‘કોનો કોલ હતો તમારા પર?’ સાવંત પૂછ્યા વિના ના રહી શક્યા. તેઓ સમજી ગયા હતા કે મલ્હોત્રાને કોલ કરનારી વ્યક્તિ આતંકવાદી હુમલાના સંદર્ભમાં વાત કરી રહી હતી. તેમને મલ્હોત્રા સાથે ઠીક ઠીક કહી શકાય એવી મિત્રતા હતી. મલ્હોત્રા તેમને પોતાની પાર્ટીઝમાં આમંત્રણ આપતા હતા અને સાવંત પણ શક્ય હોય ત્યારે તેમની પાર્ટીઝમાં હાજરી આપતા હતા.
‘નતાશા નાણાવટીના પિતા રોહિત નાણાવટીનો. મને કલ્પના પણ નહોતી કે તે મારા જૂના મિત્રની દીકરી હશે!’ રાજ મલ્હોત્રાએ કોલ લગાવતા કહ્યું.
મુખ્ય પ્રધાનનો નંબર વ્યસ્ત હતો એટલે તેઓ ફોનમાં મેસેજ ટાઈપ કરવા લાગ્યા. જો કે, તેઓ મેસેજ ટાઈપ કરી લે એ પહેલા તો તેમના ફોન પર મુખ્ય પ્રધાનનો કોલ આવી ગયો.
મલ્હોત્રાએ કહ્યું, ‘નતાશા નાણાવટી મારા જૂના દોસ્તની દીકરી છે અને...’
તેઓ આગળ કઈ બોલે એ પહેલા તો મુખ્ય પ્રધાને તેમને સુખદ આંચકો આપી દીધો: ‘મને ઓલરેડી વડા પ્રધાનનો કોલ આવી ગયો છે અને મેં પોલીસ કમિશનર ઇલ્યાસ શેખને કોલ ર્ક્યો એ પહેલા વડા પ્રધાને તેમની સાથે પણ વાત કરી લીધી હતી!’
મલ્હોત્રાએ મુખ્ય પ્રધાન સાથે વાત પૂરી કરીને સાવંત સામે જોયું એ સાથે સાવંત બોલી ઊઠ્યા: ‘મારા પર કમિશનર સરનો કોલ હતો. તેમણે કહ્યું હતું કે નતાશા નણાવટીનુ અપહરણ કરીને તેને વરસોવામાં જે જગ્યાએ છુપાવી રખાઈ છે ત્યા ત્રાટકવાનું છે. અને તે છોકરી જીવતી હોય તો તેને ઊની આંચ પણ ના આવે એ રીતે તેને બચાવી લેવાની છે. મુખ્ય પ્રધાને આમ પણ ઈકબાલ કાણિયાના અડ્ડા પર તૂટી પડવા માટે લીલી ઝંડી આપી દીધી હતી, પણ હવે તો વડા પ્રધાનનો સીધો આદેશ આવ્યો છે!’
નતાશાએ કરેલી આજીજી સિદ્ધિ વિનાયકે સાંભળી લીધી હોય એમ મુંબઇના પોલીસ કમિશનરથી માંડીને ભારતના વડા પ્રધાન તેને બચાવવા સાબદા થઈ ગયા હતા!
* * *
ઈશ્તિયાકની ધમકી સાંભળીને સાહિલને થયુ કે તેની પાસે હવે કોઈ જ રસ્તો બચ્યો નથી, પણ તેને વિચાર આવ્યો કે કાણિયાના અડ્ડામાં જતા પહેલા રાહુલને જાણ કરી દેવી જોઈએ કે જેથી તે પોલીસ પાસે જઈને તેને, નતાશાને અને મોહિની મેનનને છોડાવવાની ગોઠવણ કરી શકે, કારણ કે તે જે રીતે અનેક બદમાશોના ખૂન કરીને કાણિયાના અડ્ડામાંથી ભાગી છૂટ્યો હતો એ રીતે છ્ટકવાની હવે તેને તક મળે એ અશક્ય હતું. સાહિલને તેના દોસ્ત રાહુલના મોબાઈલ ફોનનો નંબર યાદ હતો. તેણે રાહુલને કોલ ર્ક્યો.
રાહુલે કોલ રિસિવ ર્ક્યો એ સાથે સાહિલે તેને બોલવાની તક આપ્યા વિના કહ્યું: ‘રાહુલ, હું બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છું.’
સાહિલ આગળ કશું બોલે એ પહેલા રાહુલે ધડાધડ સવાલો પૂછી નાખ્યા: ‘ક્યા હતો તું? ખબર છે બેવકૂફ તું કેટલી મુશ્કેલીમાં ફસાયો છે? અત્યારે ક્યાં છે તું? પેલી છોકરીના ચક્કરમાં...’
‘અરે! પહેલા મારી વાત તો સાંભળ. હું હમણાં મોહિની મેનન નામની એક વૈજ્ઞાનિક સાથે છું. તું પોલીસને...’ સાહિલે રાહુલને વચ્ચેથી જ અટકાવતાં કહ્યું.
એ સાથે રાહુલે બરાડો પાડ્યો: ‘તો એ મોહિની મેનન પણ તારી સાથે છે! બેવકૂફ, મુંબઇ પોલીસ શિકારી કૂતરાની જેમ તમને બેયને શોધી રહી છે! તને ખબર નથી કે તમે બન્નેએ બનાવેલી ફ્લાઈંગ કારને કારણે આખો દેશ ખળભળી ઊઠ્યો છે?’
રાહુલના શબ્દો સાંભળી સાહિલ સ્તબ્ધ થઈ ગયો. એ જ વખતે તે જેના પર વાત કરી રહ્યો હતો એ સેલ ફોન બંધ થઇ ગયો.
એ જ વખતે સાહિલ પાસેના બીજા મોબાઈલ ફોન પર ઈશ્તિયાકનો કોલ આવ્યો. તેણે કહ્યું: ‘તારી પાસેનો એક ફોન મે લોક કરી દીધો છે. હું આ કોલ ડિસ્કનેક્ટ કરીશ એ પછી ત્રીસ સેક્ન્ડમાં આ બીજો ફોન પણ ડેડ થઈ જશે અને તું થોડી મિનિટોમા પાછો નહીં આવે તો તારી મહેબૂબા પણ...’
સાહિલ અને વૈજ્ઞાનિક મોહિની મેનન માટે પાછળ દાવાનળ અને આગળ ભયંકર ઊંડી ખાઈ જેવી સ્થિતિ હતી. તે બન્ને લોહીથી ખરડાયેલા કપડાં સાથે વર્સોવા પોલીસ સ્ટેશનથી થોડા મીટર દૂર ખરા અર્થમાં દિશાશૂન્ય બનીને ઊભા હતા!

(ક્રમશ:)