પિન કોડ - 101 - 87 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 87

પિન કોડ - 101

પ્રકરણ-87

આશુ પટેલ

સાહેબ, અમારે એની સાથે હવે કોઇ સંબંધ નથી. એ ઘણા સમયથી ઘર છોડીને મુંબઇ ચાલ્યો ગયો છે. એ સિવાય એના વિશે અમને કંઇ ખબર નથી. તેણે અમારી સાથે કોઇ સંપર્ક રાખ્યો નથી. મેં તેને મારી સાથે ધંધામાં જોડાઇ જવા કહ્યું હતું, પણ તેને એ પસંદ નહોતું. આખો દિવસ તે મોટરસાઈકલમાં ઘોંચપરોણા ર્ક્યા કરતો હતો અને હું કંઇ પૂછું તો કહેતો હતો કે હું કોઇ શોધ કરી રહ્યો છું. ‘એક વાર તો તે મોટરસાઈકલમાં કૈક કરી રહ્યો હતો એ વખતે જબરદસ્ત ધડાકો થયો હતો અને તે મરતા-મરતા બચ્યો હતો. તે કેટલોક સમય હોસ્પિટલમાં રહ્યો અને તેને બચાવવા માટે મારે ત્રણ લાખ રૂપિયા વ્યાજે શોધવા પડ્યા હતા. હજી વ્યાજ ભરું છું...’ સાહિલનો મોટો ભાઇ ઇન્સ્પેક્ટર મયુર પટેલને કહી રહ્યો હતો. ઘરે સરપંચ સાથે પોલીસ આવી ચડી એટલે તે ગભરાઇ ગયો હતો.
‘એ નાલાયક એ અકસ્માત વખતે જ મરી ગયો હોત તો સારું થાત! અમારે માથે દેવું ના થાત અને આજે આ દિવસ જોવાનો વારો પણ ના આવ્યો હોત!’ સાહિલની કર્કશા ભાભી વચ્ચે બોલી પડી.
‘તું મૂંગી મરી રહે. અત્યારે તારી તેની સાથેની દુશ્મનીની વાત માંડીને ક્યાં બેઠી તું?’ સાહિલના ભાઇએ પત્નીને ખખડાવી નાખી. સાહિલના ભાઈને પણ સાહિલ સામે ફરિયાદ હતી, પણ પત્નીએ કહ્યું કે સાહિલ મરી ગયો હોત તો સારું થાત એટલે તે ઉકળી ઊઠ્યો હતો.
પણ પેલી ચૂપ રહેવાને બદલે આગળ બોલી: ‘તેના લક્ષણો જોઇને મેં કહ્યું હતું કે છાપામાં જાહેરાત આપી દો કે મારા ભાઇ સાથે મારે કોઇ વહેવાર નથી. પણ મારું માને કોણ? મારું માન્યું હોત તો આજે પોલીસ ઘરે ના આવી હોત...’
ઇન્સ્પેક્ટર મયુર પટેલનો પિત્તો ગયો. ‘બહેન, તમે ચૂપ રહો. નહીં તો...’ તેમણે ઊંચા અવાજે કહ્યું. તેમણે ઝડપથી જિલ્લા પોલીસ વડા અમિત ઝાને સાહિલ સગપરિયા વિશે બધી માહિતી પૂરી પાડવાની હતી અને તેની ભાભી અત્યારે તેમના કૌટુમ્બિક વિખવાદનો મુદ્દો ઉખેળીને બેઠી હતી.
અંદર જતી રહે તુ.’ સાહિલનો મોટો ભાઈ પણ બરાડ્યો. એક બાજુથી પોલીસ અધિકારીને ઘરે આવી ચડેલા જોઈને તે ફફડી ગયો હતો અને એ વખતે તેની પત્ની તેની લપ લઈને બેઠી હતી એટલે તેણે પત્ની પર ગુસ્સો ઠાલવ્યો.
સાહિલની ભાભી ડરી ગઇ. બીજી સેક્ન્ડે તે ધીમા અવાજે બબડતી બબડતી રસોડામાં જતી રહી.
ઇન્સ્પેક્ટર પટેલ સાહિલના ભાઇને સાહિલ વિશે સવાલો પૂછવા લાગ્યા.
* * *
તે કાફર પેલી વૈજ્ઞાનિક ઔરતને લઈને પોલીસ સુધી પહોંચી જાય તો પણ આપણી ઇચ્છા વિરુદ્ધ કશું જ બોલશે નહીં. એ વૈજ્ઞાનિક ઔરત મોહિની મેનને પ્રયોગ કરીને બતાવ્યો પછી તે બંનેને અને પેલી મોડલ છોકરીને બેહોશ કરીને તેમના પર પણ આપણે પ્રયોગ ર્ક્યો હતો. એટલે તેઓ પોલીસ પાસે જશે તો પણ એ જ રીતે વર્તશે જે રીતે આપણે ઇચ્છશું. ‘જો કે તે પોલીસ સુધી પહોંચે જ નહીં એ માટે પણ આપણી પાસે રસ્તો છે જ.’ ઇશ્તિયાકે કહ્યું.
કાણિયા બાઘાની જેમ તેના ચહેરા સામે જોતો જ રહી ગયો. હવે તેને સમજાયું કે આઇએસનો સુપ્રીમો આ યુવાન પર આટલો આંધળો વિશ્ર્વાસ કેમ મૂકતો હતો.
ઈશ્તિયાક કાણિયા સાથે વાત કરતા કરતા કોઈને કોલ લગાવવાની કોશિશ કરી રહ્યો હતો. પણ સામા છેડે રિંગ વાગી રહી હતી.
* * *
પેલી યુવતીએ કહ્યું: ‘આય’મ નોટ નતાશા! હું મોહિની મેનન છું!’
તેના એ શબ્દો સાંભળીને સાહિલ અવાક થઈ ગયો.
પોતે જેને નતાશા માનીને ડોન ઈકબાલ કાણિયાના અડ્ડામાંથી બચાવીને ભાગી નીકળ્યો હતો તે કોઈ બીજી જ વ્યક્તિ નીકળી અને એ પણ પાછી નતાશાની હમશકલ! સાહિલ થોડી વાર તે યુવતીના ચહેરા સામે તાકી રહ્યો. સાહિલ કાણિયાના અડ્ડામાંથી ભાગ્યો એ પછી અત્યાર સુધી તેણે તે યુવતીનો ચહેરો ધ્યાનથી જોયો નહોતો. અત્યારે પહેલી વાર સાહિલનું ધ્યાન ગયું કે તે યુવતીની હેર સ્ટાઈલ નતાશાથી જુદી હતી.
‘થેંક્સ. તમે મારો જીવ બચાવ્યો.’ પોતાની ઓળખ મોહિની મેનન તરીકે આપનારી તે યુવતીએ આભારવશ નજરે સાહિલ સામે જોતા કહ્યું.
સાહિલના મનમાં અચાનક ઝબકારો થયો કે નતાશાએ તેને કહ્યું હતું કે તેણે કોઈ અજાણ્યા માણસોને મોહિની મેનન નામની કોઈ છોકરી વિશે વાત કરતા સાંભળ્યા હતા. નતાશાએ મજાકમાં એવું પણ કહ્યું હતું કે કદાચ તેઓ મોહિની નામની કોઈ છોકરીનું અપહરણ કરવાની યોજના પણ ઘડી રહ્યા હોય! સાહિલ મુંઝાઈ ગયો હતો, ગૂંચવાઈ ગયો હતો.
ક્યારેક માણસને કોઈ દિશા ના સૂઝતી હોય એ વખતે તે નિરર્થક પ્રવૃત્તિ કરી બેસતો હોય છે. સાહિલ મોહિનીના ચહેરાને તાકી રહ્યો હતો એ દરમિયાન તેના ખિસ્સામાં પડેલા પેલા બે મોબાઈલ ફોનમાંથી એક ફોનની ફરી વાર રિંગ વાગી. અત્યાર સુધી એ મોબાઈલ ફોન હાથમાં લઈને જોવાના સાહિલને હોંશ નહોતા. પણ પોતે જેને બચાવીને ભાગ્યો હતો તે નતાશા નહીં બલકે તેની હમશકલ યુવતી હતી એ વાસ્તવિકતાથી ભાગવાની કોશિશમાં તેણે બેધ્યાનપણે એ ફોન બહાર કાઢ્યો અને કશું વિચાર્યા વિના કોલ રિસિવ કરી લીધો.
સાહિલે એ મોબાઈલ ફોન કાને માંડ્યો એ સાથે તેને ઈશ્તિયાકનો અવાજ સંભળાયો: ‘તું તારી મહેબૂબાને જીવતી જોવા માગતો હો તો પોલીસ પાસે જવાને બદલે પેલી ઔરત સાથે પાછો અમારી પાસે આવી જા! અને એ ઔરતને પણ કહેજે કે તેના માતાપિતાને જીવતા રાખવા હોય તો ચૂપચાપ પાછી આવી જાય.’
* * *
સાહિલે ડોન કાણિયાના અડ્ડામાં ખોફ ફેલાવી દીધો હતો એનાથી અજાણ નતાશા આંખો બંધ કરીને વિઘ્નહર્તા સિદ્ધિવિનાયકનું સ્મરણ કરી રહી હતી. તેના કાને બે-ત્રણ વાર બૂમોના અવાજ પડ્યા હતા. એકાદ વાર તેને એવો ભ્રમ પણ થયો હતો કે સાહિલે તેના નામની બૂમ પાડી હતી. પણ પછી તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન સિદ્ધિવિનાયકના સ્મરણમા કેન્દ્રિત કરી દીધું હતું. તેના મનમાંથી હવે મૃત્યુનો ડર નીકળી ગયો હતો. તેના મનમાં એક અતૂટ શ્રદ્ધા પેદા થઈ ગઈ હતી કે સિદ્ધિવિનાયક પોતાને બચાવી લેશે.
* * *
રોહિત નાણાવટીએ પત્નીને આલિંગનમાં લઈને કહ્યું: ‘દેવી, આપણી નતાશાને કઈ નહીં થયું હોય અને તેને કઈ નહીં થાય. તું એકલી નથી જતી. આપણે બન્ને નીકળીએ છીએ, હમણાં જ.’ નતાશાની મમ્મીનું નામ દેવિકા હતુ, પણ રોહિત નાણાવટી અંતરંગ પળોમાં તેને દેવી કહીને બોલાવતા હતા.
નતાશાની મમ્મી ફરી વાર રડી પડી.
નાણાવટીએ તેને શાંત કરવાની કોશિશ કરતા કરતા મોબાઈલ ફોનથી એક નંબર લગાવ્યો.
ત્રીજી રિંગ વાગી ત્યાં સામેથી કોલ રિસિવ થયો અને સામેવાળી વ્યક્તિએ કહ્યું: ‘યસ, રોહિત?’
‘તમારી મદદની જરૂર પડી છે. મુંબઈના આતંકવાદી હુમલાઓના સંદર્ભમાં મારી દીકરી નતાશા વિશે હમણાં ટીવી ચેનલ્સ પર ન્યૂઝ ચાલી રહ્યા છે કે...’ નાણાવટીએ કહ્યું.
‘એ તારી દીકરી છે! ઓહ ગોડ!’ સામેવાળાએ આશ્ર્ચર્ય સાથે કહ્યું અને તરત જ ઉમેર્યું: ‘તારી દીકરી એ મારી દીકરી છે, તેની ચિંતા મારા પર છોડી દે!
‘હું જીવનભર તમારો ઋણી રહીશ.’ રોહિત નાણાવટીએ ધ્રુજતા અવાજે કહ્યું. તેઓ પોતાના દાયકાઓ જૂના મિત્ર સાથે વાત કરી રહ્યા હોવા છતાં કરગરી પડ્યા હતા. તેમના અવાજમાં અત્યારે સુપર રિચ એનઆરઆઈ બિઝનેસમેનના આત્મવિશ્ર્વાસને બદલે એક દીકરીના પિતાની લાચારી વર્તાતી હતી.
સામેવાળી વ્યક્તિએ નતાશાના પિતા સાથે વાત કરતા કરતા જ કોઇને કઈક સૂચનાઓ આપી. પછી તે વ્યક્તિએ રોહિત નાણાવટી સાથે વાતનો દોર સાધ્યો. કોલ પૂરો કરતા અગાઉ તેણે ફરી વાર આશ્ર્વાસન આપ્યું, ડોન્ટ વરી, રોહિત. હું તપાસ કરાવું છું. ‘તારી દીકરીને અત્યાર સુધી કંઇ નહીં થયું હોય તો હવે તેનો વાળ પણ વાંકો નહીં થવા દઉં.’
‘થેન્ક યુ, સર.’ રોહિત નાણાવટીએ તે વ્યક્તિનો આભાર માન્યો.. અને તરત જ બીજો કોલ લગાવવા તેમણે મોબાઈલ ફોનના સ્ક્રીન પર આંગળી ફેરવવા માંડી.
‘કોની સાથે વાત કરી તમે હમણાં?’ નતાશાની મમ્મીએ ઉચાટભરી ઉત્સુકતા સાથે પૂછ્યું.
‘ભારતના વડા પ્રધાન સાથે.’ રોહિત નાણાવટીએ કહ્યું!

(ક્રમશ:)