પિન કોડ - 101 - 86 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 86

પિન કોડ - 101

પ્રકરણ-86

આશુ પટેલ

મોહિની મેનનની સહાયક વૈજ્ઞાનિક જયા વાસુદેવન હતપ્રભ બનીને તેના લેપટોપના સ્ક્રીન સામે જોઈ રહી હતી. તેના પ્રેમીએ જે વીડિયો ક્લિપ્સ મોકલી હતી એમાંથી પહેલી વીડિયો ક્લિપ ખોલી ત્યાં જ તેને ચક્કર આવી ગયા હતા. એ વીડિયો ક્લિપમાં તે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં તેના દગાખોર પ્રેમી સાથે જે ચેષ્ટાઓ કરી રહી હતી એ જોઇને તેની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી થઇ. તેને થયું કે આ વીડિયો ક્લિપ ઇન્ટરનેટ પર પહોંચી જાય તો તેના માતાપિતાનું હૃદય આઘાતથી બંધ જ પડી જશે. અને તે પોતાના સગાંવહાલાં કે પરિચિત લોકોને મોઢું બતાવવા જેવી રહે નહીં. બીજી વીડિયો ક્લિપ્સ જોવાની તેની હિંમત ના ચાલી.
જયાની એક ભૂલને કારણે તેનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. પોતે જેના પર આંધળો વિશ્ર્વાસ મૂક્યો હતો તે પ્રેમીએ વિશ્ર્વાસઘાત કર્યો છે એવું સમજાયું ત્યારે તેને પોતાના પ્રેમી પર ભયંકર ગુસ્સો આવ્યો હતો, મનમાં તીવ્ર આક્રોશની લાગણી જન્મી હતી, પણ પેલી વીડિયો ક્લિપ જોયા પછી તેના મન પર ગુસ્સાની અને આક્રોશની જગ્યાએ, શરમ, ક્ષોભ, હીણપત, અજંપાની, લાચારીની લાગણીએ કબજો લઇ લીધો હતો. તેને થતું હતું કે જે બની ગયું છે તે એક દુ:સ્વપ્ન હોય અને તેની આંખ ઉઘડી જાય. માણસ ઘણી વાર અણગમતી, શરમજનક, આઘાતજનક સ્થિતિમાં મુકાય ત્યારે તેને આવી લાગણી થઇ આવતી હોય છે. ઘણા મહાન માણસો જુદા જુદા શબ્દોમાં એ વાત કહી ગયા છે કે માણસના વિચારની શક્તિ અમાપ અને અકલ્પ્ય હોય છે. માણસ પોતાના વિચારો થકી કશું પણ કરી શકે છે. એ વાત વર્તમાન કે ભવિષ્ય માટે કદાચ સાચી પડી શકે, પણ માણસની વિચારશક્તિ ગમે એટલી પ્રબળ હોય તો પણ તેના માટે વહી ગયેલા સમયને રિવાઇન્ડ કરવાનું, એ સમયને પાછો લાવવાનું અશક્ય હોય છે. એ જ રીતે ગમે એટલો શક્તિશાળી માણસ પણ બની ગયેલી ઘટનાઓથી પાછળના સમયમાં જઇને એ ઘટનાને નવી રીતે ઘડી નથી શકતો. નેપોલિયન બોનાપાર્ટ જેવો મહાન યોદ્ધો પણ ભલે કહી ગયો કે એવરીથિંગ ઇઝ પોસિબલ. પણ બધું જ શક્ય હોત તો તે વોટરલૂનું યુદ્ધ હાર્યો જ ન હોત. અને જિંદગીના છેલ્લા તબક્કામાં તેણે જેલમાં પણ ના સબડવું પડ્યું હોત!
જયા બહુ મહત્ત્વાકાંક્ષી અને ઇન્ટેલિજન્ટ યુવતી હતી. એટલે તો મોહિની મેનને તેને પોતાની સહાયક તરીકે પસંદ કરી હતી. મોહિની જયા અને બાલક્રિષ્ન પિલ્લાઇથી કોઇ જ વાત છુપાવતી નહોતી. તેણે ફ્લાઇંગ કારનો પ્રયોગ ર્ક્યો એ સંશોધનમાં બાલક્રિષ્ન અને જયાને સાથે રાખ્યા હતા. જો કે જયા બાયોલોજીના ક્ષેત્રે આગળ વધવા માગતી હતી અને બાલક્રિષ્નને ભૌતિકવિજ્ઞાન પ્રત્યે વધુ લગાવ હતો. મોહિની વર્સેટાઇલ વૈજ્ઞાનિક હતી અને તેણે નાની ઉંમરમાં જ અનેક શોધો કરી હતી. તે જયા અને બાલક્રિષ્નને તેના બધા સંશોધનમાં શામેલ કરતી હતી. જો કે પોતાના સંશોધનોની સંપૂર્ણ ફોર્મ્યુલા જયા અને બાલક્રિષ્ન પિલ્લાઈને ખબર ના પડે એની તકેદારી તેણે લીધી હતી. પણ મોહિની શું શું સંશોધન કરી રહી છે એ તે બન્નેને ખબર હતી અને પોતાના પ્રેમીને એ વિશે માહિતી આપવાની ભૂલ જયા કરી બેઠી હતી.
જયાને લાગ્યું કે તેને કોઈએ અંધારિયા કૂવામાં ફંગોળી દીધી છે. તેને પસ્તાવો થઇ રહ્યો હતો કે તે આવા માણસની પ્રેમજાળમાં ફસાઇને પોતાની જિંદગી બરબાદ કરી બેઠી. જયાનું સપનું વૈજ્ઞાનિક તરીકે વિશ્ર્વભરમાં નામના કમાવાનું હતું. જયાને અફસોસ થયો કે પોતાની એક ભૂલને કારણે પોતાનું એ સપનું જ નહીં આખું જીવન પણ રોળાઈ ગયું હતું. અને પોતાની મૂર્ખાઈની સજા મોહિની મેડમને પણ મળી હતી. કદાચ તેમણે પોતાનો જીવ પણ ગુમાવી દીધો હતો. મુંબઈમાં ફ્લાઈંગ કારની મદદથી આતંકવાદી હુમલો થયો એ આઘાત જયા પચાવી શકે એ પહેલા તો તેણે એક ટીવી ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ જોયા હતા કે મુંબઈમાં પહેલી ફ્લાઈંગ કારથી ભરચક ટ્રાફિક પર બોમ્બ ઝીંકાયા એ કાર જે યુવતી ચલાવી રહી હતી એ યુવતી અદ્દલ મોહિની મેડમ જેવી જ હતી. ક્યાંક મોહિની મેડમ જ...
એ વિચારથી ફરી એક વાર જયાના શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું. તેણે ઈશ્ર્વરને પ્રાર્થના કરી. તેણે પોતાના મનને મનાવવાની કોશિશ કરી કે મોહિની મેડમ તો અમેરિકા છે એ ક્યાંથી એ કારમાં હોઈ શકે? અને ટીવી ચેનલ પર એવું પણ દર્શાવાઈ રહ્યું હતું એ સ્કેચ અને ફોટો કોઈ નતાશા નાણાવટી નામની મોડેલના હતા એવી મુંબઈ પોલીસને માહિતી મળી હતી. પણ વળી તેને થયું કે એ કારમાં મોહિની મેડમ ના હોય તો પણ પોતાને કારણે તેમના પર ભયંકર આફત આવી પડી હતી.
તેને મોહિની મેડમે આપેલી સલાહ યાદ આવી ગઈ. તેણે એક વાર મોહિની મેડમને પૂછી લીધું હતું કે તમે લગ્ન શા માટે નથી કરતા ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અપાર મહત્ત્વાકાંક્ષા સાકાર કરવા માટે મથતા મથતા જીવનની ખુશીઓ માણવાની કોશિશ કરનારી વ્યક્તિની હાલત એવી હોય છે જાણે કોઈ બાળકને મળેલી આકર્ષક કેક તે સાચવી પણ રાખવા માગતું હોય અને તેને ખાઈ જવાની લાલચ પણ તે ખાળી ના શકતું હોય! બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે કે જે પોતાની મહત્ત્વાકાંક્ષા સાકાર કરતા કરતા જીવનની ખુશાલીઓ માણી શકતી હોય. હું માનું છું કે અતિ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિએ લગ્ન ના કરવા જોઈએ. કારણ કે પોતાની અમાપ ઇચ્છાઓ અને લગ્નજીવનની વચ્ચે તેની હાલત સેન્ડવિચ જેવી થયા વિના ના રહે. અને તેની સામેના પાત્રની દશા પણ કફોડી થાય. અથવા તો એવું પણ બને કે સામેનું પાત્ર કોઈ તબક્કે જીવનસંગાથીને બદલે જીવનશત્રુ બની જાય. લગ્ન પછી મહત્ત્વાકાંક્ષી વ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જવાની પૂરી શક્યતા પણ રહે. એમાય મારા જેવી સ્ત્રીઓ માટે તો લગ્ન તેની મહત્ત્વાકાંક્ષામાં વિઘ્નરૂપ બની રહે. અતિ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિને લગ્ન તો શું પ્રેમસંબંધ પણ ના પરવડે! જેણે જગતને કંઈક આપી જવું હોય એવી વ્યક્તિએ જીવનના ઘણા સુખોથી વંચિત રહેવું પડતું હોય છે.’ પછી તેમણે હસતા હસતા ઉમેર્યુ હતું, તું કોઈની સાથે પરણવાની તૈયારી નથી કરી રહી ને! કોઈના પ્રેમમાં તો નથી પડી ને? તારું સપનું જગવિખ્યાત વૈજ્ઞાનિક બનવાનું હોય તો કોઈ ચક્કરમાં ના પડતી!’
જયાને મોહિની મેડમની એ સલાહ યાદ આવી ગઈ એટલે તે વધુ વ્યથિત થઈ ગઈ. મોહિની મેડમ પોતાની મહત્ત્વાકાંક્ષાને કારણે પુરુષોથી દૂર રહ્યા હતા, પણ પોતે એક શેતાન સમા પુરુષને ફરિશ્તા જેવો માનીને તેના પ્રેમમાં પડી હતી અને તેની સાથે મોટા ભાગની સામાન્ય યુવતીઓની જેમ સેક્સ્યુઅલ રિલેશનશિપ સુધી પણ પહોંચી ગઈ હતી. વળી તેણે હંમેશાં પોતાના પ્રેમી સામે હોશિયારી કરી હતી કે આપણો સંબંધ લગ્ન ક્યારેય નથી પહોંચવાનો એ સમજી લેજે. હું જીવનમાં ક્યારેય લગ્ન નથી કરવાની! એ માટે તું બીજી કોઈ છોકરીને શોધી લેજે. જયાને પોતાની બેવકૂફી સમજાઈ રહી હતી. તેની સાથે પ્રેમનું નાટક કરનારો યુવાન આમ પણ ક્યા તેની સાથે લગ્ન કરવા માગતો હતો! પોતે બેવકૂફી કરી હતી અને તેની સજા મોહિની મેડમને મળી હતી. પોતે મોહિની મેડમને રોલ મોડેલ ગણતી હતી છતાં તેમને કફોડી હાલતમાં મૂકી દીધા હતા. મોહિની મેડમ સામે આવી જાય તો તેમની આંખમાં આંખ મિલાવી શકે એમ નહોતી. તેની સાથે તેના નકલી પ્રેમીએ દગો ર્ક્યો હતો. પરંતુ પોતે એ દુષ્ટ માણસ પર વિશ્ર્વાસ મૂકવાની મૂર્ખાઈ થકી મોહિની મેડમ સાથે ભયંકર વિશ્ર્વાસઘાત ર્ક્યો હતો.
હતાશાથી ઘેરાઇ ગયેલી જયા ક્યાંય સુધી મૂઢની જેમ બેસી રહી. છેવટે તેણે કોઈ નિશ્ર્ચય કર્યો. તેણે કાગળ અને પેન લીધા. તેણે એક પત્ર પોતાના માતાપિતાને લખ્યો, બીજો પત્ર મોહિની મેડમને ઉદ્દેશીને લખ્યો અને ત્રીજો પત્ર ડોક્ટર રાધાક્રિષ્નનનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કે. વેંકટરમનને ઉદ્દેશીને લખ્યો. પછી તેણે એ પત્રો સ્કેન કરીને કેટલીક વ્યક્તિઓને ઈમેઈલથી મોકલી આપ્યા.
એ પછી તેણે પલંગ પર પડેલી ચાદર ઉઠાવીને એક બાજુ મૂકી. ત્યાર બાદ લેપટોપ રાખવાનું ટેબલ ઊંચકીને પલંગ પર મૂક્યું. પેલી ચાદર ઉઠાવીને તે ટેબલ પર ચડી. તેણે એ ચાદરનો એક છેડો મજબૂત રીતે સિલિંગ ફેન સાથે બાંધ્યો, બીજો છેડો પોતાના ગળામાં બાંધ્યો અને પછી ટેબલને ફંગોળી દીધું.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 4 અઠવાડિયા પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા

ATULCHADANIYA

ATULCHADANIYA 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા