તમારા વિના - 28
‘બા, મને બે-બ્લેડ લેવી છે. બા, લઈ આપશોને?’ ઘરમાં પ્રવેશતાં જ નિધિ કાન્તાબેનના પગને વળગી પડી.
‘શું લેવું છે?’ કાન્તાબેને બારણા પાસે ચંપલ ઉતારી દીવાનખંડમાં આવી સોફા પર બેસતાં પૂછ્યું.
‘બે-બ્લેડ.’
‘એટલે શું?’
‘બા, એ આમ ફેરવવાનું હોય. ગોળ-ગોળ ફરે એવું.’ વિધિ કાન્તાબેનના ખોળામાં ચડી બેઠી અને તેણે હાથ વડે કાન્તાબેનને સમજાવવા માંડ્યું.
‘બે લઈ દેજા હોં. આ નિધિ તો મને કંઈ રમવા જ નથી આપતી.’ બન્ને બહેનોમાં નિધિ જબરી હતી અને વિધિ શાંત અને સમજુ હતી એટલે દર વખતે તેને બિચારીને જ અન્યાય થતો. નિધિ તેની પાસેથી બધું ઝૂંટવી લેતી હતી. આ વખતે પણ એવું ન થાય એે માટે વિધિએ પણ પોતાની માગણી મૂકી જ દીધી હતી.
‘ઊતર, નીચે ઊતર. ઘડીક વાર ઝપ લેવા નથી દેતી આ જાગમાયાઓ. માગણ હતી ગયા જનમે?’ શ્વેતાએ વિધિને હાથ પકડીને નીચે ઉતારી.
‘ગમે તેમ શું બોલે છે શ્વેતા. છોકરાઓ આપણી પાસે ન માગે તો કોની પાસે માગે?’
‘બહારથી આવી છે ને આ બેઉ જણીઓ તારો જીવ ખાઈ ગઈ છે. જાઓ, તમે બાને જરાક આરામ કરવા દો.’ શ્વેતાએ વિધિ અને નિધિને ત્યાંથી તગેડી મૂકી.
‘એ લોકોને શું જાઈએ છે શ્વેતા? મને તો કંઈ સમજ ન પડી.’
‘કંઈ નહીં બા. આપણી ભાષામાં કહીએ તો ભમરડા. પહેલાં લાકડાના ભમરડા આવતા હતા. આ જરા જુદા આકારના અને પ્લાસ્ટિકના હોય છે. પણ તું એ બધું મૂકને. આરામ કરવો છે થોડીક વાર કે થાળી પીરસું?’ શ્વેતાએ રસોડામાં જતાં-જતાં પૂછ્યું.
‘ના ભઈસાબ, મારે કંઈ ખાવું નથી. પેટ એકદમ ભરેલું છે. કાશ્મીરાએ નાસ્તામાં બટાટાનાં પરાંઠાં બનાવ્યાં હતાં. આગ્રહ કરીને બે પરાંઠાં ખવડાવ્યાં.’
‘મેં તારા માટે જમવાનું બનાવ્યું છે. મૂળાનું લોટવાળું શાક છે. તને બહુ ભાવે છેને?’
‘ભાવે તો ખરું, પણ કયા પેટમાં નાખું? ફ્રિજમાં મૂકી રાખ, સાંજે ખાઈ લઈશ. કાશ્મીરાને મેં બહુ ના પાડી કે મને સવાર-સવારમાં નાસ્તો કરવાની આદત નથી, પણ માને જ નહીંને! મેં તેને કહ્યું કે શ્વેતાએ રસોઈ બનાવી રાખી હશે...’
‘તું એ લોકોના ઘરે પહેલી વાર રોકાઈ નહીં? કેમ છે દીપકભાઈ?’ શ્વેતાએ રોટલી વણતાં-વણતાં પૂછ્યું
‘હા, આટલા બધા દિવસ તો પહેલી વાર રોકાઈ... કાશ્મીરા તો હજી યે આવવા જ નહોતી દેતી.’ શ્વેતાનો સવાલ સાંભળી કાન્તાબેન તરત તો કંઈ બોલી શક્યાં નહોતાં, પણ પછી તેમણે વાત ટાળી દીધી હતી.
દીપક કેમ છે એ વાતનો કાન્તાબેન પાસે જવાબ હતો? કદાચ તેઓ પણ જાણતાં નહોતાં કે દીપક મજામાં હતો કે નહીં?
દીપકના ઘરે બે અઠવાડિયાં રોકાયાં હોવા છતાં જાણે તેઓ દીપકને તો મળ્યાં જ નહોતાં એવું કાન્તાબેનને લાગતું હતું. એ રાતે દીપક તેમને એલફેલ બોલ્યો હતો ત્યાર પછી કાન્તાબેનને અનેક વાર ઇચ્છા થઈ હતી કે તે દીપક સાથે ખુલ્લા દિલે વાત કરે. તેમને સતત લાગતું હતું કે આટલા દિવસ તે દીપક સાથે એક જ છત નીચે રહ્યા હોવા છતાં તેઓ બન્ને સમયના જુદા-જુદા છેડે હતાં. તેમની વચ્ચે બે પેઢીનું નહીં, પણ જાણે બે યુગ જેટલું અંતર હતું.
દીપક તેમનું પ્રથમ સંતાન હતો. કાન્તાબેનને લાગતું હતું કે તેમનો વિપુલ અને શ્વેતા માટેનો પ્રેમ ઓછો નહોતો. દેખીતી રીતે તો તેમનાં આ બે બાળકો માટે તેમની કાળજી પણ ઊડીને આંખે વળગતી હતી. દીપકની સરખામણીમાં વિપુલ અને શ્વેતાને તેમની હૂંફ અને સહાયની વધુ જરૂર રહેતી અને કાન્તાબેને પણ હંમેશાં તેમના તરફ સહેજ વધુ પક્ષપાતભર્યું વલણ રાખતાં હતાં, પરંતુ કાન્તાબેનનું હૈયું જ જાણતું હતું કે દીપક માટે તેમને કેટલું ખેંચાણ હતું.
‘કાન્તા, દીપક માટેનું તારું વળગણ જરાક વધારે પડતું જ છે હોં?’ કાન્તાબેન ડબલબેડ પર ચાદર પાથરી રહ્નાં હતાં ત્યારે અચાનક ચંદ્રે પાછળથી આવીને તેમને કહ્યું હતું. કાન્તાબેન ચોરી કરતાં પકડાઈ ગયાં હોય એમ ચોંકી ગયાં હતાં.
‘તમને એવું શેના પરથી લાગ્યું? ઊલટું બધા તો એમ કહે છે કે હું વિપુલને વધુ લાડ કરું છું.’ કાન્તાબેને પોતાના મનનો ભાવ છુપાવતાં અને સાવ સહજ રહેવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું.
‘બધાની વાત જવા દે, પણ હું તને બરાબર ઓળખું છું. તેં દીપકને રડાવીને પણ એનસીસીના કૅમ્પમાં મોકલ્યો જને!’
‘લો, આ તો હદ થઈ ગઈ. છોકરાને આકરી ટ્રેઇનિંગમાં મોકલ્યો તોય તમે કહો છો કે હું તેના તરફ પક્ષપાત કરું છું.’
‘કાન્તા, તું સિંહણ જેવી છો અને દીપક પણ એવો જ શક્તિશાળી બને એવું તારા મનમાં છે.’
કાન્તાબેન તરત કંઈ જવાબ નહોતાં આપી શક્યાં.
‘એક વાત પૂછું? તમે મને આટલી બધી કેવી રીતે ઓળખો છો?’ અને પછી પથારીમાં બાજુમાં સૂતેલા નવીનચંદ્રના હાથ પર હાથ મૂકી બોલ્યાં, ‘ચંદ્ર, તમારી પાસે ખોટું નહીં બોલું. વિપુલ અને શ્વેતા માટે મને સહેજ પણ અભાવ નથી. તે બન્ને પણ મારા જ અંશ છે. બીજી સ્ત્રીઓની તો ખબર નથી, પણ હૉસ્પિટલમાં નર્સે દીપકને પહેલી વાર મારા હાથમાં મૂક્યો હતો ત્યારે મને જે લાગણી થઈ હતી એે આજે પણ મને એવી ને એવી જ યાદ છે. એ લાગણીને જગતની કોઈ પણ ભાષાના કોઈ પણ શબ્દમાં ન કહી શકાય...’ પોતાના જ શબ્દો પોતાને અધૂરા લાગતા હોય એમ કાન્તાબેન અટકી ગયાં.
‘તમે મને સમજા છોને ચંદ્ર? હું એમ નથી કહેવા માગતી કે વિપુલ કે શ્વેતા મને વહાલાં નથી...’
નવીનચંદ્ર કશું બોલ્યા નહીં, પણ પથારીમાં જ બેઠા થઈ તેમણે પગ પાસે પડેલી રજાઈ નાના છોકરાને ઓઢાડતા હોય તેમ કાન્તાબેનને ઓઢાડી. રજાઈ શરીર પર આવી ત્યારે કાન્તાબેનને અહેસાસ થયો કે તેમને ખરેખર ઠંડી લાગી રહી હતી.
‘હું તો તને સમજું છું કાન્તા, પણ બધા નથી સમજતા અને તારે તેમને સમજાવવા પડશે; નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી થશે.’
એે વખતે તો કાન્તાબેનને નવીનચંદ્રની વાત સમજાઈ નહોતી, પણ આજે લાગી રહ્યું હતું કે ચંદ્ર સાચા હતા. તેમનો પોતાનો દીપક માટેનો સ્નેહ કદાચ ક્યારેય દીપક સુધી પહોંચી જ નહોતો શક્યો.
દીપકના મન સુધી પહોંચવા શું કરી શકાય એે વિશે તેમણે આ દિવસોમાં અનેક વાર વિચારો કર્યા હતા, પણ તેમને કોઈ રસ્તો દેખાયો નહોતો.
‘અરે, બા તમે ક્યારે આવ્યાં? તમારા વિના ઘરમાં ગમતું જ નહોતું. શુંઉંઉંઉંઉં... કે છે શ્વેતુ?’ નીતિનકુમાર બેડરૂમમાંથી સીધા રસોડામાં આવ્યા હતા. તેમણે લુંગી પહેરી હતી અને વાળ પણ વિખરાયેલા હતા. બપોરના બાર થવા આવ્યા હતા તોય હજી તે નાહ્યાધોયા વિનાના હતા. મોંમાં ભરેલા તમાકુના ડૂચાને કારણે હોઠના ખૂણેથી થૂંક સરી રહ્નાં હતું એ જાઈને કાન્તાબેનને ત્રાસ થતો હતો.
કાન્તાબેને આખા ઘરમાં નજર કરી. હૉલમાં છાપાં આમતેમ રખડતાં હતાં. ટેલિવિઝનની સ્ક્રીન પર ધૂળ જામેલી હતી. બારીની કડી ભરાવી ન હોવાને કારણે તે પછડાઈ-પછડાઈને કાચનો ટુકડો પડી ગયો હતો.
બાથરૂમની બહાર કપડાંનો ઢગલો હતો તો કિચનની સિંક બરાબર ધોવાઈ ન હોવાને કારણે એેની કિનાર પર એંઠવાડ ચોંટેલો હતો અને ચીકાશ જામી ગઈ હતી. તેમને શ્વેતા પર ગુસ્સો આવ્યો, પણ આટલા દિવસે પાછા આવ્યા પછી તરત જ કંઈ બોલીને ઝઘડો વહોરી લેવાનું તેમણે માંડી વાળ્યું. પોતે જ પોતાનું ઘર સાફ કરી નાખશે એટલે કંઈ કંકાસને કારણ જ ન મળે એવું તેમણે વિચાર્યું. ક્યાંથી શરૂઆત કરવી એે મનોમન ગોઠવતાં હતાં ત્યાં જ નીતિનકુમાર ઉત્સાહથી બોલ્યા,
‘અરે શ્વેતુ, તેં બાને બતાવ્યું કે નહીં?’
‘શું?’ શ્વેતાએ પૂછ્યું.
‘સાવ ભુલક્કડ છે તું પણ...’ નીતિનકુમાર શ્વેતાની નજીક સરક્યા અને તેના નિતંબ પર એક ટપલી મારી બોલ્યા.
કાન્તાબેનને ચીડ ચડી, પણ તેમણે જોયું ન જોયું કર્યું.
‘ચાલો, ચાલો બા, હું તમને બતાવું. અમે તમારા માટે ખાસ લાવ્યા છીએ.’ નીતિનકુમાર લગભગ દોડતા હૉલ તરફ ગયા.
કાન્તાબેન કમને તેમની પાછળ ગયાં. હૉલને અડીને આવેલી બાલ્કનીમાં એક આરામખુરશી પડી હતી. જાતાંવેંત કાન્તાબેનને સમજાઈ ગયું કે એ રૉકિંગ ચૅર હતી. નાના છોકરાની જેમ નીતિનકુમાર એમાં બેસીને ઝૂલવા માંડ્યા અને પછી ઊભા થઈને બોલ્યાઃ
‘બેસો, બેસો બા, બહુ સરસ છે. મજા આવશે.’
કાન્તાબેને ઊભાં-ઊભાં જ હાથ વડે ખુરશી ઝુલાવી અને બોલવા ખાતર બોલતાં હોય એમ કહ્યું, ‘સારી છે.’
‘જા મેં નહોતું કહ્યું બાને ગમશે,’ નીતિનકુમારે પોતાના જ બે હાથ વડે તાળી પાડી અને પાછળ ઊભેલી શ્વેતાને કહ્યું.
‘બા, સાચ્ચે જ તને ગમીને! હાશ... મને એમ હતું કે તને હિંડોળાને બદલે આ ખુરશી નહીં જ ચાલે...’
‘એટલે?’ કાન્તાબેનને અચાનક ધ્યાનમાં આવ્યું કે હૉલમાંથી તેમનો હિંડોળો ગાયબ હતો. તેમની નજર આખા હૉલમાં ફરી વળી. હવે તેમને સમજાયું કે તેઓ આવ્યા ત્યારથી તેમને ઘરમાં કંઈક વિચિત્ર અને અડવું-અડવું કેમ લાગતું હતું.
‘ક્યાં ગયો હિંડોળો?’
‘હવે આ હૉલ કેટલો મોટો લાગે છેને? આટલો સરસ હૉલ હિંડોળાને કારણે કેવો ભંગાર લાગતો હતો. નીતિને મને કહ્યું ચાલ, બાને સરપ્રાઇઝ આપીએ. આપણે તેમના માટે રૉકિંગ ચૅર લઈ આવીએ. આ આઇડિયા સાચે જ તેનો જ હતો...’ કાન્તાબેને નીતિનકુમાર સામે જાયું. પોતાની હોશિયારીથી કરોડની કમાણી કરીને આવ્યા હોય તેમ તે સ્મિત વેરી રહ્યા હતા.
કાન્તાબેનનું માથું ભમી ગયું. આ લોકોને જાણ પણ હતી કે આ હિંડોળાનું તેમના જીવનમાં શું સ્થાન હતું? હિંડોળો પિત્તળની સાંકળ વડે લટકતું અને ઝૂલતું એક પાટિયું નહોતો. તેમના અસ્તિત્વનો એક હિસ્સો હતો. નવીનચંદ્ર સાથે વિતાવેલી આત્મીય સવાર અને સાંજનો સાક્ષી હતો. તેમના ઘરમાંનું સૌથી મહામૂલું આભૂષણ હતો અને તેમના પોતાના જ ઘરમાં તેમને પૂછ્યા વિના એને કાઢી નાખવામાં આવ્યો હતો. આવો અધિકાર નીતિનકુમાર અને શ્વેતાને કોણે આપ્યો હતો?
‘બા, અમને બે-બ્લેડ લઈ આપોને!’ કાન્તાબેનની માનસિક સ્થિતિથી અજાણ નિધિ ફરી એક વાર કાન્તાબેનને આવીને વળગી પડી.
કાન્તાબેને નીચા વળીને તેને તેડી લીધી. ‘લઈ આપીશ બેટા. હવે તો તમારું વેકેશન પૂરું થઈ ગયું છે. હવે તમે તમારા ઘરે જશોને ત્યારે તમને લઈ આપીશ.’ કાન્તાબેને સૂચક નજરે નીતિનકુમાર તરફ જાયું.
‘પણ બા, પપ્પા તો કહેતા હતા કે અમે હવે અહીં જ રહેવાના છીએ. પપ્પાએ અમારું એડ્મિશન નવી સ્કૂલમાં કરાવી લીધું છે...’