ઓપરેશન ગોલ્ડન ઈગલ-1 Pratik D. Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન ગોલ્ડન ઈગલ-1

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રતીક ગોસ્વામી,

''સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કઈ રીતે પહોંચાડે છે એ જોવું ખુબ જ રસપ્રદ થઇ પડશે. અફસોસની વાત છે કે આપણાં દેશમાં આવું હકીકતમાં નથી થઇ શકતું. જો થતું હોત તો આ લખવાની કદાચ જરૂર જ ન પડી હોત... ખેર, આ જાસૂસી કથામાં એ બધું જ છે, જે હોવું જોઈએ. તેથી થોડી સચ્ચાઈ અને થોડી કલ્પનાની સાથે સાથે આપનું મનોરંજન થશે એની પુરી ગેરંટી. અને હા, નવલકથા વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપશો. આભાર સહ જય હિન્દ.

પ્રતીક ગોસ્વામી.

તારીખ: ૨૭ નવેમ્બર , ૨૦૧૬. સમય, પરોઢના ૩:૦૦ .

ભારતીય સેનાની જમ્મુ એન્ડ કશ્મીર લાઈટ ઇન્ફંટ્રી રેજીમેન્ટની ૪થી બટાલિયનના આશરે ૧૫ સૈનિકો કાશ્મીરની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર નૌગામ સેક્ટરમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ટુકડીનો સરદાર એક ૨૫ વર્ષનો યુવાન ઓફિસર લેફ્ટનન્ટ અનુપ શ્રીવાસ્તવ હતો. સીમારેખાથી તેઓ બે કિલોમીટર અંદર પેટ્રોલિંગ કરી રહ્યા હતા કારણકે હાલના સંજોગો અને દુશ્મન દેશ સાથેના તંગ સંબંધોને લીધે સીમા પર રોજે રોજ ફાયરીંગ થતી રહેતી હતી. એટલે જ હાઇ-કમાન્ડએ તેમને લાઈન ઓફ કંટ્રોલથી થોડે દૂર પેટ્રોલિંગ કરવાનો હુકમ આપ્યો હતો. બધા જ જવાનો પાસે ઈન્સાસ રાઇફલ, આધુનિક વૉકિટોકી તથા નાઈટવિઝન દૂરબીન હતાં અને તેઓ બુલેટપ્રૂફ જેકેટ તથા બુલેટપ્રૂફ હેલ્મેટથી સજ્જ હતાં, છતાં તેમના ઉપરી અધિકારીઓ કોઈ જોખમ લેવા માંગતા ન હતા. આમ પણ ભારતીય સેના પાસે એવું કોઈ બુલેટપ્રુફ જેકેટ ન હતું, જે એકે ૪૭ જેવી રાઇફલના પોઇન્ટ બ્લેન્ક રેંજના ફાયરને ખાળી શકે. તેથી દુશ્મનોથી દૂર રહેવું જ હિતાવહ હતું, અને તેમ કરવાથી આપણા જવાનો સલામત રહી શકશે એવું તેમના ઉપરી અફસરો માનતા હતા. ખાલી તેઓ જ આવું માનતા હતા અને જો તેમને દુશ્મનના ખતરનાક વિચારની ખબર હોત તો શાયદ ભારત અને પાકિસ્તાન બંનેના ભવિષ્યને ભયાનક હદે બદલી નાખનાર ઘટનાઓનો દોર શરુ જ ન થયો હોત. ખેર, આખરે તો એ જ થવાનું હતું કે જે કુદરતને મંજુર હતું. દુઃસ્વપ્ન સમાન એ ઘટનાચક્ર ક્યારનું શરુ થઇ ચૂક્યું હતું અને તેને રોકવું હવે કદાચ દરેકના બસની બહાર હતું.

***

'' જનાબ, ચાંદ નીકળ્યો છે.'' પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં સરહદ પાસેની એક ચોકી પર એ જ દિવસે પરોઢના આશરે અઢી વાગ્યે એક સાંકેતિક મેસેજ આવ્યો. મેસેજ ભારત તરફથી આવ્યો હતો અને કોઈક જાસૂસે મોકલ્યો હતો. સામેથી જવાબ મળ્યો ''ઇન્શાલ્લાહ, ઇદ મુબારક.'' આ જવાબ સાંભળીને મેસેજ મોકલનાર ખંધુ હસ્યો, કારણકે તેને આ ''ઇદ મુબારક'' નો મતલબ ખબર હતો. આ તરફ પેલી ચોકીમાં દોડધામ મચી ગઈ. જે જગ્યાએ આ મેસેજ ઇન્ટરસેપ્ટ કરાયો હતો તે પાકિસ્તાનની કુખ્યાત ''બોર્ડર એક્શન ટીમ'' ની ચોકી હતી. હવે તેને ''ચાંદ'' ના સ્વાગત માટે જવાનું હતું. ખાલી પાકિસ્તાન જ નહીં પણ દુનિયાની ક્રૂરતમ કમાન્ડો ટુકડીઓમાં ''બોર્ડર એક્શન ટીમ'' કે જેને ટૂંકમાં ''બેટ'' કહેવાતી, તેની ગણના થતી હતી. આ ''બેટ'' માં માત્ર પાકિસ્તાની ફૌજના સૈનિકો જ નહિ પણ પાકિસ્તાની કેમ્પોમાં તાલીમ પામેલા આતંકવાદીઓની પણ ભરતી કરવામાં આવતી હતી. દુશ્મનો સાથે, ખાસ કરીને ભારતીય સૈનિકો સાથે ક્રૂરતા આચરવામાં તેણે ઘણીવાર પાશવતાંની હદ પાર કરી નાખી હતી. આ વખતે પણ તેના સૈનિકો કમ આતંકવાદીઓ કંઇક એવું જ કરવા જઈ રહ્યા હતા, પણ આ વખતે અંજામ કંઇક ઓર જ આવવાનો હતો. ''બેટ''ના દસ ચુનંદા સભ્યો પોતાનો શિકાર કરવા નીકળી પડ્યા. તેમણે પીલર નંબર ૨૭૧ પાસે શિકારની રાહ જોવાની હતી, અને જેવો શિકાર આવે કે તેનો ખાત્મો બોલાવી દેવાનો હતો. આ તરફ પોતાના કરૂણ અંજામથી બેખબર ભારતીય સેનાની પેટ્રોલપાર્ટી તે તરફ જ આવી રહી હતી. ટુકડીનું સુકાન લેફ્ટનન્ટ અનુપ સાંભળી રહ્યો હતો. જુવાનીમાં પગ મૂકતાં જ ભારતીય સેનામાં જોડાવાનું સપનું તેણે જોયું હતું અને તેથી જ પહેલા ''નેશનલ ડિફેન્સ એકેડેમી'' અને ત્યાર બાદ ''ઇન્ડિયન મિલિટરી એકેડેમી'' માં જોડાયો હતો. કાશ્મીરમાં છેલ્લા દસ મહિનાથી ફરજ બજાવી રહેલા અનુપનો આજે પેટ્રોલિંગ માટેનો છેલ્લો દિવસ હતો, હવે પછીનો દોઢ મહિનો તે છુટ્ટી ગાળવા માટે પોતાના શહેર કાનપુર જઈ રહ્યો હતો. અત્યારે સરહદ પાસેનું વાતાવરણ ઠંડુ હતું અને સખત ધુમ્મસ છવાયેલું હતું, તેથી તેની ટુકડી સાવધાનીથી આગળ વધી રહી હતી, સાથે સાથે ત્યાંની પરિસ્થિતિનો રિપોર્ટ અનુપ પોતાના વોકીટોકીથી ભારતીય ચોકીના વાયરલેસ ઓપરેટરને આપી રહ્યો હતો.''ડેલ્ટા ટૂ કમિંગ આલ્ફા, અમે પીલર નંબર ૨૭૧ પાસે પહોંચ્યા છીએ, વાતાવરણ ધુમ્મસિયું છે, બટ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ....'' અચાનક તેનો વાયરલેસ મથક સાથેનો સંપર્ક કપાઈ ગયો અને વોકીટોકીમાં માત્ર ઘરેરાટી સંભળાવા લાગી. '' ડેમ ઈટ, આ કમ્બખ્તને પણ અત્યારે જ બગડવું હતું.'' મનોમન તે બબડ્યો. તેના વોકીટોકીમાં કઈંક ખામી થઇ હશે એમ સમજીને તેણે ચોકી પર પહોંચીને જ રિપોર્ટ આપવાનું નક્કી કર્યું અને તેની ઘડિયાળમાં સમય જોયો. તેની ડિજિટલ ઘડિયાળ સવા ત્રણનો સમય બતાવી રહી હતી. તેમણે ધીમે ધીમે ચાલવાનું જારી રાખ્યું. સખત ધુમ્મસ અને આવી હાડ થિજાવતી ઠંડીમાં ચાલવું ખરેખર અઘરું હતું. અચાનક તેને કશુંક સળવળાટ સંભળાયો. તે અને તેના જવાનો હજુ કંઈ સમજે તે પહેલાં જ તેમના પર ઓચિંતો હલ્લો થયો. આ હુમલાખોરો પેલા એ જ ''બેટ''ના ક્રૂર સભ્યો હતા. પાગલ કૂતરાંની જેમ તેઓ અનુપ અને તેના બાકી સાથીઓ પર તૂટી પડ્યાં. તેમના અચાનક હુમલાને લીધે ભારતના ત્રણ સૈનિકો ત્યાં જ શહીદ થયાં અને બાકીના સૈનિકોનું શું થયું એ તો કોઈને ખબર ન હતી, ભવિષ્યમાં જયારે આ વાતની ખબર પડવાની હતી ત્યારે સમગ્ર દેશમાં ગુસ્સામિશ્રિત ખળભળાટ મચી જવાનો હતો.

***

૨૭ નવેમ્બર, ૨૦૧૬. સમય સવારના ૭:૦૦

ભારતીય સેનાની ચોકી પર રહેલો વાયરલેસ ઓપરેટર ક્યારનો મૂંઝાઈ રહ્યો હતો. થોડા કલાક પહેલા તેણે અનુપની ટીમ સાથેનો રેડિયો સંપર્ક ગુમાવ્યો હતો. ઘણીબધી કોશિશો કરવા છતાં જયારે ફરીથી તેમનો સંપર્ક ન થઇ શક્યો ત્યારે તેમના વોકીટોકીમાં ટેક્નિકલ ખરાબી હશે એમ માનીને તેણે તેમની રાહ જોવાનું જ મુનાસીબ માન્યું. પરંતુ જો માત્ર ટેક્નિકલ ખરાબીના લીધે સંપર્ક ન થતું હોય, તો પણ સવારના ૬:૦૦ વાગ્યા સુધીમાં તો તેઓ પાછાં આવી જવા જોઈતા હતાં, તો પછી કેમ હજી સાત વાગવા છતાંય તેમના કોઈ સમાચાર ન હતાં ? જરૂર કશુંક ન બનવાનું બન્યું હશે. આવો વિચાર આવતાં જ તેના શરીર માંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. હવે વધુ સમય ન ગુમાવતાં તેણે પોતાના ઉપરી અધિકારીને ખબર કરવાનું નક્કી કર્યું. તે તરત મેજર મોહન દેશમુખના ક્વાર્ટર તરફ જવાં ઉપડ્યો. જે પેટ્રોલ પાર્ટી પાછલી રાતે પેટ્રોલિંગ કરવા ગઈ હતી તેનો કંપની કમાન્ડર મેજર મોહન દેશમુખ હતો અને અત્યારે પોતાના ક્વાર્ટરમાં આરામ કરી રહ્યો હતો. વાયરલેસ ઓપરેટર જેવો તેના ક્વાર્ટરમાં દાખલ થયો કે જાણે તેનાં પગ જ થીજી ગયાં. આટલી ઠંડીમાં પણ તે પસીને રેબઝેબ થઇ ગયો. મેજર મોહનના ક્વાર્ટરમાં ટી.વી ચાલુ હતું અને તેમાં બ્રેકિંગ ન્યુઝ જેવા કઈંક સમાચાર આવી રહ્યા હતાં... ''પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સરહદ પાસે આવેલી ''ખૈબર'' નામની પાકિસ્તાની ચોકી પર મોડી રાત્રે આતંકવાદી હુમલો. ચોકી પર આતંકવાદીઓનો કબજો. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જારી. આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો '' સમાચાર જોતાં જોતાં અચાનક મેજરની નજર પેલાં વાયરલેસ ઓપરેટર પર પડી. '' અરે સંતોષ, ત્યાં કેમ ઉભો છે ? અંદર આવ, કેમ અચાનક અહીં આવ્યો છે ? કંઈ કામ પડ્યું ?'' મોહને એકસાથે ઘણાં બધા સવાલો પૂછી નાખ્યાં. પરંતુ સંતોષ એકપણ સવાલોના જવાબ આપવાની હાલતમાં નહોતો. હમણાં તેણે જે સમાચાર જોયાં હતાં તેના પછી તેને જબરો આઘાત લાગ્યો હતો, પોતાની શંકા સાચી પડવાની હોય એવું તેને લાગ્યું અને આ વિચારથી જ તેનામાં બોલવાની પણ હામ જતી રહી હતી. આખરે મેજરે ઉભા થઇ તેને રીતસરનો ઢંઢોળ્યો ત્યારે તે અચાનક ભાનમાં આવ્યો. '' સ......સ.. સર.... , સર આ હુમલો '' તેનાથી આગળ ન બોલાયું. તેના શબ્દો જાણે ગળામાં બાઝી ગયા હોય એવી તેની હાલત થઇ ગઈ હતી. '' રિલેકસ સંતોષ, આ હુમલો પાકિસ્તાની ચોકી પર થયો છે, આપણાં પર નહીં.'' તેણે સંતોષને ગભરાયેલો જોઈને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું. તેને આશ્ચર્ય થયું કે અચાનક સંતોષને શું થયું હશે ? સંતોષ એક જ શ્વાસમાં બધું પાણી ગટગટાવી ગયો. થોડો સ્વસ્થ થયાં પછી તેણે કહ્યું '' સર, કાં તો આ સમાચાર ખોટા છે અથવા તેમાં પુરી સચ્ચાઈ નથી. હુમલો માત્ર પાકિસ્તાની ચોકી પર નથી થયો. ''

'' માત્ર પાકિસ્તાની ચોકી પર નથી થયો મતલબ ? તું કહેવા શું માંગે છે ?'' તેણે થોડી મૂંઝવણમાં પૂછ્યું. મોહનને ખબર નહોતી પડતી કે સવારના પહોરમાં આ સંતોષ શું બકી રહ્યો હતો. જવાબમાં સંતોષે તેને આખી વાત કહી સંભળાવી. હવે આઘાત પામવાનો વારો મેજર મોહનનો હતો. સંતોષે ઉમેર્યું ''સર, જોગાનુજોગ તો ન જ હોઈ શકે કે પાકિસ્તાનની ''ખૈબર'' નામની ચોકી કે જે પીલર નંબર ૨૭૧ની એકદમ નજીક છે અને ત્યાં જ હુમલો થયો છે. જરૂર કંઈક ગડબડ છે. આપણે જેમ બને તેમ જલ્દી તપાસ કરવી જોઈએ. '' હવે મોહનને સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. તેણે તરત જ આ ઘટના વિશે સંતોષને હેડક્વાર્ટરે જાણ કરવાનું કહ્યું અને પેટ્રોલિંગ ટુકડીને શોધવા માટે જવાનોની એક સર્ચ પાર્ટી મોકલવાનો હુકમ કર્યો . તે પોતે પણ પીલર નંબર ૨૭૧ પાસે જવા નીકળ્યો. તેના મગજમાં પણ હવે ખતરાની ઘંટડીઓ વાગવી શરુ થઇ હતી. મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો તે પોતાની ટુકડી સાથે પીલર નંબર ૨૭૧ પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને જ તેને કમકમાં આવી ગયાં. જાણે તેના પગ નીચેથી જમીન ખસકી ગયી હોય એવી તેની હાલત થઇ ગયી અને ખાલી તેની જ શું કામ, તેની સાથે આવેલા બધા સૈનિકોની પણ આવી જ હાલત હતી. આવું જુગુપ્સાપ્રેરક દ્રશ્ય આજથી પહેલા કોઈએ નહોતું જોયું. ખરેખર એ દ્રશ્ય ખૂબ ભયાનક હતું.

ક્રમશ: