operation golden eagle books and stories free download online pdf in Gujarati

ઓપરેશન ગોલ્ડન ઈગલ 8

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૮

પ્રતીક .ડી. ગોસ્વામી,

( ગયા પ્રકરણમાં....

દિલ્હીના વડાપ્રધાન કાર્યાલય ખાતે એક અત્યંત ગોપનીય મીટીંગ ચાલુ છે, જેમાં દેશની સુરક્ષા સાથે સંકળાયેલા મહાનુભાવો હાજર છે. આ મીટીંગમાં જ દુશ્મનને જવાબ આપવાની એક દિલધડક રણનીતિ ઘડાય છે, જેનું નામ રાખવામાં આવે છે ' ઓપરેશન ગોલ્ડન ઈગલ '.… હવે વાંચો આગળ.... )

'ઓપરેશન ગોલ્ડન ઈગલ.' એકદમ યોગ્ય નામ પાડવામાં આવ્યું હતું. ગોલ્ડન ઈગલ યાને સોનેરી ગરુડ, અમેરિકાના રાષ્ટ્રીય ચિહ્નમાં સ્થાન પામેલું આ જાજરમાન પક્ષી પોતાના શિકાર પર ચાલાકીથી તરાપ મારી બહુ સીફતપૂર્વક તેને ઉઠાવી લે છે અને છેવટે તેનો શિકાર કરી નાખે છે. ભારતના દુશ્મનો સાથે પણ હવે કંઈક એવું જ થવાનું હતું, બસ ફરક એટલો કે આ કામ હવે 'રો' એ કરવાનું હતું. ખૂની શતરંજની પહેલી ચાલ પાકિસ્તાન ખેલી ચૂક્યું હતું, હવે વારી ભારતની હતી...

***

''સલામ ભાઈજાન ! જરા કહેશો કે સિપાહી મોહમ્મદ સાદીકનું ઘર ક્યાં છે ?'' વિશુએ વહેલી સવારે છાપું વેચતા એક ફેરિયાને પૂછ્યું. તે પોતે અત્યારે પત્રકારના સ્વાંગમાં હતો. '' જરૂર. અહીંથી સીધા જશો એટલે એક ચોક આવશે, તેની સામે એક મસ્જીદ છે, એ મસ્જીદની બાજુવાળી શેરીમાં ચાલ્યા જજો, અત્યારે ત્યાં ભીડ જમા થયેલી જ હશે એટલે ઘર શોધવામાં વધુ મુશ્કેલી નહિ પડે. '' પેલાએ જવાબ આપ્યો. '' જી શુક્રીયા '' કહીને વિશુ આગળ વધ્યો. જેવો તે ત્યાંથી નીકળ્યો કે તરત પેલા છાપાવાળા શખ્સે કોઈકને ફોન લગાવ્યો. '' તૈયાર રહેજો, આ જ સમય છે તેમને આપણી ઓળખાણ કરાવવાનો. ધ્યાન રાખજો, કંઈ ગરબડ ન થવી જોઈએ. '' આટલું કહીને પેલા શખ્સે ફોન મુક્યો. છાપાંઓ સમેટીને તે ક્યાંક જવાં નીકળ્યો.....

વિશુ કાલે સાંજે જ આઝમગઢ પહોંચી આવ્યો હતો. અહીં તેને સિપાહી મોહમ્મદ સાદીકની અંતિમયાત્રામાં શામેલ થવાનું હતું. અત્યારે તે આઝમગઢથી થોડે દૂર આવેલા સાદીકના ગામે હતો. થોડીવારે તે બતાવેલા સરનામે પહોંચ્યો. સરનામું સાચું હતું, સાદીકના ઘર પાસે બહોળી સંખ્યામાં લોકો એકઠા થયાં હતાં. તેનો પરિવાર, સ્નેહીજનો અને ગામવાસીઓની સાથે સાથે પત્રકારો પણ ત્યાં મોજુદ હતા. તેઓ અંતિમયાત્રાનું રિપોર્ટિંગ કરવા આવ્યા હતા. તેમના માટે નવાઈની વાત એ હતી કે આઝમગઢ જેવા કુખ્યાત ઇલાકામાં કોઈ એવો પણ હતો, જે મા-ભોમ માટે શહીદ થઇ ગયો હતો. પત્રકારોના ટોળામાં વિશુ આરામથી ભળી ગયો. થોડીવારે જનાજો ઉપડ્યો. જનાજાની પાછળ આખું ગામ ચાલી રહ્યું હતું. ત્યાં હાજર રહેલ દરેક જણ સદમામાં હતો. 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય' ના નારાઓથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. પત્રકારો પોતાના કેમેરા વડે ત્યાંના દ્રશ્યો ફિલ્માવી રહ્યા હતાં. વિશુએ પણ એવું જ કઈંક કરવાનો ઢોંગ કર્યે રાખ્યો. અચાનક તેની નજર સામે બંધ પડેલી પાનની કેબિન પર પડી. તેના એક ખૂણે બે જણ વાતો કરી રહ્યા હતાં. તેમને જાણે આ અંતિમયાત્રાથી કંઈ લેવાદેવા ન હોય એમ તેઓ પોતાની વાતોમાં મશગુલ હતા. વિશુ અત્યારે ત્યાંની સરકારી પ્રાથમિક શાળાની અગાસી પર બીજા પત્રકારો સાથે હતો અને પેલી કેબિન થોડી દૂર હતી એટલે તેણે અનાયાસે જ કેમેરો એ તરફ ઘૂમાવ્યો. થોડું ઝૂમ કરીને જોયું તો પેલો એ જ છાપાવાળો કોઈ સાથે ચર્ચા કરી રહ્યો હતો. હમણાં હજુ થોડીવાર પહેલાં જ તેણે તેને સરનામું પૂછ્યું હતું, તેથી તેને બરાબર યાદ હતું કે એ વખતે પેલાએ મેલા પાયજામા પર માત્ર એક જૂનું ઘસાયેલું સ્વેટર પહેર્યું હતું, પણ અત્યારે તે કોઈ મવાલી હોય એવા કપડામાં હતો. કાળા પઠાણી પહેરવેશ સાથે તેણે ગળામાં જાડી ચેન અને ડાબા હાથમાં રૂમાલ બાંધેલો હતો. તેની હરકતો પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે તે સામેવાળાને કશુંક સમજાવી રહ્યો હોય. થોડીવાર થઇ હશે ત્યાં જ એક લાલ રંગની વાન તેમનાથી થોડેક દૂર આવીને ઉભી રહી. તેમાંથી ઉતરીને એક વ્યક્તિ તેમની પાસે આવી. વિશુ આ બધું જોઈ રહ્યો હતો. જેવી તે વ્યક્તિ નજીક આવી કે વિશુએ પોતાનો કેમેરો તેની તરફ ઘુમાવ્યો. તે માણસનો ચહેરો જોઈને બે ક્ષણ તો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેણે કેમેરો થોડો વધુ ઝૂમ કર્યો. ના, તેણે જે જોયું હતું એ તેની આંખોનો વહેમ ન હતો. '' આ કમબખ્ત અહીં શું કરે છે ?'' તે મનોમન બબડ્યો. તે વ્યક્તિ શહેઝાદ બટ્ટ હતો. અબુ સુલેમાનનો ખાસ માણસ શહેઝાદ બટ્ટ. પણ તે અત્યારે આઝમગઢમાં શું કરી રહ્યો હતો ? અને એ પણ પેલા મવાલી જેવા દેખાતા શખ્સ સાથે ? વિશુનું માથું ઠનક્યું. નક્કી એ માણસ કોઈ મોટી ઉથલપાથલ કરવા માટે આવ્યો હતો. વિશુએ તરત એક એકાંત ખૂણામાં જઈને ફોન જોડ્યો. તેને આજે અનાયાસે જ મોટી માછલી હાથ લાગી હતી. થોડીવારે ફોન પતાવીને તે નીચે આવ્યો. ભીડ પસાર કરીને તેને પેલી પાનની કેબિન પાસે જવું હતું. '' કેમ રે શહેઝાદ ? મારા હાથે જ મરવું છે ? '' તેણે પાનની કેબિન પાસે જઈને શહેઝાદ બટ્ટની બરાબર પાછળ ઉભા રહીને પૂછ્યું . આ અજાણ્યા ઇલાકામાં કોઈ પોતાને નામથી બોલાવી રહ્યો હતો અને ઉપરથી ધમકાવી પણ રહ્યો હતો એ બટ્ટને જરા જચ્યું નહિ. તેણે પોતાની પિસ્તોલ કાઢતાં કાઢતાં પાછળ વળીને જોયું અને જોતો જ રહી ગયો. જે ઓફિસરે બે વર્ષ પહેલા તેને અને અબુ સુલેમાનને પોતાનો જીવ જોખમમાં નાખીને પકડ્યા હતાં તે અત્યારે તેની કાનપટ્ટી પર બંદુક તાકીને ઉભો હતો. '' એસીપી વિશ્વજીતસિંહ ? '' તેણે થોડા ગભરાયેલા સ્વરે પૂછ્યું. '' હા, હું પોતે. મારું છોડ, તું બોલ, અહીં શું કરે છે ? '' વિશુએ સામો સવાલ કર્યો. અત્યારે તેનું ધ્યાન શહેઝાદ બટ્ટ તરફ હતું, તેથી તકનો લાભ લેવા માટે પેલો પઠાણી સૂટ વાળો કશીક હિલચાલ કરવાની ફિરાકમાં હતો. જેવો તે પોતાના જાડા ચામડાના બૂટમાંથી છરો કાઢવા નીચો નમ્યો કે વિશુનું ધ્યાન તેના પર ગયું. અહીં એકસાથે બે ઘટના બની. જેવી તેણે બટ્ટના લમણાં પરથી ગન હટાવી કે તરત બટ્ટે તેને જોરદાર ધક્કો માર્યો. વિશુ થોડો દૂર જઈને એક દીવાલ સાથે ભટકાયો અને નીચે ગબડી પડ્યો. એટલી વારમાં તો શહેઝાદ બટ્ટ શેરીના બીજા નાકે પહોંચી ચૂક્યો હતો. અચાનક એક લાલ કલરની વાન આવી અને બટ્ટ તેમાં બેસી ગયો. વિશુ પરના હુમલાનો લાભ લઈને પેલો મવાલી પણ ક્યાંક રફુચક્કર થઇ ગયો. વિશુ દિવાલનો ટેકો લઈને ઉભો થયો. તેને ખાસ વાગ્યું તો ન હતું, બસ માથામાં થોડો નજીવો જખમ થયો હતો....

***

એક અજાણ્યા સ્થળે શહેઝાદ બટ્ટ અત્યારે બંધક હતો. તે યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો કે તેની સાથે શું બન્યું હતું, પણ તે કઈં જ વિચારી શકવાની સ્થિતિમાં ન હતો. તેના માથામાં સખત દુઃખાવો થઇ રહ્યો હતો. તેણે અનુમાન લગાવ્યું કે જે જગ્યાએ તેને રાખવામાં આવ્યો હતો તે શાયદ કોઈ ખંડેર જેવો ઓરડો હતો. થોડીવારે તે અંધારા ઓરડામાં ઝાંખો પ્રકાશ ફેલાયો. તેની અસ્પષ્ટ નજરોએ જોયું, કે સામેના દરવાજેથી થોડા માણસો તે ઓરડામાં દાખલ થઇ રહ્યા હતાં. તેમાંથી એક માણસ તેની તરફ આવ્યો. તે વિશુ હતો. તેને જોઈને જ શહેઝાદના મોતિયા મરી ગયા. '' ભલા માણસ ! કમ સે કમ ગાડીની નંબર પ્લેટ તો જોઈ લેવી તી, ગમે તેની વાનમાં ચડી બેસવું ખરાબ કહેવાય. '' વિશુએ શહેઝાદની મશ્કરી કરતાં કહ્યું. હવે શહેઝાદને આખો મામલો સમજમાં આવવા લાગ્યો. તે વિશુની ચાલમાં આબાદ ઝડપાયો હતો. '' ઓહ ! તો તારું નીચે ગબડવું, અચાનક વાનનું આવવું, મારુ બેભાન થવું, એ બધી તારી ચાલ હતી ? ઓહ ! મેં પહેલા કેમ ન વિચાર્યું કે મારા વગર બોલાવ્યે વાન કેમ આવે ? '' હવે તે પછતાઈ રહ્યો હતો. '' હવે કોઈ મતલબ નથી શહેઝાદ, તું અહીં શા માટે આવ્યો છે એ સીધી રીતે કહી દે એમાં જ તારું શાણપણ છે. નહીંતર.... '' વિશુને અધવચ્ચે અટકાવીને જ શહેઝાદે પૂછ્યું.. '' નહીંતર ? નહીંતર શું... હાથ પગ તોડીશ એટલું જ ને ? બસ, તમે પોલીસવાળા એનાથી વધુ બીજું શું કરી શકો ? છૂટ છે, જે કરવું હોય તે છૂટ છે. મારું મોઢું નહિ ખુલે એસીપી... '' કઈંક ગુરુરથી તેણે કહ્યું. '' કોણે કીધું કે હું તારા હાથ-પગ તોડીશ ? મને ખબર છે કે તેં આ બધાની ટ્રેનિંગ લીધી છે. અને આમ પણ, મને હિંસા પસંદ નથી. '' બોલીને વિશુ અટક્યો, તેણે પોતાના એક માણસ તરફ ઈશારો કરીને કઈંક કહ્યું. તે માણસ એક લેપટોપ લઇ આવ્યો. વિશુએ લેપટોપ ચાલુ કરીને શહેઝાદ બટ્ટને કશુંક બતાવતા કહ્યું '' મને લાગે છે કે તું આ લોકોને કદાચ ઓળખતો હોઈશ. '' વિશુ લેપટોપમાં એક કમરાનું તાજું જ થયેલું સીસીટીવી રેકોર્ડિંગ બટ્ટને બતાવી રહ્યો હતો. '' બોલ શહેઝાદ, ઓળખે છે આમને ?'' તેણે ફરીથી પૂછ્યું. '' એસીપી, પોતાની હદમાં રહે, મારા પરિવારને છોડી દે, નહીંતર અંજામ સારો નહિ આવે. '' શહેઝાદ બટ્ટ રીતસરનો તાડૂકી ઉઠ્યો. જોકે અંદરથી તે સહમી ગયો હતો, છતાં પોતાના ભાવોને ચહેરા પર કળાવા ન દેવાનો તે પ્રયત્ન કરી રહ્યો હતો. તેની સામે ઉભેલો અફસર પોતાની વાત મનાવવા ગમે તે હદે જઈ શકે છે એ વાત તે સારી રીતે જાણતો હતો. '' મારા અંજામ ની તું પરવા ન કર શહેઝાદ, હજુ કહું છું, મોઢું ખોલી નાખ. નહીંતર તારા કુકર્મોનો હિસાબ તારા પરિવારે ચૂકવવો પડશે, સાચું બોલીશ તો તને કદાચ હજી એક મોકો મળી જશે. વિચારી લે, હજુ તારી સામે આખી જિંદગી બાકી પડી છે. તારી પત્ની, માં- બાપ અને તારા આ નાનકડા બાળકની સાથે જીવવું છે કે ફાંસી મળે ત્યાં સુધી જેલમાં સડવું છે ? ''

'' તું ગમે તે બોલ એસીપી, આ જીહાદ છે અને અલ્લાહનું પાક ફરમાન છે, આ ફરમાન માટે તો હું મારી એક નહિ, હજારો જિંદગી હસતે હસતે કુરબાન કરી દઈશ. ''

''ભલે ત્યારે, જેવી તારી મરજી '' કહીને વિશુએ શહેઝાદના પરિવારને બાન પકડેલાં માણસને કશુંક કહ્યું. '' હા, તો મિસ્ટર 'જીહાદી' , હવે તારી નજર આ લેપટોપમાં રાખ. અમે પણ જોઈએ તારી વફાદારી. '' કહીને વિશુએ લેપટોપ માં લાઈવ રેકોર્ડિંગ બતાવવાનું શરુ કર્યું.

'' ના... ના.. તમે એવું ન કરી શકો. તમને ખુદાનો વાસ્તો છે, મૂકી દો, તમને તમારા ભગવાનનો વાસ્તો છે, પ્લીઝ.... પ્લીઝ. છોડી દો મારા બાળકને, હું બધું કહેવા તૈયાર છું, પણ ખુદાના વાસ્તે પહેલા મારા પરિવારને છોડી દો.. '' સીસીટીવી રેકોર્ડિંગ જોઈને શહેઝાદ રીતસરનો કરગરી રહ્યો હતો. '' જરૂર છોડી દઈશું, અમને તારા પરિવારથી કોઈ દુશ્મની નથી. ચલ, હવે ભસવા માંડ. અને યાદ રાખજે, જો જરાય ચાલાકી કરી કે ખોટું બોલવાની કોશિશ કરીને, તો તમારા જેવી જંગાલીયત બતાવતા અમને પણ આવડે છે. ''

'' થોડા જ દિવસોમાં અબુ સુલેમાન પાછો કાશ્મીર આવવાનો છે. તેના કાશ્મીર આવ્યા બાદ અમે સેના પર મોટાપાયે હુમલાઓ કરવાની યોજના બનાવી છે. આ વખતે થોડા મોટા હથિયારોનો ઉપયોગ કરવાનો છે, એટલે મને અહીં ફંડ ઉઘરાવવા મોકલ્યો છે. નોટબંધીને લીધે કાશ્મીરના અલગતાવાદી નેતાઓ પાસે પૈસા ખૂટી પડ્યા છે, અને સરકારની તેમના ખાતાઓ પર સતત નજર રહે છે, એટલે આખા દેશમાં જ્યાં પણ ' અલ જિહાદ' ના સમર્થકો હોય, તેમની પાસેથી ફંડ એકઠું કરવાની જવાબદારી મને સોંપાઈ છે. જો આ કમબખ્ત નોટબંધી ન હોત, તો અત્યારે હું તારી ગિરફ્તમાં ન હોત. '' શહેઝાદ પોપટની જેમ બધું બકી રહ્યો હતો. '' ક્યારે આવવાનો છે અબુ સુલેમાન ? અને આ યોજનામાં તમારી સાથે કોણ કોણ જોડાયેલું છે ?'' વિશુએ પૂછ્યું. '' ક્યારે આવવાનો છે એ તો નથી ખબર, પણ આ વખતે એ હાજીપીર ઘાટના રસ્તે આવવાનો છે. યોજનામાં કેટલાક અલગતાવાદી નેતાઓ જોડાયેલા છે અને બીજા થોડા કાશ્મીરી આતંકવાદીઓ. અત્યારે અનંતનાગના જંગલોમાં તેમની ટ્રેનિંગ ચાલુ છે. ''

'' પેલો શખ્સ કે જે આજે સવારે તને મળ્યો હતો એ કોણ છે ?'' વિશુના સવાલો હજુ પૂરા નહોતા થયાં.

'' તે અહીંનો કુખ્યાત ડોન છે, મોહસીન શેખ. અહીં ફંડ ઉઘરાવવાની જવાબદારી તેની છે, પણ આ વખતે તેણે બધા પૈસા પોતાના ધંધા પાછળ ખર્ચી નાખ્યા. તેથી આજની અંતિમયાત્રા વખતે થોડા પત્રકારોનું અપહરણ કરીને તેમને છોડવાના બદલામાં ફિરોતી માંગીને ફંડના પૈસા પૂરા પાડવાનો તેનો પ્લાન હતો. સવારે અમે એ જ વાતની ચર્ચા કરી રહ્યા હતા, કે ત્યાં જ કોણ જાણે ક્યાંથી તું ટપકી પડ્યો અને બધો પ્લાન ચોપટ થઈ ગયો. '' શહેઝાદ સતત બોલી જ રહ્યો હતો. અડધા કલાક પછી વિશુ પાસે આજના આખા કાવતરાંની માહિતી હતી, શહેઝાદની માહિતીને આધારે તેમણે મોહસીનને પણ ઉઠાવી લીધો. હવે વિશુ પાસે ખેલવા માટે બે પ્યાદા હતાં. તેણે મોહસીનની પૂછપરછ શરુ કરી....બરાબર કસકસાવીને થોડાં ડંડા પડ્યાં કે તે ભાંગી પડ્યો... '' મને માફ કરો સાહેબ...હું તો ખાલી અહીંથી ફંડ ભેગું કરવાનું કામ કરું છું. બદલામાં મને સારો એવો નફો અને પોલિટિકલ સપોર્ટ મળે છે એટલે.... સાહેબ સાચું કહું છું, આ આતંકવાદથી આપણે કોઈ લેવા દેવા નથી. ગમે તેમ કરીને પૈસા ભેગા કરવા માટે આ બટ્ટે મને દબાણ કર્યું એટલે છેવટે મેં પત્રકારોનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો. મને ખબર નહોતી કે તમે પણ પત્રકારના વેશમાં આવશો, નહીંતર હું આ બટ્ટને બોલાવત જ નહિ... મને જવા દો સાહેબ... '' તે કોઈ નાનકડા બાળક જેમ રડી રહ્યો હતો. '' અચ્છા, ચલ એ કહે કે પત્રકારોને છોડવા માટે તમે લોકો કેટલી રકમ માંગવાના હતા ?'' વિશુએ પૂછ્યું. '' સાહેબ ત્રણ કરોડ..! '' પત્રકારના બદલામાં કોઈ આવડી મોટી રકમ માંગી શકે એ જરા નવાઈની વાત હતી. '' ઠીક છે, જીવતો રહેવા માંગતો હોય, તો તારા પીઠ્ઠુઓને ફોન કરીને ત્રણ કરોડની માંગણી કર. એમને કહે કે સવાર વાળી પાનની કેબિન પાસે આવીને ચુપચાપ ત્રણ કરોડ મૂકી જાય. જરાય હોશિયારી કરી છે, તો જાનથી જઈશ.... '' વિશુ હજુ કઈંક કહેવા જતો હતો કે અચાનક શાહેઝાદ બટ્ટનો સેટેલાઇટ ફોન વાગ્યો. વિશુએ નંબર જોયો, તો ફોન પાકિસ્તાનથી આવ્યો હતો. તેણે બટ્ટને વાત કરવાની સૂચના આપી અને સાથે સાથે ચેતવણી પણ આપી કે તેના આકાને પોતાનું અપહરણ થયું છે એની ભનક ન પડવી જોઈએ. તેની વાત માન્યા સિવાય બટ્ટ પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તેણે વાત કરી.. '' સલામ અલયકુમ, હા... પૈસાનો બન્દોબસ્ત થઇ ગયો છે.... જી... હું બે દિવસમાં કાશ્મીર પહોંચી આવીશ.. જી... જનાબ.... ખુદા હાફિઝ... '' ફોન મૂકીને તેણે વિશુ સામે જોતાં કહ્યું. '' તે આવી રહ્યો છે.. '' આ તો ખૂબ ગંભીર સમાચાર હતા. વિશુએ હવે અર્જન્ટ દિલ્હી જઈને અરુણ બક્ષીને આ ખબર પહોંચાડવા પડે તેમ હતા. પણ હજી અહીં તેનું કામ પૂરું નહોતું થયું. મોહસીને પોતાના સાગરીતોને ફોન લગાવ્યો. તેના કહ્યા પ્રમાણે તેઓ પેલી કેબિન પાસે ત્રણ કરોડ રોકડા મૂકી ગયા. થોડીવાર પછી પૈસાથી ભરેલી તે બેગ વિશુના હાથમાં હતી. બંધકોનું શું કરવું તેની પોતાના માણસોને સૂચના આપીને તે ઓરડાની બહાર નીકળી ગયો. આઝમગઢમાં હજુ તેણે એક છેલ્લું કામ પતાવવાનું બાકી હતું......

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED