ઓપરેશન ગોલ્ડન ઈગલ-5 Pratik D. Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન ગોલ્ડન ઈગલ-5

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૫

પ્રતીક ગોસ્વામી,

( ગયા પ્રકરણમાં....

રાવલપિંડીના મિલિટરી હેડક્વાર્ટરની ભવ્ય કેબિનમાં બેઠેલા જનરલ કયાનીને આઈએસઆઈનો નિયામક નાસિરખાન આવીને ભારત પર કરેલા હુમલાના સમાચાર આપે છે. સમાચાર તેમના માટે ઉજવણીના છે જયારે ભારતમાં આ બર્બર હુમલાના સમાચાર જાણીને વડાપ્રધાન 'રો' ના નિયામક અરુણબક્ષીને બોલાવે છે અને આગળની રણનીતિ તૈયાર કરવાનું કહે છે...... બીજી તરફ અલતાફ મીર પોતાના આગંતુક મહેમાનો માટે ખરીદી કરવા નીકળે છે. બાકીની ખરીદી પતાવ્યા પછી એક ખાસ પ્રકારના ઇન્જેક્શનની શોધમાં તે અત્યારે રખડી રહ્યો છે. પણ ઇન્જેક્શન ક્યાંય ન મળતા તે એક ફોન લગાવે છે અને કઈંક વાતચીત પછી પોતાના અડ્ડા પર જવા નીકળે છે

હવે વાંચો આગળ...... )

અલતાફે ફોન મુક્યો અને પોતાના અડ્ડા પર જવા નીકળ્યો. તે વિચારી રહ્યો હતો કે આ તે વળી કેવી મહેમાનનવાજી ? પોતાના આકા માટે તે છેલ્લા સાત વર્ષથી કામ કરી રહ્યો હતો. કોઈનું ખૂન કરવું, અપહરણ કરવાં, વિરોધીઓને ઠેકાણે પાડવા જેવા કામોનો તે ઉસ્તાદ હતો. પણ આજે તેને કઈંક નવા પ્રકારનું કામ સોંપાયું હતું. કોઈ ખાસ મહેમાનોની સંભાળ લેવાની હતી. તેના આકાના આદેશ મુજબ તેમના મહેમાનો માટે જ તેણે આ બધી વસ્તુઓની ખરીદી કરી હતી. '' હશે, મારું કામ તેમના હુકમોનું પાલન કરવાનું છે, વધુ વિચારવાનો કોઈ મતલબ નથી.'' તે મનોમન બોલ્યો. ઝડપથી ચાલતો ચાલતો શહેરની સાંકડી ગલીઓ માંથી પસાર થઈને છેવટે તે હાઇ-વે પર પહોંચ્યો. અહીં તેના માણસો તેની રાહ જોઈ રહ્યા હતા. બધી ખરીદી તેણે જાતે જ કરવી અને તેના સાથીઓને વધુ કઈં માહિતી ન આપવી એવો તેના આકાનો હુકમ હતો, અને હુકમ ન પળાય તો તેનો અંજામ શું આવે તે અલતાફ જાણતો હતો. તેથી ચુપચાપ કામ કર્યે રાખવામાં જ તેની ભલાઈ હતી. ચાલતો ચાલતો જેવો તે પોતાની વાનની નજીક ગયો કે તેનો દરવાજો ખુલ્યો અને અલતાફ તેમાં બેસી ગયો. થોડીવારમાં તો તેમની ગાડી શહેરના હાઈ-વે પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. પંદરેક મિનિટ પછી અલતાફ પોતાના સરનામે પહોંચી ગયો. હવે અહીં તેને પોતાના મહેમાનોની રાહ જોવાની હતી.

***

'' મમ્મી, ભૈયાનો ફોન આવ્યો ? તે નીકળ્યો કે નહિ ? મેં જે મંગાવવાનું કીધું હતું એ લિસ્ટ ભૈયાને લખાવી દિધીને ? આ વખતે ખાલી એક ચોકલેટથી હું નહિ માનું હો ! '' સ્મિતાએ કોલેજથી આવતાં જ પોતાની ફરમાઇશો જાહેર કરી દીધી. તેની ફરમાઈશ એટલે તેના ભાઈ માટે હુકમ. ઉપરથી આજે તેનો જન્મદિવસ હતો, એટલે આજે તો તે પોતાનું ધાર્યું જ કરાવવાની હતી. '' ના, મેં હજુ ફોન નથી કર્યો. એની ભાવતી મીઠાઈઓ બનાવવાની ઝંઝટમાં ટાઈમ જ નથી મળ્યો, તું જ ફોન લગાવ ને. અને એને કહેજે કે કાનપુર સ્ટેશને પહોંચવા આવે એટલે ફોન કરે, એને લેવા માટે આપણે બધા જઈશું. આપણી સાથે ગ્રીષ્મા પણ આવવાની છે.'' તેના મમ્મી રસોડામાં કામ કરતે કરતે જ બોલ્યાં. આજે આખા ઘરમાં ઉત્સવનો માહોલ હતો. એ ઘર લેફ્ટનન્ટ અનુપ શ્રીવાસ્તવનું હતું. આજે દસ મહિના પછી તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. માં ભોમની રક્ષા કાજે ફરજ બજાવતો સિપાહી જયારે પોતાના ઘરે પરત ફરે ત્યારે તેના ઘરે વાતાવરણ કોઈ ઉત્સવથી કમ નથી હોતો. તે સિપાહીના પરિવારજનો માટે તો એ જ દિવસે દિવાળી અને ઇદ હોય છે. આજે અનુપના ઘરે પણ કઈંક આવું જ વાતાવરણ હતું. તેની બહેન સ્મિતા તો ક્યારની રાહ જોઈને બેઠી હતી. આજના આખા દિવસનું પ્લાંનિંગ તે કેટલાય દિવસોથી કરી રહી હતી. આજે તેનો એકનો એક લાડકો ભાઈ આવી રહ્યો હતો અને ઉપરથી તેનો જન્મદિવસ, એટલે આજે તો તેની ખુશી સમાતી જ ન હતી. અનુપના મમ્મી પપ્પા પણ કઇં ઓછા ખુશ નહોતા. ઘણા દિવસો પછી તેમનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો હતો. ખુશીઓ અને સપનાઓની પાંખો પર વિહાર કરી રહેલી સ્મિતા અનુપને ફોન લગાવવા જઈ જ રહી હતી કે સામેથી જ તેમના ટેલિફોનની રિંગ વાગી. '' જરૂર ભૈયાનો જ ફોન હશે.'' તે ખુશ થતાં થતાં બોલી. સ્મિતાએ રિસીવર ઉપાડયું, પણ પછી જે સમાચાર તેને મળ્યા, એ તેના માટે જરાય માની શકાય તેવા નહોતા. સામે છેડે મેજર મોહન દેશમુખ વાત કરી રહ્યો હતો. ભગ્ન હૃદયે તેણે સમાચાર આપ્યા કે પાછલી રાતે પેટ્રોલિંગ પર ગયેલા જવાનો પર હુમલો થયો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતાં અને અનુપ સહીત બીજા અગિયાર જવાનો લાપતા હતા. '' ના, આ સાચું નથી.... તમે મજાક કરી રહ્યા છો.... તમે મજાક જ કરી રહ્યા છો ને ઓફિસર...... પ્લીઝ મારા ભાઈને ફોન આપોને... '' સ્મિતા ચિત્કારી ઉઠી. તેને પોતે સાંભળેલી વાત પર કેમે કરીને વિશ્વાસ જ નહોતો બેસતો. પોતાનું એક સુંદર સ્વપ્ન તૂટી ગયું હોય એવું તેને લાગ્યું. તેને રડવાનુ મન થઈ રહ્યું હતું પણ તે રડી નહોતી શકતી. મેજર દેશમુખ ચુપ રહ્યો. પોતાના જેવા કઠણ હૃદયના માણસ માટે પણ આ સમાચાર અસહ્ય હતા તો અનુપના પરિવાર પર શું વિતે એ તે સમજી શકતો હતો. તેની પોતાની હાલત પણ ક્યાં સારી હતી, હજી તો તેને બીજા લાપતા સૈનિકોના પરિવારોને પણ જાણ કરવાની હતી. માંડ માંડ તેણે આગળ વાત કરી '' તમે કેમ કઈં બોલતા નથી ઓફિસર ? ક્યાં છે મારો ભાઈ ? મને મારો ભાઈ જોઈએ... હમણાં જ જોઈએ....'' આટલું બોલતા તો તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેના રડવાનો અવાજ સાંભળીને તેના મમ્મી પપ્પા દોડી આવ્યા. સ્મિતાના હાથમાં રિસીવર પકડેલું જોઈને તેના પપ્પાએ તરત જ રિસીવર લઇ લીધું અને પોતાને કાને ધર્યું. સમાચાર તો એ જ હતાં અને તેમના માટે પણ આઘાતજનક હતાં. તેમના હાથમાંથી રિસીવર છટકીને નીચે પડ્યું. '' કોણ હતું ફોન પર ? શું થયું ?'' અલ્કા બહેને ચિંતાતુર સ્વરે પૂછ્યું. '' કાલ રાતથી અનુપ અને તેના અગિયાર સાથીઓ લાપતા છે.'' અનુપના પપ્પાથી આટલું જ બોલી શકાયું. '' શું..... ? કેવી રીતે...... ? કાલે તો મેં વાત કરી હતી એનાથી....આમ ન બની શકે.... તમે તપાસ કરાવોને.. આપણો અનુપ આસપાસ જ હશે.'' રડમસ અવાજે અનુપના મમ્મી અલ્કા બહેન બોલ્યા. હવે હિમ્મત કરીને અનુપના પપ્પાએ આખી વાત કહી. '' ન હોય, મેં કાલે જ તેનાથી વાત કરી હતી. મારો અનુપ આમ ન જઇ શકે. '' રડતે રડતે અલ્કા બહેન એક જ વાતનું રટણ કરી રહ્યા હતાં. પોતાના જિગરના કટકાના આમ અચાનક દુશ્મન દેશની સરહદ પાસે લાપતા થવાના સમાચાર મળે તો એ માંની શું હાલત થાય એનું શબ્દોમાં વર્ણન તો ખુદ ઈશ્વર પણ ન કરી શકે. '' પોતાને સંભાળ અલ્કા, આપણી આર્મી તપાસ કરી રહી છે, તેઓ અનુપને શોધી લેશે. ઈશ્વર પર ભરોસો રાખ, આપણો દીકરો સહી સલામત જ હશે.'' ગળું ખોંખારીને અનુપના પપ્પા બોલ્યા. ખુબ ઝડપથી તેમણે પોતાની જાતને સાંભળી લીધી હતી. આખરે તેઓ એક જાંબાઝ સિપાહીના પિતા હતાં. પણ તેમની સાંત્વનાથી અલ્કા બહેન પર કોઈ ફરક નહોતો પડવાનો એ તેઓ જાણતા હતા. તેથી તેમણે તરત ફોન કરીને ગ્રીષ્મા અને તેના પરિવારને પોતાના ઘરે બોલાવી લીધા. ગ્રીષ્મા અનુપની પ્રેયસી હતી, અને અત્યારે માત્ર તે જ અલ્કા બહેનને સંભાળી શકે તેમ હતી. એક સૈનિકની ભાવિ પત્ની બનવા તે જઈ રહી હતી, એટલે પોતાના કોમળ શરીરમાં એક સિંહણને છાજે તેવું મજબૂત હૃદય તેણે છુપાવી રાખ્યું હતું....

***

અત્યારે વિશુ શ્રીનગર એરપોર્ટ પર બેઠો બેઠો આજનું છાપું વાંચી રહ્યો હતો. તેને દિલ્હી જવાનું હતું, અને તેની ફ્લાઇટ અડધો કલાક મોડી હતી, તેથી તે અહીં બેસીને પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારે એક પાતળો, ઊંચો અને કોઈ પત્રકાર જેવો લાગતો શખ્સ તેની બાજુમાં આવીને બેસી ગયો. તેણે મોટા ડાબલા જેવા ચશ્મા પહેર્યા હતા, અને ગળામાં કેમેરો લટકાવેલો હતો. આવીને તેણે પોતાની ચામડાની પાકીટ વિશુના બેગની બાજુમાં મૂકી. તે થોડીવાર ત્યાં બેઠો અને પછી કઈંક ખરીદી કરવા સામે આવેલા મોલની તરફ ચાલતો થયો. વિશુએ કંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. કોઈ પત્રકાર કે પ્રવાસી હશે એમ માનીને તેણે ફરી પોતાનું ધ્યાન છાપામાં પરોવ્યું. તે જાણતો હતો કે છાપાના પાનાઓમાં જે સમાચાર તે અત્યારે શોધી રહ્યો હતો તે કાલે છપાવાનાં હતાં. તેથી તેણે છાપું વાળ્યું અને ટર્મિનલ તરફ જવા નીકળ્યો. તેની ફ્લાઇટની એનાઉન્સમેન્ટ હજી હમણાં જ થઇ હતી. થોડીવાર પછી વિશુપોતાની સીટ પર બેઠો હતો. તેણે બિઝનેસ ક્લાસની ટિકિટ કઢાવી હતી. '' એક્સકયુઝ મી પ્લીઝ, તે વિન્ડો સીટ મારી છે. તમને વાંધો ન હોય તો હું ત્યાં જઈ શકું ?'' પાછળથી એક અવાજ આવ્યો. વિશુએ તે તરફ જોયું તો પેલો એ જ પત્રકાર જેવો લાગતો શખ્સ તેને પૂછી રહ્યો હતો. '' યસ, પ્લીઝ.'' વિશુએ કહ્યું. '' થેન્ક યુ '' કહીને પેલો માણસ પોતાની જગ્યાએ બેસી ગયો. '' વોટ એ કોઇન્સીડન્સ ! આપણે થોડીવાર પહેલાં જ એરપોર્ટ પર મળ્યા હતા. પછી હું એક મેગેઝીન લેવા ગયો એટલી વારમાં તો તમે ત્યાંથી ચાલ્યા ગયા હતા. હવે ફ્લાઈટમાં મને ફરી તમારી કંપની મળી રહેશે. બાય ધ વે, મારું નામ છે રાકેશ, રાકેશ સિન્હા. નાઇસ ટુ મીટ યુ.'' પેલા શખ્સે વિશુ તરફ પોતાનો હાથ લંબાવ્યો. '' મારું નામ અભિનવ શેખાવત છે.'' વિશુએ જરા હસીને હાથ મિલાવતા કહ્યું. '' ઓહો ! તો અબુ સુલેમાનને પકડવાવાળા જાંબાઝે પોતાની નોકરી સાથે પોતાનું નામ પણ બદલાવી નાખ્યું લાગે છે.'' એક રહસ્યમય મુસ્કાન સાથે આકાશ બોલ્યો. અચાનક અબુ સુલેમાનનુ નામ સાંભળીને વિશુને ઝાટકો લાગ્યો. તેણે આવા જવાબની તો સ્વપ્નેય કલ્પના નહોતી કરી. તેને પોલીસખાતું છોડયે બે વર્ષ થઇ ગયા હતા અને આ માણસ તો પોતાને ચહેરા સહીત ઓળખતો હતો, એ વાત તેના માટે પચાવવી મુશ્કેલ હતી. તેણે કઈં જવાબ ન આપ્યો. હવે આ માણસથી વધુ વાતો કરવામાં તેને ખતરો લાગી રહ્યો હતો. '' ડોન્ટ વરી, રાણા સાહેબ, એક પત્રકાર છું. તમારા જેવા અફસરો બહુ ઓછા હોય છે, એટલે તમે યાદ રહી ગયા.'' આકાશે સફાઈ આપી. જવાબમાં વિશુ ફિક્કું હસ્યો. પછીના સફર દરમિયાન બંને વચ્ચે ખાસ કંઈ વાતચીત ન થઇ. વિશુ આમ પણ થોડો અંતર્મુખી હતો, તે જલ્દીથી કોઈ સાથે હળી ન શકતો. દોઢ કલાકની મુસાફરી પછી અત્યારે તેઓ દિલ્હીના આસમાનમાં ઉડી રહ્યા હતા. થોડીવારમાં પ્લેને રન-વે પર ઉતરાણ કર્યું. ટર્મિનલ સુધી તેઓ બંને સાથે જ આવ્યા. આખરે છુટા પડતી વખતે આકાશે વિશુને એક પડીકું આપતા કહ્યું. '' ભલે ત્યારે રાણા સાહેબ, ફરી મળીશું. આ પેકેટમાં તમારી પ્રમાણિકતાનું ઇનામ છે, કદાચ અત્યારે તમને આની સૌથી વધુ જરૂર હશે.'' આટલું કહીને તે નીકળી ગયો. વિશુ કંઈ સમજી ન શક્યો. આ માણસ હવે તેને રહસ્યમય લાગવા માંડ્યો હતો. તેણે બહાર નીકળીને આસપાસ તપાસ કરી, પણ આકાશ ક્યાંય ન મળ્યો. આખરે તેણે એ પેકેટ ખોલ્યું. એમાં થોડા કાગળિયાં અને ફોટાઓ હતા. સાથે એક પત્ર હતો. પત્રમાં લખેલું લખાણ વાંચીને તો તે અવાક જ રહી ગયો હતો.....

''રાણા સાહેબ, એક બર્બર હુમલો, ઓફિસરની બેદરકારી, ભુલાયેલ આતંકવાદી... હવે આ બધામાંથી તમારે બહાર નીકળવું જોઈએ, અને સાચા ગુન્હેગારની તપાસ શરુ કરી દેવી જોઈએ. તમારી પાસે સમય ખૂબ ઓછો છે અને ષડ્યંત્રકારીઓની સંખ્યા ખૂબ વધુ. આશા છે કે તમે સફળ થશો.....

અને હા, હું કોણ છું એ શોધવામાં પોતાનો સમય બરબાદ ન કરશો. આ ષડ્યંત્રના મૂળિયાં ખૂબ ઊંડા છે અને હજી તો તેમના કારસ્તાનોની શરૂઆત છે. કેટલાક ફોટાઓ અને જરૂરી દસ્તાવેજો મોકલું છું, કદાચ તમને અને તમારા ખાતાંને કામ લાગશે...

આપનો હિતેચ્છુ,

આકાશ. ''

પત્ર વાંચીને વિશુના મનમાં ઘણી બધી લાગણીઓ એક સાથે વ્યક્ત થઇ રહી હતી. તેનો 'નવો મિત્ર' તેના વિશે બધું જ જાણતો હતો. તેને એક વાતની ખાતરી હતી કે આ પત્ર આકાશે જ લખ્યો હશે. '' ના આકાશે નહીં, કારણકે એ તેનું સાચું નામ નહિ હોય. તો કોણ હતો એ ? ક્યાંક એ દુશ્મનનો જાસૂસ તો નથી ને ? ના, ના, જો એમ હોય તો આ પત્ર અને સબૂતો આપીને તે મને સતર્ક શા માટે કરે ? કે પછી તે અમને ખોટે માર્ગે દોરવા માટે આમ કરી રહ્યો છે ? પણ તે હતો કોણ, અને આ બાબતોની જાણ તેને કોણે કરી ? જરૂર દાળ માં કઈંક તો કાળું છે જ. તપાસ કરવી પડશે. '' મનોમંથન કરતો હોય તેમ વિશુ બોલ્યો. તે એરપોર્ટની બહાર નીકળ્યો અને એક ગાડી પાસે પહોંચ્યો. તેને તેડવા માટે બક્ષી સાહેબે ખાસ ગાડી મોકલી હતી. પોતાની હોટેલે જવાને બદલે વિશુ સીધો 'રો' ના હેડક્વાર્ટરે જવા નીકળ્યો. આ ઘટનાની અને હવે થવા જઈ રહેલી ઘટનાઓની કડી ત્યાં જ જોડાઈ શકે તેમ હતી...

ક્રમશ: