operation golden eagle books and stories free download online pdf in Gujarati

ઓપરેશન ગોલ્ડન ઈગલ-3

ઓપરેશન

'' ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૩

પ્રતીક ગોસ્વામી,

( ગયા પ્રકરણમાં.......

પીલર નંબર ૨૭૧ પાસેનું દ્રશ્ય ખુબ જ બિહામણું છે. કોણે, ક્યારે, કઈ રીતે હુમલો કર્યો ? કઈં જ ખબર નથી. આ તરફ વિશ્વજીતસિંહ ભારતીય સેના પર થવાના હુમલાની આગોતરી ગુપ્તચર બાતમી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરે છે, પણ બ્રિગેડિયર શર્માની બેદરકારીને લીધે તે નિષ્ફળ જાય છે. શર્માની બેદરકારીની ખૂબ ભયંકર સજા તેના જવાનો ભોગવે છે. બ્રિગેડિયરના બંગલેથી નીકળતી વખતે વિશ્વજીત મનોમન તેમની શહાદતનો બદલો લેવાનું નક્કી કરે છે.…

હવે વાંચો આગળ...... )

ભારે ગુસ્સાથી તે બ્રિગેડિયરના બંગલેથી નીકળ્યો હતો અને જતે જતે બ્રિગેડિયરને ધમકી પણ આપી દીધી હતી. તેને ખબર નહોતી પડતી કે પોતે આટલો બધો ગુસ્સે કેમ થઇ શકે. હા એ વાત તો સાચી જ હતી કે આ દુર્ઘટના પાછળ બ્રિગેડિયર શર્મા જવાબદાર હતા. તેમને સજા તો મળવી જ જોઈએ. પણ શું એ તેનું કામ હતું ? કદાચ ના. આટલી લાચારી તેણે આજ પહેલા ક્યારેય અનુભવી ન હતી. તેને સમજમાં નહોતું આવતું કે શું તેણે આમ ચુપચાપ નાલેશી સહન કરવા માટે ''રો'' જોઈન કરી હતી ? જોકે આજની ઘટનામાં તેનો કે તેના ગુપ્તચર ખાતાંનો કોઈ જ વાંક નહોતો. એક સિનિયર ફિલ્ડ ઓફિસર તરીકે તે જેટલું કરી શકતો હતો, તે બધું કર્યું હતું, છતાં પણ જયારે દેશનો કોઈ જવાન શહીદ થાય ત્યારે દરેક દેશભક્તની જેમ તેનું લોહી પણ ઉકળી ઉઠતું. અને એટલે જ સૈનિકોના લોહીનો દુશ્મનો પાસે હિસાબ માંગવા માટે, શહીદોની વિધવાઓ અને તેના પરિવારજનોના દુઃખનો, તેમના એક એક આંસુને વ્યાજ સહિત દુશ્મનોને પાછું આપવા માટે તે ''રો'' માં જોડાયો હતો. બીજાની નજરોમાં સાવ ક્ષુલ્લક લાગતી ઘટના તેના માટે જવાબદાર બની હતી. કદાચ નિયતીએ પોતે જ ખૂબ લાંબી ચાલ ખેલી હતી, વર્ષોથી ચાલતી આ લોહિયાળ રમતને તેના અંજામ સુધી પહોંચાડવા માટે...

***

'' સર, કુપવાડામાં કેટલાંક આતંકવાદીઓ છુપાયેલા છે ? એમાંથી એક ''અલ જીહાદ'' ની કશ્મીર વિંગનો કમાન્ડર છે, અબુ સુલેમાન.'' આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પુલિસની ઓફીસે આવીને એક સિનિયર ઇન્સપેક્ટરે સમાચાર આપ્યા. અબુ સુલેમાન એક કુખ્યાત આતંકવાદી હતો. કાશ્મીરમાં થતાં ઘણાબધા આતંકી હુમલાઓને તેણે અંજામ આપ્યો હતો. સોળ વર્ષની ઉંમરથી જ તે આતંકની દુનિયામાં જઈ ચડ્યો હતો. પાકિસ્તાનમાં કોઈ પણ અટકાયત વગર, નિયમિત આવ જા કરતો હતો. કાશ્મીરના યુવાનોને તેણે ઘેલું લગાડ્યું હતું, એટલે જ તેને ''અલ જીહાદ'' ની કાશ્મીર વિંગનો ચીફ કમાન્ડર બનાવાયો હતો.

'' અબુ સુલેમાન ?'' નામ સાંભળતા જ એસીપી વિશ્વજીતસિંહ ચોંક્યો. તે અત્યારે શ્રીનગરમાં ફરજ બજાવી રહ્યો હતો. અહીં તેની સાથે કઈંક એવું બન્યું હતું જેને લીધે તે પોલીસખાતું છોડીને ખુફિયા એજન્સીમાં જોડાયો હતો. '' હા, સર. સમાચાર પાકા છે. હમણાં થોડા સમય પહેલા જ અબુ સુલેમાન પાકિસ્તાનથી પરત ફર્યો છે અને કોઈક મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આપણા બે કોન્સ્ટેબલ તેના પર ઘણાં સમયથી વોચ રાખી રહ્યા છે. આજકાલ અલગતાવાદી નેતાઓની સાથે તેની મુલાકાતો ઘણી વધી ગઈ છે. '' ઇન્સપેક્ટરે પોતાનો રિપોર્ટ આપતા કહ્યું. '' તો ચાલ ઇમરાન, આજે આપણે પણ તેની મુલાકાતે જઈ આવીએ. બિચારો લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તો ઇસ્તકબાલ તો કરવો જ પડશેને. '' એસીપી વિશ્વજીત કુટિલ રીતે હસ્યો, જાણે કેમ તે અબુ સુલેમાનને ચપટીમાં જ મસળી નાખવાનો હોય. તેમની ટીમ તરત જ અબુ સુલેમાનનો ''સ્વાગત'' કરવા રવાનાં થઇ. કુપવાડામાં આમ પણ છાસવારે હુમલાઓ થતા રહે છે. ક્યારેક સેના કેમ્પ પર, તો ક્યારેક પોલીસ ચોકી પર, ઉપરથી ઇન્સપેક્ટર ઇમરાન હસનની માહિતી જો સાચી હોય તો તે ખુબ ચિંતા ની બાબત હતી. વિશ્વજીત સાથે ઇમરાન અને વીસ ખાસ ટ્રેનિંગ પામેલા કોન્સ્ટેબલ કુપવાડા પહોંચ્યા. તેણે આર્મી હેડક્વાર્ટરને જાણ કરી દીધી હતી એટલે તરત રાષ્ટ્રીય રાઇફલ્સની એક ટુકડી પંહોચી આવી અને તેણે આસપાસનો એરિયા કોર્ડન કરી લીધો. એક સાવ પછાત દેખાતા વિસ્તારને તેમણે ઘેરો ઘાલ્યો હતો, કારણકે અબુ સુલેમાન અહીં જ છુપાયેલો હતો. અહીં તે આસાનીથી છુપાઈ શકે અને તેની આતંકી નિશાળ ચાલુ રાખી શકે તેમ હતો. વિશ્વજીત અને તેની ટીમ સાથે વીસ જવાનોએ એક જુના, ખખડધજ દેખાતાં ઘરની પાછળ મોરચો ગોઠવ્યો હતો, જયારે બાકીના સૈનિકો બીજી બાજુ ગોઠવાઈ ગયા હતાં. અચાનક એક ગોળી સણસણતી આવી અને વિશ્વજીતના માથાથી એક આંગળી દૂર રહીને નીકળી ગઈ. અણધાર્યા હુમલાથી વિશ્વજીત સહીત આખી ટીમ ચોંકી ગઈ. અને પછી તો ગોળીઓની રીતસરની રમઝટ ચાલુ થઇ. કોઈક ગદ્દારે આતંકીઓને આગોતરી જાણ કરી દીધી હતી, તેથી તેઓ ઘાત લગાવીને તૈયાર બેઠા હતા. ઘરની પાછળ ઉભેલા બીજા જવાનો હજી એક્શન લેવાની તૈયારી કરતા જ હતાં કે ત્યાં જ એક ગ્રેનેડ આવીને તેમની પાસે ફૂટ્યો અને એક કોન્સ્ટેબલ અને બે જવાનો ત્યાં જ શહીદ થયા. બીજા ચાર જવાનો થોડા દૂર હતાં તેથી તેમને નાની મોટી ઈજાઓ થઇ. હવે પરિસ્થિતિ ગંભીર થઇ રહી હતી. એક તો સતત ગોળીબાર થઇ રહ્યો હતો અને ઉપરથી જે વિસ્તારમાં અથડામણ ચાલુ હતી ત્યાં આસપાસ કવર લઇ શકાય એવી જગ્યાઓ પણ ઓછી હતી. જો વધુ સમય બગાડાય તો જાન-માલનું નુકસાન વધી શકે તેમ હતું. તેથી હવે આક્રમણ કર્યા વગર ચાલે તેમ નહોતું. તેમણે વૉકિટોકી દ્વારા મસલત કરી અને આર્મીની ટુકડીને ઘરની આગળની બાજુથી હેવી ફાયરીંગ કરવાનું કહ્યું જેથી દુશ્મનોનું ધ્યાન તે તરફ દોરી શકાય. રણનીતિ સફળ રહી. પાછળની તરફ થતી ફાયરીંગ જેવી ઘટી કે તરત જ પોતાના જવાનોને કવર ફાયર આપવાનું કહીને વિશ્વજીત અને ફૌજના પાંચ જવાનો ઘરનો પાછલો દરવાજો તોડીને અંદર ઘુસ્યા અને બારી પાસે જ ફાયરીંગ કરી રહેલા બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા. સાવધાનીથી ઘરની તલાશી લેતા લેતા તેઓ જેવા એક કમરા પાસે પહોંચીને દરવાજો ખોલવા ગયાં કે.... અધખુલ્લા દરવાજા માંથી એકસાથે બે ગ્રેનેડ બહાર ફેંકાયાં. કાન ફાડી નાખે તેવા એક પછી એક બે ધડાકા થયા, અને પછી સન્નાટો છવાઈ ગયો. વિસ્ફોટમાં બે સૈનિક ખૂબ ગંભીર રીતે ઘવાયાં હતાં. વિશ્વજીતે થોડીવાર કોઈ જ કાર્યવાહી ન કરવાનો ઇશારાથી હુકમ કર્યો. બે ઘાયલ સૈનિક લડવાની સ્થિતિમાં ન હતા. તેથી હવે તેઓ ચાર જ જણ બચ્યા હતા. તેમને ખબર ન હતી કે અંદર કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે. હા તેઓ એટલું તો જાણતા હતા કે આતંકવાદીઓ હવે તેમનો મુકાબલો કરવા માટે તૈયાર હશે, તેથી ઘાત લગાવીને હુમલો કરવો પડશે. થોડીવાર સુધી આમ જ શાંતિ રહી એટલે પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા એક આતંકવાદી બહાર ડોકાયો. તરત જ એક સૈનિકે તેને પકડ્યો અને ત્યાં જ પતાવી દીધો. બાકીના ત્રણ જણ તરત જ રૂમ માં ઘુસ્યા. સામે જ અબુ સુલેમાન હાથમાં એકે ૪૭ પકડીને ઉભો હતો. તે હજુ કઈં સમજે તે પહેલા વિશ્વજીતની બંદૂક તેના લમણે તકાયેલી હતી. આ બધું એટલી ઝડપથી બન્યું કે તેને કંઈ કરવાનો સમય જ ન મળ્યો. ત્રણ વર્ષથી જેને પકડવાની કોશિશો થઇ રહી હતી તે આતંકી આજે જીવતો પકડાયો હતો, સાથે સાથે તેનો એક સાગરીત પણ અટકમાં આવી ગયો હતો. તરત તેમના હથિયાર છીનવી લેવાયા અને હાથકડી પહેરાવી દેવામાં આવી. વિશ્વજીતસિંહ જેવો ચબરાક અફસર હવે તેને મોકો આપે તેમ નહોતો. ભયંકર ગુસ્સાથી અબુ સુલેમાન તેને તાકી રહ્યો હતો. '' ઓફિસર, તે મને પકડીને ભૂલ કરી છે. પરિણામ ભોગવવા તૈયાર રહેજે.'' તે તાડુક્યો. '' એ તો જોયું જશે સુલેમાન, અત્યારે તો તું મારો મહેમાન છે, પહેલા તારી મહેમાનગતિ તો કરી લેવા દે. '' ઠંડે કલેજે વિશુ બોલ્યો. હવે અહીં વધુ સમય રહેવું પાલવે તેમ નહોતું. તેથી તેઓ તરત પોલીસ સ્ટેશને જવા રવાના થયાં. આજે પોલીસને બહુ મોટી સફળતા મળી હતી અને તેની ખુશી દરેક જવાનના ચહેરા પર દેખાતી હતી. હા તેમના ત્રણ સાથીઓ શહીદ થયા હતા એ વાતનું દુઃખ પણ હતું. પણ શહીદી એ તો જંગનું સાશ્વત અને કડવું સત્ય છે , જેને દરેક જવાને સ્વીકારવું જ પડે છે......

...... એસીપી વિશ્વજીતસિંહ રાણા ઉર્ફે વિશુ અત્યારે પોતાની કેબીનમાં બેઠો હતો. હજી એકાદ કલાક પહેલાં જ તેમણે અબુ સુલેમાનને પકડ્યો હતો. થોડીવારમાં તેના ટેલિફોનની ઘંટડી વાગી. તેણે ફોન રીસીવ કર્યો. '' હેલ્લો , એસીપી... હોમ મિનિસ્ટર બોલું છું. '' સામેથી અવાજ આવ્યો. ફોન કાશ્મીરના હોમ મિનિસ્ટર ફારુક ઓમરનો હતો. '' નમસ્તે સર , એસીપી વિશ્વજિતસિંહ રાણા હિયર. '' તેણે કહ્યું. '' એસીપી , થોડીવાર પહેલા તમે જેને પકડ્યો છે, તેને જેમ બને તેમ જલ્દી છોડી દો. '' જાણે ચા- નાસ્તાનો ઓર્ડર આપતા હોય એમ ઠંડે કલેજે મિનિસ્ટર 'સાહેબ' બોલ્યા. '' કોને સર ? યુ મીન અબુ સુલેમાનને ? શા માટે ? '' એક સાથે ઘણા સવાલો વિશુથી પુછાઈ ગયા. તેને વિશ્વાસ નહોતો આવતો કે રાજ્યનો ગૃહમંત્રી એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને છોડી મુકવાની વાત કરી રહ્યો હતો. '' હા , અબુ સુલેમાનને. અને એ પણ જેમ બને તેમ જલ્દી.'' હવે વિશુને ગુસ્સો આવ્યો. જે આતંકવાદીને પકડવા માટે તેમણે ત્રણ જવાન ગુમાવ્યા, છ જવાન ઘાયલ થયાં હતા તેની રિહાઈ માટે એક કલાકમાં તો લાગવગ અને ચાંપલૂસી શરુ થઇ ગયી હતી. તેણે મિનિસ્ટરને કહ્યું... '' સર તમને ખબર છે , આ ઓપરેશનમાં કેટલા સૈનિકો શહીદ થયા છે ?એક આતંકવાદીને મુક્ત કરાવવાનું દબાણ કરીને તમે દેશદ્રોહ કરી રહ્યા છો. '' વિશુનો અવાજ ગુસ્સાથી ધ્રૂજતો હતો. '' એય ઓફિસર , મને ભાષણ ન આપ. જેટલું કીધું એટલું કર. અડધા કલાકમાં અબુ સુલેમાન બહાર જોઈએ. નહીંતર......'' ઓમરનું વાક્ય પૂરું થાય પહેલા જ વિશુ તાડુકી ઉઠ્યો. '' નહિતર શું ? ટ્રાન્સફર જ કરશોને.. છૂટ છે. તમારા જેવા પૈસાના ભૂખ્યા મંત્રીઓની એટલી જ ઔકાત છે. યાદ રાખજો મારું ઈમાન તમાંરા જેમ બિકાઉ નથી. જે થાય તે કરી લો, હું કોઈને છોડવાનો નથી. ''

'' તો તારા અંજામ માટે તું જ જવાબદાર હોઈશ, ઓફિસર... '' કહીને ફારૂક ઓમરે ફોન પટક્યો.

" સાલા , બધા આતંકવાદીઓના ઈશારે પૂંછડી પટપટાવે છે, આ લોકો જે સાપને દૂધ પીવડાવીને ઉછેરે છે એ જ ભવિષ્યમાં એમને ભારે પડશે. '' તે મનોમન બોલ્યો. અડધા કલાક પછી તેણે અબુ સુલેમાનને તો નહોતો છોડ્યો, પણ પેલા નેતાજી વધુ ઝડપી નીકળ્યા હતા, તરત વિશુને ટ્રાન્સફરનો ઓર્ડર મળ્યો. આ કઈં નવી વાત ન હતી. દરેક પ્રામાણિક અફસરને અચૂક મળતું ઇનામ હોય તો તે ટ્રાન્સફરનો ઓર્ડર જ હોય, જોકે એક આતંકવાદીને છોડી મુકાયો એ વિશુથી સહન ન થયું. આટલું ઓછું હોય તેમ બીજા દિવસે તેને સમાચાર મળ્યા કે અબુ સુલેમાને તેના પાંચ વિશ્વાસુ કોન્સ્ટેબલની અને ઇન્સપેક્ટર ઇમરાન હસનની હત્યા કરી હતી. બસ,હવે બહુ થયું. તેને એ વાતનો રંજ રહી ગયો હતો કે જવાનોની મહામૂલી શહાદત પર કેટલાક ભ્રષ્ટ લોકોની મામુલી રાજનીતિ ભારે પડી હતી. તેથી આવા લોકો સાથે બદલો લેવા વિશુ ''રો'' માં જોડાયો. દુનિયાની સૌથી કાબેલ ખુફિયા એજન્સીઓમાંની એક એજન્સીને એક કાબેલ અફસર મળ્યો હતો. હવે બે વર્ષ પછી તેને એક એવો મોકો મળ્યો હતો કે જેથી તે બધા જ જુનાં હિસાબોનું સાટું વાળી શકે....

'' હેલ્લો, વિશ્વજીતસિંહ રાણા હિયર..'' તેણે ફોન રીસીવ કરીને કહ્યું. તે વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ તેનો ફોન વાગ્યો. '' હા સર, ઓકે. આવું છું....'' કહીને તેણે ફોન મુક્યો. વિશુને ક્યાંક અર્જન્ટ જવાનું હતું.

***

''જી હુજુર.... હા.... જી હુજુર...... ભલે... અમે સંભાળી લેશું જનાબ, જી બહેતર.....આમીન......જી......ખુદા હાફિઝ.'' ...... એક અંધારા ઓરડામાં સાડા છ ફુટ ઊંચો , પડછંદ શખ્સ પૂરી અદબ સાથે ફોન પર કોઈકના હુકમો સાંભળી રહ્યો હતો અને જરૂર પડ્યે હા... , જી... એવા ટૂંકા જવાબો આપી રહ્યો હતો. લાંબી, મહેંદી કરેલી કથ્થાઈ દાઢી, કપાળ પર વચ્ચો વચ્ચ રોજિંદી નમાજને લીધે થયેલ કાળો ડાઘ, કરડા છતાં અત્યારે થોડા ભયમિશ્રિત ચહેરા પર પસીનાની બંદો ઉપસેલી હતી. તે અલતાફ મીર હતો. હમણાં જ તેના આકાનો ફોન આવ્યો હતો અને તેને કોઈક મહેમાનના સ્વાગતની તૈયારી કરવાનો હુકમ મળ્યો હતો. '' ખાલિદ , ઉપરના ઓરડામાં બધો સામાન વ્યવસ્થિત કરી નાખ, કાલે કોઈ ખાસ મહેમાનને અહીં લાવવાના છે. '' તેણે પોતાના માણસને કહ્યું. આ ખાસ મહેમાન કોણ હતા એની તો અલતાફને પણ નહોતી ખબર, પણ તેના આકાને આ વિશે પૂછવાની તેની હિમ્મત ન થઇ. ખાલીદને ઓરડાની સાફ સફાઈ કરાવવાનું કહીને તે નજીકમાં જ આવેલા બજારમાં કઈંક ખરીદી કરવા નીકળી પડ્યો.....

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો