ઓપરેશન ગોલ્ડન ઈગલ-2 Pratik D. Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન ગોલ્ડન ઈગલ-2

ઓપરેશન

''ગોલ્ડન ઈગલ ''

પ્રકરણ: ૨

પ્રતીક ગોસ્વામી

( આગળના પ્રકરણમાં આપણે જોયું કે લાઈન ઓફ કંટ્રોલ પાસે પેટ્રોલિંગ માટે ગયેલી લેફ્ટનન્ટ અનુપ શ્રીવાસ્તવની ટુકડીને પીલર ૨૭૧ પાસે કશુંક અકસ્માત નડે છે. બીજી તરફ એ જ પિલરની નજીક આવેલી પાકિસ્તાનની ''ખૈબર'' નામની ચોકી પર એ જ સમયની આસપાસ આતંકવાદી હુમલો થયાના સમાચાર ટી.વી પર બતાવાઈ રહ્યા છે. ભયાનક કાવતરાંની ગંધ આવતાં મેજર મોહન દેશમુખ વાયરલેસ ઓપરેટરને હેડક્વાર્ટરમાં જાણ કરવાનું કહી પોતાના સિપાહીઓ સાથે ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચીને જે દ્રશ્ય તેઓ જુએ છે એ જોઈને તેમના પગ ત્યાં જ ચોંટી જાય છે. હવે વાંચો આગળ.....)

ભલભલા શુરવીરોના કાળજા કાંપી જાય એવું તે દ્રશ્ય હતું. માથા વગરનાં ૩ ધડ જમીનમાં દાટેલાં હતાં અને શરીરથી છુટા પડેલા તેમના અંગ ઉપાંગો આજુબાજુ વિખરાયેલા હતા. આસપાસની જમીન લોહીથી ખરડાયેલી હતી. લોહી હજી પૂરું સુકાયું નહોતું. ત્રણેય શવનાં માથાં ગાયબ હતાં. કદાચ હુમલાખોરો તેમને પોતાની સાથે લઇ ગયા હશે. વાતાવરણમાં માથું ફાડી નાખે તેવી ભયંકર દુર્ગંધ ફેલાયેલી હતી. જાણે કોઈ આસુરી શક્તિનું કૃત્ય હોય એ હદની પાશવતા આચરેલી હતી. મેજર દેશમુખને સ્વસ્થ થતાં થોડો સમય લાગ્યો. સ્વસ્થ થતાં જ તેણે દરેક શવને બહાર કાઢવાનો હુકમ આપ્યો. મહામહેનતે અને ખુબ ભારે હૃદયે જવાનોએ ત્રણેય શવને બહાર કાઢ્યાં, તેમના ઓળખપત્રો પરથી તેમની ઓળખાણ કરીને, તેમના અંગ ઉપાંગો સમેટીને કોફીનમાં મૂક્યાં. ત્યાં હાજર રહેલ દરેક સિપાહી માટે આ ક્ષણ ખુબ જ હૃદયદ્રાવક હતી. અને તેઓ જાણતા હતાં કે આનાથી પણ વધુ હૃદયદ્રાવક દ્રશ્યો શહીદોના ઘરે સર્જાવાનાં હતાં. પોતાના સાથીદારનું આવું કમકમાટીભર્યું કરૂણ મોત જોવું કંઈ નાનીસૂની વાત નથી. આખરે એ શહીદ સાથીદારો પણ તેમના સ્વજન જેવાં જ હતાં. દરેકના મનમાં સખત ગુસ્સા સાથે પ્રતિશોધની ભાવના પણ આકાર લેવા માંડી હતી. જેવું મોત તેમના સાથીઓને મળ્યું તેનાથી પણ ખરાબ મોત તેમના કાતીલોને મળે એવું દરેક જવાન ઇચ્છતો હતો. ત્રણ શહીદોના નામ હતાં, સુબેદાર રોશનસિંહ, લાન્સનાયક ગોપાલ ભીંડે અને સિપાહી મોહમ્મદ સાદિક. અચાનક મેજર દેશમુખને કઈંક યાદ આવ્યું. તેણે આજુબાજુ નજર ફેરવી, પણ જે દ્રશ્ય જોવાનું તેણે અનુમાન લગાવ્યું હતું તેવું કંઈ જ ન હતું. પેટ્રોલિંગ માટે તો પંદર સૈનિકો ગયાં હતાં, તો પછી બાકીના બાર સૈનિકો ક્યાં ગયાં ? ત્રણ સૈનિકોના શરીર ખુબ જ વિકૃત રીતે ક્ષત-વિક્ષત કરી દેવાયા હતાં, તો બાકીના સૈનિકોનું શું થયું હશે ? હવે તો મેજર દેશમુખનું મગજ રીતસરના ચકરાવે ચડ્યું. આવું ભયાનક દ્રશ્ય જોયાં પછી બાકીના સૈનિકોની હાલત વિશે વિચારવાનું પણ તેના માટે અશક્ય હતું. બાકીની ટુકડીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન જ ફૌજની બીજી કુમક ઘટનાસ્થળે ( ખરેખર તો દુર્ઘટના-સ્થળે ) પહોંચી આવી હતી, તેથી બાકીની તપાસનો ચાર્જ તેમને સોંપીને મેજર દેશમુખની ટુકડી પોતાના કેમ્પ પર પાછી ફરી. આજનો દિવસ ખરેખર તેમના માટે મનહૂસ સાબિત થયો હતો.

***

''અરે ભાઈ, પ્લીઝ મને તમારા સાહેબથી મળવા દો, મળવું ખુબ જરૂરી છે.'' શ્રીનગરમાં બ્રિગેડિયર અનીલ શર્માના બંગલા પાસે વહેલી સવારથી એક માણસ ક્યારનો ચોકીદાર સાથે રકઝક કરી રહ્યો હતો.

''સાહેબ સૂતાં છે, તમે પછી આવજો.'' ચોકીદારે કહ્યું.

''જો ભાઈ, મારા ધીરજની પરીક્ષા ન લે, સવારના પાંચ વાગ્યાથી તારી સાથે માથાકૂટ કરું છું. એટલો ટાઈમ નથી મારા પાસે. તું ખાલી જઈને એટલું તો કહે કે ''ચાર્લી'' ક્લબનો સભ્ય આવ્યો છે. એ પોતે સમજી જશે.'' આખરે કંટાળીને તેણે કહ્યું. સાચી જ વાત હતી, પાછલા પોણા કલાકથી તે આ ચોકીદાર સાથે માથાકૂટ કરી રહ્યો હતો. બ્રિગેડિયર શર્માને ખુબ જ ગંભીર બાતમી આપવાની હતી, અને ઉપરથી આ ચોકીદાર, કોઈ વાત માનવા તૈયાર ન હતો. જો તેનું ચાલતું હોત તો સૌથી પહેલાં આ ચોકીદારને સીધો કરત, પણ અત્યારે તે લાચાર હતો. તેને ખબર હતી કે આ ચોકીદાર એમ નહીં માને. આખરે તેણે એક ફોન લગાવ્યો. '' સર, આ સાલો ચોકીદાર માનતો નથી.'' ફોન રીસીવ થતાં જ તેણે કહ્યું. સામેથી કંઈક સૂચના મળી અને તેણે ફોન મુક્યો. થોડી જ વારમાં બ્રિગેડિયર શર્માનો મદદનીશ તેને તેડવા આવી પહોંચ્યો. તેઓ તરત જ બ્રિગેડિયર પાસે જવા ઉપડ્યા. બ્રિગેડિયર હજી પોતાના રૂમમાં ઘોરતા હતાં. સાથે આવેલા આગંતુકને ડ્રોઈંગરૂમમાં બેસાડીને પેલો મદદનીશ શર્માસાહેબને જગાડવા ગયો. કેટલી વાર થઇ છતાં બ્રિગેડિયર હજી આવ્યા કેમ નહિ ? તેને સખત ગુસ્સો આવતો હતો. રાતે એક વાગ્યાથી તે સતત બ્રિગેડિયરનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો. સૌથી પહેલા તેણે શ્રીનગર ખાતેના બ્રિગેડ હેડક્વાર્ટરને જાણ કરવાની કોશિશ કરી , પણ તેનો રેડીઓ ઓપરેટર ખબર નહિ કેમ પણ કંઈ રિસ્પોન્સ નહોતો આપી રહ્યો. બ્રિગેડિયરને ફોન કર્યો તો તેમના મદદનીશે ઉપાડ્યો અને સાહેબ બહાર ગયા છે એમ કહીને કટ કરી નાખ્યો. બે વાગ્યે નૌગામથી છેક શ્રીનગર આવીને રૂબરૂ બ્રિગેડિયરને ખબર પહોંચાડવામાં પેલો ચોકીદાર આડખીલી બન્યો હતો અને હવે આ બ્રિગેડિયર પોતે. ખબર નહિ અડધા કલાક થી પોતાના રૂમમાં શું કરે છે. ''આવા ઓફિસરોને લીધે જ અમારું ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે. બેદરકારી એમની હોય અને માછલાં અમારા પર ધોવાય છે''. તેણે મનોમન જ વિચાર્યું. આખરે બીજી દસેક મિનિટ રહીને શર્માસાહેબ આવ્યાં. '' બોલો મિસ્ટર વિશ્વજીતસિંહ , સવાર સવારમાં શું કામ પડ્યું ? '' કંટાળા સાથે તેમને પૂછ્યું. તેમની આંખોમાં હજી નીંદર ભરેલી હતી. '' જાગો શર્માસાહેબ , નહીંતર તમારી બેદરકારીને લીધે આપણાં નિર્દોષ સૈનિકોને મોતની નીંદર ભરખી જશે.'' વિશ્વજીત માંડ માંડ પોતાના ગુસ્સાને ખાળીને સંભાળપૂર્વક બોલી રહ્યો હતો. '' જે હોય તે ક્લિયરલી બોલો મિસ્ટર, આમ વાતો ન બનાવો તમે મારો કિંમતી સમય બરબાદ કરી રહ્યા છો. '' શર્મા બોલ્યાં. '' ઓકે સાહેબ, તમારો સમય ખરાબ થાય એ તો ન પાલવે.'' કટાક્ષથી વિશ્વજીતે કહ્યું અને પછી આગળ ઉમેર્યું '' અમારા સોર્સીસ પાસેથી બાતમી મળી છે કે પેટ્રોલિંગ માટે જતાં જવાનો પર ખુબ નજીકના સમયમાં હુમલો થવાનો છે. પાકિસ્તાનની ''બોર્ડર એક્શન ટીમ'' આ કાવતરાંને અંજામ આપવાની છે. તેમણે આ ઓપરેશન માટે બોર્ડર નજીક એક ખાસ ચોકી પણ બનાવી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની સેનાની સાથે સાથે ''અલ જીહાદ'' ના આતંકવાદીઓ પણ શામેલ છે. જેમ બને તેમ જલ્દી તમારા જવાનોને સતર્ક કરી દો.'' વિશ્વજીતે પોતાની વાત પુરી કરી. '' ઇમ્પોસીબલ, જો એવું હોત તો મિલિટરી ઇન્ટેલિજન્સ પાસે આવાં કોઈ ઇનપુટ કેમ નથી ? બાય ધ વે, તમારી પાસે આ માહિતી ક્યાંથી આવી ? '' આશ્ચર્યથી શર્માએ પૂછ્યું. ઉભો થતાં થતાં વિશ્વજીત બોલ્યો '' સાહેબ એ તમારું કામ નથી, તમારું કામ અમારી બાતમીને આધારે એક્શન લેવાનું છે, દેશની સુરક્ષાની બાબતમાં આપણે એજન્સી એજન્સી ન રમીએ એ જ આપણાં બધાના હિતમાં છે અમારી બાતમી એકદમ પાકી છે. અને હા, બીજી એક વાત, જેની તમને જાણ હોવી જરૂરી છે..... '' બોલતાં બોલતાં તે જરા અટક્યો અને ગુસ્સાભરી નજરે બ્રિગેડિયર સામે જોઈને કહ્યું..'' કાલે રાત્રે એક વાગ્યે મેં આ મેસેજ તમારા હેડક્વાર્ટરને મુક્યો હતો, પણ તમારો રેડીઓ ઓપરેટર કોઈ જવાબ નહોતો આપતો, તમને ફોન કર્યો તો તમે પોતે ક્યાંક બીજી જગ્યાએ પોતાનો ખુબ કિંમતી સમય આપી રહ્યા હતાં, તેથી મારે રૂબરૂ અહીં આવવું પડ્યું, અને સવારે એકાદ કલાક તમારા ચોકીદાર સાથે મગજમારી કરી ત્યારે તમારા દર્શન નસીબ થયાં. તો શર્માસાહેબ તમને એટલી જ સલાહ છે કે તમારું આ બખડજન્તર થોડું સુધારો. નહીંતર ક્યારેક તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ''

'' હાઉ ડેર યુ ? તમને ખબર છે તમે કોની સામે બોલી રહ્યા છો ? તમારી જબ્બન પર કાબુ રાખો, યુ આર ઇંસલ્ટીંગ મી '' ગુસ્સાથી શર્માએ કહ્યું.'' નો મિસ્ટર શર્મા, આઈ એમ ઇંસલ્ટીંગ યોર એરોગન્સ '' . વિશ્વજીતના અવાજ પરથી જ તેની નારાજગી દર્શાઈ આવતી હતી. હવે બ્રિગેડિયર શર્મા રીતસરનો ભડક્યો, એક તો આ જુવાને આટલી સવારમાં નીંદર બગાડી, ઉપરથી તેને જેમ તેમ બોલી રહ્યો હતો. તે કઈંક બોલવા જતો જ હતો કે તેના ટેલિફોનની ઘંટડી વાગી. બ્રિગેડિયરે ગુસ્સામાં જ રિસીવર ઉપાડ્યું. '' હેલ્લો.... '' સામે છેડેથી જે સમાચાર મળ્યા એ સાંભળીને બ્રિગેડિયર શર્મા તો જાણે અવાક બની ગયો. તેનો ગુસ્સો તો પળવારમાં ગાયબ થઇ ગયો હતો, કાપો તો લોહી ન નીકળે એવી તેની હાલત થઇ ગઈ. ફોન પેલા વાયરલેસ ઓપરેટર સંતોષે કર્યો હતો. તેણે સમાચાર આપ્યાં કે કાલે રાત્રે પેટ્રોલિંગ માટે નીકળેલી ટુકડી હજુ સુધી બેઝકેમ્પે પાછી નહોતી ફરી. તેમની સાથે થયેલી દુર્ઘટનાથી તો તે પોતે પણ અજાણ હતો.

''તો આખરે એ થઇ જ ગયુંને, જેને રોકવા અમે આવડી મથામણ કરી રહ્યા હતાં. '' બ્રિગેડિયરના ચહેરા પરની ચિંતા જોઈને વિશ્વજીત બોલ્યો. તેણે સાચું અનુમાન લગાવ્યું હતું. '' જુઓ મિસ્ટર શર્મા, હવે આના માટે અમને કોઈ પણ પ્રકારનો દોષ આપશો, એ અમારાથી સહન નહીં થાય, કારણકે અમારા ખાતાએ તમને આગોતરી જાણ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તમારી અને તમારા આ તંત્રની બેદરકારીને લીધે આ બધું થયું છે. તમારા જેવા અફસરોને લીધે હુમલા થાય છે અને પછી બધો દોષ ગુપ્તચર તંત્રને આપવામાં આવે છે.'' વિશ્વજીતે સાંભળાવવાનું ચાલુ રાખ્યું. તે સતત બોલી જ રહ્યો હતો કે ત્યાં જ અચાનક ફરીથી ટેલિફોનની ઘંટડી વાગી. આ વખતે ફોન મેજર દેશમુખનો હતો. તેણે ભારે હૃદયે પોતાના સૈનિકો સાથે થયેલી બર્બરતા અને બાર સૈનિકોના ગૂમ થયાં વિશે બ્રિગેડિયરને માહિતગાર કર્યા. આમ આઘાત પર આઘાત સહન કરીને શર્માની હાલત એકદમ ખસ્તા થઇ ગઈ. આવડી ઠંડીમાં પણ તે પરસેવે રેબઝેબ થઇ ગયો. તેની બેદરકારીની કિંમત તેના જવાનોએ ચૂકવી હતી અને ખુબ ભારે કિંમત ચૂકવી હતી. નંખાયેલા અવાજે તેણે આખી વાત હાજર રહેલા લોકોને કહી સંભળાવી. '' આ બધા માટે તમે જ જવાબદાર છો બ્રિગેડિયર, અને આની કિંમત તમારે ચૂકવવી પડશે... '' રાડ નાખતો હોય તેવા સ્વરમાં વિશ્વજીત બોલી ઉઠ્યો. તેને લાગ્યું કે જાણે હમણાં જ ગુસ્સાથી તેનું માથું ફાટી જશે. જતી વખતે જ ડ્રોઈંગ રૂમનો કલાત્મક અરીસો તેના ગુસ્સાનો ભોગ બન્યો. હવે ત્યાં અરીસો ન હતો. માત્ર ટુકડાઓ હતા, કાચના વિખરાયેલ ટુકડાઓ. ખરેખર તો પેલા તૂટેલા અરીસા જેવી જ હાલત વિશ્વજીતના હૃદયની હતી. તેની બધી જ કોશિશો નાકામિયાબ નીવડી હતી. મનોમન તેણે ગમે તે ભોગે દુશ્મનોના આ કૃત્યનો બદલો લેવાનું નક્કી કરી નાખ્યું. કદાચ કુદરતે પણ તેની પાસેથી આવું જ કઈંક કરાવવાનું નક્કી કરી રાખ્યું હતું.........

ક્રમશ: