operation golden eagle - 11 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન ગોલ્ડન ઈગલ 11

ઓપરેશન ગોલ્ડન ઈગલ

પ્રકરણ: ૧૧

પ્રતીક. ડી. ગોસ્વામી

પીઓકે-પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં સાંજ ભારતના કાશ્મીરથી અલગ ન હતી. એ જ બર્ફીલા પહાડો, એ જ ઠંડુ હવામાન, અને એ જ આહલાદકતા ! સાવ સરખું જ કુદરતી વાતાવરણ, છતાં માત્ર માનવીય સ્વાર્થને લીધે ધરતી પરના સ્વર્ગ પર સરહદરૂપી જખમ પાડવામાં આવ્યાં હતાં. અત્યારે જોકે એ સાંજ સોહામણી ન હતી. બંને દેશો વચ્ચેનું ભારોભાર તંગદિલીભર્યું વાતાવરણ અને પરસ્પરનો ત્રીજી પેઢીનો વેર ખીણની શાંતિ હણી રહ્યો હતો. હજુય લાપતાં રહેલા બાર ભારતીય જવાનોની શોધખોળ હવે ધીમી પડવા માંડી હતી, તેથી પાકિસ્તાનીઓનો ઉચાટ આસમાને હતો.

જવાનોનો પત્તો ન લાગવાને લીધે ગિન્નાયેલી ભારતીય સેના કોઈ તેજાબી પગલું ભરશે તો ? અલબત્ત તેઓ એટલું તો જાણતા જ હતા કે ભારતીય સેના કશુંક તો કરવાની હતી, પણ શું ? જો એ વાતની ખબર પડી જાય, તો ત્વરીતપણે વળતાં પગલાં ભરી શકાય. એટલે જ આવી છૂપી માહિતીઓ મેળવવા પાકિસ્તાની ફૌજના અને 'આઈએસઆઈ'ના કરોળિયા છાપ જાસૂસો કામે લાગી ગયા હતાં. દુશ્મનની શક્ય એટલી હિલચાલ અને ગુપ્ત દસ્તાવેજો તફડાવી તેઓ પાકિસ્તાની સેનાને પહોંચતા કરવા માંગતા હતાં, જેથી રખે ભારતીય સેના કે તેના 'ધ સુપર સ્પેશિયાલિસ્ટ ઘોસ્ટ વોરિયર' તરીકે ઓળખાતાં પેરા કમાન્ડો કોઈ એક્શન લે તો તેમને સબક શીખવી શકાય !

'પીઓકે'માં આવેલા બધા આતંકી કેમ્પોમાંથી પાકિસ્તાની અફસરો અને મુલ્લાઓને પાછા બોલાવી માત્ર કાશ્મીરી આતંકવાદીઓને અને તાલીમાર્થીઓને ગોઠવી દેવાયા હતાં, જેથી ફરી સર્જીકલ સ્ટ્રાઈક થાય તો એકંદરે કાશ્મીરીઓને નુક્સાન વેઠવું પડે, પાકિસ્તાનને નહીં ! ભર નિંદરમાં પણ કાશ્મીરની આઝાદીનો રાગ આલાપતાં પાકિસ્તાની સત્તાધીશો દ્વારા કાશ્મીર પ્રત્યે કેટલી હદનો ભેદભાવ ! અને છતાં અમુક મૂર્ખા કાશ્મીરીઓ તેમના એક હુકમ પર પોતાની જન્નત જેવી વાદીઓમાં મોતનો કહેર વરસાવવા તૈયાર રહેતાં હતાં. ઇસ્લામના નામે નકલી જીહાદનો બુરખો પહેર્યા પછી તેમને બીજું કંઈ (ધર્માંધ આકાઓએ પઢાવ્યા પ્રમાણે 'જન્નત' અને 'બોત્તેર હૂરો' સિવાય) ન દેખાય, એ સ્વાભાવિક હતું.

સીમા પાસે આવેલી પાક રેંજર્સની અને પાક ફૌજની ચોકીઓ એલર્ટ પર હતી, તોપખાનું સજ્જ હતું, ગોળા-બારૂદ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો અસ્લો રાવલપિંડીથી રવાના થઇ ચૂક્યો હતો, દર ત્રણ કલાકે સરહદ પાસે ડ્રોન ઉડાડીને સીમાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું. કેટલી હદની પૂર્વતૈયારી ! આ બધું પેલાં પાકિસ્તાની જનરલ કયાનીની વજીરચાલ અને દૂરંદેશી અનુસાર થતું હતું. આખરે તો પાકિસ્તાનીઓની નસોમાં પણ સદીઓ જૂનું (અલબત્ત થોડા વર્ષોની મિલાવટવાળું) ભારતીય લોહી દોડી રહ્યું હતું, તેથી તેમની બુદ્ધિમત્તા સાવ નાખી દેવા જેવી તો ન હતી, પણ ચીનાઓની દોસ્તીને લીધે તેમનામાં એક અપલક્ષણ આવી ગયું હતું-તેઓ પોતાના દુશ્મનને હરહંમેશ મિયાં ફુસકી જ સમજતા રહેતા !

***

"ઇરમાન, કોઈ હિલચાલ દેખાય છે ?"

"કોઈ જ હિલચાલ નથી જનાબ, આ હિન્દુસ્તાનીઓને સાપ સૂંઘી ગયો હોય એમ લાગે છે !" બરફની ચાદર તળે ઢંકાયેલાં બંકરની બારીમાંથી દુશ્મન તરફ લાઈટ મશીનગન તાકી બેઠેલાં પાકિસ્તાની જવાને જવાબ આપ્યો. તેના જવાબે ત્યાં ઉભેલા અફસરને ખડખડાટ હસવા મજબૂર કર્યો. સરહદથી દોઢ કિલોમીટર દૂર હાજીપીર ઘાટના રસ્તે આવેલા એ બંકર જેવો જ માહોલ અત્યારે પાકિસ્તાનમાં ઠેકઠેકાણે હતો. ખોટી ફિશિયારીઓ મારવામાં પાકિસ્તાની ફૌજ અજેય હતી, અલબત્ત અંદરખાને સિનિયર અફસરોને છૂપો ભય હતો. એક તો ગમે ત્યારે થઇ શકતાં ખૂંખાર કમાન્ડો એટેક્નો ભય અને બીજો, હાલતે ચાલતે બગડી જતાં વિષમ વાતાવરણનો, આ બે વસ્તુઓ ભલભલાના હાંજા ગગડાવવા માટે કાફી હતી. છતાં આવી બાબતોને લીધે જવાનોનું મનોબળ ન તૂટે એટલા માટે તેઓ તેમને ખોટે ખોટા પાનાં ચડાવતાં રહેતાં !

બે દિવસથી જોકે આ જ હાલત હતી. સખત ચોકીપહેરાને લીધે પાકિસ્તાની જવાનો બરાબરના કંટાળ્યા હતાં. માંડ માંડ ડ્યુટી પૂરી થયે તેઓ આરામ કરવા બેરેક્સમાં જાય કે તરત ગોળીઓ અને મોર્ટાર શેલનો કાન ફાડી નાખતો અવાજ શરુ થાય, સાયરનો વાગવા માંડે. હાંફળાફાંફળા થઈને તેઓ હથિયાર લઈને બહાર આવે, અને છેવટે ખબર પડે કે આ બધું મોકડ્રીલના ભાગરૂપ હતું ! હવે તો દિવસમાં ત્રણ ત્રણ વાર આવી મોકડ્રીલો કરવામાં આવતી હતી. ઇસ્લામાબાદની સુવિધાયુક્ત કેબીનોમાં બેઠેલાં જનરલોને માત્ર ઓર્ડરો જ આપવાના હતાં, ખરી હેરાનગતિ તો સરહદ પર ખડેપગે રહેતાં જવાનોની થતી હતી. છતાં ફરજને ખાતર તેઓ શરીર થકવી નાખે તેવી મોકડ્રીલો અને ટ્રેનિંગોમાં ફરિયાદનો હરફ પણ ઉચ્ચાર્યા વગર ભાગ લેતા હતાં. આખરે તો વર્દીધારી સૈનિક જ ને, પછી એ કયા દેશના હોય એ બાબત ક્ષુલ્લક હતી-છે.

***

"રિંગમેન, ધીસ ઇસ મેનેજર ! સિંહને પાંજરામાંથી આઝાદ કરી દો, ઓવર !"

" રિંગમેન સ્પીકિંગ ટૂ મેનેજર ! શો શરુ થવાનો સમય જણાવો, ઓવર !"

"જયારે રાતનો સૂરજ માથા પર આવે ત્યારે, ઓવર !"

"મેસેજ કોપીડ, ઓવર એન્ડ આઉટ !"

હાજીપીર ચોકી પાસે આવેલી ભારતીય પોસ્ટના અફસરે વાયરલેસ સેટ બંધ કર્યો અને બંકરની બહાર નીકળ્યો. આકાશ તરફ જોયું. વાદળાંઓ સાથે સંતાકૂકડી રમતો ચંદ્ર માથા પર આવી રહ્યો હતો. મનોમન મુસ્કુરાતો તે અફસર બરફમાં ખૂંપાતા પગલે ચોકીના પાછલા ભાગ તરફ આગળ વધ્યો. સખત ઠંડી હોવા છતાં આજે તેના હાથ-પગમાં અજબ પ્રકારની ગરમી વર્તાઈ રહી હતી. ઝડપથી ચાલીને તે રેતીની ગૂણીઓ તથા મોટા પથ્થરોની અર્ધગોળાકાર દીવાલની પાછળ ગયો. ત્યાં પંદર જવાનો પોઝિશન લઈને તૈયાર બેઠાં હતાં. પોતાના અફસરને જોઈને તેમણે સેલ્યુટ મારી.

“સાથીઓ ! દુશ્મનોને એમની હેસિયત બતાવી દેવાનો સમય આવી ગયો છે. પોતાના શહીદ ભાઈઓ અને લાપતાં બદનસીબોનો બદલો આપણે વાળવાનો છે. હુમલાની તૈયારીઓ શરુ કરી દો.“ એ અફસરના અવાજમાં એક વિરલાને છાજે તેવો રણકાર સંભળાઈ રહ્યો હતો.

હુકમ સાંભળીને બે દિવસથી નાલેશીનો ભાર સહન કરી રહેલાં જવાનોના ચહેરા પર રોનક આવી ગઈ. પૂરા જુસ્સાથી હુકમના દરેક અક્ષરનો તેમણે તરત અમલ શરુ કરી દીધો. ચાર નાનકડી પણ ખડતલ 81 મિલીમીટરની મોર્ટાર તોપો પરથી પડદા ઉઠ્યા. ઊંચાઈ અને દિશા પ્રમાણે તેમના ટચુકડા નાળચાં ગોઠવવામાં આવ્યા, મોર્ટાર શેલના ભારી બોક્સને તોપોની નજીક ખસેડવામાં આવ્યાં અને દરેક બોક્સ પાસે એક-એક જવાન હાથમાં શેલ પકડીને ઉભો રહી ગયો. અત્યારે ત્યાં હાજર રહેલા દરેકની આંખો ખુન્નસથી, બદલાની ભાવનાથી ઉભરાતી હતી.

"ફાયર !" ઘડિયાળમાં સમય માપી રહેલાં અફસરે ચોક્કસ ગણતરી માંડીને હુકમ છોડ્યો.

તરત જ શેલ પકડીને ઉભેલા ચારે જવાન પોતાની ટુકડીની મોર્ટાર તરફ દોડ્યા. પહેલી મોર્ટાર ટુકડીના જવાને તોપના આગલા ભાગેથી શેલ અંદર સરકાવ્યો અને કાન પર હાથ રાખીને નીચે નમ્યો. સૂસવાટી બોલાવતો મોર્ટાર શેલ નાળચામાંથી બહાર નીકળીને આકાશમાં ચડ્યો અને કોઈપણ રોકટોક વગર દુશ્મનની સીમામાં પ્રવેશ્યો.

પછી બીજી મોર્ટારમાંથી બીજો, ત્રીજો અને ચોથો, એમ ચારે તોપે પોતપોતાના ગોળાઓનો પાકિસ્તાન તરફ ઉલાળીયો કર્યો. ભારતીય સેનાના જવાનો 'બડે સુકુન કે સાથ' એ મોર્ટાર શેલને જોઈ રહ્યાં. અલબત્ત તેમને હજુ બીજા ગોળાઓ પણ પાર્સલ કરવાના હતાં તેથી તેઓ ફરી કામે લાગ્યા. આવા પ્રકારની ફ્રી કુરિયર સર્વિસનો મોકો રોજ રોજ થોડી મળે !

પોતાના નાઇટવીઝન દૂરબીનથી ગોળાઓનો પતનમાર્ગ નિહાળી રહેલા અફસરની આંખોને કદાચ વધુ ઠંડક મળી રહી હતી. સામે દેખાતી આગની જ્વાળાઓ જોઈને તેને એક અલગ જ પ્રકારનો આનંદ થઇ રહ્યો હતો. ગાઢ અંધારામાં જાણે કોઈએ અચાનક તાપણું સળગાવ્યું હોય એમ લાગી રહ્યું હતું. અલબત્ત ચાર ગોળાઓમાંથી બે પોતાનો લક્ષ્ય સહેજ માટે ચૂકી ગયાં હતા, તેથી તેણે પાછળ વળીને બે મોર્ટાર ઓપરેટરોને ફરીથી દિશા ગોઠવી લક્ષ્યની સીધ પકડવાનો હુકમ આપ્યો. બે દિવસ સુધી (પાકિસ્તાનીઓની જાણ બહાર) નાનકડામાં નાનકડી વિગતો ભેગી કરી, ચોવીસે કલાક દુશ્મન પર તકાયેલા જાસૂસી સેટેલાઇટો દ્વારા પ્રાપ્ત થયેલા હાઈ રિઝોલ્યુશન ફોટાઓનો બરાબર અભ્યાસ કરીને હવે તેઓ દુશ્મનની દરેક પોસ્ટનું ઠામઠેકાણું સારી રીતે જાણતા હતાં, તેથી અત્યારે તો માત્ર તોપોની દિશા ગોઠવ્યા સિવાય ખાસ કશું મહેનત કરવાની ન હતી. નાળચાને અમુક સેકંડોનો વિરામ આપ્યા બાદ કરીથી તેમનું 'પેટ' ભરવામાં આવ્યું-અલબત્ત દુશ્મનની સીમામાં ખાલી કરવા માટે... ખાસ ધ્યાન એ રાખવાનું હતું કે શેલિંગ માત્ર હાજીપીર ઘાટ પાસે આવેલી ચોકીઓ પર જ થાય !

'ધડામ...' પોતાની ચોકીથી માત્ર વીસ ફુટ છેટે પડેલાં મોર્ટાર શેલના જોરદાર અવાજે પાકિસ્તાની જવાનોને હચમચાવી નાખ્યાં. હજી તેઓ કઈં સમજે એ પહેલાં જ બીજો અને પછી તરત ત્રીજો ગોળો તેમની ચોકીના મજબૂત છાપરાં પર પડ્યો. એક ભયાનક અવાજ આવ્યો, ઊંચે સુધી છાપરાના ભારેખમ ટુકડાઓ ઊડ્યા અને પાછા નીચે પડ્યાં. એક મોટો ટુકડો લાઈટ મશીનગન સંભાળી રહેલાં પાકિસ્તાની જવાન પર પડ્યો અને એ જવાન પોતાની મશીનગન સહિત તેની નીચે દટાઈ ગયો. બીજા ચાર જવાન બેબસ બનીને એને જોઈ રહ્યાં. ખુશનસીબી એ હતી કે ચોથો ગોળો તેમની ચોકી પર ત્રાટકવાને બદલે ત્રીસેક ફુટ દૂર ફંટાઈ ગયો હતો, નહીંતર ચોકીમાં ગોઠવેલાં શસ્ત્રભંડારમાં આગ લાગે તો તેમનો ખેલ પણ ત્યાં જ ખતમ !

હવે શું કરવું ? હેબતાયેલા પાકિસ્તાની જવાનો મૂંઝાયા. કૉંક્રીટના જાડા થર નીચે દબાયેલાં અને પીડાથી કણસી રહેલાં ઘાયલ સાથીદારને બહાર કાઢવો કે ઝડપથી ચોકી છોડીને સલામત અંતરે જતાં રહેવું. આપસમાં વાતચીત કરીને નિર્ણય કરવાનો સમય ન હતો, તેથી તેમાંના દરેક જણે પોતાના ‘મન કી બાત’ સાંભળીને તરત બહાર નીકળી જઈ જીવ બચાવવાનું વિચાર્યું. પાંચને બદલે એક જાનનું નુકસાન ઓછું આકરું પડે. સાધારણ જખમ તો એમનેય થયાં હતાં, પણ તેને અવગણીને તેઓ પોતપોતાની રાયફલ ઉઠાવીને બહારની તરફ દોડ્યા. થોડે આગળ ગયા કે ફરીથી એક જોરદાર ધડાકો થયો. આ વખતે ગોળો કદાચ શસ્ત્રભંડારમાં જઈ પડ્યો હતો, તેથી આખી ચોકી ધવસ્ત થઇ ગઈ.

આગના ઊંચા ઉઠેલાં લબકારાઓ દૂર સુધી દેખાતાં હતાં. મનોમન ઉપરવાળાનો પાડ માનીને એ ચાર પાકિસ્તાની જવાનો પીછેહઠ કરી ગયા. આ બધું જોકે પાકિસ્તાની સૈનિકો માટે નહીં, પણ અબુ સુલેમાનના લાભાર્થે થઇ રહ્યું હતું. જે રીતે 'રો' ઇચ્છતું હતું, એ જ રીતે-એ જ રસ્તે અબુ સુલેમાન ભારત આવે, તો તેને પકડી શકવામાં સરળતા રહે તેમ હતી, તેથી અત્યારે બિનજરૂરી આતશબાજી કરવામાં આવી રહી હતી.

હાજીપીર વિસ્તારમાં અને તેની નજીક આવેલાં જંગલોમાં પાકિસ્તાનની કુલ ત્રણ ચોકી હતી, જેમાંથી એકનો માત્ર પાંચ જ મિનિટમાં ખુરદો બોલી ગયો હતો. બાકીની બે પર પણ અલગ અલગ જગ્યાએથી ભારતીય સેનાએ મોર્ટારમારો શરુ કર્યો. એક પાકિસ્તાની અફસર ટેસથી પોતાના બંકરમાં કોફીની હૂંફ માણતો કાશ્મીરનો નકશો તપાસી રહ્યો હતો. અચાનક થયેલાં મોર્ટારમારાને લીધે તેના હાથમાંથી કોફીનો કપ છૂટીને નીચે પડ્યો. કપમાં વધેલી ગરમ કોફી તેના જાડા બુટ પર પડી. જરા વાર તો શું થયું એ તે સમજી ન શક્યો, પછી તરત સ્વસ્થ થઈને વાયરલેસ તરફ દોડ્યો અને પોતાના કમાન્ડરને ફોન જોડ્યો.

"ઇબ્રાહિમ ટૂ નાદિર, ઇબ્રાહિમ ટૂ નાદિર ! જનાબ... અમારા પર હિંદુસ્તાની ફૌજે આક્રમણ કર્યું છે... અમને.... " કાનના પડદા ફાડી નાખતો ભયાનક અવાજ થયો અને હજી તે પોતાનો મેસેજ પૂરો કરે તે પહેલાં જ એ અફસરના ધબકારા થંભી ગયાં, હંમેશ માટે ! સામે છેડે વાત કરી રહેલાં પાકિસ્તાનીએ અનેક કોશિશો કરી, પણ વાયરલેસમાં સોપો છવાયેલો રહ્યો. એ બંકર અને અફસર સમેત ત્યાં હાજર રહેલાં સાત જણાં ખતમ થઇ ચૂક્યા હતાં !

ધૂમધડાકાના અવાજ સાંભળીને ફરી કોઈ મોકડ્રીલમાં ભાગ લેવું પડશે એમ વિચારીને ત્રીજી ચોકી પર ફરજ બજાવતાં જવાનો કંટાળ્યા, પણ જયારે તેમણે પોતાની મોર્ટાર તોપોને ભંગારમાં ફેરવાતી જોઈ ત્યારે તેમનો વહેમ ભાંગ્યો. ખુન્નસપૂર્વક તેમણે સાજા બચેલાં હથિયારો સંભાળી મશીનગનથી ભારતીય ચોકીઓ તરફ ફાયરીંગ શરુ કર્યું ! અલબત્ત તેમનો પ્રતિકાર લાંબો ચાલે એ પહેલાં જ તેમને પણ બાકીની બે ચોકીઓ જેમ મૂંગા કરી નાખવામાં આવ્યાં.

માત્ર પંદર મિનિટમાં ભારતીય સૈનિકોએ તેમની દિવાળી મનાવી લીધી. જોકે એ માટે ભારતીય જાસૂસો અને પાકિસ્તાની ચોકીઓના હાઈક્વોલિટી ફોટા પૂરા પાડનાર એવિએશન રિસર્ચ ખાતાને પણ યશ આપવો રહ્યો. ‘વાજતે ગાજતે’ બદલાનું પહેલું પ્રકરણ સમાપ્ત થયું. સરહદ પર શહીદ થયેલા પાકિસ્તાની સૈનિકોને જન્નત અને હૂરો મળશે કે કેમ એ વિષે ચર્ચા કરવા હવે ભારતીય જવાનો નવરા પડ્યાં !!

***

અંધારું ઘેરાઈ ચૂક્યું હતું. ઠંડીએ ચમકારો બતાવવાનું શરુ કર્યું હતું. અરબી સમુદ્ર, ભારતના પશ્ચિમી તટને હિન્દ મહાસાગર સાથે જોડતો એ દરિયો અત્યારે શાંત હતો. શાંત પાણી પર સ્વચ્છ આકાશમાં ખીલેલા પૂનમના ચંદ્રમાનું જરા અસ્પષ્ટ પ્રતિબિંબ આમથી તેમ, હળવા પવન સાથે હિલોળા લઇ રહ્યું હતું. ખારા પાણી પર ગાઢ ધુમ્મસે હૂકુમત જમાવી હતી. વાદળાંઓ સાથે સમુદ્રનું જાણે સ્નેહ મિલન રચાયું હોય, એવો ભાસ થઈ રહ્યો હતો !

નિતાંત શાંતિ વચ્ચે ત્રણ મધ્યમ કદની, અંધાર પછેડો ઓઢેલી મનવારો અરબી સમુદ્રના પાણીને ચિરતી, ત્રિકોણ જેવા આકારમાં એકબીજાથી નિયત અંતર રાખીને પાછળ સફેદ ફીણની ભાત પાડતી પૂરઝડપે આગળ ધસી રહી હતી. એ ત્રણેય કોઈ સામાન્ય મનવાર ન હતી, પણ ભારતીય નૌકાદળની સ્ટીલ્ધ (રેડારની પકડમાં ન આવે એવી) ફ્રિગેટ્સ હતી. 6200 ટનનું વજન ધરાવતી, 468 ફીટ લાંબી અને 55 ફીટ પહોળી દરેક ફ્રિગેટ 76 મિલિમીટરની મુખ્ય તોપ ઉપરાંત અત્યાધુનિક રડાર, સરફેસ ટૂ એર મિસાઈલ, સરફેસ ટૂ સરફેસ મિસાઈલ, સુપરસોનિક ક્રુઝ મિસાઈલ, ટોરપિડો, ડેપ્થચાર્જ અને અન્ય આધુનિકતમ તકનીકોથી સજ્જ હતી, ગમે તેવા ભૂંડા દુશ્મનને ઠંડા કલેજે ફાડી ખાય એવી સિંહણો જેવી ખૂંખાર હતી. ત્રણેયની માત્ર જરૂર પૂરતી લાઈટો ચાલુ રાખવામાં આવી હતી, ઉપરાંત તેમનું અસ્તિત્વ છૂપું રાખવા માટે અત્યાર સુધીની સફર દરમિયાન સખત રેડીયો સાયલેન્સ જાળવવામાં આવ્યો હતો.

તૂતક પર નાવિકોની વણઅટકી દોડધામ ચાલુ હતી. ઠંડી કે અંધકારનો તેમને કોઈ ફરક ન પડતો હોય એમ જુસ્સાથી તેઓ કામ કરી રહ્યા હતાં. જાણે ખરાખરીનું યુદ્ધ લડવા જવાનું હોય, એ હદની પૂર્વતૈયારીઓ ચાલુ હતી. પણ ના, એ લોકો યુદ્ધ લડવા માટે નહોતા જઈ રહ્યા ! એક ખૂબ જ અગત્યનું સિક્રેટ મિશન એ કાફલાને સોંપવામાં આવ્યું હતું, જે ગમે તે ભોગે પૂરું થવું જરૂરી હતું. સતત આઠ કલાકની સફર પછી તેઓ પોરબંદર વટાવીને કચ્છના અખાત પાસે પહોંચ્યા....

સૌથી આગળ હંકારી રહેલી ફ્રિગેટના કમાન્ડ બ્રિજની બારીઓમાંથી બે ચકોર આંખો નાઈટવિઝન દૂરબીનથી સામેના દ્રશ્યોનું અવલોકન કરી રહી હતી. આગળ ગાઢ ધુમ્મસ હોવાને લીધે દૂરબીન જોકે ખાસ કંઈ કામ નહોતું આપી રહ્યું. થોડીવાર એમ જ દૂરબીન માંડી રાખ્યા પછી તેણે આંખો પરથી દૂરબીન હટાવ્યું, રેડારના ડિસ્પ્લેમાં જોયું. રેડાર પણ કોઈ પ્રકારની હલચલ વગર સૂન્ન પડ્યું હતું. માત્ર લીલી, ગ્રીડ લાઈનોવાળી ડિસ્પ્લે, અને તેના પર અવિરત ફરી રહેલો ડિજિટલ કાંટો દેખાઈ રહ્યો હતો. રેડાર પરથી નજર હટાવી જરા વાર તે ફરી એમ જ બ્રિજની બારી બહાર જોતો ઉભો રહ્યો.

માથા પર સફેદ, નેવીનો અફસર પહેરે તેવી ટોપી, સંપૂર્ણ સફેદ યુનિફોર્મ, સફેદ જોડા અને એવો જ બેલ્ટ ! અંધારામાં પણ દેખાઈ આવે એવો પહેરવેશ ! શર્ટમાં છાતીની જમણી બાજુ તેનું નામ દર્શાવતી સફેદ પટ્ટી અને ડાબી બાજુએ બીજી લાલ-બ્લુ એવા વિવિધ રંગો ધરાવતી પટ્ટીઓ, જે ખિસ્સાની બરાબર ઉપર હતી. એ પટ્ટીઓથી થોડી ઉપર નેવીનો સોનેરી રંગથી મઢેલો ચિહ્ન શોભી રહ્યો હતો. ખભા પર કેપ્ટનની રેન્ક દર્શાવતું ઇન્સેગ્નિયા જડેલું હતું. નામની પટ્ટી પર કાળા અક્ષરોમાં અંગ્રેજીમાં લખેલું હતું 'દિપક મિશ્રા' !

દિપક મિશ્રા, કેપ્ટન દિપક મિશ્રા એ મારકણાં કાફલાનો સરદાર હતો. અરબી સમુદ્રનો ભોમિયો ! પચાસેક વર્ષની આસપાસ ઉંમર. બેઠી દડીનું, જરા ભરાવદાર શરીર. ક્લીન શેવ્ડ, સાધારણ રતાશ પડતો લંબગોળ ચહેરો, ચહેરાના પ્રમાણમાં જરા મોટી આંખો. ટૂંકા હાથ અને કમર પર સખત રીતે બાંધેલા બેલ્ટને લીધે જરા વધુ ઉપસેલું લાગતું પેટ ! અદ્દલ કોઈ સરકસના કલાકાર જેવો હુલિયો. બેશક, એ કલાકાર હતો, પણ સરકસનો નહીં, યુદ્ધ મેદાનનો ! વેસ્ટર્ન નેવીનો તે માનીતો બાશિન્દો હતો. અરબી સમુદ્રના 'ખૂણે ખૂણા'નો નકશો જાણે તેના મગજમાં અંકિત હતો. ભેજાબાજ પણ ખરો ! '99 માં કારગીલની લડાઈ વખતે દુશ્મનનું નાક દબાવવા માટે પાકિસ્તાની જહાજોને ડરાવવાનો પેંતરો રચનાર અફસરોમાં તે પણ શામેલ હતો.

" લેફ્ટનન્ટ ! તારું ટેલિસ્કોપ રીપેર થયું કે મારે આ બિલાડીની આંખોથી જ કામ ચલાવવું પડશે ?" તેણે થોડે દૂર આછા પ્રકાશમાં કશુંક મરમ્મત કરી રહેલાં લેફ્ટનન્ટને પૂછ્યું. અડધા કલાકથી એ જુવાન પોતાના ખેપાની દિમાગની મદદથી એક ટેલિસ્કોપ રીપેર કરવાની વ્યર્થ કોશિશો કરી રહ્યો હતો.

" બસ સર, પાંચ મિનિટ ! " તેણે હાથમાં સ્ક્રૂ ડ્રાઇવર પકડીને જ જવાબ આપ્યો. કેપ્ટન મિશ્રા કંટાળ્યો. સતત ચોથીવાર લેફ્ટનન્ટે પાંચ મિનિટની મુદ્દત આપી હતી.

" સાલ્લું કેવું કહેવાય, નેવીવાળા એક સાજુ-સમું ટેલિસ્કોપ નથી આપી શકતાં ! " તેણે પોતાનો બળાપો કાઢ્યો.

આખરે મુદ્દત પતી. કોઈ મોટું જહાજ ડૂબાડ્યું હોય એટલા ગર્વથી લેફ્ટનન્ટ હાથમાં ટેલિસ્કોપ લઈને હાજર થયો ! દિપક મિશ્રાએ તેના હાથમાંથી એ સાધન લઇ, લંબાવીને ફરી બારી બહાર નજર કરી. થોડે દૂર તેને દીવાદાંડી જેવું કશુંક દેખાયું. તેણે ટેલિસ્કોપની ફોકલ લેન્થ વધુ સચોટ રીતે ગોઠવી, પાક્કું અવલોકન કર્યા પછી ટેલિસ્કોપ પેલાં લેફ્ટનન્ટને પકડાવતાં કહ્યું.. " જો, સામે શું દેખાય છે ? "

લેફ્ટનન્ટે એક આંખ ટેલિસ્કોપમાં માંડીને સામે જોયું.

" અરે વાહ, આખરે આપણે પહોંચ્યા ખરાં ! " તેણે કહ્યું.

" ના ડફોળ ! આ પીરોટન ટાપુ છે, કચ્છનો દરિયા કિનારો નહીં. નવાસવા સગારખેડુઓ આને કચ્છનો દરિયાકિનારો સમજીને ગફલત કરી બેસે છે. કુલ 42 નાના-મોટા ટાપુઓમાંથી પ્રવાસીઓને માત્ર આ એક જ ટાપુ પર ફરવાની પરમિશન મળે છે. બાકીના અમુક પર આપણી ચોકીઓ છે. આપણે અહીંથી દક્ષિણ-પૂર્વ તરફ વધવાનું છે. આ બધા દરિયાઈ 'માર્ગો' મગજમાં કોતરી લેજે. "

" પણ સર ! આપણને તો કચ્છના અખાતમાં જખૌ બંદર તરફ જવાનું છે ને ! તો અહીં... "

"એક વાત બરાબર યાદ રાખી લે લેફ્ટનન્ટ !" દિપક મિશ્રાનો અવાજ જરા કડક થયો. "ઝડપી પ્રમોશન મેળવવું હોય, તો પોતાના ઉપરીનો આદેશ વગર દલીલે માની લેવાનો ! કેમ નેવીએ આ બધું તને ટ્રેનિંગમાં નથી શીખવ્યું. ?"

લેફ્ટનન્ટે હકારમાં ડોકું ધુણાવ્યું. "વેલ, તને એક વાત કદાચ ગમે લેફ્ટનન્ટ !" કેપ્ટન મિશ્રાએ બોલવાનું ચાલુ રાખ્યું... "આ આખો વિસ્તાર માછલીઓની ખેતી માટે પ્રખ્યાત છે. પાછા વળતી વખતે અહીંથી થોડી માછલીઓ ઉપાડી અને મિજબાની કરીશું." અનાયાસે જ દિપક મિશ્રાની જીભ તેના હોઠ પર ફરી વળી.

"હેં, ખેતી ?"

"અરે મતલબ કે અહીં ઉચ્ચ કક્ષાની માછલીઓનું સંવર્ધન થાય છે, ખરેખર તો આ એક દરિયાઈ અભ્યારણ્ય છે. !" કેપ્ટને સમજ પાડી.

ધીરે ધીરે પીરોટન નજીક આવતો ગયો. ટાપુથી સાત કિલોમીટરનું અંતર રાખીને જ એ કાફલો દક્ષિણ- પશ્ચિમ તરફ વળ્યો. એકાદ બે કિલોમીટર આગળ હંકાર્યા પછી તેઓ એક કુદરતી બારા પાસે આવી પહોંચ્યા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED